પ્રધાનમંત્રીનું કાર્યાલય

હૈદરાબાદ, તેલંગણામાં આઇસીઆરઆઈએસએટીની 50મી વર્ષગાંઠની ઉજવણીના પ્રારંભે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 05 FEB 2022 6:26PM by PIB Ahmedabad

તેલંગણાના રાજ્યપાલ ડૉક્ટર તમિલસાઇ સૌંદરરાજન, કેન્દ્રીય મંત્રી પરિષદન મારા સહયોગી નરેન્દ્ર સિંહ તોમરજી, જી. કૃષ્ણ રેડ્ડી જી, ઇક્રિસેટ (ICRISAT)ના ડાયરેક્ટર જનરલ, અને ઓનલાઇન માધ્યમથી દેશ વિદેશથી અને ખાસ કરીને આફ્રિકી દેશોથી જોડાયેલા મહાનુભાવો, અહીં ઉપસ્થિત દેવીઓ અને સજ્જનો.

આજે વસંત પંચમીનું પાવન પર્વ છે. આજે આપણે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરીએ છીએ આમ સૌ જે ક્ષેત્રમાં છો તેનો આધાર જ્ઞાન વિજ્ઞાન, ઇનોવેશન અને ઇન્વેન્શન જ છે અને તેથી જ વસંત પંચમીના દિવસે આ આયોજનનું એક વિશેષ મહત્વ બની જાય છે. આપ સૌને  સુવર્ણ જંયતીની ઉજવણીની ખૂબ ખૂબ શુભેચ્છા.

સાથીઓ,
50 વર્ષ એક ઘણો મોટો સમય હોય છે. અને આ 50 વર્ષની યાત્રામાં જ્યારે જ્યારે જેમણે જેમણે જે જે યોગદાન આપ્યું છે તે તમામ અભિનંદનના હકદાર છે. આ કાર્યને આગળ ધપાવવા માટે જે જે લોકોએ પ્રયાસ કર્યો છે હું એ તમામનું પણ આજે અભિવદન કરું છું. એ પણ અદભૂત સંયોગ છે કે આજે ભારત જ્યારે પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે તમારી સંસ્થા 50 વર્ષના મહત્વના પડાવ પર છે. જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે તમે 75 વર્ષના પડાવ પર હશો. જેવી રીતે ભારતે આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યંક ઘડી કાઢ્યા છે, તેની ઉપર કાર્ય કરવાની શરૂઆત કરી દીધી છે તેવી જ રીતે આગામી 25 વર્ષ ઇક્રિસેટ માટે પણ એટલા જ મહત્વના છે.

સાથીઓ,
તમારી પાસે પાંચ દાયકાનો અનુભવ છે. આ પાંચ દાયકામાં તમે ભારત સહિત દુનિયાના એક મોટા હિસ્સાના કૃષિ ક્ષેત્રમાં મદદ કરી છે. તમારા સંશોધન, તમારી ટેકનોલોજીએ કપરી પરિસ્થિતિઓમાં ખેતીને આસાન અને ટકાઉ બનાવી છે. હમણા જ મેં જે ટેકનોલોજી ડિસ્પ્લે નિહાળ્યું તેમાં ઇક્રિસેટના પ્રયાસોની સફળતા જોવા મળે છે. પાણી અને માટીનું મેનેજમેન્ટ હોય, ક્રોપ વેરાઇટી અને ઉત્પાદનની પ્રક્રિયામાં સુધારો હોય, ઓન ફાર્મ ડાયવર્સિટીમાં વૃદ્ધિ હોય, લાઇવસ્ટોક ઇન્ટિગ્રેશન હોય, વધુ ખેડૂતોને બજાર સાથે સાંકળવાના હોય આ સુચારુ વલણ ચોક્કસપણે કૃષિને ટકાઉ બનાવવામાં મદદ કરે છે. તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં દાળ અને ખાસ કરીને ચીક-પીને લઇને આ ક્ષેત્રમાં જે વિકાસ થયો છે તેમાં તમારું યોગદાન મહત્વનું રહ્યું છે. ખેડૂતો સાથે ઇક્રિસેટનું  આ જ સહિયારું વલણ ખેતીને વધુ મજબૂત કરશે, વધુ સમૃદ્ધ કરશે.

આજે ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ ફેસિલિટી ઓન પ્લાન્ટ પ્રોટેક્શન અને રેપિડ જનરેશન એડવાન્સમેન્ટ ફેસિલિટીના રૂપમાં નવી સવલતોનું ઉદઘાટન થયું છે. આ સંશોધન સવલતો ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવામાં ખેતી જગતને ખૂબ મદદ કરશે. અને તમને ખબર હશે, બદલાતી આબોહવામાં આપણી કૃષિ પ્રક્રિયામાં કેવા પરિવર્તન લાવવા જોઇએ, એવી જ રીતે ભારતે એક અત્યંત મોટી પહેલ કરી છે કે આબોહવા પરિવર્તનને કારણે જ પરિસ્થિતિ પેદા થઈ છે કુદરતી હોનારત આવે છે તેમાં માનવ મૃત્યુની ચર્ચા તો સામે આવે જ છે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ નુકસાન થાય છે તે સમગ્ર વ્યવસ્થાને હચમચાવી નાખે છે. અને તેથી જ ભારત સરકારે ક્લાઇમેટ સામે રક્ષણ ધરાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, તેની ઉપર ચિંતન-મનન અને યોજનાઓ બનાવવા માટે વૈશ્વિક સ્તરની સંસ્થાને જન્મ આપ્યો છે. આજે આવું જ એક કાર્ય આ કૃષિ ક્ષેત્ર માટે થઈ રહ્યું છે. આપ સૌ અભિનંદનના હકદાર છો.

સાથીઓ,
આબોહવા પરિવર્તન આમ તો દુનિયાની તમામ વસતિને અસર કરે છે પરંતુ તેનાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા લોકો હોય છે જેઓ સમાજના છેલ્લા પગથિયા પર હોય છે. જેમની પાસે સંસાધનોની ઉણપ છે, જેઓ વિકાસની સીડી પર ઉપર ચડવા માટેથી  મહેનત કરી રહ્યા છે. તેમાં મોટી સંખ્યામાં આપણા નાના ખેડૂતો છે. અને ભારતમાં 80 થી 85 ટકા નાના ખેડૂતો છે. આપણા નાન ખેડૂતો માટે આબોહવા પરિવર્તનની વાત મોટું સંકટ બની જાય છે. તેથી જ ભારતે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે  સમગ્ર વિશ્વને આ મામલે વિશેષ ધ્યાન આપવાનો આગ્રહ કર્યો છે. ભારતે 2070 સુધી નેટ ઝીરોનો લક્ષ્યાંક રાખ્યો છે. આપણે
LIFE-Life Mission-Lifestyle for Environment આ લાઇફ મિશનની જરૂરિયાતને પણ હાઇલાઇટ કરી છે. આવી જ  રીતે પ્રો પ્લેનેટ પિપલ એક એવી ઝુંબેશ છે જે આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે દરેક સમાજ, દરેક વ્યક્તિને આબોહવા જવાબદારી સાથે સાંકળે છે. આ માત્ર વાતો પૂરતી મર્યાદિત નથી પરંતુ ભારત સરકારના પગલાંઓમાં પણ તે પ્રતિબિંબિત થાય છે. તાજેતરના વર્ષોના પ્રયાસોને આગળ ધપાવતાં આ વર્ષના બજેટમાં ક્લાઇમેટ એક્શનને ઘણી વધારે પ્રાથમિકતા આપવામાં આવી છે. આ બજેટ તમામ સ્તર પર, તમામ ક્ષેત્રમાં ગ્રીન ફ્યુચરના ભારતના વચનબદ્ધતાને પ્રોત્સાહિત કરનારું છે.

સાથીઓ
આબોહવા તથા અન્ય પરિબળોને કારણે ભારતની કૃષિની સામે જે પડકારો છે તેનો સામનો કરવા માટે ભારતના પ્રયાસો અંગે આપ તમામ નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, ટેકનિશિયન્સ સારી રીતે પરિચિત છો. તમારામાંથી મોટા ભાગના લોકો એ પણ જાણે છે કે ભારતમાં 15 એગ્રો-ક્લાઇમેટ ઝોન છે. આપણે ત્યાં વસંત, ગ્રીષ્મ, ચોમાસું, શરદ, હેમંત અને શિશિર એમ છ ઋતુ હોય છે. એટલે કે આપણી પાસે ખેતી સાથે સંકળાયેલો ખૂબ વિવિધતાથી ભરેલો પ્રાચીન અનુભવ છે. આ અનુભવનો લાભ વિશ્વના અન્ય દેશોને મળે, તેના માટે ઇક્રિસેટ જેવી સંસ્થાએ પણ પોતાના પ્રયાસો વધારવા પડશે.

આજે આપણે દેશના અંદાજે 170 જિલ્લાઓમાં દુકાળ રહિતનો ઉકેલ આપી રહ્યા છીએ. આબોહવા પરિવર્તનના પડકારથી આપણાં ખેડૂંતોને બચાવવા માટે આપણું ધ્યાન બેક ટુ બેઝિક અને માર્ચ ટૂ ફયૂચર છે. આ બંને ફયુઝન (એકીકરણ) પર છે. આપણું ફોક્સ દેશના એવા 80 ટકાથી વધારે નાના ખેડૂતો પર છે, જેમને આપણી સૌથી વધારે જરૂરિયાત છે. આ બજેટમાં પણ તમે જોયું હશે કે નૈસર્ગિક ખેતી અને ડિજિટલ ખેતી પર અભૂતપૂર્વ જોર આપવામાં આવ્યું છે. એક તરફ આપણે મિલેટ્સ-મોટા અનાજનો વિસ્તાર વધારવા પર ફોક્સ કરી રહ્યાં છીએ, કેમિકલ મુક્ત ખેતી પર ભાર આપી રહ્યા છીએ તો બીજી તરફ સોલર પમ્પથી લઇને કિસાન ડ્રોન્સ સુધી ખેતીમાં આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપીએ છીએ. આઝાદીનો અમૃતકાળ એટલે કે આગામી 25 વર્ષ માટે ખેતીનો વિકાસ માટે આપણાં વિઝનનો આ ખૂબ જ મહત્વનો હિસ્સો છે.

સાથીઓ,
બદલાતા ભારતનો એક મહત્વપૂર્ણ પક્ષ છે- ડિજિટલ ખેતી. આ આપણું ભવિષ્ય છે અને તેમાં ભારતના પ્રતિભાવંત યુવાનો ખૂબ જ સારું કામ કરી શકે તેમ છે. ડિજિટલ ટેકનોલોજીથી કેવી રીતે આપણે ખેડૂતોને સશક્ત કરી શકીએ, તેના માટે ભારતમાં સતત પ્રયાસો વધી રહ્યાં છે. ક્રોપ એસેસેમેન્ટ હોય, લેન્ડ રેકોર્ડસનું ડિજિટલાઇઝેશન હોય,. ડ્રોનના માધ્યમથી insecticides અને nutrients નો છંટકાવ હોય, આવી અનેક સેવામાં ટેકનોલોજીનો ઉપયોગ, કૃત્રિમ ઇન્ટેલીજેન્સનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. ખેડૂતોને સસ્તી અને હાઇટેક સર્વિસ આપવા માટે, એગ્રિકલ્ચરલ રિસર્ચ સાથે સંકળાયેલી ઇકોસિસ્ટમ અને પ્રાયવેટ એગ્રી ટેક પ્લેયર્સ સાથે મળીને કામ થઇ રહ્યું છે. સિંચાઇના અભાવવાળા વિસ્તારોમાં ખેડૂતોને સારા બીજ, વધુ પેદાશ - (ઉપજ), પાણીના મેનેજમેન્ટને લઇને ICAR અને ઇક્રિસેટની ભાગીદારી સફળ રહી છે. આ સફળતાને ડિજિટલ ખેતીમાં પણ વિસ્તાર આપી શકાય તેમ છે.

સાથીઓ,
આઝાદીના અમૃતકાળમાં આપણે ઉચ્ચ ખેતી વિકાસ પર ફોક્સની સાથે સમાવેશી વિકાસને પણ પ્રાથમિકતા આપી રહ્યાં છીએ. તમે સૌ જાણો છો કે ખેતીના ક્ષેત્રમાં પણ મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વનું છે. તેમને તમામ પ્રકારની મદદ આપવા માટે સ્વયં સહાયતા સમૂહોના માધ્યમથી પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેતીમાં દેશની એક મોટી વસતિને ગરીબીમાંથી બહાર કાઢીને વધુ સારી લાઇફ સ્ટાઇલ (જીવનશૈલી) તરફ લઇ જવા માટેની સંભાવના છે. આ અમૃતકાળ, ખરાબ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ખેતી કરતાં ખેડૂતોને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે નવા માધ્યમને ઉપલબ્ધ કરાવશે. આપણે જોયું છે કે સિંચાઇના અભાવ-અછતથી દેશનો એક મોટો ભાગ હરિયાળી ક્રાંતિનો હિસ્સો બની શકયો નથી. હવે અમે બેવડી રણનીતિ પર કામ કરી રહ્યાં છીએ. એક તરફ જળ સંરક્ષણના માધ્યમથી નદીઓને જોડીને, એક મોટા વિસ્તારને સિંચાઈના દાયરામાં લાવી રહ્યા છીએ, અને હમણાં જયારે હું શરૂઆતમાં અહીંના સારા કાર્યો અને સિદ્ધિઓને જોઇ રહ્યો હતો, તો તેમાં બુંદેલખંડમાં કેવી રીતે પાણીના પ્રબંધન (સંચાલન)ને અને Per Drop More Crop’ ના મિશનને સફળ કરવામાં કેવી રીતે સફળતાં મળી છે, તેનું વિસ્તારથી વર્ણન મારી સામે વૈજ્ઞાનિકો કરી રહ્યાં હતા. ત્યારે જ બીજી તરફ આપણે ઓછી સિંચાઇવાળા વિસ્તારોમાં જળ ઉપયોગ ક્ષમતા વધારવા માટે માઇક્રો સિંચાઈ પર ભાર આપી રહ્યાં છીએ. જે પેદાશોને પાણીની ઓછી જરૂરિયાત હોય અને જે પાણીની અછતથી પ્રભાવિત થતી નથી તેમાં પણ આધુનિક વિવિધતાના વિકાસથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે જે નેશનલ મિશન અમે શરૂ કર્યું છે તે પણ અમારા નવા અભિગમને પુરવાર કરે છે. આવનારા પાંચ વર્ષોમાં આપણું લક્ષ્ય પામ ઓઇલ ક્ષેત્રમાં સાડા છ લાખ હેક્ટરની વૃધ્ધિ કરવાનું છે. તેના માટે ભારત સરકાર ખેડૂતોને દરેક સ્તર પર મદદ કરી રહી છે. તેલંગણા અને આંધ્ર પ્રદેશના ખેડૂતો માટે પણ આ મિશન ખૂબ જ લાભકારી સાબિત થશે. મને કહેવામાં આવ્યું છે કે, તેલંગણાના ખેડૂતોએ પામ ઓઇલના પ્લાન્ટેશનથી જોડાયેલા બહુ મોટા લક્ષ્ય રાખ્યાં છે તેમને સહકાર આપવા માટે કેન્દ્ર સરકાર જરૂર હોય તે તમામ સહાયતા આપશે.

સાથીઓ,
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂત કરવામાં આવ્યું છે. હાલના વર્ષોમાં જ 35 મિલિયન ટનની કોલ્ડ ચેન સ્ટોરેજ ક્ષમતા તૈયાર કરવામાં આવી છે. સરકારે જે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ બનાવ્યું હતું, તેને કારણે પણ પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ થયો છે. આજે ભારતમાં આપણે ઇપીઓ અને એગ્રીકલ્ચર વેલ્યુ ચેનના નિર્માણ પર પણ વધુ ફોક્સ કરી રહ્યા છીએ. દેશના નાના ખેડૂતોને હજારો એફપીઓમાં સંગઠિત કરીને આપણે તેમને એક જાગૃત અને મોટો માર્કેટ ફોર્સ બનાવવા ઇચ્છીએ છીએ.

સાથીઓ,
ભારતમાં સેમી ઇરિડ (શુષ્ક) ક્ષેત્રોમાં કામ કરવા માટે ઇક્રિસેટની પાસે એક બહોળો અનુભવ છે. આ માટે સેમી ઇરિડ વિસ્તારો માટે આપણે મળીને, ખેડૂતોને  સાંકળીને ટકાઉ અને વૈવિધ્યસભર ઉત્પાદન પદ્ધતિનું નિર્માણ કરવું પડશે. આપણાં અનુભવોને ઇસ્ટ અને સાઉથ આફ્રિકાના દેશો સાથે વહેંચવા માટે એક્સચેન્જ પ્રોગ્રામ પણ શરૂ કરી શકાય તેમ છે. આપણું લક્ષ્ય માત્ર અનાજનું ઉતપ્દાન વધારવું એ જ નથી. આજે ભારત પાસે સરપ્લસ ફૂડગ્રેન છે, જેની તાકાતથી આપણે વિશ્વમાં આવડો મોટો food security program ચલાવી રહ્યા છીએ. હવે આપણે અનાજ સુરક્ષાની સાથે સાથે પોષણ સુરક્ષા પર પણ ફોક્સ કરી રહ્યા છીએ. આજ વિઝન (દ્રષ્ટિ) સાથે છેલ્લા સાત વર્ષમાં આપણે અનેક બાયો ફોર્ટિફાઇડ જાતોનો વિકાસ કર્યો છે. હવે આપણી ખેતીને વૈવિધ્યતાસભર બનાવવા માટે, આપણાં દુકાળ પ્રભાવિત ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવા માટે, બીમારીઓ અને જીવાણુથી વધારે સુરક્ષા આપનારી રિજિલિયન્ટ વૈરાઇટીસ પર વધુમાં વધુ કામ કરવાનું છે.

સાથીઓ,
ઇક્રિસેટ, ICAR અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સાથે મળીને એક વધુ પહેલ પર કામ કરી શકીએ છીએ, આ ક્ષેત્ર છે બાયોફ્યૂલનું. તમે તો જુવાર પર કામ કરી રહ્યા છો  તમે એવા બીજ તૈયાર કરી શકો છો જેનાથી દુકાળથી અસરગ્રસ્ત ક્ષેત્રો અને ઓછી જમીન ધરાવતાં ખેડૂતો વધારે બાયોફયુલ આપનારો પાક ઉગાવી શકે. બીજોની પ્રભાવી ડિલિવરી કેવી રીતે થાય, તેની ઉપર વિશ્વાસ કેવી રીતે પેદા થાય, તેને લઇને પણ મળીને બધાએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત છે.

સાથીઓ,
મને વિશ્વાસ છે કે તમારા જેવા ઇનોવેટિવ માઇન્ડ્સની મદદથી, જન ભાગીદારીથી અને સમાજની પ્રતિબદ્ધતાથી આપણે ખેતી સાથે સંકળાયેલા દરેક પડકારો સામે વિજય મેળવી શકીશું. ભારત અને દુનિયાના ખેડૂતોના જીવનને વધુ બહેતર બનાવવા માટે તમે વધુ સક્ષમ છો, સારામાં સારા ટેકનિકલ ઉકેલ આપતાં રહો. આ જ ભાવનાથી સાથે એક વાર ફરીથી ઇક્રિસેટને આ મહત્વપૂર્ણ પડાવ પર, તેના ભવ્ય ભૂતકાળને અભિનંદન કરતાં, ઉજ્જવળ ભવિષ્યની કામના કરીને, દેશના ખેડૂતોની આન-બાન-શાનના રૂપમાં તમારો આ પુરુષાર્થ કામ આવે, તે માટે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.

ધન્યવાદ.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1795943) Visitor Counter : 246