પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઇમથક ‘ડોની પોલો હવાઇમથક, ઇટાનગર’નું ઉદ્ઘાટન કર્યું

600 મેગાવૉટની ક્ષમતાનું કામેંગ જળ વિદ્યુત સ્ટેશન રાષ્ટ્રને લોકાર્પિત કર્યું

“ડોની પોલો હવાઇમથકનું લોકાર્પણ એવા તમામ ટીકાકારો માટે જડબાતોડ જવાબ છે જેમણે હવાઇમથકના શિલાન્યાસને ચૂંટણીના ખેલ તરીકે ઓળખાવવાનો પ્રયાસ કર્યો હતો”

“અમારી સરકારે સરહદી વિસ્તારના ગામડાઓને દેશના પ્રથમ ગામ માનીને કામ કર્યું છે”

“વાત પર્યટનની હોય કે પછી વેપારની, ટેલિકોમ ક્ષેત્ર હોય કે કાપડ, પૂર્વોત્તરને સર્વાધિક પ્રાથમિકતા મળે છે”

“અત્યારે અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો નવો યુગ છે અને આજનો કાર્યક્રમ ભારતના નવા અભિગમનું ઉત્તમ દૃશ્ટાંત છે”

“છેલ્લા આઠ વર્ષમાં પૂર્વોત્તરમાં 7 હવાઇમથકનું નિર્માણ કરવામાં આવ્યું છે”

“ડોની પોલો હવાઇમથક અરુણાચલ પ્રદેશના ઇતિહાસ અને સંસ્કૃતિનું સાક્ષી બની રહ્યું છે”

“હવે તમે બીજા બધા પાકની જેમ વાંસની પણ ખેતી કરી શકો છો, લણી શકો અને વેચાણ કરી શકો છો”

“ગરીબો સુંદર રીતે જીવન જીવે એ જ સરકારની પ્રાથમિકતા છે”

“સબકા પ્રયાસ દ્વારા રાજ્યની ડબલ એન્જિન સરકાર અરુણાચલ પ્રદેશના વિકાસ માટે પ્રતિબદ્ધ છે”

Posted On: 19 NOV 2022 12:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશમાં આવેલા ઇટાનગરમાં ડોની પોલો હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું હતું અને 600 મેગા વૉટની ક્ષમતાના કામેંગ જળ વિદ્યુત સ્ટેશનનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ હવાઇમથકનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીના હસ્તે જ ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મહામારીના કારણે પડકારો આવ્યા હોવા છતાં, હવાઇમથકના નિર્માણનું કામ ટૂંકા ગાળામાં પૂરું કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ અરુણાચલમાં તેમણે વારંવાર લીધેલી મુલાકાતોને યાદ કરી હતી અને આજના કાર્યક્રમની ભવ્ય વ્યાપકતાની નોંધ લીધી તેમજ અરુણાચલના લોકોએ પોતાના રાજ્યના વિકાસ માટે જે પ્રતિબદ્ધતા દર્શાવી છે તેની પ્રશંસા કરી હતી. તેમણે અરુણાચલના લોકોના આનંદી છતાં શિસ્તપાલક ગુણોને પણ સ્વીકાર્યા હતા. પ્રધાનમંત્રીએ બદલાયેલી કાર્ય સંસ્કૃતિના મુદ્દાને સ્પર્શ કર્યો હતો જેમાં તેમણે જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો તેનું લોકાર્પણ પણ પોતે જ કરતા હોવાની પરંપરા સ્થાપિત કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ હવાઇમથકનું લોકાર્પણ એવા ટીકાકારો માટે જડબાતોડ જવાબ છે જેમણે હવાઇમથકના શિલાન્યાસને ચૂંટણીના તરીકે ઓળખાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજકીય વિવેચકોને નવી વિચારસરણી અપનાવવા અને રાજ્યના વિકાસને રાજકીય લાભોના પ્રિઝમ સાથે જોવાનું બંધ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે પોતાના મુદ્દામાં પૂરક વાત તરીકે કહ્યું હતું કે, રાજ્યમાં અત્યારે ન તો ચૂંટણી થઇ રહી છે કે ન તો રાજ્યમાં ભવિષ્યમાં કોઇ ચૂંટણી આવવાની છે. સરકારની પ્રાથમિકતા રાજ્યનો વિકાસ છે. તેમણે કહ્યું હતું કે, “હું દિવસની એવા રાજ્યથી કરી રહ્યો છું જ્યાં સૂરજનો ઉદય થાય છે અને હું એવા સ્થળે એટલે કે ભારતના દમણમાં દિવસ પૂરો કરીશ જ્યાં ભારતની સંધ્યા સમયે સૂરજ ઢળે છે અને આ દરમિયાન હું કાશીમાં હોઇશ.”

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સ્વતંત્રતા પછીના સમયગાળામાં, પૂર્વોત્તર ક્ષેત્રએ ઉદાસીનતા અને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીની સરકારે જ આ પ્રદેશ પર ધ્યાન આપ્યું હતું અને પૂર્વોત્તર માટે એક અલગ મંત્રાલયની રચના કરી હતી. ત્યારપછી વિકાસની એ સફરે ગતિ ગુમાવી દીધી હતી પરંતુ 2014 પછી, વિકાસનો નવો અધ્યાય શરૂ થયો. તેમણે કહ્યું હતું કે પહેલાં, દૂરના સરહદી ગામોને છેવાડાના ગામ તરીકે માનવામાં આવતા હતા. અમારી સરકારે સરહદી વિસ્તારના ગામોને દેશના પ્રથમ ગામ તરીકે ગણીને કામ કર્યું છે. આના પરિણામે પૂર્વોત્તરના વિકાસને સરકાર દ્વારા પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.પ્રધાનમંત્રીએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું હતું કે, વાત પર્યટનની હોય કે પછી વેપારની, ટેલિકોમ ક્ષેત્ર હોય કે કાપડ, પૂર્વોત્તરને સર્વાધિક પ્રાથમિકતા મળે છે. ડ્રોન સંબંધિત ટેકનોલોજી હોય કે પછી કૃષિ ઉડાન હોય, હવાઇમથક દ્વારા કનેક્ટિવિટી હોય કે બંદરોની કનેક્ટિવિટી હોય, સરકારે પૂર્વોત્તરના વિકાસની પ્રાથમિકતા નિર્ધારિત કરી છે.” પ્રધાનમંત્રીએ આ પ્રદેશમાં થયેલા વિકાસના કાર્યોને ઉજાગર કરવા માટે ભારતના સૌથી લાંબા પુલનું નિર્માણ, સૌથી લાંબો રેલરોડ પુલ, રેલવે લાઇનની કનેક્ટિવિટી અને ધોરીમાર્ગોના વિક્રમી પ્રમાણમાં થયેલા બાંધકામના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “અત્યારે અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો નવો યુગ છે અને આજનો કાર્યક્રમ ભારતના નવા અભિગમનું ઉત્તમ દૃશ્ટાંત છે”.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડોની પોલો હવાઇમથક અરુણાચલ પ્રદેશ માટે ચોથું કાર્યરત હવાઇમથક હશે, જેના કારણે પૂર્વોત્તર ક્ષેત્રમાં હવાઇમથકની કુલ સંખ્યા 16 થઇ જશે. 1947થી 2014 સુધીમાં, પૂર્વોત્તરમાં માત્ર 9 હવાઇમથકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. છેલ્લા આઠ વર્ષના ટૂંકા ગાળામાં પૂર્વોત્તરમાં 7 હવાઇમથકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રદેશમાં હવાઇમથકનો આ ઝડપી વિકાસ પૂર્વોત્તરમાં કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા રાખવામાં આવતો વિશેષ આગ્રહ દર્શાવે છે. તેમણે માહિતી આપી હતી કે પૂર્વોત્તર ભારતને જોડતી ફ્લાઇટ્સની સંખ્યા બમણી કરવામાં આવી છે છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “ડોની પોલો હવાઇમથક અરુણાચલ પ્રદેશના ઇતિહાસ અને સંસ્કૃતિનું સાક્ષી બની રહ્યું છે”. હવાઇમથકના નામકરણ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે 'ડોની' નો અર્થ સૂર્ય થાય છે જ્યારે 'પોલો' નો અર્થ ચંદ્ર થાય છે. રાજ્યના વિકાસ સાથે સૂર્ય અને ચંદ્રના પ્રકાશની સામ્યતા દર્શાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવાઇમથકનો વિકાસ એટલો જ મહત્વપૂર્ણ છે જેટલું મહત્વ ગરીબોના વિકાસનું છે.

અરુણાચલ પ્રદેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોમાં ધોરીમાર્ગોના નિર્માણનું ઉદાહરણ આપ્યું અને વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર નજીકના ભવિષ્યમાં વિકાસના કાર્યો પાછળ વધુ 50,000 કરોડ રૂપિયા ખર્ચવા જઇ રહી છે. પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશની પ્રાકૃતિક સુંદરતા પર વિશેષ ભાર મૂક્યો હતો અને ટિપ્પણી કરી હતી કે, રાજ્યમાં પર્યટનની અઢળક સંભાવનાઓ રહેલી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યના દૂરના વિસ્તારો સાથે યોગ્ય કનેક્ટિવિટી સ્થાપવાની ખાસ જરૂર છે અને માહિતી આપી હતી કે, અરુણાચલના 85 ટકા ગામડાઓને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા જોડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે, નવા હવાઇમથક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાથી માલસામાનની હેરફેરને લગતી સેવાઓના ક્ષેત્રમાં વિશાળ તકો ઊભી કરશે. પરિણામે, રાજ્યના ખેડૂતો હવે પોતાની ઉપજને મોટા બજારોમાં વેચી શકશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન નિધિનો લાભ મેળવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ બ્રિટિશ સાશનકાળમાં અમલમાં મૂકવામાં આવેલા કાયદાને યાદ કર્યો જેમાં અરુણાચલ પ્રદેશના લોકોને વાંસની લણણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ કાયદાને નાબૂદ કરવા માટે સરકારે લીધેલા પગલાં વિશે માહિતી આપી હતી. તેમણે સૌનું ધ્યાન દોરતા કહ્યું હતું કે, વાંસ એ રાજ્યની જીવનશૈલીનો એક હિસ્સો છે અને તેની ખેતી આ પ્રદેશના લોકોને સમગ્ર ભારત તેમજ દુનિયામાં વાંસના ઉત્પાદનોની નિકાસ કરવામાં મદદ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “હવે તમે બાકીના બીજા પાકની જેમ જ વાંસની ખેતી કરી શકો છો, લણી શકો અને વેચાણ કરી શકો છો”.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતું કે, સરકારની પ્રાથમિકતા એ છે કે ગરીબો વધુ સુંદર જીવન જીવે”. તેમણે પહાડી પ્રદેશોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે અગાઉની સરકારો દ્વારા કરવામાં આવેલા નગણ્ય પ્રયાસો અંગે અફસોસ કર્યો અને જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, મોડેલ એકલવ્ય શાળાઓ અને અરુણાચલ સ્ટાર્ટઅપ નીતિના ઉદાહરણોનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. 2014માં શરૂ કરવામાં આવેલી સૌભાગ્ય યોજના કે જે સૌના માટે વીજળી પૂરી પાડવાની ખાસ યોજાના છે તેના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અરુણાચલ પ્રદેશમાં એવા સંખ્યાબંધ ગામડાઓ છે જેમને દેશ આઝાદ થયો પછી છેક આ યોજના ચાલુ કરવામાં આવી ત્યારે પહેલી વખત વીજળી મળી છે.

શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, અમે રાજ્યના દરેક ઘર અને ગામડા સુધી વિકાસને આગળ વધારવા માટે મિશન મોડ પર કામ કરી રહ્યા છીએ”. તેમણે વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ પ્રોગ્રામ હેઠળ તમામ સરહદી ગામોનો વિકાસ કરવાના સરકારના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો જે અંતર્ગત પર્યટનને વેગ પ્રાપ્ત થશે અને પ્રદેશમાંથી રોજગારી માટે લોકો દ્વારા કરવામાં આવતા સ્થળાંતરનું પ્રમાણ ઘટી જશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના યુવાનોને NCC સાથે જોડવા માટે રાજ્યમાં એક વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે જે યુવાનોને સંરક્ષણ તાલીમ આપવા ઉપરાંત તેમનામાં રાષ્ટ્રની સેવા કરવાની ભાવના જગાડશે. પ્રધાનમંત્રીએ પોતના સંબંધોનના સમાપનમાં કહ્યું હતું કે, “સબકા પ્રયાસ મંત્ર દ્વારા રાજ્યની ડબલ એન્જિનની સરકાર અરુણાચલ પ્રદેશના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.”

આ પ્રસંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા કાંડુ, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી બી. ડી. મિશ્રા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

ડોની પોલો હવાઇમથક, ઇટાનગર

પૂર્વોત્તરમાં કનેક્ટિવિટીમાં વધારો કરવા માટેના મુખ્ય પગલાં તરીકે, પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઇમથક 'ડોની પોલો હવાઇમથક, ઇટાનગર'નું ઉદ્ઘાટન કર્યું છે. આ હવાઇમથકનું નામ અરુણાચલ પ્રદેશની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેમજ સૂર્ય ('ડોની') અને ચંદ્ર ('પોલો') માટે તેના વર્ષો જૂના સ્થાનિક લોકોના આદરને પ્રતિબિંબિત કરે છે.

રૂપિયા 640 કરોડ કરતાં વધુ ખર્ચે 690 એકથી વધારે જમીન પર બાંધવામાં આવેલું હવાઇમથક, અરુણાચલ પ્રદેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઇમથક છે. 2300 મીટર લાંબા રનવે સાથે, આ હવાઇમથક દરેક પ્રકારના હવામાનની સ્થિતિમાં વિમાનોના આવાગમન માટે યોગ્ય છે. હવાઇમથક ટર્મિનલ માટે આધુનિક ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ઊર્જા કાર્યક્ષમતા, અક્ષય ઊર્જા અને સંસાધનોના રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે.

ઇટાનગરમાં નવા હવાઇમથકના નિર્માણથી આ પ્રદેશમાં કનેક્ટિવિટીમાં વધારો થવાની સાથે સાથે વેપાર અને પર્યટનના વિકાસ માટે પણ તે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. આમ, આ ક્ષેત્રના આર્થિક વિકાસને વેગ મળશે.

મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ એમ પૂર્વોત્તરના પાંચ રાજ્યોના હવાઇમથક પરથી આઝાદી પછીના 75 વર્ષમાં પ્રથમ વખત ફ્લાઇટ્સ ઉપડતી જોવા મળી છે.

પૂર્વોત્તરમાં વિમાનોના આવાગમનમાં પણ 2014 પછી 113%નો વધારો જોવા મળ્યો છે. 2014માં દર અઠવાડિયે 852 વિમાનોનું આવાગમન થતું હતું જ્યારે 2022માં આ આંકડો વધીને દર અઠવાડિયે 1817 થઇ ગયો છે.

600 મેગા વૉટનું કામેંગ જળ વિદ્યુત સ્ટેશન

અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં 80 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો અને રૂપિયા 8450 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશને પાવર સરપ્લસ રાજ્ય બનાવશે, ગ્રીડની સ્થિરતા અને એકીકૃતતાના સંદર્ભમાં નેશનલ ગ્રીડને પણ ફાયદો થશે. ગ્રીન એનર્જીને અપનાવવામાં વૃદ્ધિ કરવાની દેશની પ્રતિબદ્ધતા પરિપૂર્ણ કરવામાં પણ આ પ્રોજેક્ટ મોટું યોગદાન આપશે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1877249) Visitor Counter : 308