પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગુજરાતના આમોદ ખાતે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Posted On:
10 OCT 2022 6:34PM by PIB Ahmedabad
ભારત માતા કી – જય,
ભારત માતા કી – જય,
મંચ પર બિરાજમાન ગુજરાતના મૃદુ અને મક્કમ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઇ પટેલ. 2019ની ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ મતોથી જીતનારા અને એક નવો કીર્તિમાન સ્થાપિત કરનારા સંસદમાં મારા સાથી સી.આર. પાટીલ, કેન્દ્રમાં મંત્રીમંડળના મારા સાથી અને ગુજરાતના જ પુત્ર શ્રી મનસુખભાઈ માંડવિયા, મંચ પર બિરાજમાન ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા આવેલાં મારા વ્હાલાં ભાઈઓ-અને બહેનો,
સાથીઓ,
આજે સવારે જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે મને એક દુઃખદ સમાચાર પણ મળ્યા હતા. આજે મુલાયમસિંહ યાદવજીનું નિધન થયું છે. મુલાયમ સિંહ યાદવજીનું નિધન દેશ માટે બહુ મોટી ખોટ છે. મુલાયમસિંહજી સાથેનો મારો સંબંધ ખૂબ જ ખાસ પ્રકારનો રહ્યો છે. જ્યારે અમે મુખ્યમંત્રી તરીકે મળતા હતા. તેમને પણ અને મને પણ બેઉ પ્રત્યે એક પોતીકાંપણાંનો ભાવ અનુભવ થતો હતો અને 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને 2014ની ચૂંટણી માટે પ્રધાનમંત્રી પદ માટે આશીર્વાદ આપ્યા ત્યારે મેં વિપક્ષમાં પણ જે લોકો હતા. જેમની સાથે હું પહેલેથી જ પરિચિત હતો. એવા કેટલાક મહાનુભાવોને જે દેશના વરિષ્ઠ રાજકારણીઓ હતા, રાજકીય રીતે અમારા વિરોધી હતા. પરંતુ એ બધાને ફોન કરીને આશીર્વાદ લેવાનો ઉપક્રમ મેં બનાવ્યો હતો અને મને યાદ છે કે તે દિવસે મુલાયમસિંહજીના એ આશીર્વાદ, કેટલીક સલાહના બે શબ્દો, તે આજે પણ મારા માટે કિમતી છે, અને મુલાયમસિંહજીની વિશેષતા એ હતી કે 2013માં તેમણે મને જે આશીર્વાદ આપ્યા હતા એમાં ક્યારેય ઉતાર ચઢાવ આવવા દીધો નહીં. ઉગ્ર રાજકીય વિરોધની વાતો વચ્ચે પણ જ્યારે 2019માં સંસદનું છેલ્લું સત્ર હતું, ગત લોકસભાનું અને સંસદની અંદર મુલાયમસિંહજી જેવા વરિષ્ઠ નેતાએ ઊભા થઈને સંસદમાં જે વાતો કહી હતી. તે આ દેશના કોઈપણ રાજકીય કાર્યકરનાં જીવનમાં એક મહાન આશીર્વાદ હોય છે. તેમણે સંસદમાં ઊભા થઈને કહ્યું હતું. કોઈ ગૂંચવાડા વિના સ્પષ્ટ કહ્યું. રાજકીય આટાપાટાની રમત વિના કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોદીજી બધાને સાથે લઈને ચાલે છે અને તેથી જ મને પાક્કો વિશ્વાસ છે કે તેઓ 2019માં ફરીથી ચૂંટાઈને દેશના પ્રધાનમંત્રી બનશે. કેટલું મોટું હૃદય હશે, જે મને જ્યાં સુધી જીવિત રહ્યા, મને જ્યારે પણ તક મળી, ત્તેમના આશીર્વાદ મળતા રહ્યા. આજે હું ગુજરાતની આ ધરતીથી મા નર્મદાના તટ પરથી આદરણીય મુલાયમ સિંહજીને આદરપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમના પરિવારને, તેમના સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
સાથીઓ,
આ વખતે હું ભરૂચમાં એવા સમયે આવ્યો છું જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જ્યારે પણ આપણે ભારતનો ઇતિહાસ વાંચીએ છીએ અને ભવિષ્યની વાત કરીએ ત્યારે ભરૂચની ચર્ચા હંમેશા ગૌરવભેર થાય છે. આ ધરતીએ અનેક એવા સંતાનોને જન્મ આપ્યો છે, જેમણે પોતાના કામથી દેશનું ગૌરવ વધાર્યું છે. જેમ આપણા ધરતીપુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશીજી. બંધારણ નિર્માણમાં તેમના યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. સોમનાથ મંદિરના ભવ્ય નિર્માણમાં સરદાર સાથે ખભેખભા મિલાવીને ચાલનાર મુનશી સાહેબની ભૂમિકાને કોઈ ભૂલી શકે તેમ નથી. એટલું જ નહીં, ભારતીય સંગીતના શિરમોર, એને ઊંચાઇ બક્ષનારા પંડિત ઓમકારનાથ ઠાકુર, એમનો પણ આ જ માટી સાથે સંબંધ રહ્યો છે. આવી મહાન વિભૂતિઓનાં કામમાંથી પ્રેરણા લઈને અમે ગુજરાતનું ગૌરવ વધે અને ગુજરાતને વિકસિત બનાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ.
ભાઇઓ અને બહેનો,
ગુજરાતની, દેશની પ્રગતિમાં પછી તે ગુજરાતની પ્રગતિ હોય, કે દેશની પ્રગતિ હોય ભરૂચનું યોગદાન ખૂબ મહત્વનું છે. ભરૂચની ભાગીદારી, એક જમાનો હતો જ્યારે આપણું ભરૂચ માત્ર સિંગદાણાને કારણે ઓળખાતું હતું. આજે મારા ભરૂચનો ઉદ્યોગ, વેપાર, ધંધો, બંદર અનેક બાબતોમાં તેનો જય જયકાર થઈ રહ્યો છે. અને આજે મારા આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં જે ખાતમુહૂર્ત અને લોકાર્પણનાં કામ થઈ રહ્યા છે, ભૂતકાળમાં કોઇ એક સરકારના એટલે કે ગુજરાતના ભૂતકાળના બજેટથી પણ, જૂની સરકારોમાં ગુજરાતનું જે કુલ બજેટ હતું ને, એક વર્ષનું, એનાથી પણ વધારે મેં એક પ્રવાસમાં લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમ કરી દીધા છે.
ભાઇઓ,
આ ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું અને હવે તો આપણો ભરૂચ જિલ્લો પણ કોસ્મોપોલિટન જિલ્લો બની ગયો છે. અહીં હિંદુસ્તાનના લગભગ તમામ રાજ્યોના ભાઈઓ બેઠા હશે. અને જો તમે આખા ભરૂચ જિલ્લામાં જશો તો તમને કોઇ કેરળનો માણસ મળશે, કોઇ બંગાળનો મળશે, કોઈ બિહારનો મળશે. આખા દેશના લોકો, એક જમાનો હતો કલકત્તા, દિલ્હી, મુંબઇ એને કોસ્મોપોલિટિન કહેવામાં આવતા હતા. આજે ગુજરાતનો એટલો બધો વિકાસ થયો છે કે ગુજરાતના અનેક જિલ્લાઓ કોસ્મોપોલિટન બની ગયા છે. અને પોતાની સાથે આખા દેશને પ્રેમથી સમાવી રહેવા લાગ્યા છે. આ ગુજરાતની વિકાસયાત્રાની ઊંચાઇ છે.
ભાઇઓ-બહેનો,
આજે પહેલો બલ્ક ડ્રગ પાર્ક ગુજરાતને મળ્યો છે અને તે પણ મારા ભરૂચને મળ્યો છે. કેમિકલ સેક્ટર સાથે જોડાયેલા ઘણા પ્લાન્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે જ કનેક્ટિવિટીને લગતા બે મોટા પ્રોજેક્ટ્સ અંકલેશ્વર, રાજપીપળા અને સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગરને જોડતો રસ્તો અને સૌથી મોટી વાત કેટલા વર્ષોથી વાત થઇ રહી હતી, હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ થતી હતી અને અહીંથી મોટા મોટા નેતા દિલ્હીમાં બેઠા હતા ત્યારે પણ થતી હતી. પણ કોઈ આપણી વાત સાંભળતું ન હતું. જે રીતે ભરૂચ જિલ્લાનો વિકાસ થઈ રહ્યો હતો. હવે ભરૂચ બરોડા કે સુરતના એરપોર્ટ પર નિર્ભર ન રહી શકે, ભરૂચનું પોતાનું એરપોર્ટ હોવું જોઇએ અને તેથી અંકલેશ્વરમાં નવું એરપોર્ટ બનાવવાનું ખાતમુહૂર્ત આજે થઇ રહ્યું છે.
સાથીઓ,
ઉદ્યોગોના હિસાબે જોઇએ તો ભરૂચ એવો જિલ્લો છે, જ્યાં દેશના ઘણા નાના રાજ્યો કરતા વધુ ઉદ્યોગો છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય, તેના કરતા વધારે ઉદ્યોગો આપણા ભરૂચ જિલ્લામાં છે. અને આ એક જિલ્લાના ઉદ્યોગો જેટલી સંખ્યામાં રોજગાર આપી રહ્યા છે તે પણ પોતાનામાં જ એક બહુ મોટો રેકોર્ડ છે, ભાઈઓ. દેશ-વિદેશથી આટલો બધો વેપાર-કારોબાર થયા બાદ હવે જ્યારે એરપોર્ટ મળી રહ્યું છે ત્યારે વિકાસને એક નવી ઉડાન એક નવી ગતિ મળવાની છે અને જ્યારે નરેન્દ્ર ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર હોય છે ને ત્યારે તો એરપોર્ટનું કામ પણ બહુ ઝડપથી પૂરું થશે. એરપોર્ટ બનવાથી ઉદ્યોગકારોનું આવાગમન, મોટા મોટા અધિકારીઓનું આવવા જવાનું ઝડપી બનશે, વિકાસને પણ વેગ મળશે. નિકાસને વધુ વેગ મળશે.
ભાઇઓ અને બહેનો,
આજે આપણને ગુજરાતની એક અલગ જ તસવીર દેખાય છે. ગુજરાત નવું છે, બદલાયેલું છે અને જબરદસ્ત ઊંચાઈએ છલાંગ લગાવવા થનગની રહ્યું હોય એવું આપણું ગુજરાત છે, ભાઈઓ. અને આપણે આપણી સામે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, પરંતુ બે દાયકા પહેલા એ દિવસો યાદ કરો તો કેવું લાગે છે, ભાઈ. બે દાયકા પહેલા આપણા ગુજરાતની ઓળખ શું હતી, વેપારીઓ એક જગ્યાએથી માલ લઈને બીજી જગ્યાએ વેચતા અને વચમાં જે દલાલી મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ આપણી ઓળખ હતી ખેતીમાં પાછળ, ઉદ્યોગોમાં પાછળ. કારણ કે, આપણી પાસે રો-મટિરિયલ્સ ન હતું. આવી પરિસ્થિતિમાં બે દાયકામાં જબરદસ્ત મહેનત કરીને આજે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની ઊંચાઇ હાંસલ કરી છે. સ્પેરપાર્ટ્સ બનાવતા નાના નાના ઉદ્યોગોના નેટવર્ક, એવી જ રીતે આપણા આ બંદરો, આપણો દરિયાકિનારો અને વિકાસની ગતિ આપણે સૌએ ભરી દીધી. અને આપણા આદિવાસી ભાઈ-બહેન, આપણા માછીમાર ભાઈઓ અને બહેનો, એમની તો કેવી ખરાબ પરિસ્થિતિ હતી. કોઇ પૂછવાવાળું પણ નહોતું. આજે જે 20, 22, 25 વર્ષના નવયુવાનો છે, એમને તો ખબર પણ નહીં હોય કે અહીં જીવવા માટે કેટલી મહેનત કરવી પડતી હતી. આ આપણું ભરૂચ ખાલી થઈ જતું હતું. તેમને તો એ પણ ખબર નથી કે ગુજરાતના કોઈ એક જમાનામાં આવી સ્થિતિ હતી. અને ખૂબ મહેનત કરીને ગુજરાતની જનતાના સાથ સહયોગથી આજે આ મુકામે પહોંચ્યા છીએ. અને સૌ ઊંચી છલાંગ માટે તૈયાર થઈ બેઠા છે અને તેથી આવનારા દિવસોમાં ઊંચી છલાંગ લગાવવાની છે. આઝાદીનાં 75 વર્ષ અમૃત મહોત્સવની સાથે અમૃત કાળની શરૂઆત થઈ છે, એ જ રીતે ગુજરાતના યુવાનો માટે આ સુવર્ણકાળની શરૂઆત થઈ છે. આ સુવર્ણયુગની તક જવા દેવાની નથી, ભાઈઓ. કોઈ પણ જગ્યાએ વિકાસ ક્યારે થાય છે ભાઇઓ? જો વિકાસ કરવો હોય, તો એક સમાન વાતાવરણ હોવું જોઇએ, સાનુકૂળ વાતાવરણ જોઇએ, પ્રોત્સાહક વાતાવરણ જોઈએ, રૂકાવટવાળું વાતાવરણ નહીં ચાલે ભાઇઓ. અને તેના માટે સૌથી વધારે આવશ્યકતા હોય છે કાયદો અને વ્યવસ્થાની. સારાંમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને આ બધાની સાથે જોઇએ નીતિ અને નિયત પણ. એકલી નીતિથી કશું જ નીકળતું નથી, નીતિ ગમે એટલી સારી હોય, પરંતુ જો નિયત ખાડામાં ગઈ હોય તો એ બધું ખાડામાં જ જાય છે. આ ભરૂચને કોણ ઓળખતું નથી ભાઈઓ? સાંજે પાંચબત્તી વિસ્તારમાં જવું હોય તો કેવી મુશ્કેલી થતી હતી? કાયદો અને વ્યવસ્થાની કેવી સ્થિતિ હતી, ભાઈઓ, થતું હતું કે નહીં? ક્યારે કોઈનું અપહરણ થઈ જતું, જ્યારે કોઈને ઘર ખાલી કરવાની ધમકી આપવામાં આવે, એવા દિવસો હતા. આજે કાયદો અને વ્યવસ્થા આ ભરૂચની પ્રજાને સુખ-શાંતિથી રહેતી કરી કે નથી કરી? સુખ-શાંતિથી રહેતી કરી કે નથી થઈ? અને શું તેનો લાભ સૌને મળ્યો કે નથી મળ્યો? આને મળ્યો, આને ન મળ્યો, એવું નથી, સૌને મળ્યો. જો શાંતિ હોય, કાયદો અને વ્યવસ્થા હોય તો તેમાં આપણા આદિવાસી ભાઈઓ, ગરીબ ભાઈઓને વધુમાં વધુ લાભ મળે છે. નહીં તો અહીં ભરૂચમાં આદિવાસી બાળાઓને કામ આપીને તેમની સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હતો અને આદિવાસીઓ તેમની સાથે રોષ વ્યક્ત કરતા હતા. પરંતુ જ્યારે મને આપણાં આદિવાસી ભાઈ-બહેનનો સાથ મળ્યો ત્યારે મને મારાં આદિવાસી ભાઈ-બહેન તરફથી અઢળક આશીર્વાદ મળતા રહ્યા. એક જમાનો હતો, આરોગ્યની સુવિધા ન હતી, હૉસ્પિટલ જવું હોય તો સુરત સુધી, બરોડા સુધી દોડવું પડતું હતું. ખેતી, મા નર્મદાના કિનારે હોવા છતાં આપણે પાણી માટે તરસવું પડતું હતું. આવા દિવસો જોયા છે. મને યાદ છે કે વર્ષો પહેલાં ભરૂચમાં પીવાના પાણીની કટોકટી હતી, ભરૂચ આવાં સંકટનો સામનો કરી રહ્યું હતું. આખો ખારાપટ અંદર આવી જતો હતો, એટલું જ નહીં આપણા ભરૂચ જિલ્લામાં કેટલાંય ધાર્મિક સ્થળો આવેલાં છે, સમગ્ર નર્મદા તટ ભર્યો પડ્યો છે. પરંતુ તેઓને તેને વિકસાવવામાં સંકોચ થતો હતો. ભારતની આત્માને તોડવાનો પ્રયાસ થતો હતો. ભાઈઓ અને બહેનો, આ બધું તો 20 વર્ષ પહેલાંની વાત છે. 25-25 વર્ષના યુવાનોને ખબર ન હોય તે સ્વાભાવિક વાત છે. પરંતુ જ્યારે તમે મને સેવા કરવાની તક આપી, ત્યારે એક એક સમસ્યાને પકડતા ગયા, મૂંઝવણ ઉકેલતા ગયા, રસ્તો શોધતા ગયા અને પરિસ્થિતિને બદલતા ગયા. કાયદો અને વ્યવસ્થાની વાત હોય, મોટા મોટા બાહુબલીઓને જેલના હવાલે કરી દીધા ભાઇઓ. તેમને પણ લાગ્યું કે હવે આપણે યોગ્ય રીતે ચાલવું પડશે, અને તેનાં કારણે ગુજરાતનાં બાળકોને આજે કર્ફ્યુ શબ્દ ખબર નથી. બાકી તો આપણાં ભરૂચમાં થોડા થોડા વખતે કર્ફ્યુ લાગી જતો. અને આજે જે માતા-બહેનો, દીકરીઓ છે ને એમને ખબર જ નહીં હોય કે આપનાં ઘરમાં જે વૃદ્ધ છે, એમને ભૂતકાળમાં ગરબા રમવા હોય તો કેટલી તકલીફ પડતી હતી. આજે ગુજરાતમાં શાળા, કૉલેજમાં જતી કન્યાઓને બરોડા અભ્યાસ માટે જવું હોય તો નિશ્ચિંત બનીને જાય છે, કૉલેજમાં ભણે, અપડાઉન પણ કરે છે અને હવે તો ભરૂચ જિલ્લાએ પણ શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત વિકાસ કર્યો છે. જો કોઈ યુવતીને મોડી રાત સુધી કામ કરવાનું હોય, રેલવે સ્ટેશનથી ઘરે જવાનું હોય, બસ સ્ટેશનથી ઘરે જવાનું હોય તો તેનાં મનમાં ક્યારેય ડરનું નામો-નિશાન ન રહે, આ સ્થિતિ આપણે સૌએ ઊભી કરી છે. અને જ્યારે બહારથી લોકો અહીં આવે છે ને, અત્યારે જ્યારે અહીં રાષ્ટ્રીય રમત-ગમતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ખેલકૂદનો. હાલ દેશભરમાંથી હજારોની સંખ્યામાં ખેલાડીઓ ગુજરાતમાં હાજર છે. પછી તે ગેમ પૂરી કરીને સાંજે ગરબા જોવા જતા હતા. આખી રાત તેમને જોઈને અચરજ થતું હતું, કે એવું દ્રશ્ય જાણે કે અહીં રાત થતી જ ન હોય. ભાઈઓ-બહેનો ભરુચનો વિકાસ કરવો હોય તો ઔદ્યોગિક વિકાસ જરૂરી હતો. અને એ સમયે બરોડા-વાપી એક મુખ્ય હાઇવે, નજીકમાં કેટલીક ફેક્ટરીઓ જોતા અને લોકો જયજયકાર કરતા હતા, કે આપણે ત્યાં ઔદ્યોગિક વિકાસ થઈ ગયો. અમે જોયું કે અહીં અવિકસિત વિસ્તાર છે, આપણે ત્યાં પણ વિકાસ કરવાનો છે, અને અમે આદિવાસી વિસ્તારમાં ઝગડિયા જેવા વિસ્તારમાં ઉદ્યોગ લઈ ગયા. સૂકા વિસ્તારોમાં ઉદ્યોગો લઈ ગયા, જેનાથી ખેતીની જમીન સલામત રહી અને ઔદ્યોગિક વિકાસ પણ થયો. અને આજે આપણું ગુજરાત મૅન્યુફૅક્ચરિંગ હબ બની ગયું. એક્સપોર્ટ હબ બની ગયું, બે દાયકા પહેલાં એનું નામો-નિશાન ન હતું ભાઇઓ. આજે દહેજ-2, દહેજ-3, સાયખા, વિલાયત આ વિકાસના આપણાં નવાં સમૃદ્ધિનાં દ્વાર બની ગયા છે ભાઇઓ-બહેનો. આધુનિક હાઇવેની વાત હોય, રો-રો ફેરી સર્વિસ, આ રો-રો ફેરી સર્વિસ વિકાસની બહુ મોટી તાકાત બનીને ઉભરી છે. દહેજને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, કેટલી મોટી એની તાકાત વધવા લાગી છે ભાઇઓ. આને કારણે ગુજરાત સરકારની ઉદાર નીતિઓનો લાભ મળવા લાગ્યો છે. અને ખાસ કરીને પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રો-કેમિકલ એ ક્ષેત્રમાં જે કામ ચાલી રહ્યું હતું, એનો લાભ પણ અહીં આપણને સૌને મળતો રહ્યો છે. અને જોત-જોતામાં જ દુનિયામાંથી હજારો-કરોડો રૂપિયાની મુદ્રા રોકાણ આપણા દહેજ અને ભરૂચ જિલ્લામાં આવી ગઈ ભાઇઓ. અને 80 ટકા ઉત્પાદન જે અહીં થાય છે ને એ દુનિયાના દેશોમાં જાય છે. આપણે મહેનત કરીએ છીએ અને રૂપિયો તેના ડૉલર લઈને પાછો આવે છે ભાઈઓ. આ તાકાત મારો દહેજ અને ભરૂચ જિલ્લો આપી રહ્યો છે. આજે દેશમાં કેમિકલ અને પેટ્રોલિયમ સાથે જોડાયેલાં સમગ્ર ક્ષેત્ર માટે દેશભર માટે દહેજનું મોડલ બની ચૂક્યું છે.
ભાઇઓ-બહેનો,
આજે જે નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે તેનાથી આપણા ગુજરાતની તાકાત તો વધી જ રહી છે, સાથે મારો ભરૂચ જિલ્લો પણ વાઇબ્રન્ટ બની રહ્યો છે. અને અહીં જે નવા પ્લાન્ટ્સ વિકસાવવામાં આવ્યા છે, એ ડબલ એન્જિન સરકાર ડબલ બેનિફિટનું ઉત્તમ ઉદાહરણ બની ગયા છે, ભાઈઓ. કેમિકલ પ્લાન્ટ ગુજરાત અને કેન્દ્ર સરકારની કંપનીઓની પણ તેમાં ભાગીદારી છે. અહીં બનનારા કેમિકલ, મૅન્યુફેક્ચરિંગ ઉદ્યોગ એનો લાભ ટેક્સટાઈલ ઉદ્યોગને પણ થવાનો છે. તમે જાણો છો કે કાપડ ઉદ્યોગને ફાયદો થાય તો કપાસનું ઉત્પાદન કરનાર ખેડૂતને પણ ફાયદો થાય છે. સૌથી વધુ શ્રમિક, રોજગાર આપતું ક્ષેત્ર છે. આપણા વણકર ભાઈ-બહેનોને હાથશાળ ચલાવતાં ભાઈ-બહેનોને પણ તેનો મોટો લાભ મળે છે. એ જ રીતે, ખાતર, અને આપણું તો અહીંનું ખાતરનું નામ રોશન થયું છે, ભાઈઓ. અને આવશ્યક રસાયણો, ખાતરો આપણા ભરૂચમાં બને અને દેશભરમાં તેની પહોંચ છે. જીએસીએલનો કેમિકલ પ્લાન્ટ, જેનાં કારણે 2500 કરોડ રૂપિયાથી વધુનું નવું ટર્નઓવર થશે. તેનાં કારણે 700 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ, તે દેશની સેવા થવાની છે, તે પણ દેશભક્તિનું કાર્ય છે. અને તે ભરૂચ કરી રહ્યું છે, ભાઈઓ. અને હું ભરૂચ આવ્યો છું ત્યારે તમને યાદ અપાવું છું કે હું રોજ કહું છું કે દેશને ઝડપથી આગળ વધારવો હોય તો દરેક નાગરિક પણ મોટું કામ કરી શકે છે. સામાન્ય નાગરિક પણ દેશને આગળ વધારી શકે છે. તમને લાગતું હશે કે જ્યારે તે પોતાના માટે જ મહેનત કરતો હોય તો એ દેશને કેવી રીતે આગળ લઈ જશે. અરે, તમે વોકલ ફોર લોકલનો મંત્ર ઝડપી લો, હું કોઈ પણ પ્રકારની વિદેશી પ્રોડક્ટથી દૂર રહીશ, દિવાળી આવી રહી છે, બજારમાં એવા એવા આવા ફટાકડા આવશે, બે મિનિટ આકાશમાં જઈને રોશની કરી દેશે, પરંતુ આપણને ખબર નથી હોતી કે કેટલા ગરીબ લોકોની મહેનત પર પાણી ફેરવી દે છે. ભલે ને આપણે ભારતમાં બનેલા ફટાકડા લઇએ, કદાચ પ્રકાશ ઓછો આપશે, કદાચ ચમક, અવાજ ઓછો હોય, પરંતુ ભાઇઓ, મારાં ગરીબ ભાઇઓનું ઘર ચમકી ઉઠશે. આકાશમાં બે મિનિટ ચમક આવે કે ન આવે, પરંતુ 12 મહિના સુધી તેનું જીવન ચમકી ઉઠશે. તો શા માટે આપણે આપણા દેશનું ન લઈએ, અહીંની એક કારખાનું 700 કરોડ રૂપિયા બચાવી શકે છે, મારા ભરૂચ જિલ્લાના નાગરિકો નક્કી કરે, તે પણ આટલા પૈસા બચાવીને, મારા મારા દેશની મૂડી બચાવી શકે છે.
ભાઇઓ-બહેનો,
તમને જાણીને આનંદ થશે કે, 2014માં તમે મને આશીર્વાદ આપ્યા અને મને દિલ્હી મોકલ્યો, આ પહેલા ગુજરાતમાં જે કામ કર્યું હતું, તેનો અનુભવ હતો, તમારા આશીર્વાદ હતા, આપનાં સંસ્કાર હતાં. તમને ખબર છે, જ્યારે હું 2014માં દિલ્હી ગયો હતો, ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત અર્થતંત્રમાં 10મા ક્રમે હતું. આજે ભારત 5મા નંબરે પહોંચી ગયું છે. અને એટલું જ નહીં, આપણે 6 થી 5 પર ગયા, તો આ દેશનું ગૌરવ અનેકગણું વધી ગયું, કારણ કે પાંચમા નંબરે તે લોકો હતા જેમણે 250 વર્ષ સુધી આપણા પર શાસન કરી ગયા, આપણે ગુલામ હતા. હવે તેમને પાછળ છોડીને મારા દેશના આ ઉત્સાહિત યુવાનો મારા દેશને આગળ લઈ ગયા છે. અને તેના માટે, યુવા પેઢી, ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ, નાના ઉદ્યોગ સાહસિક તે બધા જ આજે તેના માટે હકદાર છે. અને જ્યારે દેશ 10 થી 5 નંબર પર પહોંચી ગયો છે, ત્યારે તેનો અધિકાર અને હક તમારી મહેનતને પણ જાય છે. અને આપના તરફથી દેશવાસીઓના આવા પુરુષાર્થી લોકોને નમન કરૂં છું.
ભાઇઓ-બહેનો,
ભરૂચની અંદર ગર્વ થાય એવું એક કામ થઇ રહ્યું છે, આપણે જાણીએ છીએ કે, ભૂતકાળમાં કોઇ પરબ બનાવે તો લોકો પેઢીઓ સુધી યાદ રાખતા હતા, પરબમાંથી એક લોટો પાણી પીને જઈએ તો પણ લોકો આશીર્વાદ આપી જતા હતા, કારણ કે તે જીવન માટે જરૂરી છે. ત્યારે આજે ભારત સરકાર દવાઓનાં ઉત્પાદનનું આટલું મોટું મથક બનાવે, જીવનરક્ષાનું કામ કરે, ત્યારે મારા આ ભરૂચવાસીઓ કેટલું મોટું માનવતાનું કામ કરી રહ્યા છે. અને કેવું ગૌરવ થાય કે અગણિત જિંદગીઓ બચવાની છે, ભાઈઓ, તમારાં કારણે. અને તેનાં કારણે હજારો નવી નોકરીઓ આવવાની છે. આપણે જોયું કે કોરોનાએ આખી દુનિયાને તેની ઝપટમાં લઈ લીધી હતી. કેટલું મોટું સંકટ આવ્યું, બધાએ વિચાર્યું કે કેવી રીતે બચવું, તેમાં આપણને ખબર પડી કે આ ફાર્મા સેક્ટરનું કેટલું મહત્વ છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું કેટલું મહત્વ છે? અને છેલ્લા બે દાયકામાં ગુજરાતે જે હરણફાળ ભરી છે, કોરોના સામે ગુજરાત યુદ્ધ લડવામાં આ વ્યવસ્થાએ મોટી છલાંગ લગાવી છે, ભાઈઓ. ગુજરાતમાં બનેલી દવા, બનેલી વેક્સિને લાખો લોકોના જીવ બચાવ્યા છે. આનંદની વાત એ છે કે આજે દેશની ફાર્મા કંપનીઓમાં 25 ટકા હિસ્સો ગુજરાતનો છે. આજે તમારી સાથે વાત કરતાં મને એ દિવસો પણ યાદ આવે છે જ્યારે કેટલાક લોકોએ ભરૂચના વિકાસને રોકવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. ભરૂચ-અંકલેશ્વરમાં ઉદ્યોગોની સ્થાપનામાં ઉદ્યોગોનાં વિસ્તરણ પર મોટા મોટા રોડા નખાયા હતા. જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર બની, ગુજરાતને નરેન્દ્ર ભૂપેન્દ્રનાં ડબલ એન્જિનની શક્તિ મળી, તો અમે આ બધા અવરોધો દૂર કર્યા ભાઈઓ. તમારા લોકોના પરસેવાની તાકાત જુઓ, ભાઈઓ, આપણા ભાડભૂતની બેરેજ, એને રોકવા માટે, પાણીનું કામ હતું, ભાઈ. મારા ભરૂચને 24 કલાક પીવાનું શુદ્ધ પાણી મળે, ભરૂચ જિલ્લાનાં ખેતરોમાં પાણી મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી હતી. તેમાં પણ અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો, આ નકસલવાદી માનસિક લોકોએ પહેલા સરદાર સરોવર ડેમને રોકવાનો ભરપૂર પ્રયાસ કર્યો અને આ શહેરી નક્સલીઓ હવે નવાં રંગરૂપ સાથે અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ વસ્ત્ર બદલ્યાં છે, ઉત્સાહી-ઉમંગવાળા યુવાનોને ફસાવી રહ્યા છે. મારા આદિવાસી ભાઈઓને મારે ખાસ કહેવું છે કે નક્સલવાદ બંગાળથી શરૂ થયો, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશનો થોડો ભાગ, ઓડિશા, આંધ્ર, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ગડચિરોલી, આપણા આદિવાસી યુવાનોની જિંદગી તબાહ કરી દીધી. તેમના હાથમાં બંદૂક થમાવી દીધી, મોતનો ખેલ રમવા માટે એમને ભડકાવ્યા, ચારે બાજુ સંકટ વધી ગયું. ત્યારે મારી સામે પ્રશ્ન એ હતો કે, 'મારો સમગ્ર પૂર્વ વિસ્તાર ઉમરગામથી અંબાજી, હું ગુજરાતમાં નકસલવાદને ઘૂસવા દેવા માગતો ન હતો, મારે મારા આદિવાસી ભાઈ-બહેનોને બચાવવાનાં છે, મેં ઉમરગામથી અંબાજી સુધીનો વિકાસ કર્યો જેથી તેમનાં જીવનમાં આવી બીમારી ન ઘૂસે.' અને મારે સંતોષ સાથે કહેવું છે કે મારી વાત આદિવાસી ભાઈઓ-બહેનોએ માની લીધી, અચ્છે દિન આવશે એવો વિશ્વાસ મૂક્યો, અને પરિણામ એ આવ્યું કે ગુજરાતમાં નક્સલવાદ એ રસ્તેથી ઘૂસી ન શક્યો. તે માટે હું મારાં આદિવાસી ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કરું છું. પરંતુ હવે ઉપરથી ઉડીને શહેરી નકસલીઓ ઘૂસી રહ્યા છે, ગુજરાતની યુવા પેઢીને મારે તબાહ નથી થવા દેવી, આપણે આપણાં સંતાનોને સચેત કરીએ કે, અર્બન નક્સલોએ દેશને બરબાદ કરવાનું બીડું ઉઠાવ્યું છે, તેઓ વિદેશી તાકાતોના એજન્ટ બનીને આવ્યા છે, ગુજરાત તેમની સામે ક્યારેય ઝૂકશે નહીં, ગુજરાત તેમને જમીનદોસ્ત કરીને રહેશે, એ વિશ્વાસની સાથે આગળ વધવાનું છે ભાઈઓ. એવા દિવસો હતા, આપણે ત્યાં આદિવાસી મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, છતાં ઉમરગામથી અંબાજી સુધી વિજ્ઞાન પ્રવાહની શાળા આંગળીનાં વેઢે ગણી શકાય એટલી પણ ન હતી, હવે તમે જ કહો કે 10 અને 12માં સાયન્સ ન હોય અને ગમે તેટલી અનામતની વાત કરો તો પણ તે છોકરો કે છોકરી ડૉક્ટર બની શકશે?, અરે, જો તેને ડૉક્ટર કે એન્જિનિયર બનવું હોય તો પહેલા તેને 10મા અને 12મામાં સાયન્સ સ્કૂલ જોઇએ. એ પણ નહોતું થયું. આપણે ત્યાં આદિવાસી મુખ્યમંત્રી રહ્યા, ગણી શકાય એટલી પણ શાળાઓ ઉમરગામથી અંબાજી સુધી ન હતી. હું આવ્યો એ પછી સમગ્ર વિસ્તારમાં ૧૦ થી ૧૨ સુધીની શાળાઓ બનાવી. અને આજે મારાં આદિવાસી ભાઈઓ અને બહેનો વિમાનો ઉડાવવાની તાલીમ લેવા કેનેડા જાય છે. ડૉક્ટર, વકીલ બની રહ્યા છે અને હું ગર્વથી કહું છું કે મારા આદિવાસી બાળકો ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. કોઇ કલ્પના પણ ન કરી શકે કે આદિવાસીનાં નામે યુનિવર્સિટી હોય, આપણા ગુજરાતમાં બિરસા મુંડા યુનિવર્સિટી, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી આદિવાસી યુવાનો માટે નવો આત્મવિશ્વાસ અને નવી તક મળી છે.
ભાઇઓ-બહેનો,
ગુજરાતમાં વન બંધુ યોજનાએ આદિવાસી સમાજનાં સશક્તીકરણમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી. મારો આદિવાસી સમુદાય પશુપાલન કરે, ખેડૂતો આધુનિક ખેતી કરે, અને તેમનાં જીવનમાં પરિવર્તન આવે, પહેલાં કેવી રીતે ચાલતું હતું, આદિવાસીઓનાં નામે યોજનાઓ ચાલે. અગાઉની સરકારોમાં યોજનાઓ એવી રીતે ચાલતી હતી કે એમ કહેવાતું હતું કે પાંચ મરઘા માટે લોન મળશે. અને આદિવાસી લોકોને લાગતું હતું કે ઓહ ઔહ..આટલી મરઘી.. અને તે પછી એટલા ઇંડા હશે .. તેમાંથી, ફરી આટલી મરઘી થશે, થોડા દિવસોમાં ઘર પાકું થઈ જશે. એવું લાગતું ને, પાંચ મરઘા માટે લોન આપે, અને યોજના લીધા પછી મરઘી ઘરે પહોંચે, એ જ દિવસે લાલબત્તીવાળા સાહેબ ગામમાં આવે અને ગામમાં જ રોકાઈ જતા અને મારો આદિવાસી ભાઈ મહેમાનગીરીમાં પાછળ ન રહે અને પાંચમાંથી એક મરઘી તેને ખવડાવી દેતો હતો. આપણા આદિવાસી ભાઈઓ મહેમાનગીરીમાં પાછળ નથી હોતા.. પેટ પર પાટો બાંધીને સામેવાળા લોકોને ખવડાવે. તેણે પાંચમાંથી એક મરઘી તે જ દિવસે ખવડાવી. આવું 2-4 મહિના સુધી ચાલે ત્યાં સુધી એના ઈંડા પણ બાજુએ રહી જાય અને તેમની મરઘી પણ બાજુએ રહી જાય અને દેવાદાર બની જાય. અમે આવીને આપણાં આદિવાસી ભાઈ-બહેનોનું જીવન બદલી નાખ્યું.
ભાઇઓ-બહેનો,
આ વિકાસયાત્રામાં આપણાં આદિવાસી લોકોનાં યોગદાન તેઓએ જે સન્માન આપ્યું છે. ભગવાન બિરસા મુંડાનો જન્મદિન, આપણા આદિવાસી ભગવાન તરીકે પૂજવામાં આવે. અમે આદિવાસી દિવસ જાહેર કર્યો. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીની લડાઈમાં લડનારા આદિવાસીઓની યાદમાં સ્મારકો બનાવ્યાં. આજે પણ આદિવાસી વિસ્તારમાં જે ઉત્પાદન થાય છે તેની ચિંતા, મારા આદિવાસી ભાઈઓની વાત હોય કે મારા માછીમાર ભાઈઓની હોય, બંને દિશામાં ગતિ ઝડપી થાય. એનો પ્રયાસ અને આવનારા સમયમાં ભરૂચ અંકલેશ્વર પણ અમદાવાદ-ગાંધીનગરની જેમ વિકસિત થઈ રહ્યું છે. લોકો ન્યૂયોર્ક-ન્યૂજર્સીની જેમ ભરૂચ અંકલેશ્વર વિશે પણ વાત કરશે. આ જ અમારાં સામર્થ્યનો પરિચય કરાવતી વ્યવસ્થા છે. અને યુવાનોને કહીશ કે આગામી 25 વર્ષ તમારાં છે. અહીં વિકાસયાત્રામાં આવો, ખભેથી ખભો મિલાવીને નીકળી પડો. આજે તમે લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, ગુજરાતની વિકાસયાત્રામાં એક નવા પ્રણને પૂર્ણ કરવાનો આપણે સંકલ્પ કર્યો છે. તેથી નર્મદા કિનારે વસેલાં મારા ભાઈ-બહેનો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અને આપણે સૌ ભરૂચ જિલ્લાને નવી ઊંચાઈએ લઈ જઈએ, એ જ વિશ્વાસ સાથે મારી સાથે બોલો, ભારત માતા કી - જય, ભારત માતા કી - જય, ભારત માતા કી – જય.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1866679)
Visitor Counter : 485
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam