પ્રધાનમંત્રીનું કાર્યાલય

આંદામાન અને નિકોબાર ટાપુમાં સબમરીન કેબલ કનેક્ટીવિટીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 10 AUG 2020 12:23PM by PIB Ahmedabad

ભારતની આઝાદીના તપ માટેના અને સંકલ્પ માટેના સ્થળ આંદામાન-નિકોબારની ભૂમિ અને ત્યાં નિવાસ કરનારા તમામ લોકોને મારા નમસ્કાર !!!

આજનો દિવસ આંદામાન-નિકોબારમાં અનેક ટાપુઓમાં વસેલા લાખો સાથીઓ માટે તો મહત્વનું છે જ, પણ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે.

સાથીઓ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝને નમન કરતાં-કરતાં આશરે દોઢ વર્ષ પહેલાં મને દરિયાની અંદર ઓપ્ટીકલ ફાયબર કનેક્ટિવીટીની યોજનાનો શુભારંભ કરવાની મને તક મળી હતી. મને એ બાબતનો આનંદ છે કે, હવે આ કામગીરી પૂરી થઈ છે અને આજે તેનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પણ મને હાંસલ થયુ છે. ચેન્નાઈથી પોર્ટ બ્લેયર, પોર્ટ બ્લેયરથી લીટલ આંદામાન અને પોર્ટ બ્લેયરથી સ્વરાજ દ્વીપ સુધી આંદામાન નિકોબારના મોટા હિસ્સામાં આ સેવા આજથી શરૂ થઈ ચૂકી છે.

હું આંદામાન નિકોબારના લોકોને આ સુવિધા પ્રાપ્ત થવા માટે તથા અનેક અવસરોથી સભર આ કનેક્ટીવિટી માટે ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. સ્વતંત્રતા દિવસ પહેલાં આંદામાનના લોકોને એક પ્રકારે આ 15 ઓગસ્ટ પહેલાં આ સપ્તાહમાં એક પ્રેમભર્યા ઉપહારની જેમ તેને હું અવસર માનું છું.

સાથીઓ, સમુદ્રની અંદર આશરે 2300 કિ.મી. સુધી કેબલ પાથરવાનું આ કામ સમય પહેલાં પૂર્ણ કરવામાં આવ્યું છે. તમે ઘણું પ્રશંસનીય કામ કર્યું છે. ઉંડા સમુદ્રની અંદર સર્વે કરવો, કેબલની ગુણવત્તા જાળવી રાખવી, વિશેષ જહાજો મારફતે કેબલ બિછાવવા એ આસાન કામ ન હતું. આ બધા સિવાય સમુદ્રની ઉંચી લહેરો અને તોફાન તથા વરસાદને કારણે આવતો અવરોધ. જેટલો મોટો આ પ્રોજેકટ હતો, તેટલા જ મોટા પડકારો પણ તેમાં હતા અને તે પણ એક રીતે જોઈએ તો વર્ષોથી આ સુવિધાની જરૂરિયાત અનુભવાતી હતી, પરંતુ કામ થઈ શક્યું ન હતું. મને આનંદ છે કે, તમામ અવરોધો દૂર કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એટલું જ નહીં, કોરોના જેવી આપત્તિ કે, જેણે તમામ કામ અટકાવી દીધા હતા, પણ તે આ કામગીરીને રોકવામાં સફળ થઈ શક્યો નહીં.

સાથીઓ, દેશનો ઈતિહાસ, વર્તમાન અને ભવિષ્ય માટે આટલા મહત્વપૂર્ણ સ્થાનને, ત્યાંના પરિશ્રમી નાગરિકોને આધુનિક ટેલિફોન કનેક્ટીવિટી આપવી તે દેશની એક જવાબદારી હતી. એક તદ્દન સમર્પિત ટીમ મારફતે, સંઘ ભાવના સાથે આજે એક જૂનુ સપનું સાકાર થયું છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા દરે સાથીને પણ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છે.

સાથીઓ, આવા પડકારયુક્ત કામો ત્યારે જ શક્ય બની શકે કે, જ્યારે સંપૂર્ણ ક્ષમતાની સાથે, સંપૂર્ણ કટિબધ્ધતાની સાથે કામ કરવામાં આવે. આપણાં સૌનું એ સમર્પણ રહ્યું છે કે, દેશનો દરેક નાગરિક, દરેક વિસ્તારથી દિલ્હી સુધી અને દિલથી જોડાઈને અંતરને દૂર કરવામાં આવે. અમારૂં એ સમર્પણ રહ્યુ છે કે, દેશના દરેક વ્યક્તિ અને દરેક વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચે. લોકોનું જીવન સરળ બને. અમારૂં એ પણ સમર્પણ રહ્યું છે કે, રાષ્ટ્રની સાથે જોડાયેલા સરહદી વિસ્તારો અને સમુદ્રી સરહદો ઉપર વસેલા વિસ્તારોમાં ઝડપથી વિકાસ થાય.

સાથીઓ, આંદામાન અને નિકોબાર બાકીના દેશ અને દુનિયા સાથે જોડાઈ રહ્યો છે. ઓપ્ટીકલ ફાયબર પ્રોજેક્ટ, જીવન જીવવામાં સરળતા તરફની અમારી કટિબધ્ધતાનું પ્રતિક છે. હવે આંદામાન-નિકોબારના લોકોને પણ મોબાઈલ કનેક્ટીવિટી અને ઝડપી ઈન્ટર્નેટની સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે કે, જેના માટે સમગ્ર દુનિયામાં આજે ભારતને અગ્રણી ગણવામાં આવે છે. આંદામાન-નિકોબારના લોકોને, બહેનો અને બાળકો તથા યુવાનોને, વેપારીઓ અને ધંધાર્થીઓને પણ ડીજીટલ ઈન્ડિયાના આ તમામ લાભ મળી શકશે, જે આજે દેશના બાકીના લોકોને મળી રહ્યા છે. ઓનલાઈન અભ્યાસ હોય કે પ્રવાસન પ્રવૃત્તિ હોય, કમાણી હોય કે બેંકીંગ હોય, શોપીંગ હોય કે દવા હોય. હવે આંદામાન-નિકોબારના હજારો પરિવારને આ બધુ ઓનલાઈન મળી શકશે.

સાથીઓ, આજે આંદામાન નિકોબારને જે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે તેનો ઘણો મોટો લાભ અહિં આવનારા પ્રવાસીઓને પણ મળશે. શ્રેષ્ઠ નેટ કનેક્ટીવિટી એ આજે કોઈપણ પ્રવાસન સ્થળ માટે સૌથી પહેલી પ્રાથમિકતા બની ગઈ છે. પહેલા દેશ અને દુનિયાના પ્રવાસીઓને મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટીવિટી ઓછી હોવાથી ખૂબ જ નડતરરૂપ લાગતું હતું. એક રીતે કહીએ તો પોતાના બિઝનેસ સાથેનો નિરંતર સંપર્ક તૂટી જતો હતો. હવે ઊણપ પૂરી થવાથી સારૂ ઈન્ટરનેટ પ્રાપ્ત થશે. મને પૂરો વિશ્વાસ છે કે, લોકો વધુ લાંબા સમય માટે અહિંયા આવશે અને વધુ રોકાશે. જ્યારે વધુ લોકો રોકાશે ત્યારે આંદામાન નિકોબારના સમુદ્રનો, અહીની ખાણી-પીણીનો આનંદ પણ મેળવશે અને તેની ખૂબ મોટી અસર રોજગારી ઉપર પણ પડશે. રોજગારી માટે નવી તકો ઉપલબ્ધ થશે.

સાથીઓ, આંદામાન નિકોબાર ભારતના આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ અને સંકલનનું મુખ્ય કેન્દ્ર છે. હિંદ મહાસાગર હજારો વર્ષોથી ભારતની વેપારી અને વૈશ્વિક સામર્થ્યનું કેન્દ્ર રહ્યું છે. હવે જ્યારે ઈન્ડો પેસિફીક વિસ્તારમાં વ્યાપાર અને વ્યવસાયોના સહયોગની નવી નીતિ અન રીતિ ચાલી રહી છે, ત્યારે આંદામાન નિકોબાર સહિત તમામ ટાપુઓનું મહત્વ ઘણું વધી ગયું છે. એક્ટ- ઈસ્ટ પોલિસી હેઠળ પૂર્વ એશિયાના દેશો અને સમુદ્ર સાથે જોડાયેલા દેશો સાથે ભારતના મજબૂત સંબંધોમાં આંદામાન નિકોબારની ભૂમિકા ઘણી મોટી છે અને તેમાં નિરંતર વધારો થતો રહેવાનો છે. નવા ભારતમાં આંદામાન નિકોબાર દ્વીપ સમૂહની આ ભૂમિકાને મજબૂત કરવા માટે ત્રણ વર્ષ પહેલાં આઈલેન્ડ ડેવલપમેન્ટ એજન્સીની રચના કરવામાં આવી હતી. આજે તમે જોઈ રહ્યા છો કે, આંદામાન નિકોબારમાં પ્રોજેક્ટ લાંબા સમય સુધી પૂરા થતા ન હતા તે હવે ઝડપથી પૂર્ણ થવા લાગ્યા છે.

સાથીઓ, આંદામાન નિકોબારના 12 ટાપુઓમાં હાઈ ઈમ્પેક્ટ પ્રોજેક્ટસનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટીવિટીની ખૂબ મોટી સમસ્યાનો ઉપાય આજે પ્રાપ્ત થઈ ચૂક્યો છે અને તે સિવાય પણ રસ્તાઓ, એર અને વોટર કનેક્ટીવિટી મારફતે તેને સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ઉત્તર અને મધ્ય આંદામાનની રોડ કનેક્ટીવિટીને મજબૂત બનાવવા માટે બે મોટા બ્રીજ અને નેશનલ હાઈવે-4ને પહોળો કરવા બાબતે પણ ઝડપથી કામગીરી ચાલી રહી છે. પોર્ટે બ્લેયર એરપોર્ટમાં એક સાથે 1200 પ્રવાસીને હેન્ડલ કરવાની ક્ષમતા આગામી થોડાક મહિનાઓમાં પૂર્ણ થઈ જશે.

આ સિવાય પણ, દિગ્લીપુર, કાર નિકોબાર અને કેમ્પબેલ-બેમાં પણ એરપોર્ટ, સંચાલન માટે સજ્જ બન્યા છે. સ્વરાજ દ્વીપ, શહિદ દ્વીપ અને લોન્ગ આઈલેન્ડમાં પેસેન્જર ટર્મિનલ, તરતી જેટ્ટી જેવા વોટર એરોડ્રામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આવનારા થોડાક મહિનાઓમાં તૈયાર થઈ જશે. ત્યાર પછી અહિંયા ઉડાન યોજના હેઠળ સી- પ્લેનની સેવા પણ શરૂ થઈ જશે. તેના કારણે એક ટાપુની બીજા ટાપુ સાથેની કનેક્ટીવિટી મજબૂત બનશે અને આવવા-જવાનો તમારો સમય પણ ખૂબ ઓછો થઈ જશે.

સાથીઓ, ટાપુની વચ્ચે અને બાકીના દેશ સાથે વોટર કનેક્ટીવિટીની સુવિધા વધારવા માટે કોચી શીપયાર્ડમાં જે ચાર જહાજ બનાવવામાં આવી રહ્યા છે, તેની ડિલીવરી પણ આવનારા થોડાક મહિનાઓમાં મળી જશે. અમારો પ્રયાસ એ રહ્યો છે કે, હવે પછીના એક વર્ષમાં મોટા જહાજોની મરામત કામગીરીની સુવિધા પણ આ ટાપુ પર જ વિકસીત થઈ જશે. તેના કારણે તમારો સમય બચશે, ખર્ચ પણ બચશે અને રોજગારીની નવી તકો પણ પ્રાપ્ત થશે. તેનો મોટો ઘણો લાભ માછીમારી ક્ષેત્રને પણ થશે.

સાથીઓ, આવનારા સમયમાં આંદામાન નિકોબાર પોર્ટ આધારિત વિકાસના હબ (મથક) તરીકે વિકસિત થવાનું છે. આંદામાન નિકોબાર દુનિયાના ઘણાં બંદરો સાથે ખૂબ સ્પર્ધાત્મક અંતરે આવેલું છે. આજે સમગ્ર દુનિયા એવું માની રહી છે કે, જે દેશમાં બંદરનું નેટવર્ક અને તેની કનેક્ટીવિટી બહેતર હશે, તે 21મી સદીના વેપારને ગતિ આપશે. આવી સ્થિતિમાં આંદામાન-નિકોબારમાં માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલી જે કામગીરી થઈ રહી છે તે વિકાસને નવી ઉંચાઈ સુધી પહોંચાડશે.

સાથીઓ, આજે ભારત જ્યારે આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે એક ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ તરીકે, ગ્લોબલ સપ્લાયર અને વેલ્યુ ચેઈનના એક મહત્વના ખેલાડી તરીકે પોતાને સ્થાપિત કરવામાં જોડાઈ ગયું છે, ત્યારે આપણાં જળ માર્ગો અને આપણાં બંદરોનું નેટવર્ક સશક્ત કરવું ખૂબ જ જરૂરી બની રહે છે. 6 થી 7 વર્ષમાં બંદર વિકાસ અને બંદર આધારિત વિકાસ માટે જે કામગીરી થઈ રહી છે તેનાથી દેશને એક નવી તાકાત મળી છે.

આજે આપણે જળ માર્ગોનું એક મોટું નેટવર્ક તૈયાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ, જે સમુદ્રના મોટા બંદરોને દેશના લેન્ડ લોક્ડ રાજ્યો સાથે જોડી રહ્યું છે. અગાઉ બંદરની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં કાનૂની અવરોધ હતા તેને પણ સતત દૂર કરવામાં આવી રહ્યા છે. સરકારનું ધ્યાન સમુદ્ર માર્ગે બિઝનેસને આસાની પ્રોત્સાહિત કરવામાં અને મેરિટાઈમ લોજીસ્ટીક્સને સરળ બનાવવાનું કામ પણ થઈ રહ્યું છે. આ રીતે દુનિયાના સૌથી મોટા સિંગલ વિન્ડો પ્લેટફોર્મને તૈયાર કરાવ ઉપર પણ ભાર મૂકાઈ રહ્યો છે.

સાથીઓ, આ જ પ્રકારના અનેક પ્રયાસોને કારણે હવે દેશના પોર્ટ નેટવર્કની ક્ષમતા અને સામર્થ્ય બંનેનું વિસ્તરણ થયું છે. ત્રણ દાયકાની પ્રતિક્ષા પછી પૂર્વ સાગરકાંઠે પ્રથમ ડીપ ડ્રાફ્ટ ગ્રીનફીલ્ડ સી-પોર્ટને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી ચૂકી છે. આ રીતે પૂર્વ સાગર કાંઠે ડીપ ડ્રાફ્ટ ઈનર હાર્બરના નિર્માણની કામગીર ઝડપભેર આગળ વધી રહી છે.

હવે ગ્રેટ નિકોબારમાં આશરે રૂ.10 હજાર કરોડના સંભવિત ખર્ચથી ટ્રાન્સશીપમેન્ટ પોર્ટનું નિર્માણ કરવાની દરખાસ્ત છે. અમારી એ કોશિશ રહી છે કે, આગામી 4 થી 5 વર્ષમાં તેનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવે. એક વખત જ્યારે આ પોર્ટ બનીને તૈયાર થઈ જશે, ત્યારે મોટા-મોટા જહાજો પણ અહિં શકશે અને તેના કારણે સમુદ્રી વેપારમાં પણ હિસ્સેદારી વધશે અને આપણાં યુવાનોને નવી તકો મળતી રહેશે.

સાથીઓ, આજે આંદામાન નિકોબારમાં જે કોઈપણ આધુનિક માળખાગત સુવિધાઓ તૈયાર થઈ રહી છે તેનાથી બ્લૂ ઈકોનોમીને ગતિ મળશે. બ્લૂ ઈકોનોમીનો એક મોટો હિસ્સો માછીમારી, આકવા કલ્ચર અને સી-વીડ ફાર્મીંગનો પણ છે. સી-વીડના ફાયદાઓ અંગે આજે દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. ઘણાં દેશો તેની સંભાવનાઓ ચકાસી રહ્યા છે. મને એ બાબતનો આનંદ છે કે, આંદામાન નિકોબારમાં આ સંભાવનાઓ ચકાસવા માટે પોર્ટ બ્લેરમાં જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, તેના પરિણામો પણ પ્રોત્સાહિત કરનારા નીવડશે. હવે તેની ખેતીને ટાપુઓમાં પ્રોત્સાહિત કરવા માટેના અભ્યાસ પણ થઈ ચૂક્યા છે. આ પ્રયોગ જો વ્યાપક સ્તરે સફળ બની રહેશે તો તેનું દેશના અન્ય સ્થળોએ પણ વિસ્તરણ થઈ શકે છે. તેના કારણે ખાસ કરીને આપણાં માછીમાર સાથીઓને ખૂબ મોટો લાભ થશે. મને આશા છે કે, અમારો આજનો પ્રયાસ આ દાયકામાં આંદામાન નિકોબારને, ત્યાં વસવાટ કરતા લોકોને માત્ર નવી સગવડો જ નહીં, પણ વિશ્વના પ્રવાસન નકશામાં મહત્વના સ્થાન તરીકે પ્રસ્થાપિત કરશે.

ફરી એક વખત આપ સૌ આંદામાન નિકોબાર વાસીઓને મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ કનેક્ટીવિટીની આ આધુનિક સુવિધા માટે ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હાલમાં જ્યારે કોરોનાનો સમય છે, ત્યારે વિશેષપણે તમને વિનંતી કરૂં છું કે, તમે સ્વસ્થ રહ, સુરક્ષિત રહો, તમારો પરિવાર સ્વસ્થ રહે. કોરોનાના આ સમયમાં બે ગજના અંતરનું પાલન કરતાં રહો અને આગળ પણ વધતા રહો.

આ શુભેચ્છા સાથે સ્વતંત્રતાની આ તપોભૂમિને અને 15 ઓગસ્ટ પહેલાં આપ સૌને નમન કરવાની મને તક મળી છે. હું આપ સૌને 15 ઓગસ્ટની પહેલાં, આઝાદીના પર્વ પહેલાં આજે જે મોટી તક મળી છે તેના માટે ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું. ઉજ્જવળ ભવિષ્યની નવી છલાંગ માટે તમને આગળ આવવા માટે નિમંત્રિત કરૂં છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ !

 

SD/GP/BT

 



(Release ID: 1644761) Visitor Counter : 283