પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કતારના આમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચે ટેલીફોન પર વાર્તાલાપ થયો

Posted On: 26 MAY 2020 7:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કતારના આમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો હતો અને ઇદ-ઉલ-ફિત્ર નિમિત્તે તેમને તેમજ કતારના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.


કોવિડ-19 મહામારીના સમયમાં કતારમાં વસતા ભારતીય નાગરિકોનું આરોગ્ય અને સુખાકારી જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટીતંત્રએ કરેલા પ્રયાસો અને મહામહિમ કતારના આમીરે બાબતે વ્યક્તિગત રીતે લીધેલી કાળજી બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઉષ્માભેર પ્રશંસા કરી હતી. કતારમાં ભારતીય સમુદાયે આપેલા યોગદાનને કતારના આમીરે બિરદાવ્યું હતું. ખાસ કરીને ભારતીય આરોગ્ય સંભાળ કર્મચારીઓએ વર્તમાન સ્થિતિમાં નિભાવેલી ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી.

 
પ્રધાનમંત્રીએ વર્તમાન સ્થિતિ દરમિયાન ભારતમાંથી કતારમાં આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠામાં કોઇપણ પ્રકારે વિક્ષેપ ના પડે તે માટે ભારતીય સત્તાધીશો જે પ્રકારે ધ્યાન આપી રહ્યા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.


પ્રધાનમંત્રીએ કતારના આમીરના ટુંક સમયમાં આવી રહેલા 40મા જન્મદિવસ નિમિત્તે તેમને ઉષ્માભેર શુભેચ્છા પાઠવી હતી અને તેમનું આરોગ્ય જળવાઇ રહે તેમજ તેમને સતત સફળતા મળતી રહે તેવી શુભકામના પાઠવી હતી.

 

 

GP/DS

 



(Release ID: 1627121) Visitor Counter : 241