PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
14 JUN 2020 7:08PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 14.06.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; દર્દીઓ સાજા થવાનો દર 50%થી વધુ; કુલ 1,62,378 દર્દીઓ કોવિડ-19 બીમારીમાંથી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,049 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાથી દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 50%થી વધુ થઇ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 1,62,378 દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં, દર્દીઓ સાજા થવાનો દર 50.60% છે. આ સૂચવે છે કે, કોવિડ-19ના નોંધાયેલા કુલ કેસોમાંથી અડધા દર્દીઓ આ બીમારીમાંથી સાજા થઇ ગયા છે. સમયસર નિદાન અને યોગ્ય તબીબી વ્યવસ્થાપનના પરિણામે દર્દીઓ સાજા થવાનો દર વધી રહ્યો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,49,348 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.
ICMR દ્વારા નોવલ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોને શોધી કાઢવા માટે સેમ્પલના પરીક્ષણની ક્ષમતા સતત વધારવામાં આવી છે. સમગ્ર દેશમાં 646 સરકારી લેબોરેટરી અને 247 ખાનગી લેબોરેટરી (કુલ 893 લેબોરેટરી)માં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,51,432 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 56,58,614 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631518
કોવિડ-19 અપડેટ્સ: રેમડેસિવિરની સ્થિતિનો અહેવાલ
13 જૂન 2020ના રોજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ-19 માટે અપડેટ કરેલા તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે જેમાં રેમડેસિવિર દવાને ટોસિલીઝુમાબ અને કોનવેલેસેન્ટ પ્લાઝ્માના ઑફ લેબલ ઉપયોગની સાથે માત્ર એક ‘તપાસ ઉપચાર’ તરીકે મર્યાદિત કટોકટીમાં ઉપયોગના હેતુ માટે સમાવવામાં આવી છે. આ પ્રોટોકોલમાં એવું સ્પષ્ટપણે ટાંકવામાં આવ્યું છે કે, આ ઉપચારોનો ઉપયોગ મર્યાદિત ઉપલબ્ધ પૂરાવા અને હાલમાં તેમની મર્યાદિત ઉપલબ્ધતા પર આધારિત છે. કટોકટીની સ્થિતિમાં રેમડેસિવિર દવાનો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગને સામાન્ય બીમારી ધરાવતા (ઓક્સિજન પર હોય તેઓ) પરંતુ કોઇ સ્પષ્ટ વિરોધાભાસી સ્થિતિ ન હોય તેવા દર્દીઓમાં ઉપયોગ તરીકે માનવામાં આવે છે. દેશમાં શંકાસ્પદ અથવા લેબોરેટરીમાં પુષ્ટિ થયેલા કોવિડ-19ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા પુખ્તવયના અને બાળક દર્દી કે જેને ગંભીર બીમારીની અસર હોય તેમનામાં પર કટોકટીમાં દવાનો મર્યાદિત ઉપયોગ ચોક્કસ પરિસ્થિતિઓને આધીન છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631509
પ્રધાનમંત્રીએ કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇની સમીક્ષા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતે હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરવા વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠકમાં મહામારીના સંદર્ભમાં રાષ્ટ્રીય સ્તરે સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હી સહિત જુદા-જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ ઉપર પણ વિચારણા કરવામાં આવી હતી. રાજધાની દિલ્હીમાં કોવિડ-19 મહામારીની વર્તમાન અને ઉભરી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને આગામી 2 મહિનાની સંભાવનાઓ અંગે ગહન વિચારણા થઇ હતી. પ્રધાનમંત્રીએ કોવિડ-19ના વધી રહેલા કેસોના કારણે ઊભરી રહેલા પડકારનો સંકલિત અને સર્વગ્રાહી સામનો કરવા માટે ઉપરાજ્યપાલ, રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી સાથે ભારત સરકાર, દિલ્હી સરકારના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને દિલ્હીના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની આપાતકાલીન બેઠક યોજવા સૂચન કર્યુ હતું.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631436
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દિલ્હીમાં કોવિડ-19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી
બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી અનિલ બૈજલ, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના નિદેશક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, દેશની રાજધાની દિલ્હીને સુરક્ષિત રાખવા અને કોરોનાનું સંક્રમણ રોકવા માટે કેન્દ્રની મોદી સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે તાત્કાલિક 500 રેલવે કોચ દિલ્હીને આપવાનો નિર્ણય લીધો જેથી દિલ્હીમાં કોરોનાના દર્દીઓને રાખવા માટે 8000 બેડ વધશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના પરીક્ષણની સંખ્યા વધારીને બમણી કરવામાં આવશે અને 6 દિવસ પછી ત્રણ ગણી કરવામાં આવશે. શ્રી શાહે આ બેઠકમાં કહ્યું હતું કે, દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના સંક્રમણના ઇલાજ માટે ખાનગી હોસ્પિટલોના કોરોના બેડમાંથી 60% બેડ ઓછા દરમાં ઉપલબ્ધ કરાવવા, કોરોનાની સારવાર અને કોરોનાના પરીક્ષણનો દર નિર્ધારિત કરવા માટે નીતિ આયોજના ડૉ. વી.કે. પૌલની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ આવતીકાલે પોતાનો અહેવાલ સુપરત કરશે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ભારપૂર્વક કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણ વધવાની જરૂર છેr
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણ વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આનાતી કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિમાં વધારો થશે અને તેના કારણે આત્મનિર્ભરતા વધશે અને દેશની સમૃદ્ધિમાં પણ વધારો થશે. તેમણે વૈજ્ઞાનિકોને કૃષિ ઉત્પાદન વધારવા માટે તેમજ હાલમાં પડી રહેલી મુશ્કેલીઓ ઘટાડવા માટે યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. શ્રી તોમરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસની કટોકટીના સમયમાં જ્યારે સમગ્ર દુનિયામાં અર્થતંત્રના પૈડાં ધીમા પડી ગયા હતા તેવા સંજોગોમાં ભારતના ખેડૂતોએ તેમની પાસે ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને મબલખ પાકની ઉપજ લીધી છે, લૉકડાઉનના સમયમાં પણ સામાન્ય ઝડપે લણવાનું ચાલુ રાખ્યું છે અને અગાઉના વર્ષની સરખામણીએ વધુ કૃષિ ઉત્પાદન થયું છે તેમજ ખરીફ પાકનું વાવેતર પણ અગાઉના વર્ષની સરખામણીએ 45 ટકા વધારે થયું છે. આ દર્શાવે છે કે, આપણા ગામડાઓ અને ખેડૂતો પરિસ્થિતિ સાથે કેટલા અનુકૂળ થઇ શકે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631442
ઉચ્ચ ગુણવત્તાના તેમજ સસ્તા ફેસ માસ્ક BARC ખાતે તૈયાર કરવામાં આવ્યા: ડૉ. જીતેન્દ્રસિંહ
અણુ ઉર્જા વિભાગ સાથે જોડાયેલા મુંબઇમાં આવેલા ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC) ખાતે ઉચ્ચ ગુણવત્તા ફેસ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ માસ્ક HEPA ફિલ્ટરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા છે અને તેની કિંમત અન્ય માસ્કની સરખામણીઓ ઓછી રહેવાની પણ અપેક્ષા છે. પૂર્વોત્તર પ્રદેશ વિકાસ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), PMO, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે છેલ્લા એક વર્ષમાં આ વિભાગ દ્વારા હાંસલ કરવામાં આવેલી કેટલીક મહત્વની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતી વખતે આ માહિતી આપી હતી. છેલ્લા એક વર્ષમાં અણુ ઉર્જા વિભાગની કેટલીક મુખ્ય પ્રવૃત્તિઓ અને પહેલોનો ઉલ્લેખ કરતા ડૉ. જીતેન્દ્રસિંહે કોવિડ-19 મહામારી દરમિયાન સમાજને મદદરૂપ થવા માટે નોંધનીય કામગીરી કરવા બદલ વૈજ્ઞાનિક સમુદાયની કામગીરી બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉચ્ચ ગુણવત્તાના ફેસ માસ્ક ઉપરાંત, અણુ/ ન્યુક્લિઅર વૈજ્ઞાનિકોએ વિકિરણ સ્ટર્લાઇઝેશન પછી વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE)ના ફરી ઉપયોગ માટે પ્રોટોકોલ તૈયાર કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ માટેના SOP હાલમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસે વિચારાધીન છે. ડૉ. જીતેન્દ્રસિંહે ઉમેર્યું હતું કે, RTPCR પરીક્ષણ કીટ્સ વિકસાવવા માટે નવા પ્રદેશોની ઓળખની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631440
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળ: રાજ્યના આરોગ્યમંત્રી કે. કે. શૈલેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મંગળવારે પ્રધાનમંત્રી સાથે વિચારવિમર્શ કર્યા પછી વિદેશથી પરત ફરતી રહેલા ભારતીયો માટે કોવિડ-19 પ્રમાણપત્ર ફરજિયાત કરવું કે નહીં તેનો નિર્ણય લેશે. મંત્રીશ્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, કેરળમાં કોવિડ-19ના સામુદાયિક સંક્રમણને અત્યાર સુધી અટકાવી રાખવામાં આવ્યું છે અને લૉકડાઉનના માપદંડોમાં છુટછાટ આપ્યા પછી માત્ર 10 ટકા લોકોને સામુદાયિક સંક્રમણના કારણે ચેપ લાગ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યનો આરોગ્ય વિભાગ તેને ઘટાડીને 5 ટકા સુધી લઇ જવા માટે સક્રિયપણે કામ કરી રહ્યો. અખાતી દેશોમાં પાંચ અને મુંબઇમાં એક, આમ કુલ છ કેરળવાસીઓ રાજ્યની બહાર કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા હોવાથી અત્યાર સુધીમાં અખાતી દેશોમાં કુલ 225 કેરળવાસીઓના મરણ નીપજ્યાં છે. ગઇકાલે રાજ્યમાં 85 નવા કેસોના કોવિડ-19ના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાની પુષ્ટિ થઇ હતી. હાલમાં રાજ્યમાં 1342 દર્દીઓ કોવિડ-19ની સારવાર હેઠળ છે.
- તામિલનાડુ: પુડુચેરીમાં કોવિડ-19ના નવા 18 કેસની પુષ્ટિ થઇ હોવાથી અહીં કુલ પોઝિટીવ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 194 થઇ છે જ્યારે મૃત્યુઆંક 4 નોંધાયો છે. તામિલનાડુના મુખ્યમંત્રીએ AIADMKના કોરોના વાયરસથી અસરગ્રસ્ત ધારાસભ્યનો તમામ પ્રકારની તબીબી સહાયતા આપની ખાતરી આપી હતી. કોઇમ્બતુરમાં વધુ 18 દર્દીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ગઇકાલે રાજ્યમાં 1989 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1362 દર્દીઓ સાજા થયા હતા અને 30 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતાં. ચેન્નઇમાં કુલ 1484 નવા કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. રાજ્યમાં ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 42687, સક્રિય કેસ: 18878, મૃત્યુ થયા: 397, સાજા થતા રજા આપવામાં આવી: 22047, ચેન્નઇમાં સક્રિય કેસ: 14180.
- કર્ણાટક: અટકળો વચ્ચે આજે, તબીબી શિક્ષણ મંત્રી કે. સુધાકરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ફરી લૉકડાઉન લાગુ કરવાની કોઇ જ દરખાસ્ત હાલમાં સરકાર સમક્ષ નથી. ઑનલાઇન વર્ગો પર પ્રતિબંધ મુકવાના સરકારના ઇરાદાઓ પ્રબળ છે તેમ શિક્ષણમંત્રી સુરેશ કુમારે જણાવ્યું હતું. ગઇકાલે રાજ્યમાં 308 નવા કેસ નોંધાયા હતા જ્યારે 209 દર્દીઓ કોરોનાની બીમારીમાંથી સાજા થઇ ગયા હતા અને ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. રાજ્યામં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ: 6824, સક્રિય કેસ: 3092, મૃત્યુ થયા: 81, સાજા થતા રજા આપવામાં આવી: 3648.
- આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના વિધાનસભા સચિવે વિધાનસભાનાના સત્ર વચ્ચે માર્ગદર્શિકાઓ બહાર પાડી છે, ધારાસભ્યોના સ્ટાફને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ TTD પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તિરુમાલ મંદિરને રાજ્ય સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરાવવા માટેની અરજી આંધ્રપ્રદેશ ઉચ્ચ અદાલતમાં અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15,633 સેપમ્લનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 253 નવા પોઝિટીવ કેસની પુષ્ટિ થઇ છે જ્યારે બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે અન 82 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ: 4841, સક્રિય કેસ: 2034, સાજા થયા: 2723, મૃત્યુ પામ્યા: 84.
- તેલંગાણા: કોવિડ-19ની સ્થિતિ વચ્ચે જિલ્લાની હોસ્પિટલોમાં ડૉક્ટરોની 60% અછત વર્તાઇ રહી છે. વિસ્થાપિત શ્રમિકો, ફસાયેલા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ વગેરેના પરિવહન માટે, દક્ષિણ મધ્ય રેલવેએ અત્યાર સુધીમાં 240 શ્રમિક વિશેષ ટ્રેનોનું આ ઝોનમાંથી અલગ અલગ ગંતવ્ય સ્થળોએ પરિચાલન કર્યું છે. હાલમાં ચાલી રહેલી શ્રમિક વિશેષ ટ્રેનો ઉપરાંત, આ ઝોનમાંથી કેટલીક શ્રમિક વિશેષ ટ્રેનો પસાર થવાની કામગીરી પણ સંભાળવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 4,737 થઇ છે જ્યારે કુલ 182 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. સત્તાવાર ડેટા અનુસાર મોટાભાગના કોવિડ-19ના કેસો ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નોંધાયા છે.
- મહારાષ્ટ્ર: રાજ્યમાં એક જ દિવસમાં વધુ 3427 કેસને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો વધીને 104,568 સુધી પહોંચી ગયો છે. મુંબઇ શહેરમાં કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રિત કરવામાં અમુક હદે સફળતા મળી છે જ્યારે રાજ્યના ગ્રામીણ વિસ્તારો જેમ કે, સોલાપુર, ઔરંગાબાદ, યવતમાલ, જલગાંવ વગેરે જિલ્લામાં કેસની વધતી સંખ્યા હજુ પણ પ્રશાસન માટે ચિંતાનું કારણ છે.
- ગુજરાત: ગુજરાતમાં જૂન મહિનામાં કોવિડ-19ના નવા કેસોની સંખ્યા શિખરો સુધી પહોંચી રહી છે. આ મહિનામાં પ્રથમ વખત એક જ દિવસમાં પોઝિટીવ કેસની સંખ્યા 500નો આંકડો વટાવી ગઇ છે અને તેમાં વધારો હજુ પણ ચાલુ છે. રાજ્યમાં નવા 517 કેસને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાથી અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 23,079 સુધી પહોંચી ગઇ છે જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 33 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી કુલ મૃત્યુઆંક 1,449 સુધી પહોંચી ગયો છે. જૂન મહિનામા 13 દિવસમાં રાજ્યમાં નવા 6,285 કેસ પોઝિટીવ નોંધાયા છે.
- રાજસ્થાન: રાજ્યના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં રવિવારે કોવિડ-19ના નવા 131 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 12,532 થઇ ગઇ છે જ્યારે વધુ ચાર દર્દીઓ કોરોનાની બીમારીમાં મૃત્યુ પામ્યા હોવાથી કુલ મૃત્યુઆંક 286 થઇ ગયો છે. નવા નોંધાયેલા કેસોમાંથી 40 કેસ ધોલપુરમાં નોંધાયા હતા જ્યારે 34 કેસ ભરતપુરમાં, 15 કેસ અલવરમાં અને 12 કેસ જયપુરમાં નોંધાયા હતા.
- મધ્યપ્રદેશ: ભોપાલના વહીવટીતંત્રએ સોમવારથી જાહેર જનતા માટે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. આજદિન સુધીમાં ભોપાલમાં કોવિડ-19ના કુલ 2,145 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 69 લોકો આ બીમારીમાં મૃત્યુ પામ્યા છે. મધ્યપ્રદેશમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસની સંખ્યા 10,641 સુધી પહોંચી ગઇ છે જેમાં 198 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
- છત્તીસગઢ: રાજ્યમાં કોવિડ-19ના નવા 105 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં કોરોના વાયરસથી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1,550 થઇ ગઇ છે. હાલમાં 913 સક્રિય કેસો તબીબી દેખરેખ હેઠળ છે.
- આસામ: આસામમાં કોવિડ-19ના વધુ 43 કેસોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આમ, રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 3943 થઇ ગઇ છે જેમાંથી હાલમાં સક્રિય કેસની સંખ્યા 2127 છે. અત્યાર સુધીમાં 1805 દર્દી સાજા થયા છે અને 8 દર્દીઓ આ બીમારીથી મૃત્યુ પામ્યા છે.
- મણીપૂર: બહારથી આવી રહેલા તમામ લોકોનું પરીક્ષણ સુનિશ્ચિત કરવા માટે, મણીપૂરની સરકાર એક જ દિવસમાં 3000 થી 4000 સેમ્પલનું પરીક્ષણ થઇ શકે તેવા નવા કોવિડ-19 પરીક્ષણના ઉપકરણો લગાવવાની યોજનામાં છે. મણીપૂરના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-19 રાજ્ય પરામર્શ સમિતિની બેઠક યોજાઇ હતી; આ બેઠકમાં બહારથી આવી રહેલા તમામ લોકોનું શક્ય હોય એટલી વહેલી તકે પરીક્ષણ સુનિશ્ચિત કરવાની રીતો પર ચર્ચા થઇ હતી.
- મિઝોરમ: મિઝોરમ પોલીસે ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં લોકોને ડ્રગ્સ અને દારુ પહોંચડતા છ યુવાનો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- નાગાલેન્ડ: નાગાલેન્ડમાં મોન જિલ્લા વહીવટીતંત્રએ વાંગખાઓ સરકારી કોલેજ અને ITI કેમ્પસની આસપાસના 1 કિમીના વિસ્તારોમાં કોઇપણ જાહેર જનતાને આવનજાવન પર પ્રતિબંધ મૂક્યો છે. બહારથી આવેલા છ વ્યક્તિમાં કોવિડ-19ના પોઝિટીવ રિપોર્ટ આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય તમાકુ નિયંત્રણ સેલની તમાકુ મુક્ત ગામો શોધવાની કામગીરી સતત ચાલુ છે અને સમગ્ર રાજ્યમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
- સિક્કિમ: સિક્કિમમાં કોવિડ-19ના નવા પાંચ કેસ પોઝિટીવ નોંધાયા છે. આ તમામ દર્દીઓ બહારગામથી પરત ફરેલા છે. રાજ્યમાં કુલ નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 63 થઇ ગઇ છે.
FACT CHECK
(Release ID: 1631587)
Visitor Counter : 324
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada