પ્રધાનમંત્રીનું કાર્યાલય

3 આઇસીએમઆર લેબોરેટરીઝમાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19 પરીક્ષણ સુવિધાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 27 JUL 2020 6:05PM by PIB Ahmedabad

નમસ્કાર!!

દેશના કરોડો નાગરિકો કોરોના વૈશ્વિક મહામારી સામે ઘણી બહાદૂરીપૂર્વક લડી રહ્યા છે.

આજે જે હાઇ ટેક સ્ટેટ ઓફ ધ આર્ટ ટેસ્ટિંગ સુવિધાનો પ્રારંભ થયો છે તેના વડે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને કોરોના વિરુદ્ધની લડાઈમાં વધારે તાકાત મળવાની છે.

સાથીઓ,

દિલ્હી એનસીઆર, મુંબઈ અને કોલકાતા આર્થિક પ્રવૃત્તિઓના મોટા કેન્દ્રો છે. અહિયાં દેશના લાખો યુવાનો પોતાની કારકિર્દીને, પોતાના સપનાઓને પૂરા કરવા માટે આવે છે. હવે આ ત્રણેય જગ્યાઓ ઉપર પરીક્ષણ માટેની જે ઉપલબ્ધ ક્ષમતા છે, તેમાં 10 હજાર પરિક્ષણની ક્ષમતાનો વધુ ઉમેરો થવા જઈ રહ્યો છે.

હવે આ શહેરોમાં પરીક્ષણો વધુ ઝડપથી થઈ શકશે. એક સારી વાત એ પણ છે કે, આ હાઇ ટેક લેબ માત્ર કોરોના પરીક્ષણો સુધી જ મર્યાદિત રહેવાની નથી.

ભવિષ્યમાં, હિપેટાઇટીસ બી અને સી, એચઆઈવી, ડેન્ગ્યુ સહિતની અનેક બીમારીઓના પરિક્ષણ માટે પણ આ લેબ્સમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રકારની વ્યવસ્થાઓ તૈયાર કરવા માટે ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- ICMR અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલ સાથીઓને પણ ખૂબ-ખૂબ અભિનંદન.

સાથીઓ,

દેશમાં જે રીતે યોગ્ય સમય પર યોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે, આજે તેનું જ પરિણામ છે કે, ભારત અન્ય દેશોની સરખામણીએ ઘણી સારી સ્થિતિમાં છે. આજે આપણા દેશમાં કોરોના વડે થનાર મૃત્યુ, મોટા-મોટા દેશોની સરખામણીએ ઘણા ઓછા છે. બીજી બાજુ આપણે ત્યાં સાજા થવાનો દર અન્ય દેશોની સરખામણીએ ઘણો વધુ છે અને દિવસે-દિવસે વધુ સુધરી રહ્યો છે. આજે ભારતમાં કોરોનાનો ચેપ લાગ્યા પછી સાજા થનારાઓની સંખ્યા લગભગ-લગભગ 10 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે.

સાથીઓ,

કોરોના વિરુદ્ધ આ મોટી અને લાંબી લડાઈની માટે સૌથી મહત્વપૂર્ણ એ હતું કે, દેશમાં ઝડપની સાથે કોરોના સ્પેસિફિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરનું પણ નિર્માણ થાય. તે જ કારણે એકદમ શરૂઆતમાં જ કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી દીધી હતી.

આઇસોલેશન સેન્ટર હોય, કોવિડ સ્પેશ્યલ હોસ્પિટલ હોય, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રેકિંગ સાથે જોડાયેલ નેટવર્ક હોય, ભારતે ઘણી તીવ્રતા સાથે પોતાની ક્ષમતાઓનો વિસ્તાર વધાર્યો છે. આજે ભારતમાં 11 હજારથી વધુ કોવિડ સુવિધાઓ છે, 11 લાખથી વધુ આઇસોલેશન બેડ છે.

સાથીઓ,

જાન્યુઆરીમાં આપણી પાસે કોરોના ટેસ્ટ માટે જ્યાં માત્ર એક જ કેન્દ્ર હતું, ત્યાં આજે લગભગ-લગભગ  1300 લેબ્સ આખા દેશમાં કામ કરી રહી છે. આજે ભારતમાં 5 લાખથી વધુ ટેસ્ટ દરરોજ થઈ રહ્યા છે. આવનાર અઠવાડિયાઓમાં તેને રોજના 10 લાખ સુધી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સાથીઓ,

કોરોના મહામારી દરમિયાન દરેક વ્યક્તિ માત્ર એક જ સંકલ્પ સાથે લાગેલો છે કે, એક-એક ભારતીયને બચાવવાનો છે. આ સંકલ્પે ભારતને આશ્ચર્યજનક પરિણામો પ્રદાન કર્યા છે. ખાસ કરીને, પીપીઈ, માસ્ક અને ટેસ્ટ કીટ્સના સંદર્ભમાં ભારતે જે કર્યું છે, તે એક બહુ મોટી સફળ ગાથા છે. એક સમયે ભારતમાં એક પણ પીપીઈ કીટ બનતી નહોતી. આજે ભારત, વિશ્વનું બીજું સૌથી મોટું પીપીઈ કીટ ઉત્પાદક છે. માત્ર 6 મહિનાઓ પહેલા દેશમાં એક પણ પીપીઈ કિટનું ઉત્પાદન નહોતું થતું. આજે 1200થી વધુ ઉત્પાદકો દરરોજ 5 લાખથી વધુ પીપીઈ કીટ બનાવી રહ્યા છે. એક સમયે ભારત એન-95 માસ્ક પણ બહારથી મંગાવતું હતું. આજે ભારતમાં 3 લાખથી વધુ એન-95 માસ્ક દરરોજ બની રહ્યા છે.

એક સમય હતો જ્યારે ભારત વેન્ટિલેટર્સ માટે પણ બીજા દેશોની ઉપર નિર્ભર હતો. આજે ભારતમાં દર વર્ષે 3 લાખ વેન્ટિલેટર્સ બનાવવાની ઉત્પાદક ક્ષમતા વિકસિત થઈ ચૂકી છે. આ દરમિયાન મેડિકલ ઑક્સીજન સિલિન્ડર્સના ઉત્પાદનમાં પણ ઘણી વૃદ્ધિ કરવામાં આવી છે.

બધા લોકોના આ સામૂહિક પ્રયાસોના કારણે આજે માત્ર લોકોના જીવન જ નથી બચી રહ્યા, પરંતુ જે વસ્તુઓ આપણે આયાત કરતાં હતા, હવે દેશ તેમનો નિકાસકાર બની રહ્યો છે.

સાથીઓ,

આટલા ઓછા સમયમાં આટલું મોટું ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવું, કેટલો મોટો પડકાર રહ્યો છે, તેનાથી તમે પણ સુપેરે પરિચિત છો. એક બીજો મોટો પડકાર હતો, કોરોના વિરુદ્ધની લડાઈ માટે દેશમાં માનવ સંસાધનને તૈયાર કરવું. જેટલા ઓછા સમયમાં આપણાં પેરામેડિક્સ, આશા વર્કર્સ, એએનએમ, આંગણવાડી અને અન્ય આરોગ્ય અને સિવિલ વર્કર્સને તાલીમ આપવામાં આવી, તે પણ અભૂતપૂર્વ છે.

આજે જો ભારતની કોરોના સામે લડાઈને જોઈને દુનિયા આશ્ચર્યચકિત છે, મોટી-મોટી આશંકાઓ ખોટી સાબિત થઈ રહી છે, તો તેનું એક મોટું કારણ આપણાં આ ફૂટ સોલ્જર પણ છે.

સાથીઓ,

કોરોના વિરુદ્ધની આ લડાઈમાં આજે આપણે એ સ્થિતિ પર પહોંચી ગયા છીએ, જ્યારે આપણી પાસે જાગૃતિની અછત નથી, વૈજ્ઞાનિક માહિતીનો વિસ્તાર થઈ રહ્યો છે અને સંસાધન પણ વધી રહ્યા છે.

હવે આપણે રાજ્યના સ્તર પર, જિલ્લા બ્લોક અને ગામના સ્તર પર માંગ અને પુરવઠાના વ્યવસ્થાપનને વધુ મજબૂત કરવાનું છે.

આપણે સાથે મળીને નવું હેલ્થ ઇન્ફ્રા તો બનાવવાનું જ છે, જે આપણી પાસે ગામેગામમાં સરકારી અને ખાનગી દવાખાનાઓ છે, ક્લિનિક છે, તેમને વધુ સક્ષમ પણ બનાવવાના છે. આ આપણે એટલા માટે પણ કરવાનું છે કે, જેથી કરીને આપણા ગામડાઓમાં કોરોના સામેની લડાઈ નબળી ના પડે. અત્યાર સુધી ગામડાઓએ તેમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

અને તેની સાથે જ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે, આપણા કોરોના યોદ્ધા કોઈપણ પ્રકારના થાકનો શિકાર ના બને. આપણે નવા અને નિવૃત્ત વ્યવસાયિકોને આરોગ્ય વ્યવસ્થા સાથે જોડવા માટે પણ સતત કામ કરવું પડશે.

સાથીઓ,

આવનાર સમયમાં ઘણા બધા તહેવારો આવવાના છે. આપણાં આ ઉત્સવો, ઉલ્લાસનું કારણ બને, લોકોમાં ચેપ ના ફેલાય તેની માટે આપણે જરૂરી દરેક સાવચેતી રાખવાની છે. આપણે એ પણ જોતાં રહેવું પડશે કે, ઉત્સવના આ સમયમાં ગરીબ પરિવારોને કોઈ તકલીફ ના પડે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ દરેક ગરીબ પરિવાર સુધી સમયસર પહોંચે, આપણે એ પણ નક્કી કરવાનું છે.

સાથીઓ,

આપણાં દેશના પ્રતિભાવાન વૈજ્ઞાનિકો કોરોના રસી માટે ઝડપથી કામ કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી કોઈ અસરકારક દવા અથવા રસી નથી આવતી ત્યાં સુધી માસ્ક, 2 ગજની દૂરી, હેન્ડ સેનિટાઇઝર્સ જ આપણો વિકલ્પ છે. આપણે પોતાને પણ બચવાનું છે અને ઘરમાં નાની મોટી ઉંમરના બધા લોકોને પણ બચાવવાના છે.

મને વિશ્વાસ છે કે, કોરોના વિરુદ્ધ લડાઈ, આપણે બધા સાથે મળીને લડીશું અને જીતીશું. એક વાર ફરી આ હાઇ ટેક સુવિધાઓ માટે ખૂબ-ખૂબ અભિનંદન.

તમારો ખૂબ-ખૂબ આભાર !!!

 

SD/GP/BT



(Release ID: 1641680) Visitor Counter : 261