નાણા મંત્રાલય
કેન્દ્રીય અંદાજપત્ર 2026-27નો સારાંશ
प्रविष्टि तिथि:
01 FEB 2026 1:14PM by PIB Ahmedabad
યુવા શક્તિ સંચાલિત અંદાજપત્રમાં ગરીબો, વંચિતો અને લાભ ઉપેક્ષિતો પર ધ્યાન કેન્દ્રિત કરવાના સરકારના ‘સંકલ્પ’ પર ભાર મૂકવામાં આવ્યો છે
3 કર્તવ્ય પરથી પ્રેરણા લઈને કર્તવ્ય ભવનમાં પ્રથમ અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું
પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપવાનું અને ટકાવી રાખવાનું છે
બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને તેમની ક્ષમતાનું નિર્માણ કરવા સંબંધિત છે
ત્રીજું કર્તવ્ય, સબકા સાથ, સબકા વિકાસના વિઝન સાથે જોડાયેલું છે
નવો આવકવેરા અધિનિયમ, 2025 એપ્રિલ 2026 થી અમલમાં આવશે, આવકવેરા સંબંધિત સરળ નિયમો અને સ્વરૂપોને ટૂંક સમયમાં અધિસૂચિત કરવામાં આવશે
દંડ અને કાર્યવાહીને તર્કસંગત બનાવવા માટે કાર્યવાહીની બહુવિધતામાં ઘટાડો કરવામાં આવશે
કેટલીક પ્રાથમિક સહકારી મંડળીઓમાં કપાત પહેલાંથી જ ઉપલબ્ધ છે જેનું વિસ્તરણ કરીને પશુધનના ચારા અને કપાસના બીજ સુધી વ્યાપક બનાવવામાં આવશે
15.5% ના સામાન્ય સલામત હાર્બર માર્જિન સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેવાઓની એકલ શ્રેણી રહેશે
આઇટી સેવાઓ માટે સલામત હાર્બર ઉપલબ્ધ કરાવવા માટે 2000 કરોડ રૂપિયાની ટોચ મર્યાદા રહેશે, જે 300 કરોડ રૂપિયાથી વધારવામાં આવી છે
વિદેશી ક્લાઉડ સેવા પ્રદાતાને 2047 સુધી ટેક્સ હોલિડેની સવલત પૂરી પાડવામાં આવશે
પૂર્વાનુમાનિત આધાર પર કર ચુકવી રહેલા તમામ બિન-નિવાસીઓને લઘુત્તમ વૈકલ્પિક કરમાંથી મુક્તિ
કરવેરા વર્ષ 2027-28 થી ICDS પર આધારિત અલગ એકાઉન્ટિંગની આવશ્યકતાને દૂર કરવા માટે IndASમાં ફેરફાર કરવા માટે મંત્રાલય દ્વારા સંયુક્ત સમિતિની સ્થાપના કરવામાં આવશે
ફ્યુચર્સ સોદાઓ પર STT હાલમાં 0.02 ટકાથી વધારીને 0.05 ટકા કરવામાં આવશે
બૅટરી માટે લિથિયમ આયન કોષના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા કેપિટલ ગુડ્સને મૂળભૂત કસ્ટમ ડ્યૂટીમાં મુક્તિ આપવામાં આવી છે તેને લંબાવવામાં આવશે
મહત્વપૂર્ણ ખનીજોની પ્રક્રિયા માટે જરૂરી કેપિટલ ગુડ્સની આયાત પર લાગુ કરવામાં આવતી મૂળભૂત કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે
વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરવામાં આવેલા તમામ ડ્યૂટી લેવા પાત્ર માલ પરનો ટેરિફ દર હાલમાં 20% છે ત્યાં ઘટાડીને 10% કરવામાં આવશે
17 દવાઓ કે ઔષધો પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી
બાયોલોજિક્સ અને બાયોસિમિલર્સના સ્થાનિક ઉત્પાદન માટે ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે રૂપિયા 10,000 કરોડના ખર્ચ સાથે બાયોફાર્મા શક્તિની સ્થાપના કરવામાં આવશે
MSMEને ભવિષ્યના ચેમ્પિયન બનાવવા માટે રૂપિયા 10,000 કરોડનું SME વૃદ્ધિ ભંડોળ તૈયાર કરવાનો પ્રસ્તાવ
2025-26 ના અંદાજપત્રમાં જાહેર મૂડીખર્ચ રૂપિયા 11.2 લાખ કરોડ હતો તે વધારીને નાણાંકીય વર્ષ 2026-27 માં રૂ.12.2 લાખ કરોડ કરવામાં આવ્યો
પર્યાવરણીય રીતે ટકાઉક્ષમ મુસાફર પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે શહેરો વચ્ચેના સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોરને ‘વિકાસના કનેક્ટર્સ’ તરીકે વિકસાવવામાં આવશે
મુંબઈ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ દ્વારા 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં AVGC કન્ટેન્ટ ક્રિએટર પ્રયોગશાળાઓની સ્થાપના કરવામાં આવશે
ઉચ્ચ શિક્ષણ STEM સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓને સામનો કરવો પડતો હોય પડકારોનો ઉકેલ લાવવા માટે, દરેક જિલ્લામાં એક કન્યા છાત્રાલય સ્થાપિત કરવામાં આવશે
સરકારે IIM સાથે સહયોગ સાધીને હાઇબ્રિડ મોડમાં પ્રમાણભૂત, ઉચ્ચ-ગુણવત્તાવાળા 12 અઠવાડિયાના તાલીમ અભ્યાસક્રમ દ્વારા 20 પર્યટન સ્થળોએ 10,000 હાઇડનું કૌશલ્ય વધારવા માટેની યોજનાની જાહેરાત કરી
આગામી દાયકામાં ખેલો ઇન્ડિયા મિશન દ્વારા રમતગમત ક્ષેત્રનું પરિવર્તન થશે
ભારત-વિસ્તાર, એક બહુભાષી AI ટૂલ છે જે એગ્રીસ્ટેક પોર્ટલ અને કૃષિ પદ્ધતિઓ પરના ICAR પેકેજને AI પ્રણાલીઓ સાથે સંકલિત કરે છે
વિદેશમા પ્રવાસ કાર્યક્રમ પેકેજ હાલના 5 ટકા અને 20 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યું
સ્વ-ઘોષણા, ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ અને જોખમ-આધારિત ઑડિટની મદદથી કસ્ટમ વેરહાઉસિંગ ફ્રેમવર્કને વેરહાઉસ સંચાલક કેન્દ્રિત પ્રણાલીમાં રૂપાંતરિત કરવામાં આવશે
નાણાંકીય વર્ષના સમાપન સુધીમાં વિવિધ સરકારી એજન્સીઓ તરફથી મેળવવાની કાર્ગો ક્લિયરન્સની મંજૂરીઓ માટે એક જ અને આંતરિક રીતે જોડાયેલી ડિજિટલ વિન્ડો દ્વારા સંકલિત રીતે પ્રક્રિયા કરવામાં આવશે
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2026-2027 રજૂ કર્યું હતું.
ભાગ-A
માઘ પૂર્ણિમાના પવિત્ર અવસર અને ગુરુ રવિદાસજીની જન્મજયંતિ પર, નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, કર્તવ્યભવન ખાતે તૈયાર કરવામાં આવેલું આ પ્રથમ અંદાજપત્ર હોવાથી, તેને 3 કર્તવ્યની પ્રેરણા લઈને તૈયાર કર્યું છે:
- પહેલું કર્તવ્ય એ છે કે, ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારીને તેમજ અસ્થિર વૈશ્વિક ગતિશીલતા સામે સ્થિતિસ્થાપકતા ઉભી કરીને આર્થિક વિકાસને વેગ આપવો અને તેને ટકાવી રાખવો.
- બીજું કર્તવ્ય એ છે કે, લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવી અને તેમની ક્ષમતાનું નિર્માણ કરવું, જેથી તેઓ ભારતની સમૃદ્ધિના માર્ગે આગેકૂચમાં મજબૂત ભાગીદાર બની શકે.
- ત્રીજું કર્તવ્ય ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ વિઝન સાથે જોડાયેલું છે જેમાં એ સુનિશ્ચિત કરવાની ભાવના છે કે દરેક પરિવાર, સમુદાય, પ્રદેશ અને ક્ષેત્રને અર્થપૂર્ણ ભાગીદારી માટે સંસાધનો, સુવિધાઓ અને તકો પ્રાપ્ત થાય.
નાણાં મંત્રીએ ગરીબો, વંચિતો અને લાભ ઉપેક્ષિતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેના સરકારના ‘સંકલ્પ’ પર ભાર મૂકીને યુવા શક્તિ દ્વારા સંચાલિત અંદાજપત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારત દેશ આવનારા સમયમાં પણ વિકસિત ભારતના નિર્માણની દિશામાં આત્મવિશ્વાસપૂર્વક પગલાં લેવાનું ચાલુ રાખશે, મહત્વાકાંક્ષાને સમાવેશીતા સાથે સંતુલિત કરશે. વેપાર અને મૂડીની જરૂરિયાતોના વિસ્તરણ સાથે વિકસી રહેલા અર્થતંત્ર તરીકે, ભારતે વૈશ્વિક બજારો સાથે ઊંડાણપૂર્વક સંકલિત રહેવું જરૂરી છે, વધુ નિકાસ કરવી જરૂરી છે અને એકધારા લાંબા ગાળાના રોકાણને આકર્ષિત કરવું પણ જરૂરી છે.
તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, દેશ એક એવા બાહ્ય વાતાવરણનો સામનો કરી રહ્યો છે જેમાં વેપાર અને બહુપક્ષીયતા જોખમમાં છે અને સંસાધનો તેમજ પુરવઠા શૃંખલાઓની પહોંચ વેરવિખેર થઈ ગઈ છે. નવી તકનીકો ઉત્પાદન પ્રણાલીઓમાં પરિવર્તન લાવી રહી છે, જ્યારે પાણી, ઊર્જા અને મહત્વપૂર્ણ ખનિજોની માંગમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે.
નાણાં મંત્રીએ કહ્યું હતું કે, 2025 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ જાહેરાત કર્યા પછી, 350 થી વધુ સુધારાઓ લાગુ કરવામાં આવ્યા છે. આમાં GSTનું સરળીકરણ, શ્રમ સંહિતાની અધિસૂચના અને ફરજિયાત ગુણવત્તા નિયંત્રણ આદેશોનું તર્કસંગતીકરણ સહિતના પગલાંઓ સામેલ છે. ઉચ્ચ સ્તરીય સમિતિઓની રચના કરવામાં આવી છે અને સમાંતર રીતે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે મળીને નિયંત્રણમુક્તિ અને અનુપાલનની જરૂરિયાતો ઘટાડવા પર કામ કરી રહી છે.
આર્થિક વિકાસને વેગ આપવા અને ટકાવી રાખવા માટેના પ્રથમ કર્તવ્ય હેઠળ, અહીં ઉલ્લેખિત છ ક્ષેત્રોમાં હસ્તક્ષેપોનું સૂચન કરવામાં આવ્યું છે:
- 7 વ્યૂહાત્મક અને સરહદી ક્ષેત્રોમાં વિનિર્માણને વ્યાપક બનાવવું;
- જૂના ઔદ્યોગિક ક્ષેત્રોને પુનર્જીવિત કરવા;
- “ચેમ્પિયન MSME” નું નિર્માણ કરવું;
- માળખાગત સુવિધાઓને શક્તિશાળી વેગ આપવો;
- લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવી; અને
- શહેરી આર્થિક પ્રદેશોનો વિકાસ કરવો
ભારતને વૈશ્વિક બાયોફાર્મા વિનિર્માણ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે, આગામી 5 વર્ષમાં બાયોલોજિક્સ અને બાયોસિમિલર્સનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવાની ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે રૂપિયા 10,000 કરોડના ખર્ચ સાથે બાયોફાર્મા શક્તિની સ્થાપના કરવામાં આવશે. આ વ્યૂહરચના અંતર્ગત 3 નવા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER) સાથે બાયોફાર્મા કેન્દ્રિત નેટવર્ક અને હાલમાં કાર્યરત 7 સંસ્થાઓને અપગ્રેડ કરવાની કામગીરી સામેલ રહેશે. તેની મદદથી 1000 થી વધુ માન્યતા પ્રાપ્ત ભારત તબીબી અજમાયશ સ્થળોનું નેટવર્ક પણ તૈયાર થશે. સમર્પિત વૈજ્ઞાનિક સમીક્ષા કેડર અને નિષ્ણાતો દ્વારા વૈશ્વિક ધોરણો અને મંજૂરી સમયમર્યાદાને પહોંચી વળવા માટે કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થાને મજબૂત બનાવવામાં આવશે.
શ્રમની વધુ જરૂર પડતી હોય તેવા કાપડ ક્ષેત્ર માટે, 5 પેટા-ભાગો સાથેનો એક સંકલિત કાર્યક્રમ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે: રેશમ, ઊન અને શણ, માનવ-નિર્મિત રેસા અને નવા યુગના રેસા જેવા કુદરતી રેસાઓની જરૂરિયાતો પૂરી કરવામાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે રાષ્ટ્રીય ફાઇબર યોજના; મશીનરી, ટેકનોલોજી સુધારણા અને સામાન્ય પરીક્ષણ તેમજ પ્રમાણીકરણ કેન્દ્રો માટે મૂડી સહાય દ્વારા પરંપરાગત ક્લસ્ટરોને આધુનિક બનાવવા માટે કાપડ વિસ્તરણ અને રોજગાર યોજના; હાલની યોજનાઓને એકીકૃત અને મજબૂત કરવા અને વણકરો તેમજ કારીગરો માટે લક્ષિત સહાય સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય હાથવણાટ અને હસ્તકળા કાર્યક્રમ; વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ટકાઉ કાપડ અને વસ્ત્રોને પ્રોત્સાહન આપવા માટે કર-ઇકો પહેલ; ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ સાધીને કાપડ કૌશલ્ય ઇકોસિસ્ટમને આધુનિક બનાવવા અને અપગ્રેડ કરવા માટે સમર્થ 2.0. રહેશે.
વિકાસની આગેકૂચમાં MSMEને મહત્વપૂર્ણ એન્જિન તરીકે ઓળખી કાઢીને, તમને ભવિષ્યના ચેમ્પિયન્સ બનાવવા માટે રૂપિયા 10,000 કરોડનું સમર્પિત SME વૃદ્ધિ ભંડો તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે પસંદગીના માપદંડોના આધારે ઉદ્યોગસાહસોને પ્રોત્સાહન આપશે.
નાણાં મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જાહેર મૂડીખર્ચ નાણાંકીય વર્ષ 2014-15માં રૂપિયા 2 લાખ કરોડ હતો તેમાં વધારો કરીને 2025-26ના અંદાજપત્રીય અનુમાન (BE)માં રૂપિયા 11.2 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2026-27માં, તેમણે ગતિ ચાલુ રાખવા માટે તેને વધારીને રૂપિયા 12.2 લાખ કરોડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

નાણાં મંત્રીએ પર્યાવરણીય રીતે ટકાઉક્ષમ રીતે માલસામાનની હેરફેરને પ્રોત્સાહન આપવા માટે, પૂર્વમાં દાનકુની અને પશ્ચિમમાં સુરતને જોડતો નવો સમર્પિત ફ્રેઇટ કોરિડોર તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે; b) આગામી 5 વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો (NW) કાર્યરત કરવામાં આવશે, જેની શરૂઆત ઓડિશામાં NW-5 થી થશે, જે તાલચેર અને અંગુલના ખનિજ સમૃદ્ધ વિસ્તારો અને કલિંગ નગર જેવા ઔદ્યોગિક કેન્દ્રોને પારાદીપ અને ધામરા બંદરો સાથે જોડશે. જરૂરી માનવશક્તિનો વિકાસ કરવા માટે પ્રાદેશિક ઉત્કૃષ્ટતા કેન્દ્રો તરીકે તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે.
અંદાજપત્રનો ઉદ્દેશ્ય શહેરોના આર્થિક ક્ષેત્રો (CER)નું તેમના ચોક્કસ વિકાસ ચાલકોના આધારે મેપિંગ કરીને એકત્રીકરણની આર્થિક શક્તિ પહોંચાડવા માટે શહેરોની ક્ષમતાને વધુ વ્યાપક કરવાનો છે. સુધારા-સહ-પરિણામો આધારિત નાણાંકીય વ્યવસ્થા સાથે પડકાર મોડ દ્વારા તેમની યોજનાઓને અમલમાં મૂકવા માટે 5 વર્ષમાં CER દીઠ રૂપિયા 5000 કરોડની ફાળવણી કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
પર્યાવરણીય રીતે ટકાઉક્ષમ મુસાફર પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે, શહેરો વચ્ચે સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો ‘વિકાસ કનેક્ટર્સ’ તરીકે વિકાસ કરવામાં આવશે. આ કોરિડોર i) મુંબઈ-પુણે, ii) પુણે-હૈદરાબાદ, iii) હૈદરાબાદ-બેંગલુરુ, iv) હૈદરાબાદ-ચેન્નાઈ, v) ચેન્નાઈ-બેંગલુરુ, vi) દિલ્હી-વારાણસી, vii) વારાણસી-સિલિગુડી રહેશે.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, બીજું કર્તવ્ય આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને ક્ષમતા નિર્માણ કરવાનું છે. સરકારે એક દાયકા દરમિયાન કરેલા અવિરત અને સુધારાલક્ષી પ્રયાસોના પરિણામ સ્વરૂપે લગભગ 25 કરોડ વ્યક્તિઓ બહુપરીમાણીય ગરીબીમાંથી બહાર આવી શક્યા છે.
નાણાં મંત્રીએ ભારતને તબીબી પ્રવાસન સેવાઓના કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપવા માટે, ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરીને પાંચ પ્રાદેશિક તબીબી કેન્દ્રો સ્થાપિત કરવામાં રાજ્યોને ટેકો આપવા સંબંધિત એક યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કેન્દ્રો તબીબી, શૈક્ષણિક અને સંશોધન સુવિધાઓને જોડતા સંકલિત આરોગ્ય સંભાળ પરિસરો તરીકે સેવાઓ પૂરી પાડશે. તેમની પાસે આયુષ કેન્દ્રો, તબીબી મૂલ્ય પ્રવાસન સુવિધા કેન્દ્રો અને નિદાન, સંભાળ પછીની સેવાઓ અને પુનર્વસન માટે માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ કેન્દ્રોના કારણે ડૉક્ટરો અને AHP સહિત આરોગ્ય વ્યાવસાયિકો માટે વિવિધ રોજગારની તકો ઉપલબ્ધ થઈ શકશે.
પશુચિકિત્સા વ્યાવસાયિકોની ઉપલબ્ધતામાં 20,000 થી વધુ વૃદ્ધિ કરવા માટે, ખાનગી ક્ષેત્રમાં પશુચિકિત્સા અને પેરા વેટ કોલેજો, પશુચિકિત્સા હોસ્પિટલો, નિદાન પ્રયોગશાળાઓ તેમજ સંવર્ધન સુવિધાઓની સ્થાપના કરવા સંબંધિત યોજનાને ટેકો આપવા માટે ધિરાણ સાથે સંકળાયેલી મૂડી સબસિડીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ભારતમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) ક્ષેત્ર એક વિકાસ પામી રહેલો ઉદ્યોગ છે, જેમાં એક અંદાજ અનુસાર વર્ષ 2030 સુધીમાં 2 મિલિયન વ્યાવસાયિકોની જરૂર પડશે. નાણાં મંત્રીએ 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં AVGC કન્ટેન્ટ ક્રિએટર પ્રયોગશાળાઓની સ્થાપના કરવા માટે મુંબઈ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસને સમર્થન આપવાની દરખાસ્ત કરી છે.
ઉચ્ચ શિક્ષણ આપતી STEM સંસ્થાઓમાં, ઘણા કલાકો સુધી અભ્યાસ કરવાથી અને પ્રયોગશાળા સંબંધિત કાર્યોમાં હાજરી આપવી પડતી હોવાથી કન્યા વિદ્યાર્થિનીઓને કેટલાક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આના ઉકેલ માટે VGF/મૂડી સહાય દ્વારા, દરેક જિલ્લામાં 1 કન્યા છાત્રાલયની સ્થાપના કરવામાં આવશે.
હાલના નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીમાં સુધારણા કરીને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોસ્પિટાલિટીની સ્થાપના કરવાની દરખાસ્ત નાણાં મંત્રી દ્વારા કરવામાં આવી છે. તે શિક્ષણવિદો, ઉદ્યોગ અને સરકાર વચ્ચે સેતુ તરીકે કામ કરશે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના સહયોગથી હાઇબ્રિડ મોડમાં પ્રમાણિત, ઉચ્ચ-ગુણવત્તાવાળા 12 અઠવાડિયાના તાલીમ અભ્યાસક્રમ દ્વારા 20 પ્રવાસન સ્થળોએ 10,000 ગાઇડના કૌશલ્યવર્ધન માટે એક પ્રાયોગિક યોજના હાથ ધરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
નાણાં મંત્રીએ ગતિશીલ રમતગમત પ્રતિભાના વ્યવસ્થિત સંવર્ધનને ખેલો ઇન્ડિયા કાર્યક્રમની મદદથી આગળ ધપાવતા, આગામી દાયકામાં રમતગમત ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ મિશન દ્વારા અહીં ઉલ્લેખિત બાબતોને સરળ બનાવવામાં આવશે: a) તાલીમ કેન્દ્રો દ્વારા સમર્થિત એક સંકલિત પ્રતિભા વિકાસ માર્ગનું નિર્માણ b) કોચ અને સહાયક સ્ટાફનો વ્યવસ્થિત વિકાસ; c) રમતગમત વિજ્ઞાન અને તકનીકોનું એકીકરણ; d) રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સ્પર્ધાઓ અને લીગ; અને, e) તાલીમ અને સ્પર્ધા માટે રમતગમતની માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો.
નાણાં મંત્રીએ પોતાની વાતમાં આગળ જણાવ્યું હતું કે, અંદાજપત્રનું ત્રીજું કર્તવ્ય “સૌનો સાથ, સૌનો વિકાસ”નાં વિઝન સાથે અનુરૂપ રહીને વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. આ બાબતને સાકાર કરવા માટે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા, દિવ્યાંગજનોનું સશક્તીકરણ કરવા, માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમા સંભાળ સુધીની પહોંચ માટે નબળા લોકોને સશક્ત બનાવવા, પૂર્વોદય રાજ્યો અને પૂર્વોત્તર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા, વિકાસ અને રોજગારની તકોને પ્રવેગ આપવા માટે લક્ષિત પ્રયાસો હાથ ધરવાની જરૂર છે.
નાણાં મંત્રીએ ભારત-વિસ્તાર (કૃષિ સંસાધનોની સુલભતા માટે વર્ચ્યુઅલ રીતે સંકલિત પ્રણાલી)નો પ્રસ્તાવ મૂક્યો હતો, જે એક બહુભાષી AI સાધન છે. તેમાં એગ્રીસ્ટેક પોર્ટલ અને કૃષિ પદ્ધતિઓ પરના ICAR પેકેજને AI પ્રણાલીઓ સાથે સંકલિત કરવામાં આવશે. આનાથી કૃષિ ઉત્પાદકતામાં વધારો થશે, ખેડૂતો માટે વધુ સારા નિર્ણયો લેવાનું શક્ય બનશે અને જરૂરિયાત મુજબની સલાહકારી સહાય પૂરી પાડીને જોખમ ઘટાડી શકાશે.
‘લખપતિ દીદી કાર્યક્રમ’ની સફળતાને ધ્યાનમાં રાખીને, સ્વ-સહાય ઉદ્યમી (SHE) માર્ટ્સને ઉન્નત અને આવિષ્કારી નાણાંકીય સાધનો દ્વારા ક્લસ્ટર સ્તરના સંઘોમાં સામુદાયિક માલિકીના રિટેલ આઉટલેટ્સ તરીકે સ્થાપિત કરવામાં આવશે.
નાણાં મંત્રીએ માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમા સંભાળ પ્રત્યેની પ્રતિબદ્ધતાની ફરી પુષ્ટિ કરીને, નિમ્હાસ-2ની સ્થાપના કરવાની અને રાંચી તેમજ તેજપુરમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાઓને પ્રાદેશિક ટોચની સંસ્થાઓ તરીકે અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી.
તેમણે દુર્ગાપુર ખાતે સારી રીતે જોડાયેલા નોડ સાથે સંકલિત પૂર્વ કિનારાના ઔદ્યોગિક કોરિડોરનો વિકાસ કરવાનો, 5 પૂર્વોદય રાજ્યોમાં 5 પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવાનો અને 4,000 ઈ-બસોની જોગવાઈનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં બૌદ્ધ સર્કિટનો વિકાસ કરવા માટે એક યોજના શરૂ કરવાની દરખાસ્ત પણ કરી છે. આ યોજનામાં મંદિરો અને મઠોનું સંરક્ષણ, યાત્રાધામ અર્થઘટન કેન્દ્રો, કનેક્ટિવિટી અને યાત્રાળુ માટેની સુવિધાઓનો સમાવેશ થશે.
રાજકોષીય દૃઢીકરણ
વર્ષ 2025-26 માં ઋણ-સામે-GDPનો ગુણોત્તર GDPના 56.1 ટકા હતો તની સરખામણીએ અંદાજપત્ર અંદાજ 2026-27 માં ઋણ-સામે-GDPનો ગુણોત્તર GDPના 55.6 ટકા રહેશે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે. ઘટતો ઋણ-સામે-GDPનો ગુણોત્તર વ્યાજની ચુકવણી પરના ખર્ચને ઘટાડીને પ્રાથમિકતા ક્ષેત્રના ખર્ચ માટે ધીમે ધીમે સંસાધનોને મુક્ત કરશે. સુધારેલા અનુમાન (RE) 2025-26 માં, રાજકોષીય ખાધ 2025-26 ના અંદાજપત્રીય અનુમાન (BE) મુજબ GDPના 4.4 ટકા રહેવાનું અનુમાન છે. ઋણ દૃઢીકરણના નવા નાણાંકીય સમજદારીભર્યા માર્ગને અનુરૂપ, અંદાજપત્રીય અનુમાન 2026-27 માં રાજકોષીય ખાધ GDPના 4.3 ટકા રહેશે તેવું અનુમાન છે.
સુધારેલા અનુમાનો 2025-26
ઋણ સિવાયની આવકનું સુધારેલું અનુમાન રૂપિયા 34 લાખ કરોડ છે, જેમાંથી કેન્દ્રની ચોખ્ખી કરમાંથી થનારી આવક રૂપિયા 26.7 લાખ કરોડ છે. કુલ ખર્ચનું સુધારેલું અનુમાન રૂપિયા 49.6 લાખ કરોડ છે, જેમાંથી મૂડી ખર્ચ લગભગ રૂપિયા 11 લાખ કરોડ છે.

અંદાજપત્રીય અનુમાનો 2026-27

2026-27 સુધીમાં, ઋણ સિવાયની આવક અને ખર્ચ અનુક્રમે રૂપિયા 36.5 લાખ કરોડ અને રૂપિયા 53.5 લાખ કરોડ રહેશે તેવું અનુમાન છે. કેન્દ્રની કરમાંથી થનારી ચોખ્ખી આવક રૂપિયા 28.7 લાખ કરોડ રહેશે તેવું અનુમાન છે.
રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે, ડેટેડ સિક્યોરિટીઝમાંથી ચોખ્ખું બજાર ઋણ રૂપિયા 11.7 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. બાકીનું ધિરાણ નાની બચત અને અન્ય સ્ત્રોતોમાંથી આવશે તેવી અપેક્ષા છે. કુલ બજાર ઋણ રૂપિયા 17.2 લાખ કરોડ રહેશે તેવું અનુમાન છે.
ભાગ-B

પ્રત્યક્ષ કરવેરા:
કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 માં પ્રત્યક્ષ કરવેરામાં ઘણા નવા સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નવો આવકવેરા કાયદો, 2025 એપ્રિલ 2026 થી અમલમાં મૂકવામાં આવશે. તેમજ સરળ આવકવેરા નિયમો અને ફોર્મ ટૂંક સમયમાં અધિસૂચિત કરવામાં આવશે. આ હેતુ માટેના ફોર્મ સામાન્ય નાગરિકો સરળતાથી અનુપાલન કરી શકે તે માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.
TCS દરોમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. વિદેશમાં પ્રવાસ કાર્યક્રમ પેકેજ કોઈપણ રકમની શરત વિના હાલમાં 5 ટકા અને 20 ટકા છે ત્યાંથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉદારીકૃત રેમિટન્સ યોજના (LRS) હેઠળ શિક્ષણ અને તબીબી હેતુઓ માટે TCSનો આંકડો 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે.
એવો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે કે, માનવબળ સેવાઓના પુરવઠાને TDSના હેતુ માટે કોન્ટ્રાક્ટરોને ચુકવણીના દાયરામાં લાવવામાં આવે. આ સેવાઓ પર TDS ફક્ત 1 ટકા અથવા 2 ટકાના દરે લાગુ કરવામાં આવશે. નાના કરદાતાઓ માટે, નિયમ-આધારિત સ્વચાલિત પ્રક્રિયા કરવામાં આવશે જેથી આકારણી અધિકારી પાસે અરજી દાખલ કરવાને બદલે ઓછા અથવા શૂન્ય કપાતનું પ્રમાણપત્ર મેળવી શકાશે. આ ઉપરાંત, રિટર્નમાં સુધારો કરવા માટે ઉપલબ્ધ સમય 31 ડિસેમ્બરથી લંબાવીને 31 માર્ચ સુધી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેના માટે નજીવી ફી ચુકવવાની રહેશે. વધુમાં, ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયરેખા તબક્કાવાર કરવામાં આવશે.
નાના કરદાતાઓને સામનો કરવો પડતો હોય તેવા વ્યવહારુ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે, વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો, ટેક કર્મચારીઓ, સ્થળાંતરિત NRI અને આવા અન્ય લોકો માટે ચોક્કસ કદથી ઓછી આવક અથવા સંપત્તિ જાહેર કરવા માટે એક વખતની 6 મહિનાની વિદેશી સંપત્તિ જાહેર કરવાની યોજના રજૂ કરવામાં આવશે.
દંડ અને કાર્યવાહીનું તર્કસંગતીકરણ
દંડ અને કાર્યવાહીને વધુ તર્કસંગત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, કેન્દ્રીય અંદાજપત્ર 2026-27માં કાર્યવાહીની બહુવિધતા એટલે કે પુનરાવર્તિતા ઘટાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આકારણી અને દંડની કાર્યવાહી બંનેને એક સામાન્ય ઓર્ડર દ્વારા સંકલિત કરવામાં આવશે. આ ઉપરાંત, આગોતરી ચુકવણીની માત્રા 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવશે, જેને ફક્ત મુખ્ય કર માંગ પર ગણવામાં આવશે. મુકદ્દમાની સખ્યામાં ઘટાડો કરવા માટે, કરદાતાઓને ફરી મૂલ્યાંકન કાર્યવાહી શરૂ થયા પછી પણ સંબંધિત વર્ષ માટે લાગુ થતા દર કરતાં વધુ 10 ટકાના વધારાના કર દરે તેમનું રિટર્ન અપડેટ કરવાની મંજૂરી આપવામાં આવશે.
અંદાજપત્રમાં ઓછી આવકની જાણ કરવાના કિસ્સાઓમાં દંડ અને કાર્યવાહીમાંથી મુક્તિ આપવા માટેની જોગવાઈઓને વિસ્તૃત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, તેમજ ખોટી માહિતી આપવા પર પણ તેને લાગુ કરવાનો પ્રસ્તાવ છે. કરદાતાએ કર અને વ્યાજ ઉપરાંત વધારાના આવકવેરો તરીકે કર રકમના 100 ટકા ચુકવવાની જરૂર પડશે. વધુમાં, આવકવેરા કાયદા હેઠળ કાર્યવાહી માળખાને તર્કસંગત બનાવવામાં આવશે. ખાતા અને દસ્તાવેજોના પુસ્તકોનું ઉત્પાદન ન કરવું અને TDS ચુકવણીની જરૂરિયાત, જ્યાં ચુકવણી વસ્તુમાં કરવામાં આવે છે, તેને ગુનાહિત જાહેર કરવામાં આવશે નહીં. 20 લાખ રૂપિયાથી ઓછી કિંમત ધરાવતી બિન-સ્થાવર વિદેશી સંપત્તિનો ખુલાસો ન કરવા પર 1.10.2024 થી પાછલી અસરથી કાર્યવાહીથી મુક્તિ આપવામાં આવશે.
સહકારી સંસ્થાઓ
આજે સંસદમાં પોતાના બજેટ ભાષણમાં શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, તેલીબિયાં, ફળો અથવા શાકભાજીનો પુરવઠો આપતી પ્રાથમિક સહકારી મંડળીઓને ઉપલબ્ધ કર મુક્તિ હવે તેમના સભ્યો દ્વારા ઉત્પાદિત પશુ આહાર અને કપાસના બીજના પુરવઠા સુધી પણ વિસ્તૃત કરવામાં આવશે. આંતર-સહકારી સોસાયટી લાભાંશ આવકને, જ્યાં સુધી તે તેના સભ્યોને વધુ વિતરિત કરવામાં આવે ત્યાં સુધી, નવા કર શાસન હેઠળ કપાત તરીકે મંજૂરી આપવામાં આવશે. વધુમાં, સૂચિત રાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા 31.1.2026 સુધી કંપનીઓમાં કરેલા રોકાણો પર પ્રાપ્ત લાંભાશની આવક માટે, તેના સભ્ય સહકારી સંસ્થાઓને વધુ વિતરિત કરવામાં આવતા લાભાંશ માટે ત્રણ વર્ષની મુક્તિ આપવામાં આવશે.
ભારતના વિકાસ એન્જિન તરીકે આઇટી ક્ષેત્રને સમર્થન
ભારતના વિકાસના પથ માટે આઇટી ક્ષેત્રનું મહત્વ સમજાવતા, અંદાજપત્રમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ સેવાઓ, આઇટી સક્ષમ સેવાઓ, જ્ઞાન પ્રક્રિયા આઉટસોર્સિંગ સેવાઓ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ સંબંધિત સંશોધન અને વિકાસ સેવાઓને 15.5 ટકાના સામાન્ય સલામત હાર્બર માર્જિન સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેવાઓની એક શ્રેણી હેઠળ સંમિલિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં, આઇટી સેવાઓ માટે સલામત હાર્બર મેળવવા માટેની ઉપલી મર્યાદા 300 કરોડ રૂપિયાથી વધારીને 2,000 કરોડ રૂપિયા કરવામાં આવશે. આઇટી સેવાઓ માટે સલામત હાર્બરને સ્વચાલિત નિયમ-આધારિત પ્રક્રિયા દ્વારા મંજૂરી આપવામાં આવશે, અને એકવાર આઇટી સેવાઓ કંપની દ્વારા લાગુ કરવામાં આવ્યા પછી, તે જ સલામત હાર્બરને સતત 5 વર્ષ સુધી ચાલુ રાખી શકાય છે.
આઇટી સેવાઓ માટે એકપક્ષીય આગોતરા કિંમત કરાર (APA) પ્રક્રિયાને બે વર્ષમાં પૂર્ણ કરવાના પ્રયાસ સાથે ઝડપી બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે કરદાતાની વિનંતીના આધારે 6 મહિના સુધી લંબાવી શકાય છે. વધુમાં, APA દાખલ કરતી સંસ્થા માટે ઉપલબ્ધ સુધારેલા રિટર્નની સુવિધા તેની સંલગ્ન સંસ્થાઓ સુધી પણ લંબાવવામાં આવશે.
વૈશ્વિક વ્યવસાય અને રોકાણ આકર્ષિત કરવું
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રીએ આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 રજૂ કરતી વખતે, જણાવ્યું હતું કે ભારતમાંથી ડેટા સેન્ટર સેવાઓનો ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને ક્લાઉડ સેવાઓ પૂરી પાડતી કોઈપણ વિદેશી કંપનીને 2047 સુધી ટેક્સ હોલિડેની સવલત આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો ભારતમાંથી ડેટા સેન્ટર સેવાઓ પૂરી પાડતી કંપની સંબંધિત સંસ્થા હોય તો ખર્ચ પર 15 ટકા સલામત હાર્બર પૂરું પાડવામાં આવશે. તેમજ, બિન-નિવાસીઓને બોન્ડેડ વેરહાઉસમાં ઘટક વેરહાઉસિંગ માટે ઇન્વોઇસ મૂલ્યના 2 ટકાના નફાના માર્જિન પર સલામત હાર્બર પૂરું પાડવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, પરિણામી કર સ્પર્ધાત્મક અધિકારક્ષેત્રોની સરખામણીએ લગભગ 0.7 ટકાનો ઓછો હશે.
અંદાજપત્રમાં બોન્ડેડ ઝોનમાં કોઈપણ ટોલ ઉત્પાદકને મૂડી માલ, સાધનો અથવા ટૂલિંગ પૂરા પાડતા કોઈપણ બિન-નિવાસી માટે 5 વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. વૈશ્વિક પ્રતિભાના વિશાળ સમૂહને લાંબા સમય સુધી ભારતમાં કામ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે, સૂચિત યોજનાઓ હેઠળ 5 વર્ષ સુધી રોકાણ સમયગાળા માટે બિન-નિવાસી નિષ્ણાતની વૈશ્વિક (બિન-ભારત સ્ત્રોત) આવકને મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, તમામ બિન-નિવાસી કે જે અનુમાનિત ધોરણે કર ચૂકવે છે, તેમને લઘુત્તમ વૈકલ્પિક કર (MAT)માંથી મુક્તિ આપવામાં આવશે.
કર અમલીકરણ
કર અમલીકરણને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે, અંદાજપત્રમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડની સંયુક્ત સમિતિની રચનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેથી ભારતીય એકાઉન્ટિંગ ધોરણો (IndAS)માં જ આવકની ગણતરી અને ઘોષણાનાં ધોરણો (ICDS)ની જરૂરિયાતોનો સમાવેશ થઈ શકે. કરવેરા વર્ષ 2027-28 થી ICDS પર આધારિત અલગ એકાઉન્ટિંગની આવશ્યકતા દૂર કરવામાં આવશે. સલામત હાર્બર નિયમોના હેતુઓ માટે એકાઉન્ટન્ટની પરિભાષાનું પણ તર્કસંગતીકરણ કરવામાં આવશે.
અન્ય કર દરખાસ્તો
લઘુમતી શેરધારકો (નાનો હિસ્સો ધરાવતા)નું હિત ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 માં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે તમામ પ્રકારના શેરધારકો માટે બાયબેક પર મૂડી લાભ તરીકે કર લાદવામાં આવશે. તેમાં પ્રમોટર્સને વધારાનો બાયબેક કર ચુકવવો જરૂરી છે, જેનાથી કોર્પોરેટ પ્રમોટરો માટે અસરકારક કર 22 ટકા અને બિન-કોર્પોરેટ પ્રમોટરો માટે 30 ટકા થાય છે.
શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આલ્કોહોલિક દારૂ, ભંગાર અને ખનિજો જેવા ચોક્કસ માલના વેચાણકર્તાઓ માટે TCS દરને 2 ટકા સુધી તર્કસંગત બનાવવામાં આવશે અને તેંદુ પત્તા પર લાગતો દર 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવશે. અન્ય એક નોંધપાત્ર કર દરખાસ્ત એવી છે કે, ફ્યુચર્સ સોદાઓ પર STT હાલમાં 0.02 ટકા લાગુ કરવામાં આવે છે જે વધારીને 0.05 ટકા કરવામાં આવશે. ઓપ્શન્સ પ્રીમિયમ અને ઓપ્શન્સના ઉપયોગ પર STT પણ અનુક્રમે 0.1 ટકા અને 0.125 ટકાના વર્તમાન દરથી વધારીને 0.15 ટકા કરવામાં આવશે.
કંપનીઓને નવી પ્રણાલીમાં સ્થાનાંતરિત થવા માટે પ્રોત્સાહિત કરવા માટે, અંદાજપત્રમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે, લાવવામાં આવેલી ફોરવર્ડ MAT ક્રેડિટનો સેટ-ઓફ ફક્ત નવી પ્રણાલીઓમાં હોય તેવી કંપનીઓને જ માન્ય રાખવામાં આવશે. ઉપલબ્ધ MAT ક્રેડિટનો ઉપયોગ કરીને સેટ-ઓફને નવી પ્રણાલીમાં કર જવાબદારીના 1/4 ભાગ સુધી મંજૂરી આપવામાં આવશે. શ્રીમતી સીતારમણે MAT ને અંતિમ કર બનાવવાનો પ્રસ્તાવ મૂકતા જણાવ્યું હતું કે 1 એપ્રિલ 2026 થી કોઈ વધુ ક્રેડિટ સંચય નહીં થાય. અંતિમ કરનો દર વર્તમાન MAT દર 15 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવશે. આ ઉપરાંત, 31 માર્ચ 2026 સુધી સંચિત કરદાતાઓની લાવવામાં આવેલી ફોરવર્ડ MAT ક્રેડિટ, ઉપર જણાવ્યા મુજબ સેટ-ઓફ માટે તેમને ઉપલબ્ધ રહેશે.
પરોક્ષ કરવેરા:
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, કસ્ટમ્સ અને કેન્દ્રીય આબકારી જકાત માટેની દરખાસ્તોનો ઉદ્દેશ્ય ટેરિફ માળખાને વધુ સરળ બનાવવાનો, સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવાનો, નિકાસ સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાનો અને ડ્યૂટીમાં સુધારો કરવાનો છે.
કસ્ટમ ડ્યૂટીનું તર્કસંગતીકરણ:
સમુદ્રી, ચર્મ અને કાપડ ઉત્પાદનોમાં, નિકાસ માટે સીફૂડ ઉત્પાદનોના પ્રસંસ્કરણ માટે ઉપયોગમાં લેવાતા ચોક્કસ ઇનપુટ્સની ડ્યૂટી-મુક્ત આયાત માટેની મર્યાદા, હાલમાં 1 ટકા છે ત્યાંથી વધારીને FOB મૂલ્યના 3 ટકા કરવામાં આવશે. ચામડા અથવા કૃત્રિમ ફૂટવેરની નિકાસ માટે હાલમાં ઉપલબ્ધ ચોક્કસ ઇનપુટ્સની ડ્યૂટી-મુક્ત આયાતને મંજૂરી આપવામાં આવશે.
ઊર્જા ક્ષેત્રની વાત કરીએ તો, બૅટરી માટે લિથિયમ-આયન કોષના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા કેપિટલ ગુડ્સમાં આપવામાં આવતી મૂળભૂત કસ્ટમ ડ્યૂટી મુક્તિ વિસ્તૃત કરવામાં આવશે અને સૌર કાચના વિનિર્માણમાં ઉપયોગમાં લેવા માટેના સોડિયમ એન્ટિમોનેટની આયાત પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટી મુક્તિ આપવામાં આવશે.
નાણાં મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પરમાણુ ઊર્જા પરિયોજનાઓ માટે જરૂરી માલની આયાત પર હાલની મૂળભૂત કસ્ટમ ડ્યૂટી મુક્તિને વર્ષ 2035 સુધી લંબાવવામાં આવશે અને માઇક્રોવેવ ઓવનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ચોક્કસ ભાગો પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટી મુક્તિ આપવામાં આવશે.
મહત્વપૂર્ણ ખનિજોના પ્રસંસ્કરણ માટે જરૂરી કેપિટલ ગુડ્સની આયાત પર લાગુ કરવામાં આવતી મૂળભૂત કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે અને બાયોગેસ મિશ્રિત CNG પર ચુકવવાપાત્ર કેન્દ્રીય આબકારી જકાતની ડ્યૂટીની ગણતરી કરતી વખતે બાયોગેસનું સંપૂર્ણ મૂલ્ય બાકાત રાખવામાં આવશે.
નાગરિક અને સંરક્ષણ ઉડ્ડયન ક્ષેત્રમાં, નાગરિક, તાલીમ અને અન્ય વિમાનોના ઉત્પાદન માટે જરૂરી ઘટકો અને ભાગો પર લાગુ કરવામાં આવતી મૂળભૂત કસ્ટમ ડ્યૂટીમાંથી તેને મુક્તિ આપવામાં આવશે અને સંરક્ષણ ક્ષેત્રના એકમો દ્વારા જાળવણી, સમારકામ અથવા ઓવરહોલ સંબંધિત કામકાજોની જરૂરિયાતોમાં ઉપયોગમાં લેવાતા વિમાનના ભાગોના વિનિર્માણ માટે આયાત કરવામાં આવતા કાચા માલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટીમાંથી તેને મુક્તિ આપવામાં આવશે.
વધુમાં, વિશેષ આર્થિક ઝોનમાં પાત્રતા ધરાવતા વિનિર્માણ એકમો દ્વારા ઘરેલું ટેરિફ એરિયા (DTA)માં રાહત દરની ડ્યૂટી પર વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે તે માટે એક ખાસ એક વખતનું પગલું લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
નાણાં મંત્રીએ ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારવા માટે જણાવ્યું હતું કે વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરવામાં આવેલા તમામ ડ્યૂટીપાત્ર માલ પરના ટેરિફ દર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવશે. 17 દવાઓ અથવા દવાઓ પર લેવામાં આવતી મૂળભૂત કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે. 7 વધુ દુર્લભ રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ, ઔષધો અને ખાસ તબીબી હેતુઓ માટેના ખોરાક (FSMP) ની વ્યક્તિગત આયાત પર આયાત ડ્યૂટીમાં મુક્તિ આપવાના હેતુથી તે રોગોને ઉમેરવામાં આવશે.
કસ્ટમ પ્રક્રિયાઓ:
માલની સરળતાથી અને ઝડપથી હેરફેર થઈ શકે તે માટે કસ્ટમ પ્રક્રિયાઓમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવામાં આવશે. વધુમાં, AEO તરીકે ઓળખવામાં આવતા ટિઅર 2 અને ટિઅર 3 અધિકૃત આર્થિક સંચાલકો માટે ડ્યૂટી ડિફરલ સમયગાળો 15 દિવસથી વધારીને 30 દિવસ કરવામાં આવશે. તે જ સમયગાળાને પાત્ર વિનિર્માતા-આયાતકારો માટે પણ લંબાવવામાં આવશે. કસ્ટમ્સ પર બંધનકર્તા, એડવાન્સ રૂલિંગની માન્યતા અવધિ, હાલમાં 3 વર્ષ છે તેને વધારીને 5 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારી એજન્સીઓને તેમના માલસામાનને ક્લિયર કરવામાં પસંદગીની સુવિધા માટે AEO માન્યતાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
અંદાજપત્રમાં કસ્ટમ્સ વેરહાઉસિંગ માળખાને સ્વ-ઘોષણા, ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ અને જોખમ-આધારિત ઑડિટ સાથે વેરહાઉસ સંચાલક કેન્દ્રિત પ્રણાલીમાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ:
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ક્ષેત્રમાં સંખ્યાબંધ પહેલ હાથ ધરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, વિવિધ સરકારી એજન્સીઓ પાસેથી કાર્ગો ક્લિયરન્સ માટેની મંજૂરીઓ માટે નાણાંકીય વર્ષના અંત સુધીમાં એક જ અને એકબીજા સાથે જોડાયેલી ડિજિટલ વિન્ડો દ્વારા સરળતાથી પ્રક્રિયા કરવામાં આવશે. કોઈપણ અનુપાલનની આવશ્યકતા ન હોય તેવા માલ માટે, આયાતકાર દ્વારા ઑનલાઇન નોંધણી પૂર્ણ કરવામાં આવ્યા પછી તરત જ કસ્ટમ્સ દ્વારા ક્લિયરન્સ આપવામાં આવશે. કસ્ટમ્સ એકીકૃત પ્રણાલી (CIS) 2 વર્ષમાં બધી કસ્ટમ પ્રક્રિયાઓ માટે એક જ, સંકલિત અને વ્યાપક થવાપાત્ર પ્લેટફોર્મ તરીકે શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, જોખમ મૂલ્યાંકન માટે અદ્યતન ઇમેજિંગ અને AI ટેકનોલોજી સાથે બિન-ઇન્ટ્રુઝિવ સ્કેનિંગનો ઉપયોગ તબક્કાવાર રીતે વિસ્તૃત કરવામાં આવશે જેથી તમામ મુખ્ય બંદરોમાં દરેક કન્ટેનરને સ્કૅન કરી શકાય.
કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 માં કરેલી જોગવાઈ અનુસાર, ભારતીય માછીમારી જહાજ દ્વારા વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અથવા ઉચ્ચ સમુદ્રમાં માછલી પકડવા પર કોઈ ડ્યૂટી લાગુ કરવામાં આવી નથી. વિદેશી બંદર પર આવી માછલીના લેન્ડિંગને માલની નિકાસ ગણવામાં આવશે. અંદાજપત્રમાં કુરિયરની નિકાસ પર કન્સાઇન્મેન્ટ દીઠ રૂપિયા 10 લાખની વર્તમાન મૂલ્ય મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે - જે ભારતના નાના વ્યવસાયો, કારીગરો અને સ્ટાર્ટ-અપ્સની ઇ-કોમર્સ દ્વારા વૈશ્વિક બજારોમાં પહોંચ મેળવવાની આકાંક્ષાઓને સમર્થન આપે છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન સામાનના ક્લિયરન્સને નિયંત્રિત કરતી જોગવાઈઓમાં પણ સુધારો કરવામાં આવશે. વર્તમાન સમયના મુસાફરી વાસ્તવિકતાઓને અનુરૂપ ડ્યૂટી-ફ્રી ભથ્થાં વધારવા માટે નિયમો સુધારવામાં આવશે. આ ઉપરાંત, વિવાદોની પતાવટ કરવા તૈયાર પ્રામાણિક કરદાતાઓ દંડના બદલામાં વધારાની રકમ ચુકવીને કેસનો નિવેડો લાવવામાં આવશે.
(रिलीज़ आईडी: 2221663)
आगंतुक पटल : 94