પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 16 JUL 2021 7:39PM by PIB Ahmedabad

નમસ્કાર,

મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.

આજનો દિવસ, 21મી સદીના ભારતની આકાંક્ષીઓનો, યુવા ભારતની ભાવનાઓ અને સંભાવનાઓનો બહુ મોટો પ્રતીક છે. વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, શ્રેષ્ઠ શહેરી લેન્ડસ્કેપ હોય કે પછી જોડાણ માટે આધુનિક માળખાગત સુવિધા હોય – નવા ભારતની નવી ઓળખમાં એક વધુ કડી જોડાઈ રહી છે. મેં અહીં દિલ્હીથી તમામ પ્રોજેક્ટનું લોકાર્પણ તો કર્યું છે, પણ તેમને પ્રત્યક્ષ રીતે જોવાની આતુરતાને વ્યક્ત કરી શકતો નથી. તક મળતા જ હું એને જોવા આવીશ.

ભાઈઓ અને બહેનો,

અત્યારે દેશનો લક્ષ્યાંક ફક્ત કોન્ક્રીટના જંગલ ઊભા કરવાનો નથી, પણ દેશમાં એવી માળખાગત સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું પોતાનું એક ચરિત્ર હોય. શ્રેષ્ઠ જાહેર જગ્યાઓ આપણી અનિવાર્ય આવશ્યકતા છે. અગાઉ આ રીતે વિચારવામાં આવતું નહોતું. અગાઉ આપણા શહેરી આયોજનમાં એને પણ એક લક્ઝરી સાથે જોડી દેવામાં આવ્યો હતો. તમે પણ જોયું હશે કે રિયલ એસ્ટેટ અને હાઉસિંગ કંપનીઓના પ્રચારનું ફોકસ શું હોય છે – પાર્ક ફેસિંગ ઘર કે પછી સોસાયટીની વિશેષ જાહેર જગ્યાઓની આસપાસ હોય છે. આવું એટલા માટે હોય છે, કારણ કે આપણા શહેરોની બહુ મોટી વસ્તી ગુણવત્તાયુક્ત જાહેર જગ્યા અને ગુણવત્તાયુક્ત જાહેર જીવનથી વંચિત રહી ગઈ છે. હવે શહેરી વિકાસનાં જૂના વિચારને પાછળ છોડીને દેશ આધુનિકતા તરફ અગ્રેસર થઈ રહ્યો છે.

સાથીદારો,

અમદાવાદમાં સાબરમતીની દશા શું હતું – તમે ભૂલી શકો? અત્યારે ત્યાં પાણીના અવિરત પ્રવાહની સાથે સાથે રિવરફ્રન્ટ પાર્ક, ઓપન જિમ, સી પ્લેન – આ તમામ સેવાઓ ઉપલબ્ધ છે. એટલે કે એક રીતે સંપૂર્ણ ઇકોસિસ્ટમ બદલાઈ ગઈ છે. આ જ પરિવર્તન કાંકરિયામાં થયું છે. જૂનાં અમદાવાદનું આ તળાવ આટલી બધી ચહલપહલનું કેન્દ્ર બની જશે – અગાઉ વિચાર જ કરવામાં આવ્યો નહોતો.

સાથીદારો,

બાળકોના સ્વાભાવિક વિકાસ માટે મનોરંજનની સાથે સાથે તેમને શીખવાની અને તેમની રચનાત્મક શક્તિઓ ખીલવવાની જગ્યા મળવી જોઈએ. સાયન્સ સિટી એક એવો પ્રોજેક્ટ છે, જે રિ-ક્રિએશન (પુનઃસર્જન) અને રચનાત્મકતાને એકબીજા સાથે જોડે છે. એમાં પુનઃસર્જન સાથે સંબંધિત એવી વિવિધ પ્રવૃત્તિઓ છે, જે બાળકોમાં રચનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. તેમાં ખેલકૂદ છે, મોજમસ્તી છે અને સાથે સાથે આ બાળકોને કશું નવું શીખવાનું પ્લેટફોર્મ પણ છે. આપણે જોયું છે – ઘણી વાર બાળકો માતાપિતા પાસે રોબોટ્સ અને પશુઓના મોટા રમકડાઓની માંગણી કરે છે. કેટલાંક બાળકો કહે છે કે, ઘરમાં ડાયનાસોર લઈ આવો, કોઈ સિંહ પાળવાની જિદ કરે છે. માતાપિતા ક્યાંથી લાવશે? બાળકોને આ વિકલ્પ મળે છે – સાયન્સ સિટીમાં. આ નવો નેચર પાર્ક બન્યો છે, આ વિશેષ સ્વરૂપે મારાં નાનાં સાથીદારોને બહુ પસંદ આવશે. એટલું જ નહીં, સાયન્સ સિટીમાં બનેલી એક્વેટિક્સ ગેલેરી – એ તો વધુ આનંદ આપશે. આ દેશની જ નહીં, પણ એશિયાના ટોચના એક્વેરિયમમાંથી એક છે. એક જ જગ્યાએ દુનિયાભરના દરિયાઈ જીવની વિવિધતાનું દર્શન – ખરેખર એક અદભૂત અનુભવ આપશે.

અહીં રોબોટિક્સ ગેલેરીમાં રોબોટ્સ સાથે વાતચીત આકર્ષણનું કેન્દ્ર છે. સાથે સાથે આ રોબોટિક્સના ક્ષેત્રમાં કામ કરતા આપણા યુવાનોને પ્રેરિત પણ કરશે, બાળકોના મનમાં જિજ્ઞાસાવૃત્તિને પ્રેરિત કરશે. મેડિસિન, ખેતી, અંતરિક્ષ, સંરક્ષણ – આ પ્રકારના અનેક ક્ષેત્રોમાં રોબોટ્સ કેવી રીતે ઉપયોગી થઈ શકે છે – એનો અનુભવ અહીં આપણા યુવાન સાથીદારોને મળશે. અને હા, રોબો કાફેમાં રોબોટિક શેફે બનાવેલું અને રોબોટ વેઇટર્સે પીરસેલું ભોજનનો આનંદ માણવાનું અહીં આવેલી વ્યક્તિ ભાગ્યે જ ચુકશે. જ્યારે ગઇકાલે મેં સોશિયલ મીડિયા પર એની તસવીરો પોસ્ટ કરી હતી, ત્યારે આ પ્રકારની ટિપ્પણીઓ મળી છે – આ પ્રકારની તસવીરો આપણે વિદેશોમાં જ જોવા મળી હતી. લોકોને વિશ્વાસ જ નથી આવતો કે આ તસવીરો ભારતની છે, ગુજરાતની છે. આજે આ કાર્યક્રમમાં મારો આગ્રહ છે કે, સાયન્સ સિટીમાં વધુને વધુ બાળકો આવે, વિદ્યાર્થીઓ આવે, શાળાઓના નિયમિત પ્રવાસો થાય, સાયન્સ સિટી બાળકોથી ગૂંજતી રહે, એમાં જ એની સાર્થકતા  છે. પછી જ એની ભવ્યતા વધશે.

સાથીદારો,

મારા માટે આ આનંદની વાત છે કે, ગુજરાત અને ગુજરાતના લોકોનું ગૌરવ વધારતા આ પ્રકારના અનેક કાર્યોનો આજે શુભારંભ થયો છે. આજે અમદાવાદ શહેરની સાથે સાથે ગુજરાતની રેલવે કનેક્ટિવિટી પણ વધારે આધુનિક અને વધારે સશક્ત થઈ છે. ગાંધીનગર અને વડનગર સ્ટેશનનું નવીનીકરણ હોય, મહેસાણા-વરેઠા લાઇન બ્રોડગેજ થઈ હોય અને એનું ઇલેક્ટ્રિફિકેશન હોય, સુરેન્દ્રનગર-પીપાવાવ સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશન હોય, ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમૂ સેવાની શરૂઆત હોય, કે પછી ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસનો શુભારંભ હોય – આ તમામ સુવિધાઓ માટે ગુજરાતવાસીઓને અભિનંદન. ગાંધીનગરથી બનારસ વચ્ચે ટ્રેન – એક રીતે સોમનાથની ધરતીને વિશ્વનાથની ધરતી સાથે જોડવાનું બહુ મોટું કામ છે.

ભાઈઓ અને બહેનો,

21મી સદીના ભારતની જરૂરિયાત 20મી સદીની કાર્યશૈલી સાથે પૂરી ન થઈ શકે. એટલે રેલવેમાં નવા પ્રકારના સુધારાની જરૂર હતી. અમે રેલવેને ફક્ત એક સર્વિસ તરીકે નહીં, પણ એક અસ્કયામત તરીકે વિકસિત કરવા માટે કામ શરૂ કર્યું છે. આજે એના પરિણામ મળવા લાગ્યા છે, આજે ભારતીય રેલવેની ઓળખ, એની સાખ બદલાવા લાગી છે. આજે ભારતીય રેલવેમાં સુવિધાઓ પણ વધી છે, સ્વચ્છતા પણ વધી છે, સુરક્ષા પણ વધી છે અને સ્પીડ પણ વધી છે. પછી એ માળખાગત સુવિધા હોય કે આધુનિકીકરણ હોય કે પછી નવી આધુનિક ટ્રેનો હોય – આ પ્રકારના અનેક પ્રયાસો ટ્રેનોની સ્પીડને વધારવા માટે થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં પ્રતિબદ્ધ ફ્રેઇટ કોરિડોર શરૂ થઈ જશે એટલે ટ્રેનોની સ્પીડમાં વધુ વધારો થશે. તેજસ અને વંદેમાતરમ જેવી આધુનિક ટ્રેનો તો આપણા ટ્રેક પર દોડવા લાગી છે. અત્યારે આ ટ્રેનો પ્રવાસીઓને એક નવો અને અદ્ભૂત અનુભવ આપી રહી છે. વિસ્ટાડોમ કોચનો વીડિયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયો હશે.

જે લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગયા હશે, તેમને એનો લાભ મળ્યો જ હશે. આ કોચ પ્રવાસને સરળ અને આરામદાયક બનાવવાનો નવો અનુભવ આપે છે. ટ્રેનમાં પ્રવાસ કરતા તમામ લોકોને હવે એ અનુભવ પણ થઈ રહ્યો છે કે, આપણી ટ્રેનો, આપણા પ્લેટફોર્મ્સ અને આપણા ટ્રેક અગાઉ કરતા વધારે સ્વચ્છ રહે છે. એમાં બહુ મોટું યોગદાન છે – 2 લાખથી વધારે જૈવ-શૌચાલયોનો, જેને કોચમાં પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે.

એ જ રીતે અત્યારે દેશભરમાં મુખ્ય રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે. ટિઅર 2 અને ટિઅર 3 શહેરોના રેલવે સ્ટેશનો પણ હવે વાઇ-ફાઇ સુવિધાઓ સાથે સંપન્ન થઈ રહ્યાં છે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી જોઈએ તો બ્રોડ ગેજ પર માનવરહિત રેલવે ક્રોસિંગનો સંપૂર્ણપણે અંત આવી ગયો છે. એક સમયે ભીષણ દુર્ઘટનાઓ અને અવ્યવસ્થાની ફરિયાદો માટે મીડિયામાં ચમકતી રહેતી ભારતીય રેલવે અત્યારે સકારાત્મક ઉપલબ્ધિઓને લઈને ચર્ચામાં છે. અત્યારે ભારતીય રેલવે દુનિયાના આધુનિક નેટવર્ક અને મેગા પ્રોજેક્ટ્સ માટે ચર્ચામાં છે. અત્યારે ભારતીય રેલવેને જોવાનો અનુભવ અને દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યાં છે. અને હું ગર્વ સાથે કહીશ કે અત્યારે આ પ્રોજેક્ટ – ભારતીય રેલવેના આ જ નવા અવતારની ઝાંખી છે.

સાથીદારો,

મારો આ સ્પષ્ટ મત રહ્યો છે કે, રેલવે દેશનાં દરેક ખૂણા સુધી પહોંચે. આ માટે રેલવેનું હોરિઝોન્ટલ વિસ્તરણ જરૂરી છે. સાથે સાથે રેલવેમાં ક્ષમતાનિર્માણ, સંસાધનોનું નિર્માણ, નવી ટેકનોલોજી અને શ્રેષ્ઠ સેવાઓ માટે વર્ટિકલ વિસ્તરણ પણ એટલું જ જરૂરી છે. શ્રેષ્ઠ ટ્રેક, આધુનિક રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેકની ઉપર આલિશાન હોટેલ, ગાંધીનગર રેલવે સ્ટેશનનો આ પ્રયોગ ભારતીય રેલવેમાં એક સાર્થક પરિવર્તનની શરૂઆત છે. રેલવેમાં સફર કરતા સામાન્ય નાગરિકને પણ એરપોર્ટ જેવી સુવિધાઓ મળે, મહિલાઓ અને નાનાં બાળકોની વિશેષ જરૂરિયાતોને જોઈને તેમના માટે સારી વ્યવસ્થા હોય – આવું આધુનિક અને સુવિધાજનક સ્ટેશન અત્યારે દેશને ગાંધીનગરમાં મળ્યું છે.

સાથીદારો,

ગાંધીનગરનું નવું રેલવે સ્ટેશન દેશમાં માળખાગત સુવિધાઓને લઈને માનસિકતામાં થઈ રહેલા પરિવર્તનને પણ દર્શાવે છે. લાંબા સમય સુધી ભારતમાં માળખાગત સુવિધાને લઈને પણ એક વર્ગભેદને પ્રોત્સાહન આપવામાં આવ્યું. હું તમને જણાવવા ઇચ્છું છું કે, તમે બધા ગુજરાતના લોકોને સારી રીતે જાણો છો. જ્યારે મને ગુજરાતમાં સેવા કરવાની તક મળી હતી, ત્યારે અમે લોકોએ એક પ્રયોગ કર્યો હતો. અમારા જે બસ સ્ટેશન છે, એ બસ સ્ટેશનોને આધુનિક બનાવવાની દિશામાં કામ કર્યું. સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી)ના મોડલ પર કામ કર્યું. અત્યારે અમારા ગુજરાતમાં અનેક બસ સ્ટેશનો આધુનિક બની ગયા છે. એરપોર્ટ જેવી સુવિધાઓ બસ સ્ટેશનો પર મળે છે.

જ્યારે હું દિલ્હી આવ્યો, ત્યારે મેં આપણા અધિકારીઓને, રેલવે અધિકારીઓને ગુજરાતના બસ સ્ટેશનો જોવા મોકલ્યા હતા. મેં એમને સમજાવ્યા હતા કે આપણા રેલવે સ્ટેશનો કેમ આવા ન હોય. જમીનનો અસરકારક રીતે ઉપયોગ થાય, રેલવે સ્ટેશનો પર બહુ મોટી આર્થિક પ્રવૃત્તિ વિકસે અને રેલવે ટ્રેનની અવરજવરનું નહીં, પણ એક રીતે અર્થતંત્રનું ઊર્જાકેન્દ્ર બની શકે છે. જેમ એરપોર્ટનો વિકાસ થાય છે, તેમ ગુજરાતમાં બસ સ્ટેશનોના વિકાસનું કામ થયું છે. એ જ રીતે અમે રેલવે સ્ટેશનોનો પણ સરકારી-ખાનગી-ભાગીદારીના મોડલ પર વિકાસ કરવાની દિશામાં અગ્રેસર થઈ રહ્યાં છીએ. આજે ગાંધીનગરમાં એની શરૂઆત થઈ છે. જનસુવિધાઓ માટે આ પ્રકારનું વર્ગીકરણ – આ ગરીબો માટે, આ ધનિકો માટે – આ બધી બેકાર વાતો છે. સમાજના દરેક વર્ગને વ્યવસ્થાઓ મળવી જોઈએ.

સાથીદારો,

ગાંધીનગરનું આધુનિક રેલવે સ્ટેશન આ વાતનું પણ મોટું પ્રમાણ છે કે, રેલવેના સંસાધનોનો સદુપયોગ કરીને, એને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ બનાવી શકાય છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રેક પર એવી હોટેલ બનાવી દીધી છે, જ્યાંથી રેલવે દોડતી દેખાય છે, પણ એનો અનુભવ થતો નથી. જમીન એટલી જ છે, પણ એનો ઉપયોગ બમણો થઈ ગયો છે. સુવિધા પણ શ્રેષ્ઠ, પર્યટન અને વેપારવાણિજ્ય પણ ઉત્તમ. જ્યાંથી રેલવે પસાર થયો છે, એનાથી મોટું મોકાનું સ્થાન બીજું કયું હોય?

આ રેલવે સ્ટેશનથી મહાત્મા મંદિરનું જે ભવ્ય દ્રશ્ય દેખાય છે, દાંડીકુટિર દેખાય છે, એ પણ અદ્ભૂત છે. જ્યારે દાંડીકૂટિર મ્યુઝિયમમાં આવતા લોકો કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવતા લોકો એને જોશે, ત્યારે તેમના માટે આ પ્રવાસનસ્થળ બની જશે. વળી આજે રેલવેની જે કાયાપલટ થઈ છે, મહાત્મા મંદિરની લગોલગ થઈ છે, એના કારણે મહાત્મા મંદિરનું ગૌરવ પણ અનેકગણું વધી ગયું છે. હવે લોકો નાનીમોટી કોન્ફરન્સ કરવા માટે આ હોટેલનો ઉપયોગ પણ કરશે, મહાત્મા મંદિરનો ઉપયોગ પણ કરશે. એટલે એક રીતે આખું વર્ષ અનેક કાર્યક્રમો માટે આ એક જાહેર વ્યવસ્થા મળી ગઈ છે. આ એરપોર્ટથી 20 મિનિટના અંતરે છે. તમે કલ્પના કરી શકો છો કે, દેશવિદેશના લોકો એનો કેટલો ઉપયોગ કરી શકે છે.

ભાઈઓ અને બહેનો,

તમે વિચારો, આખા દેશમાં રેલવેનું આટલું મોટું નેટવર્ક છે, મોટા પાયે સંસાધનો છે, એ રીતે કેટલી સંભાવનાઓ રહેલી છે. સાથીદારો, ભારત જેવા વિશાળ દેશમાં રેલવેની ભૂમિકા હંમેશા બહુ મોટી રહી છે. રેલવે એની સાથેસાથે વિકાસનું નવું પાસું, સુવિધાઓના નવા પાસાને લઈને પણ પહોંચે છે. છેલ્લાં થોડાં વર્ષોના પ્રયાસને પરિણામે અત્યારે પૂર્વોત્તર રાજ્યોની રાજધાનીઓ સુધી પહેલી વાર રેલવે પહોંચી રહી છે. ટૂંક સમયમાં શ્રીનગર પણ કન્યાકુમારી સાથે રેલવેના માધ્યમથી જોડાઈ જસે. આજે વડનગર પણ આ જ વિસ્તરણનો ભાગ બની ગયું છે. વડનગર સ્ટેશન સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. નવું સ્ટેશન ખરેખર બહુ આકર્ષક લાગે છે. આ નવી બ્રોડગેજ લાઇન બનવાથી વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હવે વધારે શ્રેષ્ઠ રેલવે સેવા સાથે જોડાઈ ગઈ છે. એનાથી અમદાવાદ-જયપુર-દિલ્હી મેઇન લાઇન સાથે સીધું જોડાણ થઈ ગયું છે. આ લાઇન શરૂ થવાથી આ સંપૂર્ણ વિસ્તારમાં સુવિધાઓની સાથે સાથે રોજગાર અને સ્વરોજગારની નવી તકો પણ ખુલી ગઈ છે.

સાથીદારો,

જો મહેસાણા-વરેઠા લાઇન આપણા સાંસ્કૃતિક વારસાથી આપણને જોડે છે, તો સુરેન્દ્રનગર-પીપાવાવ લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન આપણને ભારતીય રેલવેના ભવિષ્ય સાથે જોડે છે. આ ભારતીય રેલવેના ઇતિહાસમાં સૌથી ઓછા સમયમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટ પૈકીનો એક છે. આ રેલવે લાઇન એક મહત્વપૂર્ણ પોર્ટ કનેક્ટિવિટી રુટ હોવાની સાથે સાથે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે ફીડર રુટ પણ છે. આ રેલવે માર્ગ પીપાવાવ પોર્ટથી દેશના ઉતરના વિસ્તારો માટે ડબલ સ્ટેક કન્ટેઇનર્સ ભરેલી માલગાડીની સતત અવરજવર સુનિશ્ચિત કરશે.

સાથીદારો,

દેશમાં પ્રવાસ હોય કે પછી ચીજવસ્તુઓનું પરિવહન હોય – અત્યારે 21મી સદીના ભારતની પ્રાથમિકતા છે – ઓછો સમય, ઓછો ખર્ચ અને શ્રેષ્ઠ સુવિધા. એટલે અત્યારે દેશ મલ્ટિમોડલ કનેક્ટિવિટી તરફ અગ્રેસર થઈ રહ્યો છે. આ માટે એક વિસ્તૃત રોડમેપ પર કામ ચાલી રહ્યું છે. મને વિશ્વાસ છે કે, પરિવહનના અલગ-અલગ માધ્યમને જોડીને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી આત્મનિર્ભર ભારતના અભિયાનને વધુ વેગ આપશે.

સાથીદારો,

નવા ભારતના વિકાસની ગાડી બે ટ્રેક પર એકસાથે દોડીને જ આગળ વધશે. એક ટ્રેક આધુનિકતાનો, બીજો ટ્રેક ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગના કલ્યાણનો. એટલે અત્યારે ભારતમાં એક તરફ ભવિષ્ય માટેની માળખાગત સુવિધાના નિર્માણ પર પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ એનો લાભ ગરીબોને, ખેડૂતોને, મધ્યમ વર્ગને મળે એ સુનિશ્ચિત થઈ રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

ગુજરાત અને દેશના વિકાસના આ કાર્યો વચ્ચે આપણે કોરોના જેવી મહામારીનું પણ ધ્યાન રાખવાનું છે. ગત દોઢ વર્ષમાં 100 વર્ષની સૌથી મોટી મહામારીએ આપણા તમામના જીવનને મોટા પાયે પ્રભાવિત કર્યું છે. કોરોના સંક્રમણે અનેક સાથીદારોને આપણી પાસેથી અકાળે છીનવી લીધા છે. પણ એક રાષ્ટ્ર સ્વરૂપે આપણે સંપૂર્ણ સામર્થ્ય સાથે એનો મુકાબલો કરી રહ્યાં છીએ. ગુજરાતે પણ બહુ પરિશ્રમ સાથે સંક્રમણને આગળ વધતું અટકાવ્યું છે.

હવે આપણે આપણા આચરણથી અને ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ તથા રસીકરણના મંત્ર સાથે કોરોના સંક્રમણના દરને નીચો રાખવાનો છે. એટલે બહુ સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. સાથે સાથે આપણે રસીકરણની પ્રક્રિયાને સતત વધારવાની જરૂર છે. મને ખુશી છે કે, ગુજરાત 3 કરોડ રસીના ડોઝ આપવાના તબક્કામાં પહોંચવાની નજીક છે. કેન્દ્ર સરકારે રસીની ઉપલબ્ધતા સાથે જોડાયેલી જાણકારી અગાઉથી વહેંચવાની શરૂઆત કરી છે, એનાથી ગુજરાતને રસીકરણ કેન્દ્રના સ્તરની વ્યૂહરચના બનાવવામાં મદદ મળી છે. તમામના પ્રયાસો સાથે રસીકરણ સાથે સંબંધિત આપણા લક્ષ્યાંકો આપણે ઝડપથી પાર પાડી શકીશું, આ જ વિશ્વાસ સાથે ફરી એક વાર નવી યોજનાઓ માટે તમને બધાને અભિનંદન.

ધન્યવાદ !

 



(Release ID: 1736383) Visitor Counter : 323