પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી મોદીએ નિરાધાર પશુઓની સહાય કરવા બદલ નિવૃત્ત લશ્કરી અધિકારીઓની પ્રશંસા કરી


મેજર પ્રમિલા સિંઘ (સેવાનિવૃત્ત)એ પોતાની બચતમાંથી પશુઓના ખોરાક અને સારવાર માટે વ્યવસ્થા કરી

પ્રધાનમંત્રીએ લખ્યું કે તમારી પહેલ સમાજ માટે પ્રેરણાનો સ્રોત છે

હાલની અભૂતપૂર્વ મહામારી પશુઓ માટે પણ કપરી છે અને આપણે તેમની જરૂરિયાત અને દુઃખ પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર છે : પ્રધાનમંત્રી

Posted On: 18 JUL 2021 12:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય લશ્કરમાંથી મેજર તરીકે સેવાનિવૃત્ત થયેલા કોટા, રાજસ્થાનના નિવાસી પ્રમિલા સિંઘને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે પ્રમિલા સિંઘની સેવા અને દયાળુભાવ માટે પ્રશંસા કરી હતી. કોરોના દરમિયાન લોકડાઉનમાં મેજર પ્રમિલા સિંઘ (સેવાનિવૃત્ત)એ તેમના પિતા શ્યામવીર સિંઘ સાથે મળીને નિઃસહાય અને નિરાધાર પશુઓની સાર સંભાળ લીધી હતી, તેમના દુઃખ, દર્દ સમજીને તેમને મદદ કરવા માટે આગળ આવ્યા હતા. મેજર પ્રમિલા સિંઘ અને તેમના પિતાએ પોતાની અંગત બચતમાંથી  શેરીઓમાં રખડતા તથા નિરાધાર પશુઓના ખોરાક અને સારસંભાળની વ્યવસ્થા કરી હતી. મેજર પ્રમિલા સિંઘના પ્રયાસોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ તેમના પ્રયાસોને સમાજ માટે પ્રેરક ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમના પત્રમાં લખ્યું હતું કે છેલ્લા એકથી દોઢ વર્ષમાં આપણે ઘણી ધીરજ સાથે અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. આ એક એવો ઐતિહાસિક તબક્કો છે જેને લોકો જીવનભર ભૂલશે નહીં. આ કપરો કાળ માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ માનવજાતની આસપાસ વસતા તમામ જીવો માટે કપરો સમય છે. આવી પરિસ્થિતિમાં નિરાધાર પ્રાણીઓની જરૂરિયાત અને દુઃખ, દર્દ પ્રત્યે જે સંવેદનશીલતા દાખવી છે તે પ્રશંસનીય છે અને તેમના કલ્યાણ માટે અંગત સ્તરે તમે પૂરી ક્ષમતા સાથે જે કામગીરી બજાવી છે તે સરાહનીય બાબત છે.

આ સાથે પ્રધાનમંત્રીએ તેમના પત્રમાં એમ પણ જણાવ્યું હતું કે આ કપરા સમયમાં એવા ઘણા ઉદાહરણો સામે આવ્યા છે જેણે આપણને માનવતા પ્રત્યે ગૌરવ અનુભવવા માટેનો હેતૂ પૂરો પાડ્યો છે. પ્રધાનમંત્રીએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે મેજર પ્રમિલા સિંઘ અને તેમના પિતા તેમની આ પહેલ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવીને પ્રજાને પ્રેરણા આપવાનું તેમનું કાર્ય જારી રાખશે.
અગાઉ મેજર પ્રમિલા સિંઘે પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતુ કે લોકડાઉન દરમિયાન તેમણે શરૂ કરેલા પશુઓની સારસંભાળના કાર્યો હજી પણ જારી  રાખવામા આવ્યા છે. પોતાના પત્રમાં તેમણે નિઃસહાય પશુઓના દર્દનું વર્ણન કરતાં એવી અપીલ કરી હતી કે પશુને મદદ કરવા માટે વધુને વધુ લોકોએ આગળ આવવું જોઇએ.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1736552) Visitor Counter : 341