પ્રધાનમંત્રીનું કાર્યાલય

આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છેઃ પ્રધાનમંત્રી



"અમૃત કાલનું પ્રથમ બજેટ વિકસિત ભારતની આકાંક્ષાઓ અને સંકલ્પો માટે મજબૂત પાયો નાખે છે"

"આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છે"

"પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન એટલે કે પીએમ વિકાસ કરોડો વિશ્વકર્માઓનાં જીવનમાં મોટું પરિવર્તન લાવશે"

"આ બજેટ સહકારી મંડળીઓને ગ્રામીણ અર્થતંત્રના વિકાસનો આધાર બનાવશે"

"ડિજિટલ ચૂકવણીની સફળતાને આપણે કૃષિ ક્ષેત્રમાં પણ લાગુ કરવી જ પડશે"

"આ બજેટ ગ્રીન ગ્રોથ, ગ્રીન ઇકોનોમી, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન જૉબ્સ ફોર અ સસ્ટેઇનેબલ ફ્યુચર માટે અભૂતપૂર્વ વિસ્તરણ આપશે"

"માળખાગત સુવિધા પર 10 લાખ કરોડનું અભૂતપૂર્વ રોકાણ, જે ભારતના વિકાસને નવી ઊર્જા અને ગતિ પૂરી પાડશે"

"મધ્યમ વર્ગ વર્ષ 2047નાં સ્વપ્નો સાકાર કરવાં માટે એક મોટું બળ છે. અમારી સરકાર હંમેશા મધ્યમ વર્ગની સાથે રહી છે"

Posted On: 01 FEB 2023 3:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે, ભારતના અમૃત કાલનાં પ્રથમ અંદાજપત્રે વિકસિત ભારતની આકાંક્ષાઓ અને સંકલ્પોને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો સ્થાપિત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છે અને આકાંક્ષી સમાજ, ગરીબો, ગામડાઓ અને મધ્યમ વર્ગનાં સ્વપ્નોને સાકાર કરવા પ્રયાસરત છે.

તેમણે નાણાં મંત્રી અને તેમની ટીમને આ ઐતિહાસિક બજેટ માટે અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ સુથાર, લોહર (લુહાર), સુનાર (સુવર્ણકારો), કુમ્હાર (કુંભાર), શિલ્પકારો અને અન્ય ઘણાં જેવા પરંપરાગત કારીગરોને દેશના સર્જક ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ લોકોની મહેનત અને સર્જનને બિરદાવવા રૂપે દેશમાં પ્રથમ વખત ઘણી યોજનાઓ લાવવામાં આવી છે. તેમના માટે ટ્રેનિંગ, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન એટલે કે પીએમ વિકાસ કરોડો વિશ્વકર્માઓનાં જીવનમાં મોટો ફેરફાર લાવશે," એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

શહેરોમાં રહેતી મહિલાઓથી લઈને ગામડાંઓ સુધી, રોજગારીથી લઈને ગૃહિણીઓ સુધી, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકારે જલ જીવન મિશન, ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે જેવાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે, જે મહિલાઓનાં કલ્યાણને વધારે સશક્ત બનાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો મહિલા સ્વસહાય જૂથો, જે અત્યંત સંભવિતતા ધરાવતું ક્ષેત્ર છે, તેને વધારે મજબૂત કરવામાં આવે તો ચમત્કારો થઈ શકે છે. નવાં બજેટમાં મહિલાઓ માટે નવી વિશેષ બચત યોજના શરૂ કરવાની સાથે મહિલા સ્વસહાય જૂથોમાં એક નવું પરિમાણ ઉમેરવામાં આવ્યું છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી સામાન્ય પરિવારોની ખાસ કરીને ગૃહિણી મહિલાઓને મજબૂત કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ બજેટ સહકારી મંડળીઓને ગ્રામીણ અર્થતંત્રના વિકાસનો પાયો બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમ બનાવી છે. બજેટમાં નવી પ્રાથમિક સહકારી મંડળી બનાવવાની મહત્વાકાંક્ષી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. આનાથી ખેતીની સાથે દૂધ અને માછલી ઉત્પાદનનાં ક્ષેત્રનો વિસ્તાર વધશે, ખેડૂતો, પશુપાલન અને માછીમારોને તેમનાં ઉત્પાદનના સારા ભાવ મળશે.

ડિજિટલ પેમેન્ટની સફળતાનું પુનરાવર્તન કૃષિ ક્ષેત્રમાં કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ બજેટ ડિજિટલ કૃષિ માળખા માટે મોટી યોજના સાથે આવ્યું છે.

તેમણે માહિતી આપી હતી કે વિશ્વ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ ઉજવી રહ્યું છે અને નોંધ્યું હતું કે ભારતમાં અનેક પ્રકારનું જાડું ધાન્ય છે જેનાં અનેક નામો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વનાં ઘરોમાં બાજરી પહોંચે છે, ત્યારે તેને વિશેષ માન્યતા આપવી જરૂરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આ સુપરફૂડને શ્રી-અન્નાની નવી ઓળખ આપવામાં આવી છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના નાગરિકો માટે સ્વસ્થ જીવનની સાથે સાથે દેશના નાના ખેડૂતો અને આદિવાસી ખેડૂતોને આર્થિક ટેકો પણ મળશે.

શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ બજેટ ગ્રીન ગ્રોથ, ગ્રીન ઇકોનોમી, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન જૉબ્સ ફોર અ સસ્ટેઇનેબલ ફ્યુચરને અભૂતપૂર્વ વિસ્તરણ આપશે. "બજેટમાં, અમે ટેકનોલોજી અને નવી અર્થવ્યવસ્થા પર ઘણો ભાર મૂક્યો છે. આજનું મહત્વાકાંક્ષી ભારત માર્ગ, રેલ, મેટ્રો, બંદર અને જળમાર્ગો જેવાં દરેક ક્ષેત્રમાં આધુનિક માળખાગત સુવિધાઓ ઇચ્છે છે. વર્ષ 2014ની સરખામણીમાં માળખાગત સુવિધામાં રોકાણમાં 400 ટકાથી વધારેનો વધારો થયો છે." પ્રધાનમંત્રીએ ભાર મૂકતા કહ્યું હતું કે, માળખાગત સુવિધા પર 10 લાખ કરોડનું અભૂતપૂર્વ રોકાણ ભારતના વિકાસને નવી ઊર્જા અને ગતિ પ્રદાન કરશે. તેમણે માહિતી આપી હતી કે, આ રોકાણોથી યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે, જેથી મોટી વસતિને આવકની નવી તકો ઉપલબ્ધ થશે.

પ્રધાનમંત્રીએ ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ- વેપારવાણિજ્ય સરળ કરવા વિશે પણ વાત કરી હતી, જેને ઉદ્યોગો માટે ધિરાણ સહાય અને સુધારાનાં અભિયાન મારફતે આગળ વધારવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "એમએસએમઇ માટે રૂ. 2 લાખ કરોડની વધારાની લોનની ગૅરન્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે." તેમણે જણાવ્યું હતું કે, પ્રિઝમ્પ્ટિવ ટેક્સની મર્યાદામાં વધારો કરવાથી એમએસએમઇને વૃદ્ધિ કરવામાં મદદ મળશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, મોટી કંપનીઓ દ્વારા એમએસએમઇને સમયસર ચુકવણી માટે નવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2047નાં સ્વપ્નોને સાકાર કરવામાં મધ્યમ વર્ગની સંભવિતતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, મધ્યમ વર્ગને સશક્ત બનાવવા માટે સરકારે છેલ્લાં વર્ષોમાં ઘણાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેણે ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતાને સુનિશ્ચિત કરી છે. તેમણે કરવેરાનાં દરોમાં ઘટાડાની સાથે-સાથે પ્રક્રિયાઓને સરળ બનાવવા, પારદર્શકતા અને ઝડપી બનાવવા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "અમારી સરકાર કે જે હંમેશાં મધ્યમ વર્ગની સાથે ઊભી છે, તેણે તેમને કરવેરામાં મોટી રાહત આપી છે."

YP/GP/JD



(Release ID: 1895564) Visitor Counter : 203