પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

શ્રી રામ બહાદુર રાયનાં પુસ્તક વિમોચન પર પ્રધાનમંત્રી મોદીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 18 JUN 2022 9:57PM by PIB Ahmedabad

નમસ્કાર!

આપણે ત્યાં સામાન્ય જનમાનસને પ્રેરણા આપવા માટે ઋષિઓએ મંત્ર આપ્યો હતો - 'ચરૈવેતિ- ચરૈવેતિ'.

પત્રકાર માટે તો આ મંત્ર, નવા વિચારોની શોધ અને સમાજની સામે કંઈક નવું લાવવાનીધગશ, આ જ તેમની સહજ સાધના હોય છે. મને ખુશી છે કે રામબહાદુર રાયજી જે રીતે તેમની લાંબી જીવનયાત્રામાં આ સાધનામાં વ્યસ્ત રહ્યા છે, આજે વધુ એક સિદ્ધિ આપણા બધાની સામે છે. હું આશા રાખું છું કે તમારું આ પુસ્તક, 'ધ ઈન્ડિયન કોન્સ્ટિટ્યુશન - ધ અનટોલ્ડ સ્ટોરી' તેનાં શીર્ષકને ચરિતાર્થ કરશે અને દેશ સમક્ષ બંધારણને વધુ વ્યાપક રીતે રજૂ કરશે. આ નવતર પ્રયાસ માટે હું રામ બહાદુર રાયજીને અને તેનાં પ્રકાશન સાથે સંકળાયેલા તમામને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

સાથીઓ,

આપ સૌ દેશના બૌદ્ધિક વર્ગનું પ્રતિનિધિત્વ કરનારા લોકો છો. આ પુસ્તકનાંલોકાર્પણ માટે આપે ખાસ સમય અને દિવસ પસંદ કર્યો હોય છે તે સ્વાભાવિક છે! દેશની આઝાદીના અમૃત મહોત્સવનો આ સમય છે. આ જ દિવસે 18 જૂનના રોજ, મૂળ બંધારણના પ્રથમ સુધારા પર તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદજીએ હસ્તાક્ષર કર્યા હતા. એટલે કે આજનો દિવસ આપણાં બંધારણની લોકતાંત્રિક ગતિશીલતાનો પ્રથમ દિવસ હતો. અને આજે આ જ દિવસે આપણે આ પુસ્તકનું લોકાર્પણ કરી રહ્યા છીએ જે બંધારણને વિશેષ દૃષ્ટિકોણથી જુએ છે. આ આપણાં બંધારણની સૌથી મોટી તાકાત છે, જે આપણને વિચારોની વિવિધતા અને તથ્યો અને સત્યની શોધ માટે પ્રેરણા આપે છે.

સાથીઓ,

આપણું બંધારણ દેશની ઘણી પેઢીઓનાં સપનાં પૂરાં કરી શકે તેવા આઝાદ ભારતની પરિકલ્પના તરીકે આપણી સમક્ષ આવ્યું હતું. બંધારણ નિર્માણ માટે બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી.એટલે કે આઝાદીના પણ ઘણા મહિના પહેલા! આ બેઠક પાછળ એક વિશાળ ઐતિહાસિક સંદર્ભ હતો, સમય અને સંજોગો હતા! આપ સૌ ઈતિહાસ અને બંધારણના જાણકાર લોકો તેનાથી પરિચિત છો. પરંતુ, હું તેની પાછળ એક ભાવનાત્મક પાસું પણ જોઉં છું.અનિશ્ચિતતાઓથી ભરેલો એ સમયગાળો, આપણી આઝાદીની ચળવળ અનેક પડકારોનો સામનો કરી રહી હતી, પરંતુ તેમ છતાં પણ આપણા દેશનો આત્મવિશ્વાસ કેટલો અડગ રહ્યો હશે કે તેને તેની સ્વતંત્રતા, તેના સ્વરાજને લઈને સંપૂર્ણ વિશ્વાસ હતો. આઝાદીના ઘણા સમય પહેલા, દેશે આઝાદીની તૈયારી શરૂ કરી દીધી હતી, તેનાં બંધારણની રૂપરેખા માટે ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. તે દર્શાવે છે કે ભારતનું બંધારણ માત્ર એક પુસ્તક નથી, તે એક વિચાર છે, એક નિષ્ઠા છે, સ્વતંત્રતાનો એક વિશ્વાસ છે.

સાથીઓ,

આજે, દેશ આઝાદીના અમૃત મહોત્સવમાં સ્વતંત્રતા ચળવળના ન કહેવાયેલા અધ્યાયોને આગળ લાવવા માટે સામૂહિક પ્રયાસ કરી રહ્યો છે. જે લડવૈયાઓ પોતાનું સર્વસ્વ આપીને પણ ભુલાઈ ગયા હતા, જે ઘટનાઓ સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપીને પણ ભુલાવીદેવાઈ હતી અને જે વિચારો સ્વતંત્રતા સંગ્રામને ઊર્જા આપતા રહ્યા હતા છતાં પણ આઝાદી પછી આપણા સંકલ્પોથી દૂર થઈ ગયા, દેશ આજે તેમને ફરી એકસૂત્રમાં બાંધી રહ્યો છે, જેથી ભવિષ્યના ભારતમાં અતીતની ચેતના વધુ મજબૂત થઈ શકે.આથી જ આજે દેશના યુવાનો ન કહેવાયેલા ઈતિહાસ પર સંશોધન કરીને પુસ્તકો લખી રહ્યા છે. અમૃત મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 'ભારતીય બંધારણ -વણ કહી કહાની, આ પુસ્તક દેશનાં આ અભિયાનને એક નવી તાકાત આપવાનું કામ કરશે. આઝાદીના ઈતિહાસની સાથે સાથે આપણાં બંધારણનાં અસંખ્ય વણકહ્યાં પ્રકરણો દેશના યુવાનોને નવી વિચારસરણી આપશે, તેમના વિમર્શને વ્યાપક બનાવશે. રામ બહાદુરજીએ મને આ પુસ્તકની એક નકલ ઘણા સમય પહેલા મોકલી હતી.હું તેનાં કેટલાંક પૃષ્ઠ ફેરવી રહ્યો હતો અને મેં ઘણી રસપ્રદ વાતો અને વિચારો જોયા. જેમ કે એક જગ્યાએ તમે લખ્યું છે કે

ભારતનાં બંધારણના ઇતિહાસને સ્વાતંત્ર્ય સંગ્રામનીલુપ્તધારા માની લેવાયો છે. પરંતુ એવું નથી''. "બંધારણથી પરિચિત હોવું દરેક નાગરિકનું કર્તવ્ય છે". તમે પુસ્તકની શરૂઆતમાં એમ પણ લખ્યું છે કે બંધારણમાં તમારી વિશેષ રુચિ ઈમરજન્સી દરમિયાન જાગી હતી, જ્યારે તમને મિસામાં જેલમાં બંધ કરી દેવાયા હતા. એટલે કે, બંધારણે તમને તમારા અધિકારોનો પરિચય કરાવ્યો, અને જ્યારે તમે તેના ઊંડાણમાં ઊંડા ઉતર્યા, ત્યારે તમે બંધારણના બોધને નાગરિક ફરજ તરીકે ઓળખાવ્યો. અધિકારો અને ફરજોનો આ તાલમેલ જ આપણાં બંધારણને આટલું વિશેષ બનાવે છે. જો આપણી પાસે અધિકારો છે, તો આપણી ફરજો પણ છે, અને જો આપણી પાસે ફરજો છે, તો જ અધિકારો પણ એટલા જ મજબૂત હશે. તેથી જ આઝાદીના અમૃત કાળમાં આજે દેશ કર્તવ્યબોધની વાત કરી રહ્યો છે, ફરજો પર આટલો ભાર આપી રહ્યો છે.

સાથીઓ,

જ્યારે આપણે નવા સંકલ્પ લઈને નીકળીએ છીએ, ત્યારે આપણી જાણકારી જ આપણી જાગૃતિ બની જાય છે. બોધ જ આપણને પ્રબોધ કરાવે છે. તેથી, એક રાષ્ટ્ર તરીકે, આપણે આપણાં બંધારણને ઊંડાણપૂર્વક જાણીએ તેટલો જ બંધારણનાં સામર્થ્યનો વિસ્તૃત ઉપયોગ કરી શકીશું. ગાંધીજીએ આપણાં બંધારણની વિભાવનાને કેવી રીતે એક નેતૃત્વ આપ્યું, સરદાર પટેલે ધર્મના આધારે અલગ ચૂંટણી પ્રથા નાબૂદ કરીને ભારતીય બંધારણને કોમવાદમાંથી મુક્ત કરાવ્યું, ડૉ. આંબેડકરે બંધારણની પ્રસ્તાવનામાં બંધુત્વનો સમાવેશ કરીને 'એક ભારત શ્રેષ્ઠભારત'ને આકાર આપ્યો, અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા વિદ્વાનોએ બંધારણને ભારતના આત્મા સાથે કેવી રીતે જોડવાનો પ્રયાસ કર્યો, આ પુસ્તક આપણને આવા અસંખ્ય વણકહ્યાં પાસાંઓનો પરિચય કરાવે છે. આ તમામ પાસાંઓ આપણને એ વાત માટે દિશા પણ આપશે કે આપણાં ભવિષ્યની દિશા શું હોવી જોઈએ.

સાથીઓ,

ભારત સ્વભાવથી જએક મુક્ત-વિચાર દેશ રહ્યો છે. જડતા એ આપણા મૂળભૂત સ્વભાવનો ભાગ નથી. બંધારણ સભાની રચનાથી લઈને તેની ચર્ચાઓ સુધી, બંધારણને અપનાવવાથી લઈને આજના આ મુકામ સુધી, આપણે સતત એક ગતિશીલ અને પ્રગતિશીલ બંધારણનાં દર્શન કર્યાં છે. આપણેતર્ક કર્યા, પ્રશ્નો ઉઠાવ્યા છે, ચર્ચા કરી છે, ફેરફારો કર્યા છે. મને સંપૂર્ણ ભરોસો છે કે આ જ નિરંતરતા આપણા જનગણમાં અને જન-મનમાં સતત જળવાઈ રહેશે. આપણે સતત શોધ કરતા રહીશું, પહેલા કરતા વધુ સારું ભવિષ્ય ઘડતા રહીશું. આપ સૌ પ્રબુદ્ધ લોકો આ જ રીતે દેશની આ ગતિશીલતાને નેતૃત્વ આપતા રહેશો. એ જ વિશ્વાસ સાથે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1835214) Visitor Counter : 250