પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતીય AI સ્ટાર્ટ-અપ્સ સાથે રાઉન્ડટેબલ બેઠકની અધ્યક્ષતા કરી


ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં 'ફાઉન્ડેશન મોડલ પિલર' હેઠળ લાયક ઠરેલા 12 ભારતીય AI સ્ટાર્ટ-અપ્સે તેમના વિચારો અને કાર્યો રજૂ કર્યા

આ સ્ટાર્ટ-અપ્સ હેલ્થકેર, બહુભાષી LLMs, મટીરીયલ રિસર્ચ, ડેટા એનાલિટિક્સ, એન્જિનિયરિંગ સિમ્યુલેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે

સ્ટાર્ટ-અપ્સે AI ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ અને ભવિષ્યની વિશાળ સંભાવનાઓ પર ભાર મૂક્યો અને નોંધ્યું કે AI ઇનોવેશન અને ડિપ્લોયમેન્ટનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર ભારત તરફ સરકવાનું શરૂ થયું છે

સ્ટાર્ટ-અપ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે ભારતની મજબૂત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સ્ટાર્ટ-અપ્સ અને AI સાહસિકો ભારતના ભવિષ્યના સહ-શિલ્પીઓ છે

પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે ભારતીય AI મોડેલ્સે સ્થાનિક અને સ્વદેશી સામગ્રી તથા પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવું જોઈએ

પ્રધાનમંત્રીએ ભારતીય AI મોડેલ્સ નૈતિક, પક્ષપાત રહિત, પારદર્શક અને ડેટા ગોપનીયતાના સિદ્ધાંતો પર આધારિત હોય તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ તેમના AI મોડેલ્સની સફળતા માટે સરકારના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી

प्रविष्टि तिथि: 08 JAN 2026 2:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને ભારતીય AI સ્ટાર્ટ-અપ્સ સાથે રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી હતી.

આગામી મહિને ભારતમાં યોજાનારી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા, આ સમિટમાં 'ફાઉન્ડેશન મોડલ પિલર' (Foundation Model Pillar) હેઠળ લાયક ઠરેલા 12 ભારતીય AI સ્ટાર્ટ-અપ્સે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને તેમના વિચારો તથા કાર્યો રજૂ કર્યા હતા.

આ સ્ટાર્ટ-અપ્સ ભારતીય ભાષાના ફાઉન્ડેશન મોડેલ્સ, બહુભાષી LLMs, સ્પીચ-ટુ-ટેક્સ્ટ, ટેક્સ્ટ-ટુ-ઓડિયો અને ટેક્સ્ટ-ટુ-વીડિયો; ઈ-કોમર્સ, માર્કેટિંગ અને વ્યક્તિગત કન્ટેન્ટ ક્રિએશન માટે જનરેટિવ AIનો ઉપયોગ કરીને 3D કન્ટેન્ટ; એન્જિનિયરિંગ સિમ્યુલેશન, મટીરીયલ રિસર્ચ અને ઉદ્યોગોમાં ડેટા-આધારિત નિર્ણય લેવા માટે અદ્યતન એનાલિટિક્સ; હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ અને મેડિકલ રિસર્ચ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે.

AI સ્ટાર્ટ-અપ્સે દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે ભારતની મજબૂત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે AI ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ અને ભવિષ્યની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો, અને નોંધ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન અને ડિપ્લોયમેન્ટનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર ભારત તરફ શિફ્ટ થવા લાગ્યું છે. નેતાઓએ જણાવ્યું હતું કે ભારત હવે AI વિકાસ માટે મજબૂત અને સક્ષમ વાતાવરણ પૂરું પાડે છે, જે દેશને વૈશ્વિક AI નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરે છે.

બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ સમાજમાં પરિવર્તન લાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ભારત આવતા મહિને 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ'નું આયોજન કરશે, જેના દ્વારા દેશ ટેકનોલોજી ક્ષેત્રે મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે રેખાંકિત કર્યું હતું કે ભારત AI ના માધ્યમથી અને તેનો ઉપયોગ કરીને પરિવર્તન લાવવાના પ્રયાસો કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્ટાર્ટ-અપ્સ અને AI સાહસિકો ભારતના ભવિષ્યના સહ-શિલ્પીઓ છે અને કહ્યું હતું કે દેશમાં ઇનોવેશન અને મોટા પાયે અમલીકરણ બંને માટે અપાર ક્ષમતા છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતે વિશ્વ સમક્ષ એક અનોખું AI મોડેલ રજૂ કરવું જોઈએ જે મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ ની ભાવનાને પ્રતિબિંબિત કરે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ એ દેશની સૌથી મોટી તાકાત છે. તેમણે ભારતીય AI મોડેલ્સ નૈતિક, પક્ષપાત રહિત, પારદર્શક અને ડેટા પ્રાઇવસીના સિદ્ધાંતો પર આધારિત હોય તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સ્ટાર્ટ-અપ્સે ભારત તરફથી વૈશ્વિક નેતૃત્વ માટે પણ કામ કરવું જોઈએ, અને નોંધ્યું કે ભારત વૈશ્વિક સ્તરે સસ્તું AI, સર્વસમાવેશક AI તથા ઓછા ખર્ચે નવીનતાને વૈશ્વિક સ્તરે  પ્રોત્સાહન આપી શકે છે. તેમણે એવું પણ સૂચન કર્યું કે ભારતીય AI મોડેલ્સ વિશિષ્ટ હોવા જોઈએ અને સ્થાનિક તથા સ્વદેશી સામગ્રી અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપતા હોવા જોઈએ.

બેઠકમાં Avataar, BharatGen, Fractal, Gan, Genloop, Gnani, Intellihealth, Sarvam, Shodh AI, Soket AI, Tech Mahindra અને Zenteiq સહિતના ભારતીય AI સ્ટાર્ટ-અપ્સના CEOs, વડાઓ અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદ પણ બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2212430) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada