નાણા મંત્રાલય

આર્થિક સર્વેક્ષણ 2022-23: મુખ્ય અંશો


ભારતીય અર્થતંત્રએ FY 23માં મહામારી પૂર્વેના વિકાસના માર્ગ પર જવા માટે, તમામ ક્ષેત્રોમાં વ્યાપક આધારિત રિકવરીની તૈયારી કરી છે

નવેમ્બર 2022માં છૂટક ફુગાવાનો દર RBIની લક્ષ્‍ય શ્રેણીમાં પાછો આવી ગયો છે

એપ્રિલ-નવેમ્બર 2022ના સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ કરની વસૂલાત ઉત્સાહપૂર્ણ રહી છે

શહેરી બેરોજગારીના ઘટતા દર અને કર્મચારી ભવિષ્ય નિધિમાં ઝડપી ચોખ્ખી નોંધણીમાં થયેલી વૃદ્ધિમાં રોજગારી સર્જન વધ્યું હોવાનું જોવા મળે છે

તકો, કાર્યક્ષમતા અને ઇઝ ઓફ લિવિંગ, વિશ્વાસ આધારિત શાસન, કૃષિ ઉત્પાદકતામાં વૃદ્ધિ કરવા અને વિકાસમાં સહ-ભાગીદાર તરીકે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે જાહેર માલસામાનનું નિર્માણ એ સરકારની સુધારા સંબંધિત ધ્યાનમાં રાખેલી બાબત છે

ચોખ્ખી બેલેન્સ શીટને કારણે નાણાકીય સંસ્થાઓ દ્વારા ધિરાણમાં વધારો થયો

ક્રેડિટ ઑફટેકમાં વૃદ્ધિ, સદ્ગુણી રોકાણ ચક્ર શરૂ કરવા માટે ખાનગી મૂડીમાં વૃદ્ધિ થઇ

એપ્રિલ 2022 થી અનુસૂચિત વાણિજ્યિક બેંકો દ્વારા બિન-ખાદ્ય ક્રેડિટ ઑફટેકમાં બે આંકડામાં વધારો થઇ રહ્યો છે

SCBની કુલ નોન-પર્ફોર્મિંગ સંપત્તિ (GNPA)નો રેશિયો ઘટીને 5.0 થયો તે સાત વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે

સામાજિક ક્ષેત્રનો ખર્ચ (કેન્દ્ર અને રાજ્યોનો સંયુક્ત) FY23 (BE)માં વધીને રૂ. 21.3 લાખ કરોડ થયો છે જે FY16 માં રૂ. 9.1 લાખ કરોડ હતો

આરોગ્ય ક્ષેત્ર પર કેન્દ્ર અને રાજ્ય સરકારનો અંદાજપત્રીય ખર્ચ FY23 (BE)માં GDPના 2.1% છે અને FY22 (RE)માં 2.2% હતો જે FY21માં 1.6% હતો

કોવિડ રસીના 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

આ સર્વેક્ષણે બહુપરીમાણીય ગરીબી સૂચકાંક પર UNDPના 2022ના અહેવાલના તારણો પર પ્રકાશ પાડ્યો છે જેમાં કહ્યું છે કે ભારતમાં 2005-06 અને 2019-20 વચ્ચે 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે

ભારતે 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નેટ ઝીરો સંકલ્પ જાહેર કર્યો

એક જન ચળવળ LiFE- પર્યાવરણ માટે જીવનશૈલીનો આરંભ કરવામાં આવ્યો છે

2047 સુધીમાં ભારતને ઉર્જા સ્વતંત્ર બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન

2020-21માં કૃષિમાં ખાનગી રોકાણ વધીને 9.3% થયું છે

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લગભગ 81.4 કરોડ લાભાર્થીઓને એક વર્ષ માટે મફત અનાજ

એપ્રિલ-જુલાઇ 2022-23 ચુકવણી ચક્રમાં લગભગ 11.3 કરોડ ખેડૂતોને પીએમ કિસાન હેઠળ આવરી લેવામાં આવ્યા હતા

આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ પહેલ દ્વારા બાજરીને પ્રોત્સાહન આપવા માટે ભારત અગ્રેસર છે

FY22 માં PLI યોજનાઓ હેઠળ ₹47,500 કરોડનું રોકાણ - વર્ષ માટે નિર્ધારિત લક્ષ્યના 106% રોકાણ

2025 સુધીમાં ભારતનું ઇ-કોમર્સ બજાર વાર્ષિક 18 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે

એપ્રિલ-ડિસેમ્બર 2022 માટે US$ 332.8 બિલિયનની વ્યાપારી નિકાસ

2022માં ભારત વૈશ્વિક સ્તરે US$ 100 બિલિયન પ્રાપ્ત કરનાર રેમિટન્સનો સૌથી મોટો પ્રાપ્તકર્તા છે

પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સમગ્ર મંત્રાલયો/વિભાગોમાં સંકલિત આયોજન અને સિંક્રનાઇઝ્ડ અમલીકરણ માટે વ્યાપક ડેટાબેઝ તૈયાર કરે છે

2019-2022 ની વચ્ચે UPI-આધારિત વ્યવહારો મૂલ્ય (121 ટકા) અને જથ્થા (115 ટકા)ના સંદર્ભમાં વધ્યા છે, જેણે તેની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ માટે માર્ગ મોકળો કર્યો છે

Posted On: 31 JAN 2023 1:59PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી, શ્રીમતી. નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કર્યો હતો. સર્વેક્ષણના મુખ્ય અંશો નીચે મુજબ છે.

અર્થતંત્રની સ્થિતિ 2022-23: રિકવરી પૂરી થઇ

 

 • મહામારીના કારણે આવેલું સંકોચન, રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ અને ફુગાવામાંથી રિકવરી પ્રાપ્ત કરીને, ભારતીય અર્થવ્યવસ્થા FY 23 માં મહામારી પૂર્વેના વિકાસના માર્ગ પર ચઢવા માટે, તમામ ક્ષેત્રોમાં વ્યાપક આધારિત રિકવરી કરી રહી છે.
 • FY24માં ભારતની GDP વૃદ્ધિ મજબૂત રહેવાનું અનુમાન છે. FY24 માટે GDP 6-6.8% ની રેન્જમાં રહેવાનું અનુમાન છે.
 • FY 15 થી H1 માં ખાનગી વપરાશ સૌથી વધુ છે અને તેના કારણે ઉત્પાદન પ્રવૃત્તિને વેગ મળ્યો છે જેના પરિણામ સ્વરૂપે તમામ ક્ષેત્રોમાં ક્ષમતાના ઉપયોગમાં વધારો થયો છે.
 • કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ અને કોર્પોરેટ્સની બેલેન્સ શીટને મજબૂત બન્યા હોવાથી તેના પગલે ખાનગી કેપેક્સમાં ક્રાઉડિંગ એ વર્તમાન વર્ષમાં ભારતીય અર્થતંત્રના વિકાસના ચાલક પૈકી એક પરિબળ છે.
 • જાન્યુઆરી-નવેમ્બર 2022 દરમિયાન MSME ક્ષેત્રમાં ધિરાણની વૃદ્ધિ સરેરાશ 30.6 ટકાથી વધુ જોવા મળી છે.
 • નવેમ્બર 2022માં છૂટક ફુગાવો RBIની લક્ષ્‍ય શ્રેણીમાં પાછો આવી ગયો છે.
 • એપ્રિલ-ડિસેમ્બર 2022માં અન્ય ઊભરતાં બજાર અર્થતંત્રોની સરખામણીમાં ભારતીય રૂપિયાએ સારું પ્રદર્શન બતાવ્યું છે.
 • એપ્રિલ-નવેમ્બર 2022ના સમયગાળા માટે પ્રત્યક્ષ કરનું કલેક્શન (વસુલાત) ઉત્સાહજનક રહ્યું છે.
 • શહેરી બેરોજગારીની સંખ્યામાં ઘટતા દર અને કર્મચારી ભવિષ્ય નિધિમાં ઝડપથી ચોખ્ખી નોંધણીમાં થઇ રહેલી વૃદ્ધિ રોજગાર સર્જન ઉન્નત પ્રમાણમાં હોવાનું બતાવે છે.
 • જાહેર ડિજિટલ પ્લેટફોર્મના વિસ્તરણ અને મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં વૃદ્ધિ કરવાના પગલાંથી આર્થિક વૃદ્ધિને વેગ મળશે.

 

 

ભારતની મધ્યમ ગાળાની વૃદ્ધિનો અંદાજ: આશાવાદ અને આશા સાથે

 

 • ભારતીય અર્થતંત્રએ વર્ષ 2014-2022 દરમિયાન તેની એકંદર કાર્યક્ષમતામાં વધારો કરીને અર્થતંત્રની મૂળભૂત બાબતોને મજબૂત બનાવતા વ્યાપક માળખાકીય અને પ્રશાસનિક સુધારાઓ કર્યા છે.
 • ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવા પર ભાર મૂકીને, 2014 પછીના સુધારા જાહેર માલસામાન બનાવવા, વિશ્વાસ આધારિત શાસન અપનાવવા, વિકાસ માટે ખાનગી ક્ષેત્ર સાથે સહભાગીદારી અને કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવાના વ્યાપક સિદ્ધાંતો પર આધારિત રહ્યા છે.
 • 2014-2022 ના સમયગાળા દરમિયાન પણ વિતેલા વર્ષોમાં ધિરાણની તેજી અને વૈશ્વિક આંચકાના કારણે બેલેન્સ શીટ પર તણાવ જોવા મળ્યો હતો, જેના કારણે ધિરાણ વૃદ્ધિ, મૂડી નિર્માણ અને તેનાથી આ સમયગાળા દરમિયાન થતી આર્થિક વૃદ્ધિ જેવા મુખ્ય મેક્રોઇકોનોમિક ચલોને પ્રતિકૂળ અસર પડી હતી.
 • આ સ્થિતિ 1998-2002ના સમયગાળાને અનુરૂપ છે, જ્યારે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓ અર્થતંત્રમાં કામચલાઉ આંચકાને કારણે વૃદ્ધિના વળતરમાં પાછળ રહી ગયા હતા. એકવાર આ આંચકા હળવા થઇ ગયા પછી, માળખાકીય સુધારાઓએ 2003 થી વૃદ્ધિ લાભાંશ (ડિવિડન્ડ) આપ્યું હતું.
 • તેવી જ રીતે, 2022 માં મહામારીના વૈશ્વિક આંચકા અને કોમોડિટીના ભાવમાં થયેલો વધારો ઓછો થઇ જાય પછી ભારતીય અર્થતંત્ર આગામી દાયકામાં વધુ ઝડપથી વૃદ્ધિ પામવા માટે યોગ્ય છે.
 • બેન્કિંગ, નોન-બેંકિંગ અને કોર્પોરેટ ક્ષેત્રોની સુધારેલી અને સ્વસ્થ બેલેન્સ શીટની મદદથી, એક નવું ધિરાણ ચક્ર પહેલેથી જ શરૂ થઇ ગયું છે, જે વિતેલા મહિનાઓમાં બેન્ક ધિરાણમાં બે આંકડામાં થયેલી વૃદ્ધિ પરથી સ્પષ્ટ થઇ શકે છે.
 • ભારતીય અર્થતંત્રને વધુ ઔપચારિકતા, ઉચ્ચ નાણાકીય સમાવેશિતા અને ડિજિટલ ટેકનોલોજી આધારિત આર્થિક સુધારાઓ દ્વારા સર્જાયેલી આર્થિક તકોના પરિણામે કાર્યક્ષમતા લાભોથી પણ ફાયદો મેળવવાની શરૂ કર્યું છે.
 • આ પ્રકારે, સર્વેનું પ્રકરણ 2 દર્શાવે છે કે, ભારતનો વિકાસનો અંદાજ મહામારી પહેલાંના વર્ષો કરતાં વધુ સારો જણાય છે અને ભારતીય અર્થતંત્ર મધ્યમ ગાળામાં તેના સામર્થ્ય પર વૃદ્ધિ કરવા માટે તૈયાર છે.

 

 

 

રાજકોષીય વિકાસ: મહેસૂલ વૃદ્ધિ

 

 • કેન્દ્ર સરકારના ફાઇનાન્સમાં FY 23 દરમિયાન સ્થિતિસ્થાપક કામગીરી જોવા મળી છે, જે આર્થિક પ્રવૃત્તિમાં રિકવરી, પ્રત્યક્ષ કર અને GSTથી થતી આવકમાં ઉછાળો અને અંદાજપત્રમાં વાસ્તવિક ધારણાઓ દ્વારા સુગમતા દર્શાવે છે.
 • પ્રત્યક્ષ કર તેમજ વસ્તુ અને સેવા કર (GST) માં મજબૂત વૃદ્ધિને કારણે એપ્રિલથી નવેમ્બર 2022 દરમિયાન કુલ કર મહેસૂલમાં 15.5 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાઇ છે.
 • વર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન પ્રત્યક્ષ કરમાં વૃદ્ધિ તેની સંબંધિત લાંબા ગાળાની સરેરાશ કરતાં ઘણી વધારે હતી.
 • GST કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે આવકના એક મહત્વપૂર્ણ સ્રોત તરીકે સ્થિર થયો છે, જેમાં એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન GSTની વસુલાત 24.8 ટકાના દરે વાર્ષિક ધોરણે વધી છે.
 • વર્ષ દરમિયાન ઉચ્ચ આવક ખર્ચની જરૂરિયાતો હોવા છતાં મૂડી ખર્ચ (કેપિટલ એક્સપેન્ડિચર - કેપેક્સ) પર કેન્દ્ર સરકારે ભાર મૂકવાનું ચાલુ રાખ્યું છે. કેન્દ્રનો કેપેક્સ GDP (FY09 થી FY20) ના 1.7 ટકાની લાંબા ગાળાની સરેરાશથી FY22 PAમાં GDPના 2.5 ટકા સુધી એકધારો વધ્યો છે.
 • કેન્દ્રએ વ્યાજમુક્ત લોન અને ઉધાર મર્યાદામાં વધારો કરીને રાજ્ય સરકારોને પણ કેપેક્સ પર તેમના ખર્ચને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહન આપ્યું છે.
 • માર્ગો અને ધોરીમાર્ગો, રેલ્વે અને હાઉસિંગ અને શહેરી બાબતો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સઘન ક્ષેત્રો પર ભાર મૂકવાની સાથે સાથે, કેપેક્સમાં કરાયેલી વૃદ્ધિ મધ્યમ ગાળાના વિકાસ માટે મોટા પાયે સકારાત્મક અસરો ધરાવે છે.
 • સરકારની કેપેક્સ આધારિત વૃદ્ધિની વ્યૂહરચના ભારતને વૃદ્ધિ-વ્યાજ દરના તફાવતને સકારાત્મક રાખવા માટે સક્ષમ બનાવશે, જે મધ્યમ ગાળામાં GDP પર ટકાઉક્ષમ દેવા તરફ દોરી જશે.

 

 

 

નાણાકીય વ્યવસ્થાપન અને નાણાકીય મધ્યસ્થી: સારું વર્ષ રહ્યું

 • RBIએ એપ્રિલ 2022માં પોતાના નાણાકીય આકરા ચક્રનો આરંભ કર્યો હતો અને ત્યારથી રેપો રેટમાં 225 bpsનો વધારો કર્યો છે, જેના કારણે સરપ્લસ લિક્વિડિટીની સ્થિતિ સમધોરણ થઇ છે.
 • વધુ સ્પષ્ટ બેલેન્સ શીટને કારણે નાણાકીય સંસ્થાઓ દ્વારા ધિરાણમાં વધારો કરવામાં આવ્યો છે.
 • ક્રેડિટ ઑફટેકમાં વૃદ્ધિ ટકી રહેશે તેવી અપેક્ષા છે અને ખાનગી મૂડીરોકાણમાં તેજી સાથે જોડાવાથી, સદ્ગુણી રોકાણ ચક્રની શરૂઆત કરશે.
 • એપ્રિલ 2022 થી અનુસૂચિત વાણિજ્યિક બેંકો (SCB) દ્વારા બિન-ખાદ્ય ક્રેડિટ ઑફટેકમાં બે આંકડામાં વધારો થયો છે.
 • નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) દ્વારા આપવામાં આવતી ક્રેડિટ પણ વધી રહી છે.
 • SCBનો કુલ નોન-પર્ફોર્મિંગ સંપત્તિ (GNPA) રેશિયો ઘટીને 5.0 થયો છે જે સાત વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે.
 • કેપિટલ-ટુ-રિસ્ક વેઇટેડ સંપત્તિ રેશિયો (CRAR) 16.0ના સ્વસ્થ સ્તર પર રહ્યો છે.
 • FY22 માં નાદારી અને દેવાળીયાપણું (IBC) દ્વારા SCB માટે રિકવરી દર અન્ય ચેનલોની સરખામણીમાં સૌથી વધુ રહ્યો હતો.

 

કિંમતો અને ફુગાવો: ચુસ્ત-દોરડા સફળતાપૂર્વક ચાલી શક્યા

 • વર્ષ 2022 માં ત્રણથી ચાર દાયકા પછી આધુનિક વિશ્વમાં ઉચ્ચ ફુગાવો પાછો જોવા મળ્યો હતો, ત્યારે ભારત ભાવમાં વધારાને રોકી શક્યું છે.
 • જ્યારે ભારતનો છૂટક ફુગાવાનો દર એપ્રિલ 2022માં 7.8 ટકાની ટોચે પહોંચ્યો હતો, જે RBIની 6 ટકાની ઉપલી સહન કરવા યોગ્ય મર્યાદાથી ઉપર હતો, ભારતમાં લક્ષ્ય શ્રેણીના ઉપલા છેડાથી ઉપરનો ફુગાવાનો ઓવરશૂટ આખી વિશ્વમાં સૌથી નીચો હતો.
 • ભાવના સ્તરમાં વૃદ્ધિને કાબૂમાં લેવા માટે સરકારે બહુપક્ષીય અભિગમ અપનાવ્યો છે.
  • પેટ્રોલ અને ડીઝલની નિકાસ ડ્યૂટીમાં તબક્કાવાર ઘટાડો કરવામાં આવ્યો છે.
  • મુખ્ય ઇનપુટ્સ પર આયાત ડ્યૂટી શૂન્ય પર લાવવામાં આવી હતી જ્યારે આયર્ન ઓર (લોખંડનો કાચો માલ) અને કોન્સન્ટ્રેટ્સની નિકાસ પર કર 30 થી વધારીને 50 ટકા કરવામાં આવ્યો હતો.
  • 14 એપ્રિલ 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી કપાસની આયાત પરની કસ્ટમ ડ્યૂટી માફ કરવામાં આવી હતી.
  • HS કોડ 1101 હેઠળ ઘઉંના ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ અને ચોખા પર નિકાસ જકાતનો અમલ કરવામાં આવ્યો હતો.
  • કાચા અને રિફાઇન કરેલા પામ ઓઇલ, કાચા સોયાબીન તેલ અને કાચા સૂર્યમૂખીના તેલ પરની મૂળભૂત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો.
 • RBI દ્વારા ફોરવર્ડ ગાઇડન્સ અને રિસ્પોન્સિવ મોનેટરી પોલિસી દ્વારા ફુગાવાની અપેક્ષાઓનું એન્કરિંગ દેશમાં ફુગાવાના માર્ગને માર્ગદર્શન આપવામાં મદદ કરે છે.
 • વર્તમાન નાણાકીય વર્ષમાં વ્યવસાયો અને પરિવારો બંને દ્વારા એક વર્ષ આગળની ફુગાવાની અપેક્ષાઓ હળવી થઇ છે.
 • સરકાર દ્વારા આવાસ ક્ષેત્રમાં સમયસર નીતિગત હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે, સાથે જ હોમ લોનના નીચા વ્યાજ દરો સાથે માંગમાં વધારો થયો છે અને નાણાકીય વર્ષ 23 માં પરવડે તેવા સેગમેન્ટમાં ખરીદદારોને વધુ સરળતાથી આકર્ષી શકાયા છે.
 • કમ્પોઝિટ આવાસ ભાવ સૂચકાંક (HPI) મૂલ્યાંકન અને આવાસ ભાવ સૂચકાંક બજાર ભાવમાં એકંદરે વધારો થયો હોવાથી આવાસ ફાઇનાન્સ ક્ષેત્રમાં પુનરુત્કર્ષ થયો હોવાનું સૂચિત થાય છે. HPIમાં સ્થિરથી મધ્યમ વધારો પણ મકાનમાલિકો અને હોમ લોન ફાઇનાન્સરોને સંપત્તિના જાળવી રાખેલા મૂલ્યના સંદર્ભમાં વિશ્વાસ પ્રદાન કરે છે.
 • ભારતનું ફુગાવાનું વ્યવસ્થાપન વિશેષરૂપે નોંધનીય રહ્યું છે અને તે પ્રગત અર્થતંત્રો સાથે વિરોધાભાસી હોઇ શકે છે, જેઓ હજુ પણ સ્ટીકી ફુગાવાના દરો સાથે ઝઝૂમી રહ્યાં છે.

 

સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર: મોટા તંબુ

 • સામાજિક ક્ષેત્રે સરકારી ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
 • આરોગ્ય ક્ષેત્ર પર કેન્દ્ર અને રાજ્ય સરકારનો અંદાજપત્રીય ખર્ચ FY23 (BE) માં GDP ના 2.1% અને FY22 (RE) માં 2.2% સુધી પહોંચી ગયો હતો જે FY21 માં 1.6% હતો.
 • સામાજિક ક્ષેત્રનો ખર્ચ FY23 (BE) માં વધીને રૂ. 21.3 લાખ કરોડ થઇ ગયો છે જે FY16 માં રૂ. 9.1 લાખ કરોડ હતો.
 • આ સર્વે બહુપરીમાણીય ગરીબી સૂચકાંક પર UNDPના 2022ના અહેવાલના તારણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે, 2005-06 થી 2019-20 વચ્ચે ભારતમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
 • મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ સુશાસન માટેના નમૂના તરીકે ઉભરી આવ્યો છે, જે ખાસ કરીને દૂરના અને દુર્ગમ વિસ્તારોમાં સફળતા દર્શાવે છે.
 • અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા માટે eShram (ઇ-શ્રમ) પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે, જે આધાર સાથે ચકાસણી કરાયેલું છે. 31 ડિસેમ્બર 2022 સુધીમાં, ઇ-શ્રમ પોર્ટલ પર કુલ 28.5 કરોડથી વધુ અસંગઠિત કામદારો નોંધાયેલા છે.
 • JAM (જન-ધન, આધાર અને મોબાઇલ) ટ્રિનિટી સાથે DBTની શક્તિ જોડાઇ જવાથી, સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગોને ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં લાવી શકાયા છે, જેનાથી લોકોનું સશક્તિકરણ કરીને પારદર્શક અને જવાબદાર શાસનના માર્ગમાં ક્રાંતિ લાવી શકાઇ છે.
 • આધારે Co-WIN પ્લેટફોર્મ તૈયાર કરવામાં અને 2 બિલિયનથી વધુ રસીના ડોઝના પારદર્શક રીતે આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 • શ્રમ બજારો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં કોવિડ પહેલાના સ્તરોથી વધુ રિકવર થયા છે, જેમાં બેરોજગારીનો દર 2018-19માં 5.8 ટકાથી ઘટીને 2020-21માં 4.2 ટકા થયો છે.
 • FY 22 માં શાળાઓમાં કુલ નોંધણી રેશિયો (GER) માં સુધારો અને લૈંગિક સમાનતામાં સુધારો જોવા મળ્યો છે. 6 થી 10 વર્ષની વયની વસ્તીની ટકાવારી તરીકે ધોરણ 1 થી 5 માં પ્રાથમિક-નોંધણીમાં GER - FY22 માં છોકરીઓ તેમજ છોકરાઓ માટે સુધારો થયો છે.
 • સરકાર દ્વારા આરોગ્ય સંબંધિત લેવામાં આવેલા અનેક પગલાંને કારણે, કુલ આરોગ્ય ખર્ચની ટકાવારી તરીકે ખિસ્સા બહારનો ખર્ચ FY14 માં 64.2% હતો તે હવે ઘટીને FY19 માં 48.2% થઇ ગયો છે.
 • શિશુ મૃત્યુ દર (IMR), પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર (U5MR) અને નવજાત મૃત્યુદર (NMR) એકધારો ઘટી રહ્યો હોવાનું જોવા મળે છે.
 • 06 જાન્યુઆરી, 2023 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ રસીના 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
 • 04 જાન્યુઆરી, 2023 સુધીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ લગભગ 22 કરોડ લાભાર્થીઓની ચકાસણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત હેઠળ સમગ્ર દેશમાં 1.54 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો કાર્યરત થઇ ગયા છે.

આબોહવા પરિવર્તન અને પર્યાવરણ: ભવિષ્યનો સામનો કરવાની તૈયારી

 • ભારતે 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નેટ ઝીરો સંકલ્પ જાહેર કર્યો છે.
 • ભારતે 2030 પહેલા બિન-અશ્મિભૂત ઇંધણમાંથી 40 ટકા સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.
 • 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી સ્થાપિત ક્ષમતા 500 GW કરતાં વધુ થવાની સંભાવના છે જેના પરિણામે 2014-15ની સરખામણીમાં 2029-30 સુધીમાં સરેરાશ ઉત્સર્જન દર લગભગ 29% જેટલો ઘટી જશે.
 • ભારત 2030 સુધીમાં તેના GDPના ઉત્સર્જનની તીવ્રતામાં 2005ના સ્તરની સરખામણીએ 45% ઘટાડો કરશે.
 • 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા સંસાધનોમાંથી લગભગ 50% સંચિત ઇલેક્ટ્રિક પાવરની સ્થાપિત ક્ષમતા છે.
 • એક જન ચળવળ LiFE- પર્યાવરણ માટે જીવનશૈલી શરૂ કરવામાં આવી છે.
 • નવેમ્બર 2022માં સોવરિન ગ્રીન બોન્ડ ફ્રેમવર્ક (SGrBs) બહાર પાડવામાં આવ્યા હતા
 • RBI દ્વારા ₹4,000 કરોડના સોવરિન ગ્રીન બોન્ડ્સ (SGrB)ના બે તબક્કાની હરાજી કરવામાં આવી છે.
 • 2047 સુધીમાં ભારતને ઉર્જા સ્વતંત્ર બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હાથ ધરવામાં આવ્યું છે.
 • 2030 સુધીમાં દર વર્ષે ઓછામાં ઓછા 5 MMT (મિલિયન મેટ્રિક ટન)ની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા તૈયાર કરવામાં આવશે. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ₹1 લાખ કરોડથી વધુ અશ્મિભૂત ઇંધણની આયાતમાં સંચિત ઘટાડો કરાશે અને 2030 સુધીમાં 6 લાખ નોકરીઓનું સર્જન થશે. 2030 સુધીમાં અક્ષય ઉર્જા (નવીનીકણીય ઉર્જા)ની ક્ષમતામાં લગભગ 125 GW નો ઉમેરો અને વાર્ષિક GHG ઉત્સર્જનમાં લગભગ 50 MMT ઘટાડો.
 • આ સર્વેક્ષણ આબોહવાની ચિંતાઓનો ઉકેલ લાવવા માટે અને દીર્ઘકાલિન વિકાસને પ્રોત્સાહન આપવા માટે NAP ઓન CC હેઠળ આઠ મિશન પરની પ્રગતિ પર પ્રકાશ પાડે છે.
 • ઓક્ટોબર 2022માં રાષ્ટ્રીય સૌર મિશન હેઠળની એક મુખ્ય મેટ્રિક, સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા 61.6 GW હતી.
 • ભારત અક્ષય ઉર્જા માટેનું મનપસંદ સ્થળ બની રહ્યું છે; 7 વર્ષમાં USD 78.1 બિલિયન રોકાણ છે.
 • રાષ્ટ્રીય ટકાઉક્ષમ વસાહત મિશન હેઠળ 62.8 લાખ વ્યક્તિગત પારિવારિક શૌચાલય અને 6.2 લાખ સામુદાયિક તેમજ જાહેર શૌચાલય (ઑગસ્ટ 2022) બનાવવામાં આવ્યા છે.

 

 

 

 

કૃષિ અને ખાદ્ય વ્યવસ્થાપન

 • છેલ્લા ઘણા વર્ષોમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે, જેમાંથી મોટા ભાગનું પ્રદર્શન સરકાર દ્વારા પાક અને પશુધન ઉત્પાદકતામાં વૃદ્ધિ, ટેકાના ભાવ દ્વારા ખેડૂતોને વળતરની નિશ્ચિંતતાની ખાતરી કરવી, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન, ખેડૂત ઉત્પાદક સંગઠનોની સ્થાપના અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દ્વારા માળખાકીય સુવિધાઓમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે પ્રદાન કરવામાં આવેલ પ્રોત્સાહન દ્વારા બજારના માળખામાં સુધારો કરવો વગેરે માટે લેવામાં આવેલા પગલાંના પરિણામરૂપે છે.
 • 2020-21માં કૃષિમાં ખાનગી રોકાણ વધીને 9.3% થયું છે.
 • તમામ ફરજિયાત પાકો માટે MSP, 2018 થી સમગ્ર ભારતના ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના 1.5 ગણા પર નિર્ધારિત છે.
 • કૃષિ ક્ષેત્રને સંસ્થાકીય ધિરાણ 2021-22માં 18.6 લાખ કરોડ સુધી વધવાનું ચાલુ રહ્યું છે.
 • ભારતમાં ખાદ્યાન્નના ઉત્પાદનમાં સતત વધારો જોવા મળ્યો અને 2021-22માં 315.7 મિલિયન ટન રહ્યો હતો.
 • 1 જાન્યુઆરી, 2023 થી એક વર્ષ માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લગભગ 81.4 કરોડ લાભાર્થીઓને મફત અનાજની જોગવાઇ.
 • એપ્રિલ-જુલાઇ 2022-23 ચુકવણી ચક્રમાં લગભગ 11.3 કરોડ ખેડૂતોને યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
 • કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ લણણી પછી સહકાર અને સામુદાયિક ફાર્મ માટે રૂ. 13,681 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
 • રાષ્ટ્રીય કૃષિ બજાર (e-NAM) યોજના હેઠળ 1.74 કરોડ ખેડૂતો અને 2.39 લાખ વેપારીઓ સાથે ઑનલાઇન, સ્પર્ધાત્મક, પારદર્શક બિડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
 • પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) દ્વારા સજીવ ખેતી (પ્રાકૃતિક ખેતી)ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
 • આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ પહેલ દ્વારા બાજરીને પ્રોત્સાહન આપવા માટે ભારત અગ્રેસર છે.

ઉદ્યોગ: એકધારી રિકવરી

 • ઔદ્યોગિક ક્ષેત્ર (FY 22-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે) દ્વારા એકંદર કુલ મૂલ્ય વર્ધિત (GVA)માં 3.7 ટકાનો વધારો થયો છે, જે છેલ્લા દાયકાના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પ્રાપ્ત કરેલ 2.8 ટકાની સરેરાશ વૃદ્ધિ કરતાં વધુ છે.
 • ખાનગી અંતિમ વપરાશ ખર્ચમાં મજબૂત વૃદ્ધિ, વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન નિકાસ ઉત્તેજના, વધુ સારું જાહેર મૂડીરોકાણ અને મજબૂત બેંક તેમજ કોર્પોરેટ બેલેન્સ શીટને કારણે મૂડીરોકાણની માંગમાં વધારો, ઔદ્યોગિક વિકાસ માટે માંગ ઉત્તેજના પૂરી પાડે છે.
 • માંગ ઉત્તેજના માટે ઉદ્યોગનો પુરવઠો પ્રતિસાદ મજબૂત રહ્યો છે.
 • જુલાઇ 2021 થી 18 મહિના સુધી PMI મેન્યુફેક્ચરિંગ વિસ્તરણ ઝોનમાં રહ્યું છે અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)માં સ્વસ્થ ગતિએ વધારો થયો છે.
 • જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (MSME)ને ધિરાણ સરેરાશ 30% વધ્યું છે અને ઓક્ટોબર 2022 થી અત્યાર સુધીમાં મોટા ઉદ્યોગોને ધિરાણ બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે.
 • ઇલેક્ટ્રોનિક્સની નિકાસ લગભગ ત્રણ ગણી વધી છે, જે FY19માં US $4.4 બિલિયન હતી તે વધીને FY22માં US $11.6 બિલિયન થઇ ગઇ છે.
 • ભારત સમગ્ર દુનિયામાં મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગમાં બીજું સૌથી મોટું સ્થાન બની ગયું છે, જેમાં હેન્ડસેટનું ઉત્પાદન FY15માં 6 કરોડ યુનિટ હતું તે વધીને FY21માં 29 કરોડ યુનિટ થઇ ગયું છે.
 • ફાર્મા ઉદ્યોગમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)નો પ્રવાહ ચાર ગણો વધ્યો છે જે FY19માં US $180 મિલિયન હતો તે વધીને FY22માં US $699 મિલિયન થયો છે.
 • ભારતને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં જોડવા માટે આગામી પાંચ વર્ષમાં ₹4 લાખ કરોડના અંદાજિત મૂડીરોકાણ સાથે 14 શ્રેણીઓમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (PLI) યોજનાઓ શરૂ કરવામાં આવી છે. FY22માં PLI યોજનાઓ હેઠળ ₹47,500 કરોડનું રોકાણ જોવા મળ્યું છે, જે વર્ષ માટે નિર્ધારિત લક્ષ્યના 106% છે. PLI યોજનાઓને કારણે ₹3.85 લાખ કરોડનું ઉત્પાદન/વેચાણ અને 3.0 લાખનું રોજગાર સર્જન નોંધાયું છે.
 • જાન્યુઆરી 2023 સુધીમાં 39,000 થી વધુ અનુપાલન ઘટાડવામાં આવ્યા છે અને 3500 થી વધુ જોગવાઇઓને અપરાધિકૃત કરવામાં આવી છે.

 

સેવાઓ: શક્તિનો સ્રોત

 • FY23 માં સેવા ક્ષેત્રમાં 9.1% ના દરે વૃદ્ધિ જોવા મળે તેવી અપેક્ષા છે, જે FY22 માં 8.4% (YoY) નોંધાઇ હતી.
 • જુલાઇ 2022 થી સેવા ક્ષેત્રની પ્રવૃત્તિના સૂચક, PMI સેવાઓમાં મજબૂત વિસ્તરણ જોવા મળ્યું.
 • ભારત 2021 માં ટોચના દસ સેવાઓ નિકાસ કરનારા દેશોમાં સ્થાન પામ્પ્યું હતું, જેમાં સમગ્ર વિશ્વમાં વ્યાપારી સેવાઓની નિકાસમાં તેનો હિસ્સો 2015 માં 3 ટકા હતો તે વધીને 2021 માં 4 ટકા થયો છે.
 • ભારતની સેવાઓની નિકાસ કોવિડ-19 મહામારી દરમિયાન ટકી શકે તેવી રહી અને ડિજિટલ સહકાર, ક્લાઉડ સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણની ઊંચી માંગને કારણે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિતિસ્થાપક રહી હતી.
 • જુલાઇ 2022 થી સેવા ક્ષેત્રમાં ધિરાણ 16%  કરતાં વધુ વધ્યું છે.
 • FY 22 માં સેવા ક્ષેત્રમાં US$ 7.1 બિલિયન FDI ઇક્વિટી પ્રવાહ આવ્યો.
 • FY 23માં સંપર્ક-સઘન સેવાઓ મહામારી પહેલાંના સ્તરના વૃદ્ધિ દર સુધી ફરીથી પહોંચવા માટે તૈયાર છે.
 • 2021 અને 2022 ની વચ્ચે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સતત વૃદ્ધિ 50% ના વધારા સાથે હાઉસિંગ વેચાણને મહામારી પહેલાના સ્તરે લઇ જઇ રહી છે.
 • હોટેલ ઓક્યુપન્સી દર એપ્રિલ 2021માં 30-32% હતો તે વધીને નવેમ્બર 2022માં 68-70% થયો છે.
 • FY23 માં સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો ફરી આરંભ અને કોવિડ-19 નિયમોમાં સરળતાની મદદથી ભારતમાં વિદેશી પ્રવાસીઓનું આગમન માસિક ધોરણે વધી રહ્યું છે જે પ્રવાસન ક્ષેત્ર ફરી બેઠું થઇ રહ્યું હોવાના સંકેતો બતાવે છે.
 • ડિજિટલ પ્લેટફોર્મ ભારતની નાણાકીય સેવાઓમાં પરિવર્તન લાવી રહ્યાં છે.
 • 2025 સુધીમાં ભારતનું ઇ-કોમર્સ બજાર વાર્ષિક 18 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે.

બાહ્ય ક્ષેત્ર

 • એપ્રિલ-ડિસેમ્બર 2022 માટે વ્યાપારી નિકાસ US$ 332.8 બિલિયન હતી.
 • ભારતે તેના બજારોમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા તેમજ સાઉદી અરેબિયામાં તેની નિકાસ વધારી છે.
 • 2022 માં બજારનું કદ વધારવા અને વધુ સારી રીતે પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે, UAE સાથે CEPA અને ઑસ્ટ્રેલિયા સાથે ECTA અમલ કરવામાં આવ્યો છે.
 • ભારતે 2022 માં US$ 100 બિલિયન મેળવીને વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ રહ્યો છે. સેવા નિકાસ પછી રેમિટન્સ એ બાહ્ય ધિરાણનો બીજો સૌથી મોટો સ્રોત છે.
 • ડિસેમ્બર 2022 સુધીમાં, વિદેશી હુંડિયામણ US$ 563 બિલિયન હતું જેમાં 9.3 મહિનાની આયાતને આવરી લીધી છે.
 • નવેમ્બર 2022 ના અંત સુધીમાં, ભારત વિશ્વમાં છઠ્ઠું સૌથી મોટું વિદેશી હુંડિયામણ રિઝર્વ ધરાવનાર દેશ છે.
 • બાહ્ય દેવાનો વર્તમાન સ્ટોક વિદેશી હુંડિયામણ રિઝર્વના અનુકૂળ સ્તર દ્વારા સારી રીતે સુરક્ષિત છે.
 • ભારત, કુલ રાષ્ટ્રીય આવકની ટકાવારી તરીકે કુલ દેવાનું સાંદર્ભિક નીચું સ્તર અને કુલ દેવાની ટકાવારી તરીકે ટૂંકા ગાળાના દેવાનું નીચું સ્તર ધરાવે છે.

 

ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે સરકારની દૂરંદેશી

 • જાહેર ખાનગી ભાગીદારી
  • 2014-15 થી 2022-23 દરમિયાન VGF યોજના હેઠળ ₹57,870.1 કરોડના કુલ પ્રોજેક્ટ ખર્ચ સાથે 56 પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
  • 03 નવેમ્બર, 2022 ના રોજ સરકાર દ્વારા FY 23-25 થી ₹150 કરોડના ખર્ચ સાથેની IIPDF યોજના સૂચિત કરવામાં આવી હતી.

 

 • રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન
  • ₹141.4 લાખ કરોડના ખર્ચના 89,151 પ્રોજેક્ટ્સ અમલીકરણના વિવિધ તબક્કાઓ હેઠળ છે
  • ₹5.5 લાખ કરોડના 1009 પ્રોજેક્ટના કામ પૂરા કરવામાં આવ્યા છે
  • પ્રોજેક્ટ માટે ફાસ્ટ-ટ્રેક મંજૂરીઓ/ક્લિઅરન્સ માટે NIP અને પ્રોજેક્ટ દેખરેખ સમૂહ (PMG) પોર્ટલ લિંકેજ

 

 • રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન
  • અંદાજિત સંચિત રોકાણની સંભાવના ₹9.0 લાખ કરોડ છે.
  • FY22માં અપેક્ષિત ₹0.8 લાખ કરોડ સામે ₹0.9 લાખ કરોડનું મુદ્રીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું.
  • FY23માં ₹1.6 લાખ કરોડ (એકંદર NMP લક્ષ્યના 27 ટકા)ના લક્ષ્યની કલ્પના કરવામાં આવી છે.

 

 • ગતિ શક્તિ
  • પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સમગ્ર મંત્રાલયો/વિભાગોમાં સંકલિત આયોજન અને સિંક્રનાઇઝ્ડ અમલીકરણ માટે વ્યાપક ડેટાબેઝ બનાવે છે.
  • તેનો ઉદ્દેશ મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે તેમજ લોકો અને માલસામાનના અવરોધરહિત આવનજાવન માટેના નિર્ણાયક અંતરાયને દૂર કરવાનો છે.

વીજળી ક્ષેત્ર અને અક્ષય ઉર્જા

 • 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં, સરકારે 16 રાજ્યોમાં 59 સોલાર પાર્ક તૈયાર કરવા માટે 40 GW ની કુલ લક્ષ્ય ક્ષમતાને મંજૂરી આપી છે.
 • FY21 દરમિયાન 15.9 લાખ GWhની સરખામણીમાં FY22 વર્ષ દરમિયાન 17.2 લાખ GWh વીજળીનું ઉત્પાદન થયું છે.
 • 31 માર્ચ 2021 સુધીમાં, કુલ સ્થાપિત વીજ ક્ષમતા (1 મેગા વોટ (MW) અને તેથી વધુની માંગ ધરાવતા ઉદ્યોગો) 460.7 GW હતી તે વધીને 31 માર્ચ 2022 ના રોજ સુધીમાં 482.2 GW થઇ ગઇ છે.

 

ભારતીય લોજિસ્ટિક્સને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવી

 • રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અંતર્ગત દેશમાં ઝડપી અને સમાવેશી વૃદ્ધિ માટે ટેકનોલોજીની દૃષ્ટિએ સક્ષમ, સંકલિત, ખર્ચ-કાર્યક્ષમ, સ્થિતિસ્થાપક, ટકાઉ અને વિશ્વસનીય લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ વિકસાવવાની કલ્પના કરવામાં આવી છે.
 • FY16 માં 6061 કિમીની સરખામણીએ FY22 માં બાંધવામાં આવેલા 10457 કિમી ધોરીમાર્ગો/રસ્તાઓની મદદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH)/માર્ગ નિર્માણમાં ઝડપી વધારો થયો છે.
 • FY 2020માં અંદાજપત્રીય ખર્ચ ₹1.4 લાખ કરોડ હતો તે વધીને FY23માં ₹2.4 લાખ કરોડ થઇ ગયો, જે મૂડી ખર્ચને નવેસરથી આગળ વધવા માટે વેગ આપે છે.
 • ઓક્ટોબર 2022 સુધીમાં 2359 કિસાન રેલ્વેએ લગભગ 7.91 લાખ ટન નાશવંત પદાર્થોનું પરિવહન કર્યું હતું.
 • 2016 માં UDAN (ઉડાન) યોજના શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં એક કરોડથી વધુ હવાઇ મુસાફરોએ તેનો લાભ લીધો છે.
 • 8 વર્ષમાં મુખ્ય બંદરોની ક્ષમતા બમણી થવાની નજીક પહોંચી ગઇ છે
 • 100 વર્ષ જૂના કાયદાના સ્થાને ઇનલેન્ડ જહાજ અધિનિયમ 2021 અમલમાં મૂકવામાં આવ્યો છે, જેથી આંતરદેશીય જળ પરિવહનને પ્રોત્સાહન આપતા જહાજોની મુશ્કેલી મુક્ત અવરજવર સુનિશ્ચિત કરી શકાય.

 

ભારતનું ડિજિટલ સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 • યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)
  • 2019-22 ની વચ્ચે UPI-આધારિત વ્યવહારો મૂલ્ય (121 ટકા) અને જથ્થા (115 ટકા)ના સંદર્ભમાં વધ્યા હતા, જેણે તેના આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ માટે માર્ગ મોકળો કર્યો છે.
 • ટેલિફોન અને રેડિયો - ડિજિટલ સશક્તિકરણ માટે
  • ભારતમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબરોની સંખ્યા 117.8 કરોડ (સપ્ટેમ્બર, 22 સુધીમાં) છે, જેમાં ગ્રામીણ ભારતમાં 44.3 ટકા સબ્સ્ક્રાઇબરો છે.
  • ટેલિફોનના સબ્સ્ક્રાઇબરોમાંથી 98 ટકાથી વધુ લોકો વાયરલેસ રીતે જોડાયેલા છે.
  • માર્ચ 2022માં, ભારતમાં એકંદરે ટેલિ-ડેન્સિટી 84.8 ટકા હતી.
  • 2015 થી 2021 સુધીમાં ગ્રામીણ ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શનમાં 200 ટકાનો વધારો થયો છે.
  • પ્રસારભારતી (ભારતનું સ્વાયત્ત જાહેર સેવા પ્રસારણકર્તા) - 479 સ્ટેશનો પરથી 23 ભાષાઓ, 179 બોલીઓમાં પ્રસારણ કરે છે. કુલ ક્ષેત્રફળમાંથી  92 ટકા અને કુલ વસ્તીના 99.1 ટકા સુધી તેની પહોંચ છે.
 • ડિજિટલ જાહેર માલસમાન
  • 2009 માં આધારની શરૂઆત થઇ ત્યારથી ઓછા ખર્ચે સુલભતા પ્રાપ્ત થઇ છે.
  • સરકારી યોજનાઓ હેઠળ, MyScheme, TrEDS, GEM, e-NAM, UMANGના કારણે માર્કેટ પ્લેસનું પરિવર્તન થયું છે અને નાગરિકો તમામ ક્ષેત્રોમાં સેવાઓનો ઉપયોગ કરવા માટે સમર્થ બની શક્યા છે.
  • એકાઉન્ટ એગ્રીગેટર હેઠળ, સંમતિ આધારિત ડેટા શેરિંગ ફ્રેમવર્ક હાલમાં 110 કરોડથી વધુ બેંક ખાતાઓમાં લાઇવ છે.
  • ઓપન ક્રેડિટ એનેબલમેન્ટ નેટવર્કનો ઉદ્દેશ્ય ધિરાણની કામગીરીનું લોકશાહીકરણ કરવાનો છે, સાથે સાથે આરંભ-થી-અંત સુધી ડિજિટલ લોન એપ્લિકેશનની અનુમતિ આપે છે
  • રાષ્ટ્રીય AI પોર્ટલે 1520 લેખો, 262 વીડિયો અને 120 સરકારી પહેલ પ્રકાશિત કરી છે અને તેને ભાષા અવરોધને દૂર કરવાના સાધન તરીકે જોવામાં આવે છે, દા.ત. 'ભાશિની'.
  • ઉન્નત વપરાશકર્તા ગોપનીયતા માટે અને મજબૂત ડેટા ગવર્નન્સને રેખાંકિત કરતા પ્રમાણભૂત, ખુલ્લા અને ઇન્ટરઓપરેબલ પ્રોટોકોલ માટે ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે કાયદાઓ લાવવામાં આવી રહ્યા છે.

YP/GP/JD(Release ID: 1895125) Visitor Counter : 2024