પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 7 જુલાઇએ વારાણસીની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી રૂપિયા 1800 કરોડ કરતાં વધારે મૂલ્યની બહુવિધ વિકાસની પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
શહેરમાં માળખાકીય વિકાસમાં સુધારા પર તેમજ સામાન્ય લોકો માટે ઇઝ ઓફ લિવિંગમાં સુધારો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી પરિયોજનાઓ
પ્રધાનમંત્રી NEPના અમલીકરણ અંગે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી અક્ષયપાત્ર મધ્યાહન ભોજન રસોડાનું ઉદ્ઘાટન કરશે
Posted On:
04 JUL 2022 6:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 જુલાઇ 2022ના રોજ વારાણસીની મુલાકાત લેશે. આ દરમિયાન બપોરે લગભગ 2 વાગે પ્રધાનમંત્રી વારાણસીની એલ. ટી. કોલેજ ખાતે અક્ષયપાત્ર મધ્યાહન ભોજન રસોડાનું ઉદ્ઘાટન કરશે. આ રસોડું લગભગ એક લાખ વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન તૈયાર કરી શકાય એટલી ક્ષમતા ધરાવે છે. બપોરે લગભગ 2:45 કલાકે પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર – રુદ્રાક્ષની મુલાકાત લેશે જ્યાં તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ અંગે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરશે. ત્યારપછી લગભગ બપોરે 4 વાગે, પ્રધાનમંત્રી સીગ્રા ખાતે આવેલા ડૉ. સંપૂર્ણાનંદ રમતગમત સ્ટેડિયમ ખાતે પહોંચશે જ્યાં તેઓ રૂ. 1800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રીએ વારાણસીમાં માળખાકીય સુવિધાઓના વિકાસ કાર્યો પર ઘણું ધ્યાન આપ્યું છે. જેના કારણે શહેરના પરિદૃશ્યની સુંદરતામાં પરિવર્તન આવ્યું છે. આ પ્રયાસોમાં પ્રાથમિકરૂપે લોકો માટે ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં પ્રધાનમંત્રી, સીગ્રા ખાતે ડૉ. સંપૂર્ણાનંદ રમતગમત સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ દરમિયાન, રૂ. 590 કરોડ કરતાં વધુ મૂલ્યની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. વારાણસી સ્માર્ટ સિટી અને શહેરી પરિયોજનાઓ હેઠળ આ બહુવિધ પહેલોમાં નમોઘાટના ફેઝ-1માં પુનઃવિકાસ અને સ્નાન જેટીનું બાંધકામ; 500 બોટના ડીઝલ અને પેટ્રોલ એન્જિનનું CNGમાં રૂપાંતરણ; જૂની કાશીના કામેશ્વર મહાદેવ વોર્ડનો પુનર્વિકાસ અને હરહુઆ, દાસેપુર ગામમાં બાંધવામાં આવેલા 600થી વધુ EWS ફ્લેટ; લહરતારા- ચોકાઘાટ ફ્લાયઓવર હેઠળ તૈયાર કરવામાં આવેલો નવો વેન્ડિંગ ઝોન અને શહેરી સ્થળ; દશાશ્વમેઘઘાટ ખાતે પર્યટકો માટે સુવિધા અને બજાર સંકુલ; અને IPDS વર્ક ફેઝ-3 હેઠળ નાગવા ખાતે 33/11 KV સબસ્ટેશનનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીના હસ્તે બાબતપુર-કપસેઠી-ભદોહી રોડ પર ફોર લેન રોડ ઓવર બ્રીજ (ROB) ના નિર્માણ સહિત વિવિધ માર્ગ પરિયોજનાઓ; સેન્ટ્રલ જેલ રોડ પર વરુણા નદી પરનો પુલ; પિન્દ્રા-કથિરાંવ રોડને પહોળો કરવાની પરિયોજના; ફૂલપુર-સિંધૌરા લિંક રોડ પહોળો કરવાની પરિયોજના; 8 ગ્રામીણ રસ્તાઓનું મજબૂતીકરણ અને બાંધકામ; 7 PMGSY રસ્તાઓનું બાંધકામ અને ધરસૌના-સિંધૌરા રોડને પહોળો કરવાની પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી અહીં, જિલ્લામાં ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠામાં સુધારણા સંબંધિત વિવિધ યોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. આમાં વારાણસી શહેરમાં જૂની ટ્રંક ગટર લાઇનના બદલે ટ્રેન્ચલેસ ટેકનોલોજી દ્વારા તેનો પુનર્વિકાસ; ગટર લાઇનો નાંખવાની કામગીરી; ટ્રાન્સ વરુણા વિસ્તારમાં 25000 કરતાં વધારે સ્યૂઅરેજ હાઉસ જોડાણો; શહેરના સીસ વરુણા વિસ્તારમાં લીકેજ રિપેરિંગનું કામ; તાતેપુર ગામ ખાતે ગ્રામીણ પીવાલાયક પાણીની યોજના વગેરે સામેલ છે. નવી ઉદ્ઘાટન થનારી અન્ય પરિયોજનાઓમાં વિવિધ સામાજિક અને શિક્ષણ ક્ષેત્ર સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે જેમાં મહાગાંવ ખાતે ITI, BU ખાતે વેદિક વિજ્ઞાન કેન્દ્રનો તબક્કો-II, રામનગર ખાતે સરકારી ગર્લ્સ હોમ, દુર્ગાકુંડ ખાતે સરકારી વૃદ્ધ મહિલા ગૃહનો પણ સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી બાદલપુર ખાતે આવેલા ડૉ. ભીમરાવ આંબેડકર રમતગમત પરિસંકુલમાં તૈયાર કરવામાં આવેલા સિન્થેટિક એથલેટિક ટ્રેક અને સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, સિંધાપુરા ખાતે બિન-રહેણાંક પોલીસ સ્ટેશન ઇમારત સહિત પોલીસ અને ફાયરને લગતા વિવિધ પરિયોજનાઓ, છાત્રાલયોના રૂમોનું બાંધકામ અને મિરઝામુરાદ, ચોલાપુર, જાંસા ખાતે બરેક અને કપસેઠી પોલીસ સ્ટેશન તેમજ પિન્દ્રા ખાતે અગ્નિશામક દળની ઇમારતનોનું ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 1200 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ પરિયોજનાઓમાં લહરતારા - BHU થી વિજયા સિનેમા સુધીના રોડને પહોળો કરીને 6 માર્ગીય બનાવવા સહિત બહુવિધ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ; પાંડેપુર ફ્લાયઓવરથી રિંગરોડ સુધીના માર્ગને પહોળો કરીને ચાર માર્ગીય બનાવવાની કામગીરી; કુચહેરીથી સંદહા સુધીનો ચાર માર્ગીય માર્ગ; વારાણસી ભદોહી ગ્રામીણ માર્ગને પહોળો અને મજબૂત બનાવવાની કામગીરી; વારાણસી ગ્રામીણ વિસ્તારમાં પાંચ નવા માર્ગ અને ચાર સીસી રોડનું નિર્માણ; બાબતપુર-ચૌબેપુર રોડ પર બાબતપુર રેલ્વે સ્ટેશન પાસે ROBનું બાંધકામ સામેલ છે. આ વિકાસ પરિયોજનાઓ શહેર અને ગ્રામ્ય માર્ગો પર થતું ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદરૂપ થશે.
સમગ્ર પ્રદેશમાં પર્યટનને વેગવાન બનાવવા માટે પ્રધાનમંત્રી બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે જેમાં વિશ્વ બેંકની સહાયતા હેઠળ સારનાથ બૌદ્ધ સર્કિટના વિકાસ કાર્ય માટે ઉત્તરપ્રદેશ ગરીબલક્ષી પર્યટન વિકાસ પરિયોજના, અષ્ટવિનાયક માટે પાવન પથનું નિર્માણ, દ્વાદશ જ્યોતિર્લિંગયાત્રા, અષ્ટભૈરવ, નવગૌરી યાત્રા, પંચકોસી પરિક્રમા યાત્રા માર્ગમાં પાંચ સ્ટોપેજના પર્યટનની દૃશ્ટિએ વિકાસના કાર્યો અને જૂની કાશીમાં પર્યટન વિકાસને લક્ષીને વિવિધ વોર્ડ્સમાં થનારા કાર્યો સામેલ છે.
પ્રધાનમંત્રી સીગ્રા ખાતે રમતગમત સંકુલમાં પુનર્વિકાસના કાર્યોના તબક્કા-I માટે પણ શિલાન્યાસ કરશે.
અખિલ ભારતીય શિક્ષા સમાગમ
પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર – રુદ્રાક્ષ ખાતે “અખિલ ભારતીય શિક્ષા સમાગમ”નું ઉદ્ઘાટન કરશે. આ શિક્ષા સમાગમનું આયોજન 7 થી 9 જુલાઇ દરમિયાન શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. તે વિખ્યાત શિક્ષણવિદો, નીતિ ઘડનારાઓ અને શૈક્ષણિક અગ્રણીઓને તેમના અનુભવો અંગે ચર્ચા કરવા માટે અને આદાનપ્રદાન કરવા માટે તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અસરકારક અમલીકરણ માટેની ભાવી રૂપરેખા પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પાડશે. આ કાર્યક્રમનું આયોજન સમગ્ર દેશમાંથી યુનિવર્સિટીઓ (કેન્દ્રીય, રાજ્ય, ડીમ્ડ, ખાનગી), રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ (IIT, IIM, NIT, IISER) ના 300 શૈક્ષણિક, પ્રશાસનિક અને સંસ્થાકીય અગ્રણીઓની ક્ષમતા નિર્માણના ભાગ રૂપે કરવામાં આવી રહ્યું છે. વિવિધ હિસ્સેદારો તેમની સંબંધિત સંસ્થાઓમાં NEPના અમલીકરણની પ્રગતિની માહિતી રજૂ કરશે અને અમલીકરણની નોંધપાત્ર વ્યૂહરચના, શ્રેષ્ઠ પ્રયાસો અને સફળતાની ગાથાઓ પણ શેર કરશે.
ત્રણ દિવસ માટે યોજનારા શિક્ષા સમાગમ દરમિયાન, NEP 2020 હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે ઓળખી કાઢવામાં આવેલા નવ વિષયો પર પેનલ ચર્ચાઓ હાથ ધરવામાં આવશે. આ થીમ્સ બહુશાખીય અને સર્વાંગી શિક્ષણ; કૌશલ્ય વિકાસ અને રોજગારી; સંશોધન, આવિષ્કાર અને ઉદ્યોગસાહસિકતા; ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે શિક્ષકોની ક્ષમતાનું નિર્માણ; ગુણવત્તા, રેન્કિંગ અને માન્યતા; ડિજિટલ સશક્તિકરણ અને ઑનલાઇન શિક્ષણ; સમાન અને સમાવેશી શિક્ષણ; ભારતીય જ્ઞાન પ્રણાલી; અને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ સામેલ છે.
SD/GP/JD
(Release ID: 1839219)
Visitor Counter : 217
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam