પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતના આટકોટમાં માતુશ્રી કે.ડી.પી.મલ્ટી-સ્પેશિયાલિટી હૉસ્પિટલનાં ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 28 MAY 2022 3:59PM by PIB Ahmedabad

ભારત માતા કી- જય

ભારત માતા કી- જય

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો પુરુષોત્તમ રૂપાલાજી, મનસુખ માંડવિયાજી, ડૉ. મહેન્દ્ર મુંજપરાજી, અમારા વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળાજી, શ્રી વિજય રૂપાણીજી, પટેલ સેવા સમાજ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, તમામ દાતાઓ, અમને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં પધારેલા આદરણીય સંતો, ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અને અહીં આટલી ગરમી હોવા છતાં પણ મોટી સંખ્યામાં આટકોટમાં આશીર્વાદ આપવાં પધારેલાં મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો,

મને આનંદ છે કે આજે અહીં માતુશ્રી કે.ડી.પી. મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલનો શુભારંભ થયો છે. આ હૉસ્પિટલ સૌરાષ્ટ્રમાં આરોગ્ય સેવાઓ વધુ સારી બનાવવામાં મદદરૂપ થશે. જ્યારે સરકારના પ્રયાસમાં લોકોનો પ્રયાસ જોડાય છે, ત્યારે આપણી સેવા કરવાની શક્તિ પણ અનેક ગણી વધી જાય છે. રાજકોટમાં બનેલી આ આધુનિક હૉસ્પિટલ તેનું બહું મોટું ઉત્તમ ઉદાહરણ છે.

ભાઇઓ અને બહેનો,

કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર રાષ્ટ્ર સેવાનાં 8 વર્ષ પૂર્ણ કરી રહી છે. તમે બધાએ મને આઠ વર્ષ પહેલા વિદાય આપી હતી, પણ તમારો પ્રેમ વધતો જ જાય છે. આજે જ્યારે હું ગુજરાતની ધરતી પર આવ્યો છું ત્યારે હું માથું નમાવીને ગુજરાતના તમામ નાગરિકોને આદર આપવા માગું છું. તમે મને જે સંસ્કાર આપ્યા, તમે જે શિક્ષણ આપ્યું, સમાજ માટે કેવી રીતે જીવવું તે તમે મને શીખવ્યું તેનાં કારણે મેં છેલ્લાં આઠ વર્ષથી માતૃભૂમિની સેવામાં કોઈ કસર છોડી નથી.

આ તમારા જ સંસ્કારો છે, આ આ ધરતીનાં સંસ્કારો છે, પૂજ્ય બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિનાં સંસ્કારો છે કે આઠ વર્ષમાં ભૂલથી પણ એવું કંઈ થવા દીધું નથી કે કંઈ એવું કર્યું નથી જેનાં કારણે આપે કે દેશના કોઈપણ નાગરિકે પોતાનું માથું ઝુકાવવું પડે.

વર્ષોથી અમે ગરીબોની સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સબકા સાથ- સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને અનુસરીને અમે દેશના વિકાસને નવી ગતિ આપી છે. 8 વર્ષમાં અમે પૂજ્ય બાપુ અને સરદાર પટેલના સપનાનું ભારત બનાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. પૂજ્ય બાપુ એવું ભારત ઇચ્છતા હતા જે દરેક ગરીબ, દલિત, વંચિત, પીડિત, આપણા આદિવાસી ભાઈઓ અને બહેનો, આપણી માતાઓ અને બહેનો, એ બધાને સશક્ત બનાવે. જ્યાં સ્વચ્છતા અને આરોગ્ય જીવનશૈલીનો એક ભાગ બની જાય, જેની અર્થવ્યવસ્થા સ્વદેશી ઉકેલો દ્વારા સમર્થ હોય.

સાથીઓ,

ત્રણ કરોડથી વધુ ગરીબોને પાકા મકાનો, 10 કરોડથી વધુ પરિવારોને ખુલ્લામાં શૌચથી મુક્તિ, 9 કરોડથી વધુ ગરીબ બહેનોને ધુમાડાથી મુક્તિ, 2.5 કરોડથી વધુ ગરીબ પરિવારોને વીજળીનું જોડાણ, 6 કરોડથી વધુ પરિવારોને નળથી જળ, 50 કરોડથી વધુ ભારતીયોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર. મારાં ભાઈઓ અને બહેનો, આ માત્ર આંકડાઓ નથી. આ માત્ર આંકડાઓ નથી, પરંતુ આ ગરીબની ગરિમા સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે, પ્રમાણ સાથીઓ.

ભાઇઓ અને બહેનો,

ગરીબોની સરકાર હોય છે, તો તે કેવી રીતે તેમની સેવા કરે છે, તેમને સશક્ત બનાવવા માટે કેવી રીતે કામ કરે છે તે આજે આખો દેશ જોઈ રહ્યો છે. 100 વર્ષના સૌથી મોટા સંકટકાળમાં, કોરોના મહામારીના આ સમયમાં પણ દેશે આનો સતત અનુભવ કર્યો છે. જ્યારે મહામારી શરૂ થઈ, ત્યારે ગરીબોની સામે ખાવા-પીવાની સમસ્યા હતી, તેથી અમે દેશવાસીઓ માટે દેશના અનાજના ભંડાર ખોલી દીધા. આપણી માતાઓ અને બહેનો સન્માન સાથે જીવેએ માટે જનધન બૅન્ક ખાતામાં સીધા પૈસા જમા કરાવ્યા, ખેડૂતો અને મજૂરોના બૅન્ક ખાતામાં પૈસા જમા કરાવ્યા, અમે મફત ગેસ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરી જેથી ગરીબોનું રસોડું ચાલુ રહે, એમના ઘરનો ચૂલો કદી ઓલવાય નહીં. જ્યારે ઇલાજનો પડકાર વધ્યો તો અમે પરીક્ષણથી લઈને સારવાર સુધીની સુવિધાઓ ગરીબો માટે સુલભ બનાવી દીધી. જ્યારે રસી આવી, ત્યારે અમે એ સુનિશ્ચિત કર્યું કે દરેક ભારતીયને રસી મળે, તે મફત લગાવાય. શું તમે બધાએ રસી લીધી છે ને? રસીકરણ થયું છે ને? શું કોઈને એક પૈસો પણ ચૂકવવો પડ્યો છે? તમારે એક રૂપિયો પણ ખર્ચવો પડ્યો છે?

ભાઇઓ-બહેનો,

એક તરફ કોરોનાનો આ જટિલ સમય, વૈશ્વિક મહામારી અને આજે, આજકાલ તો તમે જોઈ રહ્યા છો કે યુદ્ધ પણ ચાલી રહ્યું છે. ટીવી પર અડધો સમય યુદ્ધના સમાચાર દરેકને ચિંતિત કરે છે. આ સંજોગોમાં પણ અમારા ગરીબ ભાઈ-બહેનોને, અમારા મધ્યમ વર્ગને, મધ્યમવર્ગના ભાઈ-બહેનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અમે સતત પ્રયત્નો કર્યા. હવે અમારી સરકાર નાગરિકો માટે સુવિધાઓ 100% સુલભ બનાવવા માટે અભિયાન ચલાવી રહી છે. જે જે વાતના હકદાર છે તેને એનો હક મળવો જોઈએ.

જ્યારે દરેક નાગરિકને સુવિધાઓ આપવાનું લક્ષ્ય હોય છે, ત્યારે ભેદભાવ પણ સમાપ્ત થાય છે, ભ્રષ્ટાચારને અવકાશ પણ રહેતો નથી. ન કોઈ ભાઇ-ભત્રીજાવાદ રહે છે, ન જાત-પાતનો ભેદ રહે છે. તેથી જ અમારી સરકાર પાયાની સુવિધાઓને લગતી યોજનાઓને સોએ સો ટકા સંતૃપ્તિ સુધી લઈ જવા માટે પણ ખંતપૂર્વક કામ કરી રહી છે. અમે આ કાર્ય માટે રાજ્ય સરકારોને પણ સતત પ્રેરિત કરી રહ્યા છીએ, મદદ કરી રહ્યા છીએ. અમારો આ પ્રયાસ દેશના ગરીબોને, દેશના મધ્યમ વર્ગને સશક્ત બનાવશે, તેમનું જીવન વધુ સરળ બનાવશે.

અને આજે જ્યારે અહીં જસદણમાં અને આટકોટમાં પ્રથમ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, હું અહીં આવ્યો અને અહીં આવીને હૉસ્પિટલની મુલાકાત લેવાનો મોકો મળ્યો. ઘણા દાતાઓ અને ટ્રસ્ટીઓને મળવાનો મોકો મળ્યો. અને ટ્રસ્ટીઓએ મને કહ્યું કે સાહેબ, પાછું વળીને જોશો નહીં, અહીં કોઈ પણ આવશે, તે પાછો નહીં જાય. તે ટ્રસ્ટીના શબ્દો અને એમની ભાવના છે અને એક આધુનિક હૉસ્પિટલ આપણા ઘર આંગણે.પટેલ સેવા સમાજના તમામ સાથીઓ, ભરતભાઈ બોઘરાને હું જેટલા અભિનંદન આપું તેટલા ઓછા છે. પટેલ સેવા સમાજે આજે જે મહાન કાર્ય સમર્પણથી કર્યું છે તે બદલ આપ સૌ અભિનંદનને પાત્ર છો. અને તેમાંથી પ્રેરણા લઈને આપ સૌ સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા રાખો છો.

સામાન્ય રીતે જો કોઈ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા ગયું હોય, કોઈ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા ગયું હોય, કે કોઈ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા ગયું હોય તો તે દિલથી કહે છે કે ભાઈ, તમારું બધું કામ ઘણું આગળ વધે, લોકો પ્રયત્ન કરે, કારખાનામાં ઉત્પાદન સારું થાય. પણ હવે હોસ્પિટલ માટે શું કહેવું, કહો. હવે હું એમ તો કહી શકતો નથી કે હૉસ્પિટલ ભરેલી રહે. તેથી જ મેં ઉદ્ઘાટન તો કર્યું છે, પરંતુ આપણે સમાજમાં આરોગ્યનું એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે હોસ્પિટલ ખાલીની ખાલી રહે. કોઈએ આવવાની જરૂર જ ન પડે. અને જો દરેક જણ સ્વસ્થ રહે, તો પછી કોઈએ ક્યારેય પણ આવવું પડશે નહીં. અને જ્યારે આવવાની જરૂર પડે ત્યારે પહેલા કરતા સ્વસ્થ બનીને પોતાના ઘરે જાય. આવું કામ આ હૉસ્પિટલમાં થવાનું છે. આજે ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે જે ગતિ પ્રાપ્ત થઈ છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે, જે સ્તરે કામ થઈ રહ્યું છે તે માટે હું ભૂપેન્દ્રભાઈ અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.અને તેનો લાભ ગુજરાતના ખૂણે ખૂણે સામાન્ય માણસને મળવાનો છે. આજે આપણું આ રાજકોટ તો એવું સ્થળ છે કે આસપાસના ત્રણ-ચાર જિલ્લાઓને લાગે કે આ તો આપણી પાસે જ છે. બસ આ નીકળ્યા તો અડધા કલાક કે એક કલાકમાં પહોંચી શકો છો. આપ સૌ જાણો જ છો કે ગુજરાતને જે એઈમ્સ મળી છે, એનું કામ રાજકોટમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે.

થોડા સમય પહેલા હું જામનગર આવ્યો હતો, અને વિશ્વના પરંપરાગત દવા કેન્દ્ર, WHO દ્વારા તેના જામનગરમાં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. એક તરફ જામનગરમાં આયુર્વેદ અને બીજી બાજુ મારા રાજકોટમાં AIIMS, અને આટકોટમાં. હા, બાપુ, આપની તો શાન વધી ગઈ. મિત્રો, બે દાયકા પહેલા તમે મને તમારી સેવા કરવાની તક આપી હતી. 2001માં આપણા ગુજરાતમાં ત્યારે માત્ર 9 મેડિકલ કોલેજો હતી. આ બધું યાદ છે કે તમે ભૂલી જાવ છો? નવી પેઢીને આ વાત જણાવો. નહીંતર, તેમને ખબર જ નહીં હોય કે શું હાલત હતી. માત્ર 9 મેડિકલ કોલેજ અને કેટલા લોકો ડોક્ટર બનવા માગતા હતા. ત્યારે માત્ર 1100 બેઠકો હતી, જેમાં કોઈ  ડોક્ટર બનવા માટે અભ્યાસ કરી શકે.આટલું મોટું ગુજરાત, 2001માં અગાઉ માત્ર 1100 બેઠક. અને તમને જાણીને આનંદ થશે કે, આજે સરકારી અને ખાનગી કોલેજો મળીને 30 મેડિકલ કોલેજો માત્ર ગુજરાતમાં છે. અને આટલું જ નહીં ગુજરાતમાં પણ, તેમજ દેશમાં પણ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની ઈચ્છા છે. MBBS અને PGની મેડિકલ સીટો, એક જમાનામાં 1100 હતી, અને આજે 8000 સીટો છે, 8000.ભાઈઓ અને બહેનો, અમે તેમાં પણ એક નવું સાહસિક કામ કર્યું છે. તમે લોકો કહો કે ગરીબ માતા-પિતાનું બાળક ડૉક્ટર બનવા માગે છે કે નહીં? મને જરા કહો તો ખબર પડે, હોય કે નહીં? તમે તેમને પૂછો પણ પહેલા પૂછો કે તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છો કે ગુજરાતીમાં. અંગ્રેજીમાં ભણ્યા હશે તો ડૉક્ટર બનવાના દરવાજા ખુલી જશે. જો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય તો ડોક્ટર બનવાના બધા રસ્તા બંધ. હવે આ અન્યાય છે કે નહીં, અન્યાય છે કે નહીં ભાઈ? અમે નિયમોમાં ફેરફાર કર્યો, અને નક્કી કર્યું કે જો તમારે ડૉક્ટર બનવું છે, અથવા એન્જિનિયર બનવું છે, તો તમે માતૃભાષામાં પણ અભ્યાસ કરી શકો છો. જેથી લોકોની સેવા કરી શકાય.

મિત્રો, ડબલ એન્જિનવાળી સરકાર, ડબલ લાભ તો થાય જ ને, થાય કે નહીં થાય? અને આપણે ગુજરાતવાળાને સમજાવવું પડે કે તમે મામાના ઘરે જમવા માટે ગયા હોવ અને પરોસનારી તમારી મા હોય તો તેનો અર્થ સમજવો પડશે? આ ડબલ એન્જિનવાળી સરકારે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનું કામ કર્યું છે. વિકાસની સામેના તમામ અવરોધો દૂર કર્યા છે. અને ઝડપી વિકાસનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. 2014 પહેલા ગુજરાતમાં એવા ઘણા પ્રોજેક્ટ હતા, કે દિલ્હીમાં એવી સરકાર હતી, અહીંથી પ્રોજેક્ટ જાય તો એમને પ્રોજેક્ટ દેખાતો ન હતો. તેમને અંદર મોદી જ દેખાતા હતા. અને એવું મગજ ખરાબ થઈ જતું કે તરત જ રદ-રિજેક્ટ. તમામ કામોમાં તાળાં લગાવવામાં આવ્યા હતા. આટલી ઉદાસીનતા, આપણી માતા નર્મદા, તમે વિચારો, આ લોકો નર્મદા મૈયાને રોકીને બેઠા હતા. આ સરદાર સરોવર ડેમ બનાવવા માટે આપણે ઉપવાસ કરવા પડ્યા હતા. યાદ છે કે નહિ? યાદ છે ને મિત્રો? અને આ ઉપવાસ ફળ્યા અને સરદાર સરોવર ડેમ બની ગયો. સૌની યોજના બની ગઈ. અને નર્મદા મૈયાએ કચ્છ-કાઠિયાવાડની ધરતી પર આવીને આપણું જીવન ઉજ્જવળ કર્યું. આ કામ થાય છે આપણે ત્યાં. અને હવે તો સરદાર સરોવર, સરદાર વલ્લભભાઈ પટેલ, આખી દુનિયાની સૌથી મોટી પ્રતિમા, સરદાર સાહેબનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. અને લોકો જાય છે તો આશ્ચર્ય થતું હોય કે આપણાં ગુજરાતમાં આટલું મોટું કામ, આટલું જલ્દી. આ જ તો ગુજરાતની તાકાત છે ભાઈ.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસથી ગુજરાતને ફાયદો થયો છે. આજે ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ અભૂતપૂર્વ ઝડપે, અભૂતપૂર્વ સ્કેલ પર આગળ વધી રહ્યું છે. ગુજરાતના તમામ વિસ્તારોને તેનો લાભ મળ્યો છે. એક સમય હતો જ્યારે ઉદ્યોગનું નામ હોય ત્યારે માત્ર અને માત્ર વડોદરા વાપીથી, જો તમે નેશનલ હાઈ- વે પરથી જાવ છો, તો તેની આસપાસતમામ કારખાનાઓ દેખાય. આ જ આપણો ઔદ્યોગિક વિકાસ હતો. આજે તમે ગુજરાતની કોઈપણ દિશામાં જાવ, નાનાં-મોટાં ઉદ્યોગો, કારખાનાઓ તેજ ગતિએ ચાલી રહ્યાં છે. આપણાં રાજકોટનો ઈજનેરી ઉદ્યોગ, મોટી-મોટી ગાડીઓ ક્યાંય પણ બનતી હોય, ગાડી નાની બનતી હોય કે મોટી, પરંતુ તેનો સૌથી નાનામાં નાનો ભાગ તમારા રાજકોટમાંથી જ જાય છે. તમે વિચારો, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન, હાઈસ્પીડ ટ્રેનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. મુંબઈથી દિલ્હી સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ કોરિડોર અને તેમાં લોજિસ્ટિક્સની વ્યવસ્થાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ બધાનો લાભ ગુજરાતનો હાઇવે જ્યારે પહોળો થાય, ડબલ-ટ્રિપલ છ લાઇન, અને આ બધું ગુજરાતના બંદરોની શક્તિ વધારવામાં મદદરૂપ થશે. એર-કનેક્ટિવિટી, આજે ગુજરાતમાં અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળી રહ્યું છે. અને રો-રો ફેરી સર્વિસ, મને યાદ છે જ્યારે અમે નાના હતા ત્યારે અખબારોમાં વાંચતા હતા કે આ રો-રો ફેરી સર્વિસ શું છે? જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં પૂછ્યું કે ભાઈ આ છે શું? કયા ખૂણામાં છે? નાનપણથી સાંભળતા આવ્યા છીએ, આજે રો-રો ફેરી સર્વિસ શરૂ થઈ ગઈ છે. અને જો જે લોકોને 300-350 કિમીને બદલે, સુરતથી કાઠિયાવાડ આવવું હોય તો આઠ કલાકની બચત કરીને તેઓ ગણતરીના સમયમાં પહોંચી જાય છે. આજે આપણે જોયું કે વિકાસ કેવી રીતે થાય છે. MSME ગુજરાતની સૌથી મોટી તાકાત તરીકે ઉભર્યા છે. એક સમય એવો હતો કે આખાં સૌરાષ્ટ્રમાં મીઠા સિવાય કોઈ ઉદ્યોગ ન હતો, કાઠિયાવાડ ખાલીખમ થઈ રહ્યું હતું, કચ્છ-કાઠિયાવાડના લોકોને રોજીરોટી મેળવવા હિંદુસ્તાનના ખૂણે ખૂણે ભટકવું પડતું હતું. પરંતુ આજે ભારતના લોકોને કચ્છ-કાઠિયાવાડ આવવાનું મન થાય છે. બંદરો ધમધમી રહ્યા છે, આ ગુજરાતની છબી બદલાઈ છે મિત્રો. આપણાં મોરબીના ટાઇલ્સનો ઉદ્યોગ વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે.

જામનગરનો આપણો બ્રાસ ઉદ્યોગ, વિશ્વમાં તેની પહોંચ વધી છે. હવે તો ફાર્મા ઈન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, એક જમાનામાં સુરેન્દ્રનગરની નજીક આવતી દવાની કંપનીઓ આવે એ માટે ગુજરાત સરકાર આટલી બધી ઓફરો આપતી હતી. પણ કશું થતું ન હતું. આજે દવાની મોટી મોટી કંપનીઓ ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતી પર અડિંગો જમાવીને આગળ વધી રહી છે ભાઈ. એવા ઘણા વિસ્તાર છે જેમાં ગુજરાત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અને તેનાં કારણે ભાઈઓ અને બહેનો, ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં જે કોઇ લાભ હોય, એમાં એક જિલ્લો-એક ઉત્પાદન- વ ડિસ્ટ્રિક્ટ- વ પ્રોડક્ટનું અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. અને સૌરાષ્ટ્રની ઓળખ પણ છે. અને તે આપણાં કાઠિયાવાડની ઓળખ, આપણાં કચ્છની ઓળખ, આપણાં ગુજરાતની ઓળખ, સાહસિક સ્વભાવ, ખમીર જીવન, પાણીના અભાવ વચ્ચે પણ જિંદગી જીવતો ગુજરાતનો નાગરિક આજે ખેતીનાં ક્ષેત્રમાં પણ પોતાનો ડંકો વગાડી રહ્યો છે. આ જ ગુજરાતની તાકાત છે ભાઈઓ, અને તાકાતને પ્રગતિના પંથે લઈ જવા માટે, સરકાર દિલ્હીમાં બેઠી હોય કે સરકાર ગાંધીનગરમાં બેઠી હોય, અમે ચારેય દિશામાં આગળ વધી રહ્યા છીએ, ભાઈઓ.

આજે જ્યારે આરોગ્યની આટલી બધી સુવિધાઓ વધી રહી છે ત્યારે મારા તરફથી હું આ વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું. મારા પર વિશ્વાસ રાખજો, હમણાં ભૂપેન્દ્રભાઈ કહેતા હતા, PMJAY યોજના, આયુષ્માન યોજના, વિશ્વની મોટામાં મોટી યોજના આપણે ત્યાં ચાલી રહી છે. અમેરિકાની કુલ વસ્તી કરતા પણ વધુ લોકો આનો લાભ લે એવી યોજના આપણે ત્યાં ચાલી રહી છે. યુરોપિયન દેશોની વસ્તી કરતાં પણ વધુ લોકો લાભ લે, એવી યોજના ભારતમાં ચાલી રહી છે. આયુષ્માન કાર્ડ દ્વારા 50 કરોડ લોકોને ગંભીરમાં ગંભીર રોગ હોય, 5 લાખ રૂપિયા સુધીની બીમારીનો ખર્ચ સરકાર ઉઠાવે છે, ભાઈઓ અને બહેનો સરકાર.

ભાઈઓ, ગરીબી અને ગરીબોની પરેશાની, આ મારે પુસ્તકમાં વાંચવું પડ્યું નથી, ટીવી સ્ક્રીન પર જોવું પડ્યું નથી, ગરીબીમાં જીવન કેવી રીતે જીવાય છે તે હું જાણું છું. આજે પણ આપણા સમાજમાં માતા-બહેન બીમાર હોય, પીડા હોય તો પણ પરિવારમાં કોઈને કહેતી નથી, દુઃખ સહન કરે છે અને ઘરનું કામકાજ કરે છે અને ઘરમાં જો કોઈ બીમાર હોય તો એનું પણ ધ્યાન રાખે છે. પોતાને થતું દર્દની વાત માતા-બહેનો કોઇને કહેતી નથી અને જ્યારે વધી જાય છે, ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે મને ઉપાડી લો. મારા કારણે મારા બાળકો દુ:ખી થઈ રહ્યા છે. દીકરા-દીકરીને ખબર પડે તો કહે મા, આપણે કોઇ સારી હૉસ્પિટલમાં જઈને સારવાર કરાવીએ. ત્યારે મા કહે છે, ભાઈ આટલું બધું દેવું થઈ જશે, અને હવે મારે કેટલું જીવવું છે. અને તમે લોકો કરજમાં ડૂબી જશો, તમારી આખી પેઢી સાવ ડૂબી જશે, ભગવાને જેટલા દિવસો આપ્યા છે, એટલા દિવસ હું જીવીશ. આપણે હૉસ્પિટલ જવું નથી. આપણે દેવું કરીને દવા નથી કરવી. આપણા દેશની માતાઓ અને બહેનો પૈસાનાં કારણે સારવાર નહોતી કરાવતી. પુત્ર દેવામાં ડૂબી ન જાય, તેનાં કારણે તે હૉસ્પિટલ જતી ન હતી.આજે એ માતાઓ માટે દિલ્હીમાં એક દીકરો બેઠો છે, માતાઓને દુઃખ ન થાય, તેમને ઓપરેશનની જરૂર હોય, પૈસાનાં કારણે ઓપરેશન અટકે નહીં, એ માટે આયુષ યોજના ચલાવી છે. અને મને ખુશી છે કે આ હૉસ્પિટલમાં પણ, આયુષ્માન કાર્ડ સાથે લઈ આવનાર વ્યક્તિને સરકારની યોજનાનો સંપૂર્ણ લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેના કારણે કોઈને પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવીને સારવાર લેવી પડે તેવો દિવસ નહીં આવે. આપ વિચાર કરો કે જન ઔષધિ કેન્દ્ર, મધ્યમ વર્ગીય પરિવાર હોય, નિશ્ચિત આવક હોય અને પરિવારમાં કોઈ એક વૃદ્ધ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તેણે મહિનામાં 1200-1500ની દવાઓ લેવી પડે. તેણે રોજ ઇન્જેકશન લેવા પડે કે ગોળીઓ લેવી પડે. અને આટલી મોંઘી દવા, સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનું શું થાય? આપણા હિંદુસ્તાનના ખૂણે ખૂણે જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, અને જે દવાના મહિનામાં 2000 રૂપિયાનો ખર્ચ થાય છે, તે દવા 100 રૂપિયામાં મળે, અને દવા વગર કોઈએ પણ દુઃખી થવું ન પડે. તેથી જ ભારતમાં સેંકડો જન ઔષધિ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યાં છે. અને જેનાં કારણે સામાન્ય માણસ સસ્તામાં દવા લઇને પોતાના શરીરની સુખાકારી માટે કોઇપણ નવા બોજ વગર વ્યવસ્થા સંભાળી શકે છે.

ભાઇઓ-બહેનો, સ્વચ્છતા, પાણી, પર્યાવરણ, આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અમે સ્વાસ્થ્ય માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ચલાવી રહ્યા છીએ. આપ સૌને મારી આ જ વિનંતી છે કે આપ સૌનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે, તંદુરસ્ત રહો, આપણા ગુજરાતનું દરેક બાળક સ્વસ્થ રહે, આપણા ગુજરાતનું ભવિષ્ય તંદુરસ્ત રહે, એ સંકલ્પ સાથે આજે આ શુભ અવસર પર સમાજના સૌ આગેવાનોને હૃદયથી શુભેચ્છા પાઠવું છું. હું દાતાઓને શુભકામના પાઠવું છું, એ દાતાઓની માતાઓને શુભેચ્છા પાઠવું છું, જેમણે આવા સંતાનોને, આવા સંસ્કારો આપીને મોટા કર્યાં. જેમણે સમાજ માટે આટલું મોટું કામ કર્યું છે. તે તમામને શુભેચ્છાઓ પાઠવીને અને તમને બધાને વંદન કરીને, તમે લોકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો, આટલી ગરમીમાં તમે લાખોની સંખ્યામાં અહીં આવ્યા છો, આ આશીર્વાદ મારી સૌથી મોટી તાકાત છે. આ જ મારું ધન છે. હજારો બહેનો પોતાની કાઠિયાવાડી પરંપરા મુજબ માથે કળશ રાખીને તડકામાં ઊભાં રહીને મને આશીર્વાદ આપી રહી હતી. આપણી માતાઓ અને બહેનો, સર્વ સમાજની બહેનોએ પોતાનાં ઘરમાં કોઈ પ્રસંગ હોય એ રીતે મને આશીર્વાદ આપ્યાં છે. હું તે તમામ માતાઓ અને બહેનોને વંદન કરું છું. તેમના આશીર્વાદ પ્રમાણે ભારત અને ગુજરાતની સેવા કરતો રહું. આ આપના આશીર્વાદ રહે. ખૂબ ખૂબ આભાર.

ભારત માતા કી જય

ભારત માતા કી જય

ખૂબ ખૂબ ધન્યવાદ!

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1829111) Visitor Counter : 364