પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મણિપુરના ઈમ્ફાલમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું
“જે ઉત્તરપૂર્વને નેતાજીએ ભારતની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર કહ્યું હતું એ ઉત્તરપૂર્વ નૂતન ભારતનાં સપનાં પૂરાં કરવાનું પ્રવેશદ્વાર બની રહ્યું છે”
“ઉત્તર પૂર્વમાં સંભાવનાઓને સાકાર કરવા અમે કાર્ય કરી રહ્યા છીએ”
“આજે દેશના યુવાનો મણિપુરના ખેલાડીઓ પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે”
“નાકાબંધી-પ્રગતિમાં અવરોધવાળા રાજ્યમાંથી મણિપુર આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપતું રાજ્ય બન્યું છે”
“આપણે મણિપુરમાં સ્થિરતા પણ જાળવવાની છે અને મણિપુરને વિકાસની નવી ઊંચાઇઓએ લઈ જવાનું છે. માત્ર ડબલ એન્જિનની સરકાર જ આ કાર્ય કરી શકે છે”
Posted On:
04 JAN 2022 3:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના ઈમ્ફાલ ખાતે આશરે ₹ 1850 કરોડની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે ₹ 2950 કરોડની 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેય જળ પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સંબંધી છે.
પ્રધાનમંત્રીએ ₹ 1700 કરોડથી વધુના ખર્ચે બંધાનારા પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગોનાં નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે ₹ 75 કરોડના ખર્ચે બરાક નદી પર બંધાયેલા રાષ્ટ્રીય રાજમાર્ગ-37 પર સ્ટીલના બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેતુ સિલ્ચર અને ઇમ્ફાલ વચ્ચેના ટ્રાફિકને હળવો કરશે. તેમણે આશરે ₹ 1100 કરોડના ખર્ચે બંધાયેલા 2387 મોબાઇલ ટાવર્સ પણ મણિપુરની જનતાને સમર્પિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ₹ 280 કરોડની થાઉબલ બહુહેતુક પરિયોજનાની જળ વિતરણ પ્રણાલિ- જે ઇમ્ફાલ શહેરને પીવાનાં પાણીનો પુરવઠો પૂરો પાડશે; તમેંગ્લોગ જિલ્લાની દસ વસાહતોનાં રહીશોને સલામત પીવાનું પાણી પૂરું પાડવા ₹ 65 કરોડના ખર્ચે નિર્મિત જળ પુરવઠા યોજના પરિયોજના અને આ વિસ્તારના રહીશોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવા ₹ 51 કરોડના ખર્ચે નિર્મિત ‘સેનાપતિ જિલ્લા જળ પુરવઠા યોજના વધારવી’ એનું ઉદઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ઇમ્ફાલમાં પીપીપી ધોરણે આશરે ₹ 160 કરોડના ખર્ચે બંધાનારી ‘અત્યાધુનિક કેન્સર હૉસ્પિટલ’નું પણ ભૂમિપૂજન કર્યું હતું. તેમણે કિયામગેઈ ખાતે ‘200 બૅડ્સની કોવિડ હૉસ્પિટલ’નું ઉદઘાટન પર્યું હતું જે ડીઆરડીઓ સાથે સહયોગમાં આશરે ₹ 37 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. ‘ઇમ્ફાલ સ્માર્ટ સિટી મિશન’ હેઠળ, ₹ 170 કરોડથી વધુના ખર્ચે વિકસાવાયેલ ત્રણ પરિયોજનાઓનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું જેમાં ‘ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (આઇસીસીસી)’, ઇમ્ફાલ નદી પર પશ્ચિમી રિવરફ્રન્ટનો વિકાસ (પહેલો તબક્કો)’ અને ‘થંગલ બજાર ખાતે મૉલ રોડનો વિકાસ (તબક્કો પહેલો)’ નો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ રાજ્યમાં આશરે ₹ 200 કરોડના ખર્ચે બંધાનારા ‘સેન્ટર ફોર ઇન્વેશન, ઈનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગ (સીઆઇઆઇઆઇટી)નો પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે હરિયાણાના ગુડગાંવ ખાતે ₹ 240 કરોડથી વધુના ખર્ચે બંધાનારા મણિપુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સનાં નિર્માણ માટેનો પણ શિલાન્યાસ કર્યો હતો.
સમારોહને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હવેથી થોડા દિવસોમાં, 21મી જાન્યુઆરીએ મણિપુરને રાજ્યનો દરજ્જો મળ્યાને 50મી વર્ષગાંઠ છે. આ હકીકત, આઝાદીનાં 75 વર્ષોના અમૃત મહોત્સવના અવસરની સાથે પોતાનામાં જ એક બહુ મોટી પ્રેરણા છે.
મણિપુરનાં લોકોની વીરતાને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશનાં લોકોમાં સ્વતંત્રતામાં વિશ્વાસ અહીં મોઇરાંગની ધરતી પરથી શરૂ થયો હતો, જ્યાં નેતાજી સુભાષની સેનાએ પહેલી વાર રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. જે ઉત્તર પૂર્વને નેતાજીએ ભારતની આઝાદીનું પ્રવેશદ્વાર કહ્યું હતું એ ઉત્તર પૂર્વ નૂતન ભારતનાં સપનાંને સાકાર કરવાનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. તેમણે પોતાના એ વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો હતો કે ભારતના પૂર્વી અને ઉત્તરપૂર્વીય ભાગો ભારતની પ્રગતિના સ્ત્રોત બનશે અને એ આજે પ્રદેશની વૃદ્ધિમાં દ્રષ્ટિમાન થાય છે.
આજે જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવામાં આવ્યું એ યોજનાઓ માટે પ્રધાનમંત્રીએ મણિપુરનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે સંપૂર્ણ બહુમતી અને સંપૂર્ણ પ્રભાવ સાથે ચાલતી એક સ્થિર સરકારની રચના માટે મણિપુરનાં લોકોનો આભાર માન્યો હતો. તેમણે ભાર મૂક્યો હતો કે આ સ્થિરતા અને મણિપુરનાં લોકોની પસંદનાં કારણે જ છ લાખ ખેડૂત પરિવારોને કિસાન સન્માન નિધિ હેઠળ સેંકડો કરોડો રૂપિયા મળવા; પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ 6 લાખ ગરીબ પરિવારોને લાભો મળવા; પીએમએવાય હેઠળ 80 હજાર ઘરો; આયુષ્માન યોજના હેઠળ 4.25 લાખ દર્દીઓની મફત તબીબી સારવાર; 1.5 લાખ મફત ગેસ જોડાણો; 1.3 લાખ મફત વીજળીનાં જોડાણો; 30 હજાર શૌચાલયો; 30 લાખથી વધુ મફત રસીના ડૉઝીસ અને રાજ્યના દરેક જિલ્લામાં ઑક્સિજન પ્લાન્ટ્સ જેવી સિદ્ધિઓ વાસ્તવિકતા બની શકી.
પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી બન્યા એ પહેલાં પણ ઘણી વાર મણિપુર આવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ મણિપુરનાં લોકોનાં દર્દને સમજે છે, “અને એટલે જ, 2014 બાદ હું દિલ્હી-ભારત સરકારને આપનાં દ્વારે લઈ આવ્યો.” દરેક અધિકારી અને પ્રધાનને પ્રદેશની મુલાકાત લેવા કહેવાયું અને લોકોની એમની સ્થાનિક જરૂરિયાતો મુજબ સેવા કરવા કહેવાયું. “તમે જોઇ શકો છો કે મંત્રી પરિષદમાં આ પ્રદેશથી પાંચ મહત્વનાં ચહેરા મુખ્ય ખાતાઓ સાથે છે” એમ પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સાત વર્ષોમાં સરકારનો કઠોર પરિશ્રમ સમગ્ર ઉત્તર પૂર્વ અને ખાસ કરીને મણિપુરમાં દ્રષ્ટિગોચર થાય છે. આજે મણિપુર પરિવર્તનના નવા વર્ક કલ્ચરનું પ્રતીક બની રહ્યું છે. આ ફેરફારો મણિપુરની સંસ્કૃતિ અને એમની સંભાળ માટે છે. આ પરિવર્તનમાં કનેક્ટિવિટી પણ એક અગ્રતા છે અને સર્જનશીલતા પણ એટલી જ અગત્યની છે, એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ વિસ્તૃત રીતે છણાવટ કરી હતી કે માર્ગ વધુ સારા મોબાઇલ નેટવર્ક્સની સાથે માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પરિયોજનાઓ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. સીઆઇઆઇટી સ્થાનિક યુવાઓની સર્જનશીલતા અને નવીનતાના જુસ્સામાં યોગદાન આપશે. આધુનિક કેન્સર હૉસ્પિટલ સંભાળનું પરિમાણ ઉમેરશે અને મણિપુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્ફોર્મિંગ આર્ટ અને ગોવિંદજી મંદિરનો જીર્ણોદ્ધાર સાંસ્કૃતિક વારસાને સાચવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે એમની સરકારે ઉત્તર પૂર્વ માટે ‘એક્ટ ઇસ્ટ’નો સંકલ્પ લીધો છે. તેમણે કહ્યું કે ઇશ્વરે આટલા બધા કુદરતી સંસાધનો આપ્યા છે, આ પ્રદેશને ઘણી બધી સંભાવનાઓ છે. અહીં વિકાસ અને પર્યટન માટે અપાર સંભાવનાઓ રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે ઉત્તર પૂર્વમાં આ સંભાવનાઓને સાકાર કરવા માટે હવે કામ થઈ રહ્યું છે. ઉત્તર પૂર્વ ભારતના વિકાસનું પ્રવેશદ્વાર બની રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મણિપુર દેશ માટે એક એકથી ચઢિયાતાં રત્નો આપનારું રાજ્ય રહ્યું છે. અહીંના યુવાઓ અને ખાસ કરીને મણિપુરની દીકરીઓએ સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ અપાવ્યું છે. ખાસ કરીને દેશના યુવા આજે મણિપુરના ખેલાડીઓમાંથી પ્રેરણા લઈ રહ્યા છે.
પ્રધાનમાંત્રી કહ્યું કે આજે, આ ડબલ એન્જિનની સરકારના સતત પ્રયાસોને કારણે, પ્રદેશમાં કોઇ ઉગ્રવાદ અને અસલામતીની આગ નથી, બલકે શાંતિ અને વિકાસની રોશની છે. ઉત્તર પૂર્વનાં સેંકડો નવયુવાનો શસ્ત્રો ત્યાગીને વિકાસની મુખ્ય ધારામાં સામેલ થયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દાયકાઓથી પડતર હતી એ ઐતિહાસિક સમજૂતીઓને હાલની સરકારે કરી બતાવી છે. ‘નાકાબંધી-પ્રગતિમાં રૂકાવટવાળાં રાજ્ય’માંથી મણિપુર આંતરરાષ્ટ્રીય વેપારને માર્ગ આપનારું રાજ્ય બની ગયું છે.
તેમણે કહ્યું કે 21મી સદીનો આ દાયકો મણિપુર માટે બહુ અગત્યનો છે. ભૂતકાળમાં સમય વેડફાયો એ બદલ તેમણે સંતાપ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે હવે એક પણ ક્ષણ ગુમાવવી નથી. “આપણે મણિપુરમાં સ્થિરતા પણ રાખવાની છે અને મણિપુરને વિકાસની નવી ઊંચાઇઓએ પણ લઈ જવાનું છે. અને માત્ર ડબલ એન્જિનની સરકાર જ આ કામ કરી શકે,” એમ તેમણે ભાર મૂક્યો હતો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1787420)
Visitor Counter : 278
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam