પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યની સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું


“સરકારે પૂર્વોત્તરના વિકાસના માર્ગમાં આવતા તમામ અવરોધોને લાલ કાર્ડ બતાવી દીધું છે”

“હવે એ દિવસો દૂર નથી રહ્યા જ્યારે ભારત આવી વર્લ્ડ કપ ટુર્નામેન્ટનું આયોજન કરશે અને દરેક ભારતીય પણ આપણી ટીમનો ઉત્સાહ વધારશે”

“વિકાસ માત્ર બજેટ, ટેન્ડરો, શિલાન્યાસ અને ઉદ્ઘાટન પૂરતો સિમિત નથી હોતો”

“આજે આપણે જે પરિવર્તનના સાક્ષી બની રહ્યાં છીએ તે આપણા ઇરાદા, સંકલ્પો, પ્રાથમિકતાઓ તેમજ આપણી કાર્ય સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનનું પરિણામ છે”

“કેન્દ્ર સરકાર આ વર્ષે માત્ર માળખાકીય સુવિધાઓ પાછળ જ 7 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે, જ્યારે 8 વર્ષ પહેલા આ ખર્ચ માત્ર 2 લાખ કરોડ રૂપિયા કરતા પણ ઓછો હતો”

“પીએમ-ડિવાઇન હેઠળ, આવનારા 3 થી 4 વર્ષ માટે 6,000 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે”

“આદિવાસી સમાજની પરંપરા, ભાષા અને સંસ્કૃતિનું જનત કરીને આદિવાસી વિસ્તારોનો વિકાસ કરવો એ સરકારની પ્રાથમિકતા છે”

“અગાઉની સરકારો પૂર્વોત્તર પ્રદેશ માટે 'ભાગલા'નો અભિગમ રાખતી હતી પરંતુ અમારી સરકાર 'ડિવાઇન' ઇરાદા સાથે આવી છે”

Posted On: 18 DEC 2022 2:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યના સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યા અને તૈયાર થઇ ગયેલી યોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. અગાઉ આજના દિવસમાં જ, પ્રધાનમંત્રીએ શિલોંગ ખાતે સ્ટેટ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી પૂર્વોત્તરીય કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી અને તેની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો.

બહુવિધ પરિયોજનાઓમાં કામ પૂરું થઇ ગયું હોય તેવા 320 અને નિર્માણાધીન હોય તેવા 890 4G મોબાઇલ ટાવર, ઉમસાવલી ખાતે IIM શિલોંગના નવા કેમ્પસ, શિલોંગ - ડિએંગપાસોહ રોડના ઉદ્ઘાટનનો સમાવેશ થાય છે. આ નવો શરૂ કરવામાં આવોલ માર્ગ નવી શિલોંગ સેટેલાઇટ ટાઉનશીપ સાથે વધુ સારી કનેક્ટિવિટી આપશે. આ ઉપરાંત, ત્રણ રાજ્યો એટલે કે, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ચાર અન્ય માર્ગ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મેઘાલયમાં મશરૂમ વિકાસ કેન્દ્ર અને સંકલિત મધમાખી ઉછેર વિકાસ કેન્દ્ર ખાતે સ્પાન લેબોરેટરી તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં 21 હિન્દી પુસ્તકાલયોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોમાં છ રોડ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો. તેમણે તુરા અને શિલોંગ ટેકનોલોજી પાર્ક ફેઝ-2 ખાતે એકીકૃત હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરનો પણ શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતન જનમેદનીને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેઘાલય રાજ્ય પ્રકૃતિ અને સંસ્કૃતિની બાબતે ખૂબ જ સમૃદ્ધ છે અને આ પ્રચૂર સમૃદ્ધિ લોકોના ઉષ્માપૂર્ણ અને સ્વાગતુપૂર્ણ સ્વભાવ દ્વારા પ્રતિબિંબિત થાય છે. તેમણે મેઘાલયના નાગરિકોને રાજ્યમાં વધુ વિકાસ માટે કનેક્ટિવિટી, શિક્ષણ, કૌશલ્ય અને રોજગાર જેવા સંખ્યાબંધ ભાવિ અને આજે નવા ઉદ્ઘાટન કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એ સંયોગ તરફ સૌનું ધ્યાન દોર્યું હતું કે, આજે જ્યારે ફૂટબોલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે તેવા સમયે અહીં એક ફૂટબોલ મેદાનમાં જ આ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, એક તરફ, ફૂટબોલની સ્પર્ધા ચાલી રહી છે, જ્યારે અહીં આપણે ફૂટબોલના મેદાનમાં જ વિકાસની સ્પર્ધામાં આગળ વધી રહ્યા છીએ. ભલે ફૂટબોલ વર્લ્ડકપનું આયોજન કતારમાં થઇ રહ્યું છે, પરંતુ અહીંના લોકોનો ઉત્સાહ પણ જરાય ઓછો નથી. સ્પોર્ટ્સમેન સ્પિરિટની વિરૂદ્ધમાં જનાર વ્યક્તિને ફૂટબોલમાં બતાવવામાં આવતા લાલ કાર્ડ સાથે સામ્યતા દર્શાવતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, સરકારે પૂર્વોત્તર પ્રદેશના વિકાસના માર્ગમાં આવતા તમામ અવરોધોને લાલ કાર્ડ બતાવી દીધું છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, “વાત ભ્રષ્ટાચારની હોય, ભેદભાવ, ભત્રીજાવાદ, હિંસાની હોય કે પછી પ્રદેશના વિકાસમાં ખલેલ ઉભી કરવા માટે વોટ-બેંકની રાજનીતિની હોય, અમે આ તમામ દૂષણોને જડમૂળથી ઉખેડવા નાખવા માટે સમર્પણ અને પ્રામાણિકતા સાથે કામ કરી રહ્યા છીએ”. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, આવા દૂષણોના મૂળ ઘણા ઊંડે સુધી હોવા છતાં, આપણે તેમાંથી દરેકને દૂર કરવાની દિશામાં કામ કરવું પડશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારના પ્રયાસોના સકારાત્મક પરિણામો પણ જોવા મળી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ રમતગમત ક્ષેત્રના વિકાસ પરના આપવામાં આવતા વિશેષ ભાર પર પ્રકાશ પાડતા, એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર એક નવા અભિગમ સાથે આગળ વધી રહી છે અને તેના લાભો પૂર્વોત્તરીય પ્રદેશોમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, પૂર્વોત્તર પ્રદેશ ભારતની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઉપરાંત, મલ્ટીપર્પઝ હોલ, ફૂટબોલ મેદાન અને એથ્લેટિક્સ ટ્રેક જેવી રમતગમત ક્ષેત્રની બહુવિધ માળખાકીય સુવિધાઓથી સજ્જ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવા નેવું પ્રોજેક્ટ પર અત્યારે કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ લોકોને ખાતરી આપતા કહ્યું હતું કે, ભલે આપણે કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડકપમાં રમી રહેલી આંતરરાષ્ટ્રીય ટીમોનું પરફોર્મન્સ જોઇ રહ્યા છીએ, પરંતુ તેમને યુવાનોની શક્તિમાં દૃઢ વિશ્વાસ છે અને વધુમાં ટિપ્પણી કરી હતી કે, હવે એ દિવસ દૂર નથી રહ્યા જ્યારે ભારત આવી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટનું આયોજન કરશે અને દરેક ભારતીય પણ તેમાં ભાગ લઇ રહેલી આપણી ટીમનો ઉત્સાહ વધારશે.

પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ ચાલુ રાખતા ઉમેર્યું હતું કે, વિકાસ માત્ર બજેટ, ટેન્ડરો, શિલાન્યાસ અને ઉદ્ઘાટન સુધી સિમિત નથી હોતો, કારણ કે, તેમણે આગળ કહ્યું હતું કે, 2014 પહેલાં પણ આવા ધોરણો હતા જ, “આજે આપણે જે પરિવર્તનના સાક્ષી બની રહ્યાં છીએ તે આપણા ઇરાદાઓ, સંકલ્પો, પ્રાથમિકતાઓ અને આપણી કાર્ય સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનનું પરિણામ છે. આના પરિણામો આપણી કામગીરીઓમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે. પ્રધાનમંત્રીએ આગળ સમજાવ્યું હતું કે, “આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક કનેક્ટિવિટી સાથે વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ છે. સબકા પ્રયાસ દ્વારા ઝડપી વિકાસના ઉદ્દેશ્ય સાથે ભારતના દરેક ક્ષેત્ર અને વિભાગને એકબીજા સાથે જોડવાનો ઇરાદો છે. વંચિતતા દૂર કરવી, એકબીજા વચ્ચેનું અંતર ઓછું કરવું, ક્ષમતા નિર્માણમાં જોડાવું અને યુવાનોને વધુ તકો આપવી, આ બધી જ પ્રાથમિકતાઓ. અને કાર્ય સંસ્કૃતિમાં આવેલું પરિવર્તન એ દર્શાવે છે કે દરેક પરિયોજના અને કાર્યક્રમ સમય મર્યાદામાં પૂર્ણ થાય. પ્રધાનમંત્રીએ એવી માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર આ વર્ષે માત્ર માળખાકીય સુવિધાઓ પાછળ જ 7 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે, જ્યારે 8 વર્ષ પહેલાં આ ખર્ચ માત્ર 2 લાખ કરોડ રૂપિયા કરતાં પણ ઓછો હતો. તેમણે એવો પણ નિર્દેશ કર્યો હતો કે, જ્યારે માળખાકીય સુવિધાઓ વધારવાની વાત આવે છે ત્યારે રાજ્યો પોતાની રીતે અંદરો-અંદર સ્પર્ધા કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરમાં હાથ ધરવામાં આવતા માળખાકીય સુવિધાઓના વિકાસના ઉદાહરણો આપતા, શિલોંગ સહિત પૂર્વોત્તરના તમામ પાટનગરોને રેલવે સેવા સાથે જોડવા અને 2014 પહેલાંની સાપ્તાહિક ધોરણે ચાલતી ફ્લાઇટ્સની સંખ્યા 900થી વધીને આજે 1900 સુધી લઇ જવાના ઝડપભેર કરવામાં આવેલા કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ઉડાન (UDAN) યોજના હેઠળ, મેઘાલયમાં 16 રૂટ પર ફ્લાઇટ્સ ઉડી રહી છે અને તેના પરિણામે મેઘાલયના લોકો માટે હવાઇ ભાડું સસ્તું થઇ ગયું છે. મેઘાલય અને પૂર્વોત્તર પ્રદેશના ખેડૂતોને મળી રહેલા લાભો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અહીં ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજી કૃષિ ઉડાન યોજના દ્વારા દેશ અને વિદેશના બજારોમાં સરળતાથી સુલભ થઇ શક્યા છે.

પ્રધાનમંત્રીએ આજે ઉદ્ઘાટન કરવામાં આવેલા કનેક્ટિવિટી સંબંધિત પ્રોજેક્ટ્સ તરફ સૌનું ધ્યાન દોર્યું હતું અને માહિતી આપી હતી કે છેલ્લા 8 વર્ષ દરમિયાન મેઘાલયમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ પાછળ રૂપિયા 5 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે છેલ્લા 8 વર્ષમાં મેઘાલયમાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ગામડાઓને જોડતા માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે તે માર્ગોની સંખ્યા અગાઉના 20 વર્ષોમાં બાંધવામાં આવ્યા હતા તેના કરતા સાત ગણી વધારે છે.

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના યુવાનો માટે વધી રહેલી ડિજિટલ કનેક્ટિવિટી વિશે વાત કરતા માહિતી આપી હતી કે, 2014ની સરખામણીમાં પૂર્વોત્તર પ્રદેશમાં અત્યારેમાં ઓપ્ટિકલ ફાઇબરનું કવરેજ 4 ગણું વધી ગયું છે અને મેઘાલયમાં 5 ગણો વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રૂપિયા 5 હજાર કરોડના ખર્ચે 6 હજાર મોબાઇલ ટાવરો અહીં ઊભા કરવામાં આવી રહ્યાં છે જેથી આ પ્રદેશના દરેક ભાગ સુધી મોબાઇલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થઇ શકે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ માળખાકીય સુવિધા મેઘાલયના યુવાનોને નવી તકો પૂરી પાડશે”. શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાના સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, IIM અને ટેકનોલોજી પાર્કની મદદથી આ પ્રદેશમાં શિક્ષણ તેમજ કમાણી કરવાની તકો વધશે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, પૂર્વોત્તર પ્રદેશમાં 150 થી વધુ એકલવ્ય શાળાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાંથી 39 તો માત્ર મેઘાલયમાં જ છે.

પ્રધાનમંત્રીએ પર્વતમાલા યોજનાનું ઉદાહરણ આપ્યું જે અંતર્ગત રોપવેનું નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે. તેમજ તેમણે પીએમ-ડિવાઇન યોજના પર પ્રકાશ પાડ્યો હતો જે મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને સરળતાથી મંજૂરી આપીને પૂર્વોત્તરના વિકાસને નવી ગતિ આપશે. તેમણે ઉમેર્યું હતું કે, “પીએમ-ડિવાઇન હેઠળ આવનારા 3 થી 4 વર્ષ માટે 6,000 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.”

અગાઉ સત્તારૂઢ સરકારો દ્વારા પૂર્વોત્તર પ્રદેશ માટે અપનાવવામાં આવેલા 'ભાગલા'ના અભિગમને પ્રતિબિંબિત કરતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, અમારી સરકાર 'ડિવાઇન' (પવિત્ર) ઇરાદાઓ સાથે આવી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, વાત વિવિધ સમુદાયોની હોય, કે પછી વિવિધ પ્રદેશોની હોય, અમે તમામ પ્રકારે ભાગલાના અભિગમને દૂર કરી રહ્યા છીએ. આજે, પૂર્વોત્તરમાં, અમે વિવાદોની સરહદો ખેંચવા પર નહીં પરંતુ વિકાસના કોરિડોર બનાવવા પર ખાસ ભાર મૂકી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં ઘણી સંસ્થાઓએ હિંસાનો માર્ગ છોડીને અહીં કાયમી શાંતિનો આશરો લીધો છે. પૂર્વોત્તરમાં AFSPAની જરૂરિયાત વિશે બોલતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, રાજ્ય સરકારોની મદદથી આ પરિસ્થિતિઓમાં નિરંતર સુધારો આવી રહ્યો છે, જ્યારે રાજ્યો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા સીમા વિવાદનો પણ ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર સરહદ પર માત્ર સરહદી વિસ્તારને હોવા બદલે સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગામ યોજના કે, જે અંતર્ગત સરહદી ગામોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ બાબતે અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, દુશ્મનોને લાભ થશે તેવા ડરના કારણે, સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટીનું વિસ્તરણ જોવા મળ્યું નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે અમે હિંમતભેર સરહદ પર નવા માર્ગો, નવી સુરંગો, નવા પુલ, નવી રેલવે લાઇન અને હવાઇ પટ્ટીઓનું નિર્માણ કરી રહ્યાં છીએ. ઉજ્જડ સરહદી ગામોને વાઇબ્રન્ટ બનાવવામાં આવી રહ્યા છે. આપણા શહેરોમાં જે ઝડપની જરૂર હોય છે તેવી ઝડપ આપણા સરહદો વિસ્તારો માટે પણ જરૂરી છે.

પ્રધાનમંત્રીએ પરમ પાવન પોપ સાથેની તેમની મુલાકાતને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, આજે માનવજાત સમક્ષ ઉભા થયેલા પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને તે પડકારોને પહોંચી વળવા માટે સંયુક્ત પ્રયાસો માટે તેઓ સર્વસંમતિ પર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે આ ભાવનાને મજબૂત કરવાની જરૂર છે.

સરકાર દ્વારા અપનાવવામાં આવેલી શાંતિ અને વિકાસની રાજનીતિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આનો સૌથી મોટો લાભાર્થી વર્ગ આપણો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની પરંપરા, ભાષા અને સંસ્કૃતિનું જતન કરીને આદિવાસી વિસ્તારોનો વિકાસ કરવામાં આવે એ જ સરકારની પ્રાથમિકતા છે. વાંસ કાપવા પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધને નાબૂદ કરવાનું ઉદાહરણ આપતાં પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેનાથી વાંસ સાથે સંકળાયેલા આદિવાસી ઉત્પાદનોના વિનિર્માણને પ્રોત્સાહન મળ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, જંગલમાંથી મેળવેલા ઉત્પાદનમાં મૂલ્યવર્ધન માટે પૂર્વોત્તરમાં 850 વન ધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ઘણા સ્વ-સહાય સમૂહો તેમની સાથે સંકળાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં આપણી બહેનો પણ જોડાયેલી છે.

શ્રી મોદીએ આગળ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર પ્રદેશને પ્રાપ્ત થયેલી ઘરો, પાણી અને વીજળી જેવી સામાજિક માળખાગત સુવિધાઓથી મોટા પ્રમાણમાં ફાયદો થયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં 2 લાખ નવા પરિવારોએ વીજળીનું જોડાણ મેળવ્યું છે. 70 હજારથી વધુ ઘરોનું નિર્માણ ગરીબો માટે કરવામાં આવે તેની મંજૂરી આપવામાં આવી છે અને 3 લાખ ઘરોને પાઇપલાઇનની મદદથી પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, “આપણા આદિવાસી પરિવારો આ યોજનાઓના સૌથી મોટા લાભાર્થી રહ્યા છે.

પોતાની વાતનું સમાપન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રદેશના વિકાસની નિરંતર ગતિ જળવાઇ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી અને પૂર્વોત્તર પ્રદેશના વિકાસમાં ઉમેરાઇ રહેલી તમામ ઊર્જાનો આધાર લોકોના આશીર્વાદ હોવાનો તેમણે શ્રેય આપ્યો હતો. તેમણે આગામી સમયમાં આવી રહેલા ક્રિસમસના તહેવાર માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કોનરાડ કે. સંગામા, મેઘાલયના રાજ્યપાલ બ્રિગેડીયર (ડૉ.) બી.ડી. મિશ્રા (નિવૃત્ત), કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી. કિશન રેડ્ડી, શ્રી કિરેન રિજીજુ અને સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા, મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન. બિરેન સિંહ, મિઝોરમના મુખ્યમંત્રી શ્રી જોરામથાંગા, આસામના મુખ્યમંત્રી શ્રી હેમંતા બિસ્વા સર્મા, નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયો, સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ અને ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી મણિક સાહા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પૂર્વોત્તર પ્રદેશમાં ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ વેગ આપવાની દિશામાં એક પગલા રૂપે, પ્રધાનમંત્રીએ નવા ઉભા કરાયેલા 4G મોબાઇલ ટાવરોનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું, જેમાંથી 320 કરતાં વધુનું  કામ પૂરું થઇ ગયું છે અને લગભગ 890નું નિર્માણ ચાલી રહ્યું છે. તેમણે ઉમસાવલી ખાતે IIM શિલોંગના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ શિલોંગ - ડિએંગપાસોહ રોડનું પણ ઉદ્ઘાટન કર્યું, જે નવી શિલોંગ સેટેલાઇટ ટાઉનશિપને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને શિલોંગમાં ટ્રાફિકની ગીચતામાં ઘટાડો કરશે. તેમણે ત્રણ રાજ્યો એટલે કે મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં અન્ય ચાર માર્ગ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ મેઘાલયમાં મશરૂમ વિકાસ કેન્દ્ર ખાતે સ્પાન લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી મશરૂમ સ્પાનના ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતો તેમજ ઉદ્યમીઓ માટે કૌશલ્ય પ્રશિક્ષણ પણ પ્રાપ્ત થશે. તેમણે મેઘાલયમાં સંકલિત મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી ક્ષમતા નિર્માણ અને ટેકનોલોજીમાં અપગ્રેડેશન દ્વારા મધમાખીનો ઉછેર કરતા ખેડૂતોની આજીવિકામાં સુધારો કરી શકાશે. આ ઉપરાંત, તેમણે મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં નવનિર્મિત 21 હિન્દી પુસ્તકાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોમાં છ માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે તુરા અને શિલોંગ ટેકનોલોજી પાર્ક ફેઝ-2 ખાતે એકીકૃત હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરના નિર્માણ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. ટેકનોલોજી પાર્ક ફેઝ-2માં લગભગ 1.5 લાખ ચોરસ ફૂટનો બિલ્ટ-અપ વિસ્તાર રહેશે. તે વ્યાવસાયિકો માટે નવી તકો ઉભી કરશે અને 3000 કરતાં વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. એકીકૃત હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરમાં કન્વેન્શન હબ, અતિથિ રૂમ, ફૂડ કોર્ટ વગેરે સુવિધાઓ હશે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અને આ પ્રદેશના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવા માટે તે જરૂરી માળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડશે.

YP/GP/JD



(Release ID: 1884572) Visitor Counter : 215