પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લદ્દાખના નિમુમાં ભારતીય જવાનોની મુલાકાત લીધી

ભારતના દુશ્મનોએ આપણા સૈન્યના ગુસ્સા અને પ્રકોપને જોયો છે: પ્રધાનમંત્રી

તાજેતરના અઠવાડિયાઓમાં આપણા સશસ્ત્ર દળોની દૃષ્ટાંતરૂપ બહાદુરીના કારણે, દુનિયાએ ભારતની તાકાતની નોંધ લીધી છે: પ્રધાનમંત્રી

શાંતિ સ્થાપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને ભારતની નબળાઇ ના માનવી જોઇએ: પ્રધાનમંત્રી

વિસ્તરણવાદનો યુગ ગયો, આ વિકાસનો યુગ છે: પ્રધાનંમત્રી

સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ વધારીને ત્રણ ગણો કરવામાં આવ્યો છે: પ્રધાનમંત્રી

Posted On: 03 JUL 2020 2:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખના નિમુની મુલાકાત લીધી હતી અને ભારતીય જવાનોને મળ્યા હતા. નિમુ વિસ્તાર ઝંસ્કાર રેન્જથી ઘેરાયેલો છે અને સિંધુ નદીના કાંઠે આવેલો છે. પ્રધાનમંત્રી ભારતીય સૈન્યના ટોચના અધિકારીઓને મળ્યા હતા અને ભારતીય સૈન્ય, વાયુસેના અને ITBPના અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

જવાનોના શૌર્યને સલામ કરી

પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોના જવાનોના શૌર્યને ખૂબ સલામ કરી હતી અને કહ્યું હતું કે, તેમની હિંમત અને ભારત માતા માટે તેમની સમર્પણ ભાવના અજોડ છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય શાંતિથી તેમનું જીવન જીવી શકે છે કારણ કે તેઓ જાણે છે કે, તેમના સશસ્ત્ર દળો અડગ રીતે ઉભા છે અને તેમના રાષ્ટ્રની સુરક્ષા કરી રહ્યા છે.

પ્રધાનંમત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરના અઠવાડિયાઓમાં ભારતના સશસ્ત્ર દળોની દૃષ્ટાંતરૂપ બહાદુરીના કારણે, દુનિયાએ ભારતની તાકાતની નોંધ લીધી છે.

ગલવાન વેલી ખાતે જવાનોના બલિદાનને યાદ કર્યું

પ્રધાનમંત્રીએ ગલવાન વેલી ખાતે પોતાનું સર્વોપરી બલિદાન આપનારા ભારત માતાના તમામ ગૌરવશાળી સપુતોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતના ખૂણે ખૂણાથી આવનારા તે બહાદુર શહીદોએ આપણી ભૂમિની બહાદુરીના સિદ્ધાંતોનો પરચો આપ્યો છે.

તેમણે દૃઢતાપૂર્વક કહ્યું હતું કે, લેહ- લદ્દાખ, કારગીલ કે પછી સિયાચીન ગ્લેશિયર, ગમે તેવા ઊંચા પહાડો હોય કે પછી નદીમાં હાથ થીજવી નાંખે તેવા ઠંડા પાણીના પ્રવાહો હોય, તમામ સ્થિતિઓ ભારતના જવાનોની બહાદુરીની સાક્ષી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતના દુશ્મનોએ ભારતના સશસ્ત્ર દળોના ગુસ્સા અને પ્રકોપને જોઇ લીધો છે.

પ્રધાનમંત્રીએ બે મઠમાં પૂજા- અર્ચના પણ કરી હતી: તેમણે ભારત માતા અને ભારતના બહાદુર જવાનો તેમજ સુરક્ષાદળોના જવાનો કે જેઓ અજોડ ખંત સાથે ભારતની સેવા કરી રહી રહ્યા છે તેમની માતાઓ માટે અહીં પ્રાર્થના કરી હતી.

શાંતિ સ્થાપવા માટેની આપણી પ્રતિબદ્ધતા આપણી નબળાઇ નથી

પ્રાચીનકાળથી શાંતિ, મૈત્રી અને હિંમત કેવી રીતે ભારતીય સંસ્કૃતિના ગુણ રહ્યા છે તે અંગે પ્રધાનમંત્રીએ ઘણી વાતો કરી હતી. જ્યારે પણ કોઇએ ભારતમાં શાંતિ અને પ્રગતિનો માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો છે ત્યારે તે તમામને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે તે યાદો તેમણે તાજી કરી હતી.

તેમણે દૃઢતાપૂર્વક જણાવ્યું હતું કે, ભારત શાંતિ અને મૈત્રી માટે હંમેશા પ્રતિબદ્ધ છે પરંતુ શાંતિ માટેની પ્રતિબદ્ધતાને ભારતની નબળાઇ ક્યારેય ના માનવી જોઇએ. આજે, ભારત દરિયાઇ શક્તિ, વાયુ શક્તિ, અવકાશ શક્તિ કે પછી આપણા સૈન્યની તાકાત, દરેક મોરચે વધુ મજબૂત બની ગયું છે. શસ્ત્રોનું આધુનિકિકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાથી આપણા સંરક્ષણ દળોની ક્ષમતાઓમાં અનેકગણો વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ જુની વાતો યાદ કરતા કહ્યું હતું કે, ભારતીય જવાનોની શૌર્ય ગાથાઓ અને વૈશ્વિક મિલિટરી અભિયાનોમાં પોતાનું સામર્થ્ય પૂરવાર કરવાનો ઘણો લાંબો ઇતિહાસ છે જેમાં બે વિશ્વ યુદ્ધ પણ સામેલ છે.

વિકાસનો યુગ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિસ્તરણવાદનો યુગ હવે ખતમ થઇ ગયો છે. યુગ વિકાસનો છે. તેમણે કહ્યું હતું કે, વિસ્તરણવાદની માનસિકતાએ ખૂબ મોટી હાનિ પહોંચાડવાનું કામ કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતીય સૈન્યો માટે કેટલાક પગલાં કલ્યાણકારી પગલાં લેવામાં આવ્યા છે અને ભારતના સુરક્ષાદળોની તૈયારીઓ વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે. આમાં, અદ્યતન શસ્ત્રોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો, સરહદી વિસ્તારોમાં વિકાસ અને માર્ગોના નેટવર્કમાં વિસ્તરણ જેવા પગલાં પણ સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષાના ઉપકરણો વધુ મજબૂત બનાવવા અને આપણા સશસ્ત્ર દળોની સુખાકારી માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે તાજેતરમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક પહેલ જેમકે, CDSની નિયુક્તિ, ભવ્ય રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ, દાયકાઓ બાદ OROPની માંગણી પૂર્ણ કરવી અને સશસ્ત્ર દળોના જવાનોના પરિવારોની સુખાકારી માટે લેવામાં આવેલા વિવિધ પગલાં વગેરે પર પ્રકાશ પાડ્યો હતો.

લદ્દાખની સંસ્કૃતિનું અભિવાદન

વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીએ લદ્દાખની સંસ્કૃતિની ભવ્યતા યાદ કરી હતી તેમજ કુશોક બકુલા રિમ્પોચેની ઉમદા શિક્ષણ પદ્ધતિ યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લદ્દાખ બલિદાનની ભૂમિ છે અને એવી ભૂમિ છે જેણે ઘણા દેશભક્તો આપ્યા છે.

પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે, ભારતના લોકો ગૌતમ બુદ્ધના ઉપદેશોથી પ્રેરિત છે, જેમના માટે હિંમત પ્રતીતિ અને કરુણા સાથે જોડાયેલી છે.

 

 

GP/DS(Release ID: 1636152) Visitor Counter : 41