માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય સિનેમાના શિખરે પહોંચવા માટે મિથુન દાની આશા, દ્રઢતા અને સ્વપ્ન સાકાર કરવાની સફરની ઉજવણી


પ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને વર્ષ 2022 માટે દાદાસાહેબ ફાળકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

અભિનેતાની સિનેમેટિક સફર ખૂબ જ નોંધનીય અને પ્રેરણાદાયક; તેમના સમર્પણ અને સખત મહેનતે તેમને મહત્વાકાંક્ષી અભિનેતાઓ અને કલાકારો માટે રોલ મોડેલ બનાવ્યા છે: શ્રી અશ્વિની વૈષ્ણવ

મહાન અભિનેતા તેમના સિનેમેટિક યોગદાન દ્વારા પેઢીઓને પ્રેરણા આપશે અને પરોપકારી અને જાહેર સેવામાં કામ કરશે, જે ઉત્કૃષ્ટતા અને કરુણાનો કાયમી વારસો છોડી જશે

Posted On: 30 SEP 2024 9:58AM by PIB Ahmedabad

લિજેન્ડરી અભિનેતા શ્રી મિથુન ચક્રવર્તીને વર્ષ 2022 માટે દાદાસાહેબ ફાળકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર પ્રદાનને બિરદાવતાં આજે આ પુરસ્કારની જાહેરાત કરી હતી. મંત્રીશ્રીએ ફિલ્મ ઉદ્યોગની સૌથી પ્રિય અને પ્રતિષ્ઠિત હસ્તીઓમાંથી એકનું સન્માન કરવામાં અપાર આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી, જેઓ તેમના બહુમુખી અભિનય અને પ્રભાવશાળી સ્ક્રીન હાજરી માટે જાણીતા છે.

મિથુન દાની નોંધપાત્ર સફર

મિથુન ચક્રવર્તી, જેમને મિથુન દા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ એક પ્રતિષ્ઠિત ભારતીય અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે, જેમને તેમની બહુમુખી ભૂમિકાઓ અને વિશિષ્ટ નૃત્ય શૈલી માટે ઓળખવામાં આવે છે. તેણે પોતાની ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, જેમાં એક્શનથી ભરપૂર પાત્રોથી લઈને માર્મિક નાટકીય અભિનય સુધી સામેલ છે.

મંત્રીએ જણાવ્યું કે એક સાધારણ પરિવારથી લઈને એક જાણીતા ફિલ્મ આઈકોન બનવા સુધી મિથુન ચક્રવર્તીની સફર આશા અને દ્રઢતાની ભાવનાને દર્શાવે છે, જે તે પુરવાર કરે છે કે જુસ્સા અને સમર્પણ સાથે, કોઈ પણ વ્યક્તિ પોતાના સૌથી મહત્વાકાંક્ષી સપનાંને પણ પ્રાપ્ત કરી શકે છે. તેમના સમર્પણ અને સખત મહેનતે તેમણે મહત્વાકાંક્ષી અભિનેતાઓ અને કલાકારો માટે રોલ મોડેલ બનાવ્ય છે.

16 જૂન, 1950ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મેલા ગૌરાંગ ચક્રવર્તીએ પોતાની પહેલી જ ફિલ્મ "મૃગયા" (1976)માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. પ્રતિષ્ઠિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિથુન ચક્રવર્તીએ તેમની કળાનું સન્માન કર્યું હતું અને સિનેમામાં તેમની ઝળહળતી કારકિર્દીનો પાયો નાંખ્યો હતો.

મૃણાલ સેનની ફિલ્મમાં તેમના સંથાલ બળવાખોરની ભૂમિકા ભજવવા માટે તેમને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી. મિથુને 1980ના દાયકામાં "ડિસ્કો ડાન્સર" (1982)માં તેમની ભૂમિકાથી નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી હતી, આ એક એવી ફિલ્મ હતી જેણે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મેળવી હતી, જેને તેને એક ડાન્સિંગ સનસની તરીકે સ્થાપિત કર્યા હતા. ડિસ્કો ડાન્સર (1982)માં તેમની આઇકોનિક ભૂમિકા સાથે તેઓ ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગયા, આ એક એવી ફિલ્મ હતી જેમાં તેમની અસાધારણ નૃત્ય કુશળતા દર્શાવવામાં આવી હતી એટલું જ નહીં, પરંતુ  ભારતીય સિનેમામાં ડિસ્કો સંગીતને પણ લોકપ્રિય બનાવ્યું હતું. અગ્નિપથમાં તેમના અભિનયથી તેમને 1990માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

બાદમાં તેમણે તહદર કથા (1992) અને સ્વામી વિવેકાનંદ (1998)માં પોતાની ભૂમિકા માટે વધુ બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા. પોતાની વિસ્તૃત કારકિર્દી દરમિયાન મિથુને હિન્દી, બંગાળી,  ઓડિયા, ભોજપુરી અને તેલુગુ સહિત વિવિધ ભારતીય ભાષાઓની 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું  છે. તેઓ એક્શનથી માંડીને ડ્રામા અને કોમેડી સુધીના વૈવિધ્યસભર અભિનય માટે જાણીતા છે, અને તેમણે અનેક પુરસ્કારો જીત્યા છે, જેમાં શ્રેષ્ઠ અભિનેતા માટેના ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

મિથુન દાનો ડબલ વારસો

કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, મિથુન દાની ઉજવણી માત્ર તેમની સિનેમેટિક સિદ્ધિઓ માટે જ નહીં, પણ સામાજિક કાર્યો પ્રત્યે તેમના સમર્પણ માટે પણ  કરવામાં આવે છે. તેઓ શિક્ષણ, આરોગ્ય સંભાળ અને વંચિત સમુદાયોને ટેકો આપવાના હેતુથી વિવિધ સખાવતી પહેલમાં સક્રિયપણે સંકળાયેલા છે, જે સમાજને પરત આપવાની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે સંસદસભ્ય તરીકે પણ સેવા આપી છે, જાહેર સેવા અને શાસન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

લગભગ પાંચ દાયકા સુધી ચાલેલી કારકિર્દીમાં મિથુન ચક્રવર્તીએ ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર પ્રદાનને બિરદાવતાં તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અસંખ્ય પુરસ્કારો અને પ્રશંસા મેળવી છે. ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. "ડિસ્કો ડાન્સર" અને "ઘર એક મંદિર" જેવી ક્લાસિક ફિલ્મોનો સમાવેશ કરતી ફિલ્મોગ્રાફી સાથે, તેમણે માત્ર લાખો લોકોનું મનોરંજન જ નથી કર્યું, પરંતુ બોલિવૂડ અને પ્રાદેશિક સિનેમાના લેન્ડસ્કેપને પણ આકાર આપ્યો છે. તેમનો પ્રભાવ રૂપેરી પડદેથી આગળ વધે છે, કારણ કે તેઓ ફિલ્મ અને પરોપકારી કાર્યમાં તેમના કામ દ્વારા પેઢીઓને પ્રેરણા આપતા રહે છે.

આ પુરસ્કાર 8 ઓક્ટોબર 2024ને મંગળવારના રોજ યોજાનારા 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભ દરમિયાન આપવામાં આવશે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ પસંદગી સમિતિમાં નીચેના સભ્યો સામેલ હતા:

  1. સુશ્રી આશા પારેખ
  2. સુશ્રી ખુશબુ સુંદર
  3. શ્રી વિપુલ અમૃતલાલ શાહ

પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મિથુન ચક્રવર્તીને તેમની કલાત્મક ક્ષમતાને જ નહીં, પરંતુ તેમના કાયમી વારસાને એક દયાળુ અને સમર્પિત વ્યક્તિ તરીકે પણ માન્યતા આપે છે, જેમણે ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2060188) Visitor Counter : 91