પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેવઘરમાં રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
આ પરિયોજનાઓથી આ પ્રદેશમાં નોંધનીય પ્રમાણમાં માળખાકીય સુવિધાઓના વિકાસને વેગ મળશે, કનેક્ટિવિટી વધશે અને ઇઝ ઓફ લિવિંગમાં પણ વધારો થશે
પ્રધાનમંત્રીએ દેવઘર હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું; બાબા બૈદ્યનાથ ધામની સીધી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે
પ્રધાનમંત્રીએ દેવઘર ખાતે એઇમ્સમાં ઇન-પેશન્ટ વિભાગ અને ઓપરેશન થિયેટરની સેવાઓ સમર્પિત કરી
“અમે રાજ્યોના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસના સિદ્ધાંત પર કામ કરી રહ્યા છીએ”
“જ્યારે સર્વાંગી અભિગમ દ્વારા પરિયોજનાને માર્ગદર્શન મળે છે, ત્યારે સમાજના વિવિધ વર્ગો માટે આવકના નવા માર્ગો ખુલે છે”
“અમે વંચિતતાને અવસરમાં પરિવર્તિત કરવા માટે સંખ્યાબંધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહ્યા છીએ”
“જ્યારે સામાન્ય નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવે, ત્યારે રાષ્ટ્રીય સંપત્તિનું સર્જન થાય છે અને રાષ્ટ્રીય વિકાસની નવી તકો ઊભી થાય છે”
प्रविष्टि तिथि:
12 JUL 2022 2:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેવઘરમાં રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યના મંત્રીઓ અને લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાબા બૈદ્યનાથના આશીર્વાદથી, આજે રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન થઇ રહ્યું છે અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી ઝારખંડમાં આધુનિક કનેક્ટિવિટી, ઊર્જા, આરોગ્ય, આસ્થા અને પર્યટનને ખૂબ જ મોટો વેગ પ્રાપ્ત થવા જઇ રહ્યો છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, છેલ્લા 8 વર્ષથી રાજ્યોના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસની વિચારસરણી સાથે દેશ કામ કરી રહ્યો છે. છેલ્લાં 8 વર્ષો દરમિયાન ઝારખંડને ધોરીમાર્ગો, રેલવે, હવાઇમાર્ગો, જળમાર્ગો એમ દરેક રીતે જોડવાના પ્રયાસોમાં એક જ વિચાર અને ભાવના સર્વોપરી રહી છે. આ તમામ સુવિધાઓ રાજ્યના આર્થિક વિકાસ પર સકારાત્મક પ્રભાવ પાડશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે, ઝારખંડને બીજું હવાઇમથક મળી રહ્યું છે. આની મદદથી બાબા બૈદ્યનાથના ભક્તોને અહીં દર્શનાર્થે આવવામાં ખૂબ જ સરળતા રહેશે. ઉડાન યોજના દ્વારા સામાન્ય માણસ માટે હવાઇ મુસાફરીને સસ્તી બનાવવાના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, આજે સરકારના પ્રયાસોના લાભ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 5-6 વર્ષમાં ઉડાન યોજના અંતર્ગત હવાઇમથકો, હેલીપોર્ટ અને વોટર એરોડ્રોમ દ્વારા લગભગ 70 નવા સ્થળો ઉમેરવામાં આવ્યા છે. આજે સામાન્ય નાગરિકોને 400 કરતાં વધારે નવા રૂટ પર હવાઇ મુસાફરીની સુવિધા પ્રાપ્ત થઇ રહી છે. 1 કરોડ કરતાં વધારે લોકોએ ખૂબ જ સસ્તા દરે હવાઇ મુસાફરીનો અનુભવ કર્યો છે, જેમાંથી ઘણાએ તો પહેલી વખત જ હવાઇ મુસાફરીનો અનુભવ કર્યો છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે દેવઘરથી કોલકાતાની ફ્લાઇટનો આજથી પ્રારંભ થયો છે અને રાંચી, દિલ્હી તેમજ પટણા માટે ટૂંક સમયમાં ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે બોકારો અને દુમકામાં હવાઇમથકો માટે પણ કામ ચાલુ છે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, કનેક્ટિવિટીની મદદથી કેન્દ્ર સરકાર દેશમાં આસ્થા અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળોએ સુવિધાઓ ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બાબા બૈદ્યનાથ ધામમાં પ્રસાદ યોજના હેઠળ આધુનિક સુવિધાઓનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે. જ્યારે સર્વાંગી અભિગમ દ્વારા પરિયોજનાને માર્ગદર્શન મળે, ત્યારે સમાજના વિવિધ વર્ગો માટે આવકના નવા માર્ગો ખુલે છે અને નવી સુવિધાઓ દ્વારા નવી તકો ઊભી થાય છે.
પ્રધાનમંત્રીએ ઝારખંડ રાજ્ય માટે ગેસ આધારિત અર્થવ્યવસ્થામાં વધારો કરવાના દેશના પ્રયાસથી થયેલા ફાયદા બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે પીએમ ઊર્જા ગંગા યોજનાના કારણે જૂની તસવીર બદલાઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે વંચિતતાને અવસરોમાં પરિવર્તિત કરવા માટે સંખ્યાબંધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું હતું કે, ગેઇલની જગદીશપુર-હલ્દિયા-બોકારો-ધામરા પાઇપલાઇનનો બોકારો-અંગુલ પ્રભાગ ઝારખંડ અને ઓડિશાના 11 જિલ્લામાં શહેરી વિસ્તારોમાં ગેસ વિતરણ નેટવર્કનું વિસ્તરણ કરશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું હતું કે, અમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને અનુસરી રહ્યા છીએ. માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરીને વિકાસ, રોજગાર-સ્વ-રોજગારના નવા માર્ગો શોધવામાં આવી રહ્યા છે. તેમણે ઝારખંડ માટે હાથ ધરવામાં આવેલી આ પહેલોથી થયેલા ફાયદાઓને રેખાંકિત કરતાં જણાવ્યું હતું કે, અમે વિકાસની મહત્વાકાંક્ષા પર વિશેષ ભાર મૂક્યો છે, મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદી પછી આટલા લાંબા સમય પછી જે 18,000 ગામડાઓનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું તેમાંથી મોટાભાગના દુર્ગમ અને દૂરના વિસ્તારોમાં છે. તેમણે કહ્યું હતું કે, સરકારે છેલ્લા 8 વર્ષમાં નળ, રસ્તા અને ગેસના કનેક્શન લાવવા માટે મિશન મોડમાં કામ કર્યું છે.
મોટા શહેરોની બહાર આધુનિક સુવિધાઓમાં થઇ રહેલા વિસ્તરણનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પરિયોજનાઓ એ વાતનો પુરાવો છે કે જ્યારે સામાન્ય નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગમાં સુધારો કરવા માટે પગલાં લેવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય સંપત્તિનું સર્જન થાય છે અને રાષ્ટ્રીય વિકાસની નવી તકો ઉભરી આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ જ સાચો વિકાસ છે અને આપણે સામુહિક રીતે આ વિકાસને વેગ આપવાનો છે.”
દેવઘરમાં વિકાસલક્ષી પરિયોજનાઓ
સમગ્ર દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ ગણાતા બાબા બૈદ્યનાથ ધામ સુધી સીધું હવાઇ જોડાણ પૂરું પાડવા માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે પ્રધાનમંત્રી દ્વારા દેવઘર હવાઇમથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેનું બાંધકામ આશરે રૂપિયા 400 કરોડની આસપાસના અંદાજિત મૂલ્યથી કરવામાં આવ્યું છે. આ હવાઇમથકનું ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક પાંચ લાખ કરતાં વધારે મુસાફરોને સેવા પૂરી પાડવા માટે સજ્જ છે.
દેવઘરમાં આવેલી એઇમ્સ સમગ્ર વિસ્તારના લોકોના આરોગ્ય સંભાળ માટે આશીર્વાદ સમાન છે. પ્રધાનમંત્રીએ દેવઘરમાં આવેલી એઇમ્સ ખાતે ઇન-પેશન્ટ વિભાગ (IPD) અને ઓપરેશન થિયેટર સેવાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હોવાથી દેવઘર ખાતે આવેલી એઇમ્સની સેવાઓને વધારે ઉત્તેજન મળશે. આ બાબત દેશના તમામ ભાગોમાં ઉત્કૃષ્ટ આરોગ્ય સંભાળ સુવિધાઓ વિકસાવવાના પ્રધાનમંત્રીના દૂરંદેશી વિચારનો ભાગ છે. પ્રધાનમંત્રીએ 25 માર્ચ 2018ના રોજ એઇમ્સ દેવઘરનો શિલાન્યાસ કર્યો હતો.
સમગ્ર દેશના ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળો ખાતે વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ વિકસાવવી અને આવા તમામ સ્થળો પર પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે પ્રધાનમંત્રીની કટિબદ્ધતા પ્રવાસન મંત્રાલયની પ્રસાદ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલા “બૈદ્યનાથ ધામનો વિકાસ, દેવઘર” પરિયોજનાઓના ઘટકો તરીકે વધારે ગતિ પ્રાપ્ત કરશે, જેનું પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોમાં આ ઉપરાંત, જાસલર તળાવ કિનારાનો વિકાસ અને શિવગંગા તળાવ વિકાસ તરીકે દરેકની 2000 શ્રદ્ધાળુઓની ક્ષમતા સાથે બે વિશાળ તીર્થયાત્રા સભાગૃહના વિકાસનો સમાવેશ થાય છે. આ નવી સુવિધાઓ બાબા બૈદ્યનાથ ધામની મુલાકાત લઇ રહેલા લાખો શ્રદ્ધાળુઓના પ્રવાસન અનુભવ વધુ સમૃદ્ધ બનાવશે.
પ્રધાનમંત્રી દ્વારા રૂપિયા 10,000 કરોડ કરતાં વધારે મૂલ્યની બહુવિધ માર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન કરવામાં આવેલી પરિયોજનાઓમાં NH-2ના ગોરહારથી બરવાડા પ્રભાગને છ માર્ગીય બનાવવો, NH-32ના પશ્ચિમબંગાળની સરહદ સુધીના પ્રભાગ સુધી રાજગંજ-ચાસને પહોળો બનાવવાનો સમાવેશ થાય છે. જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેવી મુખ્ય પરિયોજનાઓમાં, NH-80ના મિરઝાચોકી- ફરક્કાને ચાર માર્ગીય બનાવવાની કામગીરી, NH-98ના હરિહરગંજથી પરવા મોરે પ્રભાગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી, NH-23ના પલમાથી ગુમલા પ્રભાગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી, NH-75ના કુચેરી ચોકથી પિસ્કા મોરે પ્રભાગની એલિવેટેડ કોરિડોરથી જોડવાનો સમાવેશ થાય છે. આ પરિયોજનાઓ પ્રદેશની પરિવહન સુવિધાઓને ઉત્તેજન આપશે અને સામાન્ય લોકો માટે આવનજાવનની સુવિધાઓને સુગમ બનાવશે.
પ્રધાનમંત્રી દ્વારા આ પ્રદેશમાં રૂપિયા 3,000 કરોડ કરતાં વધારે મૂલ્યની ઊર્જા માળખાકીય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન કરવામાં આવેલી પરિયોજનાઓમાં ગેઇલની જગદીશપુર-હલ્દિયા-બોકારો-ધર્મા પાઇપલાઇનનો બોકારો-અંગુલ પ્રભાગ, બર્હી ખાતે HPCLનો નવા LPG બોટલિંગ પ્લાન્ટ, BPCLના હઝારીબાગ અને બોકારો LPG બોટલિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. પરબતપુર ગેસ સંગ્રહ સ્ટેશન, જરિયા બ્લોક, ONGCના કોલ બેડ મિથેન (CBM) અસ્કયામત માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ બે રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી જે ગોડ્ડા-હાંસદીહા ઇલેક્ટ્રિફાઇડ સેક્શન અને ગઢવા-મહુરિયા ડબલિંગ પરિયોજના છે. આ પરિયોજનાઓના પ્રારંભના કારણે ઉદ્યોગો તેમજ પાવર હાઉસ માટે માલસામાનની અવરોધરહિત ટ્રાફિકની અવરજવરને સરળ બનાવવામાં મદદ મળી રહેશે. આ પરિયોજનાઓના કારણે દુમકાથી આસનસોલ સુધી ટ્રેનની અવરજવરની સરળતા પણ સુનિશ્ચિત થઇ શકશે. પ્રધાનમંત્રીએ ત્રણ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો જેમાં રાંચી રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ; જસીડીહ બાયપાસ લાઇન અને ગોડ્ડા ખાતે LHB કોચના મેન્ટેનન્સ ડેપોનો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત પુનર્વિકસિત રાંચી સ્ટેશનમાં ફૂડ કોર્ટ, એક્ઝિક્યુટિવ લૉન્જ, કાફેટેરિયા, એર-કન્ડિશન્ડ વેઇટિંગ હોલ વગેરે સહિતની મુસાફરો માટેની વિશ્વ કક્ષાની સુવિધાઓ સામેલ રહેશે, જેથી મુસાફરોની અવરજવરની સરળતા રહે તેમજ તેમના માટે આરામદાયકતા સુનિશ્ચિત કરી શકાય.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1840932)
आगंतुक पटल : 365
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam