પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમ નીતિ આયોગમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓને મળ્યા
સંવાદની થીમ - આત્મનિર્ભરતા અને માળખાકીય પરિવર્તન: વિકસિત ભારત માટેનો એજન્ડા
2047 સુધીમાં વિકસિત ભારતનું વિઝન એક જન આકાંક્ષા બની ગયું છે: પીએમ
લાંબા ગાળાની વૃદ્ધિ જાળવી રાખવા માટે, પીએમએ વિવિધ ક્ષેત્રોમાં મિશન-મોડ સુધારાઓ માટે હાકલ કરી
અર્થશાસ્ત્રીઓએ 2025 માં વિવિધ ક્ષેત્રોમાં થયેલા અભૂતપૂર્વ સુધારાઓ પર ચર્ચા કરી અને તમામ ક્ષેત્રોમાં ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારવા અંગેના સૂચનો શેર કર્યા
प्रविष्टि तिथि:
30 DEC 2025 6:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નીતિ આયોગમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોના સમૂહ સાથે વાતચીત કરી હતી. આ સંવાદની થીમ ‘આત્મનિર્ભરતા અને માળખાકીય પરિવર્તન: વિકસિત ભારત માટેનો એજન્ડા’ હતી.
સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ 2047 તરફની ભારતની યાત્રા માટેના મુખ્ય સ્તંભો પર પ્રકાશ પાડ્યો હતો. વિકસિત ભારતને રાષ્ટ્રીય આકાંક્ષા ગણાવતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું વિઝન સરકારી નીતિથી આગળ વધીને સાચા અર્થમાં એક જન આકાંક્ષા બની ગયું છે. આ પરિવર્તન શિક્ષણ, વપરાશ અને વૈશ્વિક ગતિશીલતાની બદલાતી તરજમાં સ્પષ્ટ દેખાય છે, જેના માટે વધતી જતી આકાંક્ષાઓ ધરાવતા સમાજની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંસ્થાકીય ક્ષમતા વધારવી અને સક્રિય માળખાકીય આયોજન કરવું જરૂરી છે.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક ક્ષમતા બનાવવા અને વૈશ્વિક એકીકરણ પ્રાપ્ત કરવા માટે મિશન-મોડ સુધારાઓની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો હતો. લાંબા ગાળાની વૃદ્ધિ જાળવી રાખવા માટે, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં મિશન-મોડ સુધારાઓ માટે આહવાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની નીતિ ઘડતર અને બજેટ નિર્માણ 2047 ના વિઝન સાથે જોડાયેલા રહેવા જોઈએ. તેમણે એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત વિશે પણ વાત કરી કે રાષ્ટ્ર વૈશ્વિક કાર્યબળ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહે.
આ સંવાદ દરમિયાન, અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને સેવા ક્ષેત્રોમાં ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારવા અંગે વ્યુહાત્મક સૂચનો શેર કર્યા હતા. ચર્ચાઓ ઘરગથ્થુ બચતમાં વધારો, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવા દ્વારા માળખાકીય પરિવર્તનને વેગ આપવા પર કેન્દ્રિત હતી. આ જૂથે આંતર-ક્ષેત્રીય (cross-sectoral) ઉત્પાદકતાના સક્ષમકર્તા તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ભૂમિકાની શોધ કરી હતી અને ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) ના સતત વિસ્તરણ અંગે પણ ચર્ચા કરી હતી.
સહભાગીઓએ નોંધ્યું હતું કે 2047 ના વિઝન માટે 2025 માં કરવામાં આવેલા વિવિધ ક્ષેત્રોના અભૂતપૂર્વ સુધારાઓ અને આગામી વર્ષમાં તેમનું વધુ એકત્રીકરણ એ સુનિશ્ચિત કરશે કે ભારત તેના પાયાને મજબૂત કરીને અને નવી તકો ખોલીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે તેની પ્રગતિ ચાલુ રાખશે.
ચર્ચામાં શ્રી શંકર આચાર્ય, શ્રી અશોક કે ભટ્ટાચાર્ય, શ્રી એન આર ભાનુમૂર્તિ, સુશ્રી અમિતા બત્રા, શ્રી જન્મેજય સિંહા, શ્રી અમિત ચંદ્રા, સુશ્રી રજની સિંહા, શ્રી દિનેશ કાનાબાર, શ્રી બસંતા પ્રધાન, શ્રી મદન સબનવીસ, સુશ્રી આશિમા ગોયલ, શ્રી ધર્મકીર્તિ જોશી, શ્રી ઉમાકાંત દાસ, શ્રી પિનાકી ચક્રવર્તી, શ્રી ઈન્દ્રનિલ સેન ગુપ્તા, શ્રી સમીરન ચક્રવર્તી, શ્રી અભિમાન દાસ, શ્રી રાહુલ બાજોરિયા, સુશ્રી મોનિકા હાલન અને શ્રી સિદ્ધાર્થ સન્યાલ સહિત અનેક જાણીતા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સામેલ હતા.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2209916)
आगंतुक पटल : 14