સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ્સ

Posted On: 12 APR 2020 6:38PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

દેશમાં તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં કોવિડ-19ના પરીક્ષણ માટે તાત્કાલિક ધોરણે ક્ષમતા વધારવા માટે સમગ્ર દેશમાં વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓને એકસમાન રીતે જવાબદારીની વહેંચણી કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. આ સંસ્થાઓ તેમને ફાળવવામાં આવેલા વિસ્તારોમાં મેડિકલ કોલેજોના માર્ગદર્શક તરીકે કામ કરશે અને તેમના રાજ્યોમાં કોવિડ-19ના પરીક્ષણની સુવિધાઓ સ્થાપિત કરવા માટે સુવિધા પૂરી પાડશે તેવી અપેક્ષા છે. આ તમામ સંસ્થાઓને તેમના રાજ્યની સરકાર સાથે નીકટતાપૂર્વક સંકલનમાં કામ કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

દેશમાં ગઇકાલથી કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસોમાં 909 દર્દીનો વધારો થયો છે. અત્યાર સુધીમાં 716 દર્દી સાજા થયા છે/ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજના દિવસ સુધીમાં કુલ 273 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

સરકાર પ્રાથમિક તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા વધારવા પર પણ ધ્યાન આપી રહી છે જેમાં સમર્પિત હોસ્પિટલો, આઇસોલેશન બેડ, ICU બેડ અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓ પણ સામેલ છે. 12.04.2020 સુધીમાં 8356 કેસો પૈકિ અંદાજે 1671 (પુષ્ટિ થયેલા કેસોમાંથી 20% સામાન્ય અને ગંભીર/તીવ્ર લક્ષણો ધરાવે છે) બેડની અંદાજિત જરૂરિયાતની સામે હાલમાં સમગ્ર દેશમાં કોવિડ-19 માટે સમર્પિત 601 હોસ્પિટલમાં 1,05,980 બેડ ઉપલબ્ધ છે. સમગ્ર દેશમાં સમર્પિત હોસ્પિટલોમાં આઇસોલેશન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર દેશમાં કોવિડ-19ના દર્દીઓના વ્યવસ્થાપન માટે સમર્પિત હોસ્પિટલોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલો ઉપરાંત વિવિધ ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો, જાહેર ક્ષેત્રના એકમો, મિલિટરી હોસ્પિટલો, ભારતીય રેલવે દ્વારા પણ આ પ્રયાસોમાં યોગદાન આપવામાં આવે છે. દૂરના વિસ્તારોમાં તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા વિશેષ તંબુ તૈયાર કરવામાં આવ્યા છે.

તૈયારીઓના પ્રયાસોના ભાગરૂપે, આરોગ્ય સ્ટાફને AIIMS, NIMHANS જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ઇન્સ્ટિટ્યુટ્સ દ્વારા તાલીમ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વેન્ટિલેટર વ્યવસ્થાપન, તબીબી વ્યવસ્થાપન, ચેપ નિવારણ નિયંત્રણ, બાયો-મેડિકલ કચરાનું વ્યવસ્થાપન અને રોગશાસ્ત્ર વિશે પણ આ ઇન્સ્ટિટ્યુટ્સ દ્વારા ઑનલાઇન તાલીમ મોડ્યૂલ અને વેબિનાર યોજવામાં આવી રહ્યા છે. અગ્ર હરોળમાં કામ કરી રહેલા તબીબી કર્મચારીઓને સજ્જ કરવા મટે મોક ડ્રીલનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી અહીં ઉપલબ્ધ છે.

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

RP

*****



(Release ID: 1613732) Visitor Counter : 187