સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્ર દ્વારા કોવિડ-19ની રસીઓ માટે કોઇ નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી તેવા આક્ષેપો કરતા મીડિયા અહેવાલો ખોટા અને તથ્ય વિહોણા છે

Posted On: 03 MAY 2021 1:50PM by PIB Ahmedabad

 

કેન્દ્ર દ્વારા કોવિડ-19ની રસી માટે કોઇ નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી તેવા આક્ષેપો કરતા મીડિયા અહેવાલો તાજેતરમાં ફરતા થયા છે. આવા સમાચારોમાં ટાંકવામાં આવ્યું છે કે, બે રસી ઉત્પાદકોને છેલ્લે માર્ચ 2021માં ઓર્ડર આપવામાં આવ્યો હતો (જેમાં SIIને 100 મિલિયન ડોઝ અને ભારત બાયોટેકને 20 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો હોવાનું દર્શાવ્યું છે).

આવા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને તથ્ય વિહોણા છે.

આથી અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII)ને 28.4.2021ના રોજ કોવિશીલ્ડ રસીના 11 કરોડ ડોઝ મે, જૂન અને જુલાઇ મહિનામાં પૂરાં પાડવા માટે રૂપિયા 1732.50 કરોડ (TDS કાપ્યા પછી રૂ. 1699.50 કરોડ)ની ચુકવણી 100% એડવાન્સ પેમેન્ટ તરીકે કરવામાં આવી છે અને 28.4.2021ના રોજ તેમને આ રકમ પ્રાપ્ત થઇ ચુકી છે. આજદિન સુધીમાં, કોવિશીલ્ડ રસીના 10 કરોડ ડોઝના છેલ્લા ઓર્ડરની સામે, 8.744 કરોડ ડોઝની 03.05.2021 સુધીમાં ડિલિવરી પણ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત, ભારત બાયોટેક ઇન્ડિયા લિમિટેડ (BBIL)ને મે, જૂન અને જુલાઇ મહિના દરમિયાન કોવેક્સિનના 5 કરોડ ડોઝ માટે 100% એડવાન્સ પેટે રૂપિયા 787.50 કરોડ (TDS કાપ્યા પછી રૂપિયા 772.50 કરોડ) ચુકવવામાં આવ્યા છે અને 28.04.2021ના રોજ તેમને આ રકમ પ્રાપ્ત થઇ ગઇ છે. આજદિન સુધીમાં, કોવેક્સિન રસીના 2 કરોડ ડોઝ માટેના છેલ્લા ઓર્ડરમાંથી 0.8813 કરોડ ડોઝની ડિલિવરી 03.05.2021 સુધીમાં થઇ ગઇ છે.

આથી, ભારત સરકાર દ્વારા કોઇપણ નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી તેમ કહેવું તદ્દન ખોટું છે.

2 મે 2021ના રોજની સ્થિતિ અનુસાર, ભારત સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 16.54 કરોડ ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ કવાયત આગળ વધારવા માટે હજુ પણ તેમની પાસે 78 લાખ ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર દ્વારા 56 લાખ કરતાં વધારે રસીના ડોઝનો વધારાનો જથ્થો પહોંચાડી દેવામાં આવશે.

ઉદારિકૃત કિંમતો અને પ્રવેગિત રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ વ્યૂહનીતિ અંતર્ગત, ભારત સરકાર કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા માન્ય કરાયેલ રસીનો 50% હિસ્સો ખરીદવાનું ચાલુ રાખશે અને અગાઉની જેમ જ રાજ્યોને વિનામૂલ્યે રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનું પણ ચાલુ રાખશે.

 


(Release ID: 1715674) Visitor Counter : 373