ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

લૉકડાઉન દરમિયાન શૈક્ષણિક વર્ષ એકધારું જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા ઉપરાષ્ટ્રપતિએ યુનિવર્સિટીઓને કહ્યું


ઉપરાષ્ટ્રપતિએ યુનિવર્સિટીઓને કહ્યું કે, ઑનલાઇન શિક્ષણ વર્ગો યોજવા માટે ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરો

વિદ્યાર્થીઓનો સંપર્ક કરો, સહયોગપૂર્ણ શિક્ષણ અને સ્વ-શિક્ષણને પ્રોત્સાહન આપો: ઉપરાષ્ટ્રપતિ

છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓના આરોગ્યની કાળજી રાખો: ઉપરાષ્ટ્રપતિ

લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓને નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ કરવા અને નવી ભાષા શીખવાનું કહ્યું

દિલ્હી, પુડુચેરી, પંજાબ, માખનલાલ ચતુર્વેદી યુનિવર્સિટીના કુલપતિ અને IIPAના નિદેશક સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

Posted On: 13 APR 2020 1:33PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને લૉકડાઉનના સમય દરમિયાન શૈક્ષણિક વર્ષ એકધારું જળવાઇ રહે તે માટે ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

દિલ્હી, પુડુચેરી, પંજાબ, માખનલાલ ચતુર્વેદી યુનિવર્સિટીના કુલપતિ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના નિદેશક સાથે આ વીડિયો કોન્ફરન્સથી ચર્ચા દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે અને કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા વિક્ષેપોનો સામનો કરવા માટેના તેમના ભાવિ આયોજનો અંગે પૂછપરછ કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ IIPAના પ્રમુખ અને ત્રણ યુનિવર્સિટીના કુલપતિ પણ છે. તેમણે શૈક્ષણિક સંસ્થાઓને વિનંતી કરી હતી કે, તેઓ વિદ્યાર્થીઓનો સંપર્ક કરે, સહયોગપૂર્ણ શિક્ષણ અને સ્વ-શિક્ષણ માટે તેમને પ્રોત્સાહિત કરે. તેમણે તમામ સંસ્થાઓ પાસેથી ઇચ્છા રાખી હતી કે, તેઓ તમામ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવા માટે ટેકનોલોજીકલ સાધનોનો મહત્તમ ઉપયોગ કરે. તેમણે ઉમેર્યું હતું કે, લૉકડાઉનના સમયમાં ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ કાર્ય એકધારું ચાલું રહે અને શિક્ષણની પ્રક્રિયા જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.

કોરોના વાયરસના કારણે ઉભા થયેલા વિપરિત સંજોગોના કારણે લોકોએ સર્જનાત્મક ઉપાયો શોધવાની ફરજ પછી છે તે બાબત પર ધ્યાન આપીને શ્રી નાયડુએ શિક્ષણ અને શીખવાની પ્રક્રિયાઓમાં સહેજ પણ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંની પ્રશંસા કરી હતી. ઑનલાઇન અભ્યાસક્રમો રૂબરૂ શિક્ષણના પૂરક બની શકે છે તેમ જણાવતા નાયડુએ ઉમેર્યું હતું કે, “વર્તમાન સંકટમાંથી આપણે બહાર આવીએ તે પછી કદાચ તેને નવી સામાન્ય પદ્ધતિ તરીકે અપનાવવામાં આવે તેવી સંભાવના છે”

છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતી જાળવવા માટે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પૂરતા પગલાં લેવા જરૂરી છે તે બાબત પર પણ ઉપરાષ્ટ્રપતિએ વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે તમામને વિનંતી કરી હતી કે, સરકાર અને આરોગ્ય નિષ્ણાતોએ આપેલા સૂચનો અનુસાર સામાજિક અંતર અને આઇસોલેશનનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવું.

શ્રી નાયડુએ વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ આદતોનું પાલન કરવાની તેમજ નિયમિત શારીરિક કસરત કરવાની સલાહ આપી હતી અને બેઠાડુ જીવનશૈલી ટાળવા કહ્યું હતું તેમજ પ્રકૃતિ સાથે જીવવાના મહત્વ પર તેમણે ભાર મૂક્યો હતો.

શ્રી નાયડુએ યુનિવર્સિટીઓને એવી પણ વિનંતી કરી હતી કે, વિદ્યાર્થીઓ આ સમયનો અર્થપૂર્ણ ઉપયોગ કરે અને તેમના દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી ઇ-લર્નિંગ સામગ્રીનો લાભ લે તેના માટે તેઓ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે. તેમણે એવી પણ ઇચ્છા દર્શાવી હતી કે, લૉકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનમાં ઓછો ટાઇમ વેડફે અને કોઇ નવી ભાષા શીખે. આ ઉપરાંત, તેમણે પરિવારના સભ્યો સાથે પણ પૂરતો સમય ગાળવો જોઇએ.

ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને તેમના વિસ્તારમાં NGO દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, અત્યારે સરકાર દ્વારા સમય-સમયે આપવામાં આવતી માર્ગદર્શિકાઓનું દરેક નાગરિકે ચુસ્ત પાલન કરવું જરૂરી છે.

ઉપરાષ્ટ્રપતિના સચિવ ડૉ. આઇ.વી. સુબ્બા રાવ પણ આ વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.

GP/RP
 



(Release ID: 1613915) Visitor Counter : 186