પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો
"ફરજ અને જવાબદારીનો માર્ગ મને અહીં સુધી લાવ્યો છે પરંતુ મારું હૃદય મોરબીમાં થયેલી દુર્ઘટનાના પીડિતો સાથે જ છે"
"સમગ્ર દેશ સરદાર પટેલના દૃઢ સંકલ્પમાંથી પ્રેરણા લઇ રહ્યો છે"
"સરદાર પટેલની જન્મજયંતી અને એકતા દિવસ આપણા માટે માત્ર કેલેન્ડર પરની તારીખો જ નથી, પરંતુ તે ભારતની સાંસ્કૃતિક શક્તિની ભવ્ય ઉજવણી છે"
"ગુલામીની માનસિકતા, સ્વાર્થ, તુષ્ટિકરણ, ભાઇ-ભત્રીજાવાદ, લોભ અને ભ્રષ્ટાચાર દેશમાં ભાગલા પાડી શકે છે અને નબળો પાડી શકે છે"
"આપણે એકતાના અમૃતથી ભાગલાના ઝેરનો સામનો કરવાનો છે"
"જ્યારે કોઇપણ ભેદભાવ રાખ્યા વગર છેવાડાની વ્યક્તિ સુધી જોડાણ સ્થાપિત થાય છે, ત્યારે સરકારી યોજનાઓ ભારતના દરેક ભાગ સુધી પહોંચે છે"
"માળખાકીય સુવિધાઓ વચ્ચેનું અંતર જેટલું ઓછું હોય, એટલી જ એકતા વધુ મજબૂત બને છે"
"દેશની એકતા માટે પોતાના અધિકારોનું બલિદાન આપનારા રાજવી પરિવારોના બલિદાનને સમર્પિત એક સંગ્રહાલય એકતા નગર ખાતે બનાવવામાં આવશે"
Posted On:
31 OCT 2022 10:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આજે ઉજવાઇ રહેલા રાષ્ટ્રીય એકતા દિવસ સંબંધિત કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતી વખતે શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ ગઇકાલે મોરબીમાં બનેલી દુર્ઘટનાના ભોગ બનેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ભલે કેવડિયામાં છે પરંતુ તેમનું હૃદય મોરબીમાંમાં બનેલી દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો સાથે જોડાયેલું છે. તેમણે કહ્યું હતું કે, "એક તરફ, દુઃખથી ભરેલું હૃદય છે, જ્યારે બીજી તરફ કર્મ અને કર્તવ્યનો માર્ગ છે". તેમણે રેખાંકિત કર્યું કે, ફરજ અને જવાબદારીનો માર્ગ જ તેમને અહીં રાષ્ટ્રીય એકતા દિવસ પર લઇને આવ્યો છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે બનેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને હૈયાધારણ આપી હતી કે સરકાર પીડિતોના પરિવારો સાથે ખભાથી ખભો મિલાવીને ઊભી છે. રાજ્ય સરકાર હાલમાં બચાવ કાર્યમાં લાગી ગઇ છે અને કેન્દ્ર સરકાર દ્વારા શક્ય હોય તેવી દરેક મદદ પહોંચાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે સેના અને વાયુસેનાની ટીમો ઉપરાંત, બચાવ કામગીરીમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે જ્યારે ઇજાગ્રસ્તોની સારવાર કરતી હોસ્પિટલોને પણ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી બચાવ કામગીરી હાથ ધરવા માટે મોરબી પહોંચ્યા હતા અને ઘટનાઓની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ દેશના લોકોને ખાતરી આપી હતી કે, જ્યારે બચાવ કામગીરીની વાત આવે ત્યારે કોઇ ખામીઓ નહીં રહે. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અહીં પૂર્વનિર્ધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ 2022માં એકતા દિવસના મહત્વને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે "આ તે વર્ષ છે જ્યારે આપણે આપણી આઝાદીના 75 વર્ષ પૂરાં કર્યા છે અને આપણે નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છીએ." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક તબક્કે એકતા જરૂરી છે, પછી ભલે તે પરિવાર હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય. તેમણે ઉમેર્યું હતું કે, આ લાગણી સમગ્ર દેશમાં 75,000 એકતા દોડના સ્વરૂપે પ્રગટ થાય છે. તેમણે આગળ કહ્યું હતું કે, “સમગ્ર દેશ સરદાર પટેલના દૃઢ સંકલ્પમાંથી પ્રેરણા લઇ રહ્યો છે. દરેક નાગરિક દેશની એકતા માટે સંકલ્પ લઇ રહ્યો છે અને ‘પંચ પ્રણ’ને ઉજાગર કરી રહ્યો છે”.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જો આપણી સ્વતંત્રતાની લડાઇ સરદાર પટેલ જેવા નેતાઓના નેતૃત્વમાં ન હોત તો તે સમયની પરિસ્થિતિની કલ્પના કરવી પણ અઘરી છે. જો 550 થી વધુ રજવાડાઓનું વિલિનીકરણ ન થયું હોત તો શું થાત? પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે, “જો આપણા રજવાડાઓએ મા ભારતી માટે બલિદાન અને તેના શ્રદ્ધાની ઊંડી ભાવના ન દર્શાવી હોત તો, શું થયું હોત?” તેમણે ઉમેર્યું હતું કે, આ અશક્ય લાગતું કામ સરદાર પટેલે પૂર્ણ કર્યું હતું”. તેમણે કહ્યું હતું કે, “સરદાર પટેલની જયંતી અને એકતા દિવસ આપણા માટે માત્ર કેલેન્ડર પરની તારીખો જ નથી, પરંતુ તે ભારતની સાંસ્કૃતિક શક્તિની ભવ્ય ઉજવણી છે. ભારત માટે, એકતા ક્યારેય મજબૂરી રહી જ નથી, પરંતુ એ તો હંમેશા આપણા દેશની વિશેષતા રહી છે. “એકતા આપણી વિશિષ્ટતા રહી છે,” આ વાત ભારપૂર્વક કહેતા પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, ગઇ કાલે મોરબીમાં બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશ એક બનીને આગળ આવ્યો છે અને દેશના દરેક ભાગમાંથી લોકો પ્રાર્થના અને મદદ કરી રહ્યા છે. મહામારી સમય દરમિયાન, આ એકતા દવા, રાશન અને રસીમાં સહકાર માટે 'તાલી-થાળી'ની ભાવનાત્મક એકતામાં સંપૂર્ણપણે જોવા મળી હતી. આ જ ભાવના રમતગમતમાં મળતી સફળતાઓ અને તહેવારો દરમિયાન જોવા મળે છે અને જ્યારે આપણી સરહદો જોખમાય છે અને આપણા સૈનિકો તેનું રક્ષણ કરે છે ત્યારે જોવા મળે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ બધું ભારતની એકતાના ઊંડાણનું પ્રતીક છે. તેમણે પોતાની વાત ચાલુ રાખતા જણાવ્યું હતું કે, આ એકતા, સદીઓથી આક્રમણકારો માટે તેમના માર્ગમાં આવતો એક કાંટો રહી છે અને તેમણે ભાગલા પાડીને તેને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે. જો કે, તેમના કાવતરાઓને આપણી ચેતનામાં જીવંત પ્રવાહ તરીકે વહેતી એકતાના અમૃત દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા હતા. તેમણે દરેકને સતર્ક રહેવાનું કહ્યું હતું કારણ કે ભારતના વિકાસ અને પ્રગતિની ઇર્ષ્યા કરતી શક્તિઓ હજુ પણ સક્રિય છે અને જાતિ, પ્રદેશ, ભાષાના આધારે ભાગલાને વેગ આપવાના તેમના પ્રયાસો ચાલુ જ છે અને તેમજ ઇતિહાસને પણ ભાગલાકારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમણે ગુલામીની માનસિકતા, સ્વાર્થ, તુષ્ટિકરણ, ભાઇ-ભત્રીજાવાદ, લોભ અને ભ્રષ્ટાચાર સામે સૌને ચેતવ્યા હતા, જે દેશમાં ભાગલાનું કારણ શકે છે અને દેશને નબળો પાડી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, "આપણે એકતાના અમૃતથી ભાગલાના ઝેરનો સામનો કરવો પડશે".
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "એકતા દિવસના અવસર પર, હું સરદાર સાહેબ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીનો પુનરોચ્ચાર કરવા માગું છું." તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રની એકતાને મજબૂત કરવાની જવાબદારી નાગરિકોની છે અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશનો દરેક નાગરિક જવાબદારીની ભાવના સાથે ફરજો નિભાવવા તૈયાર થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ જવાબદારીની ભાવના સાથે, સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ એક વાસ્તવિકતા બનશે અને ભારત વિકાસના માર્ગ પર આગેકૂચ કરશે." તેમણે જણાવ્યું હતું કે, સરકારની નીતિઓ કોઇપણ ભેદભાવ વિના દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચી રહી છે. આ અંગે ઉદાહરણ આપતાં, પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, અરુણાચલ પ્રદેશના સિયાંગના લોકોને પણ ગુજરાતના સુરતમાં રહેતા લોકોની જેટલી જ સરળતાથી રસી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. AIIMS જેવી તબીબી સંસ્થાઓ હવે માત્ર ગોરખપુરમાં જ નહીં પરંતુ બિલાસપુર, દરભંગા, ગુવાહાટી, રાજકોટ અને દેશના અન્ય ભાગોમાં પણ મળી શકે છે. તેમણે માહિતી આપી હતી કે, માત્ર તમિલનાડુમાં જ નહીં પરંતુ ઉત્તરપ્રદેશમાં પણ સંરક્ષણ કોરિડોરના વિકાસનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભલે વિવિધ પ્રદેશોમાં જુદી જુદી ભાષાઓ બોલવામાં આવતી હોય, પરંતુ કતારમાં રહેલી છેલ્લી વ્યક્તિ સાથે પણ જોડાણ સ્થાપિત કરવાથી સરકારી યોજનાઓનો લાભ ભારતના દરેક ભાગમાં પહોંચી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ કેવી રીતે આપણા દેશના લાખો લોકો મૂળભૂત જરૂરિયાતો મેળવવા માટે દાયકાઓ સુધી પ્રતિક્ષા કરતા રહ્યા તે બાબત પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "માળખાકીય સુવિધાઓ વચ્ચેનું અંતર જેટલું ઓછું હોય, એકતા એટલી જ મજબૂત બને છે". તેમણે નોંધ્યું હતું કે, ભારત દરેક યોજનાનો લાભ દરેક લાભાર્થીને પહોંચે તેવા હેતુ સાથે સંતૃપ્તિના સિદ્ધાંત પર કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ સૌના માટે ઘર, બધા માટે ડિજિટલ કનેક્ટિવિટી, બધા માટે સ્વચ્છ રસોઇ અને સૌના માટે વીજળી જેવી યોજનાઓના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, 100% નાગરિકો સુધી પહોંચવાનું મિશન માત્ર સમાન સુવિધાઓ સુધી જ સિમિત નથી પરંતુ સંયુક્ત લક્ષ્યો, સંયુક્ત વિકાસ અને સંયુક્ત પ્રયાસોના સમાન હેતુ પર પણ તેમાં ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું, કે જીવનની મૂળભૂત આવશ્યકતાઓ દેશ અને બંધારણમાં સામાન્ય માણસની આસ્થાનું માધ્યમ બની રહી છે અને સામાન્ય માણસના વિશ્વાસ માટે પણ તે એક માધ્યમ તરીકે કામ કરી રહી છે. ભારત માટેની સરદાર પટેલની દૂરંદેશી અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “દરેક ભારતીયને સમાન તકો મળશે, અને દરેકમાં સમાનતાની ભાવના જાગશે. આજે દેશ એ જ દૂરંદેશીને સાકાર થતી જોઇ રહ્યો છે.”
દાયકાઓથી ઉપેક્ષિત રહ્યા હોય તેવા દરેક વર્ગને છેલ્લા 8 વર્ષમાં દેશે પ્રાધાન્ય આપ્યું છે તે વાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસીઓના ગૌરવને યાદ કરવા માટે દેશે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીની પરંપરા શરૂ કરી છે. આ અંગે પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશના ઘણા રાજ્યોમાં આદિવાસી સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને માનગઢ ધામ અને જાંબુઘોડાનો ઇતિહાસ જાણવાનો આગ્રહ કર્યો હતો અને જણાવ્યું હતું કે વિદેશી આક્રમણકારો દ્વારા કરવામાં આવેલા અનેક નરસંહારોનો સામનો કર્યા પછી આપણને આઝાદી મળી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "તે પછી જ આપણે સ્વતંત્રતાના મૂલ્ય અને એકતાના મૂલ્યને સમજી શકીશું."
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે એકતા નગર ભારતના એક મોડેલ શહેર તરીકે વિકાસ પામી રહ્યું છે જે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં અભૂતપૂર્વ હશે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, લોકો અને શહેરની એકતા જ લોકભાગીદારીની શક્તિથી વિકાસ પામી રહી છે અને તેને માત્ર ભવ્ય જ નહીં પરંતુ દૈવી દૃષ્ટિકોણ પણ આપે છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રૂપમાં વિશ્વની સૌથી મોટી પ્રતિમાના નિર્માણની પ્રેરણા આપણી વચ્ચે છે".
એકતા નગરના વિકાસના મોડલ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરની ચર્ચા ત્યારે કરવામાં આવશે જ્યારે લોકો પર્યાવરણને અનુકૂળ મોડલ, દેશને પ્રકાશિત કરતા LED સાથેના વીજળી બચાવવાના મોડલ, સોલર શક્તિ પર ચાલતી સ્વચ્છ પરિવહન વ્યવસ્થાના મોડલ અને પ્રાણીઓ તેમજ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓના સંરક્ષણના એક મોડેલ વિશે વાત કરશે. પ્રધાનમંત્રીએને ગઇ કાલે અહીં મિયાવાકી ફોરેસ્ટ અને મેઝ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો તેને યાદ કર્યા હતા. તેમણે રેખાંકિત કર્યું કે એકતા મોલ, એકતા નર્સરી, વિવિધતામાં એકતા દર્શાવતા વિશ્વ વન, એકતા ફેરી, એકતા રેલવે સ્ટેશન અને આ તમામ પહેલ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે પ્રેરણારૂપ છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં આઝાદી પછી દેશની એકતામાં સરદાર સાહેબે નિભાવેલી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સદીઓથી સત્તાનું સુકાન સંભાળનારા રાજવી પરિવારોએ સરદાર પટેલના પ્રયાસોને કારણે દેશની એકતા માટે નવી વ્યવસ્થાના નિર્માણ માટે પોતાના અધિકારોનું બલિદાન આપ્યું હતું. આઝાદી પછીના દાયકાઓ સુધી તેમણે આપેલા આ યોગદાનની ઉપેક્ષા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ સમાપન કરતા જણાવ્યું હતું કે, “હવે એકતા નગરમાં તે રાજવી પરિવારોના બલિદાનને સમર્પિત એક સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે. આ સંગ્રહાલય દેશની એકતા માટે બલિદાનની પરંપરાને નવી પેઢીઓ સુધી પહોંચાડશે”.
પૃષ્ઠભૂમિ
પ્રધાનમંત્રીની દૂરંદેશી પરથી પ્રાપ્ત થયેલા માર્ગદર્શન હેઠળ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવવા અને મજબૂત કરવાના આપણા સમર્પણને વધુ મજબૂત કરવા માટે 2014માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી એટલે કે 31 ઓક્ટોબરને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. આથી, પ્રધાનમંત્રી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ઉજવણી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ યોજાઇ હતી, જેમાં BSF અને પાંચ રાજ્ય પોલીસ દળોની ટુકડીઓ, જેમાં ઉત્તર ઝોન (હરિયાણા), પશ્ચિમ ઝોન (મધ્યપ્રદેશ), દક્ષિણ ઝોન (તેલંગાણા), પૂર્વીય ઝોન (ઓડિશા) અને નોર્થ ઇસ્ટર્ન ઝોન (ત્રિપુરા)ની ટુકડીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. તે ઉપરાંત, કોમનવેલ્થ ગેમ્સ 2022ના છ પોલીસ સ્પોર્ટ્સ મેડલ વિજેતાઓ પણ પરેડમાં ભાગ લીધો હતો.
.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1872199)
Visitor Counter : 231
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam