|
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર-મંત્રાલય બ્રીફિંગ
PNG કનેક્શનને પ્રોત્સાહન આપવા માટે CGD કંપનીઓ પ્રોત્સાહન આપી રહી છે પ્રવર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને LPG પુરવઠા પર દેખરેખ રાખવાનું ચાલુ છે સ્થાનિક LPG ઉત્પાદનમાં 36 ટકાનો વધારો થયો છે ઓનલાઇન LPG સિલિન્ડર બુકિંગ લગભગ 84% થી વધીને આશરે 90% થયું છે રાજ્ય સરકારો સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે અમલીકરણના પગલાં લઈ રહી છે LPG કેરિયર શિવાલિક આજે ભારત પહોંચશે; નંદા દેવી આવતીકાલે સવાર સુધીમાં આવવાની અપેક્ષા છે 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં પશ્ચિમ એશિયા અને ગલ્ફ પ્રદેશમાંથી આશરે 2,20,000 મુસાફરો ભારત પરત ફર્યા છે તેહરાનમાં ભારતનું દૂતાવાસ સંપૂર્ણ રીતે કાર્યરત છે
પોસ્ટેડ ઓન:
16 MAR 2026 5:09PM by PIB Ahmedabad
નેશનલ મીડિયા સેન્ટર ખાતે પશ્ચિમ એશિયામાં થઈ રહેલા વિકાસ અંગે નિયમિતપણે આંતર-મંત્રાલય મીડિયા બ્રીફિંગનું આયોજન કરવામાં આવે છે. આજના બ્રીફિંગમાં (16 માર્ચ 2026), પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને વિદેશ મંત્રાલયોએ ઉર્જા પુરવઠો, દરિયાઈ કામગીરી, આ પ્રદેશમાં ભારતીય નાગરિકોના કલ્યાણ અને સંબંધિત જાહેર માહિતીના પ્રયાસો અંગે વિગતો શેર કરી હતી. અગાઉ 11, 12, 13 અને 14 માર્ચે બ્રીફિંગ યોજવામાં આવી હતી.
ઉર્જા પુરવઠો અને ઈંધણની ઉપલબ્ધતા
હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz) બંધ થવાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિના સંદર્ભમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ઈંધણના પુરવઠાની સ્થિતિ અને પેટ્રોલિયમ ઉત્પાદનો તથા LPG ની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે મીડિયાને માહિતગાર કર્યા હતા. મંત્રાલય મુજબ:
ક્રૂડ અને રિફાઇનરીઓ
- તમામ રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કાર્યરત છે અને પર્યાપ્ત ક્રૂડ ઓઇલનો જથ્થો જાળવી રહી છે. ભારત પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે અને સ્થાનિક માંગને પહોંચી વળવા આ ઈંધણની આયાતની જરૂર નથી.
રિટેલ આઉટલેટ્સ
- ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ આઉટલેટ્સ પર ઈંધણ ખૂટવાના (fuel dry-outs) કોઈ કિસ્સા નોંધાયા નથી, અને પેટ્રોલ તથા ડીઝલનો પુરવઠો નિયમિતપણે જાળવવામાં આવી રહ્યો છે.
- નાગરિકોને ગભરાટમાં આવીને ખરીદી (panic buying) ન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
કુદરતી ગેસ
- પ્રાધાન્યતા ધરાવતા ક્ષેત્રોને સુરક્ષિત ગેસ પુરવઠો મળવાનું ચાલુ છે, જેમાં PNG અને CNG ને 100 ટકા પુરવઠો સામેલ છે, જ્યારે ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકો માટે પુરવઠો આશરે 80 ટકા પર નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે.
- મોટા શહેરો અને શહેરી વિસ્તારોમાં વ્યાપારી LPG ગ્રાહકોને PNG પર સ્વિચ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, અને હોટલ, રેસ્ટોરાં, હોસ્પિટલ અને હોસ્ટેલ જેવી સંસ્થાઓ અધિકૃત સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) સંસ્થાઓ દ્વારા PNG કનેક્શન મેળવી શકે છે.
- ગ્રાહકો CGD કંપનીઓના ઇમેઇલ, કસ્ટમર પોર્ટલ, પત્રો અથવા કોલ સેન્ટર દ્વારા PNG કનેક્શન માટે અરજી કરી શકે છે, અને જ્યાં પાઇપલાઇન નેટવર્ક પહેલેથી અસ્તિત્વમાં છે ત્યાં કનેક્શન ઝડપથી પ્રદાન કરી શકાય છે.
- ઘણી CGD કંપનીઓ PNG કનેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઇન્સેન્ટિવ આપી રહી છે, જેમાં ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ અને ગેઇલ (GAIL) ગેસ લિમિટેડ દ્વારા ઘરેલું ગ્રાહકો માટે ₹500 ની મફત ગેસ સહાય, મહાનગર ગેસ લિમિટેડ દ્વારા ઘરેલું PNG ગ્રાહકો માટે ₹500 ના રજિસ્ટ્રેશન ચાર્જ અને વ્યાપારી ગ્રાહકો માટે સિક્યોરિટી ડિપોઝિટની માફી, અને BPCL દ્વારા તમામ વ્યાપારી કનેક્શન માટે સિક્યોરિટી ડિપોઝિટની માફીનો સમાવેશ થાય છે.
- સરકાર CGD નેટવર્કનો વિસ્તાર કરી રહી છે અને PNGRB એ CGD સંસ્થાઓને સંસાધનોની જમાવટ વેગવંતી બનાવવા, હાલના કનેક્શનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને પુરવઠો શરૂ કરવા માટેની સમયમર્યાદા ઘટાડવાની સલાહ આપી છે.
LPG
- પ્રવર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને LPG પુરવઠા પર દેખરેખ રાખવાનું ચાલુ છે.
- LPG ડિસ્ટ્રિબ્યુટરશિપ પર કોઈ 'ડ્રાય-આઉટ' નોંધાયા નથી.
- સમગ્ર ઉદ્યોગમાં ઓનલાઇન LPG સિલિન્ડર બુકિંગ લગભગ 84% થી વધીને આશરે 90% થયું છે.
- ડિસ્ટ્રિબ્યુટર સ્તરે સિલિન્ડરોના ડાયવર્ઝનને રોકવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) કવરેજ કટોકટી પહેલાના 53% થી વધારીને આશરે 72% કરવામાં આવ્યું છે.
- બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મણિપુર અને મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ બિન-ઘરેલું LPG ફાળવવાના આદેશો જારી કર્યા છે.
રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલી બેઠકો
- રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો પેટ્રોલ, ડીઝલ અને LPG સહિતની આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર દેખરેખ રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.
- મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પરિસ્થિતિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે અને નાગરિકોને માહિતગાર રાખવા માટે મીડિયા બ્રીફિંગ કરી રહ્યા છે.
અમલીકરણ કાર્યવાહી
- રાજ્ય સરકારો પેટ્રોલ, ડીઝલ અને LPG ની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે અમલીકરણના પગલાં લઈ રહી છે.
- LPG ની સંગ્રહખોરી અને કાળાબજારને તપાસવા માટે ઉત્તર પ્રદેશ, હરિયાણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ અને મિઝોરમ સહિતના અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
- PSU ઓઇલ માર્કેટિંગ કંપનીઓના અધિકારીઓએ સુચારુ પુરવઠો સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ રોકવા માટે 1,100 થી વધુ રિટેલ આઉટલેટ્સ અને LPG ડિસ્ટ્રિબ્યુટરશિપ પર આકસ્મિક તપાસ હાથ ધરી છે.
સરકારના અન્ય પગલાં
- સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા અવિરત સ્થાનિક LPG પુરવઠો સુનિશ્ચિત કરવાની છે, ખાસ કરીને ઘરો અને હોસ્પિટલો તથા શૈક્ષણિક સંસ્થાઓ જેવા પ્રાધાન્યતા ક્ષેત્રો માટે.
- રિફાઇનરીઓમાંથી સ્થાનિક LPG ઉત્પાદનમાં લગભગ 36 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
- 14 માર્ચ 2026 ના LPG કંટ્રોલ ઓર્ડર સુધારા હેઠળ, PNG કનેક્શન ધરાવતા ગ્રાહકોએ તેમના ઘરેલું LPG કનેક્શન સરેન્ડર કરવા જરૂરી છે અને તેઓ નવું LPG કનેક્શન મેળવી શકતા નથી.
- સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માટે બુકિંગ અંતરાલ (booking intervals) સુધારીને શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ સુધી કરવામાં આવ્યા છે.
- રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 48,000 KL કેરોસીનની વધારાની ફાળવણી કરવામાં આવી છે, અને LPG ની માંગ પરનું દબાણ ઘટાડવા માટે કેરોસીન અને કોલસા જેવા વૈકલ્પિક ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
- PSU ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ડિજિટલ LPG રિફિલ બુકિંગને પ્રોત્સાહન આપી રહી છે અને ગભરાટમાં કરાતા બુકિંગને નિરુત્સાહિત કરી રહી છે, જ્યારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ગેરરીતિઓ અટકાવવા માટે સંકલિત નિરીક્ષણ કરવા વિનંતી કરવામાં આવી છે.
જાહેર સલાહ
- નાગરિકોને ગભરાવાની જરૂર નથી કારણ કે સરકાર ઘરો અને આવશ્યક ક્ષેત્રો માટે પૂરતી LPG ઉપલબ્ધતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
- વ્યાપારી LPG સિલિન્ડરોનું વેચાણ, જે અગાઉ ઘટાડવામાં આવ્યું હતું, તે આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને અગ્રતા વિતરણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
- LPG સિલિન્ડરો IVRS, SMS, WhatsApp, ઓઇલ માર્કેટિંગ કંપનીઓની મોબાઈલ એપ્લિકેશન અને લોકપ્રિય ઈ-કોમર્સ પ્લેટફોર્મ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા બુક કરી શકાય છે.
- નાગરિકોને ગભરાટમાં આવી બુકિંગ કરવાનું ટાળવા, ડિજિટલ બુકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અને LPG ડિસ્ટ્રિબ્યુટરોની બિનજરૂરી મુલાકાત લેવાનું ટાળવા વિનંતી કરવામાં આવે છે.
- ગ્રાહકોને જ્યાં પણ શક્ય હોય ત્યાં PNG અને ઇન્ડક્શન અથવા ઇલેક્ટ્રિક કુકટોપ્સ જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવા અને ઉર્જા બચાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
- સરકાર અને PSU ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અવિરત LPG રિફિલ ડિલિવરી વિશે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખે છે, અને મીડિયા સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ખોટી માહિતી અને બિનજરૂરી ગભરાટ ટાળવા માટે સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખે.
દરિયાઈ સુરક્ષા અને શિપિંગ કામગીરી
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ પરિસ્થિતિ અને ભારતીય જહાજો અને નાવિકોની સુરક્ષા માટે લેવામાં આવતા પગલાં વિશે અપડેટ આપ્યું હતું. મંત્રાલય મુજબ:
- આ પ્રદેશમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં ભારતીય નાવિકો સાથે સંકળાયેલી કોઈ શિપિંગ ઘટના નોંધાઈ નથી.
- હાલમાં, 611 નાવિકો સાથેના 22 ભારતીય ધ્વજ ધરાવતા જહાજો પશ્ચિમ પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ શિપ માલિકો, RPSલ એજન્સીઓ અને ભારતીય મિશનોના સંકલનમાં પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખે છે.
- 14 માર્ચે હોર્મુઝની સામુદ્રધૂની ઓળંગનારા બે ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સમાંથી (જેમાં આશરે 92,712 MT LPG છે), જહાજ શિવાલિક આજે 17:00 કલાકે મુંદ્રા પોર્ટ પર બર્થ થવાનું છે, જેની પ્રાયોરિટી ડિસ્ચાર્જ સુનિશ્ચિત કરવા માટેની દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે જહાજ નંદા દેવી આવતીકાલે વહેલી સવારે પહોંચવાની અપેક્ષા છે.
- આશરે 80,800 MT મુરબન ક્રૂડ ઓઇલ લઈ જતું ભારતીય ધ્વજ ધરાવતું જહાજ જગ લાડકી (Jag Laadki), 14 માર્ચ 2026 ના રોજ UAE થી રવાના થયું હતું અને સુરક્ષિત રીતે ભારત તરફ આવી રહ્યું છે. જહાજ અને તેના પરના તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે.
- DG શિપિંગ કંટ્રોલ રૂમ કાર્યરત થયા પછી, નાવિકો, તેમના પરિવારો અને દરિયાઈ હિતધારકો તરફથી સહાય માટે 3,030 ફોન કોલ્સ અને આશરે 5,497 ઇમેઇલ્સ હેન્ડલ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 48 કલાકમાં 310 થી વધુ કોલ્સ અને 597 ઇમેઇલ્સનો સમાવેશ થાય છે.
- DG શિપિંગે અત્યાર સુધીમાં ગલ્ફ ક્ષેત્રમાંથી 286 ભારતીય નાવિકોના સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની સુવિધા આપી છે, જેમાં છેલ્લા 48 કલાકમાં 33 નાવિકો પરત ફર્યા છે.
- દેશભરના મોટા બંદરો જહાજોની અવરજવર અને કાર્ગો કામગીરી પર નજીકથી નજર રાખી રહ્યા છે અને શિપિંગ લાઇન અને કાર્ગો સ્ટેકહોલ્ડર્સને ટેકો પૂરો પાડી રહ્યા છે, જેમાં એન્કરેજ, બર્થ હાયર અને સ્ટોરેજ ચાર્જમાં છૂટછાટોનો સમાવેશ થાય છે.
- બંદરો કાર્ગો કામગીરીની સુવિધા માટે કસ્ટમ્સ અને અન્ય હિતધારકો સાથે સંકલન કરી રહ્યા છે.
- JNPA એ મધ્ય પૂર્વ માટેના કન્ટેનર માટે કામચલાઉ ટ્રાન્સશિપમેન્ટ સ્ટોરેજ પૂરું પાડ્યું છે અને ગ્રાઉન્ડ રેન્ટ અને ડ્વેલ ટાઇમ ચાર્જમાં 100 ટકા રિબેટ અને JNPA થી ઉદ્ભવતા કન્ટેનર માટે 15 દિવસ સુધી રીફર કન્ટેનર પ્લગ-ઇન ચાર્જમાં આશરે 80 ટકા રિબેટ આપ્યું છે.
- હાલમાં કોઈ મોટા બંદર પર ભીડ (congestion) નથી, અને JNPA ખાતે નિકાસલક્ષી કન્ટેનર આશરે 5,600 થી ઘટીને 3,900 થયા છે.
- બંદરો ગલ્ફ તરફ જનારા લોડ કરેલા જહાજો માટે સુરક્ષિત એન્કરેજ પણ પ્રદાન કરી રહ્યા છે જેઓ હાલમાં ટ્રાન્ઝિટ કરવામાં અસમર્થ છે.
- કામગીરીના મુદ્દાઓને ઉકેલવા માટે કસ્ટમ્સ, બંદરો અને અન્ય હિતધારકોના સભ્યો સાથે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ હેઠળ આંતર-મંત્રાલય જૂથની રચના કરવામાં આવી છે.
- મંત્રાલય દરિયાઈ વેપાર અને બંદર કામગીરીની સાતત્ય જાળવી રાખવા સાથે ભારતીય નાવિકોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશનો, શિપિંગ કંપનીઓ અને દરિયાઈ હિતધારકો સાથે સંકલન કરવાનું જાળવી રાખે છે.
પ્રદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા
વિદેશ મંત્રાલયે આ પ્રદેશમાં ભારતીય નાગરિકોની સ્થિતિ અંગે અપડેટ આપ્યું હતું અને માહિતી આપી હતી કે ભારતીય મિશનો ભારતીય સમુદાયના નજીકના સંપર્કમાં છે. તેમણે કહ્યું:
- ભારત સરકાર ઈરાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારીને સર્વોચ્ચ અગ્રતા આપીને સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ઈરાનમાં રહેલા 550 થી વધુ ભારતીય નાગરિકો તેહરાનમાં ભારતીય દૂતાવાસની સુવિધા સાથે જમીન સરહદ દ્વારા આર્મેનિયામાં પ્રવેશ્યા છે, જ્યારે 90 થી વધુ નાગરિકો અઝરબૈજાનમાં પણ પ્રવેશ્યા છે.
- તેહરાનમાં ભારતનું દૂતાવાસ સંપૂર્ણ રીતે કાર્યરત છે.
- છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, તેઓએ તેહરાન બહારના સ્થળોએથી ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનમાં સુરક્ષિત સ્થળોએ સ્થાનાંતરિત કર્યા છે.
- સરકાર ઈરાનમાં ભારતીય નાવિકો અને માછીમાર સમુદાયના સભ્યોને રોજગારી આપતી કંપનીઓના સંપર્કમાં છે જેથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય, અને તમામ ભારતીય નાગરિકોને એમ્બેસીની એડવાઇઝરીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
- વિદેશ મંત્રાલય પશ્ચિમ એશિયા અને ગલ્ફ પ્રદેશમાં ઉભરી રહેલી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ભારતીય સમુદાયની સલામતી, સુખાકારી અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
- ભારતીય નાગરિકો અને તેમના પરિવારોના પ્રશ્નોના નિરાકરણ માટે વિશેષ MEA કંટ્રોલ રૂમ કાર્યરત છે, જ્યારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન ચાલુ છે.
- સમગ્ર પ્રદેશમાં ભારતીય મિશનો અને પોસ્ટ્સ 24×7 હેલ્પલાઇન ચલાવે છે, ભારતીય સમુદાયના સંગઠનો સાથે સંપર્ક જાળવી રાખે છે અને અપડેટેડ એડવાઇઝરી જારી કરે છે.
- મિશનો સ્થાનિક સત્તાવાળાઓના નજીકના સંપર્કમાં રહે છે અને ફસાયેલા ભારતીયો અને ટૂંકા ગાળાના મુલાકાતીઓને વિઝા સપોર્ટ, લોજિસ્ટિકલ સહાય અને ટ્રાન્ઝિટ સુવિધા સહિતની સહાય પૂરી પાડે છે. આ પ્રદેશમાં ભારતીય નાવિકોને મદદ કરવા માટે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય સાથે પણ સંકલન ચાલી રહ્યું છે.
- 28 ફેબ્રુઆરી 2026 થી, આશરે 2,20,000 મુસાફરો પશ્ચિમ એશિયા અને ગલ્ફ પ્રદેશમાંથી ભારત પરત ફર્યા છે.
- UAE માં, આજે અગાઉ કામચલાઉ સસ્પેન્શન પછી દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઇટ કામગીરી ધીમે-ધીમે ફરી શરૂ થઈ રહી છે.
- અબુ ધાબી, રાસ અલ ખૈમાહ અને ફુજૈરાહથી પણ ભારતીય અને UAE કેરિયર્સની મર્યાદિત ફ્લાઇટ્સ કાર્યરત છે. ઉપલબ્ધ માહિતી મુજબ, આજે ભારતના વિવિધ સ્થળો માટે 45 થી વધુ ફ્લાઇટ્સનું આયોજન છે.
- મુસાફરોને અપડેટેડ સમયપત્રક માટે એરલાઇન્સ સાથે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે અને સહાય માટે 24×7 હેલ્પલાઇન દ્વારા અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસ અથવા દુબઈમાં કોન્સ્યુલેટનો સંપર્ક કરી શકે છે.
- સાઉદી અરેબિયા અને ઓમાનના વિવિધ એરપોર્ટથી ભારતના સ્થળો માટે ફ્લાઇટ્સ કાર્યરત છે.
- કતાર એરસ્પેસ આંશિક રીતે ખુલ્લી છે, જેમાં કતાર એરવેઝ આજે અને આવતીકાલે ભારત માટે 3 ફ્લાઇટ્સ ચલાવવાની અપેક્ષા રાખે છે.
- કુવૈત એરસ્પેસ 28 ફેબ્રુઆરી 2026 થી બંધ છે. જઝીરા એરવેઝની વિશેષ નોન-શિડ્યુલ્ડ વ્યાપારી ફ્લાઇટ્સ સાઉદી અરેબિયાના અલ કૈસુમાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારત માટે કાર્યરત થવાની અપેક્ષા છે.
- બહેરીન અને ઇરાકમાં ભારતીય નાગરિકો માટે, જ્યાં એરસ્પેસ બંધ છે, સાઉદી અરેબિયા દ્વારા ટ્રાન્ઝિટની સુવિધા આપવામાં આવી રહી છે.
- 13 માર્ચ 2026 ના રોજ ઓમાનના સોહાર શહેરમાં થયેલા હુમલામાં બે ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા, મસ્કતમાં ભારતીય દૂતાવાસ પરિવારો અને સંબંધિત ઓમાની સત્તાવાળાઓના સંપર્કમાં છે. પાર્થિવ દેહને વતન લાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. એમ્બેસી ઘાયલ ભારતીય નાગરિકોની સ્થિતિ પર પણ નજર રાખી રહી છે, જેમાંથી કોઈ ગંભીર રીતે ઘાયલ નથી.
- બસરામાં મિશન ટીમ 'સેફસી વિષ્ણુ' (Safesea Vishnu) ના 15 ભારતીય ક્રૂ સભ્યોને મદદ કરવાનું ચાલુ રાખે છે જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલમાં બસરાની એક હોટલમાં રોકાયા છે. મિશન તેમની ભારત પરત વહેલી વાપસી માટે અને મૃતક ભારતીય નાગરિકના પાર્થિવ દેહને વતન લાવવા માટે ઇરાકી સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહ્યું છે.
સરકારે પુનરોચ્ચાર કર્યો કે તે પશ્ચિમ એશિયામાં થતા વિકાસ પર નજર રાખવાનું અને સંબંધિત મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચે સંકલન જાળવવાનું ચાલુ રાખે છે. મુખ્ય ક્ષેત્રોમાં સજ્જતા સુનિશ્ચિત કરવા અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2240846)
|