પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સેમિનારને સંબોધન કર્યું
"મહિલાઓ એ નીતિ, નિષ્ઠા, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ છે"
"આપણા વેદો અને પરંપરાએ આહવાન આપ્યું છે કે મહિલાઓ રાષ્ટ્રને દિશા આપવા માટે સમર્થ અને સક્ષમ હોવી જોઈએ"
"મહિલાઓની પ્રગતિ હંમેશા રાષ્ટ્રનાં સશક્તીકરણને બળ આપે છે"
"આજે દેશની પ્રાથમિકતા ભારતની વિકાસયાત્રામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારીમાં રહેલી છે"
“સ્ટેન્ડઅપ ઈન્ડિયા હેઠળ 80 ટકાથી વધુ લોન મહિલાઓનાં નામે છે. આપણી બહેનો અને દીકરીઓને મુદ્રા યોજના હેઠળ લગભગ 70 ટકા લોન આપવામાં આવી છે”
Posted On:
08 MAR 2022 6:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા એક સેમિનારને સંબોધિત કર્યો હતો.
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સમારોહને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સદીઓથી નારી શક્તિનાં પ્રતીક તરીકે કચ્છની ધરતીનાં વિશિષ્ટ સ્થાનને ઓળખ્યું હતું કેમ કે મા આશાપુરા અહીં માતૃશક્તિના રૂપમાં બિરાજમાન છે. "અહીંની મહિલાઓએ સમગ્ર સમાજને કઠોર કુદરતી પડકારો સાથે જીવતા શીખવ્યું છે, લડતા શીખવ્યું છે અને જીતતા શીખવ્યું છે", એમ તેમણે કહ્યું હતું. તેમણે પાણીની જાળવણી માટેની તેમની શોધમાં કચ્છની મહિલાઓની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. સરહદી ગામમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોઇ પ્રધાનમંત્રીએ 1971ના યુદ્ધમાં આ વિસ્તારની મહિલાઓનાં યોગદાનને યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલાઓ એ નીતિ, નિષ્ઠા, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ છે. "તેથી જ આપણા વેદો અને પરંપરાએ આહવાન કર્યું છે કે મહિલાઓ રાષ્ટ્રને દિશા આપવા માટે સમર્થ, સક્ષમ હોવી જોઈએ", એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તરમાં મીરાબાઈથી લઈને દક્ષિણમાં સંત અક્કા મહાદેવી સુધી, ભારતની દિવ્ય મહિલાઓએ ભક્તિ આંદોલનથી લઈને જ્ઞાન દર્શન સુધી સમાજમાં સુધારા અને પરિવર્તન માટે અવાજ આપ્યો છે. તેવી જ રીતે, કચ્છ અને ગુજરાતની ધરતીએ સતી તોરલ, ગંગા સતી, સતી લોયણ, રામબાઈ અને લીરબાઈ જેવી દિવ્ય મહિલાઓને જોઈ છે. દેશના અસંખ્ય દેવી-દેવતાઓ દ્વારા પ્રતિક બનેલી નારી ચેતનાએ સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યોતને પ્રજ્વલિત રાખી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જે રાષ્ટ્ર આ ધરતીને માતા માને છે, ત્યાંની મહિલાઓની પ્રગતિ હંમેશા રાષ્ટ્રનાં સશક્તીકરણને બળ આપે છે. “આજે દેશની પ્રાથમિકતા મહિલાઓનાં જીવનમાં સુધારો કરવાની છે. આજે દેશની પ્રાથમિકતા ભારતની વિકાસયાત્રામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારીમાં રહેલી છે”, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે મહિલાઓ માટે ગૌરવ અને સરળ જીવન જીવવા માટેનાં પગલાં તરીકે 11 કરોડ શૌચાલય, 9 કરોડ ઉજ્વલા ગેસ કનેક્શન, 23 કરોડ જન ધન ખાતાના નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર તેમને આર્થિક મદદ પણ કરી રહી છે જેથી મહિલાઓ આગળ વધી શકે, તેમનાં સપનાં પૂરાં કરી શકે અને પોતાનું કામ જાતે શરૂ કરી શકે. સ્ટેન્ડઅપ ઈન્ડિયા હેઠળ 80 ટકાથી વધુ લોન મહિલાઓનાં નામે છે. આપણી બહેનો અને દીકરીઓને મુદ્રા યોજના હેઠળ લગભગ 70 ટકા લોન આપવામાં આવી છે. તેવી જ રીતે, પીએમએવાય હેઠળ બનેલાં 2 કરોડ ઘરોમાંથી મોટાભાગનાં મહિલાઓનાં નામે છે. આ બધાને કારણે નાણાકીય નિર્ણય લેવામાં મહિલાઓની ભાગીદારી વધી છે.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે સરકારે માતૃત્વ રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટેના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા છે. બળાત્કાર જેવા જઘન્ય ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. પુત્ર અને પુત્રી સમાન છે તે ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર પુત્રીઓનાં લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. આજે, દેશ સશસ્ત્ર દળોમાં દીકરીઓની વધુ ભૂમિકાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે, સૈનિક શાળાઓમાં દીકરીઓનો પ્રવેશ શરૂ થઈ ગયો છે.
દેશમાં ચાલી રહેલાં કુપોષણ સામેનાં અભિયાનમાં મદદ કરવા પ્રધાનમંત્રીએ લોકોને વિનંતી કરી હતી. તેમણે બેટી બચાવો બેટી પઢાવોમાં મહિલાઓની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ‘કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાન’માં તેમની ભાગીદારી માટે પણ કહ્યું હતું.
'વૉકલ ફોર લોકલ' અર્થતંત્ર સાથે સંબંધિત એક મોટો વિષય બની ગયો છે, પરંતુ તેનો મહિલા સશક્તીકરણ સાથે ઘણો સંબંધ છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. મોટાભાગના સ્થાનિક ઉત્પાદનોની સત્તા મહિલાઓના હાથમાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અંતમાં પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંત પરંપરાની ભૂમિકા વિશે વાત કરી અને ભાગ લેનાર સૌને કચ્છના રણની સુંદરતા અને આધ્યાત્મિક વૈભવનો અનુભવ કરવાનું પણ કહ્યું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964