પ્રધાનમંત્રીનું કાર્યાલય

મધ્ય પ્રદેશમાં પીએમએવાય-જીના 4.5 લાખથી વધુ લાભાર્થીઓના 'ગૃહ પ્રવેશમ્‌' દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 22 OCT 2022 7:36PM by PIB Ahmedabad

નમસ્કાર,

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણજી, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, પંચાયતના સભ્યો, અન્ય તમામ મહાનુભવો અને મધ્ય પ્રદેશનાં મારાં ભાઈઓ અને બહેનો,

સૌથી પહેલા આપ સૌને ધનતેરસ અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધનતેરસ અને દીપાવલીનો આ પ્રસંગ એવો હોય છે કે, આપણે એક નવી શરૂઆત કરીએ છીએ. ઘરમાં નવું રંગરોગાન કરાવીએ, નવાં વાસણો લાવીએ છીએ, કંઈક નવું ઉમેરીએ છીએ, નવા સંકલ્પો પણ લઈએ છીએ. એક નવી શરૂઆત કરીને, આપણે જીવનમાં નવીનતા ભરીએ છીએ, સુખ અને સમૃદ્ધિ માટે એક નવાં દ્વાર ખુલી જાય છે. આજે મધ્ય પ્રદેશનાં સાડા ચાર લાખ ગરીબ ભાઈ-બહેનો માટે એક નવાં જીવનની શરૂઆત થઈ રહી છે. આજે આ તમામ સાથીઓ પોતાનાં નવાં અને પાકાં ઘરમાં ગૃહપ્રવેશ કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે ધનતેરસના દિવસે કાર અને ઘર જેવી મોટી અને મોંઘી પ્રોપર્ટી ખરીદવા માટે એ લોકો જ સક્ષમ હતા, જેમની પાસે માટે સંસાધન હોય, પૈસા હોય, એમના માટે જ ધનતેરસ રહેતી હતી. પરંતુ આજે જુઓ, ધનતેરસે દેશના ગરીબ પણ ગૃહપ્રવેશ કરી રહ્યા છે. આજે હું ખાસ કરીને મધ્ય પ્રદેશની એ લાખો બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, જેઓ આજે પોતાનાં ઘરના માલિક બન્યાં છે, લાખો રૂપિયાનાં બનેલાં ઘરે તમને લખપતિ બનાવી દીધાં છે.

ભાઇઓ અને બહેનો,

હું તકનીકીનાં માધ્યમથી સામે બેઠેલા અમર્યાદિત આકાંક્ષાઓથી ભરેલા અગણિત લોકોને જોઈ શકું છું. પહેલાં આ આકાંક્ષાઓ, આ સપનાંઓ સામે આવતાં જ નહોતાં, કારણ કે ઘર વિના આ લાગણીઓ દબાઈ જતી, છુપાયેલી રહેતી, મૂરઝાઈ જતી હતી. હું માનું છું કે, હવે જ્યારે આ સાથીઓને આ નવાં ઘર મળી ગયાં છે, ત્યારે તેમનાં સપનાંઓને સાકાર કરવાની નવી તાકાત પણ તેમને મળી છે. તેથી આ દિવસ માત્ર ગૃહ પ્રવેશનો જ દિવસ નથી, પરંતુ ઘરમાં ખુશીઓ, ઘરમાં નવા સંકલ્પો, નવાં સપનાં, નવા ઉમંગ, નવા ભાગ્ય પ્રવેશનો પણ દિવસ છે.

આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે પાછલાં 8 વર્ષોમાં તે પીએમ આવાસ યોજના હેઠળ સાડા ત્રણ કરોડ ગરીબ પરિવારોનાં જીવનનું સૌથી મોટું સપનું પૂરું કરવામાં સફળ રહી છે. અને એવું પણ નથી કે અમે એમ જ ઘર બનાવીને આપી દીધાં, ચાર દિવાલો ઊભી કરીને આપી દીધાં. અમારી સરકાર ગરીબોને સમર્પિત છે, ગરીબની છે, તેથી ગરીબની ઇચ્છા, તેમનું મન, તેમની જરૂરિયાતોને સૌથી વધુ સમજે છે. અમારી સરકાર જે ઘર આપે છે ને, તેની સાથે અન્ય સુવિધાઓ પણ આવે છે. શૌચાલય હોય, વીજળી હોય, પાણી હોય, ગેસ હોય, સરકારની વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં આ કરોડો ઘરોને સંપૂર્ણ બનાવે છે.

સાથીઓ,

તમારી સાથે વાત કરતી વખતે, મને અગાઉની સ્થિતિ પણ યાદ આવે છે, પહેલાં જો ઘર ગરીબો માટે જાહેર કરવામાં આવતું પણ હતું, તો પણ તેણે શૌચાલય અલગથી બનાવવું પડતું હતું. વીજળી, પાણી અને ગેસ કનેક્શન માટે વિવિધ સરકારી કચેરીઓનાં અનેક વખત ચક્કર લગાવવાં પડતાં હતાં. અગાઉની સરકારોમાં આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગરીબોએ ઘણી કચેરીઓમાં લાંચ પણ આપવી પડતી હતી. એટલું જ નહીં, અગાઉ ગરીબોના નામે ઘરોની જાહેરાત તો થઈ જતી હતી, પછી સરકાર કહેતી હતી કે આવું ઘર બનશે, તે જ હુકમ કરતી હતી. તે જ નક્શો આપી દેતી હતી, તમારે અહીંથી જ માલ લેવાનો છે, આ જ સામાન લેવાનો છે. જેને પણ તે ઘરમાં રહેવાનું હોય છે ને, અરે તેની કોઇ પસંદ હોય છે, નાપસંદ હોય છે, તેની પોતાની સામાજિક પરંપરાઓ હોય છે, તેની પોતાની એક રહેણી-કરણી હોય છે. તેને કોઇ પૂછતું જ ન હતું. આ જ કારણ છે કે પહેલા જે થોડાં ઘણાં ઘર બનતાં પણ હતાં, તેમાંથી ઘણાંમાં ક્યારેય ગૃહપ્રવેશ જ થઈ શકતો ન હતો. પરંતુ અમે આ સ્વતંત્રતા ઘરની માલકણને, ઘરના માલિકને આપી દીધી. એટલે આજે પીએમ આવાસ યોજના મહાન સામાજિક-આર્થિક પરિવર્તનનું માધ્યમ બની રહી છે.

ભાઇઓ અને બહેનો,

ઘણીવાર આપણે જોઈએ છીએ કે એક પેઢી તેની અર્જિત કરેલી સંપત્તિ આગામી પેઢીને સોંપી દે છે. આપણે ત્યાં પાછલી સરકારોની ખોટી નીતિઓનાં કારણે લોકોને મજબૂરીમાં આવાસહીનતા પણ આવનારી પેઢીને સોંપવી પડતી હતી. અને જે સંતાન પેઢીઓના આ વિષચક્રને તોડતું હતું એના ખૂબ જ ગુણગાન  અને ગૌરવગાન થતાં હતાં. મારું સૌભાગ્ય છે કે, દેશના એક સેવકનાં રૂપમાં, દેશની કરોડો માતાઓના સંતાનનાં રૂપમાં મને આપણા કરોડો ગરીબ પરિવારોને આ વિષચક્રમાંથી બહાર લાવવાનો મોકો મળ્યો છે. અમારી સરકાર દરેક ગરીબને તેની પાકી છત આપવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. એટલા માટે આજે આટલી મોટી સંખ્યામાં ઘર બની રહ્યાં છે. મધ્યપ્ર દેશમાં પણ પીએમ આવાસ યોજના હેઠળ લગભગ 30 લાખ ઘરોનું નિર્માણ થઈ ચૂક્યું છે. હાલ 9-10 લાખ ઘરો પર કામ ચાલી રહ્યું છે.

સાથીઓ,

લાખોની સંખ્યામાં બનતાં આ ઘર દેશના ખૂણે ખૂણે રોજગારીની તકોનું સર્જન પણ કરી રહ્યાં છે. આજે સવારે જ્યારે હું રોજગાર મેળાના કાર્યક્રમમાં હતો. તેથી મેં ખાસ કહ્યું હતું કે હું સાંજે એક ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં જવાનો છું, અને એની સાથે પણ રોજગાર કેવી રીતે જોડાયેલ છે એ હું સંપૂર્ણ રીતે કહેવાનો છું.

સાથીઓ,

તમે પણ જાણો છો કે જ્યારે ઘર બને છે, ત્યારે બાંધકામ સાથે સંકળાયેલ સામગ્રીની માગ વધે છે, જેમ કે ઇંટ, સિમેન્ટ, રેતી, કપચી, સ્ટીલ, પેઇન્ટ, ઇલેક્ટ્રિકલ સામાન, શૌચાલયની સીટ, નળ-પાઇપ, આ બધી વસ્તુઓની માગ વધે છે. જ્યારે આ માગ વધે છે, ત્યારે આ સામગ્રીઓ બનાવતી ફેક્ટરીઓ વધુ લોકોને રાખે છે, વધુ ટ્રાન્સપોર્ટવાળાની જરૂર પડે છે અને તેમને  લગાવે છે. જે દુકાનોમાં આ માલ વેચાય છે ત્યાં પણ લોકોને રોજગારી મળે છે. અને સતનાથી વધુ સારી રીતે તેને કોણ સમજી શકે છે. સતના તો ચૂનાના પથ્થર માટે, સિમેન્ટ માટે પણ જાણીતું છે. જ્યારે ઘર બને છે ત્યારે સતનાની સિમેન્ટની માગ પણ વધી જાય છે. ઘર બનાવવાનાં કામ સાથે સંકળાયેલા કામદારો, કડિયા, સુથાર, પ્લમ્બર, રંગારા, ફર્નિચર બનાવનારાઓ એમને પણ ઘણું કામ મળે છે. મને જણાવવામાં આવ્યું છે કે, મધ્ય પ્રદેશમાં જ 50,000થી વધારે કડિયાઓને તાલીમ આપવામાં આવી છે. તેમાંથી આપણી 9-10 હજાર માતાઓ અને બહેનો લોકો તેમને રાજમિસ્ત્રી- કડિયા પણ કહે છે, લોકો તેમને રાનીમિસ્ત્રી પણ કહે છે. એટલે કે પીએમ આવાસ યોજનાનાં માધ્યમથી આપણી બહેનોને એક નવી કળા, રોજગારની નવી તકો સાથે જોડવાનું કેટલું મોટું કામ થઈ રહ્યું છે. બાકી પહેલાં તો બાંધકામનાં ક્ષેત્રમાં બહેનોને માત્ર અનસ્કિલ્ડ લેબર એટલે કે અકુશળ શ્રમિક જ ગણવામાં આવતી હતી. મધ્ય પ્રદેશમાં જ અત્યાર સુધી આ ઘરોનાં નિર્માણ પાછળ 22 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. હવે તમે પણ વિચારી શકો છો કે 22 હજાર કરોડ ગયા ક્યાં? ઘર તો બન્યું પણ જે પૈસાથી ઘર બન્યું તે મધ્ય પ્રદેશનાં અલગ અલગ કામોમાં ગયા, લોકોનાં ઘરે ગયા, લોકોની દુકાન ચલાવનારાને મળ્યા, કારખાના ચલાવનારા લોકોને મળ્યા જેથી લોકોની આવક વધે. કહેવાનો અર્થ એ છે કે આ ઘરો દરેક માટે પ્રગતિ લાવી રહ્યાં છે. જેમને ઘર મળે છે તેઓ પણ પ્રગતિ કરે છે અને જે ગામમાં ઘરો બાંધવામાં આવે છે તે ગામલોકોની પણ પ્રગતિ થાય છે.

ભાઇઓ અને બહેનો,

પાછલી સરકારો અને આપણી સરકાર વચ્ચે એક બહુ મોટો તફાવત છે. પહેલાંની સરકારો ગરીબોને તરસાવતી હતી, તેમને તેમની ઑફિસોનાં  આંટાફેરા લગાવડાવતી હતી. અમારી સરકાર ગરીબો સુધી જાતે પહોંચી રહી છે, દરેક યોજનાનો લાભ ગરીબો સુધી પહોંચે તે માટે એક અભિયાન ચલાવી રહી છે. આજે આપણે સંતૃપ્તિની વાત કરી રહ્યા છીએ એટલે કે, જનકલ્યાણની દરેક યોજનાનો લાભ 100 ટકા લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચે? કોઈ ભાઇ-ભતીજાવાદ-સગાંવાદ નથી, કોઇ તારું-મારું નથી, આને આપવાનું છે, આને નથી આપવાનું, કંઇ જ નથી, જેનો હક છે સૌને આપવાનું છે. દરેકને પાકું ઘર ઝડપથી મળે. ગેસ હોય, વીજળીનું જોડાણ હોય, પાણીનું જોડાણ હોય, આયુષ્માન ભારત અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર હોય, આ દરેકને ઝડપથી મળે. દરેકને સારા રસ્તાઓ, સારી શાળાઓ અને કૉલેજો અને સારી હૉસ્પિટલોની સુલભતા હોવી જોઈએ. ઓપ્ટિકલ ફાઇબર્સ ગામડે-ગામડે ઝડપથી પહોંચી ગયા. અમે આ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. આખરે, અમને આટલી ઉતાવળ શા માટે છે, તેના માટે આટલી બધી અધીરાઈ શા માટે છે? આની પાછળ ભૂતકાળનો એક મોટો પાઠ છે. આવી તમામ પાયાની સુવિધાઓ છેલ્લા ઘણા દાયકાઓથી લટકતી રાખવામાં આવી હતી. દેશની ખૂબ મોટી વસ્તી આ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરતી હતી. તેની પાસે બાકીની બાબતો વિશે વિચારવાનો પણ સમય નહોતો. તેથી, ગરીબી દૂર કરવાનાં દરેક વચન, દરેક દાવા, તે ફક્ત રાજકારણના દાવા જ રહેતા હતા. તે કોઇને કામ ન આવ્યા. સેનાપતિ ગમે તેટલો સ્ફૂર્તિવાળો કેમ ન હોય, પરંતુ જો સૈનિકો પાસે લડવાની પાયાની સુવિધાઓ જ ન હોય તો યુદ્ધ જીતવું અશક્ય હોય છે. એટલા માટે અમે ગરીબીને પરાસ્ત કરવા માટે, ગરીબીમાંથી બહાર નીકળવા માટે અમે મૂળભૂત સુવિધાઓ સાથે દેશના દરેક નાગરિકને ઝડપથી જોડવાનું નક્કી કર્યું. હવે સુવિધાઓથી સજ્જ થઈને ગરીબો ઝડપથી પોતાની ગરીબી ઓછી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અને તેથી હું તો તમને કહીશ કે આ ઘર જે તમને આપવામાં આવ્યું છે. તે માત્ર રહેવા, ખાવા પીવા, સૂવાની જગ્યા છે એવું નથી. હું તો કહું છું કે આપનું ઘર એક એવો કિલ્લો છે, જે ગરીબીને ઘૂસવા દેશે નહીં, થોડી ગરીબી બાકી છે, તે પણ કાઢીને રહેશો એવો કિલ્લો છે આ તમારું ઘર.

ભાઇઓ અને બહેનો,

છેલ્લા ઘણા મહિનાઓથી કેન્દ્ર સરકાર 80 કરોડથી વધુ દેશવાસીઓને મફત રાશન આપી રહી છે જેથી તેમને વૈશ્વિક મહામારીના સમયમાં ભૂખમરાનો સામનો ન કરવો પડે. આ માટે કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પાછળ 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી ચૂકી છે. અને હું તમને એક બીજી વાત કહેવા માગું છું. દેશની તિજોરી ભરતા , કર આપતા કરદાતાને જ્યારે એવું લાગે છે કે તેના પૈસા યોગ્ય જગ્યાએ ખર્ચાઈ રહ્યા છે, ત્યારે કરદાતા પણ ખુશ થાય છે, સંતુષ્ટ થાય છે અને વધુ ટેક્સ ભરતા રહે છે. આજે દેશના કરોડો કરદાતાઓને એ સંતોષ છે કે તેઓ કોરોના કાળમાં કરોડો લોકોનાં પેટ ભરવામાં મદદ કરીને કેટલી મોટી સેવાનું કામ કરી રહ્યા છે. આજે જ્યારે હું ચાર લાખ ઘર આપી રહ્યો છું ને તો દરેક કરદાતા વિચારતો હશે કે ચાલો હું તો દિવાળી મનાવી રહ્યો છું, પરંતુ મધ્યપ્ર દેશનો મારો કોઇ ગરીબ ભાઈ પણ સારી દિવાળી મનાવી રહ્યો છે, તેને પાકું ઘર મળી રહ્યું છે. તેની દીકરીનું જીવન સુખી બની જશે.

પરંતુ સાથીઓ,

જ્યારે એ જ કરદાતા જુએ છે કે તેની પાસેથી ઉઘરાવેલા નાણાંમાં મફતની રેવડીનું વિતરણ થઈ રહ્યું છે, ત્યારે કરદાતા સૌથી વધુ દુ:ખી થાય છે. આજે આવા અનેક કરદાતાઓ મને ખુલીને પત્રો લખી રહ્યા છે. મને ખુશી છે કે દેશનો એક મોટો વર્ગ દેશને રેવડી સંસ્કૃતિથી મુક્ત કરવા માટે કમર કસી રહ્યો છે.

સાથીઓ,

અમારી સરકારનું લક્ષ્ય, નાગરિકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની સાથે સાથે ગરીબો, મધ્યમ વર્ગના પૈસા બચાવવાનું પણ છે. આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 4 કરોડ ગરીબ દર્દીઓ મફત સારવાર લઈ ચૂક્યા છે. જેનાથી આ તમામ પરિવારોના હજારો કરોડ રૂપિયાની બચત થઈ છે, જે સરકારે વહન કર્યા છે. કોરોના કાળમાં સરકારે મફત રસીકરણ પાછળ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જેથી અચાનક આવેલી આ ગંભીર બીમારીની વિપત્તિને કારણે ગરીબ, મધ્યમ વર્ગને ખિસ્સામાંથી ખર્ચ કરવો ન પડે, લોન લેવી ન પડે. પહેલા કોરોના આવ્યો, પછી દુનિયામાં લડાઈ આવી ગઈ, જેનાં કારણે આજે આપણે દુનિયામાંથી મોંઘાં ખાતર ખરીદવાં પડે છે. યુરિયા, જેની કિંમત આજે 2,000 રૂપિયાથી વધુ છે, તે અમે ખેડૂતોને માત્ર 266 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. 2,000 રૂપિયાની બેગ 300 રૂપિયાથી ઓછી કિંમતમાં આપી દઈએ છીએ. આ વર્ષે સરકાર તેની પાછળ 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહી છે, જેથી ખેડૂતો પર બોજો ન પડે. કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ પણ ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે. તમે જોયું હશે કે, જે 16,000 કરોડ રૂપિયાનો હપ્તો કેટલાક દિવસો પહેલા મોકલવામાં આવ્યો હતો, તે દરેક લાભાર્થી ખેડૂત સુધી તરત જ પહોંચી ગયો. હાલ અમારી સરકાર દ્વારા ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરવામાં આવી છે. અને જ્યારે વાવણીનો સમય હોય, ખેડૂતને ખાતરની, દવાઓની જરૂર હોય ત્યારે આ સહાય પહોંચી છે. ખેડૂતો પાક વેચે તો પૈસા પણ સીધા બૅન્ક ખાતામાં આવે છે. મનરેગાના પૈસા પણ સીધા બૅન્ક ખાતામાં જમા થાય છે. એટલે સુધી કે આપણી સગર્ભા માતાઓને સારા ખોરાકની જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે માતૃવંદના યોજનાના હજારો રૂપિયા પણ સીધા તેમના સુધી પહોંચે છે.

ભાઇઓ અને બહેનો,

જો સરકાર આજે આ બધું કરી શકી છે તો તેની પાછળનું સૌથી મોટું કારણ સેવાભાવ છે, આપ સૌ પ્રત્યે સમર્પણ અને કોઈ અમારી ગમે તેટલી ટીકા કરે, પરંતુ અમે ગરીબોનું ભલું કરવાની રાજકીય ઇચ્છાશક્તિ સાથે, તમારાં આશીર્વાદ સાથે સમર્પણભાવ સાથે આગળ વધી રહ્યા છીએ. એટલા માટે આજે આટલા મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણા વૈજ્ઞાનિકો, આપણા યુવાનો જે પણ નવી ટેકનોલોજી શોધી કાઢે છે, તેનો ઉપયોગ સામાન્ય માનવીનાં જીવનને સરળ બનાવવા માટે થઈ રહ્યો છે. આજે જુઓ, ગામડાંઓમાં ડ્રોનથી ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. પહેલા જે કામ તલાટી કરતા હતા, મહેસૂલ વિભાગના કર્મચારીઓ કરતા હતા, હવે એ જ કામ ટેકનોલોજીથી ડ્રોન આવીને કરી દે છે. દેશમાં સૌ પ્રથમવાર સ્વામિત્વ યોજનાથી ગામડાંનાં ઘરોના નકશા બનાવવામાં આવી રહ્યા છે અને ગ્રામજનોને માલિકીનાં પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યાં છે. જેથી કોઈ સીમા વિવાદ ન થાય, મકાન પર કોઈ ગેરકાયદે કબજો ન લઈ શકે અને જરૂર પડે તો બૅન્કોમાંથી લોન પણ મળી શકે. તેવી જ રીતે ખેતીમાં પણ ડ્રોનનો મોટાપાયે ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ખેડૂત ડ્રોનની સુવિધા આપવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા અમે ખેડૂતો માટે એક બહુ મોટું પગલું ભર્યું છે. દેશભરમાં જે લાખો ખાતરની દુકાનો છે તેને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહી છે. હવે ખેડૂતોને આ ખેડૂત કેન્દ્રો પર એક જ જગ્યાએ તેમની જરૂરિયાતની દરેક વસ્તુ મળશે. ઘણાં કૃષિ ઉપકરણો, ભવિષ્યમાં, ડ્રોન પણ આ કેન્દ્રો પર ભાડા પર ઉપલબ્ધ થશે. યુરિયાને લઈને પણ ખૂબ મોટું પગલું ભરવામાં આવ્યું છે. કઈ કંપનીનું યુરિયા લેવું, કયું ન લેવું આ મુશ્કેલીમાંથી હવે ખેડૂતને મુક્તિ મળી ગઈ છે. હવે દરેક ખાતર ભારત નામે જ મળશે. તેમાં કિંમત પણ સ્પષ્ટ રીતે લખવામાં આવી છે. જેટલી કિમત લખી છે, એથી વધારે ખેડૂતને આપવાની જરૂર નથી. મને વિશ્વાસ છે કે આવા પ્રયાસોથી ખેડૂત, ગરીબોનું જીવન સરળ બનશે. આપણે સૌ વિકસિત ભારતનાં નિર્માણમાં મંડ્યા રહીશું. હું ફરી એકવાર આપ સહુ લાભાર્થીઓને તમારાં પોતાનાં પાકાં ઘર માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને હું કલ્પના કરી શકું છું કે તમે કેટલા ખુશ છો. પોતાનું ઘર, ત્રણ-ત્રણ, ચાર પેઢી ગઈ હશે, ક્યારેય પોતાનાં ઘરમાં દિવાળી ઉજવી નહીં હોય. આજે જ્યારે તમે તમારાં બાળકો સાથે તમારાં ઘરમાં ધનતેરસ અને દીપાવલીની ઉજવણી કરી રહ્યા છો, ત્યારે દીવાનો આ પ્રકાશ તમારાં જીવનમાં એક નવો પ્રકાશ લાવશે, હું તમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. પરમાત્માનાં આશીર્વાદ આપ પર કાયમ રહે અને આ નવું ઘર તમારા માટે નવી પ્રગતિનું કારણ બને એ જ મારી શુભકામના છે. તમારો ખૂબ ખૂબ આભાર.

YP/GP/JD



(Release ID: 1870483) Visitor Counter : 202