પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ, હૈદ્રાબાદને 20 વર્ષ પૂરા થવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 26 MAY 2022 5:41PM by PIB Ahmedabad

તેલંગણાના રાજ્યપાલ શ્રીમતિ તમિલસાઈ સૌન્દર્યરાજનજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી શ્રી જી કૃષ્ણ રેડ્ડીજી, તેલંગણા સરકારના મંત્રી, ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ એક્ઝિક્યુટીવ બોર્ડના ચેરમેન, ડીન, અન્ય પ્રોફેસર્સ, ટીચર્સ, માતા-પિતા અને મારા વ્હાલા યુવા સાથીઓ!

આજે  ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસે પોતાની ગૌરવપૂર્ણ યાત્રાનું એક મહત્વનુ સિમાચિહ્ન પાર કર્યું છે. આપણે સૌ આઈએસબીના સ્થાપનાના 20 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી રહ્યા છીએ. આજે અનેક સાથીઓને પોતાની ડીગ્રી મળી છે, ગોલ્ડ મેડલ મળ્યા છે. આઈએસબીની સફળતાના આ મુકામ સુધી પહોંચવામાં અનેક લોકોની તપસ્યા રહી છે. હું આજે એ તમામને યાદ કરીને આપ સૌને, આઈએસબીના પ્રોફેસર્સ, ફેકલ્ટી, તમામ વિદ્યાર્થીઓ, માતા- પિતા અને આઈએસબીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

વર્ષ 2001માં અટલજીએ આ સંસ્થા દેશને સમર્પિત કરી હતી ત્યારથી માંડીને આજ સુધીમાં આશરે 50 હજાર એક્ઝિક્યુટીવ અહિંયાથી તાલિમ લઈને નિકળ્યા છે. આજે આઈએસબી એશિયાની ટોચની બિઝનેસ સ્કૂલોમાંની એક છે. આઈએસબીમાંથી નિકળેલા જે પ્રોફેશનલ્સ છે તે દેશના બિઝનેસને ગતિ પૂરી પાડી રહ્યા છે. મોટી મોટી કંપનીઓનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે. અહીંના વિદ્યાર્થીઓએ અનેક સ્ટાર્ટઅપ્સ બનાવ્યા છે. અનેક યુનિકોર્ન્સના નિર્માણમાં તેમની ભૂમિકા રહી છે. આ વિદ્યાર્થીઓ આઈએસબી માટે ઉપલબ્ધિ તો છે જ, પણ સમગ્ર દેશ માટે ગર્વનો વિષય પણ છે.

સાથીઓ,

મને કહેવામાં આવ્યું છે કે આ હૈદ્રાબાદ અને મોહાલી કેમ્પસની પ્રથમ સંયુક્ત ગ્રેજ્યુએશન સેરિમની છે. આજ જે વિદ્યાર્થીઓ પાસ થઈને બહાર આવી રહ્યા છે તેમના માટે આ પ્રસંગ ખાસ એટલા માટે છે, કારણ કે હાલમાં દેશ પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવી રહ્યો છે, અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આપણે વિતેલા 75 વર્ષની ઉપલબ્ધિઓ જોઈ રહ્યા છીએ અને આવનારા 25 વર્ષના સંકલ્પો માટે રોડમેપ પણ તૈયાર કરી રહ્યા છીએ. આઝાદીના આ અમૃતકાળમાં આવનારા 25 વર્ષ માટેના જે સંકલ્પો આપણે કર્યા છે તેની સિધ્ધિમાં આપ સૌની ખૂબ મોટી ભૂમિકા છે. અને આજે ભારતમાં જે આશા છે, લોકોમાં જે આત્મવિશ્વાસ છે, નૂતન ભારતના નિર્માણ માટે જે ઈચ્છાશક્તિ છે તે તમારા માટે પણ અનેક સંભાવનાઓને દ્વાર ખોલી રહી છે. તમે જાતે જ જુઓ, આજે જી-20 દેશોના સમૂહમાં ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. સ્માર્ટ ફોન ડેટ કન્ઝ્યુમર બાબતે પણ ભારત પ્રથમ નંબરે છે. ઈન્ટરનેટ વાપરનારાની સંખ્યા જોતાં ભારત બીજા નંબર ઉપર છે. ગ્લોબલ રિટેઈલ ઈન્ડેક્સમાં પણ ભારત દુનિયામાં બીજા નંબરે છે. દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટઅપ વ્યવસ્થા ભારતમાં છે. દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ ભારતમાં છે. આવી ઘણી બધી બાબતો હું તમારી સમક્ષ મૂકી શકું તેમ છું, ગણાવી શકું તેમ છું. કોરોના જેવી મહામારીમાં આપણે સૌએ અને દુનિયાએ ભારતનું સામર્થ્ય જોયું છે. સદીની આ સૌથી મોટી આફતમાં ગ્લોબલ સપ્લાય ચેઈનમાં એટલો મોટો અવરોધ ઉભો થયો અને તે પછી યુધ્ધને કારણે પણ આ સંકટમાં વધુ ઉમેરો થયો. આ બધાની વચ્ચે ભારત આજે વૃધ્ધિના એક મોટા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગયા વર્ષે ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિક્રમ પ્રમાણમાં સીધુ વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. આજે દુનિયા એવો અનુભવ કરી રહી છે કે ઈન્ડિયા એટલે બિઝનેસ. અને આ બધુ માત્ર સરકારના પ્રયાસોના કારણે જ શકય બન્યું નથી, તેમાં આઈએસબી જેવી બિઝનેસ સ્કૂલનું, અહીંથી નિકળનારા પ્રોફેશનલ્સનું અને દેશના યુવાનોનું પણ ખૂબ મોટુ યોગદાન છે. ભલે સ્ટાર્ટઅપ્સ હોય કે પરંપરાગત બિઝનેસ હોય, ભલે મેન્યુફેક્ચરીંગ હોય કે સર્વિસ સેક્ટર હોય, આપણાં યુવાનો તે સાબિત કરી રહ્યા છે કે તે દુનિયાને નેતૃત્વ પૂરૂં પાડી શકે તેમ છે. હું સાચી વાત કહી રહ્યો છું ને, તમને પોતાની જાત ઉપર ભરોસો છે કે નહીં, પરંતુ મને તમારી ઉપર ભરોસો છે. તમને પોતાની જાત પર ભરોસો છે કે નહીં.

સાથીઓ,

આજે દુનિયા ભારતના યુવાનોને અને ભારતના ઉત્પાદનોને એક નવા સન્માન અને ભરોંસા સાથે જોઈ રહી છે.

સાથીઓ,

ભારત આજે જેટલી વ્યાપક લોકશાહી પધ્ધતિથી અનેક ચીજો પોતાના ત્યાં કરી શકે છે. જે રીતે આપણે ત્યાં કોઈ નીતિ કે નિર્ણય લાગુ કરી શકાય છે તે સમગ્ર દુનિયા માટે અભ્યાસનો, શિખવાનો વિષય બની જાય છે. અને એટલા માટે જ આપણે ઘણી વખત ભારતના ઉપાયોનો વૈશ્વિક સ્તરે અમલ થતો જોઈ શકીએ છીએ. અને એટલા માટે આજે હું આ મહત્વપૂર્ણ દિવસે તમને કહીશ કે તમે તમારા વ્યક્તિગત લક્ષ્યોને, દેશના લક્ષ્યોની સાથે જોડો. તમે  જે કાંઈ શીખો છો, તમે જે કોઈ અનુભવ કરો છો, તમે જે કોઈ પ્રયાસ હાથ ધરો છો તેનાથી દેશનું હિત કઈ રીતે સાધી શકાશે તે બાબતે હંમેશા વિચારવું જોઈએ, એ બાબતે જરૂર વિચાર કરો. આજે દેશમાં બિઝનેસ કરવામાં આસાની માટેનું અભિયાન હોય કે દોઢ હજારથી વધુ જૂના કાયદાઓ અને હજારો પ્રકારના નિયમ-પાલનની જોગવાઈઓ સમાપ્ત કરવાની વાત હોય, વેરાના અનેક કાયદાઓને સમાપ્ત કરીને જીએસટી જેવી પારદર્શક વ્યવસ્થાનું નિર્માણ કરવાનું હોય, ઉદ્યોગસાહસિકતા અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવાનું હોય, નવી સ્ટાર્ટઅપ નીતિ હોય, ડ્રોન પોલિસી હોય, અનેક નવા સેક્ટર્સ ખોલવાના હોય, 21મી સદીની જરૂરિયાતોને પૂરી કરી શકે તેવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ લાગુ કરવાની હોય, આ તમામ મોટા પરિવર્તનો તમારા જેવા યુવાનો માટે જ તો થઈ રહ્યા છે. તમારા જેવા યુવાનો તરફથી મળનારા ઉપાયો અને તે ઉપાયોનો અમલ કરવા માટે તમારા આઈડીયાઝને દેશની તાકાત બનાવવા માટે અમારી સરકાર હંમેશા યુવા શક્તિની સાથે જ છે.

સાથીઓ,

આપ સૌએ સાંભળ્યું હશે કે ઘણી વખત હું એક જ વાતનું વારંવાર પુનરાવર્તન પણ કરતો રહું છું અને ઘણી વખત રિફોર્મ પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મની વાત પણ કરતો હોઉં છું. આ મંત્ર દેશના શાસનને વ્યાખ્યાયિત કરે છે. તે તમારા જેવા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. હું આ તમામ બાબતો તમને એટલા માટે કહી રહ્યો છું કે તમે લોકો અહીંથી નિકળ્યા પછી ઘણાં બધા નીતિ વિષયક નિર્ણયો લેવાના છો. નીતિ માત્ર ડ્રોઈંગ બોર્ડ ઉપર સારી હોય, કાગળ ઉપર બહેતર હોય, પણ જમીન ઉપર તેના પરિણામો મળે નહીં તો તેનાથી કોઈ લાભ થતો નથી. એટલા માટે નીતિના આકલન, અમલીકરણ અને આખરી પરિણામથી મૂલ્યાંકન થવું જોઈએ. રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રથી કેવી રીતે નીતિઓને દેશના શાસનને, પુનઃ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. તે આપ સૌને તથા તમારા જેવા નવયુવાનો માટે જાણવું ખૂબ જ જરૂરી છે.

સાથીઓ,

વિતેલા 8 વર્ષની તુલના તમે જો અગાઉના ત્રણ દાયકા સાથે કરશો તો એક બાબતની જરૂર નોંધ લેશો. આપણે ત્યાં સુધારાની જરૂરિયાત અગાઉ પણ અનુભવવામાં આવતી હતી, પરંતુ હંમેશા રાજકીય ઈચ્છાશક્તિની ઊણપ રહેતી હતી. વિતેલા 3 દાયકામાં ચાલુ રહેલી સતત રાજકીય અસ્થિરતાના કારણે દેશને લાંબા સમય સુધી રાજકીય ઈચ્છાશક્તિની ઊણપ વર્તાઈ હતી. આ કારણે દેશ સુધારા મારફતે મોટા નિર્ણયો લેવાથી દૂર રહ્યો હતો. વર્ષ 2014 પછી આપણો દેશ રાજકીય ઈચ્છાશક્તિ જોઈ રહ્યો છે અને સતત સુધારા થઈ રહેલા જોઈ રહ્યો છે. આપણે દેખાડ્યું છે કે જો પ્રમાણિકતાની સાથે, ઈચ્છાશક્તિની સાથે સુધારાની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવે તો લોકોનું સમર્થન આપોઆપ વધતું રહે છે. આપણી સામે ફીનટેકનું ઉદાહરણ છે. જે દેશમાં ક્યારેક બેંકીંગને વિશેષ અધિકાર માનવામાં આવતો હતો તે દેશમાં ફીનટેક સામાન્ય લોકોનું જીવન બદલી રહ્યું છે. જ્યાં ક્યારેક બેંકો તરફ વિશ્વાસ જાળવી રાખવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હતી ત્યાં હવે દુનિયાના 40 ટકા ડિજિટલ વ્યવહારો ભારતમાં થઈ રહ્યા છે. આપણાં હેલ્થ સેકટરમાં એવું માનવામાં આવતું હતું કે કોઈ મોટા પડકારને પ્રતિભાવ નહીં આપી શકાય, પરંતુ હેલ્થ સેક્ટરમાં સુધારાથી દેશની ઈચ્છાશક્તિનો પરિણામનો આપણે 100 વર્ષની સૌથી મોટા મહામારી દરમ્યાન અનુભવ કર્યો છે. કોરોનાએ જ્યારે આપણે ત્યાં ટકોરા માર્યા ત્યારે પીપીઈ કીટસ બનાવનારા ઉત્પાદકો નહીંવત્ત હતા. કોરોના સંબંધિ જરૂરી માળખાગત સુવિધાઓ પણ ન હતી, પરંતુ જોત જોતામાં 1100થી વધુ પીપીઈ ઉત્પાદકોનું નેટવર્ક ભારતમાં તૈયાર થઈ ગયું. કોરોનાના ટેસ્ટીંગ માટે શરૂઆતમાં માત્ર થોડાક જ ડઝન લેબ  હતી. ખૂબ જ થોડાક સમયમાં દેશમાં અનેક હજાર ટેસ્ટ લેબનું નેટવર્ક ઉભુ થઈ ગયું. કોરોનાની રસી બાબતે આપણે ત્યાં ચિંતા કરવામાં આવી રહી હતી કે આપણને પરદેશથી વેક્સિન મળશે કે નહીં મળે, પરંતુ આપણે પોતાની વેક્સિન તૈયાર કરી અને એટલી વેક્સિન બનાવી કે ભારતમાં 190 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ભારતે દુનિયાના 100 થી વધુ દેશોને પણ વેક્સિન મોકલી આપી છે. આવી જ રીતે તબીબી શિક્ષણમાં પણ આપણે એક પછી એક અનેક સુધારા કર્યા છે. એનું પરિણામ એ આવ્યું છે કે વિતેલા 8 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા 380થી વધીને 600નો આંક પાર કરી ચૂકી છે. દેશમાં મેડિકલની ગ્રેજ્યુએટસ અને પોસ્ટ ગ્રેજ્યુએટસની બેઠકો 90 હજારથી વધીને દોઢ લાખનો આંક પાર કરી ચૂકી છે.

સાથીઓ,

વિતેલા 8 વર્ષમાં દેશે જે ઈચ્છાશક્તિ બતાવી છે તેના જ કારણે  એક મોટું પરિવર્તન આવ્યું છે. હવે અધિકારી વર્ગની સમગ્ર ઈચ્છાશક્તિ સુધારાઓને જમીન પર લાવવામાં લાગી ચૂકી છે. વ્યવસ્થા એની એ જ છે, પણ હવે ઘણાં સંતોષજનક પરિણામો મળી રહ્યા છે અને આ 8  વર્ષમાં જે સૌથી મોટી પ્રેરણા પ્રાપ્ત થઈ છે તે જન ભાગીદારીની છે. દેશની જનતા ખુદ આગળ વધીને સુધારાઓને ગતિ આપી રહી છે અને આપણે તે સ્વચ્છ ભારત અભિયાનમાં જોયું છે. હવે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ આપણે જનભાગીદારીની તાકાત જોઈ રહ્યા છીએ. જનતા જ્યારે સહયોગ આપે છે ત્યારે ચોક્કસપણે પરિણામો પ્રાપ્ત થાય છે અને વહેલા પ્રાપ્ત થાય છે. આનો અર્થ એ કે સરકારી વ્યવસ્થામાં સરકાર સુધારા કરે છે, અધિકારીગણ પર્ફોમ કરે છે અને જનતાના સહયોગથી પરિવર્તન આવે છે.

સાથીઓ,

આ બધી બાબતો અમારા માટે ખૂબ જ મોટો અભ્યાસ વિષય છે. રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મની જે ગતિશીલતા છે તે તમારા માટે સંશોધનનો વિષય છે. આઈએસબી જેવી મોટી સંસ્થાઓએ અભ્યાસ કરીને, વિશ્લેષણ કરીને દુનિયા સમક્ષ તેને મૂકવું જોઈએ. અહીંથી જે યુવા સાથીદારો અભ્યાસ કરીને નિકળી રહ્યા છે તેમણે રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના આ મંત્રને દરેક ક્ષેત્રમાં લાગુ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

સાથીઓ,

હું તમારૂં ધ્યાન દેશની રમત વ્યવસ્થાના પરિવર્તન તરફ પણ દોરવા માંગુ છું. આખરે એવું કયું કારણ છે કે વર્ષ 2014 પછી આપણને રમતના દરેક મેદાનમાં અભૂતપૂર્વ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આનું સૌથી મોટું કારણ આપણાં રમતવીરોનો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે યોગ્ય પ્રતિભાની શોધ થાય છે. જ્યારે કોઈ પ્રતિભાનો હાથ પકડવામાં આવે, જ્યારે એક પારદર્શક પસંદગી થાય છે, તાલિમનું, સ્પર્ધાનું એક બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે ત્યારે ખેલો ઈન્ડિયાથી માંડીને ઓલિમ્પિક પોડિયમ ટીમ સુધી એવા અનેક સુધારાના કારણે આજે  રમત ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે તે આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ અને અનુભવી પણ શકીએ છીએ.

સાથીઓ,

મેનેજમેન્ટની દુનિયામાં પર્ફોર્મન્સ, વેલ્યુ એડિશન, પ્રોડક્ટિવીટી અને મોટીવેશન જેવી અનેક બાબતો પર ઘણી ચર્ચા થાય છે. તમારે જો જાહેર નીતિનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો તમારે મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમનો અભ્યાસ ચોક્કસપણે કરવો જોઈએ. આપણાં દેશમાં 100થી વધુ એવા જિલ્લા છે કે જે વિકાસની દોડમાં ઘણાં પાછળ રહી ગયા હતા. દેશના લગભગ તમામ રાજ્યોમાં એક કે બે, અથવા તો થોડાંક વધારે મહત્વાકાંક્ષી જિલ્લાઓ છે. વિકાસ સાથે જોડાયેલા તમામ માપદંડમાં આ જિલ્લા ઘણો છો સ્કોર કરતા હતા અને તેની સીધી અસર દેશની એકંદર કામગીરી ઉપર પડતી હતી, રેટીંગ ઉપર, એકંદર પ્રદર્શન ઉપર ઘણી નકારાત્મક અસર પડતી હતી. આ જિલ્લાઓમાં એવું સમજીને કશું કરવામાં આવતું ન હતું. ત્યાં કોઈ પરિવર્તન જોવા મળતું ન હતું. હાલત ખરાબ હતી  તેથી સરકારો શું કરતી હતી, સરકાર તેને પછાત જિલ્લા તરીકે જાહેર કરી દેતી હતી. આ તો પછાત જિલ્લા છે એવી વિચારધારા મનમાં રાખવામાં આવે ત્યારે તેનાથી કોઈ પરિવર્તન થતું નથી. સરકારી વ્યવસ્થામાં જે અધિકારીઓને સૌથી ઓછા ઉત્પાદક માનવામાં આવતા હતા, નકામા માનવામાં આવતા હતા તેવા અધિકારીઓની ઘણી વખત આવા જિલ્લામાં તહેનાત કરી દેવામાં આવતા હતા. અને માનવામાં આવતું હતું કે હવે તમે જાણો અને તમારૂં નસીબ જાણે.

પરંતુ સાથીઓ,

અમે અભિગમમાં ફેરફાર લાવ્યા. જે જિલ્લાઓને ગઈકાલ સુધી પછાત જિલ્લાઓ ગણવામાં આવતા હતા ત્યારે અમે કહ્યું એ આ પછાત જિલ્લા નથી, પણ મહત્વાકાંક્ષી જિલ્લા છે અને તેને અમે મહત્વાકાંક્ષી જિલ્લા જાહેર કર્યા. અને અમે નક્કી કર્યું કે આ જિલ્લાઓમાં વિકાસની આકાંક્ષી ઉભી કરીશું, એક નવી ભૂખ પેદા કરીશું. દેશના કાર્યક્ષમ યુવા અધિકારીઓને ઓળખી કાઢીને તેમને આ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા.  આ જિલ્લાની દરેક કામગીરીને વિશેષ પ્રકારે મોનિટર કરવામાં આવી. ડેસ્ક બોર્ડ ઉપર રિયલ ટાઈમ મોનિટરીંગ કરવાની વ્યવસ્થા કરવામા આવી છે. જ્યાં જ્યાં પણ ઊણપ નજરે પડી ત્યાં તે ઊણપને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને સાથીઓ તમને એ જાણીને આનંદ થશે કે આજે એમાંથી અનેક જિલ્લા એવા છે કે જેને દેશના અન્ય બહેતર જિલ્લા સમજવામાં આવે છે તેના કરતાં પણ સારી કામગીરી દર્શાવી રહ્યા છે. જેને કયારેક પછાત જિલ્લા તરીકે ઓળખવામાં આવતા હતા તે વિકાસના માપદંડોને પ્રભાવિત કરી રહયા છે તે આજે મહત્વાકાંક્ષી જિલ્લા બનીને દેશના વિકાસને ગતિ આપી રહ્યા છે. હવે અમે રાજ્યોને જણાવ્યું છે કે આ અભિગમનું વિસ્તરણ કરવામાં આવે. દરેક જિલ્લામાં એવા તાલુકા હોય છે કે જે વિકાસ બાબતે અન્ય તાલુકા કરતાં પાછળ રહી ગયા હોય છે. આવા બ્લોક્સને ઓળખીને મહત્વાકાંક્ષી બ્લોક્સનું અભિયાન હવે આગળ ધપાવવામાં આવી રહ્યુ છે. દેશમાં જે પરિવર્તન આવ્યું છે તેની જાણકારી તમને નીતિ વિષયક નિર્ણયોના મેનેજમેન્ટમાં ખૂબ જ મદદ કરશે.

સાથીઓ,

આજે તમારે આ બધુ એટલા માટે જાણવું જરૂરી બન્યું છે કે આજે દેશમાં બિઝનેસના અર્થ બદલાઈ રહ્યા છે અને બિઝનેસનો વ્યાપ પણ વધી રહ્યો છે. આજે ભારતમાં આર્થિક લેન્ડસ્કેપમાં નાના, મધ્યમ અને કોટેજ, અને એટલે સુધી કે ઔપચારિક એકમો સુધી તેનો પ્રભાવ વર્તાય છે. આ બિઝનેસ લાખો લોકોને રોજગારીની તકો પૂરી પાડી રહ્યા છે. તેમનું સામર્થ્ય ઘણું મોટું છે. તેમનામાં આગળ ધપવાની કટિબધ્ધતા ઘણી વધારે છે. એટલા માટે આજે જ્યારે દેશના આર્થિક વિકાસનો નવો અધ્યાય લખવામાં આવી રહ્યો છે ત્યારે આપણે એક એ બાબત પણ યાદ રાખવાની છે કે આપણે નાના વેપારીઓ, નાના બિઝનેસનું પણ એટલું જ ધ્યાન રાખવાનું  છે. આપણે તેમને વધુ મોટા પ્લેટફોર્મ પૂરાં પાડવા પડશે. વૃધ્ધિ કરવા માટે વધુ બહેતર તકો પૂરી પાડવાની રહેશે. આપણે તેમને દેશ- વિદેશના નવા બજારો સાથે જોડવા માટે મહેનત કરવી પડશે. આપણે તેમને વધુને વધુ પ્રમાણમાં ટેકનોલોજી સાથે જોડવાના રહેશે અને આવા તબક્કે આ બાબતે આઈએસબી જેવી સંસ્થાઓ, આઈએસબીના વિદ્યાર્થીઓની ઘણી મોટી ભૂમિકા બની રહે છે. ભવિષ્યના એક  બિઝનેસ લીડર તરીકે આપ સૌએ દરેક બિઝનેસને વ્યાપક વિસ્તરણ પૂરૂ પાડવા માટે આગળ આવવું પડશે. જવાબદારીઓ ઉપાડવી પડશે. અને તમે જુઓ, તમે નાના બિઝનેસને વિકસવામાં મદદ કરશો તો તમે લાખો ઉદ્યોગસાહસિકોના નિર્માણ માટે મદદ કરશો. કરોડો પરિવારોની મદદ કરશો.

ભારતને ભવિષ્યની સ્થિતિ માટે સજ્જ બનાવવા આપણે એ બાબતની ખાત્રી રાખવી પડશે કે દેશ આત્મનિર્ભર બને અને આમાં તમારી પણ, બિઝનેસ પ્રોફેશનલ્સની પણ ખૂબ જ મોટી ભૂમિકા રહેશે. તે તમારા સૌ માટે એક રીતે કહીએ તો દેશની સેવા માટેનું એક મહત્વનું ઉદાહરણ બની રહેશે.

સાથીઓ,

દેશ માટે કશુંક કરવાની, દેશ માટે કશુંક કરી શકવાની ધગશ દેશને એક નવી ઉંચાઈ પર લઈ જશે. મને આઈએસબી ઉપર, આઈએસબીના વિદ્યાર્થીઓ ઉપર, આપ સૌ નવયુવાનો પણ ખૂબ જ ભરોસો અને ઘણો વિશ્વાસ છે. તમે એક ઉદ્દેશ સાથે પ્રતિષ્ઠિત સંસ્થામાંથી બહાર નિકળો અને તમારા પોતાના ધ્યેયને રાષ્ટ્રના સંકલ્પ સાથે જોડો તો આપણે જે કાંઈ કરીશું તેનાથી એક રાષ્ટ્ર તરીકે આપણે સશક્ત બનીશું તેવી કટિબધ્ધતા સાથે તમે કાંઈ પણ પ્રયાસ કરશો તો તેમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. ફરી એક વખત જે સાથીઓને મેડલ આપવાની મને તક પ્રાપ્ત થઈ છે અને જે લોકોએ સિધ્ધિ પ્રાપ્ત કરી છે તેમના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આઈએસબી ભારતની વિકાસયાત્રામાં એવી પેઢીઓ તૈયાર કરતું રહે કે જે આવનારી પેઢીઓ રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કાર્ય કરતી રહે તેવી એક અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું!

SD/GP/JD



(Release ID: 1828595) Visitor Counter : 207