પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી


પ્રધાનમંત્રીએ રાયપુરમાં નવનિર્મિત રાષ્ટ્રીય બાયોટિક તણાવ વ્યવસ્થાપન સંસ્થાનું સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કારો પણ એનાયત કર્યા

“જ્યારે પણ ખેડૂતો અને કૃષિને સલામતીની સુરક્ષા જાળી મળે છે ત્યારે વિકાસની ગતિ તેજ થાય છે”

“જ્યારે વિજ્ઞાન, સરકાર અને સમાજ સાથે મળીને કામ કરે ત્યારે, બહેતર પરિણામો આવે છે. ખેડૂતો અને વૈજ્ઞાનિકોનું આવું ગઠબંધન દેશને નવા પડકારોનો સામનો કરવા માટે વધુ તાકતવર બનાવશે”

“ખેડૂતોને પાક આધારિત આવક તંત્રમાંથી બહાર લાવવા માટે અને તેમને મૂલ્યવર્ધન તેમજ અન્ય કૃષિ વિકલ્પો માટે પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે”

“આપણી પ્રાચીન કૃષિ પરંપરાની સાથે-સાથે, ભવિષ્યની દિશામાં આગેકૂચ કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે”

Posted On: 28 SEP 2021 12:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાયપુરમાં નવા નિર્માણ કરવામાં આવેલા રાષ્ટ્રીય બાયોટિક તણાવ વ્યવસ્થાપન સંસ્થાના સંકુલનું રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આવિષ્કારી પદ્ધતિઓ અપનાવનારા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.

જમ્મુ અને કાશ્મીરના ગંદેરબાલના શ્રીમતી ઝૈતૂન બેગમ સાથે વાત કરતી વખતે પ્રધાનમંત્રીએ આવિષ્કારી કૃષિ પદ્ધતિઓ શીખવાની તેમની સફર અંગે તેમની સાથે વાતો કરી હતી અને કેવી રીતે તેમણે અન્ય ખેડૂતોને તાલીમ આપી તેમજ કેવી રીતે તેણી ગામડામાં છોકરીઓને શિક્ષણ આપવા માટે કામ કરી રહ્યાં છે તેના વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, રમતગમતોમાં પણ, જમ્મુ અને કાશ્મીરની છોકરીઓ ખૂબ સારું પરફોર્મન્સ આપી રહી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતોની જરૂરિયાતો સરકારની પ્રાથમિકતા પર છે અને તેમને તમામ લાભો સીધા જ પ્રાપ્ત થઇ રહ્યા છે.

ઉત્તરપ્રદેશના બુંદલશહરના ખેડૂત અને બીજ ઉત્પાદક શ્રી કુલવંતસિંહ સાથે વાર્તાલાપ કરતી વખતે પ્રધાનમંત્રીએ તેમને પૂછ્યું હતું કે, કેવી રીતે તેઓ વિવિધ પ્રકારના બીજનું ઉત્પાદન કરે છે. પ્રધાનમંત્રીએ તેમને પુસા ખાતે કૃષિ સંસ્થામાં કાર્યરત વૈજ્ઞાનિકો સાથે કામ કરીને કેવી રીતે ફાયદો થયો તેના વિશે પણ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આવી સંસ્થાઓ સાથે સંપર્કમાં રહેવા અંગે ખેડૂતોમાં કેવા પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે તેના વિશે પણ પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ ખેડૂત દ્વારા પોતાના ખાસના પ્રસંસ્કરણ અને મૂલ્ય વર્ધન માટે કામ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સારા ભાવો મળી રહે તે માટે સંખ્યાબંધ પ્રવૃત્તિઓ સાથે પ્રયાસો કરી રહી છે જેમાં બજાર સુધીની ખેડૂતોની પહોંચ, સારી ગુણવત્તાનું બિયારણ, જમીન આરોગ્ય કાર્ડ વગેરે પણ સામેલ છે.

પ્રધાનમંત્રીએ ગોવાના બર્દેઝના રહેવાસી શ્રીમતી દર્શના પેડેંકર સાથે સંવાદ કર્યો હતો. તેમણે તેણીને પૂછ્યું હતું કે, કેવી રીતે તેઓ વિવિધ પ્રકારના પાકો ઉછેરે છે અને વિવિધ પશુધનને પાળે છે. તેમણે ખેડૂત દ્વારા ઉછેરવામાં આવતા મૂલ્યવર્ધન વિશે પણ માહિતી મેળવવા પૂછપરછ કરી હતી. તેમણે કેવી રીતે મહિલા ખેડૂતો એક ઉદ્યમસાહસિક તરીકે આગળ વધી રહી છે તેના વિશે ખુશીની ભાવના વ્યક્ત કરી હતી.

મણીપુરના શ્રી થોહીબા સિંહ સાથે વાતચીત કરતી વખતે, પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોમાં તેમણે સેવા આપ્યા પછી કૃષિ પ્રવૃત્તિને અપનાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી. ખેડૂતોની વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ જેમકે, કૃષિ, મત્સ્યપાલન અને અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓમાં પ્રધાનમંત્રીઓ રૂચી દાખવી હતી. પ્રધાનમંત્રીએ જય જવાન- જય કિસાનનું દ્રષ્ટાંત પૂરું પાડવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ઉદમસિંહ નગરના રહેવાસી શ્રી સૂરેશ રાણાને પૂછ્યું હતું કે, કેવી રીતે તેમણે મકાઇનો ઉછેર કરવાનું શરૂ કર્યું હતું. પ્રધાનમંત્રીએ FPOનો કાર્યદક્ષ રીતે ઉપયોગ કરવા બદલ ઉત્તરાખંડના ખેડૂતોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, જ્યારે ખેડૂતો એક સાથે મળીને કામ કરે ત્યારે ખૂબ મોટો લાભ થાય છે. સરકાર ખેડૂતોને તમામ સંસાધનો અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરી રહી છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષથી વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ સંબંધિત પડકારોનો ઉકેલ લાવવા માટે પ્રાથમિકતાના ધોરણે થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વધુ પોષણયુક્ત બિયારણ, અપનાવવામાં આવેલી નવી સ્થિતિઓ જેમાં ખાસ કરીને બદલાતી આબોહવા પર અમારું ધ્યાન ખૂબ જ કેન્દ્રિત છે.”

પ્રધાનમંત્રીએ ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે વિવિધ રાજ્યોમાં તીડના ઝુંડોએ વ્યાપક પ્રમાણમાં કરેલા હુમલાની ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે સંખ્યાબંધ પ્રયાસો કરીને તે હુમલાને અંકુશમાં લીધો હતો અને ખેડૂતોને ખૂબ જ મોટાપાયે નુકસાની વેઠવાથી બચાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે પણ ખેડૂતો અને કૃષિને સલામતીની સુરક્ષા જાળી પ્રાપ્ત થાય છે ત્યારે, વિકાસની ગતિ વધુ તેજ થાય છે. તેમણે માહિતી આપી હતી કે, 11 કરોડ જમીન આરોગ્ય કાર્ડ જમીનની સુરક્ષા માટે ઇશ્યુ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂતલક્ષી પહેલો પણ ગણાવી હતી જેમાં ખેડૂતોને જળ સુરક્ષા પૂરી પાડવા માટે 100 જેટલી પડતર સિંચાઇ યોજનાઓ પૂરી કરવાનું અભિયાન, ખેડૂતોને રોગો સામે પાકને રક્ષણ આપવા માટે અને વધારે ઉપજ મળી રહે તે માટે નવી પ્રજાતિની બિયારણની ઉપલબ્ધતા વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવાની સાથે સાથે, ખરીદીની પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે જેથી વધુને વધુ ખેડૂતોને લાભ પ્રાપ્ત થાય. 430 લાખ મેટ્રિક ટન કરતાં વધારે ઘઉંની ખરીદી રવી પાક મોસમમાં કરવામાં આવી છે અને ખેડૂતોને 85 હજાર કરોડ રૂપિયા કરતાં વધારે રકમ ચુકવવામાં આવી છે. મહામારી દરમિયાન ઘઉંની ખરીદીના કેન્દ્રીની સંખ્યામાં ત્રણ ગણા કરતાં વધારે વૃદ્ધિ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડીને, અમે બેંકોમાંથી તેમને મદદ મેળવવાનું વધારે સરળ બનાવી દીધું છે. આજે ખેડૂતોને વધુ સારી રીતે હવામાનની સ્થિતિની માહિતી મળી રહે છે. તાજેતરમાં જ, 2 કરોડ કરતાં વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આબોહવા પરિવર્તનના કારણે, નવા પ્રકારની જીવાત, નવા રોગો, મહામારીઓ ઉભરી રહ્યાં છે અને તેના કારણે, માણસો અને પશુધન સામે મોટું જોખમ ઉભું થયું છે અને પાકને પણ તેની અસર પડી રહી છે. આ પરિબળો પર એકધારું સઘન સંશોધન કરવામાં આવે તે જરૂરી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, જ્યારે વિજ્ઞાન, સરકાર અને સમાજ સાથે મળીને કામ કરશે ત્યારે, પરિણામો વધારે બહેતર પ્રાપ્ત થશે. ખેડૂતો અને વૈજ્ઞાનિકોના આવા ગઠબંધનો દેશને નવા પડકારોનો સામનો કરવા માટે વધારે તાકાતવર બનાવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને કૃષિ આધારિત આવકની પ્રણાલીમાંથી બહાર લાવવા માટે અને તેમને મૂલ્યવર્ધન તેમજ અન્ય કૃષિ વિકલ્પો માટે પ્રોત્સાહન આપવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાજરો અને અન્ય ધાન્યને વિજ્ઞાન અને સંશોધન દ્વારા ઉકેલો પ્રાપ્ત કરીને તેમાં વધુ વિકાસ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, મૂળ ઉદ્દેશ એવો છે કે, તેઓ સ્થાનિક જરૂરિયાતો અનુસાર દેશમાં વિવિધ હિસ્સાઓમાં પાક ઉછેરી શકે. તેમણે આવતા વર્ષને બાજરાનું વર્ષ જાહેર કરીને UN દ્વારા પૂરી પાડવામાં આવતી તકોનો ઉપયોગ કરવા માટે તૈયાર રહેવાનું લોકોને કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણી પ્રાચીન કૃષિની પરંપરાઓની સાથે સાથે, ભવિષ્યની દિશામાં આગેકૂચ કરવાનું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી અને કૃષિના નવા સાધનો ભવિષ્યની કૃષિના કેન્દ્ર સ્થાનમાં છે. તેમણે ઉમેર્યું હતું કે, “આધુનિક કૃષિ મશીનો અને ઉપકરણોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે.”

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1758883) Visitor Counter : 461