સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ્સ

Posted On: 14 APR 2020 5:02PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંદેશમાં નીચે દર્શાવેલા સાત મુદ્દા પર સહકાર આપવા માટે તમામ નાગરિકોને અપીલ કરી હતી:

  1. તમારા ઘરમાં વૃદ્ધ સભ્યોની, જેમાં ખાસ કરીને જેમને જુની બીમારી હોય તેમની વિશેષ કાળજી લો.
  2. લૉકડાઉન અને સામાજિક અંતરના માપદંડોનું ચુસ્ત અને સંપૂર્ણ પાલન કરો. ઘરે બનાવેલા ફેસ કવર માસ્ક અચૂક પહેરો.
  3. આયુષ મંત્રાલય દ્વારા સૂચન કર્યા અનુસાર ગરમ પાણી, ‘ઉકાળો’ પીને રોગ પ્રતિકારકશક્તિ વધારો.
  4. આરોગ્ય સેતૂ મોબાઇલ એપ ડાઉનલોડ કરો જે કોરોના વાયરસનો ફેલાવો રોકવામાં મદદરૂપ થાય છે.
  5. ગરીબ પરિવારોની ભોજનની જરૂરિયાતો પૂર્ણ કરીને તેમની કાળજી લો.
  6. તમારા વ્યવસાય અથવા ઉદ્યોગમાં કામ કરતા લોકો પ્રત્યે દયાભાવ રાખીને તેમની આજીવિકા છીનવશો નહીં.
  7. આપણા રાષ્ટ્રના કોરોના યોદ્ધાઓ – ડૉક્ટરો, નર્સો, સફાઇ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ પ્રત્યે ખૂબ જ સન્માનની લાગણી દર્શાવો.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરવા માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને અવિરત અને અથાક કામ કરી રહ્યું છે. હાલમાં, કુલ 602 કોવિડ-19 સમર્પિત હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે જેમાં 1,06,719 આઇસોલેશન બેડ અને 12,024 ICU બેડની સુવિધા છે.

ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા અત્યંત ગીચ વિસ્તારો માટે કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં સુયોગ્ય સફાઇ અને સ્વચ્છતા ઉકેલો તેમજ પગલાં સુચવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સામુદાયિક સહિયારા ટૉઇલેટ, ધોવા અને ન્હાવાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

ગઇકાલથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના નવા 1211 કેસ વધ્યા હોવાની પુષ્ટિ થઇ છે અને 31 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 1036 દર્દી સાજા થયા છે/ સાજા થયા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.



(Release ID: 1614405) Visitor Counter : 254