પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ગ્લોબલ વીકના પ્રારંભિક સત્રને સંબોધન કર્યું


ભારત આંતરરાષ્ટ્રીય સુધારામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છેઃ પ્રધાનમંત્રી

Posted On: 09 JUL 2020 3:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ઇન્ડિયા ગ્લોબલ વીકનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.

હાલની કટોકટીનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો બે પરિબળો સાથે જોડાણ ધરાવે છે. પ્રથમ – ભારતીય પ્રતિભા અને બીજું – ભારતની આર્થિક સુધારાની અને કાયાકલ્પ કરવાની ક્ષમતા. તેમણે જણાવ્યું હતું કે, આખી દુનિયામાં ભારતીય પ્રતિભાઓ પોંખાય છે, ખાસ કરીને ભારતીય ટેક ઉદ્યોગ અને ટેકનોલોજી વ્યાવસાયિકોના પ્રદાનની પ્રશંસા થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, પ્રતિભાઓના પાવર-હાઉસ તરીકે ભારત પ્રદાન કરવા આતુર છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીયો સ્વાભાવિક રીતે સુધારકો છે અને ઇતિહાસ દર્શાવે છે કે, ભારતે દરેક પડકાર, પછી એ આર્થિક હોય કે સામાજિક હોય, એનો સામનો કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારત સુધારાની વાત કરે છે, ત્યારે કાળજી સાથે સુધારો, સંવેદના સાથે સુધારો અને સતત સુધારાની વાત કરે છે – આ બાબતો પર્યાવરણ અને અર્થતંત્ર એમ બંનેને એકસમાન રીતે લાગુ પડે છે.

પ્રધાનમંત્રીએ છેલ્લાં છ વર્ષ દરમિયાન થયેલા આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે સંપૂર્ણ નાણાકીય સર્વસમાવેશકતા, રેકોર્ડ સંખ્યામાં મકાનોનું નિર્માણ અને માળખાગત સુવિધાઓનો વિકાસ, વેપારવાણિજ્યની સરળતા, જીએસટી સહિત કરવેરાના સાહસિક સુધારા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીયોના અદમ્ય જુસ્સાને કારણે આર્થિક સુધારો જોવા મળ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ટેકનોલોજી સરકારને લાભાર્થીઓને સીધો લાભ પહોંચાડવામાં મદદરૂપ થાય છે, જેમાં મફત રાંધણ ગેસ પ્રદાન કરવો, બેંક ખાતાઓમાં રોકડ રકમ જમા કરવી, લાખો લોકોને મફતમાં અનાજ પૂરું પાડવું વગેરે ઘણી બાબતો સામેલ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે દુનિયામાં ભારતની ગણતરી સૌથી ઉદાર અર્થતંત્રો પૈકીના એક અર્થતંત્ર તરીકે થાય છે અને ભારત બહુરાષ્ટ્રીય કંપનીઓને વ્યવસાય કરવા આવકારે છે. પ્રધાનમંત્રીએ ભારતને ઘણી સંભવિતતાઓ અને તકોની ભૂમિકા ગણાવી હતી.

તેમણે કૃષિ ક્ષેત્રમાં શરૂ કરવામાં આવેલા વિવિધ સુધારા વિશે જાણકારી આપીને કહ્યું હતું કે, આ સુધારાઓ વૈશ્વિક ઉદ્યોગો માટે રોકાણની આકર્ષક તકો પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા સુધારા એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન પૂરું પાડે છે અને તેઓ મોટા ઉદ્યોગોને પૂરક બની રહેશે.

તેમણે કહ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્ર અને અંતરિક્ષ ક્ષેત્રમાં રોકાણની અનેક તકો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રોગચાળાએ ફરી એક વાર દર્શાવ્યું છે કે, ભારતનો ફાર્મા ઉદ્યોગ ભારતની સાથે સંપૂર્ણ દુનિયા માટે ઉપયોગી છે. આ ઉદ્યોગે વિકાસશીલ દેશો માટે ખાસ કરીને દવાઓના ખર્ચમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

તેમણે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનો સંબંધ પોતાના કોચલામાં પૂરાઈ જવાનો નથી કે પછી દુનિયા સાથેનો સંબંધ તોડી નાંખવા સાથે નથી, પણ પોતાની રીતે ક્ષમતા વિકસાવવાનો અને ઉત્પાદન કરવાનો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ એવો ભારત દેશ છે, જે સુધારાના માર્ગે અગ્રેસર છે, જે કામગીરી કરી રહ્યો છે અને સાથે-સાથે સંપૂર્ણ દેશની કાયાપલટ કરી રહ્યો છે. આ એવો દેશ છે, જે નવી આર્થિક તકો પૂરી પાડે છે. આ એવું ભારત છે, જેણે વિકાસ માટે માનવ કેન્દ્રિત અને સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો છે. ભારત તમને આવકારવા આતુર છે.

તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, ફોરમે પંડિત રવિશંકરની 100મી જન્મજયંતિની ઉજવણી પણ કરી હતી, જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની સુંદરતાનો પરિચય દુનિયાને કરાવ્યો હતો. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, અત્યારે એકબીજાને શુભેચ્છા આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય નમસ્તેની પ્રણાલી અપનાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિકાસ અને સમૃદ્ધિ માટે જે કંઈ પણ થઈ શકે એ કરવા માટે ભારત તૈયાર છે.

 

DS/GP/BT



(Release ID: 1637566) Visitor Counter : 326