પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘વાણિજ્ય ભવન’ના ઉદ્ઘાટન અને નિર્યાત પોર્ટલના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 23 JUN 2022 12:53PM by PIB Ahmedabad

મંત્રીમંડળના મારા સહયોગી શ્રી પીયૂષ ગોયલજી, શ્રી સોમપ્રકાશજી, શ્રીમતી અનુપ્રિયા પટેલજી, ઇન્ડસ્ટ્રી અને એક્સપોર્ટ સાથે સંકળાયેલા તમામ સાથીઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

નવા ભારતમાં સિટિઝન સેન્ટ્રીક ગવર્નન્સની જે સફર પર દેશ છેલ્લા 8 વર્ષથી આગળ વધી રહ્યો છે, આજે તે દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દેશને આજે નવું અને આધુનિક વાણિજ્ય ભવન તેમજ સાથે સાથે નિર્યાત પોર્ટલ, આ બંને એક નવી ભેટ તરીકે પ્રાપ્ત થઇ રહ્યા છે. આ બંનેમાંથી એક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે અને બીજું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે. આ બંને, ટ્રેડ અને કોમર્સથી સંકળાયેલી ગવર્નન્સમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની આપણી મહત્વાકાંક્ષાને રજૂ કરે છે. આપ સૌને, ટ્રેડ અને કોમર્સ સાથે સંકળાયેલા, નિકાસ સાથે સંકળાયેલા સમગ્ર સમુદાયને અને ખાસ કરીને આપણા MSMEને પણ આજના આ અવસર પર હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે દેશના પ્રથમ ઉદ્યોગ મંત્રી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ છે. તેમની નીતિઓ, તેમના નિર્ણયો, તેમના સંકલ્પ અને સંકલ્પોની સિદ્ધિ, સ્વતંત્ર ભારતને દિશા આપવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આજે દેશ તેમને વિનમ્રતાપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યો છે.

સાથીઓ,

મને વિશ્વાસ છે કે નવા વાણિજ્ય ભવનમાં તમે એક નવી પ્રેરણા, એક નવા સંકલ્પ સાથે પ્રવેશ કરી રહ્યા છો. આ સંકલ્પ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો છે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના માધ્યમથી ઇઝ ઓફ લિવિંગનો છે. અને આ બંને વચ્ચેની તેમને જોડતી જે કડી છે, તે છે ઇઝ ઓફ ઍક્સેસ. સરકાર સાથે સંવાદ અને સરકારી સુવિધાઓ મેળવવા માટે ઍક્સેસમાં કોઇપણ પ્રકારની અસુવિધા ઉભી ના થાય તેવું ઇઝ ઓફ ઍક્સેસ પ્રદાન કરવું તે દેશની પ્રાથમિકતા છે. દેશના નાગરિકોને પાયાની સુવિધાઓનો ઍક્સેસ પ્રાપ્ત હોય, બેંકિંગમાં ઍક્સેસ ઉપલબ્ધ હોય, સરકારી નીતિ-નિર્માણનો ઍક્સેસ ઉપલબ્ધ હોય, આ બધી જ બાબતો છેલ્લા 8 વર્ષના ગવર્નન્સના મોડલના સૌથી મહત્વપૂર્ણ પાસાઓ રહ્યા છે. ભારતે પોતાના આર્થિક વિકાસ માટે જે નીતિઓનું નિર્માણ કર્યું છે, જે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, તેમાં પણ આ દૂરંદેશીની ઝાંખી જોવા મળે છે. ગામડાઓમાં, નાના નાના શહેરોમાં મુદ્રા યોજનાથી બનેલા કરોડો ઉદ્યોગ સાહસિકો હોય, લાખો MSMEને નીતિ અને બેંકના ધિરાણના રૂપમાં પ્રોત્સાહિત કરવામાં આવતા હોય, લાખો સ્ટ્રીટ વેન્ડર્સને બેંકના ધિરાણની સુવિધા આપવામાં આવતી હોય, હજારો સ્ટાર્ટ અપના વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હોય, આ બધા પાછળની મૂળ ભાવના છે ઇઝ ઓફ ઍક્સેસ. સરકારની યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે, કોઇપણ ભેદભાવ વગર પહોંચે, તો જ સૌનો વિકાસ શક્ય છે. મને આનંદ છે કે ઇઝ ઓફ ઍક્સેસ અને સબ કા વિકાસની આ ભાવના આ કારણથી જ નવા વાણિજ્ય ભવનમાં પણ પ્રતિબિંબિત થાય છે.

સાથીઓ,

આ સૌ લોકોમાં એક શબ્દ ખૂબ જ પ્રચલિત છે – SOP... એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. એટલે કે કામ કરવા માટે નિર્ધારિત કરવામાં આવેલી એક રીત. અગાઉની સરકારો SOP એટલે એવું સમજતી હતી કે, સરકાર કોઇ પ્રોજેક્ટ શરૂ કરતી હતી પરંતુ તે ક્યારે તૈયાર થશે તેને કોઇ ગેરેન્ટી નથી હોતી. રાજકીય સ્વાર્થ માટે જાહેરાતો કરી દેવામાં આવતી હતી, પણ તે પૂરી ક્યારે અને કેવી રીતે થશે તે અંગે કોઇ જ ગંભીરતા લેવામાં આવતી નહોતી. આ અવધારણાને અમે કેવી રીતે બદલી તેનું પણ આ ભવન અન્ય એક બીજું ઉદાહરણ છે અને હમણાં જ જણાવવામાં આવ્યું તેમ, આજે સંયોગ છે કે, મેં 22 જૂન 2018ના રોજ આ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને આજના દિવસ 23 જૂન 2022ના રોજ તેનું ઉદ્ઘાટન પણ થઇ રહ્યું છે. આ દરમિયાન, કોરોનાના કારણે સંખ્યાબંધ અડચણો પણ આવી. પરંતુ તેમ છતાંય પણ જે સંકલ્પ લેવામાં આવ્યો હતો, તે આજે સિદ્ધિના રૂપમાં આપણી સમક્ષ પ્રસ્તૂત છે. એટલે કે, આ નવા ભારતની નવી SOP છે - જેનો શિલાન્યાસ કરવામાં આવશે તે દિવસે જ તેના ઉદ્ઘાટનની ટાઇમલાઇન પર ઇમાનદારી સાથે કામ કરવાનું શરૂ થઇ જાય છે. અહીં દિલ્હીમાં જ વિતેલા વર્ષોમાં આપને આવા અનેક ઉદાહરણો મળી જશે. હજુ થોડા દિવસ પહેલાં જ પ્રગતિ મેદાનની આસપાસમાં ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોરનું લોકાર્પણ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો હતો. સરકારના પ્રોજેક્ટ્સ વર્ષો સુધી લટકી રહેતા નથી, પણ સમયસર પૂરા થાય છે, સરકારની યોજનાઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચે ત્યારે જ દેશના કરદાતાઓનું સન્માન થયું કહેવાય. અને હવે તો પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના રૂપમાં આપણી પાસે એક આધુનિક પ્લેટફોર્મ પણ છે. નવા ભારતની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નવા વાણિજ્ય ભવને પણ દરેક સંબંધિત ક્ષેત્રમાં દેશને ગતિ શક્તિ આપવાની છે.

સાથીઓ,

શિલાન્યાસથી માંડીને લોકાર્પણ સુધી, વાણિજ્ય ભવન આ કાળખંડમાં વાણિજ્યના ક્ષેત્રમાં આપણી સિદ્ધિઓનું પ્રતીક પણ છે. મને યાદ છે, શિલાન્યાસ વખતે મેં ઇનોવેશન અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં સુધારાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. આજે આપણે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 46મા સ્થાન પર છીએ અને તેમાં સતત સુધારો થઇ રહ્યો છે. શિલાન્યાસ પહેલાં આપણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. આજે હવે આ બિલ્ડિંગનું, આ ભવનનું લોકાર્પણ થઇ રહ્યું છે, ત્યાં સુધીમાં 32 હજાર કરતાં વધારે બિનજરૂરી અનુપાલનોને દૂર કરી દેવામાં આવ્યા છે, 32 હજાર, શું તમે આની કલ્પના પણ કરી શકો છો? શિલાન્યાસ વખતે GST લાગુ થયો તેના હજુ થોડાક મહિના જ થયા હતા, દરેક પ્રકારની શંકા-કુશંકાઓ ખૂબ જ જોરશોરથી ફેલાઇ રહી હતી. આજે દર મહિને 1 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન સામાન્ય વાત થઇ ગઇ છે. વાણિજ્ય ભવનના શિલાન્યાસના સમયે આપણે GeM પોર્ટલ પર લગભગ 9 હજાર કરોડ રૂપિયાના ઓર્ડરની ચર્ચા કરી હતી. આજે આ પોર્ટલ પર આપણા 45 લાખ નાના મોટા ઉદ્યમીઓએ નોંધણી કરાવેલી છે અને GeM પર સવા બે લાખ કરોડ રૂપિયા કરતાં વધારે મૂલ્યના ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે.

સાથીઓ,

ત્યારે મેં કહ્યું હતું કે, 2014 પછી મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સંખ્યા કેવી રીતે 2થી વધીને 120 સુધી પહોંચી ગઇ છે. આજે આ સંખ્યા 200 કરતાં પણ વધારે થઇ ગઇ છે અને આપણે ઇમ્પોર્ટરની સ્થિતિથી આગળ નીકળીને દુનિયાના મોટા મોબાઇલ ફોન એક્સપોર્ટર તરીકે આપણે એક મોટી શક્તિ બનીને ઉદયમાન થયા છીએ. 4 વર્ષ પહેલાં ભારતમાં 500 કરતાં પણ ઓછા રજિસ્ટર્ડ ફિનટેક સ્ટાર્ટઅપ હતા. આજે તેની સંખ્યા લગભગ 2300થી કરતાં પણ વધારે આંકડો ઓળંગી ગઇ છે. તે સમયે દર વર્ષે આપણે 8 હજાર સ્ટાર્ટઅપને સ્વીકૃતિ આપતા હતા જ્યારે આજે આ આંકડો 15,000 કરતાં પણ વધારે થઇ ગયો છે. લક્ષ્ય નક્કી કરીને, પ્રામાણિકતાપૂર્વકના પ્રયાસો કરવાથી 100 વર્ષમાં એકાદ વખત આવતી વૈશ્વિક મહામારીની સ્થિતિ હોવા છતાં પણ આપણે આટલું બધું પ્રાપ્ત કરી શક્યા છીએ.

સાથીઓ,

સંકલ્પથી સિદ્ધિની જે વિચારધારા આજે નવા ભારતમાં બની છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણી એક્સપોર્ટ ઇકો સિસ્ટમ છે. શિલાન્યાસ કાર્યક્રમમાં આપણે ગ્લોબલ એક્સપોર્ટમાં વધારો કરવા માટે, એક્સપોર્ટમાં વૃદ્ધિ કરવા માટે ભારતને મેન્યુફેક્ચરિંગનું એક પસંદગીનું મુકામ બનાવવા માટે સહિયારો સંકલ્પ લીધો હતો. ગયા વર્ષે ઐતિહાસિક વૈશ્વિક વિક્ષેપો હોવા છતાં પણ, સમગ્ર પુરવઠા સાંકળ અસ્તવ્યસ્ત થઈ ગઇ હતી તેમ છતાં પણ, ભારતે 670 બિલિયન ડૉલર એટલે કે, 50 લાખ કરોડ રૂપિયાની કુલ નિકાસ કરી હતી. તમે પણ જાણો જ છો કે, આ આંકડા કેટલો અભૂતપૂર્વ છે. ગયા વર્ષે દેશે નક્કી કર્યું હતું કે, દરેક પડકારો હોવા છતાં પણ 400 બિલિયન ડૉલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાના વ્યાપારી સામાનની નિકાસ કરવાનું સીમાચિહ્ન પાર કરવું છે. પરંતુ આપણે આ આંકડો પણ ઓળંગીને 418 બિલિયન ડૉલર એટલે કે 31 લાખ કરોડ રૂપિયાની જંગી નિકાસનો વિક્રમ સ્થાપિત કરી દીધો હતો.

સાથીઓ,

વિતેલા વર્ષોમાં મળેલી આ સફળતાથી જ ઉત્સાહિત થઇને અમે હવે નિકાસ માટેનું લક્ષ્ય પણ વધારી દીધું છે, અને તે પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો પણ બમણા કરી દીધા છે. આ જે નવા નક્કી કરવામાં આવેલા લક્ષ્યો છે, તેને પ્રાપ્ત કરવા માટે સૌના સામૂહિક પ્રયાસો હોય તે ખૂબ જ આવશ્યક છે. અહીં ઇન્ડસ્ટ્રી, નિકાસકારો અને નિકાસ પ્રમોશન કાઉન્સિલના સભ્યો પણ હાજર છે. મારો આપ સૌને આગ્રહ છે કે, આપ પોતાના સ્તર પર પણ નિકાસના ટૂંકા ગાળાના નહીં પરંતુ લાંબા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરો. માત્ર લક્ષ્યો જ નહીં, પરંતુ ત્યાં પહોંચવા માટેનો માર્ગ પણ શું હશે, ત્યાં પહોંચવામાં સરકાર કેવી રીતે મદદ કરી શકશે તેના વિશે પણ આપણે સૌ સાથે મળીને કામ કરીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

નેશનલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ફોર યરલી એનાલિસિસ ઓફ ટ્રેડ એટલે કે NIRYAT (નિર્યાત) પ્લેટફોર્મ પણ આ દિશામાં જ ભરવામાં આવેલું એક પગલું છે. આમા નિકાસકારો, સરકારના અલગ અલગ વિભાગો, રાજ્ય સરકારો, તમામ હિતધારકો માટે જરૂરી વાસ્તવિક સમયના ડેટા સુધી સૌની પહોંચ હશે. તેનાથી કેટલાય પ્રકારે સિલોસ તોડવામાં એટલે કે એકલા કામ કરવાના માળખાને દૂર કરવામાં મદદ મળશે, આપણી જે ઇન્ડસ્ટ્રી છે, આપણા નિકાસકારો છે તેમને જરૂર નિર્ણયો લેવામાં મદદ મળશે. આ પોર્ટલથી દુનિયાના 200 કરતાં વધારે દેશોમાં નિકાસ કરનારા 30થી વધારે કોમોડિટી ગ્રૂપ સાથે સંકળાયેલી જરૂરી માહિતી આપ સૌને ઉપલબ્ધ થઇ શકશે. આના પણ આવનારા સમયમાં જિલ્લા મુજબ નિકાસ સંબંધિત માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ એક જિલ્લો, એક પ્રોડક્ટ પર જે રીતે મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે તે છેવટે તો અહીં પણ જોડવામાં આવશે. તેનાથી જિલ્લાઓને નિકાસના મહત્વપૂર્ણ કેન્દ્રો બનાવવાના પ્રયાસોને બળ મળશે. મને વિશ્વાસ છે કે, આ પોર્ટલ દેશના રાજ્યોમાં નિકાસના ક્ષેત્રમાં સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે. અમે રાજ્યો વચ્ચે એક સ્વસ્થ સ્પર્ધાનો માહોલ ઉભો થાય તેવું ઇચ્છિએ છીએ. કયું રાજ્ય કેટલી નિકાસ કરે છે, કેટલા વધારે મુકામોને આવરી લે છે, કેટલી વધારે વિવિધતાઓમાં નિકાસ કરે છે તે બધુ જ આવરી લેવામાં આવશે.

સાથીઓ,

અલગ અલગ દેશોની વિકાસ યાત્રાનો અભ્યાસ કરીએ તો બધામાં એક વાત સામાન્ય જોવા મળે છે કે, તે દેશોની પ્રગતિ ત્યારે જ શક્ય બની છે જ્યારે તેમની નિકાસમાં વધારો થયો હોય. એટલે કે વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનવામાં નિકાસની ભૂમિકા ખૂબ જ મોટી હોય છે. તેનાથી રોજગારીની તકોમાં વધારો થાય છે, સ્વ-રોજગારની તકોનું પણ સર્જન થાય છે. છેલ્લા આઠ વર્ષમાં ભારત પણ પોતાની નિકાસમાં એકધારો વધારો કરી રહ્યું છે, નિકાસ સાથે સંકળાયેલા લક્ષ્યોને પ્રાપ્ત કરી રહ્યું છે. નિકાસમાં વધારો કરવા માટે બહેતર નીતિ ઘડવાની હોય, પ્રક્રિયાઓનું સરળીકરણ કરવાનું હોય, પ્રોડક્ટ્સને નવા બજારોમાં લઇ જવાની હોય, આ બધી જ બાબતોએ આમાં ખૂબ જ મદદ કરી છે. અને હવે આપણે લોજિસ્ટિક સપોર્ટ પર પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેથી આપણા નિકાસકારોને દરેક કામ ઓછા ખર્ચમાં પૂરું કરવામાં મદદ મળે. તમે પણ જાણો જ છો કે, PLI યોજના કેવી રીતે મેન્યુફેક્ચરિંગમાં વધારો કરવામાં મદદ કરી રહી છે. આપણા નિકાસના સાથીઓના ફીડબેકના આધારે જે નીતિગત ફેરફારો કરવામાં આવ્યા છે તેનાથી ખૂબ જ સારી મદદ મળી શકી છે. આજે સરકારનું દરેક મંત્રાલય, દરેક વિભાગ, ‘સંપૂર્ણ સરકાર’ના અભિગમ સાથે નિકાસમાં વૃદ્ધિ કરવાની બાબતને પ્રાથમિકતા આપી રહી છે. MSME મંત્રાલય હોય કે પછી વિદેશ મંત્રાલય, કૃષિ હોય કે પછી કોમર્સ, તમામના એક જ સહિયારા લક્ષ્ય માટે, સૌ સહિયારા પ્રયાસો કરી રહ્યા છે. આપણે જોઇ રહ્યા છીએ કે, આપણા એક્સપોર્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં એન્જિનિયરિંગને લગતી વસ્તુઓ હોય છે. તેની નિકાસમાં વધારો કરવામાં ખાસ કરીને MSME ક્ષેત્રની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહી છે. આપણે સૌ એ પણ જોઇ રહ્યા છીએ કે, દેશમાં નવા નવા ક્ષેત્રોમાંથી નિકાસમાં વધારો થઇ રહ્યો છે. કેટલાય મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં પણ નિકાસમાં અનેક ગણો વધારો થયો છે. કોટન અને હેન્ડલૂમની પ્રોડક્ટ્સની નિકાસમાં 55 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જે બતાવે છે કે, પાયાના સ્તરે કોઇપણ પ્રકારે કામ થઇ રહ્યું છે. સરકાર વોકલ ફોર લોકલ અભિયાન, ‘એક જિલ્લો, એક પ્રોડક્ટ’ યોજના દ્વારા જે સ્થાનિક ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકી રહી છે, તેના કારણે પણ નિકાસમાં વધારો કરવામાં મદદ મળી છે. હવે દુનિયાના નવા નવા દેશો, નવા નવા મુકામોમાં આપણા દેશની અનેક પ્રોડક્ટ્સ પહેલી વખત નિકાસ કરવામાં આવી રહી છે. હવે આપણા લોકલ ખરા અર્થમાં ગ્લોબલ બનવાની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. હવે જુઓ, સીતાભોગ મીઠાઇ અને નારકેલ નારુ એટલે કે નાળિયેર અને ગોળમાંથી બનેલા લાડુનો પહેલો જથ્થો બહેરીનમાં નિકાસ કરવામાં આવ્યો છે. નાગાલેન્ડની ફ્રેશ કિંગ ચિલી લંડનના બજારમાં પહોંચી રહી છે, તો આસામની ફ્રેશ બર્મીઝ દ્રાક્ષ દુબઇમાં નિકાસ કરવામાં આવી રહી છે. છત્તીસગઢમાં આપણા આદિવાસી ભાઇઓ બહેનોની વન પેદાશ મહુવાના ફુલોમાંથી બનાવેલી પ્રોડક્ટ્સને ફ્રાન્સમાં નિકાસ કરવામાં આવે છે, તો કારગીલની ખુમાની દુબઇમાં નિકાસ કરવામાં આવે છે. અર્બુઆ, બેલાઇજ, બરમુડા, ગ્રેનાડા અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા સંખ્યાબંધ નવા બજારોમાં હેન્ડલૂમ સાથે સંકળાયેલી પ્રોડક્ટ્સ મોકલવામાં આવી રહી છે. આપણા ખેડૂતો, આપણા વણકરો, આપણા પરંપરાગત ઉત્પાદનોને એક્સપોર્ટ ઇકો સિસ્ટમ સાથે જોડવા માટે આપણી મદદ પણ કરી રહ્યા છે અને GI ટેગિંગ પર પણ ભાર મૂકી રહ્યા છે. ગયા વર્ષે આપણે UAE અને ઑસ્ટ્રેલિયા સાથે ટ્રેડ ડીલ્સને અંતિમરૂપ આપ્યું છે અને અન્ય દેશો સાથે વાત આગળ વધી રહી છે. વિદેશમાં આવેલી જે આપણી રાજદ્વારી સંસ્થાઓ છે તેમની પણ હું ખાસ પ્રશંસા કરવા માંગુ છુ. ખૂબ જ પડકારજનક માહોલને જે પ્રકારે તેઓ ભારત માટે અવસરમાં પરિવર્તિત કરવાનું કામ કરી રહ્યાં છે, આપણા તમામ મિશનો આ પ્રયાસો માટે અભિનંદનના અધિકારી છે, તેમના કાર્યની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે.

સાથીઓ.

વેપાર કરવા માટે, વ્યવસાય માટે નવા બજારોને ઓળખવામાં આવે અને ત્યાંની જરૂરિયાતોને ઓળખીને ઉત્પાદનનું નિર્માણ કરવામાં આવે, તે અભિગમ દેશની પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે. અતિતમાં આપણા વેપારીઓએ બતાવ્યું છે કે પારસ્પરિક ભાગીદારી અને વિશ્વાસ આધારિક વેપાર કેવી રીતે ફેલાઇ શકે અને વધી શકે છે. વેલ્યૂ અને સપ્લાઇ ચેઇનની આ શીખામણને આપણે આઝાદીના અમૃતકાળમાં સશક્ત કરવાની છે. આવા જ મૂલ્યોના આધાર પર આપણે UAE અને ઑસ્ટ્રેલિયા સાથે ટ્રેડ ડીલ્સને પૂરી કરી છે. અનેક દેશ અને ક્ષેત્રો સાથે ઝડપથી આપણે આવી ડીલ્સ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. 

સાથીઓ,

છેલ્લા 8 વર્ષમાં દેશની સિદ્ધિઓ દરેક ભારતીયને ગૌરવ અપાવી રહી છે. આ ભાવનાથી જ કામ કરીને આઝાદીના અમૃતકાળ દરમિયાન, આવનારા 25 વર્ષ માટે આપણે જે સંકલ્પ લીધા છે, આપણે તેના માટે કામ કરવાનું છે. આજે આ નવું ભવન પણ તૈયાર થઇ ગયું છે, નવું પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અહીંયા જ આપણી જવાબદારી પૂરી થઇ જતી નથી, એક પ્રકારે નવા સંકલ્પોની સાથે, નવી ઉર્જા સાથે, નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ઝડપી ગતિએ આગળ વધવાનું કામ શરૂ થઇ રહ્યું છે. હું દરેક ડિપાર્ટમેન્ટને પણ આગ્રહપૂર્વક કહું છુ કે, અત્યાર સુધી જે પોર્ટલ અને પ્લેટફોર્મ આપણે તૈયાર કર્યા છે, તેના પરફોર્મન્સનું પણ સમય સમયે મૂલ્યાંકન થતું રહેવું જોઇએ. જે લક્ષ્યો સાથે આપણે આ ટૂલ્સ તૈયાર કર્યા છે, તે કેટલી હદે પૂરાં થયા છે અને જો તેમાં ક્યાંય પણ કોઇ સમસ્યા આવી રહી હોય તો, તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે દિશામાં પ્રયાસો કરવા જોઇએ. હું ઇન્ડસ્ટ્રીના સાથીઓને, નિકાસકારોને પણ આગ્રહપૂર્વક અનુરોધ કરું છુ કે, તમે સૌ ખુલ્લા દિલથી પોતાની વાત સરકાર સમક્ષ રજૂ કરો, ઇનોવેટિવ સૂચનો લઇને આવો, ઉકેલો લઇને આવો, આપણે સૌ સાથે મળીને ઉકેલ શોધીએ એવું અમે ઇચ્છીએ છીએ. તમે નિકાસકાર પોર્ટલ પર જાઓ અને જણાવો કે તેમાં શું જોડી શકાય અથવા તેમાંથી શું હટાવવાની જરૂર છે. જિલ્લા સ્તરે નિકાસમાં વધારો કરવા માટે કેવા પ્રકારની જોગવાઇઓ કરી શકાય? આપણે જિલ્લા સ્તરે સ્વસ્થ સ્પર્ધાને નિકાસની દુનિયામાં લાવવાની છે. આપણે મેન્યુફેક્ચરરો વચ્ચે પણ ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ ઓન વર્લ્ડ ક્લાસ પેકેજિંગ, સ્પર્ધા લાવવાની છે. હું ઇચ્છુ છું કે, સૌના ઇનપુટથી, તમામ લોકોના સૂચનોથી એટલે કે સૌના પ્રયાસથી જ આપણે આપણા વિરાટ સંકલ્પોને સિદ્ધ કરી શકીએ છીએ. ફરી એક વખત આપ સૌને હું નવા ભવન બદલ ખૂબ જ અભિનંદન પાઠવું છુ અને આ શુભ કાર્યમાં મને ભાગ લેવા માટે નિમંત્રણ આપ્યું તે માટે પણ હું વિભાગનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું.

ખૂબ ખૂબ આભાર.

ખૂબ ખૂબ અભિનંદન.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836491) Visitor Counter : 277