પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું


આપણો આજનો લક્ષ્યાંક માત્ર કોન્ક્રીટના બાંધકામ નથી પરંતુ આગવી શૈલીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે : પ્રધાનમંત્રી

ભારતની 21મી સદીની જરૂરિયાતો 20મી સદીના માર્ગે પૂરી થઈ શકે તેમ નથી : પ્રધાનમંત્રી

સાયન્સ સિટી એ મનોરંજક પ્રવૃત્તિ છે જે બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે : પ્રધાનમંત્રી

અમે રેલવેનો માત્ર એક સેવા તરીકે નહીં પરંતુ એક મિલકત તરીકે વિકાસ કર્યો છે ; પ્રધાનમંત્રી

ટાયર 2 અને ટાયર 3 શહેરોના રેલવે સ્ટેશન પણ અત્યાધુનિક સવલતોથી સજ્જ છે : પ્રધાનમંત્રી

Posted On: 16 JUL 2021 5:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

પ્રસંગે જનમેદનીને સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણો આજનો લક્ષ્યાંક માત્ર કોન્ક્રીટના બાંધકામ નથી પરંતુ આગવી શૈલીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેમણે જણાવ્યું હતું કે નૈસર્ગિક વિકાસમાં બાળકોની શિખાઉ વૃત્તિ અને સર્જનાત્મકતાને મનોરંજન સાથે વેગ મળવો જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે સાયન્સ સિટી પુનઃ સર્જન અને પુનઃ સર્જનાત્મકતાને સાંકળે છે. મનોરંજક પ્રવૃત્તિ છે જે બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે.

 

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સાયન્સ સિટી ખાતે રચવામાં આવેલી એક્વેટિક્સ ગેલેરી વધુ મનોરંજક બનનારી  છે. તે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી મોખરાનું એક્વેરિયમ છે. તેમણે જણાવ્યું હતું કે એક જગ્યાએ વિશ્વભરમાંની દરિયાઇ જૈવવિવિધતા નિહાળવી તે  પોતાનામાં એક અદભૂત અનુભવ છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રોબોટ ગેલેરી ખાતે રોબોટ સાથે વાર્તાલાપ કરવો તે માત્ર આકર્ષણનું કેન્દ્ર નથી પરંતુ તે આપણા યુવાનોને રોબોટિક્સ ક્ષેત્રમાં કાર્ય કરવા તથા તેમના મગજની જિજ્ઞાસાને વિકસાવવા માટે પણ પ્રોત્સાહન આપશે.

 

પ્રધાનમંત્રીએ બાબત પર ભાર મૂક્યો હતો કે ભારતની 21મી સદીની જરૂરિયાતો 20મી સદીની મોડસ ઓપરેન્ડીને આધારે પૂરી થઈ શકે તેમ નથી. આથી રેલવેમાં તાજા સુધારાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે રેલવેને માત્ર એક સેવા તરીકે નહીં પરંતુ એક મિલકત તરીકે જોવાના પ્રયાસોનું આજે પરિણામ મળી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મોટા રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ થયું છે. ટાયર 2 અને ટાયર 3 શહેરના રેલવે સ્ટેશન પણ વાઇ-ફાઈ જેવી સવલતોથી સજ્જ થયા છે. પ્રજાની સુરક્ષામાં વધારો કરીને બ્રોડગેજ રેલવે લાઇન પર માનવરહિત ક્રોસિંગ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાયા છે.

 

 

ભારત જેવા વિશાળ દેશમાં રેલવેની ચાવીરૂપ ભૂમિકા પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રેલવેએ વિકાસને નવા આયામો આપ્યા છે, સવલતોને નવા આયામો આપ્યા છે. છેલ્લા કેટલાક વર્ષમાં હાથ ધરાયેલા પ્રયાસને કારણે આજે પહેલી વાર વિવધ ટ્રેનો ઉત્તર-પૂર્વના પાટનગરો સુધી પહોંચી શકી છે. “આજે વડનગર પણ વિસ્તરણનો એક ભાગ બની ગયું છે. વડનગર રેલવે સ્ટેશન સાથે મારા ઘણા સંસ્મરણો સચવાયેલા છે. નવું સ્ટેશન અત્યંત આકર્ષક લાગે છે. નવી બ્રોડ ગેજ લાઇનના બાંધકામ સાથે વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સરકિટ હવે બહેતર રેલ સેવા સાથે સંકળાઈ છે.” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ ટકોર કરી હતી કે ન્યૂ ઇન્ડિયાના વિકાસનું વાહન એક સાથે બે ટ્રેક પર આગળ ધપીને પ્રગતિ કરી શકે છે. એક ટ્રેક આધુનિકતાનો છે અને બીજો ટ્રેક ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના કલ્યાણનો છે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1736267) Visitor Counter : 386