પ્રધાનમંત્રીનું કાર્યાલય

“પારદર્શક કર વ્યવસ્થા- પ્રામાણિકનું સન્માન” ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 13 AUG 2020 12:38PM by PIB Ahmedabad

દેશમાં ચાલી રહેલા માળખાગત સુધારાનો ક્રમ આજે એક નવા મુકામ પર આવી પહોંચ્યો છે. પારદર્શક “કર વ્યવસ્થા- પ્રમાણિકનું સન્માન” એ 21મી સદીની કર વ્યવસ્થાની, નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પ્લેટફોર્મમાં ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને કરદાતાઓનો અધિકારપત્ર જેવા મોટા સુધારા છે. જેમાં ફેસલેસ અસેસમેન્ટ અને કરદાતાઓનો અધિકારપત્ર આજથી લાગુ થઈ ગયા છે. જ્યારે ફેસલેસ અપીલની સુવિધા 25મી સપ્ટેમ્બર એટલે કે દીન દયાળ ઉપાધ્યાયજીના જન્મજંયતીએ સમગ્ર દેશમાં એક સાથે તમામ નાગરિકો માટે લાગુ થઈ જશે. હવે કર વ્યવસ્થા ફેસલેસ બની રહી છે, પરંતુ તે કરદાતા માટે વાજબીપણા અને ભય વિહીનતાનો વિશ્વાસ આપનારી બની રહેશે.

હું તમામ કરદાતાઓને તેના માટે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું અને સાથે-સાથે આવકવેરા વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પણ અભિનંદન પાઠવુ છું

સાથીઓ,

વિતેલા છ વર્ષોમાં બેંકની સગવડ વગરના લોકોને બેંકની સગવડ અને સુરક્ષા વગરના લોકોને સુરક્ષા આપવામાં તથા જેને ભંડોળ મળતુ નથી તેને ભંડોળ આપવામાં અમારૂ ધ્યાન કેન્દ્રિત થયેલુ રહ્યુ છે. એક રીતે કહીએ તો આજે એક નવી યાત્રા શરૂ થઈ ગઈ છે. એમાં ઈમાનદારને સન્માન આપવાની વાત છે. દેશનો પ્રમાણિક કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે દેશના ઈમાનદાર કરદાતાનુ જીવન સરળ બને છે, ત્યારે તે આગળ વધવાનુ શરૂ કરે છે, દેશનો પણ વિકાસ થાય છે અને દેશ પણ આગળ વધતો રહે છે.

સાથીઓ,

આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓમાં ઓછામાં ઓછુ સરકારીપણુ અને મહત્તમ સુશાસન માટે અમારી કટિબધ્ધતા રહેશે. દેશવાસીઓના જીવનમાંથી સરકારને અને સરકારી દખલને ઓછી કરવાની દિશામાં આ એક મહત્વનુ પગલું ભરવામાં આવ્યુ છે.

સાથીઓ,

આજે દરેક નિયમને, દરેક કાયદા-કાનૂનને, દરેક નીતિને પ્રક્રિયા હેઠળ લાવીને તથા સત્તાલક્ષી અભિગમમાંથી બહાર લાવીને લોકલક્ષી અને લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવવાના પ્રયાસ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ નવા ભારતના નવા શાસન મોડલનો એક પ્રયોગ છે અને તેનાં સુખદ પરિણામો દેશને પ્રાપ્ત થઈ રહ્યાં છે. દરેક વ્યક્તિને એ બાબતનો અનુભવ થઈ રહ્યો છે કે, ટૂંકા રસ્તા અપનાવવા યોગ્ય નથી. ખોટી પદ્ધતિઓ અને નુસખા અપનાવવાનુ પણ યોગ્ય નથી. એ સમય હવે પાછળ છૂટી ગયો છે. હવે દેશમાં એવુ વાતાવરણ પેદા થઈ રહ્યુ છે કે, જેમાં કર્તવ્ય ભાવનાને સર્વોપરી ગણીને તમામ કામ કરવામાં આવે છે.

સવાલ એ છે કે પરિવર્તન છેવટે કઈ રીતે આવી રહ્યું છે ? આ પરિણામ શું માત્ર કડકાઈને કારણે હાંસલ થયુ છે ? કે પછી તે સજા આપવાને કારણે પ્રાપ્ત થયું છે? ના બિલકુલ નહિ. તેનાં ચાર મોટાં કારણો છે.

પ્રથમ કારણ છે નીતિ આધારિત શાસન, જ્યારે નીતિ બિલકુલ સ્પષ્ટ હોય છે, ત્યારે તેમાં તકલીફ ધરાવતી બાબતો લઘુત્તમ થઈ જાય છે અને એ કારણે વ્યાપારમાં, બિઝનેસમાં મુનસફીની ગુંજાયેશ ઓછી થઈ જાય છે.

બીજુ, સામાન્ય માણસોની ઈમાનદારી ઉપર વિશ્વાસ.

ત્રીજુ સરકારી પધ્ધતિમાં માનવ દખલને ઓછી કરવા માટે ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ. આજે સરકારી ખરીદી હોય કે સરકારી ટેન્ડર કે પછી સરકારી સેવાઓ આપવાની કામગીરી હોય, આ તમામ જગ્યાઓએ ટેકનોલોજીકલ ઈન્ટરફેસ સેવા આપી રહી છે.

અને ચોથુ, અમારી જે સરકારી મશીનરી છે, જે અધિકારીતા છે, તેમાં કાર્યક્ષમતા, પ્રમાણિકતા અને સંવેદનશીલતાના ગુણો દાખવાય તેને સન્માનિત કરવામાં આવી રહ્યો છે. તેને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.

સાથીઓ,

એક એવો સમય હતો કે, જ્યારે સુધારાની ઘણી વાતો કરવામાં આવતી હતી, ક્યારેક મજબૂરીને કારણે કેટલાક નિર્ણયો લેવામાં આવતા હતા, જેને સુધારા કહેવામાં આવતા હતા. આવી સ્થિતિને કારણે ધાર્યાં પરિણામ પ્રાપ્ત થતાં ન હતાં. હવે તે જોઈને વિચારધારા અને અભિગમ બંનેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અમારા માટે સુધારાનો અર્થ એ છે કે, સુધારા નીતિ આધારિત હોય, તે ટુકડામાં આપવામાં ના આવે અને તેની રજૂઆત સમગ્રલક્ષી રીતે થતી હોય. આ ઉપરાંત એક સુધારાને આધારે બીજો સુધારો બને, નવા સુધારા માટે માર્ગ મોકળો થાય, અને એવુ પણ નથી કે એક વાર સુધારો કરીને પછી અટકી જવાનુ છે. સુધારણા એ નિરંતર ચાલુ રહેનારી પ્રક્રિયા છે. વિતેલા થોડાંક વર્ષોમાં દેશમાંથી દોઢ હજારથી વધુ કાયદાઓને નાબૂદ કરવામાં આવ્યા છે.

બિઝનેસ કરવામાં આસાનીના રેંકીંગના મામલે ભારત આજથી થોડાં વર્ષ પહેલાં 134મા સ્થાને હતુ. આજે ભારતનુ રેંકીંગ 63 છે. રેંકીંગમાં આટલો મોટો ફેરફાર આવવા પાછળ અનેક કારણ કામ કરે છે. અનેક નિયમો અને સુધારા કરીને મોટાં પરિવર્તન લાવવામાં આવ્યાં છે. સુધારા લાવવા તરફ ભારતની કટિબધ્ધતાને જોઈને ભારત ઉપર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ સતત વધતો જઈ રહ્યો છે. કોરોનાના આ સંકટના સમયમાં પણ ભારતમાં વિક્રમ પ્રમાણમાં સીધુ વિદેશી મૂડીરોકાણ આવ્યુ છે તે એનું મોટુ ઉદાહરણ છે.

સાથીઓ,

ભારતની કર વ્યવસ્થામાં મૂળભૂત રીતે માળખાગત સુધારાની જરૂર એટલા માટે હતી કારણ કે આપણી આ વ્યવસ્થા ગુલામીના સમય ગાળામાં બની હતી. એ પછી તેમાં ક્રમશઃ ફેરફારો થતા ગયા અને આઝાદી પછી તેમાં જ્યાં-ત્યાં થોડા ફેરફારો કરવામાં આવ્યા. પરંતુ મોટા ભાગે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા એ જ રહી હતી.

આનુ પરિણામ એ આવ્યું કે, જે કરદાતા રાષ્ટ્ર નિર્માણ માટે દેશનો મહત્વનો સ્થંભ છે તે, જે દેશને ગરીબીમાંથી બહાર કાઢવામાં પોતાનુ યોગદાન આપી રહ્યો છે તેને કઠેડામાં ઉભો કરી દેવામાં આવ્યો હતો. આવક વેરાની નોટિસ એક આદેશ જેવી બાબત બની ગઈ. દેશની સાથે કપટ કરનારા કેટલાક મુઠ્ઠીભર લોકોને કારણે ઘણા બધા લોકોએ બીનજરૂરી પરેશાનીમાંથી પસાર થવુ પડતુ હતુ. એક રીતે જોઈએ તો કરવેરો આપનારા લોકોની સંખ્યામાં ગર્વ સાથે વધારો થતો રહેવો જોઈતો હતો, પરંતુ તે સાંઠગાંઠની અને ગઠબંધનની વ્યવસ્થા બની ગઈ હતી.

આવી વિસંગતિને વચ્ચે કાળા અને ધોળા (નાણાં)નો વ્યવહાર પણ ફૂલતો ફાલતો ગયો. આ વ્યવસ્થાને કારણે પ્રમાણિકતાથી પોતાનો વેપાર ધંધો કરનારા લોકોને, રોજગારી આપનારા લોકોને તથા દેશની યુવા શક્તિને પ્રોત્સાહિત કરવાને બદલે તેને કચડી નાખવાનુ કામ થયું હતુ.

સાથીઓ,

જ્યાં જટિલતા હોય છે, ત્યાં નિયમપાલન ખૂબ મુશ્કેલ બની જતુ હોય છે. કાયદા ઓછામાં ઓછા હોય અને જે કાયદા હોય તે પણ ખૂબ જ સ્પષ્ટ હોવા જોઈએ, આવુ બને ત્યારે કરદાતા ખૂશ રહે છે અને દેશ પણ ખુશ રહે છે. વિતેલા થોડા સમયથી આવી જ કામગીરી કરવામાં આવી રહી છે. ડઝનબંધ વેરાને બદલે જીએસટી આવી ગયો છે. રિટર્નથી માંડીને રિફંડની વ્યવસ્થાને પણ સંપૂર્ણ રીતે ઓનલાઈન કરી દેવામાં આવી છે.

જે નવી સ્લેબ પધ્ધતિ આવી છે તેના કારણે કારણ વગર દસ્તાવેજ અને કાગળો રજૂ કરવાની મજબૂરીમાંથી પણ મુક્તિ મળી ગઈ છે. અને એટલુ જ નહી અગાઉ રૂ. 10 લાખ કે તેનાથી વધુ કરના વિવાદ બાબતે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં જવામાં આવતુ હતુ. હવે હાઈકોર્ટમાં રૂ. 1 કરોડ સુધીના અને સુપ્રિમ કોર્ટમાં રૂ. 2 કરોડ સુધીની કેસની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વિવાદ સે વિશ્વાસ જેવી યોજનાઓનો આશય એ રહ્યો છે કે, મોટા ભાગની બાબતોનો કોર્ટની બહાર જ નિકાલ આવી જાય. આનુ પરિણામ એ આવ્યુ છે કે, આશરે ત્રણ લાખ જેટલી બાબતો (કેસ)નો નિકાલ આવી ગયો છે.

સાથીઓ,

પ્રક્રિયાઓની જટિલતાની સાથે-સાથે દેશમાં કરવેરા પણ ઓછા કરી દેવામાં આવ્યા છે. રૂ. 5 લાખ સુધીની આવક ઉપર હવે શૂન્ય કર લાગે છે. બાકી સ્લેબમાં પણ વેરો ઓછો કરી દેવામાં આવ્યો છે. કોર્પોરેટ વેરાની બાબતમાં આપણે સૌથી ઓછો વેરો લેનારા દેશમાંના એક તરીકે ગણના પામીએ છીએ.

સાથીઓ,

આપણી કોશિશ એ રહી છે કે, આપણી કર વ્યવસ્થા સીમલેસ હોય, પેઈન લેસ હોય, ફેસલેસ હોય, સીમલેસનો અર્થ એવો થાય છે કે કર વહિવટનુ તંત્ર કરદાતાને મુંઝવવાને બદલે તેની તકલીફો હલ કરવાની દિશામાં કામ કરતુ રહે. પેઈન લેસ એટલે કે ટેકનોલોજીથી માંડીને નિયમો સુધીની વ્યવસ્થા સરળ હોય. ફેસલેસનો અર્થ એવો થાય છે કે, કરદાતા કોણ છે અને કર અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ નહી રહેવો જોઈએ. આજથી જે સુધારા લાગુ થઈ રહ્યા છે, તે આવી જ વિચારધારાને આગળ ધપાવવાના છે.

સાથીઓ,

અત્યાર સુધી એવુ બનતુ હતુ કે, જે શહેરમાં આપણે રહેતા હતા તે શહેરનો કરવેરા વિભાગ કર અંગેની તમામ બાબતો હાથ ધરતો હતો. સ્ક્રૂટિની હોય કે પછી નોટિસ હોય, સર્વે હોય કે પછી જપ્તી હોય, તેમાં તે શહેરના આવક વેરા વિભાગની જ મુખ્ય ભૂમિકા રહેતી હતી. હવે એક રીતે કહીએ તો તે ભૂમિકા ખતમ થઈ ગઈ છે. હવે તેમાં ટેકનોલોજીની મદદથી ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે સ્ક્રૂટિનીની બાબતો દેશના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ અધિકારીને રેન્ડમ ધોરણે વહેંચવામાં આવે છે. એટલે કે હવે મુંબઈના કોઈ કરદાતા સાથે જોડાયેલા વેરાનો મામલો સામે આવે છે, ત્યારે તેની તપાસની જવાબદારી મુંબઈના અધિકારીની પાસે રહેતી નથી. પરંતુ શકય છે કે, તે ચેન્નાઈની ફેસલેસ ટીમની પાસે પહોંચે અને ત્યાંથી પણ જે આદેશ નીકળે તેની સમીક્ષા કોઈ બીજા શહેરની એટલે કે બેંગ્લોર કે જયપુરની ટીમ કરતી હોય. હવે ફેસલેસ ટીમ ક્યાંની હશે, તેમાં કોણ-કોણ હશે તે હવે રેન્ડમ ધોરણે નક્કી કરવામાં આવે છે, અને તેમાં દર વર્ષે ફેરફાર પણ થતો રહેશે.

સાથીઓ,

આ પ્રકારની પધ્ધતિને કારણે કરદાતાને આવકવેરા કચેરી વચ્ચે ઓળખાણ રહેવાના કે પ્રભાવ દર્શાવવાનો કે દબાણ કરવાની કોઈ તક જ નહી પ્રાપ્ત થાય. બધા લોકો પોતાની જવાબદારી મુજબ કામ કરતા રહેશે. વિભાગને આ કારણે લાભ એ થશે કે, બિનજરૂરી કાનૂનબાજી નહી થાય. બીજુ ટ્રાન્સફર અને પોસ્ટીંગમાં કામે લગાડવી પડતી બિનજરૂરી ઉર્જામાંથી પણ હવે રાહત મળી જશે. એક રીતે કહીએ તો વેરા સાથે જોડાયેલી બાબતોમાં તપાસની સાથે-સાથે અપીલની કામગીરી પણ હવે ફેસલેસ રહેશે.

સાથીઓ,

કરદાતાનો અધિકારપત્ર પણ દેશની વિકાસ યાત્રામાં એક મોટો પ્રયાસ બની રહેશે. ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર કરદાતાઓના અધિકારો અને ફરજોને કોડિફાઈ કરવામાં આવ્યા છે. તેને માન્યતા આપવામાં આવી છે. કરદાતાઓને આ રીતે સન્માનને સુરક્ષા પૂરી પાડનારા ગણ્યા ગાંઠ્યા દેશોમાં ભારતનો હવે સમાવેશ થઈ ગયો છે.

હવે કરદાતાને ઉચિત, વિનમ્ર અને તર્કસંગત વ્યવહારનો ભરોસો પૂરો પાડવામાં આવ્યો છે. એનો અર્થ એ થાય કે આવકવેરા વિભાગે કરદાતાનું ગૌરવ અને સંવેદનશીલતાનો ખ્યાલ રાખવો પડશે. હવે કરદાતાની વાતનો વિશ્વાસ કરવો પડશે. વિભાગ તેને કોઈ કારણ વગર શંકાની નજરે જોઈ શકશે નહી. જો કોઈ પણ પ્રકારની શંકા હોય તો કરદાતાને હવે અપીલ અને સમીક્ષાનો અધિકાર આપવામાં આવ્યો છે.

સાથીઓ,

અધિકાર હંમેશાં જવાબદારીની સાથે જ આવતો હોય છે. આ અધિકારપત્રમાં પણ કરદાતા પાસેથી કેટલીક જવાબદારીઓની અપેક્ષા રાખવામાં આવી છે. કરદાતાએ કર આપવો કે સરકારે કર લેવો તે કોઈ હક્ક કે અધિકારનો વિષય નથી, પણ તે બંનેની જવાબદારી બની રહે છે. કરદાતાએ કર એટલા માટે આપવાનો રહે છે, કારણ કે તેને કારણે જ વ્યવસ્થા ચાલતી હોય છે. એક મોટી વસ્તી તરફની અને દેશ તરફની તે ફરજ બજાવી શકે છે.

આ વેરામાંથી ખુદ કરદાતાને પોતાની પ્રગતિ માટે બહેતર સુવિધા અને માળખાગત સુવિધાઓ મળતી રહે છે. બીજી તરફ સરકારની પણ એ જવાબદારી છે કે, કરદાતાની પાઈએ પાઈનો સદુપયોગ કરવામાં આવે. આવી સ્થિતિમાં હાલમાં કરદાતાઓને જે સુવિધા અને સુરક્ષા મળી રહી છે, તો દેશ પણ કરદાતા પોતાની ફરજ બાબતે જાગૃત રહે તેવી અપેક્ષા રાખતો હોય છે.

સાથીઓ,

દેશ વાસીઓ પર ભરોસોએ વિચારધારાનો પ્રભાવ છે કે, જમીની સ્તરે નજરે પડે તે સમજવું ખૂબ જરૂરી બની રહે છે. વર્ષ 2012-13માં જેટલા વેરાનાં રિટર્ન ભરાતાં હતાં, તેમાંથી 0.94 ટકાની સ્ક્રૂટીની થતી હતી. વર્ષ 2018-19માં આ આંકડો ઘટીને 0.26 ટકા ઉપર આવી ગયો છે. એનો અર્થ એ થયો કે, કેસની સ્ક્રૂટીની હવે ચાર ગણી ઓછી થઈ ગઈ છે. આ ઘટના સ્વયં દર્શાવે છે કે, પરિવર્તન કેટલા વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યુ છે.

સાથીઓ,

વિતેલા 6 વર્ષમાં ભારતમાં કર વહિવટમાં શાસનનું એક નવું મોડલ વિકસી રહેલું જોવા મળે છે. અમે જટિલતા ઘટાડી છે, કર વેરા ઓછા કર્યા છે, કાનૂની વિવાદો ઓછા કર્યા છે. પારદર્શકતામાં વધારો કર્યો છે. કરવેરાના પાલનના પ્રમાણમાં વધારો થયો છે. કરદાતા તરફના વિશ્વાસમાં પણ વધારો થયો છે.

સાથીઓ,

આ તમામ પ્રયાસોની વચ્ચે 6 થી 7 વર્ષમાં આવક વેરો ભરનારા લોકોની સંખ્યામાં અઢી કરોડનો વધારો થયો છે, પરંતુ એ બાબત પણ સાચી છે કે 130 કરોડની જન સંખ્યા ધરાવતા દેશમાં આ સંખ્યા ખૂબ જ ઓછી છે. આટલા મોટા દેશમાં માત્ર દોઢ કરોડ સાથીઓ જ આવક વેરો જમા કરાવે છે. દેશે આ બાબતે આત્મચિંતન કરવાની જરૂર છે. આત્મનિર્ભર ભારત માટે, આત્મ ચિંતન જરૂરી છે, અને આ જવાબદારી માત્ર કર વેરા વિભાગની જ નથી પણ, જે કર આપવા માટે સક્ષમ છે, પરંતુ હજુ તે ટેક્સ નેટમાં નથી તેવા દરેકે દરેક ભારતીયની છે. તેમણે સ્વ-પ્રેરણાથી આગળ આવવાની જરૂર છે, તેવો મારો આગ્રહ છે અને અપેક્ષા પણ.

આવો, વિશ્વાસના, અધિકારોના, જવાબદારીઓના, પ્લેટફોર્મનું સન્માન કરતાં નવા ભારત, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિધ્ધ કરીએ અને વધુ એક વાર દેશના હાલના અને ભાવિ ઈમાનદાર કરદાતાઓનું સન્માન કરતાં હું તેમને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવુ છું અને આ પહેલ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આવકવેરા અધિકારીઓને પણ જેટલી શુભેચ્છાઓ પાઠવીએ એટલી ઓછી છે. દરેક કરદાતાને, દરેક આવકવેરા અધિકારીઓને પણ શુભેચ્છાઓ પાઠવવી જોઈએ કારણ કે, એક પ્રકારે તેમણે પોતાની ઉપર બંધનો નાખ્યા છે. પોતાની શક્તિથી, પોતાના અધિકારોને તેમણે પોતે કાઢ્યા છે. જો આવકવેરા વિભાગના અધિકારીઓ આ રીતે આગળ આવતા રહ્યા તો કોને ગર્વ નહિ થાય. દરેક દેશવાસીને ગર્વ થવો જ જોઈએ. અને પહેલાના સમયમાં કદાચ વેરાને કારણે કેટલાક સમયથી તે જ લોકોએ વેરો ભરવાના રસ્તા પર જવાનું પસંદ નહિ કર્યું હોય. હવે જે રસ્તો બની રહ્યો છે, તે વેરો ભરવાની તરફનો આકર્ષક રસ્તો બની ગયો છે. અને એટલા માટે જ, ભવ્ય ભારતના નિર્માણમાં આ વ્યવસ્થાનો લાભ લો, આ વ્યવસ્થાથી જોડાવા પણ આગળ આવો. હું ફરી એકવાર તમારા સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ કરું છું, ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું. નિર્મલાજી  અને તેમની સમગ્ર ટીમનો પણ ખૂબ-ખૂબ ધન્યવાદ કરું છું કે એક પછી એક દેશમાં ઉજ્જવળ ભવિષ્ય માટે લાંબા ગાળા સુધી પ્રભાવ ઉત્પન્ન કરવાવાળી અનેક સકારાત્મક નિર્ણયોનું નેતૃત્વ કરી રહ્યા છે. હું ફરી એક વાર બધાને શુભેચ્છાઓ પાઠવુ છું, બધાનો ધન્યવાદ કરું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ !

 

SD/GP/BT

 

 


(Release ID: 1645539) Visitor Counter : 331