પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું


ગુજરાતના લોકોની સેવા ભાવનાની પ્રશંસા કરી

“આપણે સરદાર પટેલના શબ્દોને અનુસરવું જોઇએ અને આપણા દેશને પ્રેમ કરવો જોઇએ, પારસ્પરિક લાગણી અને સહકારથી આપણા ભાગ્યનું ઘડતર કરવું જોઇએ”

“અમૃત કાળ આપણને એવી હસ્તીઓને યાદ કરવાની પ્રેરણા છે જેમણે લોક જાગૃતિ લાવવામાં મોટી ભૂમિકા નિભાવી હોય. આજની પેઢી તેમના વિશે જાણે તે ખૂબ જ મહત્વનું છે ”

“દેશ હવે આધુનિક સંભાવનાઓની મદદથી તેના પરંપરાગત કૌશલ્યો સાથે જોડાઇ રહ્યો છે”

“સૌના સાથ, સૌના વિકાસમાં કેટલી તાકાત છે”, તે મને ગુજરાતમાંથી શીખવા મળ્યું છે

“કોરોનામાં આવેલા મુશ્કેલ તબક્કા પછી જે ગતિએ અર્થતંત્ર ફરી બેઠું થઇ રહ્યું છે તેના કારણે આખી દુનિયા ભારત બાબતે પૂર્ણ આશા રાખે છે”

Posted On: 15 OCT 2021 12:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોની લેવા ભાવનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સામાજિક વિકાસના કાર્યોમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે એ તેમના માટે ઘણી ગૌરવની વાત છે. તેમણે આ પ્રસંગે સરદાર પટેલને યાદ કર્યા હતા અને આ મહાન નેતાને ટાંકીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રના વિકાસ માટે જાતિ અને સંપ્રદાયોને અવરોધરૂપ થવા દેવા જોઇએ નહીં. પ્રધાનમંત્રીએ સરદાર પટેલને ટાંકતા વધુમાં કહ્યું હતું કે, “આપણે સૌ ભારતમાતાના દીકરા - દીકરીઓ છીએ. આપણે સૌએ આપણા રાષ્ટ્રને પ્રેમ કરવો જોઇએ, સૌએ પારસ્પરિક લાગણી અને સહકારથી આપણા ભાગ્યનું ઘડતર કરવું જોઇએ.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં દેશ તેની સ્વતંત્રતાના 75મા વર્ષમાં છે. નવા સંકલ્પોની સાથે સાથે, આ અમૃત કાળ આપણને એવી હસ્તીઓને યાદ કરવાની પણ પ્રેરણા આપે છે જેમણે લોક જાગૃતિ લાવવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આજની પેઢી આ હસ્તીઓ વિશે જાણે તે ખૂબ જ મહત્વનું છે.

પ્રધાનમંત્રીએ વલ્લભ વિદ્યાનગર વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શિક્ષણનો પ્રસાર થઇ શકે, ગ્રામ્ય વિકાસના કાર્યો વેગવાન બને તેવા ઉદ્દેશથી સ્થળનો વિકાસ કરવામાં આવ્યો હતો. તેમણે ગુજરાતની સેવા કરવાના પોતાના અનુભવને યાદ કરીને પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારની જાતિ આધારિત રાજનીતિ વગર તેમના જેવી વ્યક્તિને રાજ્યમાં 2001માં લોકો દ્વારા રાજ્યની સેવા કરવા માટે આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. તેમણે લોકોના આશીર્વાદની શક્તિની પ્રસંશા કરી હતી જેના કારણે તેઓ સતત 20 વર્ષ સુધી કોઇપણ વિરામ વગર રાજ્યની સેવા અને બાદમાં રાષ્ટ્રની સેવા કરતા રહ્યા. તેમણે ઉમેર્યું હતું કે, “સૌનો સાથ, સૌનો વિકાસમાં કેટલી તાકાત રહેલી છે તે વાત તેઓ ગુજરાતમાંથી શીખ્યા છે” અને અગાઉના સમયને યાદ કર્યો હતો કે જ્યારે ગુજરાતમાં શાળાઓનો અભાવ હતો, સારા શિક્ષણ માટે શિક્ષકોની અછત હતી. પ્રધાનમંત્રીએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેવી રીતે લોકોને જોડ્યા તેનું પણ વર્ણન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં વ્યાવસાયિક અભ્યાસક્રમોના શિક્ષણનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. હવે શિક્ષણ માત્ર પદવીઓ લેવા પૂરતું મર્યાદિત નથી પરંતુ અભ્યાસને કૌશલ્ય સાથે જોડવામાં આવી રહ્યો છે. દેશ હવે તેના પરંપરાગત કૌશલ્યને આધુનિક સંભાવનાઓ સાથે જોડી રહ્યો છે.

મહામારી બાદ થયેલા આર્થિક ગતિવિધિઓમાં થયેલી મજબૂત પુનઃશરૂઆતનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના મુશ્કેલ સમયગાળા બાદ ભારતનું અર્થતંત્ર જે ગતિએ ફરી ધમધમતું થયું છે તેના કારણે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે ખૂબ જ આશા રાખી રહ્યું છે. તેમણે વૈશ્વિક સંસ્થાઓએ ભારત ઉપર વ્યક્ત કરેલા વિશ્વાસનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભારત ફરીથી વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધી પામતું અર્થતંત્ર બનવા જઇ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી અને ટેક્નોલોજીની સાથે સાથે જમીની હકીકતો સાથે જોડાણની નોંધ લીધી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, "જુદા-જુદા સ્તરોએ કામ કરવાનો તેમનો અનુભવ ગુજરાતના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764136) Visitor Counter : 288