પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વારાણસીની સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંબોધનનો મૂળપાઠ

Posted On: 09 JUL 2020 1:25PM by PIB Ahmedabad

હર હર મહાદેવ,

કાશીની પાવન ધરતી પરના આપ સૌ પુણ્યાત્મા લોકોને હું પ્રણામ કરૂ છું. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ સમયમાં બાબાના ચરણોમાં આવવાનું મન દરેકને થાય તે સ્વાભાવિક છે. પરંતુ બાબાની નગરીમાં લોકોને જાતે મળવાનો મોકો મળે છે ત્યારે એવું લાગે છે કે આજે મારા માટે દર્શન કરવાનું સૌભાગ્ય હાંસલ થયું છે. સૌથી પહેલાં તો આપ સૌને ભગવાન ભોળાનાથને પ્રિય એવા મહિનામાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું.

 

એ ભગવાન ભોળા નાથની જ કૃપા છે કે કોરોનાના આ સંકટ કાળમાં પણ આપણી કાશી આશાથી સભર છે, ઉત્સાહથી ભરેલી છે. એ બાબત સાચી છે કે લોકો આ દિવસોમાં બાબા વિશ્વનાથ ધામ નથી જઈ શકતા અને તે પણ શ્રાવણ મહિનામાં જઈ શકતા ના હોય ત્યારે તમારી પીડા હું સમજી શકુ છું. એ બાબત પણ સાચી છે કે માનસ મંદિર હોય કે દૂર્ગા કુંડ હોય, કે પછી સંકટ મોચનમાં શ્રાવણનો મેળો હોય. બધુ જ સ્થગિત થઈ ગયુ છે. કશું જ યોજાઈ શકતુ નથી.

 

પરંતુ એ પણ સાચી બાબત છે કે આ અભૂતપૂર્વ સંકટના સમયમાં મારી કાશી, આપણી કાશીએ આ સંકટનો ટક્કર આપીને મુકાબલો કર્યો છે. આજનો આ ક્રાયક્રમ પણ તેની જ એક કડી છે. આફત ગમે તેટલી મોટી કેમ ના હોય, કાશીના લોકોની જીવંતતા નો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. જે શહેર પૂરી દુનિયાને ગતિ આપે છે એની સામે કોરોના શું ચીજ છે, તે તમે દેખાડી દીધુ છે.

 

મને કહેવામાં આવ્યુ છે કે કોરોનાને કારણે....કાશીની જે વિશેષતાઓ છે, ચાની કીટલીઓ છે તે સૂની-સૂની થઈ ગઈ છે. હવે ડીજીટલ કીટલીઓ શરૂ થઈ ગઈ છે. અલગ-અલગ ક્ષેત્રની વિભૂતિઓએ આ કીટલી પરંપરા જીવંત રાખી છે. અહીંની સંગીતની જે પરંપરા બિસમિલ્લાખાને, ગિરીજા દેવીજીએ, હિરાલાલ યાદવ જેવા મહાન સન્માનનીય સંગીતકારોએ સમૃધ્ધ બનાવી છે અને તેને હાલ કાશીના નવા સંગીતકારો ચાલુ રાખી રહયા છે. આ પ્રકારનાં દરેક કામ છેલ્લા ત્રણ-ચાર માસથી કાશીમાં નિરંતર ચાલી રહ્યાં છે.

 

આ સમય દરમ્યાન હું પણ સતત યોગીજીના સંપર્કમાં રહેતો હતો. સરકારના અલગ-અલગ લોકોના પણ સંપર્કમાં રહેતો હતો. કાશીમાંથી જે કોઈ સમાચારો મારી પાસે આવતા હતા. તેનુ શું કરવુ, શું નહી કરવુ તેની લગાતાર વાતો સૌની સાથે થતી રહેતી હતી, અને તમારામાંથી પણ ઘણાં લોકો સાથે નિયમિતપણે બનારસમાં ફોનથી વાત થતી હતી. લોકોના સુખ-દુઃખ પૂછતો હતો. સમાચારો મેળવતો હતો, ફીડબેક મેળવતો રહેતો હતો. અને તેના કારણે પણ મને પાકો ભરોંસો હતો કે જેમની સાથે મારે ફોન પર વાતો થતી રહેતી હતી તે લોકો આ કાર્યક્રમમાં પણ બેઠેલા હશે.

 

સંક્રમણને આગળ વધતુ રોકવા માટે કયા લોકો શું કદમ ઉઠાવી રહ્યા છે, હૉસ્પિટલોની હાલત કેવી છે, અહિંયા કેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. ક્વોરેન્ટાઈન માટે કેવી વ્યવસ્થાઓ થઈ રહી છે. બહારથી આવેલા શ્રમિકો માટે કેવી વ્યવસ્થાઓ થઈ રહી છે તેની તમામ જાણકારી હું સતત મેળવતો રહેતો હતો.

સાથીઓ, આપણી કાશીમાં બાબા વિશ્વ નાથ અને મા અન્નપૂર્ણા બંને બિરાજી રહ્યાં છે. અને એક જૂની માન્યતા પણ છે કે એક સમયે ભગવાન મહાદેવે ખુદ મા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા માંગી હતી. ત્યારથી કાશી ઉપર એક એવા વિશેષ આશિર્વાદ રહ્યા છે કે અહીં કોઈ ભૂખ્યુ સુઈ જતુ નથી. બાબા વિશ્વનાથ અને મા અન્નપૂર્ણા તમામ લોકોના ભોજનની વ્યવસ્થા કરી દે છે.

 

આપ સૌ લોકો માટે, અહીંનાં તમામ સંગઠનો માટે અને આપણા સૌના માટે એ સૌભાગ્યની બાબત છે કે આ વખતે ભગવાને ગરીબોની સેવા કરવા માટેનું માધ્યમ આપણને સૌને બનાવ્યા છે. ખાસ કરીને આપ સૌને બનાવ્યા છે. એક રીતે કહીએ તો આપ સૌ બાબા વિશ્વનાથ અને મા અન્નપૂર્ણા બંનેના દૂત બનીને તમામ જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચી રહ્યા છો.

 

આટલા થોડા સમયમાં ફૂડ હેલ્પલાઈન હોય કે વ્યાપકપણે કોમ્યુનિટી કિચન તૈયાર કરવાનાં હોય, કે પછી હેલ્પલાઈન વિકસિત કરવાની હોય, કે પછી ડેટા સાયન્સની આધુનિક વિજ્ઞાન ટેકનોલોજીનો સાથ મેળવવાનો હોય, કે પછી વારાણસી સ્માર્ટ સીટીના નિયંત્રણ કે કમાન્ડ સેન્ટરનો આ સેવા માટે ભરપૂર ઉપયોગ કરવાનો હોય, તમામ બાબતોમાં, તમામ પ્રકારે તમે ગરીબોની મદદ કરવામાં પૂરતી ક્ષમતા દાખવીને કામ કર્યુ છે. હું તમને એ પણ જણાવીશ કે આપણા દેશમાં સેવાની ભાવના દાખવવામાં આવે તે કોઈ નવી બાબત નથી. આ ભાવના આપણા સંસ્કારોમાં વણાયેલી છે, પરંતુ આ વખતે જે સેવા કાર્યો કરવામાં આવ્યાં છે તે સેવા કાર્યો સામાન્ય પ્રકારના ન હતા. અહિં કોઈ ગરીબનાં આંસુ લૂછવાં કે ભોજન આપવું તેટલુ જ કામ થતું ન હતુ. એમાં એક પ્રકારે કોરોના જેવી બીમારી લાગુ પડી જાય તેવો ભય રહેતો હોવા છતાં અહીંના લોકોએ સેવા ભાવના તથા ત્યાગ અને બલિદાનની તૈયારી સાથેનો ભાવ પણ જોવા મળતો હતો. અને એટલા માટે જ ભારતના દરેક ખૂણામાં જે-જે લોકોએ આ કોરોનાના સંકટમાં કામ કર્યુ છે તે કામ સામાન્ય પ્રકારનું કામ ન હતુ. લોકોએ પોતાની જવાબદારી તો નિભાવી જ હતી, પણ સાથે-સાથે એક ભય હતો, એક ડરનો સામનો કરવો પડતો હતો, સંકટ સામે હતું ત્યારે તેની સામે જવું પડતું હતું, સ્વેચ્છાએ જવુ પડતું હતું. આ સેવાનું એક નવું સ્વરૂપ હતુ.

 

અને મને કહેવામાં આવ્યું છે કે જ્યારે જીલ્લા વહિવટી તંત્ર પાસે ભોજનનું વિતરણ કરવા માટે પોતાના વાહનો ઓછા પડી રહ્યા હતા ત્યારે ટપાલ વિભાગે પોતાની ખાલી પડેલી પોસ્ટલ વાન પણ આ કામમાં લગાડી હતી. જુઓને, સરકારની છાપ એવી રહી છે કે પહેલાં દરેક કામ માટે ના પાડવામાં આવે અને પછી કરવામાં આવે. પરંતુ આ તો મારો વિભાગ છે, તમને શા માટે કામ સોંપુ, હું જ કરી દઈશ. તમે નહીં હું જ કામ કરીશ. પરંતુ આપણે અહિંયા જોયું છે કે દરેકે આગળ વધીને એકબીજાની મદદ કરી છે. આવી એકતા, આવી સમૂહ ભાવનાને કારણે આપણી કાશીને ભવ્ય બનાવી દેવામાં આવી છે. આવી માનવીય વ્યવસ્થા ગોઠવવા માટે હું અહિંનું શાસન હોય કે ગાયત્રી પરિવારનું રચનાત્મક ટ્રસ્ટ હોય, રાષ્ટ્રીય રોટી બેંક હોય કે ભારત સેવા સંઘ હોય કે પછી આપણાં સિંધી સમાજના ભાઈ-બહેનો હોય કે ભગવાન અવધૂત રામ કુષ્ટ સેવા આશ્રમ સર્વેસરીનો સમુદાય હોય, બેંકો સાથે જોડાયેલા લોકો હોય તો પણ કોટ, પેન્ટ અને ટાઈ છોડીને ગલીએ-ગલીએ અને મહોલ્લામાં જઈને ગરીબ લોકોના દરવાજા પર ઉભા રહી ગયા છે. તમામ વેપારીઓ એસોસિએશનોએ પણ કામ કર્યું છે. આપણાં અન્વર અહેમદજીએ પણ ખૂબ સારી રીતે વાત કરી છે. આવા અનેક અગણિત લોકો છે. હું તો માત્ર પાંચ-સાત લોકોનો ઉલ્લેખ કરીને કામ કરી રહ્યો છું, પરંતુ આવા હજારો લોકોએ કાશીના ગૌરવમાં વધારો કર્યો છે. સેંકડો સંસ્થાઓએ પોતાની જાતને આ કામગીરીમાં જોડી દીધી છે. આ કામગીરીમાં જોડાયેલ દરેક વ્યક્તિને હું નમન કરૂં છું. તેમાં જોડાયેલ દરેક વ્યક્તિને પ્રણામ કરૂં છું. અને જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે માત્ર જાણકારી જ મેળવી નથી રહ્યો પણ તમારા કામમાંથી પ્રેરણા મેળવી રહ્યો છું. વધુ કામ કરવા માટે તમારા જેવા લોકોએ આ સંકટ વચ્ચે જે કામ કર્યું છે તેમના આશિર્વાદ મેળવી રહ્યો છું અને મારી એ પ્રાર્થના છે કે બાબા અને મા અન્નપૂર્ણા તમને સામર્થ્ય અને શક્તિ આપે.

 

સાથીઓ, કોરોનાના આ સંકટ કાળે દુનિયાભરમાં સમજવા વિચારવાનો, કામકાજ કરવાનો અને ખાવા-પિવાની તમામ પધ્ધતિઓને સંપૂર્ણ રીતે બદલી નાંખી છે. અને જે રીતે તમે સૌએ સેવા કરી છે તેનો સમાજ જીવન ઉપર મોટો પ્રભાવ ઉભો થયો છે. હું બાળપણથી સાંભળતો આવ્યો છું કે એક સોની પોતે સુથાર હોવાના કારણે નાના-મોટા કામ પોતાના ઘરે કરતો હતો અને આ સોની કેટલાક પરિવારો માટે વિવિધ ચીજો બનાવતો હતો, પરંતુ આ મહાશયની એક ટેવ હતી કે તે બજારમાંથી દાતણ ખરીદતો હતો. અગાઉ સવારે આપણે બ્રશની જગાએ દાતણનો ઉપયોગ કરતા હતા. અને એ લોકો હોસ્પિટલમાં જઈને જે દર્દીઓ છે તેમને અને તેમના સગા-સંબંધિઓને ગણી-ગણીને દરરોજ સાંજે દાતણ આપીને આવતા હતા અને દિવસભર પોતાનું સોનીનું કામ કરતા રહેતા હતા. તમને નવાઈ લાગશે કે એક સોની તરીકેનું પોતાનું કામ કરતાં કરતાં તેમણે દાતણ મારફતે લોકોની સેવા કરવાની ટેવ પાડીને પોતાની નાની સરખી છબી ઉભી કરી હતી. આ સમગ્ર વિસ્તારમાં તેમના સેવાભાવની ચર્ચા ચાલી રહી હતી કે લોકો કહેતા કે અરે ભાઈ, આ તો સેવાભાવી છે. સોનીનું કામ કરતાં કરતાં લોકોની સેવા કરે છે. આપણે સોનાનું કામ તેમની પાસે જ કરાવીશું. આનો અર્થ એ થાય કે તે સેવા કરતા હતા, પરંતુ તેમણે પોતાની એક વિશ્વાસુ તરીકેની છાપ ઉભી કરી હતી અને સોનાનું કામ કરવાની સાથે સાથે દરેક પરિવાર માટે વિશ્વાસુ વ્યક્તિ બની ચૂક્યા હતા. આનો અર્થ એ કે આપણો સમાજ એવો છે કે સેવા ભાવનાથી કામ કરતાં-કરતાં કશું મેળવ્યું તે દ્રષ્ટિએ નહીં પણ, સેવાભાવથી મેળવ્યુ છે તેવુ લોકો કહેતા હતા. અને જે લોકો સેવા મેળવતા હતા તે લોકો પણ નક્કી કરી દેતા હતા કે જ્યારે પણ મોકો મળશે ત્યારે તે કોઈની પણ મદદ કરશે. આ ચક્ર આગળ ચાલતુ રહેતું હતું અને સમાજને પ્રેરણા આપતું રહેતું હતું.

 

તમે સાંભળ્યું હશે કે 100 વર્ષ પહેલાં પણ આવો જ એક ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. હવે 100 વર્ષ પછી આ રોગચાળો આવ્યો છે. કહેવાય છે કે એ સમયે ભારતમાં આટલી મોટી વસતી ન હતી, ઓછા લોકો હતા, પરંતુ તે સમયે પણ આ રોગચાળાને કારણે દુનિયામાં સૌથી વધુ લોકોનાં મોત થયા હતા. એમાં આપણાં દેશ ભારતનો પણ સમાવેશ થતો હતો. કરોડો લોકો મરી ગયા હતા. અને એટલે જ જ્યારે-જ્યારે આવો રોગચાળો આવે ત્યારે સમગ્ર દુનિયા ભારતનું નામ લેતા જ તેનાથી ડરી જતી હતી. તેમને એવું લાગતું હતું કે 100 વર્ષ પહેલાં ભારતને કારણે જ આટલી બરબાદી થઈ હતી. ભારતમાં જ એટલા લોકો મરી ચૂક્યા હતા કે આજે આ રોગચાળો આવ્યો છે ત્યારે પડકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. ભારતની આટલી મોટી વસતી છે અને પડકારો પણ અનેક છે. મોટા-મોટા નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે ભારત આ આફતમાંથી બહાર નિકળી શકશે કે નહીં તે મોટો સવાલ છે. આ વખતે પણ ભારતની સ્થિતિ બગડી જશે, પરંતુ પરિસ્થિતિ એવી ઉભી થઈ કે તમે જોયું હશે કે 23થી 24 કરોડની વસતી ધરાવતા આપણાં ઉત્તર પ્રદેશ માટે પણ અનેક શંકા-કુશંકા કરવામાં આવતી હતી. આ પ્રદેશ કેવી રીતે બચી શકશે તે અંગે સવાલો કરવામાં આવતા હતા. કોઈ એમ કહેતું હતું કે ઉત્તર પ્રદેશમાં ગરીબી વધારે છે. અહિંથી કામ કરવા માટે મોટી સંખ્યામાં શ્રમિકો બહાર જાય છે. આવા લોકો બે ગજનું અંતર કેવી રીતે જાળવી શકશે. એ લોકો કોરોનાના કારણે નહીં, પણ ભૂખના કારણે મરી જશે. પરંતુ તમારા બધાંના સહયોગથી ઉત્તર પ્રદેશના લોકોએ પરાક્રમ દાખવીને તમામ આશંકાઓને નષ્ટ કર દીધી છે.

 

સાથીઓ, બ્રાઝિલ જેવા મોટા દેશમાં જેની વસતી કુલ 24 કરોડ છે, ત્યાં કોરોનાને કારણે 65 હજારથી વધુ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે, પરંતુ એટલી જ વસતી ધરાવતા આપણાં ઉત્તર પ્રદેશમાં કોરોનાથી લગભગ 800 લોકોનાં મોત થયા છે. આનો અર્થ એ કે ઉત્તર પ્રદેશમાં કોરોનાને કારણે હજારો જીંદગીઓ કે જેમના મોતની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી તેમને બચાવી લેવામાં આવ્યા છે. આજે સ્થિતિ એ ઉભી થઈ છે કે ઉત્તર પ્રદેશે સંક્રમણને નિયંત્રણમાં તો રાખ્યું જ છે, પરંતુ જેમને કોરોના થયો છે તે લોકો પણ ખૂબ ઝડપથી સાજા થઈ રહ્યા છે અને તેનું મોટું કારણ તમારા જેવા અનેક મહાનુભવોની જાગૃતિ, સેવાભાવ અને સક્રિયતા છે. તમારા જેવા સામાજીક, ધાર્મિક અને પરોપકારી સંગઠનોએ જે સેવાભાવ દાખવ્યો છે, જે સંકલ્પ સાથે કામ કર્યું છે તેમાં તમારા સંસ્કારો દેખાઈ આવે છે. જેણે પણ આ અતિશય કપરો સમય ગણી શકાય તેવા સમયમાં, કઠીન સમયમાં સમાજની દરેક વ્યક્તિને કોરોના સામે લડત લડવાની તાકાત પૂરી પાડી છે. તેમણે ઘણી મોટી મદદ કરી છે.

 

સાથીઓ, આપણે તો કાશીવાસી છીએ અને કબીરદાસે કહ્યુ છે તેમ-

સેવા ફલ માંગે નહીં, સેવા કરે દિન રાત

સેવા કરનારી વ્યક્તિ સેવાનું ફળ માંગતી નથી. દિવસ-રાત નિઃસ્વાર્થ ભાવ સાથે સેવા કરતી જ રહે છે. અન્ય લોકોની નિઃસ્વાર્થ સેવા કરવી તે આપણાં સંસ્કાર છે, જે હાલના કપરા સમયમાં દેશવાસીઓને કામમાં લાગી રહ્યા છે. આ ભાવના સાથે કેન્દ્ર સરકારે પણ નિરંતર પ્રયાસ ચાલુ રાખ્યા છે કે કોરોનાના આ કાળમાં આપણે દેશવાસીઓના કામમાં આવી શકીએ, સામાન્ય લોકોને સાજા કરી શકીએ અને એવા કામ કરવા માટે સતત કોશિશ કરવામાં આવે. ગરીબને અનાજ મળે, તેના ખિસ્સામાં થોડા રૂપિયા આવે, તેને રોજગારી મળે, અને પોતાના કામ માટે નાણાં મેળવી શકે. આ તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે.

 

સાથીઓ, આજે ભારતમાં 80 કરોડ કરતાં વધુ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યો છે અને તેનો ઘણો મોટો લાભ બનારસના ગરીબોને પણ, શ્રમિકોને પણ થઈ રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે ભારત અમેરિકા કરતાં બે ગણી વસતીનો એક પૈસો લીધા વગર ભરણ-પોષણ કરી રહ્યું છે અને હવે તો આ યોજના નવેમ્બરના અંત સુધી એટલે કે દિવાળી અને છઠ્ઠ પૂજા એટલે કે 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અમારો પ્રયાસ એ રહ્યો છે કે કોઈપણ ગરીબને તહેવારોના સમયમાં ખાવા-પીવાની તંગી નડે નહીં. ભોજનની સાથે-સાથે લૉકડાઉનને કારણે ગરીબોને ભોજન બનાવવા માટે ઈંધણ મેળવવામાં તકલીફ પડે નહીં તે માટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને છેલ્લા 3 મહિનાથી મફત ગેસ સિલિન્ડર પણ આપવામાં આવી રહ્યા છે.

 

સાથીઓ, ગરીબોના જનધન ખાતામાં હજારો કરોડ રૂપિયા જમા કરાવવાના હોય કે પછી ગરીબો માટે કે શ્રમિકો માટે રોજગારીની ચિંતા હોય, નાના ઉદ્યોગો માટે, લારી-ફેરીવાળા માટે સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવવાનું હોય કે ખેતી, પશુપાલન, માછીમારી અને અન્ય કામ માટે સરકાર ઐતિહાસિક નિર્ણયો લેવાનું કામ લગાતાર ચાલુ રાખ્યું છે.

 

થોડાંક દિવસ પહેલાં જ રૂ.20 હજાર કરોડની મત્સ્ય સંપદા યોજનાને પણ મંજૂરી આપવામાં આવી હતી. તેનો લાભ પણ આ વિસ્તારના માછીમારોને થવાનો છે. આ ઉપરાંત પણ ઉત્તર પ્રદેશમાં થોડાંક દિવસ પહેલા જ રોજગાર અને સ્વરોજગાર માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ આપણે ત્યાં જે હસ્ત કલાકારો છે, વણકરો છે, બીજા કારીગરો કે પછી અન્ય રાજ્યમાંથી પોતાના ગામમાં પાછા આવેલા શ્રમિકો એવા લાખો કામદારો માટે રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

સાથીઓ, કોરોનાની આફત એટલી મોટી છે કે તેના નિવારણ માટે લગાતાર કામ કરવું જ પડશે. આપણે સંતોષ માનીને બેસી રહીએ તેવી સ્થિતિ નથી. આપણાં વણકર ભાઈ-બહેનો હોય, નાવ ચલાવનારા લોકો હોય, આપણાં સાથીઓ હોય, વેપારી હોય કે કારોબારી હોય. હું તમામને આશ્વાસન આપવા માંગુ છું કે દરેકને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો અમારો નિરંતર પ્રયાસ રહેશે અને બનારસ પણ આગળ વધતું રહેશે. મેં થોડાંક દિવસ પહેલાં જ બનારસના વિકાસ કામો અંગે અહિંના વહિવટી તંત્ર સાથે, શહેરના આપણાં ધારાસભ્યો સાથે ટેકનોલોજીના માધ્યમથી લાંબી મુલાકાત કરી હતી અને ખૂબ જ વિસ્તૃત વાત કરી હતી. એક-એક બાબતની મેં ટેકનોલોજી અને ડ્રોનની પધ્ધતિથી મોનિટરીંગ કર્યું હતું. તેમાં સડકો, વિજળી-પાણી જેવા તમામ પ્રોજેક્ટસની સાથે-સાથે બાબા વિશ્વનાથ ધામ પ્રોજેક્ટની પરિસ્થિતિ અંગે પણ, પરિસ્થિતિથી માંડીને પણ અનેક બાબતે મેં વિસ્તૃત જાણકારી મેળવી હતી. મેં જરૂરી સૂચનાઓ પણ આપી હતી. કેટલાક અવરોધો પણ હોય છે. એ અવરોધો દૂર કરવા માટે જ્યાં-જ્યા વાત કરવી પડે ત્યાં મેં વાત કરી હતી.

 

હાલમાં કાશીમાં લગભગ રૂ.8 હજાર કરોડના અલગ-અલગ પ્રોજક્ટમાં ઝડપભેર કામ ચાલી રહ્યું છે. રૂ.8 હજાર કરોડ રૂપિયાનું કામ એટલે કે તેમાં અનેક લોકોને રોજી-રોટી મળે છે. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે કાશીમાં તેની જૂની રોનક એટલી જ ઝડપથી પાછી ફરશે.

 

આટલા માટે આપણે સૌએ તૈયારી પણ કરવાની છે અને એટલા માટે જ પ્રવાસન સાથે જોડાયેલા તમામ પ્રોજેક્ટસ, જેવા કે ક્રૂઝ ટુરિઝમ, લાઈટ એન્ડ સાઉંડ શો, દશાશ્વમેઘ ઘાટનો પુનરોધ્ધાર, ગંગા આરતી માટે ઓડિયો-વિડિયો સ્ક્રીન લગાવવાનું કામ, દરેક ઘાટ ઉપર વધુ વ્યવસ્થા ગોઠવવાનું કામ. આવા દરેક પ્રોજેકટને ઝડપથી પૂરા કરવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

 

સાથીઓ, આવનારા સમયમાં કાશી આત્મનિર્ભર ભારત અભિયાનનું એક મોટું કેન્દ્ર બને તેવું આપણે જોવા માંગીએ છીએ અને તેના માટે આપણાં સૌની જવાબદારી પણ છે. સરકારના દરેક નિર્ણય પછી અહિંની સાડીઓ માટે, અહિંના હસ્તશિલ્પ માટે, અહિંની ડેરી, માછીમારી અને મધમાખી ઉછેરના વ્યવસાય માટે અનેક નવી સંભાવનાઓના દ્વાર ખૂલવાના છે. બી-વેક્સની ઘણી મોટી માંગ દુનિયામાં છે અને આ માંગ પૂરી કરવા માટે આપણે પ્રયાસ કરી શકીએ તેમ છીએ.

 

હું ખેડૂતોને, મારા યુવાન સાથીઓને પણ એવો આગ્રહ કરૂં છું કે આ પ્રકારના વ્યવસાયમાં ઉત્સાહ દાખવીને ભાગીદારી સુનિશ્ચિત કરે. આપણાં સૌના પ્રયાસોથી આપણી કાશી ભારતના એક મોટા નિકાસ મથક તરીકે વિકાસ પામી શકે છે. અને આપણે તે કામ કરવું જોઈએ. કાશીને આપણે આત્મનિર્ભર ભારત અભિયાનનું પ્રેરણા સ્થળ બને તે રીતે વિકસીત કરી શકીએ, સ્થાપિત કરી શકીએ.

 

સાથીઓ, આજે આપ સૌના દર્શન કરવાની મને જે તક મળી છે અને આપ સૌ કાશીવાસીઓના શ્રાવણ માસમાં દર્શન થાય તેને હું મારૂં સૌભાગ્ય સમજુ છું અને તેના કારણે મને ઘણું સારૂ લાગ્યું છે. અને તમે જે પ્રકારે સેવાભાવ સાથે કામ કર્યું છે, જે ધગશ સાથે કામ કર્યું છે અને હજુ પણ કરી રહ્યા છો તે માટે હું વધુ એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.

 

પરોપકારને કારણે, સેવાભાવને કારણે તમે તમામ લોકોને પ્રેરણા આપી છે અને હવે પછી પણ પ્રેરણા આપતા રહેશો. પરંતુ આપણે એક વાત વારંવાર કરવાની રહેશે કે કોઈને નહીં પણ પોતાની જાત સાથે કરવાની રહેશે કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટીકથી મુક્તિ મેળવવાની છે. આ બાબત છોડવાની નથી. હવે રસ્તા પર થૂંકવું અને તેમાં પણ આપણાં બનારસી પાનની આદત આપણે બદલવી પડશે. બીજુ, બે ગજનું અંતર રાખવાનું રહેશે, ખેસ હોય કે ફેસ માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે અને હાથ ધોવાની આદત પણ છોડવાની નથી અને કોઈને છોડવા દેવાની પણ નથી. આ બાબતને હવે આપણે આપણો સ્વભાવ બનાવી દેવાનો છે.

 

બાબા વિશ્વનાથ અને ગંગા મૈયાના આશિર્વાદ તમારા સૌ ઉપર સદાય વરસતા રહે તેવી શુભેચ્છાસાથે હું મારી વાણીને વિરામ આપું છું અને ફરી એક વખત તમારા આ મહાન કાર્યને પ્રણામ કરૂં છું.

 

ખૂબ ખૂબ ધન્યવાદ ! હર- હર મહાદેવ !!!

 

DS/GP/BT



(Release ID: 1637582) Visitor Counter : 254