PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
प्रविष्टि तिथि:
07 JUN 2020 6:36PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 07.06.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના કુલ 5,220 દર્દીઓ સાજા થઇ ગયા છે જેથી અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,19,293 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર હાલમાં 48.37% નોંધાયો છે. હાલમાં, દેશમાં કોવિડ-19ના કુલ 1,20,406 સક્રિય કેસો છે અને તેમને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓને ઝડપથી શોધી કાઢવા માટે ICMR દ્વારા સેમ્પલના પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં અત્યારે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 531 કરવામાં આવી છે જ્યારે ખાનગી લેબોરેટરીની સંખ્યા 228 છે (કુલ 759 લેબોરેટરી). છેલ્લા 24 કલાકમાં 1,42,069 સેમ્પલનું કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 46,66,386 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630049
સામુહિક કામગીરી દ્વારા દૃઢતાપૂર્વક આગળ વધીએ
માધ્યમોના કેટલાક વર્ગોમાં કોવિડ-19ના સંક્રમણ અને તેના નિયંત્રણમાં ટેકનિકલ તજજ્ઞોના બહોળા જ્ઞાનનો સમાવેશ કરાયો ન કરાયો હોવાના કેટલાક અહેવાલો જોવા મળી રહ્યાં છે. આ આશંકાઓ અને આરોપો ગેરવ્યાજબી અને પાયાવિહોણા છે. કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે સરકાર ટેકનિકલ અને વ્યૂહાત્મક જાણકારી, વૈજ્ઞાનિક ખ્યાલો અને ચોક્કસ-ક્ષેત્ર સંબંધિત માર્ગદર્શન મેળવવા માટે નિષ્ણાતો સાથે અવિરત ચર્ચા-વિચારણા કરી રહી છે. DHRના સચિવ અને ICMRના DG દ્વારા નીતિ આયોગના સભ્ય (આરોગ્ય)ના અધ્યક્ષ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ અને માનવ સંશાધન વિભાગના સચિવના સહઅધ્યક્ષ સ્થાને કોવિડ-19 અંગે નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)ની રચના કરવામાં આવી છે. NTFમાં સરકારના અને સરકાર બહારના ટેકનિકલ અને ચોક્કસ-ક્ષેત્ર સંબંધિત નિષ્ણાતો સહિત 21 સભ્યોનો સમાવેશ થાય છે. આ ટાસ્ક ફોર્સમાં જાહેર આરોગ્ય અને/ અથવા રોગશાસ્ત્રના નિષ્ણાતોનું પ્રભૂત્વ જોવા મળે છે. કોવિડ-19 મહામારીની જટિલતા અને પ્રભાવોને નજર સમક્ષ રાખતાં આ જૂથમાં મેડિસિન, વાઇરોલોજી, ફાર્માકોલોજી અને કાર્યક્રમ અમલીકરણના ક્ષેત્રમાંથી નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકાર પહેલેથી લૉકડાઉનના પ્રભાવ અને લાખો લોકોમાં ચેપના પ્રસાર અને હજારો લોકોના મૃત્યુ નિવારણ ઉપર અન્ય નિયંત્રણો અંગે માહિતી આપી ચૂકી છે. વધુમાં આરોગ્ય વ્યવસ્થા અને લોકોની તૈયારીઓમાં વ્યાપક વધારો કરાયો છે. બ્રિટન, ઇટાલી, સ્પેન અને જર્મની જેવા દેશો જેણે લૉકડાઉનમાં રાહત આપી છે તેની સરખામણીમાં ભારત પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ કેસોની સંખ્યા સૌથી ઓછી 17.23 કેસ/લાખ વસ્તી અને 0.49 મૃત્યુ/લાખ વસ્તી ધરાવે છે. (તારીખ 6 જૂન, 2020ના રોજના WHO પરિસ્થિતિ અહેવાલ અનુસાર).
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630069
પ્રત્યક્ષ કરવેરા ઉઘરાણીમાં વૃદ્ધિ અને તાજેતરના પ્રત્યક્ષ કરવેરા સુધારાઓ
માધ્યમોના કેટલાક વર્ગોમાં અહેવાલો જોવા મળી રહ્યાં છે કે વર્ષ 2019-20 માટે પ્રત્યક્ષ કરવેરા ઉઘરાણીની વૃદ્ધિમાં પ્રચંડ ઘટાડો નોંધાયો છે અને GDP વૃદ્ધિની સરખામણીમાં પ્રત્યક્ષ કરવેરા ઉઘરાણીમાં આર્થિક પ્રવૃતિઓ નકારાત્મક સ્તરે પહોંચી ગઇ છે. આ અહેવાલો પ્રત્યક્ષ કરવેરાની વૃદ્ધિ સંબંધિત વાસ્તવિક ચિત્ર રજૂ કરતાં નથી. તે હકીકત છે કે, નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રત્યક્ષ કરવેરાની કુલ ઉઘરાણી નાણાકીય વર્ષ 2018-19ની સરખામણીમાં ઓછી હતી. પરંતુ પ્રત્યક્ષ કરવેરાની ઉઘરાણીમાં આ ઘટાડો અપેક્ષા અનુસાર છે અને હાથ ધરવામાં આવેલા ઐતિહાસિક કર સુધારાઓ અને નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન અપાયેલા ખૂબ જ ઊંચા રિફંડના કારણે કામચલાઉ પ્રકારનો છે.
જો ઐતિહાસિક કરવેરા સુધારાઓ માટે અંદાજિત જતી કરેલી આવકને ધ્યાનમાં લીધા પછી કુલ ઉઘરાણી (જે આપેલા વર્ષમાં વળતરની રકમમાં તફાવત દ્વારા સર્જાયેલી વિસંગતતાઓ દૂર કરે છે)ની સરખામણી કરીએ તો આ હકીકત વધુ સ્પષ્ટ બની જાય છે, જે નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રત્યક્ષ કરવેરાની ઉઘરાણી ઉપર સીધો પ્રભાવ ધરાવે છે. વધુમાં તે પણ નોંધપાત્ર છે કે નાણાકીય વર્ષ 2018-19માં રૂ.1.61 લાખ કરોડની સરખામણીમાં નાણાકીય વર્ષ 2019-20માં અપાયેલું કુલ વળતર રૂ. 1.84 લાખ કરોડ છે, જે વાર્ષિક 14%નો વધારો સૂચવે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630018
જાગૃત રહેવું અને અજંપાથી બચવું એ જ કોવિડ-19 સામે લડવાની ચાવી છે: ડૉ. જીતેન્દ્રસિંહ
કેન્દ્રીયમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, સતત જાગૃત રહેવું અને અજંપાથી દૂર રહેવું તે કોવિડ-19 મહામારી સામે લડવાની સૌથી મોટી ચાવી છે. કોવિડ-19 દર્દીઓ માટે ભારતની પ્રથમ સ્વદેશી, ઓછી ખર્ચાળ, વાયરલેસ મનોવૈજ્ઞાનિક માપદંડ મોનિટરિંગ સિસ્ટમ કોવિડ બીપ (અવિરત ઓક્સિજનેશન અને મહત્વપૂર્ણ માહિતી શોધ બાયોમેડ ECIL ESIC પોડ) જેને IIT હૈદરાબાદ અને અણુ ઉર્જા વિભાગના સહયોગથી હૈદરાબાદ સ્થિત ESIC મેડિકલ કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવી છે તેના લોન્ચિંગ વખતે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મહામારી સામે અસરકારક રીતે લડવામાં અને તેના નિવારણ માટે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. બે મહિના સુધી અસરકારક અને સમયસર લૉકડાઉનના પાલન પછી હવે હવે અનલૉકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે પોતે જ જાગૃત રહેવું વધુ જરૂરી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630067
નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ 8 જૂનથી 3 જુલાઇ 2020 સુધી ઑનલાઇન નૈમિશા 2020- સમર આર્ટ કાર્યક્રમ ચલાવશે
આ મહામારીના સમયમાં દેશભરમાં લૉકડાઉનની સ્થિતિના કારણે, સંગ્રહાલયો અને સાંસ્કૃતિક સંસ્થાઓ મુલાકાતીઓ અને પ્રેક્ષકો માટે સામાન્ય સમયની જેમ સેવા આપી શકતા નથી. આ સ્થિતિના કારણે NGMAએ નવા ક્ષેત્રો પ્લેટફોર્મ શોધી કાઢ્યા છે જેની મદદથી તેઓ પ્રેક્ષકો સુધી પહોંચી શકે. છેલ્લા બે મહિનામાં NGMAએ સંખ્યાબંધ કાર્યક્રમો અને પ્રદર્શનો વર્ચ્યુઅલ માધ્યમથી યોજ્યા છે. ટેકનોલોજીકલ વિભાગ આવા કાર્યક્રમોનું ડિજિટલ માધ્યમથી આયોજન કરવાની તક પૂરી પાડે છે. આથી, NGMA તેમના સૌથી લોકપ્રિય સમર આર્ટ કાર્યક્રમ નૈમિશાનું ડિજિટલ આયોજન કરી રહ્યું છે. NGMA, નવી દિલ્હી દ્વારા એક મહિના સુધી ચાલનારો આ કાર્યક્રમ તેના સહભાગીઓને તેમના આરોગ્ય સાથે કોઇપણ બાંધછોડ કર્યા વગર નવું સર્જન કરવા માટે તેમજ કલાકારો પાસેથી શીખવા માટે તક પૂરી પાડે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630020
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- પંજાબ: રાજ્યમાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમની ફરજ બજાવવા માટે મુસાફરીની સુવિધા પૂરી પાડવાના આશય સાથે, પંજાબ સરકારે તમામ ખાનગી (બિન-પરિવહન) વાહનો અને તમામ સાર્વજનિક પરિવહનના વાહનોને સવારે 5 થી રાત્રે 9 દરમિયાન ચાલવવાની મંજૂરી આપી છે. જોકે, સંબંધિત સતામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ટેઇન્મેન્ટ ઝોન માટે આ મુક્તિ લાગુ પડશે નહીં. વાહનોમાં મુસાફરી દરમિયાન ઘાતક વાયરસનો ફેલાવો રોકવા માટે નિર્ધારિત માપદંડોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
- હરિયાણા: હરિયાણા સરકારે 8 જૂન 2020થી ધાર્મિક સ્થળો, પૂજાના સ્થળો અને શોપિંગ મોલ જાહેર જનતા માટે નિયંત્રિત રીતે અને નિયમનો સાથે ખોલવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. ગુરુગ્રામ અને ફરિદાબાદ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં મોટી સંખ્યામાં દરરોજ કોવિડ-19ના પોઝિટીવ કેસો નોંધાઇ રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા આ બંને જિલ્લામાં ઉપરોક્ત મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત, હોટેલો, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્ય સેવાઓ સમગ્ર રાજ્યમાં જરૂરી સુરક્ષાત્મક પગલાંના પાલન સાથે ખોલી શકાશે. આ તમામ સ્થળો ખોલવા માટેનો સમય સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે જેથી રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધીના કર્ફ્યૂના આદેશનું પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રીએ હરિયાણામાં કોવિડ-19 મહામારીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓનું અક્ષરશઃ પાલન સુનિશ્ચિત કરવા માટે આ પ્રવૃત્તિઓને જરૂર અનુસાર નિયંત્રણમાં અને પ્રતિબંધમાં રાખી છે.
- કેરળ: રાજ્યમાં નોંધાયેલા સૌથી નાની વયના એટલે કે પાંચ દિવસના છોકરાનો કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો હતો તે આ બીમારીમાંથી સાજો થઇ ગયો છે અને કોલ્લમમાં પેરીપ્પલાય મેડિકલ કોલેજમાંથી તેને રજા આપવામાં આવી છે. આ બાળકની માતા હજુ પણ સારવાર હેઠળ છે. તિરુવનંતપુરમમાં આવેલા રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજીને કોવિડ સારવારના ઉપકરણો અને પરીક્ષણ કિટ્સની ચોક્કસાઇના પરીક્ષણ માટે સત્તાવાર કેન્દ્ર તરીકે માન્યતા આપવામાં આવી છે. શબરીમાલા મંદિરે અન્ય રાજ્યમાંથી દર્શનાર્થે આવતા ભક્તોએ કોવિડ પ્રમાણપત્ર ફરજિયાત રાખવું પડશે. શબરીમાલા અને ગુરુવયુર મંદિરમાં તમામ ભક્તો માટે વર્ચ્યુઅલ કતાર ફરજિયાત કરવામાં આવી છે. કોઝીકોડમાં હાલમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોવાથી હોટેલો માત્ર 15 જુલાઇ પછી જ ખોલી શકાશે. વધુ એક મલયાલી એક્સ-રે ટેકનિશિયનનું નવી દિલ્હીમાં આજે મૃત્યુ થયું હતું. કેરળમાં ગઇકાલે નવા 108 કેસો પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી જ્યારે 1029 દર્દીઓ હાલમાં વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
- તામિલનાડુ: પુરુચેરીમાં વધુ 12 વ્યક્તિના પોઝિટીવ રિપોર્ટ આવ્યા છે જેમાંથી JIPMERના પાંચ ડૉક્ટર, ટેકનિશિયન છે; આ સાથે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કુલ કોવિડ-19 પોઝિટીવ કેસની સંખ્યા 119 થઇ ગઇ છે જેમાંથી 71 કેસ હાલમાં સક્રીય છે. ભારતીય નૌકાદળનું જહાજ ‘જલશ્વ’ નૌસેનાના ‘સમુદ્ર સેતુ’ મિશનના ભાગરૂપે માલદીવ્સથી 700 ભારતીયોને લઇને થુટુકુડી વી.ઓ. ચિદમ્બરનાર બંદર ટ્રસ્ટ ખાતે આવ્યું હતું. આ જહાજ અહીં ભારતીયોને લઇને બીજી વખત આવ્યું છે. રાજ્યમાં રેસ્ટોરન્ટ્સ માટે SoP બહાર પાડવામાં આવી છે; 65 વર્ષથી વધુ ઉંમરના અને સહ-બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને અહીં પ્રવેશથી બાકાત રાખવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોને ફરી ખોલવા માટે મંજૂરી વધુ સરળતાથી આપવામાં આવશે. તામિલનાડુમાં ગઇકાલે વધુ 1458 કેસ પોઝિટીવ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ: 30152, સક્રિય કેસ: 13503, મૃત્યુ થયા: 251. ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા 10223 છે.
- કર્ણાટક: આરોગ્ય વિભાગે અનલૉક 1.0 દરમિયાન આરોગ્ય સ્ક્રિનિંગ, ક્વૉરેન્ટાઇન અને રાજ્યની અંતરના ભાગોમાં મુસાફરી કરનારાઓ માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે જે 8 જૂન 2020થી લાગુ થશે. હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને લોજ તેમજ મંદિરો કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ચુસ્ત પાલન સાથે ફરી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં ગઇકાલે નવા 378 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 280 દર્દીઓ કોવિડ-19થી સાજા થઇ ગયા હતા અને બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતા; નવા નોંધાયેલા 378 કેસમાંથી 333 કેસ આંતર રાજ્ય મુસાફરોના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ: 5213, સક્રિય કેસ: 3184, મૃત્યુ પામ્યા: 59, સાજા થયા: 1968
- આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશ વિધાનસભા અને વિધાન પરિષદના બજેટ સત્રની શરૂઆત 16 જૂનથી થશે. RTC દ્વારા 21 મેથી તેની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે જેણે અત્યાર સુધીમાં રૂ. 29.44 કરોડની આવક કરી છે. રાજ્ય દ્વારા મોટી સંખ્યામાં જંગલખાતાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17,695 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી 130 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે અને 30 દર્દીને રજા આપવામાં આવી છે જ્યારે બે દર્દી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 3718, સક્રિય કેસ: 1290, સાજા થયા: 2353, મૃત્યુ: 75. અત્યાર સુધીમાં અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા વિસ્થાપિતોમાં 810 પોઝિટીવ કેસ નોંધાયા છ જેમાંથી 508 કેસ સક્રિય છે અને 28ને છેલ્લા 24 કલાકમાં રજા આપવામાં આવી છે જ્યારે વિદેશમાંથી આવેલા 131 કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 126 સક્રિય છે અને એક વ્યક્તિને આજે રજા આપવામાં આવી છે.
- તેલંગાણા: મુખ્યમંત્રીની કચેરીમાં અધિકારીના પર્સનલ સેક્રેટરીને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યા પછી કચેરીને સીલ કરી દેવામાં આવી છે. તેલંગાણામાં હોમગાર્ડ, કોન્સ્ટેબલ સહિત છ પોલીસ જવાનોને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. કોવિડ-19 મહામારીના કારણે લોકોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ ખૂબ જ મોટાપાયે ઉભો થયો હોવાથી શાળામાં ભણતા બાળકોના માતાપિતા આ વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થાય તે પહેલાં શાળાઓ ફરી શરૂ થશે કે નહીં તે અંગે મુંઝવણમાં છે. 6 જૂન સુધીમાં તેલંગાણામાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 3496 નોંધાઇ છે. આ દિવસ સુધીમાં 448 વિસ્થાપિતો અને વિદેશથી પરત આવેલા લોકોમાં પોઝિટીવ કેસ નોંધાયા છે.
- મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં જ કોવિડ-19ના વધુ 2739 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 82,698 થઇ ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2969 દર્દીઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે જેમાંથી 120 દર્દીઓ તો માત્ર છેલ્લા 24 કલાકમાં જ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોવિડ-19માંથી 37,390 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હોવાનું મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,234 દર્દીઓને રજા આપવામાં આવી છે. મુંબઇમાં ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ ટાળવા અને વધતી ફરિયાદોનો નિકાલ લાવવા માટે મહારાષ્ટ્રની સરકારે પાંચ IAS અધિકારીને નિયુક્ત કર્યા છે જેમને ઇમેલના માધ્યમથી ફરિયાદ કરી શકાય છે. કુલ 35 હોસ્પિટલો આ અધિકારીઓની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવી છે.
- ગુજરાત: ગુજરાતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 498 લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે જ્યારે 29 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેમાં 26 દર્દી માત્ર અમદાવાદમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 19,617 થઇ છે અને અત્યાર સુધીમાં કુલ 1,219 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. વધુ 313 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાથી અત્યાર સુધીમાં કુલ 13,324 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,45,606 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- રાજસ્થાન: રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 247 દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે. આ સાથે, રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પોઝિટીવ કેસની કુલ સંખ્યા 10,331 થઇ ગઇ છે. કોવિડ-19ના ચેપના કારણે રાજ્યમાં કુલ 231 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલમાં રાજ્યમાં કુલ 2599 સક્રિય કેસો સારવાર હેઠળ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,501 દર્દી આ બીમારીના ચેપમાંથી સાજા થઇ ગયા છે.
- મધ્યપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશમાં નવા 232 કેસ પોઝિટીવ નોંધાયા પછી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 9,000નો આંકડો વટાવીને શનિવારે 9228 સુધી પહોંચી ગઇ છે. ભોપાલમાં 51 કેસ જ્યારે ત્યારબાદ ઇન્દોરમાં 35, શાજપુરમાં 20, નિમુચમાં 18, બુરહાનપુરમાં 15, ભીંડમાં 14, ઉજ્જૈનમાં 12 અને ગ્વાલિયરમાં 10 કેસ પોઝિટીવ નોંધાયા છે.
- છત્તીસગઢ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 44 દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાનું છત્તીસગઢના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત કુલ પોઝિટીવ નોંધાયેલા દર્દીની સંખ્યા વધીને 923 થઇ ગઇ છે જ્યારે કુલ મૃત્યુ આંક 4 થયો છે.
- ગોવા: ગોવામાં કોવિડ-19ના વધુ 71 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 267 થઇ છે. આમાંથી હાલમાં 202 સક્રિય કેસ છે જ્યારે 65 દર્દીઓ અત્યાર સુધીમાં આ બીમારીથી સાજા થઇ ગયા છે.

(रिलीज़ आईडी: 1630106)
आगंतुक पटल : 349
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada