પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડના કારણે ઘરમાં કમાનાર સભ્ય ગુમાવનારા પરિવારોને મદદ માટે સરકારે વધુ પગલાંની જાહેરાત કરી


કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ જે પણ કર્મચારીએ કોવિડના કારણે જીવ ગુમાવ્યો હોય તેમના પર આશ્રિતોને પરિવાર પેન્શન આપવામાં આવશે

EDLI યોજના અંતર્ગત વીમા લાભો વધારવામાં આવ્યા અને વધુ ઉદાર કરવામાં આવ્યા

પરિવારોની આર્થિક મુશ્કેલીઓ ઘટાડવામાં આ યોજનાઓ મદદરૂપ થશે: પ્રધાનમંત્રી

Posted On: 29 MAY 2021 7:47PM by PIB Ahmedabad

ભારત સરકારે કોવિડના કારણે અસરગ્રસ્ત બાળકોના સશક્તિકરણ માટે PM CARES હેઠળ પગલાં લેવાની જાહેરાત કર્યા પછી, કોવિડના કારણે ઘરમાં કમાનારી વ્યક્તિ ગુમાવનારા પરિવારોને પણ મદદરૂપ થવા માટે વધુ કેટલાક પગલાં લેવાની જાહેરાત કરી છે. કોવિડના કારણે મૃત્યુ પામનારા કર્મચારીઓના પરિવારોને પેન્શન આપવામાં આવશે અને વીમા વળતરના લાભો વધારવામાં આવશે તેમજ તેને વધુ ઉદાર કરાવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર કર્મચારીઓના પરિવારો સાથે એકજૂથ બનીને તેમની પડખે ઉભી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવા પરિવારોને પડી રહેલી આર્થિક મુશ્કેલીઓ ઓછી કરી શકાય તેવા પ્રયાસો આ યોજનાઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

  • કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હેઠળ પરિવાર પેન્શન
  • કોવિડમાં આપ્તજનો ગુમાવનારાના પરિવારો માનભેર જીવી શકે અને સારું જીવનધોરણ જાળવી શકે તેમાં મદદરૂપ થવા માટે, નોકરી સંબંધિત મૃત્યુના કિસ્સામાં આપવામાં આવતા ESIC પેન્શન યોજના માટેના લાભો એવા કર્મચારીઓના પરિવાર સુધી પણ વિસ્તારવામાં આવ્યા છે જેમણે કોવિડના કારણે ગુમાવ્યો હોય. આવી વ્યક્તિ પર નિર્ભર પરિવારના સભ્યો હાલમાં લાગુ ધોરણો અનુસાર કામદાર દ્વારા મેળવવામાં આવતા સરેરાશ દૈનિક વેતનના 90%ની સમકક્ષ લાભો મેળવવા માટે હકદાર રહેશે. આ લાભો 24.03.2020ના રોજથી પાછલી અસરથી આપવામાં આવશે અને 24.03.2022 સુધીમાં આવા તમામ કિસ્સાઓમાં આ લાભ મળવા પાત્ર રહેશે. 
  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – એમ્પ્લોયઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ (EDLI )

EDLI યોજના હેઠળ વીમા લાભો વધારવામાં આવ્યા છે અને વધુ ઉદાર કરવામાં આવ્યા છે. અન્ય તમામ લાભાર્થીઓ ઉપરાંત, આ ખાસ કરીને કેવા કર્મચારીઓના પરિવારને મદદ કરાશે જેમણે કોવિડના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોય.

  • મહત્તમ વીમા લાભની રકમ 6 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવી છે
  • લઘુતમ વીમા લાભની 2.5 લાખની જોગવાઇ ફરી સ્થાપિત કરવામાં આવી છે અને 15 ફેબ્રુઆરી 2020ના રોજથી પાછલી અસરથી આગામી ત્રણ વર્ષ સુધી તે અમલમાં રહેશે
  • કોન્ટ્રાક્ટ આધારિત/છુટક કામદારો હોય તેવા પરિવારોને લાભ આપવા માટે, એક જ સંસ્થામાં સળંગ નોકરીની શરતમાં ઉદાર વલણ અપનાવવામાં આવ્યું છે અને આ લાભ એવા કર્મચારીઓના પરિવારોને પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જેમણે પોતાના મૃત્યુ પહેલાં 12 મહિનાના સમયમાં જ નોકરી બદલી હોય. 

આ યોજનાઓ વિશેની વિગતવાર માર્ગદર્શિકાઓ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે.

SD/GP/JD

 

 

 



(Release ID: 1722796) Visitor Counter : 434