પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદઘાટન કર્યું
'અમૃત કાળ વિઝન 2047' નું અનાવરણ કર્યું - જે ભારતીય દરિયાઇ બ્લૂ ઈકોનોમી માટે એક બ્લૂપ્રિન્ટ છે
23,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના રાષ્ટ્રીય પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
દીનદયાળ પોર્ટ ઓથોરિટી, ગુજરાતમાં ટુના ટેકરા ડીપ ડ્રાફ્ટ ટર્મિનલનો શિલાન્યાસ કર્યો
દરિયાઈ ક્ષેત્રમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ભાગીદારી માટે 300થી વધુ એમઓયુ સમર્પિત કર્યા
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે."
"સમૃદ્ધિ માટે બંદરો અને પ્રગતિ માટેનાં બંદરો'નું સરકારનું વિઝન જમીની સ્તરે પરિવર્તનકારી પરિવર્તન લાવી રહ્યું છે.
"અમારો મંત્ર 'મેક ઇન ઇન્ડિયા - મેક ફોર ધ વર્લ્ડ' છે.
"અમે એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં બેલી ઈકોનોમી ગ્રીન પ્લેનેટ બનાવવાનું માધ્યમ બનશે"
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત અત્યાધુનિક માળખાગત સુવિધા મારફતે વૈશ્વિક ક્રુઝ હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે."
"વિકાસ, જનસંખ્યા, લોકશાહી અને માગનો સમન્વય એ રોકાણકારો માટે એક તક છે"
Posted On:
17 OCT 2023 11:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023ની ત્રીજી એડિશનમાં તમામનું સ્વાગત કર્યું હતું. તેમણે વર્ષ 2021માં જ્યારે સમિટ યોજાઈ હતી, ત્યારે કોવિડ રોગચાળાની અનિશ્ચિતતાઓથી સમગ્ર વિશ્વ કેવી રીતે વ્યથિત હતું તે યાદ કર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે. બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત બની રહી છે અને એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. વૈશ્વિક વેપારમાં દરિયાઈ માર્ગોની ભૂમિકા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કોરોના પછીની દુનિયામાં વિશ્વસનીય વૈશ્વિક પુરવઠા શ્રુંખલાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભારતની દરિયાઈ ક્ષમતાઓએ હંમેશાથી જ દુનિયાને લાભ આપ્યો છે. પ્રધાનમંત્રીએ છેલ્લાં થોડાં વર્ષોમાં આ ક્ષેત્રને મજબૂત કરવા માટે હાથ ધરવામાં આવેલા વ્યવસ્થિત પગલાંની યાદી આપી હતી. તેમણે પ્રસ્તાવિત ભારત-મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર પર ઐતિહાસિક જી20 સર્વસંમતિની પરિવર્તનકારી અસરને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જેમ જેમ ભૂતકાળના સિલ્ક રુટથી અનેક દેશોની અર્થવ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે, આ કોરિડોર પણ વૈશ્વિક વેપારનું ચિત્ર બદલી નાખશે. તેમણે જણાવ્યું હતું કે, નેક્સ્ટ જનરેશન મેગા પોર્ટ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સ-શિપમેન્ટ પોર્ટ, આઇલેન્ડ ડેવલપમેન્ટ, ઇનલેન્ડ વોટરવેઝ અને મલ્ટિ-મોડલ હબ આ અંતર્ગત હાથ ધરવામાં આવશે, જેનાથી વ્યાવસાયિક ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણીય અધોગતિને પગલે લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો થશે અને રોજગારીનું સર્જન થશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રોકાણકારો પાસે આ અભિયાનમાં સામેલ થવા અને ભારત સાથે જોડાવાની શ્રેષ્ઠ તક છે.
પ્રધાનમંત્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, આજનું ભારત આગામી 25 વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે અને ભારતના દરિયાઇ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કરવામાં આવેલા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં દાયકામાં જાણકારી આપી હતી કે, ભારતમાં મુખ્ય બંદરોની ક્ષમતા બમણી થઈ ગઈ છે અને મોટાં જહાજો માટે ટર્નએરાઉન્ડ ટાઇમ વર્ષ 2014માં 42 કલાકની સરખામણીમાં ઘટીને 24 કલાકથી ઓછો થઈ ગયો છે. તેમણે બંદરની કનેક્ટિવિટી વધારવા માટે નવા માર્ગોના નિર્માણનો ઉલ્લેખ પણ કર્યો હતો અને દરિયાકિનારાના માળખાગત સુવિધાને મજબૂત કરવા સાગરમાલા પ્રોજેક્ટ પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રયાસોથી રોજગારીની તકોમાં અને જીવનની સરળતામાં અનેકગણો વધારો થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સરકારનું 'પ્રગતિ માટે બંદરો અને પ્રગતિ માટેનાં બંદરો'નું વિઝન એ જમીનનાં સ્તરે પરિવર્તનકારી ફેરફારો લાવી રહ્યું છે." તેમણે નોંધ્યું હતું કે, 'બંદરો અને બંદરો'નાં મંત્રને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, સરકાર લોજિસ્ટિક્સ ક્ષેત્રને વધારે કાર્યક્ષમ અને અસરકારક બનાવીને આર્થિક ઉત્પાદકતા વધારવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં કોસ્ટલ શિપિંગ મોડ્સનું પણ આધુનિકીકરણ થઈ રહ્યું છે અને તેમણે જાણકારી આપી હતી કે, છેલ્લાં દાયકામાં દરિયાકિનારાનાં કાર્ગોની અવરજવર બમણી થઈ છે, જેથી લોકો માટે વાજબી ખર્ચ-અસરકારક લોજિસ્ટિક વિકલ્પ પ્રદાન થયો છે. ભારતમાં આંતરિક જળમાર્ગોનાં વિકાસનાં સંબંધમાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, રાષ્ટ્રીય જળમાર્ગોનાં કાર્ગો હેન્ડલિંગમાં ચાર ગણો વધારો થયો છે. તેમણે છેલ્લાં 9 વર્ષમાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનાં સુધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જહાજનિર્માણ અને સમારકામ ક્ષેત્ર પર સરકારનું ધ્યાન કેન્દ્રીત કરવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત ભારતની ક્ષમતાનો પુરાવો છે. "ભારત આગામી દાયકામાં વહાણ નિર્માણના ટોચના પાંચ દેશોમાંથી એક બનવા જઈ રહ્યું છે. અમારો મંત્ર 'મેક ઇન ઇન્ડિયા - મેક ફોર ધ વર્લ્ડ' છે." તેમણે માહિતી આપી હતી કે સરકાર દરિયાઇ ક્લસ્ટરો દ્વારા આ ક્ષેત્રના તમામ હિસ્સેદારોને એક સાથે લાવવા માટે કામ કરી રહી છે. ઘણી જગ્યાએ જહાજ-નિર્માણ અને સમારકામ કેન્દ્રો વિકસાવવામાં આવશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત શિપ રિસાયક્લિંગના ક્ષેત્રમાં બીજા સ્થાને છે. તેમણે આ ક્ષેત્ર માટે ચોખ્ખી-શૂન્ય વ્યૂહરચના મારફતે ભારતનાં મુખ્ય બંદરોને કાર્બન-ન્યુટ્રલ બનાવવાનાં પ્રયાસો વિશે પણ માહિતી આપી હતી. "અમે એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં બ્લૂ ઈકોનોમી ગ્રીન પ્લેનેટનું નિર્માણ કરવાનું માધ્યમ બનશે."
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં દરિયાઈ ક્ષેત્રનાં મોટા ખેલાડીઓ માટે દેશમાં પ્રવેશ કરવાની કામગીરી ચાલી રહી છે. તેમણે અમદાવાદમાં ગિફ્ટ સિટીનો ઉલ્લેખ કર્યો હતો, જેણે નાણાકીય સેવા સ્વરૂપે શિપ લીઝિંગની શરૂઆત કરી છે અને સાથે સાથે ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી છે. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે, દુનિયાની 4 વૈશ્વિક જહાજ ભાડાપટ્ટા આપતી કંપનીઓએ પણ ગિફ્ટ આઇએફએસસીમાં નોંધણી કરાવી છે. તેમણે આ સમિટમાં ઉપસ્થિત અન્ય શિપ લીઝિંગ કંપનીઓને પણ ગિફ્ટ આઇએફએસસીમાં જોડાવા હાકલ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "ભારત વિશાળ દરિયાકિનારો, મજબૂત નદીની ઇકોસિસ્ટમ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે, જે દરિયાઇ પ્રવાસન માટે નવી શક્યતાઓ ઊભી કરે છે.'' તેમણે ભારતમાં આશરે 5 હજાર વર્ષ જૂના લોથલ ડોકયાર્ડનો ઉલ્લેખ કર્યો હતો, જે વિશ્વ ધરોહર છે અને તેને 'શિપિંગનું પારણું' ગણાવ્યું હતું. તેમણે આ વિશ્વ ધરોહરને જાળવી રાખવા માટે મુંબઈ નજીક લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પણ બની રહ્યું છે તેવી માહિતી આપી હતી અને નાગરિકોને તે પૂર્ણ થયા બાદ મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં દરિયાઈ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિશ્વની સૌથી લાંબી રિવર ક્રુઝ સર્વિસ છે. તેમણે મુંબઇમાં આગામી આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ અને વિશાખાપટ્ટનમ અને ચેન્નાઇમાં આધુનિક ક્રુઝ ટર્મિનલ વિશે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "ભારત તેના અત્યાધુનિક માળખાગત સુવિધા મારફતે વૈશ્વિક ક્રુઝ હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે."
સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત એવા ગણ્યાગાંઠ્યા દેશોમાંનો એક દેશ છે, જેમાં વિકાસ, જનસંખ્યા, લોકશાહી અને માગનો સમન્વય છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "અત્યારે જ્યારે ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનાં લક્ષ્યાંક તરફ અગ્રેસર છે, ત્યારે આ તમારા માટે સોનેરી તક છે."એમ શ્રી મોદીએ કહ્યું હતું અને દુનિયાભરનાં રોકાણકારોને ભારત આવવા અને વિકાસનાં માર્ગે જોડાવા માટે ખુલ્લું આમંત્રણ પાઠવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત હતા.
પાશ્વ ભૂમિકા
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લ્યુ ઇકોનોમી માટે લાંબા ગાળાની બ્લૂપ્રિન્ટ છે. બ્લૂપ્રિન્ટમાં વ્યૂહાત્મક પહેલોની રૂપરેખા આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ બંદરોની સુવિધાઓ વધારવાનો, સ્થાયી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને આંતરરાષ્ટ્રીય સહયોગને સુલભ કરવાનો છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેની કિંમતની પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યાં હતાં અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે.
પ્રધાનમંત્રીએ ગુજરાતમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે રૂ. 4,500 કરોડથી વધારેનાં ખર્ચે તૈયાર થનારા ટુના ટેકરા ઓલ-વેધર ડીપ ડ્રાફ્ટ ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. આ અત્યાધુનિક ગ્રીનફિલ્ડ ટર્મિનલને પીપીપી મોડમાં વિકસાવવામાં આવશે. આ ટર્મિનલ, જે આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર તરીકે ઉભરી આવે તેવી સંભાવના છે, તે 18,000 વીસ ફૂટ સમકક્ષ એકમો (ટીઇયુ)થી વધુ નેક્સ્ટ-જનરેશન જહાજોનું સંચાલન કરશે અને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઇએમઇઇસી) મારફતે ભારતીય વેપાર માટે પ્રવેશદ્વાર તરીકે કામ કરશે. પ્રધાનમંત્રીએ દરિયાઈ ક્ષેત્રમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ભાગીદારી માટે 7 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં 300થી વધારે સમજૂતીકરાર (એમઓયુ) પણ સુપરત કર્યા હતાં.
આ સમિટ દેશની સૌથી મોટી મેરિટાઇમ ઇવેન્ટ છે અને તેમાં યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયા (મધ્ય એશિયા, મધ્ય પૂર્વ અને બિમસ્ટેક ક્ષેત્ર સહિત)ના દેશોનું પ્રતિનિધિત્વ કરતા વિશ્વભરના મંત્રીઓ ભાગ લેશે. આ સમિટમાં વૈશ્વિક સીઇઓ, બિઝનેસ લીડર્સ, ઇન્વેસ્ટર્સ, ઓફિસિઅલ્સ અને દુનિયાભરના અન્ય સ્ટેકહોલ્ડર્સ પણ ઉપસ્થિત રહેશે. વધુમાં, મંત્રીઓ અને અન્ય મહાનુભાવો દ્વારા આ સમિટમાં ભારતના કેટલાક રાજ્યોનું પ્રતિનિધિત્વ પણ કરવામાં આવશે.
આ ત્રણ દિવસીય શિખર સંમેલનમાં ભવિષ્યના બંદરો સહિત દરિયાઈ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરવામાં આવશે. જેમાં ડિકાર્બનાઇઝેશન; દરિયાકિનારાનું શિપિંગ અને આંતરિક જળ પરિવહન; જહાજનિર્માણ; સમારકામ અને રિસાયક્લિંગ; ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ અને આર્બિટ્રેશન; દરિયાઈ ક્લસ્ટરો; નવીનીકરણ અને ટેકનોલોજી; દરિયાઈ સુરક્ષા અને સલામતી; અને દરિયાઈ પ્રવાસન, વગેરેનો સમાવેશ થાય છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
પ્રથમ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ ૨૦૧૬ માં મુંબઇમાં યોજાઇ હતી જ્યારે બીજી મેરિટાઇમ સમિટ ૨૦૨૧ માં વર્ચ્યુઅલ રીતે યોજાઇ હતી.
*****
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1968338)
Visitor Counter : 268
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam