રાષ્ટ્રપતિ સચિવાલય
73મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ
Posted On:
25 JAN 2022 7:27PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 25 જાન્યુઆરી, 2022
પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
(1) 73મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ, દેશ અને વિદેશમાં રહેતા આપ સૌ ભારતના લોકોને મારા હાર્દિક અભિનંદન! આપણને સૌને એક સૂત્રમાં બાંધતી ભારતીયતાના ગૌરવનો આ ઉત્સવ છે. વર્ષ 1950માં આજના જ દિવસે, આપણા સૌની આ ગૌરવશાળી ઓળખને ઔપચારિક સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. તે દિવસે ભારત, વિશ્વના સૌથી મોટા પ્રજાસત્તાક રૂપે સ્થાપિત થયું અને આપણે, ભારતના લોકોએ, એક એવું બંધારણ અમલમાં મૂક્યું, કે જે આપણી સામૂહિક ચેતનાનો જીવંત દસ્તાવેજ છે. આપણા વૈવિધ્યપૂર્ણ અને સફળ લોકતંત્રની પ્રશંસા, સમગ્ર દુનિયામાં કરવામાં આવે છે.
દર વર્ષે પ્રજાસત્તાક દિન પર, આપણે આપણા ગતિશીલ લોકતંત્ર અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉત્સવ ઊજવીએ છીએ. મહામારીના કારણે આ વર્ષે ઉત્સવમાં ધૂમધામ ભલે થોડી ઓછી હોય, પરંતુ આપણી ભાવના હંમેશની જેમ સશક્ત છે.
(2) પ્રજાસત્તાક પર્વનો આ દિવસ એ મહાનાયકોને યાદ કરવાનો પણ અવસર છે, જેમણે સ્વરાજના સપનાને સાકાર કરવા માટે બેજોડ સાહસનો પરિચય આપ્યો, અને એ માટે દેશવાસીઓમાં સંઘર્ષ કરવાનો ઉત્સાહ જગાડ્યો. બે દિવસ પહેલાં 23 જાન્યુઆરીએ આપણે સૌ દેશવાસીઓએ, ‘જય હિંદ’નો ઉદ્ઘોષ કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી , તેમનું પુણ્ય સ્મરણ કર્યું છે. સ્વાધીનતા માટેની તેમની લગની અને ભારતને ગૌરવશાળી બનાવવાની તેમની મહત્ત્વાકાંક્ષા, આપણા સૌને માટે પ્રેરણાસ્ત્રોત છે.
(3) આપણે અત્યંત ભાગ્યશાળી છીએ કે આપણું બંધારણ ઘડનારી સભામાં, તે સમયની સર્વશ્રેષ્ઠ વિભૂતિઓનું પ્રતિનિધિત્વ હતું. તે લોકો આપણા મહાન સ્વાધીનતા સંગ્રામના મહત્ત્વના ધ્વજવાહકો હતા. લાંબા સમયકાળ બાદ, ભારતની રાષ્ટ્રીય ચેતનાનું પુનર્જાગરણ થઈ રહ્યું હતું. આ રીતે, એ અસાધારણ મહિલાઓ અને પુરુષો, એક નવી જાગૃતિના અગ્રદૂતની ભૂમિકા નિભાવી રહ્યા હતા. તેમણે બંધારણના પ્રારૂપના દરેક ફકરા, વાક્ય અને શબ્દ પર, સામાન્ય જનમાનસના હિતમાં વિસ્તૃત ચર્ચા કરી. એ વિચાર-મંથન લગભગ ત્રણ વર્ષ ચાલ્યું. અંતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે પ્રારૂપ સમિતિના અધ્યક્ષની રૂએ, બંધારણને આધિકારિક સ્વરૂપ પ્રદાન કર્યું, અને એ આપણો આધારભૂત ગ્રંથ બની ગયો.
(4) જોકે આપણા બંધારણનું કલેવર વિસ્તૃત છે, કારણ કે તેમાં રાજ્યના કામકાજની વ્યવસ્થાનું પણ વર્ણન છે.
પરંતુ બંધારણની સંક્ષિપ્ત પ્રસ્તાવનામાં લોકતંત્ર, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના માર્ગદર્શક સિદ્ધાંતોનો, સારગર્ભિત રૂપે ઉલ્લેખ છે. એ આદર્શોમાં એ ઠોસ આધારશિલાનું નિર્માણ થયેલું છે, જેના પર આપણું ભવ્ય ગણતંત્ર મજબૂતીથી ઊભું છે. આ જ જીવનમૂલ્યોમાં આપણો સામૂહિક વારસો પણ પરિલક્ષિત થાય છે.
(5) આ જીવનમૂલ્યોને, મૂળ અધિકારો અને નાગરિકોના મૂળ કર્તવ્યો રૂપે, આપણા બંધારણ દ્વારા પાયાનું મહત્ત્વ આપવામાં આવ્યું છે. અધિકાર અને કર્તવ્ય એક જ સિક્કાની બે બાજુ છે. બંધારણમાં ઉલ્લેખ કરાયેલા મૂળ કર્તવ્યોનું નાગરિકો દ્વારા પાલન કરવાથી, મૂળ અધિકારો માટે યોગ્ય વાતાવરણ બને છે. આહ્વાન કરવામાં આવતાં, રાષ્ટ્રની સેવા કરવાના મૂળ કર્તવ્યને નિભાવીને આપણા કરોડો દેશવાસીઓએ સ્વચ્છતા અભિયાનથી લઈને કોવિડ રસીકરણ અભિયાનને, જનઆંદોલનનું રૂપ આપ્યું છે. આવાં અભિયાનોની સફળતાનો મોટો શ્રેય, આપણા કર્તવ્ય-પરાયણ નાગરિકોને જાય છે. મને વિશ્વાસ છે કે આપણા દેશવાસીઓ આવી જ કર્તવ્યનિષ્ઠા સાથે, રાષ્ટ્રહિતનાં અભિયાનોને પોતાની સક્રિય ભાગીદારીથી મજબૂત બનાવતા રહેશે.
(6) પ્રિય દેશવાસીઓ, ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના દિવસે બંધારણ સભા દ્વારા અંગીકૃત, અધિનિયમિત અને આત્માર્પિત કરવામાં આવ્યું. તે દિવસને આપણે બંધારણ દિવસ રૂપે ઊજવીએ છીએ. તેના બે મહિના પછી 26 જાન્યુઆરી, 1950થી, આપણું બંધારણ પૂર્ણરૂપે અમલી બન્યું. આવું જ, વર્ષ 1930ના એ દિવસને યાદગાર બનાવવા માટે કરવામાં આવ્યું હતું, જે દિવસે ભારતવાસીઓએ સંપૂર્ણ આઝાદી હાંસલ કરવાનો સંકલ્પ લીધો હતો.
વર્ષ 1930થી 1947 સુધી, દર વર્ષે 26 જાન્યુઆરીને ‘પૂર્ણ સ્વરાજ દિવસ’ તરીકે ઊજવવામાં આવતો હતો, અને તેથી એવું નક્કી કરવામાં આવ્યું, કે એ જ દિવસથી બંધારણને પૂર્ણપણે અમલી બનાવવામાં આવે.
(7) વર્ષ 1930માં, મહાત્મા ગાંધીએ દેશવાસીઓને ‘પૂર્ણ સ્વરાજ દિવસ’ ઊજવવાની રીત સમજાવી હતી. તેમણે કહ્યું હતું –
‘‘.... કારણ કે આપણે આપણા ધ્યેયને અહિંસાત્મક અને સાચા ઉપાયોથી જ પ્રાપ્ત કરવા માગીએ છીએ, અને આ કામ આપણે કેવળ આત્મ-શુદ્ધિ દ્વારા જ કરી શકીએ છીએ, તેથી આપણે એ દિવસે આપણો પૂરો સમય યથાશક્તિ કોઈ રચનાત્મક કાર્ય કરવામાં વિતાવવો જોઇએ.’’
(8) યથાશક્તિ રચનાત્મક કાર્ય કરવાનો ગાંધીજીનો આ ઉપદેશ સદૈવ પ્રાસંગિક રહેશે. તેમની ઈચ્છા અનુસાર, પ્રજાસત્તાક દિવસનો ઉત્સવ ઊજવવાના દિવસે અને ત્યાર પછી પણ, આપણા સૌના વિચાર અને કાર્યોમાં રચનાત્મકતા હોવી જોઈએ. ગાંધીજી ઈચ્છતા હતા કે આપણે આપણી અંદર દ્રષ્ટિ કરીએ, આત્મ-નિરીક્ષણ કરીએ, અને બહેતર માનવી બનવાનો પ્રયાસ કરીએ, અને ત્યારપછી બહાર પણ જોઇએ, લોકોને સહયોગ આપીએ અને એક બહેતર ભારત તથા બહેતર વિશ્વના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ.
(9) પ્રિય દેશવાસીઓ, માનવસમુદાયને એકબીજાની મદદની આટલી જરૂર ક્યારેય નહોતી પડી જેટલી આજે છે. હવે બે વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ માનવતાનો કોરોના વાયરસ વિરુદ્ધ સંઘર્ષ હજુ પણ જારી છે. આ મહામારીમાં હજારો લોકોને જીવ ગુમાવવો પડ્યો છે.
સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર આઘાત થયો છે. વિશ્વ સમુદાયને અભૂતપૂર્વ આપત્તિનો સામનો કરવો પડ્યો છે. નીતનવા રૂપે આ વાયરસ નવાં સંકટો પ્રસ્તુત કરતો રહ્યો છે. આ સ્થિતિ, માનવ જાતિ માટે એક અસાધારણ પડકાર બની રહી છે.
(10) મહામારીનો સામનો કરવો, ભારતમાં અપેક્ષા મુજબ વધુ કઠિન થવાનો જ હતો. આપણા દેશમાં વસ્તીની ગીચતા ઘણી વધુ છે, અને વિકાસશીલ અર્થવ્યવસ્થા હોવાને કારણે, આપણી પાસે આ અદ્રશ્ય શત્રુ સામે લડવા માટે યોગ્ય સ્તર પર પાયાનું માળખું, તથા જરૂરી સંસાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતા. પરંતુ આવા કપરા સમયમાં જ કોઈ રાષ્ટ્રની સંઘર્ષ કરવાની ક્ષમતા નિખરે છે. મને એ કહેતાં ગર્વ અનુભવાય છે, કે આપણે કોરોના વાયરસ વિરુદ્ધ અસાધારણ દ્રઢ સંકલ્પ અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.
પહેલા વર્ષ દરમ્યાન જ, આપણે આરોગ્ય સેવાના પાયાના માળખાને વિસ્તૃત અને મજબૂત બનાવ્યું, તથા બીજા દેશોને મદદ માટે પણ આગળ વધ્યા. બીજા વર્ષ સુધીમાં આપણે સ્વદેશી રસી વિકસિત કરી લીધી, અને વિશ્વ ઇતિહાસમાં સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરી દીધું. આ અભિયાન તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આપણે અનેક દેશોને વેક્સિન અને સારવાર સંબંધિત અન્ય સુવિધાઓ પ્રદાન કરી છે. ભારતના આ યોગદાનની વૈશ્વિક સંગઠનોએ પ્રશંસા કરી છે.
(11) દુર્ભાગ્યપણે, સંકટની સ્થિતિઓ આવતી રહી છે, કારણ કે વાયરસ પોતાના બદલાતા સ્વરૂપે પાછો ફરતો રહ્યો છે. અગણિત પરિવારો, ભયાનક આપત્તિના કાળમાંથી પસાર થયા છે. આપણી સામૂહિક પીડાને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. પરંતુ એકમાત્ર સાંત્વના એ વાતની છે કે ઘણા બધા લોકોના જીવ બચાવી શકાયા છે.
મહામારીનો પ્રભાવ હજુ પણ વ્યાપક સ્તરે રહેલો છે, તેથી આપણે સતર્ક રહેવું જોઈએ અને પોતાના બચાવમાં જરા સરખી પણ ઢીલાશ વર્તવી ન જોઇએ. આપણે અત્યાર સુધી જે સાવધાનીઓ રાખી છે, તેને જારી રાખવાની છે. માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, એ કોવિડ-અનુરૂપ વ્યવહારના અનિવાર્ય અંગ રહ્યાં છે. કોવિડ મહામારી વિરુધ્ધની લડાઈમાં, વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો દ્વારા જણાવવામાં આવેલી સાવધાનીઓનું પાલન કરવું, આજે પ્રત્યેક દેશવાસીનો રાષ્ટ્રધર્મ બની ગયો છે. આ રાષ્ટ્રધર્મ આપણે ત્યાં સુધી નિભવવાનો જ છે, જ્યાં સુધી આ સંકટ દૂર ન થઈ જાય.
(12) સંકટની આ ઘડીમાં આપણે એ જોયું છે કે કેવી રીતે આપણે સૌ દેશવાસીઓ એક પરિવારની જેમ એકબીજા સાથે જોડાયેલા છીએ. સોશ્યલ ડિસ્ટન્સિંગના કપરા સમયગાળામાં આપણે સૌએ એકબીજા સાથે નિકટતાનો અનુભવ કર્યો છે. આપણે અનુભવ્યું છે કે આપણે એકબીજા પર કેટલા નિર્ભર છીએ. કઠિન પરિસ્થિતિઓમાં લાંબા સમય સુધી કામ કરીને, ત્યાં સુધી કે દર્દીઓની સારસંભાળ માટે પોતાનો જીવ જોખમમાં નાખીને પણ, ડોક્ટરો, નર્સો અને પેરામેડિક્સે માનવતાની સેવા કરી છે. ઘણા બધા લોકોએ દેશમાં ગતિવિધિઓ સુચારુ રૂપે જારી રાખવા માટે એ સુનિશ્ચિત કર્યું છે, કે અનિવાર્ય સુવિધાઓ ઉપલબ્ધ રહે અને સપ્લાય-ચેઇનમાં અવરોધ ઊભો ન થાય. કેન્દ્ર અને રાજ્ય સ્તર પર જનસેવકો, નીતિ-નિર્માતાઓ, પ્રશાસકો અને અન્ય લોકોએ સમયાનુસાર પગલાં લીધાં છે.
(13) આ પ્રયાસાનો બળ પર, આપણી અર્થવ્યવસ્થાએ ફરી ગતિ પકડી લીધી છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભારતની દ્રઢતાનું આ પ્રમાણ છે કે ગયા વર્ષે આર્થિક વિકાસમાં થયેલા ઘટાડા બાદ, આ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થા પ્રભાવશાળી દરથી આગળ વધવાનું અનુમાન છે. આ બાબત ગયા વર્ષે શરૂ કરવામાં આવેલા આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા પણ સૂચવે છે. બધાં આર્થિક ક્ષેત્રોમાં સુધારો લાવવા અને જરૂરિયાત પ્રમાણે સહાયતા આપવાના ઉદ્દેશથી સરકાર નિરંતર સક્રિય રહી છે. આ પ્રભાવશાળી આર્થિક પ્રદર્શનની પાછળ કૃષિ અને મેન્યુફેક્ચરિંગનાં ક્ષેત્રોમાં થઈ રહેલા બદલાવોનું મહત્ત્વનું યોગદાન છે. મને એ જાણીને પ્રસન્નતા થઈ છે કે આપણા ખેડૂતો, ખાસ કરીને નાની ખેતી ધરાવતા યુવા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને ઉત્સાહપૂર્વક અપનાવી રહ્યા છે.
(14) લોકોને રોજગાર આપવામાં તથા અર્થવ્યવસ્થાને ગતિ પ્રદાન કરવામાં નાના અને મધ્યમ ઉદ્યમોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
આપણા ઇનોવેટિવ યુવા ઉદ્યમીઓએ સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમનો અસરકારક ઉપયોગ કરીને સફળતાનાં નવાં કીર્તિમાન સ્થાપિત કર્યાં છે. આપણા દેશમાં વિકસિત, વિશાળ અને સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની સફળતાનું એક ઉદાહરણ એ છે, કે દર મહિને કરોડોની સંખ્યામાં ડિજિટલ ટ્રાંઝેક્શન કરવામાં આવી રહ્યા છે.
(15) જન-સંસાધનનો લાભ લેવા એટલે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ પ્રાપ્ત કરવા માટે, આપણા પારંપારિક જીવનમૂલ્યો અને આધુનિક કૌશલ્યના આદર્શ સંગમથી યુક્ત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા, સરકારે યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ કરાવ્યું છે. મને એ જાણીને પ્રસન્નતા થઈ રહી છે કે વિશ્વમાં સૌથી ઉપરની 50 ‘ઇનોવેટિવ ઇકોનોમીઝ’માં ભારત પોતાનું સ્થાન બનાવી ચૂક્યું છે.
આ સિદ્ધિ વધુ સંતોષજનક એટલા માટે છે, કે આપણે વ્યાપક સમાવેશ પર ભાર આપવાની સાથે યોગ્યતાને પ્રોત્સાહન આપવામાં સક્ષમ છીએ.
(16) બહેનો અને ભાઈઓ, ગયા વર્ષે ઓલિમ્પિક રમતોમાં આપણા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. એ યુવા વિજેતાઓનો આત્મવિશ્વાસ આજે લાખો દેશવાસીઓને પ્રેરિત કરી રહ્યો છે.
(17) હાલના મહિનાઓમાં, આપણા દેશવાસીઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિબદ્ધતા અને કર્મઠતા વડે, રાષ્ટ્ર અને સમાજની મજબૂતી આપતા અનેક ઉલ્લેખનીય ઉદાહરણો મને જોવા મળી રહ્યા છે. તેમાંથી હું માત્ર બે ઉદાહરણોનો ઉલ્લેખ કરીશ. ભારતીય નૌકાદળ અને કોચિન શિપયાર્ડ લિમિટેડની સમર્પિત ટીમોએ, સ્વદેશી અને અત્યાધુનિક વિમાનવાહક જહાજ ‘આઈ.એ.સી. - વિક્રાંત’નું નિર્માણ કર્યું છે, જેને આપણા નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. આવી આધુનિક સૈન્ય ક્ષમતાના બળ પર, હવે ભારતની ગણના વિશ્વના પ્રમુખ નૌકાદળ-શક્તિ-સંપન્ન દેશોમાં કરવામાં આવે છે. સંરક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસર હોવાનું આ એક પ્રભાવશાળી ઉદાહરણ છે. આનાથી અલગ, એક વિશેષ અનુભવ મને બહુ હ્રદય-સ્પર્શી લાગ્યો. હરિયાણાના ભિવાની જિલ્લાના સુઈ નામના ગામમાં, તે ગામમાંથી નીકળેલા અમુક પ્રબુદ્ધ નાગરિકોએ સંવેદનશીલતા અને કર્મઠતાનો પરિચય આપતાં, ‘સ્વ-પ્રેરિત આદર્શ ગ્રામ યોજના’ અંતર્ગત પોતાના ગામનો કાયાકલ્પ કરી નાખ્યો છે. પોતાના ગામ એટલે કે પોતાની માતૃભૂમિ પ્રત્યે લગાવ અને કૃતજ્ઞતાનું આ એક અનુકરણીય ઉદાહરણ છે. કૃતજ્ઞ લોકોના હ્રદયમાં પોતાની જન્મભૂમિ પ્રત્યે આજીવન મમતા અને શ્રદ્ધા જળવાઈ રહે છે. આવા ઉદાહરણથી મારો એ વિશ્વાસ દ્રઢ થાય છે, કે એક નવું ભારત ઊભરી રહ્યું છે – સશક્ત ભારત અને સંવેદનશીલ ભારત. મને વિશ્વાસ છે કે આ ઉદાહરણથી પ્રેરણા મેળવીને, અન્ય સક્ષમ દેશવાસીઓ પણ પોતપોતાના ગામ અને નગરના વિકાસ માટે યોગદાન આપશે.
(18) આ સંદર્ભમાં આપ સૌ દેશવાસીઓ સાથે હું મારા એક વ્યક્તિગત અનુભવની વાત કરવા માગું છું. મને ગયા વર્ષે જૂન મહિનામાં, કાનપુર દેહાત જિલ્લામાં આવેલી મારી જન્મભૂમિ અર્થાત્ મારા ગામ પરૌંખ જવાનું સૌભાગ્ય મળ્યું હતું. ત્યાં પહોંચ્યા પછી મારી અંદર એની જાતે જ, મારા ગામની માટી માથા પર લગાડવાની ભાવના જાગી ઊઠી. કારણ કે મારી માન્યતા છે કે મારા ગામની ધરતીના આશીર્વાદના બળ પર જ હું રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી શક્યો છું. હું વિશ્વમાં જ્યાં પણ જાઉં છું, મારું ગામ અને મારું ભારત મારા હ્રદયમાં વિદ્યમાન રહે છે. ભારતના જે લોકો પોતાના પરિશ્રમ અને પ્રતિભાથી જીવનની દોડમાં આગળ નીકળી શક્યા છે, તેમને મારો અનુરોધ છે કે પોતાનાં મૂળિયાંને, પોતાના ગામ-કસ્બા-શહેરને અને પોતાની માટીને હંમેશાં યાદ રાખો. સાથે જ, આપ સૌ પોતાના જન્મસ્થળ અને દેશની જે પણ સેવા કરી શકતા હો, એ અવશ્ય કરજો. ભારતની તમામ સફળ વ્યક્તિઓ જો પોતપોતાના જન્મસ્થળના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરે, તો સ્થાનિક વિકાસના આધાર પર આખો દેશ વિકસિત થઈ જશે.
(19) પ્રિય દેશવાસીઓ, આજે આપણા સૈનિકો અને સુરક્ષા કર્મીઓ, દેશાભિમાનના વારસાને આગળ ધપાવી રહ્યા છે. હિમાલયની અસહ્ય ઠંડીમાં અને રેગિસ્તાનની ભીષણ ગરમીમાં પોતાના પરિવારથી દૂર, તેઓ માતૃભૂમિની રક્ષા કાજે તત્પર રહે છે. આપણાં સશસ્ત્ર દળો અને પોલીસકર્મીઓ, દેશની સરહદોની રક્ષા કરવા અને આંતરિક વ્યવસ્થા જાળવવા રાત-દિવસ સાવધ રહે છે, જેથી અન્ય તમામ દેશવાસીઓ આરામની ઊંઘ પામી શકે. જ્યારે પણ કોઈ વીર સૈનિક શહીદ થાય છે, ત્યારે સમગ્ર દેશ શોક-સંતપ્ત થઈ જાય છે. ગયા મહિને એક દુર્ઘટનામાં દેશના સૌથી બહાદુર કમાંડરોમાંના એક – જનરલ બિપિન રાવત – તેમનાં ધર્મપત્ની તથા અનેક વીર યોદ્ધાઓને આપણે ગુમાવી દીધા. આ દુર્ઘટનાથી બધા દેશવાસીઓને ઊંડું દુઃખ થયું.
(20) બહેનો અને ભાઈઓ, દેશપ્રેમની ભાવના દેશવાસીઓની કર્તવ્યનિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે. આપ ડોક્ટર હો કે વકીલ, દુકાનદાર હો કે ઓફિસ-વર્કર, સફાઈ-કર્મચારી હો કે શ્રમિક, પોતાના કર્તવ્યનું નિર્વહન, નિષ્ઠા અને કુશળતાપૂર્વક કરવું, એ દેશ પ્રત્યે આપનું પ્રાથમિક અને સૌથી મહત્ત્વનું યોગદાન છે.
(21) સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રૂપે, મને એ ઉલ્લેખ કરતાં પ્રસન્નતા થઈ રહી છે કે આ વર્ષ સશસ્ત્ર દળોમાં મહિલા સશક્તિકરણની દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વનું રહ્યું છે. આપણી દીકરીઓએ પરંપરાગત સીમાઓને પાર કરી છે, અને હવે નવાં ક્ષેત્રોમાં મહિલા અધિકારીઓ માટે સ્થાયી કમિશનની સુવિધાનો આરંભ થઈ ચુક્યો છે. સાથે જ, સૈનિક સ્કૂલો અને સુપ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી મહિલાઓનો આવવાનો માર્ગ પ્રશસ્ત થવાથી, સેનાઓની ટેલેન્ટ પાઇપલાઇન તો સમૃદ્ધ થશે જ, પરંતુ આપણા સશસ્ત્ર દળોને બહેતર જેન્ડર બેલેન્સનો લાભ પણ મળશે.
(22) મને વિશ્વાસ છે કે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે ભારત આજે બહેતર સ્થિતિમાં છે. 21મી સદીને જળવાયુ પરિવર્તનના યુગ રૂપે જોવામાં આવી રહી છે અને ભારતે અક્ષય ઊર્જા માટે પોતાના સાહસિક અને મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો સાથે, વિશ્વ મંચ પર નેતૃત્વની સ્થિતિ ઊભી કરી છે. વ્યક્તિગત રૂપે, આપણામાંથી દરેક વ્યક્તિ ગાંધીજીની સલાહને અનુરૂપ, પોતાની આસપાસના પરિવેશને સુધારવામાં પોતાનું યોગદાન આપી શકે છે. ભારતે હંમેશાં સમસ્ત વિશ્વને એક પરિવાર જ ગણ્યો છે. મને વિશ્વાસ છે કે વિશ્વ બંધુત્વની આ જ ભાવના સાથે, આપણો દેશ અને સમગ્ર વિશ્વ સમુદાય, વધુ સમરસ અને સમૃદ્ધ ભવિષ્ય તરફ આગળ વધશે.
(23) પ્રિય દેશવાસીઓ, આ વર્ષે જ્યારે આપણા દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થશે, ત્યારે આપણે આપણા રાષ્ટ્રીય ઇતિહાસનો એક મહત્ત્વનો પડાવ પાર કરીશું. આ અવસરને આપણે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ રૂપે ઊજવી રહ્યાં છીએ.
મને એ જાણીને આનંદ થઈ રહ્યો છે કે મોટા પાયા પર આપણા દેશવાસીઓ, ખાસ કરીને આપણા યુવાનો, આ ઐતિહાસિક આયોજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ ન માત્ર આવનારી પેઢી માટે, પરંતુ આપણા સૌના માટે, આપણા અતીત સાથે પુનઃ સંધાન કરવાનો એક શાનદાર અવસર છે. આપણો સ્વતંત્રતા સંગ્રામ, આપણી ગૌરવશાળી ઐતિહાસિક યાત્રાનો એક પ્રેરક અધ્યાય હતો. સ્વાધીનતાનું આ પંચોતેરમું વર્ષ, એ જીવન-મૂલ્યોને પુનઃ જાગૃત કરવાનો સમય છે, જેનાથી આપણા મહાન રાષ્ટ્રીય આંદોલનને પ્રેરણા મળી હતી. આપણી સ્વાધીનતા માટે અનેક વીરાંગનાઓ અને સપૂતોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. સ્વાધીનતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના રાષ્ટ્રીય પર્વો ન જાણે કેટલીય કઠોર યાતનાઓ અને બલિદાનો બાદ નસીબ થયા છે.
આવો, પ્રજાસત્તાક દિવસના અવસર પર આપણે સૌ શ્રધ્ધાપૂર્વક એ અમર બલિદાનીઓનું પણ સ્મરણ કરીએ.
(24) આપણી સભ્યતા પ્રાચીન છે, પરંતુ આપણું આ પ્રજાસત્તાક નવીન છે. રાષ્ટ્ર નિર્માણ આપણા માટે નિરંતર ચાલતું એક અભિયાન છે. જે રીતે એક પરિવારમાં હોય છે, એ જ રીતે એક રાષ્ટ્રમાં પણ હોય છે, કે એક પેઢી આવનારી પેઢીનું બહેતર ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે આકરી મહેનત કરે છે. જ્યારે આપણે આઝાદી હાંસલ કરી હતી, તે સમય સુધી ઉપનિવેશી શાસનના શોષણે આપણને ઘોર ગરીબીની સ્થિતિમાં મૂકી દીધા હતા. પરંતુ તે પછીના 75 વર્ષોમાં આપણે પ્રભાવશાળી પ્રગતિ કરી છે. હવે યુવા પેઢીના સ્વાગતમાં અવસરોના નવાં દ્વાર ખુલી રહ્યાં છે. આપણા યુવાનોએ આ અવસરોનો લાભ લઈને સફળતાનાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે.
મને વિશ્વાસ છે, કે આ જ ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉદ્યમશીલતા સાથે, આપણો દેશ પ્રગતિ પથ પર આગળ વધતો રહેશે અને પોતાની ક્ષમતાઓને અનુરૂપ, વિશ્વ સમુદાયમાં પોતાનું અગ્રણી સ્થાન અવશ્ય પ્રાપ્ત કરશે.
(25) હું આપ સૌને ફરી એક વાર પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
ધન્યવાદ,
જય હિંદ.
SD/GP/JD
(Release ID: 1792599)
Visitor Counter : 603
Read this release in:
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada