પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અમદાવાદના અસારવામાં રૂ. 2900 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું
"એકતા દિવસ પર આ પ્રોજેક્ટને સમર્પિત કરવાથી તે વધુ વિશેષ બને છે"
"ડબલ એન્જિનવાળી સરકારના કારણે વિકાસની 'ગતિ' તેમજ 'શક્તિ' વધી રહી છે"
"દેશભરનાં રેલવે સ્ટેશનોની સ્થિતિમાં સુધારો આજે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે"
"ગરીબ અને મધ્યમ વર્ગને એવું વાતાવરણ મળી રહ્યું છે જે એક સમયે માત્ર સુખી-સંપન્ન લોકો માટે જ સુલભ હતું"
"આપણા દેશમાં અસંતુલિત વિકાસ એક મોટો પડકાર રહ્યો છે. અમારી સરકાર આના ઉકેલ માટે કામ કરી રહી છે"
Posted On:
31 OCT 2022 8:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં અસારવા ખાતે રૂ. 2900 કરોડથી વધારે મૂલ્યની બે રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતના વિકાસ અને કનેક્ટિવિટી માટે બહુ મોટો દિવસ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોટા વિસ્તારમાં બ્રોડગેજ લાઇનના અભાવે ગુજરાતના લાખો લોકો પરેશાન રહેતા હતા તેમને આજથી ઘણી રાહત મળવાની છે. પ્રધાનમંત્રીએ દાયકાઓ સુધી રાહ જોયા પછી લાઇનનું લોકાર્પણ કરવાની તક મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રૂટનો કાયાકલ્પ થઈ ગયો છે અને અસારવાથી ઉદેપુર વાયા હિંમતનગર સુધીની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી છે. ગુજરાતનો આ ભાગ હવે સીધો પાડોશી રાજ્ય રાજસ્થાન તેમજ સમગ્ર દેશ સાથે જોડાશે તેવી માહિતી પણ તેમણે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લુણીધર-જેતલસર વચ્ચે કરવામાં આવેલા ગેજ કન્વર્ઝનનાં કામથી આ વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટી પણ સરળ બનશે અને અહીંથી ઉપડતી ટ્રેનો દેશના કોઈ પણ ભાગમાં જઈ શકશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે કોઈ રુટ પર મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવે છે, ત્યારે તેની સાથે ઘણી નવી શક્યતાઓ પણ આવે છે." અસારવાથી ઉદયપુર સુધીની 300 કિલોમીટર લાંબી રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની સાથે ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોને દિલ્હી અને ઉત્તર ભારત સાથે જોડવામાં આવશે. આ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાથી અમદાવાદ અને દિલ્હી માટે વૈકલ્પિક માર્ગ પણ ઉપલબ્ધ થયો છે. હવે કચ્છનાં પ્રવાસન સ્થળો અને ઉદયપુરનાં પ્રવાસન સ્થળો વચ્ચે પણ સીધી રેલ કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે. જેનાથી કચ્છ, ઉદયપુર, ચિત્તોડગઢ અને નાથદ્વારાનાં પ્રવાસન સ્થળોને મોટું પ્રોત્સાહન મળશે. તેમણે નોંધ્યું હતું કે, આ વિસ્તારના વેપારીઓને દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવાં મોટાં ઔદ્યોગિક કેન્દ્રો સાથે સીધાં જોડાણનો લાભ પણ મળશે. તેમણે જણાવ્યું હતું કે, "ખાસ કરીને હિંમતનગરના ટાઇલ્સ ઉદ્યોગને ઘણી મદદ મળશે." એ જ રીતે લુણીધર-જેતલસર રેલ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી દેવાતાં હવે ઢસા-જેતલસર સેક્શન પણ સંપૂર્ણપણે બ્રોડગેજમાં ફેરવાઈ ગયું છે. આ રેલ લાઈન બોટાદ, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી પસાર થાય છે જે અત્યાર સુધી મર્યાદિત રેલવે કનેક્ટિવિટી ધરાવતા હતા. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ લાઇન પૂર્ણ થવાથી હવે ભાવનગર અને અમરેલી વિસ્તારના લોકોને સોમનાથ અને પોરબંદર સાથે સીધી કનેક્ટિવિટીનો લાભ મળશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ માર્ગથી ભાવનગર-વેરાવળ વચ્ચેનું અંતર 470 કિલોમીટરથી ઘટીને 290 કિલોમીટરથી ઓછું થઈ જશે, જેથી મુસાફરીનો સમય 12 કલાકથી ઘટીને માત્ર સાડા છ કલાક થઈ જશે. તેવી જ રીતે ભાવનગર-પોરબંદર વચ્ચેનું અંતર લગભગ 200 કિલોમીટર જેટલું ઘટી ગયું છે અને ભાવનગર-રાજકોટ વચ્ચેનું અંતર આશરે 30 કિલોમીટર જેટલું ઘટી ગયું છે તેમ તેમણે જણાવ્યું હતું. બ્રોડગેજ રૂટ પર દોડતી ટ્રેનો ગુજરાતના ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપશે અને સાથે સાથે પ્રવાસનને સુલભ બનાવશે અને જે વિસ્તારોનો સંપર્ક કપાયો હતો તેને જોડશે. તેમણે જણાવ્યું હતું કે, "આજે એકતા દિવસના દિવસે આ પ્રોજેક્ટને સમર્પિત કરવાથી તે વધુ વિશેષ બને છે."
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ,'જ્યારે ડબલ એન્જિનની સરકાર કામ કરે છે, ત્યારે તેની અસર માત્ર બમણી જ નહીં, પરંતુ તે અનેકગણી હોય છે. અહીં એક અને એક સાથે મળીને ૨ નથી, પરંતુ ૧૧ ની શક્તિ ધારણ કરે છે." તેમણે આગળ કહ્યું, "ડબલ એન્જિનવાળી સરકાર સાથે ગુજરાતમાં કામની ગતિ તો વધી જ છે, પરંતુ તેને વિસ્તારવાની તાકાત પણ મળી છે." તેમણે નોંધ્યું હતું કે, વર્ષ 2009થી વર્ષ 2014 વચ્ચે 125 કિલોમીટરથી ઓછી રેલવે લાઇનને બમણી કરવામાં આવી હતી, ત્યારે વર્ષ 2014થી 2022 વચ્ચે સાડા પાંચસો કિલોમીટરથી વધારે રેલવે લાઇનને બમણી કરવામાં આવી છે. એ જ રીતે 2009થી 2014 વચ્ચે ગુજરાતમાં માત્ર 60 કિલોમીટરના ટ્રેકનું વિદ્યુતીકરણ થયું હતું. જ્યારે વર્ષ 2014થી 2022 વચ્ચે 1700 કિમીથી વધારે ટ્રેકનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, સ્કેલ અને સ્પીડમાં સુધારો કરવા ઉપરાંત ગુણવત્તા, સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતામાં પણ સુધારો થઈ રહ્યો છે. તેમણે દેશભરનાં રેલ્વે સ્ટેશનોની સ્થિતિમાં થયેલા સુધારા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "ગરીબ અને મધ્યમ વર્ગને એ જ વાતાવરણ આપવામાં આવી રહ્યું છે, જે એક સમયે સુખી સંપન્ન લોકો માટે જ સુલભ હતું." તેમણે કહ્યું હતું કે, "ગાંધીનગર સ્ટેશનની જેમ અમદાવાદ, સુરત, ઉધના, સાબરમતી, સોમનાથ અને નવા ભુજમાં રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યાં છે." ડબલ એન્જિનવાળી સરકારના કારણે જ જે સિદ્ધિઓ શક્ય બની છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ગાંધીનગર-મુંબઈ વચ્ચે શરૂ થયેલી નવી વંદે ભારત એક્સપ્રેસ સેવાનું ઉદાહરણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, પશ્ચિમ રેલવેના વિકાસને નવું પરિમાણ પ્રદાન કરવા માટે 12 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સની પણ યોજના છે. "વડોદરા સર્કલમાં પ્રથમ ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલ શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં બાકીનાં ટર્મિનલ્સ પણ તેમની સેવાઓ પ્રદાન કરવા માટે તૈયાર થઈ જશે, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આઝાદીના દાયકાઓ પછી અમીર-ગરીબ વચ્ચેનું અંતર, ગામ અને શહેર વચ્ચેની ખાઈ તથા અસંતુલિત વિકાસ દેશ માટે મોટો પડકાર રહ્યા છે. સરકાર આના ઉકેલ માટે કામ કરી રહી છે. 'સબકા વિકાસ'ની નીતિ મધ્યમ વર્ગને માળખાકીય સુવિધાઓ અને અન્ય સુવિધાઓની જોગવાઈ પર ભાર મૂકે છે અને ગરીબોને ગરીબી સામે લડવાનું સાધન આપે છે. તેમણે કહ્યું હતું કે, "પાકાં મકાનો, શૌચાલયો, વીજળી, પાણી, ગેસ, નિઃશુલ્ક સારવાર અને ગરીબો માટે વીમાની સુવિધાઓ, આજે સુશાસનની ઓળખ છે."
પ્રધાનમંત્રીએ દેશમાં કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના અભિગમમાં ધરખમ ફેરફારોની નોંધ લીધી હતી. હવે બિનઆયોજિત બાંધકામોની જગ્યાએ રેલવે, મેટ્રો અને બસ જેવી સુવિધાઓને જોડવાનો સંકલિત અભિગમ છે. તેમણે કહ્યું હતું કે, માર્ગો અને મોડ્સ વચ્ચે સમન્વય સાધવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. ગુજરાતની ઔદ્યોગિક પ્રકૃતિ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાતનાં બંદરો સશક્ત બને છે, ત્યારે તેની સીધી અસર સમગ્ર દેશનાં અર્થતંત્ર પર પડે છે. તેમણે જણાવ્યું હતું કે, "છેલ્લાં 8 વર્ષમાં ગુજરાતનાં બંદરોની ક્ષમતા લગભગ બમણી થઈ ગઈ છે." પ્રધાનમંત્રીએ વિકાસની પ્રક્રિયાની સતત પ્રકૃતિ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, "અમારો ઉદ્દેશ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનો છે."
સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની જન્મજયંતીએ બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે, દરેક ભારતીયને ભારતના પ્રથમ ગૃહ મંત્રીની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ રાજસ્થાન સરકાર દ્વારા મૂકવામાં આવેલી કેટલાંક ગુજરાતી અખબારોમાં પ્રકાશિત થયેલી કેટલીક જાહેરાતોમાં સરદાર પટેલનાં નામ અને ચિત્રની ગેરહાજરીની ટીકા કરી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, "સરદાર પટેલનું આવું અપમાન ક્યારેય સહન નહીં થાય, એ પણ ગુજરાતની ભૂમિમાં." પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "સરદાર પટેલની જેમ રેલવે પણ ભારતને જોડે છે અને આ પ્રક્રિયા ગતિ અને દિશા સાથે સતત આગળ વધે છે."
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ, સાંસદો અને રાજ્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પશ્ચાદભૂમિકા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં અસારવા ખાતે રૂ. 2900 કરોડથી વધુની કિંમતની બે રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં અમદાવાદ (અસારવા)-હિંમતનગર-ઉદયપુર ગેજ કન્વર્ટેડ લાઇન અને લુણીધર-જેતલસર ગેજ કન્વર્ટેડ લાઇન સામેલ છે. પ્રધાનમંત્રીએ ભાવનગર-જેતલસર અને અસારવા-ઉદયપુર વચ્ચે નવી ટ્રેનોને લીલી ઝંડી પણ આપી હતી.
સમગ્ર દેશમાં યુનિ-ગેજ રેલ વ્યવસ્થા ઊભી કરવાના હેતુથી રેલવે હાલની નોન-બ્રોડગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ જે પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું છે, તે આ દિશામાં વધુ એક પગલું છે. અમદાવાદ (અસારવા)-હિંમતનગર-ઉદયપુર ગેજ કન્વર્ટેડ લાઇન આશરે 300 કિમી લાંબી છે. તે કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને આ વિસ્તારમાં પ્રવાસીઓ, વેપારીઓ, ઉત્પાદન એકમો અને ઉદ્યોગો માટે ફાયદાકારક સાબિત થશે, જે બદલામાં રોજગારની તકોને વેગ આપશે અને આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસમાં મદદ કરશે. 58 કિલોમીટર લાંબી લુણીધર-જેતલસર ગેજ કન્વર્ટેડ લાઇન પીપાવાવ પોર્ટ અને ભાવનગર માટે વેરાવળ અને પોરબંદરથી ટૂંકો રૂટ પૂરો પાડશે. આ પ્રોજેક્ટથી આ વિભાગ પર નૂર વહન ક્ષમતામાં વધારો થશે, જેથી વ્યસ્ત કનાલુસ - રાજકોટ - વિરમગામ માર્ગની ભીડ ઓછી થશે. હવે તે ગીર અભયારણ્ય, સોમનાથ મંદિર, દીવ અને ગિરનાર પર્વતમાળા સાથે પણ અવિરત જોડાણની સુવિધા આપશે, જેથી આ વિસ્તારમાં પર્યટનને વેગ મળશે.
YP/GP/JD
(Release ID: 1872486)
Visitor Counter : 331
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam