પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં બેંગલુરુમાં જાહેર સમારોહને સંબોધન કર્યું


"બેંગલુરુ ભારતના સ્ટાર્ટઅપ જુસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે, અને આ જુસ્સો જ છે જે દેશને બાકીનાં વિશ્વથી અલગ પાડે છે"

"વંદે ભારત એક્સપ્રેસ એ પ્રતીક છે કે ભારતે હવે સ્થગિતતાના દિવસો પાછળ છોડી દીધા છે"

"એરપોર્ટ્સ બિઝનેસીસનાં વિસ્તરણ માટે એક નવું રમતનું ક્ષેત્ર બનાવી રહ્યાં છે જ્યારે રાષ્ટ્રના યુવાનો માટે રોજગારની નવી તકોનું સર્જન પણ કરી રહ્યાં છે"

"ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ભારતે જે હરણફાળ ભરી છે, તેની વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે"

"દેશમાં સીધા વિદેશી રોકાણને આકર્ષવામાં કર્ણાટક અગ્રેસર છે"

“શાસન હોય કે ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ભારત સંપૂર્ણપણે અલગ સ્તરે કામ કરી રહ્યું છે”

"અગાઉ ગતિને લક્ઝરી તરીકે ગણવામાં આવતી હતી, અને વ્યાપને જોખમ તરીકે"

"આપણો વારસો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પણ છે"

"બેંગલુરુનો વિકાસ નાદપ્રભુ કેમ્પેગૌડાની કલ્પના મુજબ થવો જોઈએ"

Posted On: 11 NOV 2022 2:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં બેંગલુરુમાં એક જાહેર સમારોહને સંબોધન કર્યું હતું. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ વિધાન સૌધામાં સંત કવિ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મીકિની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે કેએસઆર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી પણ આપી હતી. આ પછી પ્રધાનમંત્રીએ બેંગલુરુનાં કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં ટર્મિનલ-2નું ઉદઘાટન કર્યું હતું અને શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કર્ણાટકની બે મહાન વિભૂતિઓની જયંતિના પ્રસંગે કર્ણાટકમાં ઉપસ્થિત રહેવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સંત કનક દાસ અને ઓંકે ઓબવ્વાને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે કર્ણાટકને ચેન્નાઈ, સ્ટાર્ટઅપ કેપિટલ બેંગલુરુ અને હૅરિટેજ સિટી મૈસુરુને જોડતી પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' વંદે ભારત ટ્રેન મળી છે. તેમણે કહ્યું હતું કે, "આજે ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેન પણ શરૂ થઈ છે જેનાથી કર્ણાટકનાં લોકો અયોધ્યા, કાશી અને પ્રયાગરાજનાં દર્શન કરી શકશે."

બેંગાલુરુમાં કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનાં ટર્મિનલ 2 વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઈ કાલે શેર કરવામાં આવેલી તસવીરો કરતાં વધારે સુંદર અને ભવ્ય છે. પ્રધાનમંત્રીએ નાદપ્રભુ કેમ્પેગૌડાની સ્મારક પ્રતિમા પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આ પ્રતિમા ભવિષ્યનાં બેંગલુરુ અને ભારતનાં નિર્માણ માટે પ્રેરણારૂપ બનીને કામ કરશે. સ્ટાર્ટ અપની દુનિયામાં ભારતની ઓળખ પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ઓળખને પરિભાષિત કરવામાં બેંગલુરુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "બેંગલુરુ ભારતના સ્ટાર્ટઅપ જુસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ જુસ્સો જ દેશને બાકીની દુનિયાથી અલગ પાડે છે." પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આ કાર્યક્રમ બેંગલુરુના ભરજુવાનીના જુસ્સાને પ્રદર્શિત કરે છે. 

વંદે ભારત માત્ર એક ટ્રેન નથી પરંતુ તે નવા ભારતની એક નવી ઓળખ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વંદે ભારત એક્સપ્રેસ એ પ્રતીક છે કે ભારતે હવે સ્થગિતતાના દિવસો પાછળ છોડી દીધા છે. અમે ભારતીય રેલવેના સંપૂર્ણ કાયાકલ્પનાં લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ." 400થી વધુ વંદે ભારત ટ્રેન અને વિસ્ટા ડૉમ કૉચ ભારતીય રેલવેની નવી ઓળખ બની રહ્યાં છે. ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર નૂર પરિવહનની ગતિમાં વધારો કરશે અને સમય બચાવશે. રેપિડ બ્રોડગેજ કન્વર્ઝન રેલવેના નકશામાં નવા વિસ્તારોને લાવી રહ્યું છે. રેલવે સ્ટેશનોનાં આધુનિકીકરણ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સર એમ. વિશ્વેસ્વરૈયા ટર્મિનલ, બેંગલુરુ રેલવે સ્ટેશન પ્રવાસીઓને ઘણો બહોળો અનુભવ પ્રદાન કરે છે. તેમણે માહિતી આપી હતી કે, કર્ણાટકમાં સહિત અન્ય સ્ટેશનોને અપગ્રેડેશન માટે લઈ જવામાં આવી રહ્યાં છે.

વિકસિત ભારતનાં વિઝન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શહેરો વચ્ચે જોડાણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને એ સમયની તાતી જરૂરિયાત પણ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેમ્પેગૌડા એરપોર્ટનું નવું ટર્મિનલ-2 કનેક્ટિવિટી વધારવા નવી સુવિધાઓ અને સેવાઓ ઉમેરશે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, જ્યારે હવાઈ મુસાફરીની વાત આવે છે, ત્યારે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતાં બજારોમાંનું એક છે અને હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, વર્ષ 2014 અગાઉ દેશમાં ફક્ત 70 એરપોર્ટ્સ હતાં, પણ અત્યારે આ સંખ્યા બમણી થઈને 140થી વધારે થઈ ગઈ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "એરપોર્ટ્સ બિઝનેસીસનાં વિસ્તરણ માટે એક નવું રમતનું ક્ષેત્ર ઊભું કરી રહ્યાં છે, ત્યારે દેશના યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન પણ કરી રહ્યાં છે."

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, સમગ્ર વિશ્વએ ભારત પ્રત્યે જે માન્યતાઓ અને આકાંક્ષાઓ દર્શાવી છે, તેનો લાભ કર્ણાટકને મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં ૪ લાખ કરોડનાં રોકાણ તરફ બધાનું ધ્યાન દોર્યું હતું, જે ત્યારે થયું હતું જ્યારે વિશ્વ કોવિડ મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, "ગયાં વર્ષે કર્ણાટકે દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષવામાં આગેવાની લીધી હતી." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રોકાણ માત્ર આઇટી ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ બાયોટેકનોલોજીથી લઈને સંરક્ષણ સુધીનું છે. તેમણે માહિતી આપી હતી કે ભારતના એરક્રાફ્ટ અને સ્પેસ-ક્રાફ્ટ ઉદ્યોગમાં કર્ણાટકનો હિસ્સો 25 ટકા છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે ભારતનાં સંરક્ષણ માટે બનાવવામાં આવતાં આશરે ૭૦ ટકા વિમાન અને હૅલિકોપ્ટર કર્ણાટકમાં બનાવવામાં આવે છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, કર્ણાટકમાં ફોર્ચ્યુન 500ની યાદીમાંથી 400થી વધારે કંપનીઓ કામ કરી રહી છે. તેમણે રાજ્યમાં આવા જબરદસ્ત વિકાસ માટે કર્ણાટકની ડબલ એન્જિનવાળી સરકારને શ્રેય આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "શાસન હોય કે ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ભારત સંપૂર્ણપણે અલગ સ્તરે કામ કરી રહ્યું છે." ભીમ યુપીઆઈ અને મેડ ઈન ઈન્ડિયા 5જી ટેકનોલોજીનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બેંગલુરુના વ્યાવસાયિકોએ જ આ દૂરનાં સ્વપ્નને સાકાર કર્યું છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આ પ્રકારના સકારાત્મક ફેરફારો વર્ષ 2014 અગાઉ કલ્પના બહારના હતા, કારણ કે અગાઉની સરકારની વિચારસરણી જૂની થઈ ગઈ હતી. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "અગાઉની સરકારોએ ઝડપને લક્ઝરી અને વ્યાપને જોખમ તરીકે ગણ્યાં હતાં." પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમારી સરકારે આ વલણને બદલ્યું છે. અમે ગતિને ભારતની આકાંક્ષા અને વ્યાપને શક્તિ તરીકે ગણીએ છીએ." પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે તમામ વિભાગો અને એજન્સીઓને એક જ મંચ પર લાવવા માટેના પ્રયાસો કર્યા છે અને તેનાં પરિણામે વિવિધ એજન્સીઓને 1500થી વધારે સ્તરોનાં ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડઝનેક વિભાગોની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં અનેક મંત્રાલયો આ પ્લેટફોર્મની મદદથી એકસાથે આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, "અત્યારે ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ પાઇપલાઇનમાં રૂ. 110 લાખ કરોડના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યું છે." તેમણે કહ્યું હતું કે, "મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવે છે, જેથી પરિવહનનું દરેક માધ્યમ એકબીજાને ટેકો આપે." રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ વિશે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી દેશમાં પરિવહનનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે, ત્યારે તેમાં નવીનતા પણ આવશે.     

 

સામાજિક માળખાગત સુવિધાઓમાં સુધારો કરવો

  • દેશમાં ગરીબો માટે 3.4 કરોડ પાકાં મકાનો, કર્ણાટકમાં 8 લાખ પાકાં મકાનો
  • 7 કરોડ કુટુંબોને પાઇપ દ્વારા પાણીનું જોડાણ મળ્યું, કર્ણાટકમાં 30 લાખ
  • આયુષ્માન ભારત અંતર્ગત 4 કરોડ દર્દીઓને મફત સારવાર મળી હતી, કર્ણાટકમાં 30 લાખ.
  • દેશના 10 કરોડથી વધુ ખેડૂતોનાં ખાતામાં 2.5 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર, કર્ણાટકમાં 55 લાખ ખેડૂતોનાં ખાતામાં 11 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર
  • સ્વનિધિ હેઠળ 40 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને સહાય મળી, કર્ણાટકમાં 2 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને સહાય

 

લાલ કિલ્લા પરથી દેશની વિરાસતમાં ગૌરવ વિશે પોતાનાં સંબોધનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણો વારસો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પણ છે. તેમણે માહિતી આપી હતી કે, ભારત ગૌરવ રેલ આસ્થા અને આધ્યાત્મિકતાનાં સ્થાનોને જોડી રહી છે અને સાથે-સાથે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને પણ મજબૂત કરી રહી છે. તેમણે માહિતી આપી કે અત્યાર સુધીમાં આ ટ્રેનની આવી 9 યાત્રા દેશના અલગ અલગ ભાગોમાં પૂર્ણ થઈ ચૂકી છે. "શિરડી મંદિર હોય, શ્રી રામાયણ યાત્રા હોય, દિવ્ય કાશી યાત્રા હોય, આવી તમામ ટ્રેનો મુસાફરો માટે ખૂબ જ સુખદ અનુભવ રહ્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજથી શરૂ થયેલી કર્ણાટકથી કાશી, અયોધ્યા અને પ્રયાગરાજ સુધીની યાત્રા કર્ણાટકના લોકોને કાશી અને અયોધ્યાની મુલાકાત લેવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ બરછટ અનાજનાં મહત્વ તરફ પણ દરેકનું ધ્યાન દોર્યું હતું, જેની સ્થાપના કનકદાસજીએ કરી હતી. પોતાની રચના – રામ ધાન્ય  ચરિત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા બાજરી ‘રાગી’નું ઉદાહરણ ટાંકીને કહ્યું હતું કે તે સામાજિક સમાનતાનો સંદેશ આપે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેંગલુરુનો વિકાસ નાદપ્રભુ કેમ્પેગૌડાજીએ કલ્પના કરી હતી તે મુજબ થવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, "આ શહેરની વસાહત અહીંનાં લોકો માટે કેમ્પેગૌડાજીનું મોટું પ્રદાન છે." પ્રધાનમંત્રીએ વાણિજ્ય અને સંસ્કૃતિની વાત આવે છે ત્યારે અપ્રતિમ વિગત પર પ્રકાશ પાડ્યો હતો, જેનું આયોજન સદીઓ અગાઉ બેંગ્લોરના લોકોની સુવિધા માટે કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "બેંગલુરુનાં લોકોને હજુ પણ તેમનાં વિઝનનો લાભ મળી રહ્યો છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભલે આજે વ્યવસાયોમાં પરિવર્તન આવ્યું હોય, પરંતુ 'પીટ' (બેંગલુરુનો એક વિસ્તાર) હજી પણ બેંગલુરુની વ્યાવસાયિક જીવાદોરી છે. બેંગ્લોરની સંસ્કૃતિને સમૃદ્ધ કરવામાં નાદપ્રભુ કેમ્પેગૌડાજીનાં યોગદાન પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ ગાવી ગંગાધારેશ્વર મંદિર અને બસવાનાગુડી વિસ્તારમાં આવેલાં મંદિરનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, "આ મારફતે કેમ્પેગૌડાજીએ બેંગ્લોરની સાંસ્કૃતિક ચેતનાને હંમેશા જીવંત રાખી છે."

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેંગલુરુ એક આંતરરાષ્ટ્રીય શહેર છે અને આપણે આપણા વારસાનું જતન કરવાની સાથે આધુનિક માળખાગત સુવિધાઓથી સમૃદ્ધ થવું પડશે. "આ બધું ફક્ત સબકા પ્રયાસોથી જ શક્ય છે", એમ તેમણે સમાપન કર્યું.

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ, કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બી એસ યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રીઓ શ્રી પ્રહલાદ જોશી અને શ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે, શ્રી રાજીવ ચંદ્રશેખર, શ્રી એ. નારાયણસ્વામી અને શ્રી ભગવંત ખુબા, સાંસદ શ્રી બી એન બચે ગૌડાઆદિચુંચનાગીર મઠના સ્વામીજી ડૉ. નિરામલનંદનતાહ સ્વામીજી અને કર્ણાટક સરકારના મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1875235) Visitor Counter : 174