PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
प्रविष्टि तिथि:
19 JUL 2020 6:16PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 19.07.2020

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ: છેલ્લા 24 કલાકમાં 23,600થી વધુ દર્દી સાજા થયા; સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 3 લાખ કરતાં વધારે; પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા 10,000ની નજીક
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે અને વધુ 23,672 દર્દી સાજા થઇ ગયા છે. કોવિડ-19ના સક્રિય કેસો અને સાજા થઇ ગયેલા કેસો વચ્ચેનો તફાવત પણ વધીને 3,04,043 થઇ ગયો છે. દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 6,77,422 થઇ છે અને સાજા થવાનો દર 62.86% નોંધાયો છે. હાલમાં દેશમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસોની સંખ્યા 3,73,379 છે જેમને હોસ્પિટલમાં અથવા હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,58,127 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આજદિન સુધીમાં કુલ 1,37,91,869 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TEM)ની સંખ્યા વધીને 9994.1 થઇ ગઇ છે. દેશમાં કોવિડના પરીક્ષણ માટે નિદાન લેબોરેટરીઓના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાથી હાલમાં 889 સરકારી ક્ષેત્રની લેબોરેટરી અને 373 ખાનગી ક્ષેત્રની લેબોરેટરી સાથે કુલ 1262 લેબોરેટરી કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે.
ભારતમાં મૃત્યુદર (CFR) ઘટીને પહેલી વખત 2.5% થયો; 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો CFR નોંધાયો
અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચના, સઘન અને ઝડપી પરીક્ષણ તેમજ સર્વગ્રાહી સંભાળના ધોરણોના અભિગમના આધારે નિર્ધારિત કરવામાં આવેલા તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલના કારણે દેશમાં મૃત્યુદરમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં મૃત્યુદરમાં એકધારો પ્રગતિપૂર્વક ઘટાડો થઇ રહ્યો છે અને હાલમાં તે 2.49% સુધી પહોંચી ગયો છે. ભારત સમગ્ર દુનિયામાં કોવિડના કારણે સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક છે. 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયેલો મૃત્યુદર (CFR) ભારતના સરેરાશ CFRની સરખામણીએ ઓછો છે. 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શૂન્ય CFR છે. 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1% કરતાં ઓછો CFR છે.
નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ત્રીજી G20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકોના ગવર્નરોની બેઠકમાં ભાગ લીધો
નાણાં મંત્રીએ, કોવિડ-19 સામે પ્રતિક્રિયા માટે G20 એક્શન પ્લાન અંગે વાત કરી હતી જેને G20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોએ અગાઉ 15 એપ્રિલ 2020ના રોજ યોજાયેલી તેમની બેઠકમાં અનુમોદન આપ્યું હતું. આ G20 પ્લાનમાં આરોગ્ય પ્રતિક્રિયા, આર્થિક પ્રતિક્રિયા, મજબૂત અને ટકાઉક્ષમ રિકવરી અને આંતરરાષ્ટ્રીય આર્થિક સંકલન જેવા આધારસ્તંભો હેઠળ સહિયારી પ્રતિબદ્ધતાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ મહામારી સામે G20ના પ્રયાસોનું સંકલન કરવાનો છે. શ્રીમતી સીતારમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ એક્શન પ્લાન સાંદર્ભિક અને અસરકારક રહે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રીમતી સીતારમણે આ એક્શન પ્લાન અંગે આગળના માર્ગ બાબતે પોતાનો પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો હતો અને નિકાસ વ્યૂહનીતિની સ્પિલ-ઓવર ઇફેક્ટ્સ (અસંબંધિત ઘટનાના કારણે આર્થિક અસર)નો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. કોવિડ-19 સામેની પ્રતિક્રિયામાં કેવી રીતે અર્થતંત્રો તેમની પૂરવઠા બાજુ અને માંગ બાજુને માપે છે તે એક્શન પ્લાનમાં પ્રતિબિંબિત થવું જોઇએ તે બાબત પર વિશેષ ભાર મૂકતા શ્રીમતી સીતારમણે તેમના સમકક્ષ અન્ય દેશોના નાણાં મંત્રીઓને એ બાબતે માહિતી આપી હતી કે, કેવી રીતે ભારત મોટાપાયે પ્રવાહિતા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને રોજગારી બાંયધરી યોજનાઓ દ્વારા આ સંતુલન સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે.
ઉપરાષ્ટ્રપતિએ કોવિડ-19 મહામારી સામે લડવામાં લોકો સાથે સહભાગીતા કરવા બદલ મીડિયાની પ્રશંસા કરી
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુએ કોરોના વાયરસના ઉપદ્રવ અને કોવિડ-19 મહામારીના ફેલાવાના સમયમાં લોકો સુધી જરૂરી માહિતી, વિશ્લેષણો અને આ મહામારીના વિવિધ પાસાઓ અંગે પ્રરિપ્રેક્ષ્ય સંબંધિત માહિતી પહોંચાડીને સશક્ત કરવા બદલ તેમજ વર્તમાન મહામારી સામે લડવામાં ચિંતાગ્રસ્ત અને ભયભીત લોકો સાથે સહભાગીતા કરીને તેમને હિંમત આપવા બદલ મીડિયાની પ્રશંસા કરી હતી. તેમણે વ્યાપક જનસંખ્યામાં જાગૃતિ લાવવા માટે મહામારી અંગે તમામ વિગતો રજૂ કરી રહેલા મીડિયા કર્મચારીઓને તેમના સમર્પિત પ્રયાસો બદલ ‘અગ્ર હરોળના યોદ્ધા’ ગણાવ્યા હતા. શ્રી નાયડુએ આજે “મીડિયા: કોરોનાના સમયમાં આપણો સહભાગી” શીર્ષક સાથે પોતાની ફેસબુક પોસ્ટમાં જ્યારથી કોરોના વાયરસનો ઉપદ્રવ થયો ત્યારથી છેલ્લા કેટલાક મહિનામાં મીડિયાએ ભજવેલી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો અને “અસરકારક રીતે લોકો સુધી માહિતી પહોંચાડવાની તેમની મૂળભૂત કામગીરી કરવા, મહામારી સામે લડવા માટે લોકોને માહિતી આપવી અને તેમને સશક્ત બનાવવા તેમજ કટોકટીના સમયમાં આપણા ભરોસાપાત્ર સહભાગી તરીકે આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો બનવા બદલ” તમામ મીડિયા અને મીડિયા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639724
CIPETને PPE કિટના પરીક્ષણ અને પ્રમાણીકરણ માટે NABL દ્વારા માન્યતા મળી
રસાયણ અને ખાતર ઉદ્યોગ મંત્રાલયના રસાયણ અને પેટ્રો-કેમિકલ્સ વિભાગ અંતર્ગત આવતી ટોચના સ્તરની અગ્રણી સંસ્થા કેન્દ્રીય પેટ્રો-કેમિકલ્સ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સંસ્થા (CIPET)ને PPE કિટ્સનું પરીક્ષણ અને પ્રમાણીકરણ કરવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ અને કેલિબ્રેશન લેબોરેટરી માન્યતા બોર્ડ (NABL) દ્વારા માન્યતા આપવામાં આવી છે. PPE કિટ્સમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવેલા હાથમોજાં, કવરઓલ, ફેસ શિલ્ડ અને ગોગલ્સ તેમજ ત્રિ-સ્તરીય તબીબી માસ્ક વગેરે સામેલ હોય છે. કોવિડ-19 સામેની લડાઇમાં CIPETને પ્રાપ્ત થયેલી આ વધુ એક સિદ્ધિ છે અને ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણની દિશામાં તેમનું પગલું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639766
દુર્ગાપુર સ્થિત CSIR-CMERI દ્વારા કાર્યસ્થળ માટે કોવિડ સુરક્ષા સિસ્ટમ (COPS)નું અનાવરણ કરવામાં આવ્યું
પ્રવર્તમાન મહામારીના સમયમાં દુર્ગાપુર સ્થિત CSIR-CMERI દ્વારા કાર્યસ્થળ માટે કોવિડ સુરક્ષા સિસ્ટમ (COPS)નું અનાવરણ કરવામાં આવ્યું છે જે મહામારી સામે કર્મચારીઓની સુરક્ષા માટે ગેમ-ચેન્જર પૂરવાર થઇ શકે છે. કાર્યસ્થળ માટે COPSમાં સંપર્કરહિત સૌર ઉર્જા આધારિત ઇન્ટેલિજન્ટ માસ્ક સ્વયંચાલિત ડિસ્પેન્સિંગ યુનિટ તેમજ થર્મલ સ્કૅનર (IntelliMAST), સંપર્કરહિત ફ્યૂસેટ (TouF) અને 360° કાર ફ્લશર સમાવવામાં આવ્યા છે જે હવે ટેકનોલોજી ટ્રાન્સફર અને ઉત્પાદનના ઓર્ડર માટે તૈયાર છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639728
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- પંજાબઃ પંજાબ સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ પૂરું પાડવા માટે ઝૂંબેશ શરૂ કરી છે અને હવે એનિમેશન વીડિયો દ્વારા બાળકોને શિક્ષિત કરવા માટે એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે.
- હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશના રાજ્યપાલે રાજભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉના જિલ્લા પ્રશાસન, ઔદ્યોગિક સંગઠનો અને મુખ્ય ઔદ્યોગિક એકમોના વડાઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. તેમણે જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક એકમો દ્વારા જે મુશ્કેલીઓનો સામનો કરવામાં આવે છે તે અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિનો અસરકારક સામનો કરવા આર્થિક ગતિવિધીઓ ચાલુ રાખવી અને કેન્દ્રિત પ્રયત્નો હાથ ધરવા જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પ્રશાસને તે સુનિશ્ચિત કરવું જોઇએ કે યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વર્ગો સુધી પહોંચે.
- કેરળઃ તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં સાત ડૉક્ટર સહિત કુલ 18 આરોગ્ય સંભાળ કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવતાં 150થી વધારે કર્મચારીઓને ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. મેડિકલ કોલેજના બિન-કોવિડ વોર્ડમાં કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાજ્યમાં કોવિડ-19ના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજતાં કુલ મૃત્યુઆંક વધીને 41 થઇ ગયો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્રીય ચૂંટણી પંચને જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિના કારણે રાજ્યમાં વિધાનસભાની બે બેઠકો ઉપર પેટાચૂંટણી યોજી શકાય તેમ નથી. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના 593 નવા સક્રિય કેસોની પુષ્ટિ થઇ હતી. અત્યારે 6,416 દર્દીઓ સારવાર હેઠળ છે અને વિવિધ જિલ્લાઓમાં 1.73 લાખ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
- તામિલનાડુઃ પુડુચેરીમાં કોવિડ-19ના ચેપનો દર 14.2% જેટલો વધી જતાં આરોગ્ય મંત્રી મલ્લાડી ક્રિષ્ણા રાવે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમિયાન 768 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 109 પોઝિટીવ કેસ મળી આવ્યાં છે. રવિવારે તામિલનાડુમાં લૉકડાઉનના અમલના કારણે દૂધના પુરવઠા અને આરોગ્ય સંભાળ સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ અટકી પડી હતી. શ્રીહરીકોટા અવકાશ કેન્દ્ર ખાતે ઊચ્ચ-સુરક્ષા ધરાવતાં એકમના બે કર્મચારીઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવતાં તેમાં સાવધાનીના પગલાં વધારી દેવામાં આવ્યાં છે. તામિલનાડુના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી વિજયભાસ્કરે જણાવ્યું હતું કે કોવિડ-19ના દર્દીઓ પાસેથી સારવારની વધુ પડતી કિંમત વસૂલતી ખાનગી હોસ્પિટલો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર કોવિડના નમૂનાઓ માટે પૂલ ટેસ્ટિંગ હાથ ધરશે. ગઇકાલે 4,807 નવા કેસો અને 88 લોકોના મૃત્યુ નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 1,65,714 છે, જેમાંથી 49,452 કેસો સક્રિય છે, 2,403 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 14,997 છે.
- કર્ણાટક: કર્ણાટકમાં શનિવારે પોઝિટીવ કેસની સંખ્યા 4,537 કરતા વધુ નોંધાઇ હોવાનું અને 93 લોકોના મૃત્યુ થયા હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હોવા છતાં, રાજ્યના મીડિયા બુલેટીનમાં શનિવારે 1,000થી વધુ કેસો લાપતા હતા. બેલાગાવીમાંથી એક જ અઠવાડિયામાં વધુ એક ધારાસભ્યનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ અઠવાડિયામાં બીજા પોઝિટીવ આવેલા ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના છે. પોઝિટીવ કેસોની સંખ્યાનો આલેખ સપાટ રાખવામાં તેમજ મૃત્યુદર શૂન્ય જાળવી રાખવામાં સફળ રહેનારા મૈસૂરમાં હવે કેસોની સંખ્યામાં ફરી વધારો થવા લાગ્યો છે. આ જિલ્લો હવે રાજ્યમાં કોવિડના કારણે સૌથી વધુ મૃત્યુની સંખ્યામાં ત્રીજા ક્રમે આવી ગયો છે. ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 59,652 સક્રિય કેસ: 36,631; મૃત્યુ થયા: 1240; સાજા થયા: 21,775.
- આંધ્રપ્રદેશ: TTDના વધુ ત્રણ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. તબીબોએ પુષ્ટિ કરી હતી કે, તિરુચાનુર મંદિરમાં કામ કરી રહેલા સ્ટાફને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. મંદિરના સત્તાશીધોએ ભક્તો માટે મંદિરમાં દર્શનની સુવિધા બંધ કરી દીધી છે. પૂર્વ ગોદાવરીમાં અસરકારક રીતે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકાવા માટે આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. શાસ્ત્રીઓએ સરકારને વિનંતી કરી હતી કે, તેમને કોરોના યોદ્ધાઓની શ્રેણીમાં સામેલ કરવામાં આવે અને તેમને પણ રૂપિયા 50 લાખનું વીમા કવચ તેમજ આગામી છ મહિના સુધી દર મહિને રૂપિયા 10,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. રાજ્યએ કેન્દ્ર સરકારને માહિતી આપી હતી કે, રાજ્યમાં શાળાઓ 5 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં ગઇકાલે 3963 નવા કેસો પોઝિટીવ નોંધાયા હતા, 1411 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી જ્યારે 52 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 44,609; સક્રિય કેસ: 22,260; મૃત્યુ પામ્યા: 586.
- તેલંગાણા: રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓના વ્યવસ્થાપન માટે જરૂરી એવી જીવનરક્ષક દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર સ્થાનિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો અને વિતરકો સાથે નીકટતાથી કામ કરી રહી છે જેથી જીવનરક્ષક દવાઓ સમગ્ર રાજ્યમાં સરકારી આરોગ્ય સંભાળ કેન્દ્રો અને ફાર્મસી સ્ટોર્સમાં ઉપલબ્ધ થઇ શકે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના નવા 1284 કેસ નોંધાયા હતા, 1902 દર્દીઓ સાજા થઇ ગયા હતા ત્યારે 6 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા; નવા નોંધાયેલા 1284 કેસોમાંથી 667 કેસ GHMC ખાતે નોંધાયા હતા. આજદિન સુધીમાં કુલ નોંધાયેલા કેસ: 43,780; સક્રિય કેસ: 12,765; મૃત્યુ પામ્યા: 409; રજા આપવામાં આવી: 30,607
- મહારાષ્ટ્ર: આરોગ્ય વિભાગના બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઇમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસોની સંખ્યા શનિવારે 1 લાખનો આંકડો વટાવી ગઇ હતી. રાજ્યમાં કોવિડના નવા 8,348 કેસ નોંધાયા હોવાથી મહારાષ્ટ્રમાં પણ કુલ નોંધાયેલા કેસની સંખ્યા 3 લાખ કરતાં વધીને 3,00,937 સુધી પહોંચી ગઇ છે. મુંબઇમાં કોવિડના સંક્રમણની સ્થિતિ થોડી હળવી પડી રહી હોવાના સ્પષ્ટ સંકેતો રૂપે, સોમવારથી ઉપનગરોમાં 16 સિવિક હોસ્પિટલોમાંથી નવ હોસ્પિટલને ‘બિન-કોવિડ’ હબ તરીકે ફરી નિયુક્ત કરવામાં આવશે અને ત્યાં ચોમાસા સંબંધિત બીમારીના દર્દીઓ પર ધ્યાન આપવામાં આવશે.
- ગુજરાત: ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતા તબીબી સ્ટાફની વધતી જરૂરિયાતને પહોંચી વળવા માટે, મેડિકલના વિદ્યાર્થીઓની મદદ લેવા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને સુરક્ષાત્મક સંભાળ, તબીબી સંભાળ, લોજિસ્ટિક્સ અને અન્ય કામગીરીઓ જેમકે આરોગ્ય અને તબીબી ડેટાનું વ્યવસ્થાપન, ડેટા વિશ્લેષણ અને સરકારની 1100 તેમજ 104 હેલ્પલાઇન પર ટેલિ-કાઉન્સેલિંગ જેવી કામગીરીઓમાં નિયુક્ત કરવામાં આવશે. ગુજરાતમાં હાલમાં 13,500 કોવિડ-19ના પોઝિટીવ દર્દીઓ તબીબી સારવાર હેઠળ છે.
- રાજસ્થાન: રાજસ્થાનમાં રવિવારે કોવિડ-19ના વધુ 193 કેસ પોઝિટીવ નોંધાયા હતા અને ત્રણ દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ દર્દીઓની સંખ્યા 28,693 થઇ ગઇ છે. કુલ નોંધાયેલા કેસોમાંથી, 21,266 દર્દીઓ આજદિન સુધીમાં સાજા થઇ ગયા છે જ્યારે 556 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
- મધ્યપ્રદેશ: રાજ્યના હોટસ્પોટ ઇન્દોરમાં કોવિડ-19ના કેસોની સંખ્યા 6,000નો આંકડો વટાવી ગઇ છે. ઇન્દોરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 129 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જેથી મધ્યપ્રદેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત આ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 6,035 થઇ છે.
- ગોવા: ગોવામાં શનિવારે કોવિડ-19ના નવા 180 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 3,484 સુધી પહોંચી ગઇ છે. કુલ 92 દર્દીઓ સાજા થતા તેમને શનિવારે રજા આપવામાં આવી હતી જેથી રાજ્યમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 2,038 થઇ ગઇ છે જ્યારે 1425 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
- અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશ સરકારે રાજ્યના પાટનગર પ્રદેશ ઇટાનગરમાં કોવિડ-19ના સ્થાનિક સંક્રમણની સાંકળ તોડવા માટે 3 ઑગસ્ટ 2020 સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પ્રવેશી રહેલા અર્ધલશ્કરી દળના જવાનો અને આવશ્યક ચીજવસ્તુઓની હેરફેરમાં સંકળાયેલા ટ્રક ચાલકો સહિત તમામ લોકોનું રેપિડ એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 38 હજારથી વધુ સેમ્પલ કોવિડ-19ના પરીક્ષણ માટે એકત્રિત કરવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશમાં SoPમાં સુધારા કરવામાં આવ્યા છે, આવશ્યક સેવાના કર્મચારીઓ કે જેઓ 10 દિવસથી વધુ સમય સુધી રાજ્યમાં આવવા માંગતા હોય તેમણે પરત આવનારાઓ માટેના સામાન્ય SoPનું પાલન કરવાનું રહેશે.
- આસામ: આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફોન દ્વારા રાજ્યમાં કોવિડ-19 અને પૂરની સ્થિતિ વિશે અને બાઘજાન તેલના કુવામાં લાગેલી આગની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. આસામના આરોગ્યમંત્રી શ્રી હિમાંતા બિશ્વા શર્માએ આજે તિનસુકિયા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કોવિડ-19ના દર્દીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા પ્રશાસન અને આરોગ્ય અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને કન્ટેઇન્મેન્ટના માપદંડોની સમીક્ષા કરી હતી.
- મણિપુર: મણિપુરની રાજ્ય સરકાર જીરીબામમાં કોવિડ-19ના કોઇપણ શંકાસ્પદ કેસો છે કે નહીં તેની માહિતી મેળવવા માટે આંગણવાડી અને ASHA વર્કરો દ્વારા સર્વેલન્સની કામગીરી કરી રહી છે.
- મેઘાલય: મેઘાલયમાં કોવિડ-19ના કારણે વધુ બે વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતા. રાજ્યના આરોગ્યમંત્રી એ. એલ. હેકે જાહેરાત કરી હતી કે, કોવિડ-19ના કારણે વધુ બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલામાંથી એક BSFમાંથી છે જ્યારે અન્ય વ્યક્તિ ભારતના જીઓલોજિકલ સર્વે વિભાગમાં કોલકાતા ખાતે કામ કરી હતી અને 5 જુલાઇના રોજ તેઓ મેઘાલય પરત ફર્યા હતા.
- મિઝોરમ: મિઝોરમમાં 1900થી વધારે લોકોને ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આમાંથી 1319 લોકો સરકારી ક્વૉરેન્ટાઇન સુવિધામાં છે જ્યારે બાકીના લોકોને પેઇડ અથવા હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
- નાગાલેન્ડ: નાગેલન્ડમાં કોવિડ-19ના વધુ 10 કેસો પોઝિટીવ હોવાની આજે પુષ્ટિ થઇ છે. નવા નોંધાયેલા કેસોમાંથી 6 કોહીમામાં, 2 મોકોકચુંગમાં અને દીમાપુર તેમજ લોંગલેંગમાં એક-એક કેસ છે. નાગાલેન્ડમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 988 છે જેમાંથી 556 સક્રિય કેસ છે જ્યારે 432 દર્દીઓ સાજા થઇ ગયા છે.

(रिलीज़ आईडी: 1639842)
आगंतुक पटल : 402
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam