પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ રૂપિયા 1800 કરોડ કરતાં વધારે મૂલ્યની બહુવિધ વિકાસની પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો


“કાશી આજે વારસા સાથે વિકાસનું ચિત્ર રજૂ કરે છે”

“મારું કાશી સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનું મોટું દૃષ્ટાંત છે”

“કાશીના રહેવાસીઓએ આખા દેશને સંદેશો આપ્યો છે કે, શૉર્ટક્ટથી દેશને ફાયદો થઇ શકતો નથી”

“સરકારે હંમેશા ગરીબોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે, તેમના સુખ અને દુઃખના સમયમાં તેમને સહકાર આપવાનો પ્રયાસ કર્યો છે”

“અમારા માટે, વિકાસ માત્ર ઝાકઝમાળ નથી. અમે માનીએ છીએ કે, વિકાસ એટલે ગરીબો, દલિત, વંચિત, પછાત, આદિવાસી, માતાઓ અને બહેનોનું સશક્તીકરણ”

Posted On: 07 JUL 2022 5:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના સીગ્રા ખાતે આવેલા ડૉ. સંપૂર્ણાનંદ રમતગમત સ્ટેડિયમમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રૂ. 1800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ તાજેતરની ચૂંટણીમાં ખૂબ જ જંગી પ્રમાણમાં લોકોએ આપેલા સહકાર બદલ ઉત્તરપ્રદેશના લોકો અને કાશીના લોકોનો આભાર વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાશી હંમેશા જીવંત રહ્યું છે અને સતત પ્રવાહની જેમ વહેતું રહે છે. હવે કાશીએ સમગ્ર દેશને વારસાની સાથે વિકાસનું પણ ચિત્ર બતાવી દીધું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હજારો કરોડ રૂપિયાના મૂલ્યની યોજનાઓ અને પ્રોજેક્ટના કામ પૂરાં કરવામાં આવ્યા છે અને ઘણા કામો ચાલુ છે. તેમણે કહ્યું હતું, કે કાશીનો આત્મા આંતરિક છે, જો કે, કાશીના શરીરમાં એકધારો સુધારો થઇ રહ્યો છે. તેમણે એવી ટિપ્પણી કરી હતી કે વિકાસ કાશીને વધુ ગતિશીલ, પ્રગતિશીલ અને સંવેદનશીલ બનાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું, મારું કાશી સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનું મોટું દૃશ્ટાંત છે.

પ્રધાનમંત્રી કાશીના સાંસદ હોવાથી તેમણે ટિપ્પણી કરી હતી કે, કાશીના જાગૃત લોકોએ જે પ્રકારે સમગ્ર દેશને દિશા બતાવી છે તે જોઇને મને ખૂબ જ ખુશી થાય છે. કાશીના રહેવાસીઓએ આખા દેશને સંદેશો આપ્યો છે કે, શૉર્ટક્ટથી દેશને ફાયદો થઇ શકતો નથી. તેમણે કામચલાઉ અને શૉર્ટ-કટ ઉકેલોના બદલે લાંબા ગાળાના ઉકેલો અને પરિયોજનાને પ્રાધાન્ય આપવા બદલ સ્થાનિક લોકોની પ્રશંસા કરી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માળખાકીય સુવિધાઓ અને અન્ય ક્ષેત્રોમાં સુધારાથી શહેરમાં પર્યટનનો વિકાસ થયો છે અને વ્યવસાય તેમજ ઇઝ ઓફ લિવિંગ માટે નવી તકો ઊભી થઇ છે.

શ્રાવણ મહિના અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આખા દેશમાંથી અને આખી દુનિયામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બાબા વિશ્વનાથના ભક્તો કાશી આવે છે. તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે, વિશ્વનાથધામ પરિયોજનાનું કામ પૂરું થયા પછી આ પહેલો શ્રાવણ મહિનો આવ્યો છે. તેમણે કહ્યું કે વિશ્વનાથધામને અંગે આખી દુનિયામાં કેટલો ઉત્સાહ છે તે લોકોએ ગયા મહિનાઓમાં અનુભવ્યું છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ભક્તોના અનુભવને શક્ય તેટલો સમૃદ્ધ અને સરળ બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. આસ્થાની વિવિધ યાત્રાઓને સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમારા માટે, વિકાસ માત્ર ઝાકઝમાળ નથી. અમે માનીએ છીએ કે, વિકાસ એટલે ગરીબો, દલિત, વંચિત, પછાત, આદિવાસી, માતાઓ અને બહેનોનું સશક્તીકરણ. તેમણે કહ્યું હતું કે, સરકાર દરેક પરિવારને પાકા મકાનો અને પાઇપ દ્વારા પાણી પહોંચાડવા માટે એકધારી કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમારી સરકારે હંમેશા ગરીબોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે, તેમના સુખ અને દુઃખના સમયમાં તેમને સહકાર આપવાનો પ્રયાસ કર્યો છે. કોરોનાની મફત રસી આપવાથી માંડીને ગરીબો માટે મફત રાશનની જોગવાઇ કરવા સુધી દેરક બાબતે, સરકારે લોકોની સેવા કરવાની કોઇ તક છોડી નથી. ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત, તબીબી માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિના કારણે લોકો માટે નવી તકો ઊભી થઇ રહી છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, એક તરફ અમે દેશના શહેરોને ધુમાડા મુક્ત બનાવવા માટે CNGથી ચાલતા વાહનો માટેની સુવિધાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ. તો બીજી તરફ, અમે આપણા નાવિકોની ડીઝલ અને પેટ્રોલથી ચાલતી બોટને CNG સાથે જોડવાનો અને ગંગાજીની કાળજી લેવાનો વિકલ્પ પણ આપી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે, નવું રમતગમત કેન્દ્ર મેળવવામાં રમતવીરોનો ઉત્સાહ ખૂબ જ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાશીમાં ઓલિમ્પિક્સ રમતો માટેની તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, સીગ્રામાં આવેલા ફરીથી તૈયાર કરવામાં આવેલા સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. છ દાયકા જૂનું આ સ્ટેડિયમ હવે 21મી સદીની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કાશીના રહેવાસીઓને ગંગા તેમજ વારાણસીને સ્વચ્છ રાખવા માટે અનુરોધ કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, લોકોના સમર્થન અને બાબા વિશ્વનાથના આશીર્વાદથી શહેર માટેના તમામ સંકલ્પો પૂરા થશે.

બહુવિધ વિકાસ પહેલોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ

છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રીએ વારાણસીમાં માળખાકીય સુવિધાઓના વિકાસ કાર્યો પર ઘણું ધ્યાન આપ્યું છે. તેના પરિણામ સ્વરૂપે શહેરના પરિદૃશ્યની સુંદરતામાં પરિવર્તન આવ્યું છે. આ પ્રયાસોમાં પ્રાથમિકરૂપે લોકો માટે ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં પ્રધાનમંત્રીએ અહીં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન, રૂપિયા 590 કરોડ કરતાં વધુ મૂલ્યની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. વારાણસી સ્માર્ટ સિટી અને શહેરી પરિયોજનાઓ હેઠળ આ બહુવિધ પહેલોમાં નમોઘાટના ફેઝ-1માં પુનઃવિકાસ અને સ્નાન જેટીનું બાંધકામ; 500 બોટના ડીઝલ અને પેટ્રોલ એન્જિનનું CNGમાં રૂપાંતરણ; જૂની કાશીના કામેશ્વર મહાદેવ વોર્ડનો પુનર્વિકાસ અને હરહુઆ, દાસેપુર ગામમાં બાંધવામાં આવેલા 600 થી વધુ EWS ફ્લેટ; લહરતારા- ચોકાઘાટ ફ્લાયઓવર હેઠળ તૈયાર કરવામાં આવેલો નવો વેન્ડિંગ ઝોન અને શહેરી સ્થળ; દશાશ્વમેઘઘાટ ખાતે પર્યટકો માટે સુવિધા અને બજાર સંકુલ; અને IPDS વર્ક ફેઝ-3 હેઠળ નાગવા ખાતે 33/11 KV સબસ્ટેશનનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ બાબતપુર-કપસેઠી-ભદોહી રોડ પર તૈયાર કરવામાં આવેલા ફોર લેન રોડ ઓવર બ્રીજ (ROB) સહિત વિવિધ માર્ગ પરિયોજનાઓ; સેન્ટ્રલ જેલ રોડ પર વરુણા નદી પરનો પુલ; પિન્દ્રા-કથિરાંવ રોડને પહોળો કરવાની પરિયોજના; ફૂલપુર-સિંધૌરા લિંક રોડ પહોળો કરવાની પરિયોજના; 8 ગ્રામીણ રસ્તાઓનું મજબૂતીકરણ અને બાંધકામ; 7 PMGSY રસ્તાઓનું બાંધકામ અને ધરસૌના-સિંધૌરા રોડને પહોળો કરવાની પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જિલ્લામાં ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠામાં સુધારણા સંબંધિત વિવિધ યોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આમાં વારાણસી શહેરમાં પસાર થતી જૂની ટ્રંક ગટર લાઇનના બદલે ટ્રેન્ચલેસ ટેકનોલોજી દ્વારા તેનો પુનર્વિકાસ; ગટર લાઇનો નાંખવાની કામગીરી; ટ્રાન્સ વરુણા વિસ્તારમાં 25000 કરતાં વધારે સ્યૂઅરેજ હાઉસ જોડાણો; શહેરના સીસ વરુણા વિસ્તારમાં લીકેજ રિપેરિંગનું કામ; તાતેપુર ગામ ખાતે ગ્રામીણ પીવાલાયક પાણીની યોજના વગેરે સામેલ છે. નવી ઉદ્ઘાટન થયેલી અન્ય પરિયોજનાઓમાં વિવિધ સામાજિક અને શિક્ષણ ક્ષેત્ર સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે જેમાં મહાગાંવ ખાતે ITI, BU ખાતે વેદિક વિજ્ઞાન કેન્દ્રનો તબક્કો-II, રામનગર ખાતે સરકારી ગર્લ્સ હોમ, દુર્ગાકુંડ ખાતે સરકારી વૃદ્ધ મહિલા ગૃહનો પણ સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ બાદલપુર ખાતે આવેલા ડૉ. ભીમરાવ આંબેડકર રમતગમત પરિસંકુલમાં તૈયાર કરવામાં આવેલા સિન્થેટિક એથલેટિક ટ્રેક અને સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, સિંધાપુરા ખાતે બિન-રહેણાંક પોલીસ સ્ટેશન ઇમારત સહિત પોલીસ અને ફાયરને લગતી વિવિધ પરિયોજનાઓ, છાત્રાલયોના રૂમોનું બાંધકામ અને મિરઝામુરાદ, ચોલાપુર, જાંસા ખાતે બરેક અને કપસેઠી પોલીસ સ્ટેશન તેમજ પિન્દ્રા ખાતે અગ્નિશામક દળની ઇમારતનોનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રૂપિયા 1200 કરોડ કરતાં વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજનાઓમાં લહરતારા - BHU થી વિજ્યા સિનેમા સુધીના રોડને પહોળો કરીને 6 માર્ગીય બનાવવા સહિત બહુવિધ માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ; પાંડેપુર ફ્લાય ઓવરથી રિંગરોડ સુધીના માર્ગને પહોળો કરીને ચાર માર્ગીય બનાવવાની કામગીરી; કુચહેરીથી સંદહા સુધીનો ચાર માર્ગીય માર્ગ; વારાણસી ભદોહી ગ્રામીણ માર્ગને પહોળો અને મજબૂત બનાવવાની કામગીરી; વારાણસી ગ્રામીણ વિસ્તારમાં પાંચ નવા માર્ગ અને ચાર CC માર્ગોનું નિર્માણ; બાબતપુર - ચૌબેપુર માર્ગ પર બાબતપુર રેલ્વે સ્ટેશન પાસે ROBનું બાંધકામ સામેલ છે. આ વિકાસ પરિયોજનાઓ શહેર અને ગ્રામ્ય માર્ગો પર થતું ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદરૂપ થશે.

આ પ્રદેશમાં પર્યટનને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રીએ બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો જેમાં વિશ્વ બેંકની સહાયતા હેઠળ સારનાથ બૌદ્ધ સર્કિટના વિકાસ કાર્ય માટે ઉત્તરપ્રદેશ ગરીબલક્ષી પર્યટન વિકાસ પરિયોજના, અષ્ટવિનાયક માટે પાવન પથનું નિર્માણ, દ્વાદશ જ્યોતિર્લિંગયાત્રા, અષ્ટભૈરવ, નવગૌરી યાત્રા, પંચકોસી પરિક્રમા યાત્રા માર્ગમાં પાંચ સ્ટોપેજના પર્યટનની દૃશ્ટિએ વિકાસનાં કાર્યો અને જૂની કાશીમાં પર્યટન વિકાસને લક્ષીને વિવિધ વોર્ડ્સમાં થનારા કાર્યો સામેલ છે.

પ્રધાનમંત્રીએ સીગ્રા ખાતે રમતગમત સંકુલમાં પુનર્વિકાસના કાર્યોના તબક્કા-I માટે પણ શિલાન્યાસ કર્યો હતો.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1839923) Visitor Counter : 236