પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન પર આભારવિધી દરમિયાન પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

Posted On: 08 FEB 2022 9:50PM by PIB Ahmedabad

માનનીય સભાપતિજી,

રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર અહીં વિસ્તારપૂર્વક ચર્ચા થઈ. હું રાષ્ટ્રપતિજીનો આભાર પ્રગટ કરવા માટે, આ ચર્ચામાં હિસ્સો લેવા માટે આપે સમય આપ્યો, હું તમારો આભારી છું. આદરણીય રાષ્ટ્રપતિજીએ તાજેતરના કોરોનાના આ કપરા કાળખંડમાં પણ દેશમાં ચારે દિશામાં કેવી રીતે પહેલ કરાઈ, દેશના દલિત, પીડિત, ગરીબ, શોષિત, મહિલા, યુવાન અનેક જીવનને સશક્તીકરણ માટે, તેમના જીવનમાં પરિવર્તન માટે દેશમાં જે કાંઈ પ્રવૃત્તિ થઈ છે તેની એક સંક્ષિપ્ત રૂપરેખા દેશ સમક્ષ પ્રસ્તુત કરી. અને તેમાં એક આશા પણ છે, વિશ્વાસ પણ છે, સંકલ્પ પણ છે, સમર્પણ પણ છે. અનેક માનનીય સદસ્યોએ વિસ્તારપૂર્વક ચર્ચા કરી. માનનીય ખડગેજીએ કાંઈક દેશ માટે, કાંઇક પક્ષ માટે, કાંઇક ખુદ માટે ઘણી બધી વાતો કરી હતી. આનંદ શર્માજીએ પણ તેમને જરા સમયની તકલીફ રહી, પરંતુ તેમ છતાં તેમણે પ્રયાસ કર્યો. અને તેમણે કહ્યું કે દેશની ઉપલબ્ધિઓનો સ્વીકાર કરવામાં આવે. શ્રીમાન મનીષ જ્હાજીએ રાજકારણથી પર અભિભાષણ હોવું જોઇએ તેની સારી સલાહ આપી. પ્રસુન્ના આચાર્યજીએ વીર બાળ દિવસ દિવસ અને નેતાજી સાથે સંકળાયેલા કાનૂન અંગે પણ વિસ્તૃત પ્રશંસા કરી. ડૉક્ટર ફૌજિયા ખાનજી એ બંધારણની પ્રતિષ્ઠાને લઇને વિસ્તારપૂર્વક ચર્ચા કરી. દરેક સદસ્યોએ પોતાના અનુભવને આધારે પોતાની રાજકીય વિચારધારાના આધારે અને રાજકીય સ્થિતિને આધારે પોતપોતાની વાતો આપણી સમક્ષ રજૂ કરી. હું તમામ માનનીય સદસ્યોનો આ માટે હૃદયપૂર્વક આભાર માનું છું.

આદરણીય સભાપતિજી,

આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. 75 વર્ષની આઝાદીના આ કાળખંડમાં દેશને દિશા ચીંધવાના, દેશને ગતિ આપવાના અનેક કક્ષાએ પ્રયાસ થયા છે. અને એ તમામના હિસાબ-કિતાબ સાથે રાખીને જે સારું છે તેને આગળ ધપાવવુ, જે ખામીઓ છે તેને સુધારવાની. અને જ્યાં નવી પહેલીની આવશ્યકતા છે તે નવી પહેલ કરવી અને દેશ જ્યારે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે આપણે દેશને ક્યાં લઈ જવો છે, કેવી રીતે લઈ જવો છે, કઈ કઈ યોજનાઓની મદદથી આગળ લઈ જઈ શકીએ છીએ તેના માટે આ ઘણો જ મહત્વપૂર્ણ સમય છે.  અને આપણે તમામ રાજકીય નેતાઓએ રાજકારણના ક્ષેત્રના કાર્યકર્તાઓએ પોતાનું ધ્યાન પણ અને દેશનું ધ્યાન પણ આવનારા 25 વર્ષ માટે દેશને કેવી રીતે આગળ લઈ જવાનો છે તેના માટે કેન્દ્રિત કરવું જોઇએ અને મને વિશ્વાસ છે કે તેનાથી જે સંકલ્પ ઉભરીને આવશે, તે સંકલ્પમાં તમામની સામૂહિક ભાગીદારી હશે. તમામની જવાબદારી હશે અને તેને કારણે જે 75 વર્ષની ગતિ હતી તેના કરતાં અનેક ગણા વેગ સાથે આપણે દેશને ઘણું બધું આપી શકીએ તેમ છીએ.

આદરણીય સભાપતિજી,

કોરોના એક વૈશ્વિક મહામારી છે અને છેલ્લા 100 વર્ષમાં માનવજાતિએ આવડુ મોટું સંકટ જોયું નથી. અને સંકટની તીવ્રતા જૂઓ, માતા બીમાર છે અને એક રૂમમાં છે પરંતુ પુત્ર એ રૂમમાં પ્રવેશ કરી શક્યો નહીં. સમગ્ર માનવજાત માટે કેટલુ મોટું સંકટ હતું. અને હજી પણ આ સંકટ બહુરૂપીની માફક નવા નવા રૂપરંગ લઈને ક્યાંકને ક્યાંક કાંઇકને કાંઇક આફત લઈને આવે છે. અને સમગ્ર દેશ, સમગ્ર દુનિયા, સમગ્ર માનવજાતિ તેની સામે ઝઝૂમી રહી છે. દરેક વ્યક્તિ ઉકેલ શોધી રહી છે. આજે 130 કરોડના ભારત માટે દુનિયામાં જ્યારે પ્રારંભિક કોરોનાની શરૂઆત થઈ ત્યારે ચર્ચા એ થતી હતી કે ભારતનું શું થશે? અને ભારતને કારણે દુનિયાની કેટલી બરબાદી થશે, આ જ દિશામાં ચર્ચા થઈ રહી હતી. પરંતુ  આ 130 કરોડ દેશવાસીઓની સંકલ્પ શક્તિઓનું સામર્થ્ય હવે તેમણે જીવનમાં જે કાંઈ ઉપલબ્ધ હતું તેની વચ્ચે શિસ્તનો પ્રારંભ કરવાનો પ્રયાસ કર્યો કે આજે વિશ્વમાં ભારતના પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે અને તેનું ગૌરવ, આ કોઈ રાજકીય પક્ષનો કાળખંડ ન હતો. આ સિદ્ધિ દેશની છે. 130 કરોડ દેશવાસીઓની છે. સારી વાત હોત કે તેનો યશ લેવાનો પણ તમે પ્રયાસ કર્યો હોત કે તમારા ખાતામાં પણ કાંઈક જમા થયું હોત. પરંતુ હવે આ પણ શીખવવું પડે. ખેર, વેક્સિનેશનના સંબંધે પણ હમણાં જ પ્રશ્નકાળમાં આપણા આદરણીય મંત્રીજીએ વિસ્તારપૂર્વક વાત કરી કે જે રીતે ભારત વેક્સિનેશન બનાવવામાં ઇનોવેશનમાં, રિસર્ચમાં અને તેના અમલીકરણમાં આજે દુનિયામાં વેક્સિનની વિરુદ્ધમાં મોટા આંદોલન ચાલી રહ્યા છે. પરંતુ વેક્સિનથી મારો લાભ થાય કે લાભ ન થાય પણ કમસે કમ વેક્સિન લગાવીશ તો મારે કારણે અન્ય કોઈનું નુકસાન થશે નહીં, આ એક ભાવનાએ 130 કરોડ દેશવાસીઓને વેક્સિન માટે પ્રેરિત કર્યા છે. આ ભારતના મૂળભૂત ચિંતનનું પ્રતિબિંબ છે. જે વિશ્વ સમક્ષ રાખવું દરેક હિન્દુસ્તાનીઓનું કર્તવ્ય છે. માત્ર પોતાની સુરક્ષા કરવાનો વિષય હોત તો લેવી કે ના લેવીનો વિવાદ થતો. પરંતુ જ્યારે તેના મનમાં વિચાર આવ્યો કે મારે કારણે અન્ય કોઈને કષ્ટ પહોંચે નહીં અને જો તેના માટે મારે જ ડોઝ લેવાનો છે તો હું લઈ લઉં અને તેણે ડોઝ લઈ લીધો. આ ભારતના મનની, ભારતના માનવના મનની, ભારતની માનવતાની વાત આપણે ગૌરવપૂર્ણ રીતે સમગ્ર દુનિયા સમક્ષ રાખી શકીએ છીએ. આજે સો ટકા રસીકરણના લક્ષ્યાંક તરફ આપણે ઝડપથી આગળ ધપી રહ્યા છીએ. હું માનનીય સદસ્યને અથવા તો તમામ આદરણીય સદસ્યોને, તેમની સમક્ષ આપણા ફ્રન્ટલાઇન કાર્યકરો, આપણા આરોગ્ય કર્મચારીઓ, આપણા વૈજ્ઞાનિક તેમણે જે કાંઈ કાર્ય કર્યું તેમની પ્રશંસા કરવાથી ભારતની પ્રતિભા ખીલી ઉઠશે જ. પરંતુ સાથે સાથે આ રીતે જીવન હોમી દેનારા લોકોનો જુસ્સો બુલંદ બનશે અને તેથી જ આ ગૃહ ઘણા ગૌરવ સાથે તેમનું અભિવાદન કરે છે અને તેમનો આભાર માને છે.

આદરણીય સભાપતિજી,

આ કોરોના કાળમાં 80 કરોડથી પણ વધુ દેશવાસીઓને આટલા લાંબા સમય સુધી મફત રાશન (અનાજ)ની વ્યવસ્થા, તેમના ઘરનો ચૂલો કયારેય ન સળગે, તેવી સ્થિતિ પેદા ન થાય, એવું કામ ભારતે કરીને દુનિયા સમક્ષ ઉદાહરણ રજૂ કર્યું છે. આ જ કોરોના કાળમાં જયારે અનેક મુશ્કેલીઓ હતી, પ્રતિબંધ હતા, તેમ છતાં પણ પ્રગતિમાં અવરોધની વારંવાર અવરોધોની વચ્ચે પણ લાખો પરિવારોને, ગરીબોને, પાક્કા ઘર આપવાના અમારા વચનની દિશામાં અમે સતત ચાલતાં (પ્રયાસ કરતાં) રહ્યાં અને આજે ગરીબના ઘર ખર્ચ પણ લાખોમાં થાય છે. જેટલા કરોડ પરિવારોને આ ઘર મળ્યું છે ને, દરેક ગરીબને પરિવાર પણ આજે લાખોપતિ કહી શકાય તેમ છે.

આદરણીય સભાપતિજી,

આજ કોરોના કાળમાં પાંચ કરોડ ગ્રામીણ પરિવારને નળથી જળ સુધી પહોંચાડવાનું કામ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ જ કોરોના કાળમાં જયારે પ્રથમ લોકડાઉન આવ્યું ત્યારે પણ બહુ જ સમજદારીની સાથે, કેટલાય સાથે ચર્ચાઓ કર્યા પછી થોડા સાહસની પણ જરૂર હતી કે, ગામડાંઓમાં ખેડૂતોને લોકડાઉનથી મુક્ત રાખવા જોઇએ, નિર્ણય બહુ જ મહત્વપૂર્ણ હતો પણ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે આપણાં ખેડૂતોએ કોરોનાના આ કાળખંડમાં બમ્પર ઉપજ કરી અને એમએસપીમાં પણ રેકોર્ડ ખરીદી કરીને નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો. આ જ કોરોના કાળમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલા કેટલાક પ્રોજેક્ટ પૂરા કર્યા કારણ કે આપણે જાણીએ છીએ કે આ સંકટના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે રોકાણ થાય છે તે રોજગારીની તકોને સુનિશ્ચિત કરે છે. અને એટલા માટે અમે તેના પર પણ જોર આપ્યું કે રોજગાર (કામ-ધંધો) પણ મળતો રહે અને તમામ પ્રોજેક્ટ અમે પૂરા પણ કરી શકીએ. મુશ્કેલીઓ હતી પરંતુ તેને પૂરી કરી શકયા. આ જ કોરોના કાળમાં પછી ભલે જમ્મુ-કાશ્મીર હોય, કે નોર્થ-ઇસ્ટ હોય, દરેક કાળખંડમાં વિસ્તારથી આ વિકાસયાત્રાને આગળ વધારી અને અમે તેને ચલાવી છે. આ જ કોરોના કાળમાં આપણાં દેશના યુવાનોએ ખેલજગતમાં દરેક ક્ષેત્રમાં હિન્દુસ્તાનનો તિરંગો, અમારો ધ્વજ લહેરાવવાનું બહુ મોટું કામ કર્યું, દેશને ગૌરવ આપાવ્યું. આજે આખો દેશ આપણાં યુવાનોએ ખેલજગત રમત-ગમતમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે અને કોરોનાના આ તમામ બંધનો વચ્ચે તેઓએ પોતાની તપસ્યાને ઓછી થવા દીધી નથી. તેમની સાધનાને ઓછી થવા દીધી નથી અને દેશનું ગૌરવ વધાર્યું છે.

આદરણીય સભાપતિજી,

આ જ કોરોના કાળમાં આજે જયારે દેશના યુવા-સ્ટાર્ટઅપ એટલે કે ભારતના યુવાનો એક ઓળખ બની ગયા છે, એક સમાનાર્થી થઇ ગયા છે. આજે આપણાં દેશના યુવાનો સ્ટાર્ટ અપના કારણે, સ્ટાર્ટ અપની દુનિયામાં શ્રેષ્ઠ ત્રણમાં હિન્દુસ્તાનને જગ્યા અપાવી છે.

આદરણીય સભાપતિજી,

આ જ કોરોના કાળમાં ભલે COP26 નો મામલો હોય, ભલે G20 સમૂહના ક્ષેત્ર હોય ભલે સમાજ જીવનની અંદર અનેક અનેક વિષયોમાં કામ કરવાનું હોય, ભલે દુનિયાના 150 દેશોને દવાઓ પહોંચાડવાની વાત હોય, ભારતે એક લીડરશીપ રોલ લીધો છે. આજે ભારતની આજ લીડરશીપની દુનિયામાં ચર્ચા છે.

આદરણીય સભાપતિજી,

જયારે સંકટ (મુશ્કેલી)નો સમય હોય છે, પડકારો અનેક હોય છે વિશ્વની દરેક શક્તિ પોતાના બચાવમાં લાગેલી હોય છે. કોઇ કોઇની મદદ કરી શકતું નથી. આ કાળખંડ (સમય)માં આ સંકટોમાંથી બહાર નીકળવું અને મને અટલ બિહારી વાજપેયીજીની કવિતાના એ શબ્દ આપણને બધાને પ્રેરણાં આપી શકે છે.  અટલજીએ લખ્યું હતુ કે- व्याप्त हुआ बर्बर अंधियारा, किन्तु चीर कर तम की छाती, चमका हिन्दुस्तान हमाराशत-शत आघातों को सहकर, जीवित हिन्दुस्तान हमाराजग के मस्तक पर रोली सा, शोभित हिन्दुस्तान हमारा અટલજીના આ શબ્દો આજે આ કાળખંડમાં ભારતના સામર્થ્યનો પરિચય આપે છે.


આદરણીય સભાપતિજી,

આ કોરોના કાળમાં તમામ ક્ષેત્રોમાં અવરોધોની વચ્ચે પણ આગળ વધવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં કેટલાક એવા ક્ષેત્ર હતા જેના પર વિશેષ ભાર પણ આપવામાં આવ્યો છે કારણ કે તે વિશાળ જનહિતમાં આવશ્યક હતુ, યુવા પેઢી માટે જરૂરી હતું. કોરોના કાળમાં જે વિશેષ ક્ષેત્રો પર ફોક્સ કરાયું તેમાંથી હું બેની ચર્ચા કરવા ઇચ્છું છું. એક એમએસએમઇ સેક્ટર, સૌથી વધુ રોજગારી આપવાવાળું ક્ષેત્ર છે, અમે નક્કી કર્યું. આ જ રીતે ખેતીવાડી ક્ષેત્ર, તેમાં કોઇ રૂકાવટ ન આવે, તેવું નક્કી કર્યું અને તેના કારણે મેં વર્ણન કર્યું તેમ બમ્પર crop (ઉપજ) થઇ, સરકારે રેકોર્ડ ખરીદી પણ કરી, મહામારી હોવા છતાં ઘંઉ ધાનની ખરીદીનો નવા વિક્રમ બન્યો. ખેડૂતોને વધુ એમએસપી મળ્યું અને એ પણ direct benefit transfer ની સ્કીમ દ્વારા મળ્યું. પૈસા સીધા તેમના ખાતામાં જમા થયા અને મેં તો પંજાબના લોકોના કેટલાય વીડિયો જોયાં કારણ કે પંજાબમાં પહેલી વખત direct benefit transferથી પૈસા ગયા. તેઓએ કહ્યું સાહેબ મારા ખેતરનો વિસ્તાર તો એટલો જ છે, અમારી મહેનત પણ એટલી જ છે પરંતુ ખાતામાં આટલાં રૂપિયા એક સાથે આવે છે તે પહેલી વખત જિંદગીમાં થયું છે. આનાથી સંકટના સમયમાં ખેડૂતોની પાસે રોકડની સુવિદ્યા રહી, આ પ્રકારના પગલાંઓના કારણે જ આટલા મોટા સેક્ટરને shocks અને  disruptionથી આપણે બચાવી શકયા. આ જ પ્રકારે એમએસએમઇ સેક્ટર, આ એ સેક્ટરમાંથી છે કે જેને આત્મનિર્ભર ભારત પેકેજનો સૌથી વધારે લાભ મળ્યો અલગ- અલગ મંત્રાલયોએ જે પીએલઆઇ સ્કીમ લોન્ચ કરી, તેનાથી મેન્યુફેકચરિંગને બળ મળ્યું. ભારત હવે લીડિંગ મોબાઇલ મેન્યુફેકચરર બની ગયું છે અને એક્સપોર્ટ (નિકાસ)માં પણ તેની ભાગીદારી વધી રહી છે. ઓટોમોબાઇલ અને બેટરી, આ ક્ષેત્રમાં પણ પીએલઆઇ સ્કીમ ઉત્સાહજનક પરિણામ આપી રહી છે. આવાડા મોટા સ્તર પર મેન્યુફેકચરિંગ અને એ પણ વધુમાં વધુ એમએસએમઆઇ સેક્ટર દ્વારા થાય તો સ્વાભાવિક છે દુનિયાના દેશોમાંથી પણ ઓર્ડર મળે છે, વધુ તકો પણ મળે છે અને  સાચું તો એ છે કે એન્જિનિયરિંગ ગુડ્સ કે જે  વધુ પ્રમાણમાં એમએસએમઇ બનાવે છે, આ સમયે જે એક્સપોર્ટનો આંકડો મોટો બન્યો છે તેમાં એન્જિનિયરિંગ ગુડ્સનું પણ ઘણું મોટુ યોગદાન છે. આ ભારતના લોકોનું કૌશલ્ય અને ભારતની એમએસએમઇની તાકાતને દર્શાવે છે. આપણી ડિફેન્સ મેન્યુફેકચરિંગ ઇન્ડસ્ટ્રીને આપણે જોઇએ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં ડિફેન્સ કોરિડોર બનાવી રહ્યાં છીએ. MoUs જે થઇ રહ્યાં છે, જે રીતે લોકો આ ક્ષેત્રમાં આવી રહ્યાં છે, એમએસએમઇ ક્ષેત્રના લોકો તેમાં આવી રહ્યા છે, ડિફેન્સના ક્ષેત્રમાં, તે પોતાની રીતે જ ઉત્સાહજનક છે કે દેશના લોકોમાં એ સામર્થ્ય છે અને દેશના ડિફેન્સના ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે આપણાં એમએસએમઇ ક્ષેત્રના લોકો ખૂબ સાહસ કરી રહ્યા છે અને આગળ આવી રહ્યાં છે.

આદરણીય સભાપતિજી,

એમએસએમઇ, કેટલાક GeM, તેના માધ્યમથી સરકારમાં જે સામાનની ખરીદી થાય છે તેના માટે ખૂબ જ મોટું માધ્યમ બનાવ્યું છે અને આ પ્લેટફોર્મના કારણે આજે વધારે સુવિધા થઇ છે આ જ રીતે અમે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને નિર્ણય એ છે કે સરકારમાં 200 કરોડથી, 200 કરોડ રૂપિયા સુધીના જે ટેન્ડર હોય તે ટેન્ડર ગ્લોબલ નહી થાય. તેમાં હિન્દુસ્તાનના લોકોને જ તક આપવામાં આવશે અને આ જ કારણે આપણા એમએસએમઇ સેક્ટરને અને તેના દ્વારા આપણાં રોજગારને પણ બળ મળશે.

આદરણીય સભાપતિજી,

આ સભાગૃહમાં આદરણીય સભ્યોએ રોજગારના સંબંધમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી છે. કેટલાક લોકોએ સૂચન પણ આપ્યાં છે. કેટલી જોબ્સ ક્રિએટ (નોકરી મળી) એ જાણવા માટે EPFO payroll, EPFO payrollને સૌથી વિશ્વાસપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. વર્ષ 2021માં લગભગ એક કરોડ વીસ લાખ નવા EPFO payrollથી જોડાયેલા અને આપણે એ ન ભૂલવું જોઇએ આ તમામ ફોર્મલ જોબ્સ છે, હું તેમાં ઇન્ફોર્મલ (અનૌપચારિક)ની વાત કરતો નથી, ફોર્મલ જોબ્સ છે. અને તેમાં પણ 60-65 લાખ 18-25 વર્ષની ઉમરના છે તેનો અર્થ એ થયો કે આ ઉમરે પહેલી નોકરી છે, એટલે કે જોબ માર્કેટમાં તેની એન્ટ્રી (આગમન) થયું છે.

આદરણીય સભાપતિજી,

અહેવાલ બતાવે છે કે કોરોનાની પહેલાની સરખામણીમાં કોવિડ રિસ્ટ્રિક્શન ખોલ્યા પછી હાયરિંગ બે ગણી વધી ગઇ છે. નેસ્કોમના રિપોર્ટમાં પણ આ ટ્રેન્ડની ચર્ચા છે. તેના પ્રમાણે 2017 પછી, direct indirect નેસ્કોમનું કહેવું છે કે 27 લાખ જોબ્સ IT ક્ષેત્રમાં અને આ માત્ર કૌશલ્યની દ્રષ્ટિએ નહી, તેનાથી ઉપરના લેવલના લોકો હોય છે કે જેમને રોજગારી મળી છે. મેન્યુફેકચરિગ વધવાને કારણે ભારતના ગ્લબોલ એક્સપોર્ટમાં પણ વધારો થયો છે અને તેનો લાભ રોજગાર ક્ષેત્રમાં સીધેસીધો થાય છે.

આદરણીય સભાપતિજી,

વર્ષ 2021માં, એટલે કે માત્ર એક વર્ષમાં ભારતમાં જેટલા યૂનિકોર્ન્સ બન્યા છે તે અગાઉના વર્ષોમાં બનેલા તમામ યૂનિકોર્ન્સથી વધારે છે અને આ તમામ રોજગારની ગણતરીમાં જો ન આવે, તો પછી તો રોજગારીથી વધારે રાજનીતિની ચર્ચા જ માનવામાં આવે છે.

આદરણીય સભાપતિજી,

કેટલાય માનનીય સદસ્યોએ મોંઘવારીની ચર્ચા કરી છે. 100 વર્ષમાં આવેલી આ ભયંકર વૈશ્વિક કોરોનાની મહામારી, સમગ્ર દુનિયાને અસર કરી છે. જો મોંઘવારીની વાત કરીએ તો અમેરિકામાં 40 વર્ષોમાં સૌથી વધુ મોઁઘવારીનો સમય અમેરિકા ભોગવી રહ્યું છે. બ્રિટન, 30 વર્ષમાં સૌથી વધુ મોંઘવારીના મારથી આજે પરેશાન છે. દુનિયાના 19 દેશોમાં જયાં યુરો કરન્સી છે, ત્યાં મોંઘવારીનો દર ઐતિહાસિક ઉંચાઇએ છે, સૌથી વધુ છે. આ સમયમાં મહામારીનું દબાણ હોવા છતાં આપણે મોંઘવારીને એક લેવલ પર રોકવા માટેનો બહુ જ ઇમાનદારીથી પ્રયાસ કર્યો છે. 2014થી લઇને 2020 સુધી આ દર 4-5 ટકાની આસપાસ હતો. તેની સરખામણી થોડી યુપીએના સમયની સાથે કરો તો ખબર પડે તે મોઁઘવારી હોય છે શું? યુપીએના સમયમાં મોંઘવારી ડબલ આંકડા સુધી પહોંચી ગઇ હતી. આજે આપણે એકમાત્ર મોટી ઇકોનોમી છે જે હાઇ ગ્રોથ અને મિડિયમ ઇન્ફલેશનનો અનુભવ કરી રહ્યા છીએ. બાકી દુનિયાની ઇકોનોમીને જોઇએ, તો ત્યાંની અર્થ વ્યવસ્થામાં કાં તો ગ્રોથ સ્લો થયો છે કાં તો મોંઘવારી દાયકાઓના રેકોર્ડ તોડી રહી છે.

આદરણીય સભાપતિજી,

આ સભાગૃહમાં કેટલાક સાથીઓએ ભારતની નિરાશાજનક તસ્વીર (ચિત્ર) રજૂ કરી અને આ રજૂ કરવામાં આનંદ આવતો હતો, તેવું પણ લાગતું હતું. હું જયારે આ પ્રકારની નિરાશાઓ જોઉં છું, તો પછી મને લાગે છે કે, સાર્વજનિક જીવનમાં ઉતાર-ચઢાવ આવતાં રહે છે. જય-પરાજય થતાં રહે છે, તેનાથી ઉભી થયેલી વ્યક્તિગત જીવનની નિરાશા ઓછામાં ઓછું દેશ પર નાંખી દેવી ન જોઇએ. હું જાણતો નથી પરંતુ અમારે ત્યાં ગુજરાતમાં એક વાત છે, શરદ રાવ જાણતાં હશે તેમને ત્યાં મહારાષ્ટ્રમાં પણ હશે, કહે છે કે જયારે હરિયાળી હોય છે, ખેતર જયારે હર્યા ભર્યા હોય છે અને કોઇએ એ હરિયાળી જોઇ અને તે જ સમયે કોઇ એક્સીડન્ટ (અકસ્માત)માં જો તેની આંખો જતી રહે, તો જીવનમાં તેને એ જ હરિયાળી વાળું જે છેલ્લુ ચિત્ર હોય છે તે જ રહે છે. આવું દુઃખ દર્દ 2013 સુધીની જે દુર્દશામાં પસાર થયો અને 2014માં અચાનક દેશની જનતાએ જે રોશની કરી, તેમાં જે આંખો કોઇની જતી રહી છે તેમને જૂના દ્રશ્ય જ દેખાય છે.

આદરણીય સભાપતિજી,

આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું છે- महाजनो येन गतः पन्थाः એટલે કે મહાજન લોકો, મોટા લોકો જે રસ્તા પર ચાલે છે તે જ અનુકરણીય હોય છે.

હું આદરણીય અધ્યક્ષજી, આ સભાગૃહમાં એક વાત કહેવા માંગું છું, અહીંય કોઇ પણ હોય, કોઇ દિશામાં બેઠાં હોય, અહીં હોય, ત્યાં હોય, કોઇ પણ જગ્યા હોય, પરંતુ જન-પ્રતિનિધિ પોતાની રીતે નાનો હોય, મોટો હોય, ક્ષેત્રનો લીડર હોય, નેતૃત્વ કરતો હોય તે જે પણ તેનો કમાન્ડ એરિયા હોય, ત્યાંના લોકો તેને જોતાં હોય છે તેની વાતોને અનુસરતાં હોય છે અને એવું વિચારવુ ઠીક નથી કે અમે સત્તા પર છીએ તો લીડર છીએ અને ત્યાં બેસી ગયા તો અરેરેરે આ શું થઇ ગયું એવું હોતું નથી. કોઇ પણ જગ્યાએ તમે છો અને જન-પ્રતિનિધિ છો, તમે ખરા અર્થમાં લીડર છો અને લીડર (આગેવાન) જો આ પ્રકારે વિચારે, આવો નિરાશાથી ભરેલો લીડર હોય તો શું થશે ભાઇ. શું અહીં બેસીએ ત્યારે જ દેશની ચિંતા કરવાની છે અને ત્યાં બેસીએ તો દેશની.... આપણાં ક્ષેત્રના લોકોની નહી કરવાની ..... આવુ હોય છે શું ? કોઇનાથી શીખતા નથી તો શરદ રાવથી શીખો. મેં જોયું છે કે શરદ રાવજી આ ઉમરમાં પણ અનેક બીમારીઓની વચ્ચે પણ ક્ષેત્રના લોકોને પ્રેરણા આપે છે. આપણે નિરાશ થવાની જરૂર નથી ભાઇ, અને કારણ કે જો તમે નિરાશ થાવ છો તો તમારું જે ક્ષેત્ર (વિસ્તાર).. ભલે હવે ઓછો થઇ ગયો છે, પરંતુ જે પણ છે, આપણાં બધાની જવાબદારી છે... ખડગેજી, તમે પણ અધિરંજનજી જેવી ભૂલ કરો છો. તમે થોડું પાછળ જૂઓ, જયરામજીએ પાછળ લઇને બે-ત્રણ લોકોને તૈયાર કર્યા છે આ જ કામ માટે તમે પ્રતિષ્ઠાથી રહો, પાછળ રાખી છે.. રાખી છે વ્યવસ્થા, જયરામજી બહાર જઇને સૂચના લઇને આવ્યા, સમજાવી રહ્યાં છે હમણાં થોડી વારમાં શરૂ થશે.. તમે સન્માનનીય નેતા છો.

આદરણીય સભાપતિજી,

સત્તા કોઇની પણ હોય, સત્તામાં કોઇપણ હોય, પરંતુ દેશના સામર્થ્યને ઓછું આંકવું જોઇએ નહી. આપણે દેશના સામર્થ્યનું સમગ્ર વિશ્વ સામે ખુલ્લા મનથી ગૌરવ-ગાન કરવું જોઇએ, દેશ માટે બહુ જ જરૂરી છે.

આદરણીય સભાપતિજી,

સભાગૃહમાં આપણાં એક સાથીએ કહ્યું 'Vaccination is not a big deal.' હું આ જોઇને પરેશાન છું કેટલાક લોકોને ભારતની આટલી મોટી ઉપલબ્ધિ, ઉપલબ્ધિ લાગતી નથી, એક સાથીએ એમ પણ કહ્યું કે રસીકરણ પર વ્યર્થ ખર્ચ થઇ રહ્યો છે. આ દેશ સાંભળશે તો શું લાગશે આવા લોકો માટે.
આદરણીય સભાપતિજી
,

કોરોનાએ જયારથી માનવ જાત પર સંકટ ઉભું કર્યુ છે, સરકારે દેશ અને દુનિયામાં જે કોઇ જરૂરી સંસાધન ઉપલબ્ધ છે તે મેળવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે, આપણાં દેશના નાગરિકોની રક્ષા કરવા માટે જેટલું પણ અમારું સામર્થ્ય હતુ, સમજ હતી, શક્તિ હતી અને તમામને સાથે લઇને ચાલવાનો અમે પ્રયાસ કર્યો છે. અને જયાં સુધી મહામારી રહેશે, ત્યાં સુધી સરકાર ગરીબથી ગરીબ પરિવારના જીવનને બચાવવા માટે જેટલો ખર્ચ કરવો પડે ખર્ચ કરવા માટે કટીબદ્ધ છે. પરંતુ કેટલાક પક્ષના મોટા નેતાઓએ વીતેલા બે વર્ષમાં તેમણે જે અપરિપકવતાં દેખાડી છે તેનાથી દેશને પણ ઘણી નિરાશા થઇ છે. આપણે જોયું છે કે કેવા રાજનીતિક સ્વાર્થમાં રમત રમ્યાં છે. ભારતીય વેક્સિનની સામે ઝુંબેશ ચલાવી હતી, થોડું વિચારો, પહેલા તમે જે કહ્યું હતુ અને આજે જે થઇ રહ્યું છે તેને થોડું સાથે મેળવીને જૂઓ, બની શકે તેમાં સુધારાની કોઇ શકયતા હોય તો કોઇ કામ આવી શકે.

આદરણીય સભાપતિજી,

દેશની જનતા જાગૃત છે અને હું દેશની જનતાને અભિનંદન આપું છું કે તેના દરેક નાના-મોટા નેતાઓએ એવી ભૂલ કરી તો પણ સંકટના સમયમાં આવી વાતોને કાન પર લીધી નહી અને વેક્સિન માટે લાઇનમાં ઉભા રહ્યા જો આ ન થયું હોત તો બહું મોટું જોખમ ઉભું થઇ જાત પરંતુ સારું થયું દેશની જનતા કેટલાક નેતાઓથી પણ આગળ નીકળી ગઇ છે, દેશ માટે સારું છે.

આદરણીય સભાપતિજી
,

આ પૂરો કોરોનાનો કાળ ખંડ (સમય) એક રીતે Federal Structure નું ઉત્તમ ઉદાહરણ હું કહી શકું છું. 23 વખત કદાચ કોઇ એક પ્રધાનમંત્રીને એક કાર્યકાળમાં મુખ્યમંત્રીઓની આટલી મીટિંગ કરવાનો સમય નહી આવ્યો હોય. મુખ્યમંત્રીઓ સાથે 23 મીટિંગ કરી અને વિસ્તારથી ચર્ચાઓ કરી અને મુખ્યમંત્રીઓના સૂચનો અને ભારત સરકાર પાસે જે જાણકારીઓ હતી, તેમાં પરસ્પર હળી-મળીને.. કારણ કે આ સભાગૃહમાં રાજયોથી જોડાયેલા વરિષ્ઠ નેતા અહીં બેઠા છે અને એટલા માટે હું એ કહેવા માંગું છુ, એ પોતાની રીતે બહુ જ મોટી ઘટના છે. 23 મીટિંગ કરવી અને આ સમયમાં વિસ્તારથી ચર્ચા કરીને રણનીતિ તૈયાર કરવી અને તમામને ઓન બોર્ડ લઇને ચાલવું અને ભલે કેન્દ્ર સરકાર હોય, રાજય સરકાર હોય અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાનું એકમ હોય, તમામે મળીને પ્રયાસ કર્યો. અમે કોઇના યોગદાનને ઓછું આંકતા નથી અમે તો તેને દેશની તાકાત માનીએ છીએ.

પરંતુ આદરણીય સભાપતિજી,

તો પણ આત્મચિંતન કરવાની જરૂર છે કેટલાક લોકોએ, જયારે કોરોનાની તમામ પાર્ટીઓની મીટિંગ બોલાવવામાં આવી, સરકાર તરફથી વિસ્તાર (લંબાણ)થી પ્રેઝન્ટેશન આપવાનું હતું, અને એક તરફથી પ્રયાસ કરવામાં આવ્યો કે કેટલાક પક્ષો ન જાય, તેમને સમજાવવાના પ્રયાસ થયા અને પોતે પણ ન આવ્યા. ઓલ પાર્ટી મીટિંગનો બહિષ્કાર કર્યો અને હું શરદ રાવ જીનો આભાર વ્યક્ત કરવાં માંગું છું. શરદ રાવજીએ કહ્યું કે, જૂઓ ભાઇ, આ કોઇ યુપીએનો નિર્ણય નથી, હું જેને-જેને કહી શકું છું, હું કહીશ અને અને શરદ રાવ જી આવ્યા, બાકી ટીએમસી સહિત તમામ પક્ષોના લોકો આવ્યા અને તેઓએ પોતાના બહુમૂલ્ય સૂચનો પણ આપ્યા. આ સંકટ દેશ પર હતું, માનવ જાત પર હતું. તેમાં પણ તમે બહિષ્કાર કર્યો  એ ખબર નથી કે તમારા એવા કોઇ, કયાંથી તમે સલાહ લો છો, એ તમારું પણ નુકસાન કરે છે. દેશ અટક્યો નથી દોડી રહ્યો છે. તમે અહીંય અટકી ગયા અને દરેકને આશ્ચર્ય થયું, તમામ લોકો... તમે બીજા દિવસનું અખબાર જોઇ લો, શું તમારી આલોચના થઇ છે, શું કામ આવું કર્યું આટલું મોટું કામ પણ...

આદરણીય સભાપતિજી,

અમે Holistic Health Care પર પણ ફોક્સ (કેન્દ્રીત) કર્યું આધુનિક ચિકિત્સા પરંપરા, ભારતીય ચિકિત્સા પધ્ધતિ, બંનેને આયુષ મંત્રાલયે પણ આ સમયે બહુ જ કામ કર્યું. સભાગૃહમાં કયારેક કયારેક આવા મંત્રાલયોની ચર્ચા પણ નથી થતી. પરંતુ એ જોવું પડશે, આજે વિશ્વમાં આપણાં આંધ્ર પ્રદેશ, તેલંગણાના લોકો બતાવશે, આપણી હળદરની નિકાસ જે વધી રહી છે, તે આ કોરોનાએ લોકોને ભારતની ઉપચાર પધ્ધતિથી આકર્ષિત કર્યા તેનું પરિણામ છે. દુનિયાના લોકો, આ જ કોરોના કાળખંડમાં ભારતે પોતાના ફાર્મા ઉદ્યોગને પણ સશક્ત કર્યો છે. પાછલા સાત વર્ષમાં આપણાં આયુષના ઉત્પાદન છે તેની નિકાસ ઘણી વધી છે  અને નવા નવા શિખરો પર પહોંચી છે. તેનો મતલબ છે કે ભારતની જે પરંપરાગત ઇલાજો, દવાઓ છે તેણે વિશ્વમાં પોતાની એક ઓળખ બનાવવાનું શરૂ કર્યુ છે. હું ઇચ્છું છું કે આપણે બધા લોકો, જયાં જયાં આપણી ઓળખાણ હોય, આ વાત પર ભાર આપે, કારણ કે આ ક્ષેત્ર આપણું દબાયેલું છે અને આપણને બધાને... અને એવો સમય છે કે સ્વીકૃતિ થઇ જાય.... તો બની શકે કે ભારતની જે પરંપરાગત ઔષધિઓની પરંપરા છે, તાકાત છે, તે દુનિયામાં પહોંચે અને કામ થાય.

આદરણીય સભાપતિજી,

આયુષ્યમાન ભારત અંતર્ગત 80 હજારથી વધારે હેલ્થ એન્ડ વેસનેસ સેન્ટર આજે કાર્યરત છે અને દરેક પ્રકારની આધુનિકથી આધુનિક સેવાઓ આપવા માટે તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સેન્ટર ગામડા અને ઘરની પાસે જ ફ્રી ટેસ્ટ સહિત સારી પ્રાથમિક હેલ્થકેરની સુવિધા આપી રહ્યાં છે. આ સેન્ટર કેન્સર, ડાયાબિટીસ અને બીજી ગંભીર બીમારીઓની શરૂઆતમાં જ ડિટેક્ટ કરવામાં મદદ કરી રહ્યા છે. 80 હજાર સેન્ટર બન્યા છે અને તેને અમે હજુ વધારવાની દિશામાં ઝડપી ગતિથી કામ કરી રહ્યાં છીએ. એટલે કે મહત્વપૂર્ણ બીમારીઓમાં પણ અને ગંભીર બીમારીઓમાં પણ તેમને સ્થાનિક કક્ષાએ મદદ મળવાની સંભાવના છે.


આદરણીય સભાપતિજી,

આમ તો જૂની પરંપરા એવી હતી કે બજેટ પહેલા કેટલાક ટેક્સ લગાવી દો કે જેથી બજેટમાં ચર્ચા ન થાય અને બજેટમાં દેખાય નહી અને તે દિવસે શેર માકેટ પણ તૂટે નહી. અમે એવું કર્યું નથી, અમે ઉંધુ કર્યુ અમે બજેટની પહેલા 64 હજાર કરોડ રૂપિયા પીએમ આત્મનિર્ભર સ્વાસ્થ્ય ભારત યોજના અંતર્ગત  Critical Health Infrastructure ના નિર્માણ માટે રાજયોમાં વહેચ્યાં, જો આ ચીજ અમે બજેટમાં રાખીએ અને બહુ જ મોટું બજેટ શાનદાર દેખાત, શાનદાર તો છે જ, વધારે શાનદાર દેખાત. પરંતુ અમે આ મોહમાં રાખવાના બદલે કોરોનાના સમયમાં તેની તત્કાળ વ્યવસ્થા કરવા માટે અમે પહેલાં એ આપ્યું અને 64 હજાર કરોડ રૂપિયા અમે તે કામ માટે આપ્યા છે.

આદરણીય સભાપતિજી,

આ વખતે ખડગે જી પણ ઘણું વધારે બોલી રહ્યા હતા અને કહેતા હતા, મને તો કહેતા હતા કે હું આ વિષય પર બોલું ઇધર-ઉધર ન બોલું, પણ તેઓ શું બોલ્યા, તેને પણ એક વખત ચેક કરવું જોઇએ, સભાગૃહમાં કહેવામાં આવ્યું કે, કોંગ્રેસે ભારતની બુનિયાદ (પાયો) નાખી અને ભાજપ વાળાએ માત્ર ઝંડો નાંખી દીધો.

આદરણીય સભાપતિજી,

આ સભાગૃહમાં એમ જ હસી-મજાકમાં કહેલી વાત નથી. આ એ ગંભીર વિચારસરણીનું પરિણામ છે અને તે જ દેશ માટે ખતરનાક છે અને તે છે, કેટલાક લોકો એમ જ માને છે કે હિન્દુસ્તાન 1947માં પેદા થયું. અને આ જ કારણથી મુશ્કેલી થાય છે. અને આ જ વિચારનું પરિણામ છે કે ભારતમાં પાછળના 75 વર્ષમાં જેમને કામ કરવાની 50 વર્ષ સુધીની તક મળી હતી તેમની નીતિઓ પર પણ આ માનસિકતાનો પ્રભાવ રહ્યો છે અને તેને કારણે કેટલીય વિકૃતિયો પેદા થઇ છે.  આ ડેમોક્રેસી (લોકશાહી) તમારી મહેરબાનીથી આવી નથી અને તમારે 1975માં ડેમોક્રેસીનું ગળું દબાવવા વાળાઓએ ડેમોક્રેસીના ગૌરવ પર બોલવું જોઇએ નહીં.

આદરણીય સભાપતિજી,

આ નાની ઉમરમાં પેદા થયા છે, એવા વિચાર ધરાવનારા લોકો છે તેઓએ એક વાત દુનિયાની સામે ગાઇ વગાડીને કહેવી જોઇતી હતી, તેઓ કહેવાથી બચતાં રહ્યા, આપણે ગર્વની સાથે કહેવું જોઇએ કે ભારત, મધર ઇન્ડિયા એ લોકશાહીની જનેતા છે. લોકશાહી, ડિબેટ એ ભારતમાં સદીઓથી ચાલે છે. અને કોંગ્રેસની કઠણાઇ એ છે કે dynastyથી આગળ તેઓએ કંઇ વિચાર્યુ જ નથી તે તેમની પરેશાની છે, અને પાર્ટીમાં, જે ડેમોક્રેસીની વાતો કરે છે તેઓ જરા સમજે, ભારતની લોકશાહીને સૌથી વધુ જોખમ પરિવારવાદી પાર્ટીઓનું છે, એ માનવું પડશે. અને પાર્ટીમાં પણ જયારે કોઇ એક પરિવાર સર્વોપરિ હોય ત્યારે સૌથી પહેલો ભોગ પ્રતિભાનો લેવાય છે. સૌથી મોટું નુકસાન ટેલેન્ટનું થાય છે. દેશે વર્ષો સુધી આ વિચારનું બહુ જ નુકસાન ભોગવ્યું છે. હું ઇચ્છું છું કે તમામ રાજકીય પક્ષો લોકતાંત્રિક આદર્શો અને મૂલ્યોને પોતાના પક્ષમાં પણ વિકસિત કરે, અને તેને સમર્પિત કરે, અને હિન્દુસ્તાનની સૌથી જૂની પાર્ટીના રૂપમાં કોંગ્રેસ તેની જવાબદારી વધુ ઉઠાવે.
આદરણીય સભાપતિજી
,

અહીં એમ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ન હોત તો શું થાત. ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, આજ વિચારધારાનું પરિણામ છે આ છે.

આદરણીય સભાપતિજી,

હું જરા બતાવવા માંગું છું એમ કહેવામાં આવ્યું છે - વિચારું છું કે કોંગ્રેસ ન હોત તો શું થાત. કારણ કે મહાત્મા ગાંધીની ઇચ્છા હતી, કારણ કે મહાત્મા ગાંધીને ખબર હતી કે તેમના રહેવાથી શું શું થવાનું છે. અને તેમણે કહ્યું હતું કે પહેલાથી જ તેને ખતમ કરો, તેને વીખેરી નાંખો. મહાત્મા ગાંધીએ કહ્યું હતું પરંતુ મહાત્મા ગાંધીની ઇચ્છાનુસાર કોંગ્રેસ ન હોત તો શું થાત - લોકતંત્ર પરિવારવાદથી મુક્ત થાત, ભારત વિદેશી ચશ્માની જગ્યાએ સ્વદેશી સંકલ્પોના રસ્તા પર ચાલત. જો કોંગ્રેસ ન હોત તો ઇમરજન્સીનું કલંક ન હોત. જો કોંગ્રેસ ન હોત તો દાયકાઓ સુધી કરપ્શનને સંસ્થાગત બનાવી રાખવામાં આવ્યું ન હોત. જો કોંગ્રેસ ન હોત તો જાતિવાદ અને ક્ષેત્રવાદની ખાઇ આટલી ઉંડી ન હોત. જો કોંગ્રેસ ન હોત તો સિખોના નરસંહાર થયો ન હોત, વર્ષો સુધી પંજાબ આતંકની આગમાં સળગતો ન હોત. જો કોંગ્રેસ ન હોત તો કાશ્મીરના પંડિતોને કાશ્મીર છોડવાની નોબત ન આવી હોત. જો કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદૂરમાં સળગાવવાની ઘટના ન થાય, જો કોંગ્રેસ ન હોત તો દેશના સામાન્ય માનવીને ઘર, સડક, વીજળી, પાણી, શૌચાલય, પ્રાથમિક સુવિદ્યાઓ માટે આટલા વર્ષો સુધી રાહ જોવી પડી ન હોત.

આદરણીય સભાપતિજી,

હું ગણતો રહીશ ગણતો

આદરણીય સભાપતિજી,

કોંગ્રેસ જયારે સત્તામાં હતી, દેશનો વિકાસ ન થવા દીધો, હવે વિપક્ષમાં છે તો દેશના વિકાસમાં અવરોધ ઉભા કરે છે. હવે કોંગ્રેસને 'Nation' પર પર વાંધો છે  'Nation' પર આપત્તિ છે. જો  'Nation' તેમની કલ્પના ગેર-બંધારણીય છે તો તમારી પાર્ટીનું નામ Indian National Congress શું કામ રાખ્યું છે ? હવે તમારી નવી સોચ આવી છે તો Indian National Congress નું નામ બદલી નાંખો અને તમે Federation of Congress કરી નાંખો, તમારા પૂર્વજોની ભૂલો થોડી સુધારી નાંખો.

આદરણીય સભાપતિજી,

અહીં પર ફેડરેલિજ્મને લઇને પણ કોંગ્રેસ, ડીએમસી અને લેફ્ટ સહિત અનેક સાથીઓએ અહીં મોટી મોટી વાતો કરી, જરૂરી પણ છે, કારણ કે આ રાજયોના વરિષ્ઠ નેતાઓનું સદન છે. પરંતુ તમામ સાથીઓએ.....
આદરણીય સભાપતિજી
,

ધન્યવાદ માનનીય સભાપતિ- અધ્યક્ષજી, લોકતંત્રમાં માત્ર સાંભળાવવું તે જ હોતું નથી, સાંભળવું તે પણ લોકતંત્રનો ભાગ છે. પરંતુ વર્ષો સુધી ઉપદેશ આપવાની આદત રાખી છે તે માટે થોડી વાતો સાંભળવવામાં મુશ્કેલી થઇ રહી છે.

આદરણીય સભાપતિજી,

ફેડરેલિઝમ (સંઘવાદ)ને લઇને કોંગ્રેસ, ટીએમસી અને લેફ્ટ સહિતના અનેક સાથીઓએ અહીં કેટલાક વિચારો રજૂ કર્યા છે અને બહુ સ્વભાવિક છે આ સદન-સભાગૃહમાં તેની ચર્ચા થવી અને સ્વભાવિક છે કારણ કે અહીં રાજયના વરિષ્ઠ નેતા, તેમનું માર્ગદર્શન અમને આ સદનમાં મળતું રહે છે, પરંતુ જયારે એ વાતો કરે છે ત્યારે હું આ જ તમામને આગ્રહ કરું છું કે આપણે ફેડરેલિઝમના સંબંધમાં આપણાં જે કોઇ વિચાર છે, કયારેક બાબા સાહેબ આંબેડકરને જરૂર વાંચો, બાબા સાહેબ આંબેડકરની વાતોને યાદ કરો. બાબા સાહેબ આંબેડકરજીએ સંવિધાન સભામાં કહ્યું હતું , તેને જ હું કવોટ કરું છું. અને બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે,

`આ ફેડરેશન એક યુનિયન છે કારણ કે તે અતૂટ છે. પ્રશાસનિક સુવિધાઓ માટે દેશ અને લોકોને વિભિન્ન રાજયોમાં વિભાજિત કરી શકાય છે. પ્રશાસન માટે અલગ અલગ રાજયોમાં વિભાજિત કરી શકાય છે પરંતુ દેશ અભિન્ન રૂપથી એક છે.

તેઓએ વ્યવસ્થા અને 'Nation'ની કલ્પનાને સ્પષ્ટ કરી છે. અને આ બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સભામાં કહ્યું છે. હું સમજું છું કે ફેડરેલિઝમને સમજવા માટે બાબા સાહેબ આંબેડકરના આટલા ઉંડા વિચારોથી વધુ હું સમજું છું કે માર્ગદર્શન માટે કોઇ વાતની જરૂરિયાત નથી. પરંતુ વિશેષતા એ છે કે શું થયું છે આપણાં દેશમાં ફેડરેલિઝમના આટલા મોટા-મોટા ભાષણો આપવામાં આવે છે, ઉપદેશ આપવામાં આવે છે. અમે શું એ દિવસો ભૂલી ગયા જયારે એરપોર્ટ પર સામાન્ય વાતો માટે મુખ્યમંત્રીને દૂર કરી દેવામાં આવતાં હતા. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ટી. અંજૈયાહની સાથે શું થયું હતુ, આ ગૃહના નેતાઓ સારી રીતે જાણે છે. પ્રધાનમંત્રીના દિકરાને એરપોર્ટ પર તેમની વ્યવસ્થા પસંદ ન આવી તો તેને દૂર કરી દેવામાં આવ્યા, તેનાથી આંધ્ર પ્રદેશના કરોડો લોકોની ભાવનાને દુઃખ પહોંચ્યાડ્યું આવી જ રીતે કર્ણાટકના લોકપ્રિય મુખ્યમંત્રી વીરેન્દ્ર પાટિલજીને પણ અપમાનિત કરીને પદથી હટાવવામાં આવ્યા હતા, એ પણ કયારે કે જયારે તેઓ બીમાર હતા. અમારા વિચારો કોંગ્રેસની જેમ સંકીર્ણ નથી. અમે સંકીર્ણ સોચ (વિચારધારા) સાથે કામ કરવાવાળા લોકો નથી. અમારી વિચારધારા રાષ્ટ્રીય લક્ષ્યો, રાષ્ટ્રીય ટાર્ગેટ અને પ્રાંતિય આકાંક્ષાઓ, આની વચ્ચે અમે કોઇ વિગ્રહ નથી જોતાં. અમે માનીએ છીએ કે, પ્રાંતિય આકાંક્ષાઓને એટલા જ આદરથી હાથ ધરવી જોઇએ, સમસ્યાઓનું સમાધાન કરવું જોઇએ. અને ભારતની પ્રગતિ પણ ત્યારે જ થશે જયારે દેશ વિકાસને ધ્યાનમાં રાખીને પ્રાંતિય આકાંક્ષાઓને હાથ ધરવામાં આવશે. એ જવાબદારી બને છે કે, જયારે આપણે આ વાત કહીએ છીએ દેશને આગળ વધારવો છે, પરંતુ તેની એ પણ શરત છે કે જયારે રાજય પ્રગતિ કરશે તો દેશની પ્રગતિ થાય છે. રાજય પ્રગતિ ન કરે અને દેશની પ્રગતિ માટે આપણે વિચારીએ એ થઇ શકતું નથી. અને એટલા માટે જ પહેલી શરત છે કે, રાજય પ્રગતિ કરે ત્યારે દેશની પ્રગતિ થાય છે. અને જયારે દેશની પ્રગતિ થાય છે, દેશ સમૃદ્ધ થાય છે, દેશની અંદર સમૃદ્ધિ આવે છે તો સમૃદ્ધિ રાજયોમાં પરાવર્તિત હોય છે અને તેના કારણે દેશ સમૃદ્ધ બને છે, આ વિચારની સાથે અમે ચાલીએ છીએ અને હું તો જાણું છું, હું ગુજરાતમાં હતો, મારા પર કયા કયા જુલ્મ થયા, દિલ્હી સરકાર દ્વારા ઇતિહાસ સાક્ષી છે, શું શું નથી થયું મારી સાથે. ગુજરાતની સાથે શું શું નથી થયું. પરંતુ આ કાળખંડમાં પણ દરેક દિવસ તમે મારો રેકોર્ડ જોઇ લો, મુખ્યમંત્રી તરીકે હું  હમેંશાં એક વાત કરતો હતો કે, ગુજરાતનો મંત્ર શું છે, દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. હંમેશાં દિલ્હીમાં કોઇ પણ  સરકાર હોય વિચારીને ચાલતાં ન હોતા. દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને આ જ ફેડરેલિઝમમાં આપણાં તમામની જવાબદારી બને છે કે, આપણે દેશના વિકાસ માટે પોતના રાજયોના વિકાસ કરીશું કે જેથી બંને મળીને દેશને નવી ઉંચાઇએ લઇ જઇએ અને આ જ પદ્ધતિ જ સાચી પદ્ધતિ છે.  આ જ રસ્તા પર ચાલવું આપણા માટે જરૂરી છે. અને આ બહું જ દુઃખદ છે જેમને દાયકાઓ સુધી સરકાર ચલાવવાની તક મળી, અને તેઓએ રાજયોની સાથે કેવા કેવા અત્યાચાર કર્યા હતા. બધા જ અહીં બેઠા છે, ભોગવનારા લોકો પણ બેઠા છે, કેવા કેવા દમન-અત્યાચાર કર્યા હતા. ઓછામાં ઓછા સો વખત રાષ્ટ્રપતિ શાસન લાવીને રાજય સરકાર, ચૂંટાયેલી રાજય સરકારોને ઉખાડીને ફેંકી દીધી હતી. તમે કયા મોઢે વાતો કરો છો ? અને આ રીતે લોકતંત્રનું પણ તમે સન્માન કર્યું નથી. અને એ કયા પ્રધાનમંત્રી છે જેમણે પોતાના કાળખંડમાં 50 સરકારોને ઉથલાવીને ફેંકી દીધી હતી, રાજયની 50 સરકારોને.

આદરણીય સભાપતિજી,

આ તમામ વિષયોના જવાબ દરેક હિન્દુસ્તાની જાણે છે અને તેની સજા આજે તેમણે ભોગવવી પડી રહી છે.

આદરણીય સભાપતિજી,

કોંગ્રેસના હાઇ કમાન્ડ જે છે તેમની નીતિ ત્રણ પ્રકારના કામોને લઇને ચાલી રહી છે. એક- પહેલા ડિસ્ક્રેડિટ કરો, પછી ડિસ્ટ્રબ્લાઇઝ કરો અને પછી ડિસમિસ કરો. આ જ રીતે અવિશ્વાસ પેદા કરો, અસ્થિર કરો અને પછી દૂર કરો. આ જ વાતોને લઇને તેઓ ચાલી રહ્યાં છે.

તમે જરા જણાવો, આદરણીય સભાપતિજી,

હું આજે કહેવા ઈચ્છું છું કે ફારુખ અબ્દુલ્લાજીની સરકારને કોણે અસ્થિર કરી હતી. ચૌધરી દેવીલાલજીની સરકારને કોણે અસ્થિર કરી હતી. ચૌધરી ચરણસિંહજીની સરકારને કોણે અસ્થિર કરી હતી. પંજાબમાં સરદાર બાદલ સિંની સરકારને કોણે બરખાસ્ત કરી હતી. મહારાષ્ટ્રમાં બાળા સાહેબ ઠાકરેને બદનામ કરવા માટે કોણે ડર્ટી ટ્રિક્સનો ઉપયોગ કર્યો હતો. કર્ણાટકમાં રામકૃષ્ણ હેગડે અને એસ.આર બોમાઈની સરકારને કોણે પાડી હતી. 50ના દાયકામાં કેરળની ચૂંટાયેલી કમ્યુનિસ્ટ સરકારને કોણે પાડી હતી, તે કાળખંડમાં 50 વર્ષ પહેલાં તામિલનાડુમાં ઈમર્જન્સી દરમિયાન કરૂણાનીધિજીની સરકારને કોણે પાડી હતી. 1980માં એમ. જી. આરની સરકારને કોણે ડિસમિસ કરી હતી. આંધ્ર પ્રદેશમાં કોણે એન.ટી.આરની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. અને એ પણ ત્યારે જ્યારે તેઓ બીમાર હતા. તે કઈ પાર્ટી છે જેણે મુલાયમ સિંહ યાદવજીને ફક્ત એટલા માટે હેરાન કર્યા હતા કેમ કે મુલાયમ સિંહજી કેન્દ્રની વાતો સાથે સહમત થતા ન હતા. કોંગ્રેસે પોતાના નેતાઓને પણ બાકી રાખ્યા નથી. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ સરકાર, મહત્વની ભૂમિકા ભજવી, તેની સાથે શું કર્યું. જે કોંગ્રેસે અહીં સત્તામાં બેસવાની તેમને તક આપી હતી. તેમની સાથે શું કર્યું. તેમણે ઘણી શરમજનક રીતે આંધ્ર પ્રદેશનું વિભાજન કર્યું. માઈક બંધ કરી દેવામાં આવ્યા. મરચાનો સ્પ્રે કરવામાં આવ્યો, કોઈ ચર્ચા થઈ ન હતી. શું આ રીત યોગ્ય હતી? શું તે લોકશાહી હતી? અટલજીની સરકારે પણ ત્રણ રાજ્ય બનાવ્યા હતા. રાજ્ય બનાવવાનો અમે વિરોધ કર્યો નથી પરંતુ રીત શું હતી. અટલજીએ ત્રણ રાજ્યો બનાવ્યા હતા. છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ પરંતુ કોઈ વાવાઝોડું આવ્યું ન હતું. શાંતિથી તમામ નિર્ણયો લેવાયા. બધાએ સાથે બેસીને નિર્ણય કર્યો. આંધ્ર પ્રદેશ, તેલંગણાનું પણ થઈ શકતું હતું. અમે તેલંગણાના વિરોધી નથી. સાથે મળીને કરી શકાય છે. પરંતુ તમારો અહંકાર, સત્તાનો નશો, તેણે દેશની અંદર એક કડવાશ ઊભી કરી. અને આજે પણ તેલંગણા અને આંધ્ર વચ્ચે કડવાશના તે બીજ તેલંગણાનું પણ નુકસાન કરી રહ્યા છે અને આંધ્રનું પણ નુકસાન કરી રહ્યા છે. અને તમને કોઈ રાજકીય ફાયદો થઈ રહ્યો નથી અને અમને સમજાવી રહ્યા છો.

આદરણીય સભાપતિજી,

અમે કોઓપરેટિવ ફેડરાલિઝમની સાથે સાથે એક નવા પરિવર્તન તરફ ચાલી રહ્યા છીએ અને અમે કોઓપરેટિવ કોમ્પિટિટિવ ફેડરાલિઝમની વાત કહી છે. અમારા રાજ્યો વચ્ચે વિકાસની સ્પર્ધા થાય, તંદુરસ્ત સ્પર્ધા થાય, આપણે આગળ વધવાનો પ્રયાસ કરીએ. કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર કેમ ન હોય અને તેને પ્રોત્સાહન આપવાનું અમારું કામ છે અને અમે આપી રહ્યા છીએ.

આદરણીય સભાપતિજી,

હું આજે ઉદાહરણ આપવા ઈચ્છું છું. જીએસટી કાઉન્સિલની રચના ભારતના સશક્ત ફેડરાલિઝમ માટે એક ઉત્તમ સ્ટ્રક્ચરનો નમૂનો છે. રેવન્યુના મહત્વના નિર્ણયો જીએસટી કાઉન્સિલમાં થાય છે અને રાજ્યોના નાણા મંત્રી તથા ભારતના નાણા મંત્રી તમામ એક ટેબલ પર બેસીને નિર્ણયો કરે છે. કોઈ મોટું નથી અને કોઈ નાનું નથી. કોઈ આગળ નથી અને કોઈ પાછળ નથી. બધા સાથે મળીને જૂએ છે. દેશને ગર્વ થવો જોઈએ, આ ગૃહને વધારે ગર્વ થવો જોઈએ કે જીએસટીના તમામ નિર્ણયો, હજારો નિર્ણયો થયા છે. તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા છે. તમામ રાજ્યોના નાણા મંત્રી અને ભારતના નાણા મંત્રીએ સાથે મળીને લીધા છે. ફેડરાલિઝમનું આનાથી શ્રેષ્ઠ ઉદાહણ શું હોઈ શકે છે. કોણ આનું ગૌરવ નહીં કરે. પરંતુ આપણે આનું પણ ગૌરવ કરતા નથી.

આદરણીય સભાપતિજી,

હું ફેડરાલિઝમનું વધુ એક ઉદાહરણ આપવા ઈચ્છું છું. આપણે જોયું કે જેમ કે સામાજિક ન્યાય આ દેશમાં ઘણો અનિવાર્ય હોય છે. નહીં તો દેશ આગળ વધતો નથી. તેવી જ રીતે ક્ષેત્રીય ન્યાય પણ એટલો જ જરૂરી હોય છે. જો કોઈ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહી જશે તો દેશ આગળ વધી શકશે નહીં. તેથી અમે એક યોજના બનાવી છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ. દેશમાં 100 એવા જિલ્લા પસંદ કર્યા, અલગ-અલગ પેરામીટરના આધારે પસંદગી કરવામાં આવી. રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કરીને પસંદ કરવામાં આવ્યા. તે એક સો-સોથી વધારે જિલ્લા છે. તે રાજ્યોના એવરેજ જિલ્લા છે તેની બરાબરી પર તો આવી જાય તો બોજ ઘટી જશે. આ કામ અમે કર્યું છે અને આજે હું ઘણા સંતોષ સાથે કહીશ. ઘણા ગૌરવ સાથે કહીશ. યોજનાનો વિચાર ભલે ભારત સરકારને આવ્યો પરંતુ એક રાજ્યને બાદ કરતા તમામ રાજ્યોએ તેનો સ્વિકાર કર્યો. સોથી વધારે જિલ્લાની સ્થિતિ બદલવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા એકમ આજે સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમાં તમામ પક્ષોની સરકારવાળા રાજ્યો છે. એવું નથી કે તેઓ ભારતીય જનતા પાર્ટીના રાજ્યોવાળી સરકારો છે. તમામ લોકોએ મળીને આટલા ઉત્તમ પરિણામ આપ્યા છે કે ઘણા ઓછા સમયમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ઘણા પેરામીટરમાં પોતાના રાજ્યની એવરેજથી પણ આગળ નીકળી ગયા છે. હું સમજું છું કે આ ઉત્તમથી ઉત્તમ કામ છે. હું જણાવીશ કે કેટલાક આકાંક્ષી જિલ્લા જે એસ્પિરેશનલ જિલ્લા છે. તેમના જનધન એકાઉન્ટ પહેલાની તુલનામાં ચાર ગણા વધારે જનધન એકાઉન્ટ ખોલવાનું કામ કર્યું છે. પ્રત્યેક પરિવારમાં શૌચાલય મળ્યા, વિજળી મળી, તેના માટે પણ ઉત્તમ કામ આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પર તમામ રાજ્યોએ કર્યું છે. હું સમજું છું કે આ ફેડરલ સ્ટ્રક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે. આનાથી દેશની પ્રગતિ માટે ફેડરલ સ્ટ્રક્ચરની તાકાતનો ઉપયોગ થવો એ તેનું ઉદાહરણ છે.

આદરણીય સભાપતિજી,

હું આજે વધુ એક ઉદાહરણ આપવા ઈચ્છું છું કે કેવી રીતે રાજ્યોની આર્થિક મદદ થાય છે, કેવી રીતે નીતિઓમાં ફેરફાર કરવાથી પરિવર્તન આવે છે. તે પણ એક સમય હતો જ્યારે આપણા પ્રાકૃતિક સંસાધનો ફક્ત કેટલાક લોકોની તિજોરીઓ ભરવાના કામમાં આવતા હતા. આ દુર્દશા આપણે જોઈ છે, તેની ચર્ચાઓ પણ ઘણી થઈ છે. હવે સંપદા રાષ્ટ્રનો ખજાનો ભરી રહી છે. અમે કોલસા અને માઈનિંગ સેક્ટરમાં રિફોર્મ કર્યા. 2000માં અમે પારદર્શી પ્રક્રિયા સાથે ખનીજ સંસાધનોનું ઓક્શન કર્યું. અમે રિફોર્મની પ્રક્રિયાને જારી રાખી. જેમ કે કાયદેસર લાઈસન્સનું કોઈ ચાર્જ વગર ટ્રાન્સફર 50 ટકા પ્રોબિશસના ઓપન માર્કેટમાં સેલ્ફ વેચાણ. ઝડપી ઓપરેશનલાઈઝેશન પર 50 ટકા રિબેટ. છેલ્લા એક વર્ષમાં માઈનિંગ રેવન્યુ લગભગ 14 હજાર કરોડ રૂપિયાથી વધીને લગભગ 35 હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ઓક્શનમાંથી જેટલી પણ રેવન્યુ થઈ તે રાજ્ય સરકારોને મળે છે. આ નિર્ણય કર્યો છે સૌથી મોટી વાત છે. આ સુધારા જે લાગુ થયા છે તેનાથી રાજ્યનું પણ ભલું થયું છે અને રાજ્યનું ભલું થાય તેમાં દેશનું ભલું પણ છે. કોઓપરેટિવ ફેડરાલિઝમનો આટલો મોટો મહત્વનો નિર્ણય અને ઓડિશા આ રિફોર્મને લાગું કરવામાં અગ્રણી રાજ્ય રહ્યું છે. હું ઓડિશાના મુખ્યમંત્રીજીને અભિનંદન પાઠવું છું કે તેમની સરકારે તમામ રિફોર્મ્સ ખભેથી ખભો મિલાવીને કામ કર્યું છે.

આદરણીય સભાપતિજી,

અહીં તે ચર્ચા પણ થઈ કે અમે ઈતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણી વખત કહેવામાં આવે છે. બહાર પણ બોલવામાં આવે છે અને કેટલાક લોકો લખે છે. હું જોઈ રહ્યો છું કે કોંગ્રેસ એક પ્રકારે અર્બન નક્સલની જાળમાં ફસાઈ ગઈ છે. તેની વિચારવાની સમગ્ર રીતો પર અર્બન નક્સલોએ કબજો કરી લીધો છે. તેથી તેમના તમામ વિચાર ગતિવિધિ ડિસ્ટ્રક્ટિવ બની ગઈ છે. આ દેશ માટે ચિંતાનો વિષય છે. ગંભીરતાપૂર્વક વિચારવું પડશે. અર્બન નક્સલે ઘણી ચાલાકીપૂર્વક કોંગ્રસની નબળાઈનો ફાયદો ઉઠાવીને તેના મન પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે. તેના વિચાર પ્રવાહ પર કબજો કરી લીધો છે અને તેથી તેઓ વારંવાર બોલી રહ્યા છે કે ઈતિહાસ બદલાઈ રહ્યો છે.

આદરણીય સભાપતિજી,

અમે તો ફક્ત લોકોની યાદશક્તિ સારી કરવા ઈચ્છીએ છીએ. થોડો મેમરી પાવર વધારવા ઈચ્છીએ છીએ. અમે કોઈ ઈતિહાસ બદલી રહ્યા નથી. કેટલાક લોકોનો ઈતિહાસ થોડા વર્ષોથી શરૂ થાય છે. અમે જરા તેને પહેલા લઈ જઈ રહ્યા છીએ અને કંઈ કરી રહ્યા નથી. જો તેમને 50 વર્ષના ઈતિહાસમાં મજા આવે છે તો તેમને 100 વર્ષ સુધી લઈ જઈ રહ્યા છીએ. કોઈને 100 વર્ષ સુધી મજા આવે છે તો તેને અમે 200 વર્ષના ઈતિહાસમાં લઈ જઈ રહ્યા છીએ. કોઈને 200 વર્ષમાં મજા આવે છે તો 300 વર્ષ લઈ જઈએ છીએ. હવે જો 300-350 વર્ષ લઈ જઈશું તો છત્રપતિ શિવાજીનું નામ આવશે ને આવશે. અમે તો તેમની મેમરીને સતેજ કરી રહ્યા છીએ. અમે ઈતિહાસ બદલી રહ્યા નથી. કેટલાક લોકોનો ઈતિહાસ ફક્ત એક પરિવાર સુધી મર્યાદિત છે તો તેનું શું કરીએ. ઈતિહાસ તો ઘણો મોટો છે, ઘણા બધા પાસા છે. ભલે ઉતાર-ચઢાવ છે. અમે તો ઈતિહાસના દીર્ઘકાલીન કાળખંડને યાદ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કેમ કે ગૌરવપૂર્ણ ઈતિહાસને ભૂલાવી દેવો આ દેશના ભવિષ્ય માટે યોગ્ય નથી. અમે આને અમારી જવાબદારી સમજીએ છીએ. આ જ ઈતિહાસથી બોધપાઠ લેતા અમારે આગામી 25 વર્ષમાં દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો એક વિશ્વાસ ઊભો કરવો છે. હું સમજું છું આ અમૃત કાળખંડ હવે આનાથી જ આગળ વધવાનો છે. આ અમૃત કાળખંડમાં આપણી દીકરીઓ, આપણા યુવાનો, આપણા ખેડૂતો, આપણા ગામડા, આપણા દલિત, આપણા આદિવાસી, સમાજના પ્રત્યેક વર્ગનું યોગદાન હોય. તેમની પણ ભાગીદારી હોય. તેમને લઈને આપણે આગળ વધીએ. ક્યારેક-ક્યારેક આપણે 1857ના સ્વતંત્રતા સંગ્રામ તરફ જોઈશું. આપણા આદિવાસી વિસ્તારોમાં 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં જે યોગદાન આપ્યું છે તે આપણને વાંચવા મળતું નથી. આટલા મહાન સુવર્ણ પાનાઓને આપણે કેવી રીતે ભૂલી શકીએ છીએ. અને અમે આ બધી વાતોને યાદ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે દેશ આત્મવિશ્વાસથી ભરેલો હોય. દેશ આગળ વધે.

આદરણીય સભાપતિજી,

મહિલાઓનું સશક્તીકરણ પણ અમારા માટે પ્રાથમિકતા છે. ભારત જેવો દેશ 50 ટકા વસ્તી અમારી વિકાસ યાત્રાના જે સૌના પ્રયાસનો વિષય છે. તે તમામના પ્રયાસમાં સૌથી મોટી ભાગીદારી આપણી માતા-બહેનોની છે. દેશની 50 ટકા વસ્તી અને તેથી ભારતના સમાજની વિશેષતા છે પરંપરાઓમાં સુધારો કરે છે. બદલાવ પણ કરે છે. આ જીવંત સમાજ છે. પ્રત્યેક યુગમાં એવા મહાપુરૂષ નીકળે છે જે આપણી ખરાબ રૂઢિઓથી સમાજને મુક્ત કરાવવાનો પ્રયાસ કરે છે. આજે આપણે જાણીએ છીએ મહિલાઓના સંબંધમાં પણ ભારતમાં કોઈ આ જ ચિંતન થવાનું નથી, પહેલાથી આપણે ત્યાં ચિંતન થઈ રહ્યું છે. તેમના સશક્તીકરણને અમે પ્રાથમિકતા આપી રહ્યા છીએ. જો અમે મેટરનિટી લીવ વધારી તો એક પ્રકારે મહિલાઓના સશક્તીકરણનો અને પરિવારના સશક્તીકરણનો અમારો પ્રયાસ છે અને અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. બેટી બચાવો-બેટી પઢાઓ, આજે તેનું પરિણામ છે કે જેન્ડર રેશિયોમાં જે આપણે ત્યાં અસંતુલન હતું તેમાં આપણે ઘણી સારી સ્થિતિમાં પહોંચી ગયા છીએ. જે રિપોર્ટ્સ આવી રહ્યા છે તેમાં આજે આપણે કેટલીક જગ્યાએ તો આપણે ત્યાં પુરૂષો કરતા માતા-બહેનોની સંખ્યા વધી રહી છે. આ એક મોટા આનંદનો વિષય છે, મોટા ગર્વનો વિષય છે. આપણે જે ખરાબ દિવસો જોયા હતા તેમાંથી આપણે બહાર આવ્યા છીએ અને તેથી આપણે પ્રયાસ કરવો જોઈએ.

આજે એન.સી.સીમાં આપણી દીકરીઓ છે. સેનામાં આપણી દીકરીઓ છે, વાયુ સેનામાં દીકરીઓ છે. આપણી નૌસેનામાં આપણી દીકરીઓ છે. ત્રણ તલાકની ક્રુરપ્રથાને અમે ખતમ કરી. હું જ્યાં જાઉ છું ત્યાં માતાઓ-બહેનોના આશીર્વાદ મળે છે કેમ કે ત્રણ તલાકની પ્રથા જ્યારે ખતમ થાય છે ત્યારે ફક્ત દીકરીઓને ન્યાય મળે છે, એવું નથી. તે પિતાને પણ ન્યાય મળે છે, તે ભાઈને પણ ન્યાય મળે છે જેમની દીકરી ત્રણ તલાકના કારણે ઘરે આવે છે. જેની બહેન ત્રણ તલાકના કારણે ઘરે આવે છે. તેથી આ સમગ્ર સમાજના કલ્યાણ માટે છે. આ ફક્ત મહિલાઓ માટે છે અને પુરૂષો વિરુદ્ધ છે એવું નથી. આ મુસ્લિમ પુરૂષ માટે પણ તેટલું જ ઉપયોગી છે. આ મુસ્લિમ પુરૂષ માટે પણ એટલું જ ઉપયોગી છે કેમ કે તે પણ કોઈ દીકરીનો બાપ છે, તે પણ કોઈ દીકરીનો ભાઈ છે અને તેથી આ તેમનું પણ ભલું કરે છે, તેમને પણ સુરક્ષા આપે છે. તેથી કેટલાક કારણોથી લોકો બોલી શકે કે ન બોલી શકે પરંતુ આ વાતથી તમામ લોકો એક ગર્વનો આનંદ કરે છે.
કાશ્મીરમાં અમે 370ની કલમને હટાવી, ત્યાંની માતા-બહેનોને સશક્ત બનાવી. તેમને જે અધિકાર ન હતા તે અધિકાર અમે અપાવ્યા છે અને તે અધિકારોના કારણે આજે તેમની તાકાત વધી છે. આજે તેમના લગ્નની ઉંમરમાં શું કારણ છે કે આજના યુગમાં મેલ અને ફીમેલ વચ્ચે અંતર હોવું જોઈએ. શું જરૂર છે દીકરો-દીકરી એક સમાન છે તો પ્રત્યેક જગ્યાએ હોવું જોઈએ અને તેથી દીકરા-દીકરીના લગ્નની ઉંમર સમાન હોય તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આજે થોડા સમયમાં આ સદન પણ તેના વિષયમાં યોગ્ય નિર્ણય કરીને આપણી માતા-બહેનોના કલ્યાણ માટે કામ કરશે.

આદરણીય સભાપતિજી,

આ વર્ષ ગોવાના 60 વર્ષના એક મહત્વના કાળખંડનું વર્ષ છે. ગોવા મુક્તિને 60 વર્ષ થઈ ઘયા છે. હું આજે જરા તે ચિત્રને કહેવા ઈચ્છું છું. અમારા કોંગ્રેસના મિત્રો જ્યાં પણ હશે તે જરૂરથી સાંભળતા હશે. ગોવાના લોકો મારી વાતને જરૂરથી સાંભળતા હશે. જો સરદાર સાહેબ જે પ્રકારથી સરદાર પટેલે હૈદરાબાદ માટે રણનીતિ બનાવી અને પહેલ કરી. જે પ્રકારે સરદાર પટેલે જુનાગઢ માટે રણનીતિ બનાવી. પગલાં ભર્યા. જો સરદાર સાહેબની પ્રેરણા લઈને ગોવા માટે પણ તેવી રણનીતિ બનાવી હોત તો ગોવાને ભારતની આઝાદી બાદ 15 વર્ષ સુધી ગુલામીમાં રહેવું પડ્યું ન હોત. ભારતની આઝાદીના 15 વર્ષ બાદ ગોવા આઝાદ થયું અને તે સમયના 60 વર્ષ પહેલાના અખબાર તે જમાનાના મીડિયા રિપોર્ટ દેખાડે છે કે ત્યારના વડાપ્રધાનની આંતરરાષ્ટ્રીય છબિનું શું થશે. આ તેમની સૌથી મોટી ચિંતાનો વિષય હતો, પંડિત નેહરૂને. દુનિયામાં મારી છબિ બગડી જશે તો અને તેથી તેમને લાગતું હતું કે ગોવાની ઓપનિવેશિક સરકાર પર આક્રમણ કરવાની તેમની જે એક વૈશ્વિક લીડરની શાંતિપ્રિય નેતાની છબિ છે તે ચકનાચૂર થઈ જશે. ગોવાનું જે થાય છે તે થવા દો. ગોવાને જે સહન કરવું પડે તે કરવા દો. મારી છબિને કોઈ નુકસાન ન થાય અને તેથી જ્યાં સત્યાગ્રહીઓ પર ગોળીઓ ચાલી રહી હતી. વિદેશી શાસન ગોળીઓ ચલાવી રહ્યા હતા. હિન્દુસ્તાનનો ભાગ, હિન્દુસ્તાનના જ મારા ભાઈ-બહેનો પર ગોળીઓ ચાલાવવામાં આવી રહી હતી. ત્યારે આપણે દેશના વડાપ્રધાન કહી રહ્યા હતા કે હું સેના નહીં આપું. હું સેના નહીં મોકલું. સત્યાગ્રહીઓની મદદ કરવાની તેમણે ના પાડી દીધી હતી. આ ગોવા સાથે કોંગ્રેસે કરેલો જુલમ છે. ગોવાને 15 વર્ષ વધું ગુલામીની સાંકળોમાં બાંધી રાખવામાં આવ્યું અને ગોવાને તેના વીરપુત્રોનું બલિદાન આપવું પડ્યું. લાકડીઓ અને ગોળીઓનો સામનો કરવો પડ્યો. આવી સ્થિતિ ઊભી કરી હતી.

નેહરૂજીએ, 15 ઓગસ્ટ 1955ના રોજ લાલ કિલ્લા પરથી જે કહ્યું હતું તે હું ક્વોટ કરવા ઈચ્છું છું. સારું હોત કોંગ્રેસના મિત્રો અહીં હોત તો નેહરૂજીનું નામ સાંભળીને તેમનો દિવસ તો સારો જાત. તેથી તેમની તરસ છીપાવવા માટે હું આજ-કાલ વારંવાર નેહરૂજીને પણ યાદ કરું છું. નેહરુજીએ લાલ કિલ્લા પરથી જે કહ્યું હતું કે હું ક્વોટ કરવા ઈચ્છું છું, કોઈ ભ્રમમાં ન રહે, ભાષા જુઓ. કોઈ ભ્રમમાં ન રહે કે આપણે ત્યાં સૈન્ય કાર્યવાહી કરીશું. કોઈ સૈન્ય ગોવાની આજુબાજુ નથી. અંદરના લોકો ઈચ્છે છે કે શોર-બકોર કરીને આવી પરિસ્થિતિ ઊભી કરે કે આપણે સૈન્ય મોકલવા માટે મજબૂર થઈ જઈએ. અમે સૈન્ય નહીં મોકલીએ, તમામ લોકો આ વાત સમજી લે કે અમે તેનો શાંતિથી ઉકેલ લાવીશું.

આ હુંકાર 15 ઓગસ્ટે ગોવાવાસીઓની આકાંક્ષાઓ વિરુદ્ધ કોંગ્રેસના નેતાનું નિવદન છે. પંડિત નેહરૂ જીએ આગળ કહ્યું હતું કે, જે લોકો ત્યાં જઈ રહ્યા છે. લોહિયા જી સહિત તમામ લોકો ત્યાં સત્યાગ્રહ કરી રહ્યા હતા, આંદોલન કરી રહ્યા હતા. દેશના સત્યાગ્રહી જઈ રહ્યા હતા. આપણે જગનનાથ રાજ જોશી કર્ણાટકના તેમના નેતૃત્વમાં સત્યાગ્રહ થઈ રહ્યા હતા. પંડિત નેહરૂજીએ શું કહ્યું? જે લોકો ત્યાં જઈ રહ્યા છે તેમને ત્યાં જવું મુબારક છે, જૂઓ મજાક જૂઓ. દેશની પોતાની આઝાદી માટે લડી રહેલા મારા દેશવાસીઓ માટે શું ભાષાનો કેટલો અહંકાર છે. જે લોકો ત્યાં જઈ રહ્યા છે તેમને ત્યાં જવાનું મુબારક છે. પરંતુ તે પણ યાદ રાખો કે પોતાને સત્યાગ્રહી કહે છે તો સત્યાગ્રહના સિદ્ધાંતો અને રસ્તાઓ પણ યાદ રાખે. સત્યાગ્રહીના પાછળ સૈન્ય જઈ શકે નહીં અને ના તો સૈન્યનો અવાજ હોય છે. મારા જ દેશના નાગરિકોને અસહાય છોડી દેવામાં આવ્યા હતા. આ ગોવા સાથે કરવામાં આવ્યું. ગોવાની જનતા કોંગ્રેસના આ વલણને ભલૂ શકે નહીં.

આદરણીય સભાપતિજી,

અમને અહીં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન પર પણ મોટું ભાષણ આપવામાં આવ્યા અને અવારનવાર અમને સમજાવવામાં આવે છે. હું આજે એક ઘટના કહેવા ઈચ્છું છું અને આ ઘટના પણ ગોવાના એક સપૂતની ઘટના છે. ગોવાના એક સન્માનનીય, ગોવાની ધરતીના એક પુત્રની કથા છે. અભિવ્યક્તિના સંબંધમાં શું થતું હતું, કેવી રીતે થતું હતું, આ ઉદાહરણ હું આપવા ઈચ્છું છું. વ્યક્તિ સ્વતંત્રતાની વાત કરનારા લોકોનો ઈતિહાસ આજે હું ખોલી રહ્યો છું. શું કર્યું છે. લતા મંગેશકરજીના નિધનથી આજે સમગ્ર દેશ દુઃખી છે. દેશને સૌથી મોટી ખોટ પડી છે. પરંતુ લતા મંગેશકરજીનો પરિવાર ગોવાનો છે. પરંતુ તેમના પરિવાર સાથે કેવું વર્તન કરવામાં આવ્યું. આ પણ દેશને જાણવું જોઈએ. લતા મંગેશકરજીના નાના ભાઈ પંડિત હ્રદયનાથ મંગેશકરજી.

ગોવાનું ગૌરવપૂર્ણ સંતાન, ગોવાની ધરતીનો પુત્ર. તેમને ઓલ ઈન્ડિયા રેડિયોથી હાંકી કાઢવામાં આવ્યા. તેઓ ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરતા હતા અને તેમનો ગુનો શું હતો ? તેમનો ગુનો એ હતો કે તેમણે વીર સાવરકરની એક દેશભક્તિ ભરેલી કવિતાની ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસ્તુતિ આપી હતી. હવે જૂઓ હ્રદયનાથજીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, તેમનો આ ઈન્ટરવ્યુ ઉપલબ્ધ છે. તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ સાવરકરજીને મળ્યા કે હું તમારું ગીત ગાવા ઈચ્છું છું તો સાવરકરજીએ કહ્યું હતું શું તમે જેલમાં જવા ઈચ્છો છો? મારી કવિતાનું પઠન કરીને જેલ જવા ઈચ્છો છો? તો હ્રદયનાથજીએ તેની દેશભક્તિ ભરેલી કવિતા, તેને સંગીતબદ્ધ કરી. આઠ દિવસની અંદર તેમને ઓલ ઈન્ડિયા રેડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતાની તમારી ખોટી વાતો દેશ સામે તમે જ મૂકી છે. કોંગ્રેસી સરકારો દરમિયાન કેવા પ્રકારના જુલમ થયા હતા. આ ફક્ત ગોવાના પુત્ર હ્રદયનાથ મંગેશકરજીની જ વાત નથી. આ યાદી ઘણી લાંબી છે.

મજરૂહ સુલ્તાનપુરીજીને પંડિત નેહરૂની ટીકા કરવા માટે એક વર્ષ જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. નેહરૂજીના વલણની ટીકા કરવા માટે પ્રોફેસર ધર્મપાલજીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. પ્રસિદ્ધ સંગીતકાર કિશોર કુમાર જીને ઈમર્જન્સીમાં ઈન્દિરાજી સામે ન નમવાના કારણે ઈમર્જન્સીના પક્ષમાં ન બોલવાના કારણે તેમને પણ હાંકી કાઢવામાં આવ્યા હતા. આપણે બધા જાણીએ છીએ કે એક ખાસ પરિવાર વિરુદ્ધ જો કોઈ થોડો અવાજ પણ ઉઠાવે છે, થોડી પણ આંખ ઊંચી કરે છે તો શું થાય છે? સીતારામ કેસરીને આપણે સારી રીતે જાણીએ છીએ. તેમની સાથે શું થયું હતું તે આપણને ખબર છે.

આદરણીય સભાપતિજી,

મારી ગૃહના સભ્યોને પ્રાર્થના છે કે ભારતના ઉજ્જવળ ભવિષ્ય પર વિશ્વાસ રાખે. 130 કરોડ દેશવાસીઓના સામર્થ્ય પર આપણે વિશ્વાસ કરીએ. આપણે મોટા લક્ષ્યને આ સામર્થ્યના આધારે દેશને નવી ઊંચાઈ પર લઈ જવા માટે આપણે કૃતસંકલ્પી બનીએ.

આદરણીય સભાપતિજી,

આપણે મારું, તારું, પોતાનું, પારકું આ પરંપરાને ખતમ કરવી પડશે. અને એક મત સાથે, એક ભાવથી, એક લક્ષ્યાંક એક સાથે ચાલવું તે જ દેશ માટે સૌથી મોટી માગ છે. એક સ્વર્ણિમ કાળ છે સમગ્ર વિશ્વ ભારત તરફ એક મોટી આશાથી, મહાન ગર્વથી નિહાળે છે. આવા સમયે આપણે તક ગુમાવવી જોઇએ નહીં. દેશવાસીઓના કલ્યાણ માટે આથી મોટો અવસર આવવાનો નથી. આ તક છે જેને આપણે ઝડપી લઈએ આ 25 વર્ષની યાત્રા આપણને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. આપણા દેશ માટે, આપણી પરંપરા માટે આપણે ગૌરવ કરીએ અને સભાપતિજી આપણે ઉંચા વિશ્વાસ સાથે સાથે સાથે મળીને ચાલીશું. અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. સમ ગચ્છધ્વં સમ વદધ્વમ સં વો મનાંસિ જાનતામ. એટલે કે આપણે સાથે ચાલીએ, સાથે ચર્ચા કરીએ, સાથે મળીને તમામ કાર્યો કરીએ આ જ આહ્વાન સાથે હું રાષ્ટ્રપતિજીના અભિભાષણનું અનુમોદન કરું છે. તેમને આભાર વ્યક્ત કરું છું. અને તમામ આદરણીય સદસ્યો જેમણે સહવાહ કર્યું, વિચારો પ્રગટ કર્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1796813) Visitor Counter : 473