લઘુમતિ બાબતોનું મંત્રાલય
કોરોના મહામારીના પગલે પવિત્ર રમજાન મહિના દરમિયાન લૉકડાઉન, કર્ફ્યૂ અને સામાજિક અંતરનું ચુસ્ત અને પ્રામાણિકપણે પાલન સુનિશ્ચિત કરવા માટે મુખ્તાર અબ્બાસ નકવીએ 30થી વધુ રાજ્ય વકફ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા
વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 30થી વધુ રાજ્ય વકફ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો
સમગ્ર દેશમાં 7 લાખથી વધુ રજિસ્ટર્ડ મસ્જિદ, ઇદગાહ, ઇમામવાડા, દરગાહ અને અન્ય ધાર્મિક, સામાજિક સંસ્થાઓ વકફ બોર્ડ હેઠળ આવે છે
મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું – લોકોમાં જાગૃતિ ફેલાવીને આપણે ક્વૉરેન્ટાઇન અને આઇસોલેશન કેન્દ્રો વિશે જે અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવામાં આવે છે તેને પણ આપણે દૂર કરવી જોઇએ
“કોઇપણ પ્રકારની અફવા, ખોટી માહિતી અને કાવતરાઓ દૂર કરીને આપણે કોરોના સામેની લડાઇ જીતવા માટે એકજૂથ થઇને કામ કરવું જોઇએ”
Posted On:
16 APR 2020 2:03PM by PIB Ahmedabad
લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય વકફ પરિષદના ચેરમેન શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે 30થી વધુ રાજ્ય વકફ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો અને કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને 24 એપ્રિલથી શરૂ થઇ રહેલા પવિત્ર રમજાન મહિના દરમિયાન લૉકડાઉન, કર્ફ્યૂ અને સામાજિક અંતરનું ચુસ્ત તેમજ પ્રામાણિકપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નિર્દેશો આપ્યા હતા.
શ્રી નકવીએ રાજ્ય વકફ બોર્ડના અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, તેઓ પવિત્ર રમજાન મહિના દરમિયાન લોકો પોતાના ઘરમાં જ નમાઝ પઢે અને અન્ય ધાર્મિક વિધિઓ કરે તે અંગે જાગૃતિ ફેલાવે.
અહીં નોંધનીય છે કે, દેશમાં 7 લાખ રજિસ્ટર્ડ મસ્જિદ, ઇદગાહ, ઇમામવાડા, દરગાહ અને અન્ય ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ રાજ્ય વકફ બોર્ડ હેઠળ આવે છે. કેન્દ્રીય વકફ પરિષદએ ભારતમાં રાજ્ય વકફ બોર્ડ્સની નિયામક સંસ્થા છે.
આ પ્રસંગે, શ્રી નકવીએ જણાવ્યું હતું કે, આપણે આરોગ્ય કર્મચારીઓ, સુરક્ષાદળો, વહીવટીતંત્રના અધિકારીઓ, સફાઇ કર્મચારીઓને સહકાર આપવો જોઇએ; આ કોરોના મહામારી દરમિયાન તેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને પણ આપણી સલામતી અને સુખાકારી માટે સતત કામ કરી રહ્યા છે. આપણે ક્વૉરેન્ટાઇન અને આઇસોલેશન કેન્દ્રો વિશે જે અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવામાં આવે છે તેને લોકોમાં જાગૃતિ ફેલાવીને ખતમ કરવી જોઇએ અને લોકોને સમજાવવા જોઇએ કે આવા કેન્દ્રો માત્રને માત્ર કોરોના મહામારીથી લોકોની સુરક્ષા માટે, તેમના પરિવારની સુરક્ષા માટે અને સમગ્ર સમાજની સુરક્ષા માટે છે.
શ્રી નકવીએ તમામ રાજ્ય વકફ બોર્ડ અને સામાજિક સંગઠનોને કહ્યું હતું કે, ખોટી માહિતી ફેલાવવાના આશયથી રચવામાં આવતા કોઇપણ પ્રકારના ખોટા સમાચારો અને કાવતરાથી આપણે સચેત રહેવું જોઇએ. સત્તાધિશો સમગ્ર ભારતમાં કોઇપણ પ્રકારે ભેદભાવ રાખ્યા વગર તમામ નાગરિકોની સલામતી અને સુખાકારી માટે કામ કરી રહ્યા છે. આવી અફવાઓ અને કાવતરા કોરોના સામેની લડાઇને નબળી પાડવાનું અધમ કૃત્ય છે. આપણે કોરોના સામેની લડાઇ જીતવા માટે આવી કોઇપણ પ્રકારની અફવાઓ, ખોટી માહિતીઓ અને કાવતરા દૂર કરવા એકજૂથ થઇને કામ કરવાની જરૂર છે.
શ્રી નકવીએ તમામ રાજ્ય વકફ બોર્ડના અધિકારીઓને કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રાજ્ય સરકારો અને કેન્દ્રીય વકફ કાઉન્સિલ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું લોકો ચુસ્ત અને પ્રામાણિકપણે પાલન કરે અને પવિત્ર રમજાન મહિના દરમિયાન લોકો ઘરમાં જ રહીને નમાઝ પઢે તેમજ અન્ય ધાર્મિક વિધિઓ કરીને પોતાની ધાર્મિક જવાબદારીઓ પૂર્ણ કરે તે માટે તેઓ સક્રીય અને અસરકારક ભૂમિકા નિભાવે.
શ્રી નકવીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ઉભા થયેલા પડકારોને અનુલક્ષીને, સમગ્ર દેશમાં તમામ મંદિર, ગુરુદ્વારા, ચર્ચ અને અન્ય ધાર્મિક તેમજ સામાજિક સ્થળોએ તમામ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ તેમજ મોટા મેળાવડાઓનું આયોજન અટકાવી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે, સમગ્ર દેશમાં તમામ મસ્જિદો અને અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળોએ આવા કોઇપણ મેળાવડા અથવા લોકો એકત્ર થાય તેવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઇએ.
શ્રી નકવીએ ઉમેર્યું હતું કે, કોરોના મહામારીના કારણે, દેશમાં તમામ ધર્મના ધાર્મિક અગ્રણીઓ તેમજ ધાર્મિક અને સામાજિક સંગઠનોએ લોકોને પોતાના ઘરમાં જ રહીને પ્રાર્થના કરવા તેમજ અન્ય તમામ ધાર્મિક વિધિઓ કરવાની અપીલ કરી છે. પવિત્ર રમજાન મહિના દરમિયાન લૉકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકાનું ચુસ્તપાલન થવું જોઇએ. દુનિયામાં મોટાભાગના મુસ્લિમ દેશોએ પણ પવિત્ર રમજાન મહિના દરમિયાન મસ્જિદ અથવા અન્ય ધાર્મિક સ્થળોએ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂક્યો છે.
શ્રી નકવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તમામ રાજ્યની સરકારોના સહયોગથી, લોકોની સલામતી અને સુખાકારી માટે ખૂબ જ અસરકારક રીતે કામ કરી રહ્યા છે. કોરોના સામેની આ લડાઇમાં લોકોએ આપેલા સહકારના કારણે પણ ભારતને ખૂબ જ મોટી રાહત મળી છે. પરંતુ હજુ પણ ઘણા પડકારો દેશ સામે ઉભા છે. આપણે કોરોના મહામારીના આ પડકારોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્ત અને પ્રામાણિકપણે પાલન કરીને સંપૂર્ણ ખતમ કરી શકીએ છીએ.
શ્રી નકવીએ અપીલ કરી હતી કે, તમામ લોકો પવિત્ર રમજાન મહિના દરમિયાન લૉકડાઉન અને સામાજિક અંતરની તમામ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરે છે અને પોતાના ઘરમાં જ રહીને નમાઝ પઢે તેમજ અન્ય ધાર્મિક વિધિ કરે. આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે, ભારત અને સમગ્ર દુનિયા ઝડપથી કોરોના મહામારીના શકંજામાંથી મુક્ત થાય.
આ વીડિયો કોન્ફરન્સમાં ઉત્તરપ્રદેશ (શિયા અને સુન્ની), આંધ્રપ્રદેશ, બિહાર (શિયા અને સુન્ની), દાદરા અને નગર હવેલી, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર, આસામ, મણીપૂર, રાજસ્થાન, તેલંગાણા, દિલ્હી, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડુચેરી, તામિલનાડુ, ત્રિપૂરા, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોના રાજ્ય વકફ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
GP/DS
(Release ID: 1614993)
Visitor Counter : 336
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam