પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

31 ઓક્ટોબર દેશના દરેક ખૂણામાં રાષ્ટ્રવાદની ભાવનાનો ઉત્સવ બની ગયો છે

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "લાલ કિલ્લા પર 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરીનાં રોજ કર્તવ્ય માર્ગ પર પરેડ અને સ્ટેચ્યુ ઑફ યુનિટી હેઠળ એકતા દિવસ રાષ્ટ્રીય ઉત્થાનનો ત્રિમૂર્તિ બની ગયો છે"

"સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ભારત, શ્રેષ્ઠ ભારતના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે"

"ગુલામીની માનસિકતાનો ત્યાગ કરવાના સંકલ્પ સાથે ભારત આગળ વધી રહ્યું છે"

"ભારતની પહોંચની બહાર કોઈ ઉદ્દેશ્ય નથી"

"આજે, એકતા નગરને વૈશ્વિક હરિયાળા શહેર તરીકે માન્યતા આપવામાં આવી છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે સમગ્ર વિશ્વ ભારતની અતૂટ પ્રતિબદ્ધતા, તેના લોકોનાં સાહસ અને લવચિકતાને સ્વીકારે છે."

"રાષ્ટ્રીય એકતાના માર્ગમાં, આપણી વિકાસયાત્રામાં સૌથી મોટો અવરોધ તુષ્ટિકરણની રાજનીતિ છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સમૃદ્ધ ભારતની આકાંક્ષાને સાકાર કરવા માટે આપણે આપણાં દેશની એકતા જાળવવાની દિશામાં સતત કામ કરવું પડશે."

Posted On: 31 OCT 2023 11:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસ સાથે સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે સરદાર પટેલને તેમની જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં બીએસએફ અને રાજ્યની વિવિધ પોલીસની ટુકડીઓ, તમામ મહિલા સીઆરપીએફ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઇપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી કાર્યક્રમ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફ્લાય પાસ્ટ, વાઇબ્રન્ટ ગામડાઓની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન વગેરેને નિહાળ્યા હતા.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસ એ ભારતનાં યુવાનો અને એનાં યોદ્ધાઓની એકતાની તાકાતની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "એક રીતે હું લઘુ ભારતનાં સ્વરૂપનો સાક્ષી બની શકું છું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાષાઓ, રાજ્યો અને પરંપરાઓ અલગ હોવા છતાં દેશમાં દરેક વ્યક્તિ એકતાનાં મજબૂત તંતુ સાથે વણાયેલી છે. "મણકાઓ પુષ્કળ છે, પણ માળા તો એક જ છે. આપણે વિવિધતા ધરાવતા હોવા છતાં, આપણે એકજૂટ છીએ." જે રીતે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિવસો તરીકે માન્યતા આપવામાં આવી છે, તેવી જ રીતે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 31મી ઓક્ટોબર સમગ્ર દેશમાં એકતાનું પર્વ બની ગયું છે. તેમણે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી, કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડ અને મા નર્મદાના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિમૂર્તિ બની ગઈ હોવાનું જણાવ્યું હતું. આજના કાર્યક્રમ વિશે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જે લોકો એકતા નગરની મુલાકાત લે છે, તેઓ માત્ર સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાક્ષી બનવાની સાથે-સાથે સરદાર સાહેબના જીવનની ઝાંખી પણ કરાવે છે અને ભારતના રાષ્ટ્રીય એકતા માટે તેમના યોગદાનની પણ ઝાંખી કરાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "સ્ટેચ્યુ ઑફ યુનિટી એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે." તેમણે પ્રતિમાના નિર્માણમાં નાગરિકોના યોગદાનની નોંધ લીધી હતી અને તેમનાં સાધનોનું દાન કરનાર ખેડૂતોનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે વોલ ઑફ યુનિટીના નિર્માણ માટે ભારતનાં વિવિધ વિસ્તારોમાંથી માટીના સમન્વયનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, કરોડો નાગરિકો સમગ્ર દેશમાં 'રન ફોર યુનિટી' અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે જોડાયેલા છે. પ્રધાનમંત્રીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, "સરદાર સાહેબનાં આદર્શો 140 કરોડ નાગરિકોનું હાર્દ છે, જેઓ એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં જુસ્સાની ઉજવણી કરવા ભેગાં થાય છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ દેશ માટે આ સદીનાં સૌથી મહત્ત્વપૂર્ણ 25 વર્ષ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ભારતે એક સમૃદ્ધ અને વિકસિત દેશમાં પરિવર્તિત થવાનું છે. તેમણે દેશ માટે એ જ સમર્પણની ભાવનાનું આહ્વાન કર્યું હતું, જે આઝાદીનાં થોડાં સમય અગાઉ 25 વર્ષમાં જોવા મળ્યું હતું. તેમણે દુનિયામાં ભારતની વધતી જતી પ્રોફાઇલની નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, "અમે ગર્વ અનુભવીએ છીએ કારણ કે અમે સૌથી મોટા લોકશાહીના કદને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ." તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતની સુરક્ષા, અર્થતંત્ર, વિજ્ઞાન, સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને વૈશ્વિક કોર્પોરેટ નેતૃત્વમાં ભારતની મજબૂત સ્થિતિ મહત્ત્વપૂર્ણ છે, જે મુખ્ય વૈશ્વિક કંપનીઓ અને રમતગમતમાં ભારતીયો દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

આગળ વધવાના અને ગુલામીની માનસિકતાનો ત્યાગ કરવાના સંકલ્પનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત પોતાનો વારસો જાળવવાની સાથે-સાથે વિકાસ પણ કરી રહ્યું છે." તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, નૌકાદળના ધ્વજ પરથી વસાહતી ચિહ્ન દૂર કરવું, સંસ્થાનવાદી સમયમાંથી બિનજરૂરી કાયદાઓને દૂર કરવા, આઈપીસીની જગ્યા બદલવામાં આવી છે અને સંસ્થાનવાદી પ્રતિનિધિઓનું સ્થાન લઈને ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાને શણગારવામાં આવી છે.

પીએમ મોદીએ કહ્યું, "આજે ભારતની પહોંચની બહાર કોઈ ઉદ્દેશ્ય નથી." સબકા પ્રયાસની તાકાત પર પ્રકાશ પાડતા તેમણે કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે કાશ્મીર અને દેશના બાકીના ભાગોની વચ્ચે જે કલમ 370ની દિવાલ ઉભી હતી તેને તોડી પાડવામાં આવી છે અને તેનાથી સરદાર સાહેબ જ્યાં પણ હોય ત્યાં ખુશ થયા હશે.

લાંબા સમયથી વિલંબિત મુદ્દાઓને આગળ વધારતા, પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમનો પણ ઉલ્લેખ કર્યો હતો જે 5-6 દાયકાથી વિલંબિત હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્ણ થયો હતો. તેમણે કેવડિયા - એકતા નગરની કાયાપલટને સંકલ્પ સે સિદ્ધિનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "આજે એકતા નગરને વૈશ્વિક ગ્રીન સિટી તરીકે માન્યતા આપવામાં આવી છે." પ્રધાનમંત્રીએ વિવિધ પ્રવાસન આકર્ષણો ઉપરાંત માહિતી આપી હતી કે, છેલ્લાં 6 મહિનામાં જ એકતા નગરમાં દોઢ લાખથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં પહેલેથી જ મજબૂત સૌર ઊર્જાનાં ઉત્પાદન અને સિટી ગેસનાં વિતરણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે એકતા નગરમાં હેરિટેજ ટ્રેનનું આકર્ષણ વધશે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 5 વર્ષમાં 1.5 કરોડથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જે સ્થાનિક આદિવાસી સમુદાયોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે સમગ્ર વિશ્વ ભારતની અતૂટ કટિબદ્ધતા અને એનાં લોકોનાં સાહસ અને લવચિકતાને સ્વીકારે છે." દુનિયા તેમાંથી પ્રેરણા લઈ રહી છે, ત્યારે તેમણે કેટલાક ટ્રેન્ડ સામે ચેતવણી આપી હતી. આજની દુનિયામાં ભૌગોલિક રાજકીય અસ્થિરતા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કોવિડ રોગચાળા પછી અનેક દેશોની ભાંગી પડેલી અર્થવ્યવસ્થાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં છેલ્લા 30-40 વર્ષમાં ફુગાવો અને બેરોજગારી ચરમસીમાએ છે. આ સંજોગોમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત નવા વિક્રમો અને પગલાંનું સર્જન કરીને સતત આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં સરકારે જે નીતિઓ અને નિર્ણયો લીધા છે, તેની સકારાત્મક અસર આજે જોવા મળી શકે છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં પાંચ વર્ષમાં જ 13.5 કરોડથી વધારે ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યાં છે. દેશમાં સ્થિરતા જાળવવા નાગરિકોને અપીલ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને વિકાસનાં માર્ગે અગ્રેસર કરનાર 140 કરોડ નાગરિકોનાં પ્રયાસો વ્યર્થ ન જાય. તેમણે ઉમેર્યું હતું કે, "આપણે ભવિષ્ય પર નજર રાખવી જોઈએ અને રાષ્ટ્રીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આપણી પ્રતિબદ્ધતા જાળવી રાખવી જોઈએ."

લોહપુરુષ સરદાર સાહેબની આંતરિક સુરક્ષા માટે અતૂટ ચિંતાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ સંબંધમાં છેલ્લાં 9 વર્ષમાં લેવાયેલાં પગલાંની જાણકારી આપી હતી અને અગાઉ જે સફળતા મેળવી હતી, તેનાથી નાશથી વંચિત રહીને કેવી રીતે પડકારોનો સામનો દ્રઢતાપૂર્વક થઈ રહ્યો છે એ વિશે જાણકારી આપી હતી. તેમણે રાષ્ટ્રની એકતા પરના હુમલાઓ સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, ભારતની વિકાસયાત્રામાં સૌથી મોટો અવરોધ તુષ્ટિકરણનું રાજકારણ છે અને છેલ્લાં કેટલાંક દાયકાઓથી એવું જોવા મળ્યું છે કે, તુષ્ટિકરણની રાજનીતિ કરનારા લોકો આતંકવાદ તરફ આંખ આડા કાન પણ કરે છે અને માનવતાનાં દુશ્મનો સાથે ખભેખભો મિલાવીને ઊભા રહે છે. તેમણે આવી વિચારસરણી સામે ચેતવણી આપી હતી જે દેશની એકતાને જોખમમાં મૂકે છે.

હાલમાં ચાલી રહેલી અને આગામી ચૂંટણીઓના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ એ જૂથ સામે ચેતવણી આપી હતી, જે સકારાત્મક રાજકારણથી સંપૂર્ણપણે વંચિત છે તથા અસામાજિક અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. "આપણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશની એકતા જાળવવાના પ્રયત્નો હંમેશા ચાલુ રાખવાના છે. આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ, તેમાં આપણું 100 ટકા આપવાનું છે. આવનારી પેઢીઓને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો આ એકમાત્ર માર્ગ છે."

શ્રી મોદીએ MyGov પર સરદાર પટેલ પર આયોજિત રાષ્ટ્રીય સ્પર્ધા વિશે પણ માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનું ભારત નવું ભારત છે, જ્યાં દરેક નાગરિક આત્મવિશ્વાસથી ભરેલો છે. તેમણે એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો કે, આ આત્મવિશ્વાસ જળવાઈ રહે અને એકતાની ભાવના યથાવત્ રહે. તેમણે સરદાર પટેલને નાગરિકો વતી નમ્ર શ્રદ્ધાંજલિ આપીને સંબોધનનું સમાપન કર્યું હતું અને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

પાર્શ્વ ભાગ

દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવવા અને મજબૂત કરવાની ભાવનાને વધુ વેગ આપવા માટે, પ્રધાનમંત્રીએ તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1973268) Visitor Counter : 175