પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઇન્ડોનેશિયાનાં બાલીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 15 NOV 2022 4:40PM by PIB Ahmedabad

નમસ્તે. વનક્કમ.

આપ સૌને નમસ્કાર. ઇન્ડોનેશિયા આવ્યા બાદ, બાલીમાં આવ્યા બાદ દરેક હિંદુસ્તાનીને એક અલગ જ અનુભૂતિ થતી હોય છે, એક અલગ જ લાગણી હોય છે અને હું પણ એ જ સ્પંદનો અનુભવ કરી રહ્યો છું. જે સ્થળ સાથે હજારો વર્ષોથી ભારતનો સંબંધ રહ્યો હોય અને જેના વિશે તમે સાંભળતા રહો છો કે હજારો વર્ષોમાં અનેક પેઢીઓ આવી, ચાલી ગઈ, પરંતુ તે પરંપરાને ક્યારેય અદૃશ્ય થવા દીધી નહીં, હજારો વર્ષોથી તે પરંપરાને જીવવી, પેઢી દર પેઢી તે પરંપરાને જાણવી અને દરેક ક્ષણે તે પરંપરા સાથે જોડાયેલા રહેવું. ત્યાંના લોકો, તે ધરતી એક અલગ જ આનંદ આપે છે, એક અલગ જ આનંદનો અનુભવ કરાવે છે. તમે કલ્પના કરી શકો છો કે આજે હું જે સમયે તમારી સાથે વાત કરી રહ્યો છું. આપણે અહીં બાલીમાં બેઠા છીએ, બાલીની પરંપરાનાં ગીતો ગાઇ રહ્યા છીએ, એ જ સમયે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે જ બાલીથી દોઢ હજાર કિલોમીટર દૂર ભારતનાં કટક શહેરમાં મહાનદીના કિનારે બાલી યાત્રાનો મહોત્સવ ચાલી રહ્યો છે, જેને બાલી જાત્રા કહેવામાં આવે છે. અને આ બાલી જાત્રા છે શું? આ મહોત્સવ  ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના હજારો વર્ષોના વેપાર સંબંધોની ઉજવણી કરે છે. ઈન્ડોનેશિયાના લોકો આ વખતે ઈન્ટરનેટ પર બાલી જાત્રાના ફોટા જોશે તો તેમને ખરેખર ગર્વ થશે, આનંદ થશે, ઉત્સાહથી ભરપૂર થઈ જશે. હવે ઘણાં વર્ષો પછી, વચ્ચે કોરોનાને કારણે જે મુશ્કેલીઓ આવી એનાં કારણે કેટલાક અવરોધો આવ્યા હતા. અને હવે ઘણાં વર્ષો પછી બાલી જાત્રા, આ તહેવાર ઓડિશામાં ખૂબ જ મોટા પાયે ભવ્યતા સાથે, દિવ્યતા સાથે લાખો લોકોની સહભાગિતાની સાથે જનસમૂહની ભાગીદારી સાથે અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે. મને કહેવામાં આવ્યું કે ત્યાંના લોકો બાલી જાત્રાની યાદમાં એક સ્પર્ધા ચલાવી રહ્યા છે, કહે છે કે કાગળની હોડીઓ બનાવીને વહેતી કરવામાં આવશે અને તેઓ વિશ્વ રેકોર્ડ કરવાના મૂડમાં છે. આનો અર્થ એ થયો કે આજે ઓડિશામાં જે લોકો એકઠા થયા છે, તેમનું શરીર ત્યાં છે, પરંતુ મન બાલીમાં છે, આપ લોકોની વચ્ચે છે.

સાથીઓ,

આપણે ઘણી વાર વાતચીતમાં કહીએ છીએ કે 'આ એક નાનકડી દુનિયા છે' ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો પર નજર કરીએ તો આ શબ્દ નથી, આપણને સત્ય દેખાય છે. સમુદ્રનાં વિશાળ મોજાંઓએ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને તરંગની જેમ જ ઉમંગથી ભર્યા છે, જીવંત રાખ્યા છે કદી થાક અનુભવાયો નથી, જેમ તે લહેરો  ચાલતી રહે છે, તેમ તેમ આપણા સંબંધો પણ એટલા જ જીવંત રહે છે. એક સમય હતો જ્યારે કલિંગ મેદાંગ જેવાં સામ્રાજ્યો દ્વારા ભારતની ફિલસૂફી, ભારતની સંસ્કૃતિ ઇન્ડોનેશિયાની ધરતી સુધી પહોંચી હતી. આજે એક એવો સમય છે જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા 21મી સદીમાં વિકાસ માટે એકબીજા સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે. ઇન્ડોનેશિયાની ધરતીએ ભારતથી આવેલા લોકોને પ્રેમથી સ્વીકાર્યા, તેમને પોતાના સમાજમાં સમાવી લીધા. આ જ કારણ છે કે, આજે તમે બધા ઇન્ડોનેશિયાના વિકાસ અને સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપી રહ્યા છો. આપણા ઘણા સિંધી પરિવારો અહીં રહે છે. અને ભારતમાંથી આવેલા આપણા સિંધી પરિવારનાં ભાઈઓ અને બહેનોએ અહીંના ટેક્સટાઇલ ક્ષેત્રમાં સ્પોર્ટ્સ ગુડ સેક્ટરમાં એટલું જ નહીં પરંતુ ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં પણ ઘણું બધું યોગદાન આપ્યું છે. ગુજરાત સાથે સંકળાયેલા ઘણા લોકો અહીં રત્નો, હીરા, ખાણ, ખેતી સુદ્ધાં, એમાં પણ એ લોકો જોવા મળે છે. ભારતથી આવેલા એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, પ્રોફેશનલ્સ ઇન્ડોનેશિયાના વિકાસમાં સહયાત્રી બની રહ્યા છે. કેટલાંય તમિલ ભાષી કલાકારો અહીંની સંસ્કૃતિ, અહીંની કળાઓને વધુ સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મને યાદ છે કે 3-4 વર્ષ પહેલાં જ્યારે ભારતે ઇન્ડોનેશિયાના બપ્પા ન્યોમન નૂઆર્તાને પદ્મશ્રીથી નવાજ્યા હતા, ત્યારે ભારતનું રાષ્ટ્રપતિ ભવન તાળીઓના ગડગડાટથી ગુંજતું જ રહ્યું હતું. એમની બનાવેલી કલાકૃતિ ગરુડ વિષ્ણુ કેનકાનાની પ્રશંસા ન કરતો હોય એવો કદાચ કોઇ હિંદુસ્તાની નહીં હોય. એ જ રીતે, જ્યારે ઇન્ડોનેશિયાના વાયન દિવ્યા અને અગુસ ઇન્દ્ર ઉદયનજીને પદ્મ પુરસ્કાર મળ્યો હતો, ત્યારે મને નિર્ણય લેતા પહેલા તેમના વિશે ઘણું જાણવાનો મોકો મળ્યો હતો. અગુસ ઇન્દ્ર ઉદયનજી, આપ તેમનાથી સારી રીતે પરિચિત છો અને આજે અહીં હાજર પણ છે. બાલીમાં મહાત્મા ગાંધીના વિચારોને આગળ વધારવા માટે તેઓ પૂરા દિલથી કાર્યરત છે. મેં ક્યાંક તેમનો એક ઇન્ટરવ્યુ જોયો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે ભારતની સૌથી મોટી વિશેષતા અતિથિ દેવો ભવની છે. એટલે કે અતિથિ દેવો ભવ આ ભાવના જે છે એ દરેક ભારતીયની નસમાં છે, આત્મીયતાનો આ ભાવ પ્રગટ થાય છે, મને ઇન્ટરવ્યૂ વાંચી સારું લાગ્યું, પરંતુ એક બીજી વાત પણ કહેવી જોઈએ કે ભારતની આત્મીયતાને લઈને વખાણ થઈ રહ્યાં હશે, પરંતુ ઇન્ડોનેશિયાના લોકોનું પોતાનાંપણું પણ ઓછું નથી. જ્યારે હું ગયા વખતે અહીં જકાર્તામાં આવ્યો હતો, ત્યારે મેં ઇન્ડોનેશિયાના લોકોએ જે સ્નેહ આપ્યો,જે પ્રેમ આપ્યો, તે મેં નિકટથી જોયો હતો, અનુભવ્યો હતો, આટલું માન, સન્માન, પ્રેમ, સ્નેહ, પોતાનાંપણું શું ન હતું. અને મને યાદ છે કે મને રાષ્ટ્રપતિ જોકો વિડોડોજી સાથે પતંગ ચગાવવામાં જે મજા આવી હતી, અમે બંને પતંગ ચગાવવા ચાલ્યા ગયા હતા. તે અદ્ભુત હતું અને મારે તો ગુજરાતમાં સંક્રાંતિ પર પતંગ ચગાવવાની એક મોટી તાલીમ રહી છે અને હું જાણું છું કે અહીં ઇન્ડોનેશિયામાં પણ, સંક્રાંતિ પર ઘણા પતંગ ચગાવવામાં આવે છે. અને એવું પણ નથી કે ભારત અને ઇન્ડોનેશિયાનો સંબંધ માત્ર સુખનો છે, આનંદનો છે, સારું છે તો સંબંધ છે, એવું નથી, આપણે સુખ-દુઃખના સાથી છીએ, જો આપણે સુખમાં ભાગીદાર છીએ, તો આપણે દુ:ખમાં પણ એટલા જ ભાગીદાર છીએ. આપણે સુખ-દુ:ખમાં એકમેકનાં સુખ-દુ:ખને વહેંચનારા લોકો છીએ. ઈન્ડોનેશિયામાં 2018માં જ્યારે આટલો મોટો ભૂકંપ આવ્યો ત્યારે ભારતે તરત જ ઓપરેશન સમુદ્ર મૈત્રી શરૂ કર્યું હતું. તેથી જ હું તે જ વર્ષે જકાર્તા આવ્યો હતો અને મેં એક વાત કહી હતી, મેં કહ્યું હતું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે 90 નોટિકલ માઇલનું અંતર ભલે હોય, પરંતુ હકીકતમાં તો આપણે આ 90 નોટિકલ માઇલ દૂર નથી, આપણે 90 નોટિકલ માઇલ નજીક છીએ.

સાથીઓ,

જીવનના દરેક ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે એવું ઘણું બધું છે કે ભારત અને ઇન્ડોનેશિયાએ અત્યાર સુધી સાથે મળીને સાચવી રાખ્યું છે. બાલીની આ ભૂમિ મહર્ષિ માર્કંડેય અને મહર્ષિ અગસ્તથી પવિત્ર છે. ભારતમાં જો હિમાલય હોય તો બાલીમાં અગુંગ પર્વત છે. જો ભારતમાં ગંગા છે તો બાલીમાં તીર્થ ગંગા છે. આપણે પણ ભારતમાં દરેક શુભ કાર્યના શ્રી ગણેશ કરીએ છીએ, અહીં પણ શ્રી ગણેશ ઘેર ઘેર બિરાજમાન છે, સાર્વજનિક સ્થળોએ શુભતા ફેલાવી રહ્યા છે. પૂર્ણિમાનું વ્રત, એકાદશીનો મહિમા, ત્રિકાલ સંધ્યા દ્વારા સૂર્ય ઉપાસનાની પરંપરા, માતા સરસ્વતીનાં રૂપમાં જ્ઞાનની આરાધના અગણિત બાબતો આપણે કહી શકીએ છીએ, એવી ઘણી વસ્તુઓ છે જે આપણને જોડી રાખે છે, જોડતી રહે છે. બાલીના લોકો મહાભારતની કથાઓ સાથે મોટા થાય છે. અને હું તો દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ ગુજરાતમાં મોટો થયો છું, મારું તો જીવન જ ત્યાં વીત્યું છે. બાલીના લોકોની જેવી શ્રદ્ધા મહાભારત માટે છે, ભારતમાં લોકોની એવી જ આત્મીયતા બાલીના લોકો માટે પણ છે. તમે અહીં ભગવાન વિષ્ણુ અને ભગવાન રામની આરાધના કરો છો અને અમે જ્યારે ભારતમાં ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવે છે ત્યારે ઇન્ડોનેશિયાની રામાયણ પરંપરાને પણ ગર્વથી યાદ કરીએ છીએ. થોડાં વર્ષો પહેલાં જ્યારે ભારતમાં રામાયણ ફેસ્ટિવલનું આયોજન થયું હતું ત્યારે ઇન્ડોનેશિયાથી પણ ઘણા કલાકારો, અહીંથી અનેક કલાકારો ભારત આવ્યા હતા અને અમદાવાદમાં, હૈદ્રાબાદમાં, લખનઉમાં અનેક શહેરોમાં પોતાનો કાર્યક્રમ કરતાં કરતાં તેઓ અયોધ્યા આવ્યા હતા, તેમનો છેલ્લો સમાપન કાર્યક્રમ અયોધ્યામાં યોજાયો હતો અને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યો હતો. હિંદુસ્તાનમાં જ્યાં પણ ગયા, ત્યાં અખબારો ભર્યાં પડ્યાં રહેતાં હતાં.

ભાઇઓ અને બહેનો,

બાલીમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેની અભિલાષા ન રહી હોય કે પોતાનાં જીવનમાં એક વાર અયોધ્યા અથવા દ્વારકાનાં દર્શન ન કરે એવો કદાચ કોઇ પણ માણસ નહીં હોય. ભારતમાં પણ લોકો પ્રમ્બનન મંદિર અને ગરુડ વિષ્ણુ કિનકાનાની ભવ્ય પ્રતિમાનાં દર્શન કરવા માટે લોકો ખૂબ જ ઉત્સુક રહે છે. કોરોના કાળ પહેલા એક વર્ષમાં જ એકલા બાલીમાં 5 લાખથી વધુ ભારતીયોનું આગમન આ વાતનો પુરાવો આપે છે.

સાથીઓ,

જ્યારે વારસો વહેંચાય છે, જ્યારે માનવતામાં વિશ્વાસ સમાન હોય છે, ત્યારે પ્રગતિ માટે પણ સમાન માર્ગો બનતા જાય છે. કેટલાક મહિના પહેલા જ 15 ઑગસ્ટના રોજ ભારતે પોતાની આઝાદીનાં 75 વર્ષ પૂરાં કર્યાં છે. ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ ભારતના સ્વતંત્રતા દિવસના બે દિવસ બાદ 17 ઑગસ્ટના રોજ આવે છે, પરંતુ ઇન્ડોનેશિયાને ભારત કરતાં 2 વર્ષ પહેલાં સ્વતંત્ર થવાનું સૌભાગ્ય મળ્યું હતું. ભારતે ઇન્ડોનેશિયા પાસેથી ઘણું બધું શીખવાનું છે અને તેની 75 વર્ષની વિકાસયાત્રામાંથી ભારત પાસે પણ ઇન્ડોનેશિયાને આપવા માટે ઘણું બધું છે, ભારતની પ્રતિભા, ભારતની ટેકનોલોજી, ભારતના ઇનોવેશન, ભારતના ઉદ્યોગો. આજે આ તમામ બાબતોએ દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આજે દુનિયાની એવી અસંખ્ય કંપનીઓ છે, ઘણી મોટી કંપનીઓ એવી છે, જેમના સીઈઓ ભારતીય મૂળના છે. આજે દુનિયામાં જેટલાં યુનિકોર્ન બને છે ને  દર દસમાંથી એક યુનિકોર્ન ભારતનાં હોય છે. આજે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. આજે ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વિશ્વમાં નંબર વન છે. આજે ભારત વૈશ્વિક ફિનટેકની દ્રષ્ટિએ દુનિયામાં નંબર વન છે. આજે ભારત આઈટીબીપીએન માટે આઉટસોર્સિંગમાં વિશ્વમાં નંબર વન છે. આજે ભારત સ્માર્ટ ફોન ડેટા વપરાશમાં વિશ્વમાં નંબર વન છે. આજે ભારત અનેક દવાઓના સપ્લાયમાં, અનેક વેક્સિનનાં ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન છે.

સાથીઓ,

2014 પહેલાં અને 2014 પછીના ભારતમાં બહુ મોટો જે ફરક છે, આ જે બહુ મોટો ફરક છે એ મોદી નથી તે બહુ મોટો ફરક છે સ્પીડ અને સ્કેલમાં. આજે ભારત અભૂતપૂર્વ ગતિએ કામ કરી રહ્યું છે. અને અનપેક્ષિત વ્યાપ પર કરી રહ્યું છે, હવે ભારત નાનું વિચારતું જ નથી. સ્ટેચ્યૂ બનાવશે તો દુનિયામાં સૌથી મોટું, સ્ટેડિયમ બનાવશે તો દુનિયામાં સૌથી મોટું. વર્ષ 2014 પછી ભારતે 320 મિલિયનથી વધારે બૅન્ક ખાતાં ખોલ્યાં છે, બૅન્કમાં ખાતાં ખોલ્યાં છે. આનો અર્થ એ થયો કે અમે અમેરિકાની કુલ વસ્તી છે એટલાં બૅન્ક ખાતાં ખોલ્યાં છે. વર્ષ 2014થી લઈને અત્યાર સુધી ભારતે લગભગ 3 કરોડ ગરીબ નાગરિકો માટે મફત ઘર બનાવ્યાં છે અને ઘર એમ જ નથી બનતું જ્યારે ઘર મળે છે ને, ત્યારે માણસ રાતોરાત લખપતિ બની જાય છે. અને જ્યારે હું ત્રણ કરોડ ઘરોની વાત કરું છું તો તેનો અર્થ શું છે, તેનો અર્થ એ છે કે ઑસ્ટ્રેલિયાના દરેક પરિવારને નહીં, ઑસ્ટ્રેલિયાના દરેક નાગરિકને ઘર મળી જાય, એટલાં ઘર બનાવ્યાં છે.

એટલે કે, હું જે વ્યાપ બતાવું છું, આખી પૃથ્વીના લગભગ દોઢ ચક્કર લગાવવા બરાબર છે. આજે આયુષ્માન ભારત યોજના હેઠળ જેટલા લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપી રહ્યા છીએ, જો તેમનું મેડિકલ બિલ 5 લાખ રૂપિયા સુધીનું એક વર્ષ માટે બને છે, તો સરકાર જવાબદારી લે છે, તેનો લાભ કેટલા લોકોને મળે છે, 5 લાખ રૂપિયા સુધીની તબીબી સુવિધા જે મળે છે આખાં યુરોપિયન યુનિયનની કુલ વસ્તી કરતા વધુ લોકોને તે મળે છે. કોરોનાકાળમાં ભારતે તેના નાગરિકોને રસીના જેટલા ડોઝ લગાવ્યા અને તે વિના મૂલ્યે અપાયા હતા, એ જે વેક્સિન ડોઝ અપાયા ને એનો જો સંખ્યામાં હિસાબ લગાવું તો અમેરિકા અને યુરોપિયન યુનિયન એ બેઉની જે કુલ વસ્તી છે એનાથી અઢી ગણા વધારે ડોઝ અમે હિંદુસ્તાનમાં લગાવ્યા. જ્યારે તમે આ બધું સાંભળો છો, ત્યારે તમારી છાતી ફૂલે છે કે નહીં, તમને ગર્વ થાય છે કે નથી થતો, તમારું મસ્તક ઊંચું થાય છે કે નથી થતું. અને તેથી જ હું કહું છું કે ભારત બદલાઈ ગયું છે.

સાથીઓ,

આજનું ભારત હવે પોતાના વારસા પર ગર્વ કરતા, પોતાના વારસાને સમૃદ્ધ કરીને, મૂળ સાથે જોડાયેલા રહીને આકાશને આંબવાનાં લક્ષ્ય સાથે એક વિકસિત ભારતનું નિર્માણ કરવાનાં લક્ષ્ય સાથે નીકળી પડ્યું છે. પરંતુ ભારતનું આ લક્ષ્ય માત્ર પોતાના માટે જ નથી, આપણે સ્વાર્થી લોકો નથી, આપણાં સંસ્કાર જ નથી. 21મી સદીમાં આજે દુનિયાને ભારત પાસેથી અપેક્ષાઓ છે, જે આશાઓ છે, ભારત તેને એક જવાબદારી સમજે છે, તેને એક જવાબદારી તરીકે જુએ છે અને આપણે વિશ્વનાં ભલાં માટે, આપણે આપણી જાતને આગળ વધારવા માટે મક્કમ છીએ, સંકલ્પબદ્ધ છીએ. આજે જ્યારે ભારત પોતાના વિકાસ માટે અમૃતકાલનો રોડમેપ તૈયાર કરે છે, ત્યારે તેમાં દુનિયાની આર્થિક અને રાજકીય આકાંક્ષાઓનો પણ સમાવેશ થાય છે. આજે જ્યારે ભારત આત્મનિર્ભર ભારતનું વિઝન રજૂ કરે છે, ત્યારે તેમાં વૈશ્વિક કલ્યાણની ભાવના પણ સમાયેલી છે. રિન્યુએબલ ઊર્જાનાં ક્ષેત્રમાં ભારતે એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રિડનો મંત્ર આપ્યો છે. વૈશ્વિક સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે ભારતે એક પૃથ્વી, એક સ્વાસ્થ્યનું અભિયાન આદર્યું છે. ભારત જળવાયુ પરિવર્તનના જેવા પડકારોનો મુકાબલો કરવા અને જે ટાપુ દેશો છે ને એમના માટે એક વરદાનનાં રૂપમાં કામ કરી રહ્યું છે. જળવાયુ પરિવર્તનની જે સમસ્યાઓ છે એને પહોંચી વળવા માટે ભારતે દુનિયાને મિશન લાઈફનો ઉકેલ આપ્યો છે, મિશન લાઈફ એટલે પર્યાવરણ માટે જીવનશેલી- life style for environment, મિશન લાઈફ એટલે કે પૃથ્વીના દરેક નાગરિકે એવી જીવનશૈલીને આત્મસાત કરવી જે પર્યાવરણને અનુકૂળ હોય, જે દરેક ક્ષણે ક્લાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળે. આજે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણને અનુકૂળ અને સંપૂર્ણ આરોગ્યસંભાળ તરફ આકર્ષિત થઈ રહ્યું છે, ત્યારે ભારતનો યોગ, આપણું આયુર્વેદ સમગ્ર માનવતા માટે એક ભેટ છે. અને સાથીઓ, જ્યારે આયુર્વેદની વાત આવે છે, તો ભારત ઇન્ડોનેશિયાનું વધુ એક જોડાણ મારાં ધ્યાનમાં આવે છે. મને યાદ છે કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી અને અહીંની યુનિવર્સિટીઝ હિન્દુ ઇન્ડોનેશિયા વચ્ચે એક સમજૂતી થઈ હતી. મને પ્રસન્નતા છે કે, એનાં થોડાં જ વર્ષો પછી અહીંની આ યુનિવર્સિટીમાં આયુર્વેદ હૉસ્પિટલની સ્થાપના પણ કરવામાં આવી.

સાથીઓ,

વસુધૈવ કુટુંબકમ્‌ એટલે કે, સમગ્ર વિશ્વને એક પરિવાર માનવાની ભારતની આ ભાવના, આ જ સંસ્કાર વિશ્વ કલ્યાણનો માર્ગ મોકળો કરે છે. કોરોના કાળમાં આપણે જોયું છે કે ભારતે દવાઓથી લઈને વેક્સિન સુધી જરૂરી સંસાધનો માટે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી અને તેનો લાભ સમગ્ર દુનિયાને મળ્યો. ભારતનાં આ સામર્થ્યએ ઘણા દેશો માટે રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કર્યું હતું. અમે ખાસ કરીને ઇન્ડોનેશિયા જેવા આપણા પડોશીઓ અને મિત્ર દેશો માટે ખભેથી ખભો મિલાવીને ઊભા રહ્યા છીએ. તેવી જ રીતે આજે ભારત અંતરિક્ષનાં ક્ષેત્રમાં એક મોટી વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે, તેથી દક્ષિણ એશિયાના દેશોને તેનો લાભ ખાસ મળી રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે પણ જે ભારત દાયકાઓથી માત્ર વિદેશી આયાત પર નિર્ભર રહેતું હતું એ આજે પોતાની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલ હોય કે તેજસ ફાઇટર પ્લેન, દુનિયામાં તેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. આજે ભારત મોટાં લક્ષ્યો નિર્ધારિત કરી રહ્યું છે અને તેને પ્રાપ્ત કરવા માટે પણ સખત મહેનત કરી રહ્યું છે. સંકલ્પ સે સિદ્ધિનો આ જ મંત્ર આજે 21મી સદીના નવા ભારતની પ્રેરણા બની રહ્યો છે. આજે આ પ્રસંગે હું આપ સૌને આગામી પ્રવાસી ભારતીય સંમેલન માટે પણ આમંત્રણ આપું છું. આ કાર્યક્રમ જાન્યુઆરી મહિનામાં 9 જાન્યુઆરીના રોજ યોજવામાં આવે છે. આ વખતે આ કાર્યક્રમ ઈન્દોર, મધ્ય પ્રદેશમાં યોજાશે અને ઈન્દોર એ શહેર છે જે છેલ્લાં 5-6 વખતથી દેશમાં સ્વચ્છ શહેરનાં નામે ભારતમાં નંબર વન રહે છે. અને એટલા માટે આપ ઇન્દોરના પ્રવાસી ભારતીય કાર્યક્રમમાં જરૂરથી જોડાવ, તમે આજે તમારાં અંગત કામ માટે હોવ તો પણ તેની સાથે તારીખ એડજસ્ટ કરો. અને જ્યારે તમે ઈન્દોર આવો ત્યારે એના 1-2 દિવસ પછી જ અમદાવાદમાં પતંગોત્સવ હોય છે, ઈન્ડોનેશિયાવાળા પતંગ મહોત્સવમાં ન જાય, એવું બની શકે છે શું? અને જ્યારે તમે આવો ત્યારે એકલા ન આવતા, ફક્ત તમારા પરિવારને લઈને આવીને અટકી ન જતા. કેટલાક ઇન્ડોનેશિયન પરિવારોને પણ સાથે લાવો. મને વિશ્વાસ છે કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તમારો સહકાર અને સક્રિય યોગદાન સતત ચાલુ રહેશે. આપ સૌ સંપૂર્ણ મહેનતથી, આપની આ કર્મભૂમિનાં કલ્યાણ માટે, આપ આ કર્મભૂમિમાં જેટલું વધારે યોગદાન આપી શકો, આપતા જ રહેશો ભારતનાં સંસ્કાર છે અને આપવું પણ જોઈએ, તે આપણી જવાબદારી બને છે અને હું જોઈ રહ્યો છું કે આપણા વોહરા સમાજના ઘણા સભ્યો અહીં આવ્યા છે. અને તે મારું સૌભાગ્ય રહ્યું છે કે સૈયદના સાહેબ સાથે મારો ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો છે. મને ઘણો આનંદ થાય છે દુનિયામાં ક્યાંય પણ જાવ, કોઇ મળે કે ન મળે,  મારા વોહરા પરિવારના લોકો તો આવશે જ.

સાથીઓ,

તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા, સમય કાઢીના આવ્યા, ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર છો અને હું જોઈ રહ્યો છું કે મને અહીં પણ એટલો જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે જેટલો ઓડિશામાં બાલી યાત્રામાં છે. તમારા આ પ્રેમ માટે, આપના સ્નેહ માટે, તમારા ભારત પ્રત્યે આપની આ શ્રદ્ધા માટે, હું તમારો હ્રદયથી ખૂબ ખૂબ આભાર માનું છું, અનેક અનેક  શુભકામનાઓ પાઠવું છું.

આભાર સાથીઓ.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1876717) Visitor Counter : 176